“જાગતા રહો”
“જાગતા રહો”
“માટે જાગતા રહો, કેમકે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.”—માત્થી ૨૪:૪૨.
૧. યહોવાહના વિશ્વાસુ સેવકોને લાંબા સમયની સેવા વિષે કેવું લાગે છે? ઉદાહરણ આપો.
યહોવાહની સેવા કરતા ઘણા ઉંમરવાળા ભાઈ-બહેનો યુવાનીમાં સત્ય શીખ્યા. તેઓ એક વેપારી જેવા છે, જેને મૂલ્યવાન મોતી મળ્યું. તેણે એ ખરીદવા પોતાનું બધુ જ વેચી દીધું. તેની જેમ એ વિશ્વાસુ સેવકોએ પણ યહોવાહની સેવા કરવા બધુ જ જતું કર્યું. (માત્થી ૧૩:૪૫, ૪૬; માર્ક ૮:૩૪) પૃથ્વી પર દેવના હેતુઓ પૂરા થવામાં તેઓએ ધાર્યા કરતાં, વધારે સમય લાગ્યો હોય શકે. એ વિષે તેઓને કેવું લાગે છે? એનું તેઓને જરાય દુઃખ નથી! તેઓ ભાઈ એલૅક્ઝાંડર હ્યુ મેકમિલન સાથે સહમત થાય છે, જેમણે લગભગ ૬૦ વર્ષો યહોવાહની સેવા કર્યા પછી કહ્યું: “મારો વિશ્વાસ વધારે દૃઢ થયો છે. એણે મને જીવવાની આશા આપી છે. તેથી, હું ભાવિ વિષે ચિંતા કરતો નથી.”
૨. (ક) ઈસુએ શિષ્યોને કઈ સમયસરની સલાહ આપી? (ખ) આ લેખમાં આપણે કયા પ્રશ્નોની ચર્ચા કરીશું?
૨ આપણા વિષે શું? આપણે બધાએ ઈસુના આ શબ્દો પર મનન કરવાની જરૂર છે: “માટે જાગતા રહો, કેમકે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.” (માત્થી ૨૪:૪૨) એ સાદા શબ્દોમાં ઊંડું સત્ય રહેલું છે. આપણે જાણતા નથી કે આ દુષ્ટ જગતનો ન્યાય કરવા પ્રભુ ક્યારે આવશે. ખરું કહો તો, આપણે એ જાણવાની જરૂર પણ નથી. પરંતુ, આપણે એ રીતે જીવીએ કે પ્રભુ આવે ત્યારે, પસ્તાવું ન પડે. એ વિષે બાઇબલમાં કયાં ઉદાહરણો મળી આવે છે, જે આપણને ‘જાગતા રહેવા’ મદદ કરશે? ઈસુએ કઈ રીતે એ બતાવ્યું? આપણે આ દુષ્ટ જગતના છેલ્લા દિવસોમાં છીએ, એના શું પુરાવા છે?
ચેતવણીરૂપ ઉદાહરણ
૩. આજે કઈ રીતે નુહના દિવસના જેવા જ લોકો છે?
૩ નુહના દિવસ જેવા જ આજના લોકો છે. એ સમયે પૃથ્વી હિંસાથી ભરપૂર હતી, અને માણસના હૃદયની હરેક કલ્પના “નિરંતર ભૂંડી” હતી. (ઉત્પત્તિ ૬:૫) મોટા ભાગના લોકો સાંસારિક જીવનમાં ડૂબી ગયા હતા. છતાં, યહોવાહ દેવે જળપ્રલય લાવતા પહેલાં, લોકોને પસ્તાવો કરવાની તક આપી. તેમણે નુહને પ્રચાર કરવાની આજ્ઞા આપી, અને નુહે એમ જ કર્યું. તેમણે લગભગ ૪૦, ૫૦ કે વધારે વર્ષો સુધી, “ન્યાયીપણાના ઉપદેશક” તરીકે સેવા કરી. (૨ પીતર ૨:૫) પરંતુ, નુહની ચેતવણીની લોકો પર કોઈ અસર થઈ નહિ, કેમ કે તેઓ ‘જાગતા’ ન રહ્યા. આખરે, ફક્ત નુહ અને તેમનું કુટુંબ યહોવાહના ન્યાયથી બચી ગયા.—માત્થી ૨૪:૩૭-૩૯.
