આનો રચનાર કોણ?
સાપની ચામડી
સાપને હાથ-પગ હોતા નથી. એટલે ઘર્ષણ સામે ટકી રહેવા એને મજબૂત ચામડીની જરૂર હોય છે. ઘણી જાતના સાપ ખરબચડા ઝાડ પર ચડે છે, જ્યારે કે બીજા અમુક ઘસરડો પાડી દે એવી રેતીમાં દર બનાવે છે. સાપની ચામડી કેમ આટલી મજબૂત હોય છે?
જાણવા જેવું: સાપની ચામડીની જાડાઈ અને એનું બંધારણ જાતિ પ્રમાણે અલગ અલગ હોય છે. જોકે, બધા સાપની ચામડીમાં એક બાબત સરખી છે: એ બહારથી મજબૂત અને અંદર જતા પોચી થતી જાય છે. એનો શું ફાયદો? સંશોધક મૉરી ક્રિસ્ટીન ક્લાઈન જણાવે છે કે, “વસ્તુ બહારથી મજબૂત પણ અંદરથી પોચી હોય તો, એના પર દબાણ આવે ત્યારે એને બધે ફેલાવી દઈ શકે છે.” સાપની ચામડીની અજોડ રચનાને લીધે જમીન અને શરીર વચ્ચે યોગ્ય ઘસારો લાગતા સાપ હલનચલન કરી શકે છે. એ જ સમયે તીક્ષ્ણ પથ્થરોની વચ્ચેથી પસાર થાય ત્યારે દબાણને આખા શરીરમાં એકસરખું ફેલાવી દે છે, જેથી ચામડીને ઓછું નુકસાન થાય. દર બે કે ત્રણ મહિને સાપ પોતાની કાંચળી ઉતારી દે છે. એટલે, એ ટકાઉ હોવી જરૂરી છે.
સાપની ચામડી જેવા ગુણધર્મો ધરાવતી વસ્તુઓનો ઉપયોગ તબીબી ક્ષેત્રે થઈ શકે છે. જેમ કે, ટકાઉ અને સરકી ન શકે એવા કૃત્રિમ અંગો બનાવવા. તેમ જ, સાપની ચામડીની નકલ કરીને માલસામાન લઈ જતો એવો પટ્ટો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં વાતાવરણને દુષિત કરતા ઊંજણો ઓછા વપરાય.
વિચારવા જેવું: સાપની ચામડી શું પોતાની મેળે આવી કે પછી એનો કોઈ રચનાર છે? (g14-E 03)