આનો રચનાર કોણ?
પ્રકાશ શોષી લેતી પતંગિયાની પાંખ
અશ્મિ બળતણનો ઓછો વપરાશ થાય એ માટે વૈજ્ઞાનિકો સૂર્યપ્રકાશનો સંગ્રહ કરી શકે એવા સારા સાધનો શોધવા પ્રયત્ન કરી રહ્યા છે. એક વૈજ્ઞાનિક જણાવે છે: ‘એ મુશ્કેલીનો ઉકેલ આપણી નજર સામે ઊડતા પતંગિયામાં જ છે.’
જાણવા જેવું: ઠંડા વાતાવરણમાં હૂંફ મેળવવા પતંગિયું સૂર્યપ્રકાશમાં પોતાની પાંખો ફેલાવે છે. અમુક જાતિના પૂંછડીવાળા પતંગિયા પોતાની પાંખોમાં સૂર્યપ્રકાશનો સારી રીતે સંગ્રહ કરી શકે છે. એ ખાસિયત એના ઘાટા રંગને લીધે નહિ પણ, પાંખોની વિશિષ્ટ રચનાને લીધે છે. પતંગિયાની પાંખો પર લાખો સૂક્ષ્મ ભીંગડાં હોય છે. એ ભીંગડાં મધપૂડાની જેમ ગોઠવાયેલા હોય છે અને ઊંધાં વી આકારની ઉપસેલી રેખાઓથી અલગ પડે છે. એ રેખાઓ પ્રકાશને ભીંગડાં સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ અદ્ભૂત રચના સૂર્યપ્રકાશને અંદર ખેંચી લે છે જેથી, પતંગિયાની પાંખો એકદમ કાળી પડી જાય છે. આમ, એના શરીરનું તાપમાન અજોડ રીતે જળવાઈ રહે છે.
સાયન્સ ડેઈલી નામનું મૅગેઝિન જણાવે છે: “પતંગિયાની પાંખો કુદરતનું સૌથી નાજુક બંધારણ છે. પણ એનાથી સંશોધકોને એવી ટૅક્નોલૉજી વિકસાવવા પ્રેરણા મળી છે જેથી, પાણી અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પ્રદૂષણમુક્ત ઈંધણ એટલે કે હાઇડ્રોજન ગૅસનું ઉત્પાદન બમણું થઈ શકે.” ઉપરાંત, સોલર સેલ અને આંખના સાધનો માટે પણ એ મદદરૂપ થશે એવી આશા રાખવામાં આવે છે.
વિચારવા જેવું: પ્રકાશ શોષી લેતી પતંગિયાની પાંખ શું પોતાની મેળે આવી કે પછી એનો કોઈ રચનાર છે? (g14-E 08)