૪. નુહનું કાર્ય કઈ રીતે સફળ હતું, અને તમારા વિષે પણ કઈ રીતે એમ કહી શકાય?
૪ શું નુહનું પ્રચારકાર્ય સફળ હતું? અહીં સવાલ એ નથી કે કેટલા લોકો બચ્યા. લોકોએ ભલે ગમે એ કર્યું, પણ નુહનું પ્રચારકાર્ય જરૂર સફળ થયું. એનું કારણ એ કે, એનાથી લોકોને પસંદગી કરવાનો પૂરતો સમય હતો કે, તેઓ યહોવાહની સેવા કરશે કે નહિ. તમે જેઓને પ્રચાર કરો છો, તેઓ વિષે શું? ભલે તેઓ સાંભળે કે નહિ, પણ તમે સફળ થયા છો. એનું કારણ એ કે પ્રચાર કરીને, તમે દેવની ચેતવણી આપો છો. તેમ જ, તમે ઈસુએ પોતાના શિષ્યોને આપેલી આજ્ઞા પાળી રહ્યા છો.—માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦.
દેવના પ્રબોધકોનું સાંભળ્યું નહિ
૫. (ક) હબાક્કૂકના દિવસમાં યહુદાહની કઈ હાલત હતી, અને તેમના સંદેશની તેઓ પર કેવી અસર પડી? (ખ) યહુદાહના લોકોએ કઈ રીતે યહોવાહના પ્રબોધકોની સતાવણી કરી?
૫ જળપ્રલયને વર્ષો વીતી ગયા પછી, યહુદાહની હાલત બહુ ખરાબ થઈ ગઈ. એ સમયે મૂર્તિપૂજા, અન્યાય, જુલમ, અરે કોઈને મારી નાખવું પણ રમત વાત હતી. યહોવાહે તેઓને ચેતવણી આપવા પ્રબોધક હબાક્કૂકને મોકલ્યા. તેઓને જણાવ્યું કે, પસ્તાવો નહિ કરે તો, તેઓ પર ખાલદીઓ કે બાબેલોનીઓ દ્વારા વિનાશ આવી પડશે. (હબાક્કૂક ૧:૫-૭) પરંતુ, તેઓ એકના બે ન થયા. તેઓને થયું હશે, ‘એકસો વર્ષ અગાઉ, પ્રબોધક યશાયાહ પણ એમ જ કહેતા હતા ને, પણ ક્યાં કંઈ થયું છે!’ (યશાયાહ ૩૯:૬, ૭) યહુદાહના ઘણા સરદારોએ ચેતવણી તો માની નહિ, પરંતુ ઉપરથી પ્રબોધકોની સતાવણી પણ કરી. અરે, તેઓએ પ્રબોધક યિર્મેયાહને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, અને અહીકામ મદદે આવ્યો ન હોત તો, એમ જ થયું હોત. વળી, તેઓ વિરુદ્ધ બીજા એક સંદેશથી ગુસ્સે થઈને, યહોયાકીમે પ્રબોધક ઉરીયાહને તરવારથી મારી નાખ્યા.—યિર્મેયાહ ૨૬:૨૧-૨૪.
૬. યહોવાહે હબાક્કૂકને કઈ રીતે હિંમત આપી?
૬ યહુદાહ ૭૦ વર્ષ સુધી ઉજ્જડ પડી રહેશે, એવી ભવિષ્યવાણી કરવા યહોવાહ દેવે યિર્મેયાહને જણાવ્યું હતું. હબાક્કૂકનો સંદેશો પણ એટલો જ અપ્રિય હતો, અને હિંમત માંગી લેતો હતો. (યિર્મેયાહ ૨૫:૮-૧૧) તેથી, તે આમ પોકારી ઊઠે છે: “હે યહોવાહ, ક્યાં સુધી હું પોકાર કરીશ, ને તું સાંભળશે નહિ? હું જોરજુલમ વિષે તારી આગળ બૂમ પાડું છું તો પણ તું બચાવ કરતો જ નથી.” (હબાક્કૂક ૧:૨) યહોવાહે પ્રેમથી તેમનો વિશ્વાસ દૃઢ કર્યો: “એ સંદર્શન હજી નીમેલા વખતને માટે છે, કેમકે તે પૂર્ણ થવાને તલપાપડ કરી રહ્યું છે, તે ખોટું પડશે નહિ; જોકે તેને વિલંબ થાય, તોપણ તેની વાટ જો; કેમકે તે નક્કી આવશે, તે વિલંબ કરશે નહિ.” (હબાક્કૂક ૨:૩) આમ, યહોવાહે અન્યાય અને જુલમનો અંત લાવવા ‘વખત નીમેલો’ હતો. એ આવતા મોડું થાય છે એમ લાગે તોપણ, હબાક્કૂકે નિરાશ થઈને ધીમા પડી જવાનું ન હતું. એને બદલે, તેમણે દરરોજ સમય વર્તીને સાવધ રહીને, ‘વાટ જોવાની’ હતી. હા, યહોવાહનો દિવસ મોડો પડશે નહિ!
