આંસુઓનું રહસ્ય
જન્મ થતાની સાથે જ આપણે રડીએ છીએ. એક નિષ્ણાત જણાવે છે કે બાળકનું રડવું જાણે ‘ગર્ભનાળ’ની જેમ કામ કરે છે, જેથી તેની શારીરિક અને લાગણીમય જરૂરિયાતો પૂરી કરવામાં આવે. પણ, આપણે મોટા થઈએ ત્યારે, વાતચીત કરી શકતા હોવા છતાં શા માટે રડીએ છીએ?
ઘણાં કારણોને લીધે આપણી આંખમાંથી લાગણીમય આંસુ વહે છે. જેમ કે, શોક, અકળામણ કે શારીરિક અથવા માનસિક દુઃખના લીધે રડવું આવી શકે. જ્યારે કે ખુશી, રાહત અથવા કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવાથી હર્ષના આંસુ આવી શકે. બીજાનાં આંસુ જોઈને પણ આપણી આંખમાં આંસુ આવી શકે. મારિયા કહે છે, “ભલેને કોઈ પણ કારણ હોય, પણ બીજાને રડતા જોઈને મારી આંખો પણ ભરાઈ આવે છે.” ફિલ્મ અથવા પુસ્તકોમાં બતાવવામાં આવતાં અમુક દૃશ્યો પણ આપણને રડાવી શકે.
ભલે ગમે એ કારણ હોય, પણ રડવું એ શબ્દો વગરની શક્તિશાળી ભાષા છે. એડલ્ટ ક્રાઈંગ પુસ્તક જણાવે છે કે “થોડી પળમાં ઘણું કહેવાની બીજી પણ અનેક રીત છે.” આંસુ કંઈક કરવા પ્રેરે છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ દુઃખનાં આંસુ સારતી હોય તો, આપણામાંથી મોટા ભાગના એને નજરઅંદાજ કરી શકતા નથી. એ જોઈને આપણને ખબર પડે છે કે તે દુઃખી છે. એટલે, રડતી વ્યક્તિને દિલાસો આપવા અથવા મદદ કરવા પ્રેરાઈએ છીએ.
ઘણા નિષ્ણાતોનું માનવું છે કે આંસુ સારવાથી દિલનો ભાર હળવો થાય છે. અને આંસુ રોકી રાખવાની આદતથી તંદુરસ્તી પર ખરાબ અસર પડે છે. જ્યારે કે બીજાઓ દલીલ કરે છે કે રડવાથી શારીરિક કે માનસિક રીતે ફાયદો થાય છે એવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. તેમ છતાં, એક સર્વે મુજબ ૮૫ ટકા સ્ત્રીઓ અને ૭૩ ટકા પુરુષોએ જણાવ્યું કે આંસુ સાર્યા પછી સારું લાગે છે. નાઓમી કહે છે, “અમુક વાર મને રડવાની જરૂર લાગે. રડ્યા પછી ઊંડો શ્વાસ લઉં છું અને બાબતોને ખરા અર્થમાં સમજી શકું છું.”
એક સર્વે મુજબ ૮૫ ટકા સ્ત્રીઓ અને ૭૩ ટકા પુરુષોએ જણાવ્યું કે આંસુ સાર્યા પછી સારું લાગે છે
પણ, રાહતની લાગણી ફક્ત આંસુ સારવા પર આધારિત નથી. આપણાં આંસુ જોઈને બીજાઓ જે રીતે વર્તે છે એ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમ કે, બીજાઓ આપણાં આંસુ જોઈને દિલાસો
કે મદદ આપે, એનાથી હળવાશ અનુભવીએ છીએ. પણ, નજરઅંદાજ કરવામાં આવે તો, શરમ કે તરછોડવામાં આવ્યા હોય એવું અનુભવીએ છીએ.એનાથી દેખાઈ આવે છે કે રડવાનું રહસ્ય પૂરી રીતે સમજાયું નથી. આપણે એટલું જાણીએ છીએ કે આંસુ સારવા એ એક અજોડ લાગણી છે, જે ઈશ્વરે આપી છે. (g14-E 03)