ઇન્ટરવ્યૂ | શાલિન ગ્રેનોલેરાસ
કિડની સ્પેશિયાલિસ્ટ પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે
ડૉક્ટર શાલિન ગ્રેનોલેરાસ ફ્રાન્સમાં કિડની રોગોના નિષ્ણાત છે. ડૉક્ટર બન્યાનાં ૨૦ કરતાં વધારે વર્ષો પછી, તે એ નિર્ણય પર આવ્યાં કે આપણી સંભાળ રાખનાર સર્જનહાર છે. સજાગ બનો!એ તેમને પોતાના કામ અને શ્રદ્ધા વિશે અમુક સવાલો પૂછ્યા..
તમારા બાળપણ વિશે જણાવો.
હું નવ વર્ષની હતી ત્યારે મારું કુટુંબ સ્પેનથી ફ્રાંસ રહેવા ગયું. મારા માતાપિતા કૅથલિક ધર્મ પાળતા હતા. સોળ વર્ષની ઉંમરે મેં ઈશ્વરમાં માનવાનું છોડી દીધું. મારા માટે જીવન સાથે ધર્મને કોઈ લેવાદેવા ન હતી. કોઈ મને પૂછે કે ઈશ્વર વગર જીવન ક્યાંથી આવ્યું? તો હું કહેતી, ‘વૈજ્ઞાનિકો હમણાં સમજાવી શકતા નથી પણ એક દિવસ જરૂર સમજાવી શકશે.’
તમે કેમ કિડની રોગ વિશે અભ્યાસ કર્યો?
મેં ફ્રાંસના મોન્ટપીલર શહેરની મેડિકલ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. એક પ્રોફેસરે મને નેફ્રોલૉજી વિભાગમાં કામ કરવાનું જણાવ્યું, જેમાં કિડનીના રોગની સારવાર આપવામાં આવે છે. મારું કામ સંશોધન કરવાનું અને દર્દીઓની સંભાળ રાખવાનું હતું. મને એવું જ કામ જોઈતું હતું. ૧૯૯૦માં મેં હાડકાંમાં રક્તકણોના ઉત્પાદનને સમતોલ રાખવામાં રીકોમ્બીનન્ટ ઈરીથ્રોપોઈટીનનો (ઈપીઓ) કઈ રીતે ઉપયોગ કરવો એનું સંશોધન કરવામાં ભાગ લીધો. એ સમયે એના સંશોધનની શરૂઆત થઈ હતી.
તમે શાના લીધે ઈશ્વર વિશે વિચારવાનું શરૂ કર્યું?
૧૯૭૯માં મારા પતિ ફ્લોરેલે, યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. પણ મને એમાં કોઈ રસ ન હતો. કારણ કે, નાનપણથી જ હું ધર્મથી કંટાળી ગઈ હતી. મારા પતિ અને બાળકો થોડા સમયમાં જ યહોવાના સાક્ષી બન્યા. મોટા ભાગના અમારા મિત્રો પણ યહોવાના સાક્ષી હતા. એમાંની મારી એક બહેનપણી પેટ્રેશિયાએ મને પ્રાર્થના કરવાનું ઉત્તેજન આપ્યું. તેણે કહ્યું: ‘જો
ઈશ્વર ન હોય તો તું કંઈ ગુમાવીશ નહિ. પણ હોય તો તને ફરક જોવા મળશે.’ વર્ષો પછી, હું જીવનના હેતુ વિશે વિચારવા લાગી અને મને પેટ્રેશિયાના એ શબ્દો યાદ આવ્યા. સમજણ મેળવવા મેં પ્રાર્થના કરવાનું શરૂ કર્યું.તમે શા માટે જીવનના હેતુ વિશે વિચારવા લાગ્યા?
આતંકવાદીઓએ ન્યૂ યૉર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો હતો. એટલે, મને થયું કે દુનિયા કેમ આટલી બધી દુષ્ટ છે. હું વિચારવા લાગી: ‘ધર્મઝનૂનીઓના લીધે આપણું ભવિષ્ય ખતરામાં આવી જશે. મારી આજુબાજુ યહોવાના સાક્ષીઓ હળીમળીને શાંતિથી રહે છે. તેઓ તો ઝનૂની નથી. તેઓ બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવે છે. એટલે મને થયું કે બાઇબલ શું શીખવે છે એ મારે જોવું પડશે.’ તેથી, મેં બાઇબલ વાંચવાનું શરૂ કર્યું.