૭. પ્રથમ સદી સી.ઈ.માં શા માટે ફરીથી યરૂશાલેમનો વિનાશ ભાખવામાં આવ્યો?
૭ યહોવાહે હબાક્કૂક સાથે વાતચીત કરી, એના લગભગ ૨૦ વર્ષ પછી, યહુદાહના મુખ્ય શહેર યરૂશાલેમનો નાશ થયો. પછી એનું ફરીથી બાંધકામ થયું, અને હબાક્કૂકને દુઃખી કરતી ઘણી ખોટી બાબતો સુધારવામાં આવી. છતાં, પ્રથમ સદી સી.ઈ.માં, યરૂશાલેમના લોકોની બેવફાઈને કારણે, ફરીથી એનો વિનાશ ભાખવામાં આવ્યો. જોકે, દયાળુ દેવ યહોવાહે ન્યાયી લોકોને બચાવવાની ગોઠવણ કરી. આ વખતે સંદેશો આપવા તેમણે ખુદ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. ઈસુએ પોતાના શિષ્યોને ૩૩ સી.ઈ.માં કહ્યું: “જ્યારે યરૂશાલેમને ફોજોથી ઘેરાયલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે. ત્યારે જેઓ યહુદાહમાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું.”—લુક ૨૧:૨૦, ૨૧.
૮. (ક) ઈસુના મરણ પછી, સમય જતાં અમુક ખ્રિસ્તીઓને કેવું લાગ્યું હોય શકે? (ખ) યરૂશાલેમ વિષેની ઈસુની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?
૮ વર્ષો પસાર થતાં, યરૂશાલેમમાંના અમુક ખ્રિસ્તીઓને થયું હોય શકે કે ઈસુની ભવિષ્યવાણી ક્યારે પૂરી થશે. ખરું જોતાં, તેઓમાંના કેટલાકે ‘જાગતા રહેવા’ જે તકો જતી કરી હશે, એનો વિચાર કરો. તેઓ નોકરી-ધંધામાં રચ્યા પચ્યા નહિ રહ્યા હોય. સમય જતાં, શું તેઓ થાકી ગયા? શું તેઓને એમ લાગ્યું કે, તેઓ ખોટો સમય બગાડી રહ્યા છે, અને ઈસુની ભવિષ્યવાણી પોતાના સમયમાં નહિ, પણ ભાવિમાં પૂરી થશે? રૂમી સૈન્યે ૬૬ સી.ઈ.માં યરૂશાલેમને ઘેરો ઘાલ્યો ત્યારે, ઈસુની ભવિષ્યવાણી પૂરી થવા માંડી. ‘જાગતા’ હતા તેઓ નિશાની પારખીને, શહેરમાંથી નાસી ગયા અને યરૂશાલેમના ભયાનક વિનાશમાંથી બચી ગયા.
સાવધ રહેવાની જરૂર
૯, ૧૦. (ક) ધણીની રાહ જોતા દાસોના ઉદાહરણ વિષે ટૂંકમાં જણાવો. (ખ) દાસોને ધણીની રાહ જોવાનું કેમ અઘરું લાગ્યું હોય શકે? (ગ) દાસોને માટે કઈ રીતે ધીરજનાં ફળ મીઠાં થવાના હતાં?
૯ સતત ‘જાગતા રહેવા’ પર ભાર મૂકતા, ઈસુ પોતાના શિષ્યોને દાસો સાથે સરખાવે છે. એ દાસો પોતાનો ધણી લગ્નમાંથી પાછા આવે એની રાહ જોતા હતા. તેઓને ખબર હતી કે તે રાત્રે આવશે, પણ કયા સમયે? એ રાતના પ્રથમ પહોરે? બીજા પહોરે? કે ત્રીજા પહોરે? તેઓ એ જાણતા ન હતા. ઈસુએ કહ્યું: “જો તે [ધણી] બીજે પહોરે આવે, કે ત્રીજે પહોરે આવે, અને તેઓને એમ કરતા [જાગતા] જુએ, તો તે દાસોને ધન્ય છે!” (લુક ૧૨:૩૫-૩૮) તમે એ દાસોની કલ્પના કરો! જરા અવાજ થાય કે કોઈ આવતું જણાય, એટલે તેઓને થતું હશે: ‘શું એ આપણા ધણી છે?’
૧૦ ધારો કે ધણી બીજા પહોરે, એટલે કે રાત્રે નવ વાગ્યાથી મધરાત સુધીમાં કોઈ પણ સમયે આવે. હવે, દાસોમાંના અમુક વહેલી સવારથી ઊઠીને મહેનત કરતા હશે. શું બધા દાસો ધણીને આવકારવા તૈયાર હશે, કે અમુક ઊંઘી ગયા હતા? મધરાતે બારથી સવારે ત્રણ વાગ્યા સુધીના, ત્રીજા પહોરના કોઈ પણ સમયે ધણી આવે તો શું? શું અમુક દાસો, ધણીને મોડું થયું હોવાથી, નિરાશ થયા, કે બડબડાટ કરવા લાગ્યા? * ધણી આવશે ત્યારે જાગતા રહેનાર દાસોને જ શાબાશી આપશે. તેઓને નીતિવચન ૧૩:૧૨ના શબ્દો લાગુ પડે છે: “આશાનું ફળ મળવામાં વિલંબ થયાથી અંતઃકરણ ઝુરે છે; પણ ઇચ્છાનું ફળ મળે છે ત્યારે તે જીવનવૃક્ષ છે.”
૧૧. ‘જાગતા રહેવા’ પ્રાર્થના કઈ રીતે મદદ કરી શકે?
૧૧ ઈસુના શિષ્યોને મોડું થતું લાગે તો, ‘જાગતા રહેવા’ કઈ બાબત મદદ કરશે? ગેથસેમાનેની વાડીમાં ઈસુને પકડવામાં આવ્યા એના પહેલાં, તેમણે પોતાના ત્રણ પ્રેષિતોને કહ્યું: “જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો.” (માત્થી ૨૬:૪૧) એ પ્રસંગે હાજર રહેનાર, પીતરે વર્ષો પછી સાથી ખ્રિસ્તીઓને એવી જ સલાહ આપી. તેમણે લખ્યું: “સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ, ને સાવધ રહીને પ્રાર્થના કરો.” (૧ પીતર ૪:૭) આમ, આપણે નિયમિત રીતે યહોવાહ દેવને પ્રાર્થના કરવી જોઈએ. ખરેખર, ‘જાગતા રહેવા’ માટે આપણે યહોવાહ દેવને હંમેશા કાલાવાલા કરતા રહેવું જોઈએ.—રૂમી ૧૨:૧૨; ૧ થેસ્સાલોનીકી ૫:૧૭.
૧૨. ‘દહાડા તથા ઘડી’ વિષે ગણતરી કરવી, અને અપેક્ષા રાખવી, એ બેમાં શું તફાવત છે?
૧૨ નોંધ લો કે પીતરે એમ પણ કહ્યું: “સર્વનો અંત પાસે આવ્યો છે.” કેટલો પાસે? ચોક્કસ દિવસ અને સમય જાણવો, એ આપણા માટે શક્ય નથી. બાઇબલ આપણને અંતની અપેક્ષા રાખવાનું ઉત્તેજન જરૂર આપે છે. પરંતુ, એ ‘દહાડા તથા ઘડી’ વિષે ગણતરી કરવાનું કહેતું નથી. (માત્થી ૨૪:૩૬; સરખાવો ૨ તીમોથી ૪:૩, ૪; તીતસ ૩:૯.) જોકે, કઈ રીતે અંતની અપેક્ષા રાખી શકાય? અંત નજીક છે એના પુરાવા પર લક્ષ રાખીને સાવધ રહેવાથી એમ કરી શકાય. તેથી, ચાલો આપણે એવા છ પુરાવા તપાસીએ. એ બતાવશે કે, ખરેખર આ દુષ્ટ જગત ‘મરવાની’ અણી પર છે.