ડૉક્ટર તરીકે સર્જનહારમાં માનવું શું મુશ્કેલ હતું?
ના. આપણા શરીરની અજોડ રચના માટે મને ઘણું માન હતું. દાખલા તરીકે, આપણી કિડની રક્તકણોને જે રીતે સમતોલ રાખે છે એ ખરેખર નવાઈ પમાડનારું છે.
તમે કેમ એવું માનો છો?
મને સમજાયું કે ઈશ્વર જ આવી ભવ્ય રચના કરી શકે છે
તમે જાણતા હશો કે રક્તકણો આખા શરીરમાં ઑક્સિજન પહોંચાડે છે. જો તમારું ઘણું લોહી વહી જાય અથવા તમે ખૂબ ઊંચી જગ્યાએ જાઓ, તો તમારા શરીરમાં ઑક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જશે. આપણી કિડની ઑક્સિજનના પ્રમાણને માપી શકે છે. જ્યારે લોહીમાં ઑક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય, ત્યારે કિડની ઈપીઓનું ઉત્પાદન શરૂ કરી દે છે. એનાથી લોહીમાં એનું પ્રમાણ હજારોગણું વધી જાય છે. વધારે રક્તકણો બનાવવા ઈપીઓ મજ્જાને ઉત્તેજિત કરે છે, જેથી શરીરમાં વધારે ઑક્સિજન ફેલાય. એ સાચે જ અદ્ભૂત છે! ખરું કહું તો, મેં આ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો એના દસ વર્ષ પછી મને સમજાયું કે ઈશ્વર જ આવી ભવ્ય રચના કરી શકે છે.
બાઇબલ વાંચ્યા પછી તમને કેવું લાગ્યું?
મેં ઘણી પ્રખ્યાત નવલકથાઓ અને ઇતિહાસનાં પુસ્તકો વાંચ્યાં છે. પણ બાઇબલ વાંચવા લાગી, તેમ તરત જ જોઈ શકી કે એ એકદમ અલગ છે. એની સલાહ જીવનમાં મદદરૂપ છે, જે બતાવે છે કે એ મનુષ્ય પાસેથી નહિ પણ અજોડ શક્તિ પાસેથી આવે છે. ઈસુના વ્યક્તિત્વનો મારા પર ખૂબ પ્રભાવ પડ્યો. મેં જોયું કે ઈસુ હકીકતમાં હતા. તેમને લાગણીઓ હતી અને મિત્રો પણ હતા. મને સવાલો થતા ત્યારે, એનું સંશોધન કરવા હું યહોવાના સાક્ષીઓનું સાહિત્ય નહિ પણ ઍન્સાઇક્લોપીડિયા અને બીજાં જાણીતાં સાહિત્ય વાપરતી.
તમે શાનું સંશોધન કર્યું?
મેં ઇતિહાસનાં પુસ્તકોમાં સંશોધન કર્યું હતું . . . આખરે, હું એ નિર્ણય પર આવી કે બાઇબલની ભવિષ્યવાણી ખરા સમયે પૂરી થઈ હતી
ઘણી બાબતો વિશે. જેમ કે, ઈસુ કયા વર્ષમાં બાપ્તિસ્મા પામશે એ બાઇબલ ભવિષ્યવાણીમાં મને ખૂબ રસ પડ્યો. એ સ્પષ્ટ જણાવતું હતું કે ઈરાનના આર્તાહશાસ્તા રાજાના રાજ્યના ૨૦માં વર્ષથી લઈને ઈસુ મસીહ તરીકે હાજર થશે એ વચ્ચે કેટલાં વર્ષો વીતશે. * કામના લીધે હું સંશોધન કરવા ટેવાયેલી હતી. એટલે, મેં ઇતિહાસનાં પુસ્તકોમાં આર્તાહશાસ્તાના રાજ્ય અને ઈસુના સેવાકાર્યના સમયગાળા વિશે સંશોધન કર્યું. આખરે, હું એ નિર્ણય પર આવી કે બાઇબલની ભવિષ્યવાણી ખરા સમયે પૂરી થઈ હતી અને ઈશ્વરની પ્રેરણાથી લખાઈ છે.
^ યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પાન ૧૯૮થી ૧૯૯ જુઓ.