છ મહત્ત્વના પુરાવા
૧૩. પાઊલ ૨ તીમોથી ત્રીજા અધ્યાયમાં કઈ રીતે ખાતરી આપે છે કે હમણાં ‘છેલ્લા સમયો’ છે?
૧૩ પહેલો પુરાવો એ છે કે, આપણે પાઊલની ‘છેલ્લા સમયની’ ભવિષ્યવાણી પૂરી થતી જોઈએ છીએ. પાઊલે લખ્યું: “પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ. કેમકે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપનું સન્માન નહિ રાખનારા, કૃતઘ્નો, અધર્મી, પ્રેમરહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ, દેવ પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા; ભક્તિભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહિ કરનારા થશે: આવા માણસોથી તું દૂર રહે. પણ દુષ્ટ માણસ તથા ધુતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે.” (૨ તીમોથી ૩:૧-૫, ૧૩) શું આજે એ જોવા મળતું નથી? જેઓ ના કહે છે, તેઓ ખરેખર આજના બનાવો વિષે આંખ આડા કાન કરે છે! *
૧૪. પ્રકટીકરણ ૧૨:૯માંની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ છે, અને જલદી જ શેતાનનું શું થશે?
૧૪ બીજો પુરાવો એ છે કે, પ્રકટીકરણ ૧૨:૯ પ્રમાણે શેતાન અને તેના દૂતોને આકાશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે, એની અસર જોઈ શકીએ છીએ. એ કહે છે: “તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો; અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.” એનાથી પૃથ્વીની દશા બેસી ગઈ છે. ખાસ કરીને ૧૯૧૪થી મનુષ્યો પર એક પછી બીજી આફત આવી પડી છે. પરંતુ, પ્રકટીકરણ આગળ જણાવે છે કે, શેતાનને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો ત્યારથી, તે જાણે છે કે ‘તેના માટે થોડો જ વખત રહેલો છે.’ (પ્રકટીકરણ ૧૨:૧૨) એ સમયથી, શેતાન ખ્રિસ્તના અભિષિક્ત શિષ્યો સાથે લડે છે. (પ્રકટીકરણ ૧૨:૧૭) ખરેખર, આપણે એના હુમલાની અસર જોઈએ છીએ. * છતાં, જલદી જ શેતાનને ઊંડાણમાં ફેંકવામાં આવશે, જેથી “તે ફરી લોકોને ભુલાવે નહિ.”—પ્રકટીકરણ ૨૦:૧-૩.
૧૫. પ્રકટીકરણ ૧૭:૯-૧૧ કઈ રીતે બતાવે છે કે, આપણે છેલ્લા સમયમાં જીવીએ છીએ?
૧૫ ત્રીજો પુરાવો આપણને પ્રકટીકરણ ૧૭:૯-૧૧માં જોવા મળે છે. એ ભવિષ્યવાણી પ્રમાણે, આપણે આઠમા અને છેલ્લા ‘રાજાના’ સમયમાં જીવીએ છીએ. અહીં પ્રેષિત યોહાન સાત રાજાઓનો ઉલ્લેખ કરે છે, જે સાત જગત સત્તાઓને રજૂ કરે છે. જે મિસર, આશ્શૂર, બાબેલોન, માદાય-ઈરાન, ગ્રીસ, રોમ અને એંગ્લો-અમેરિકન જગત સત્તાઓ છે. ‘આઠમો રાજા, જે સાતમાનો એક છે,’ તેને પણ યોહાન જુએ છે. યોહાને સંદર્શનમાં જોયેલો છેલ્લો, આ આઠમો રાજા, હાલના સંયુક્ત રાષ્ટ્રસંઘને રજૂ કરે છે. યોહાન કહે છે કે આ આઠમો રાજા, “નાશમાં જાય છે.” એના પછી પૃથ્વી પર બીજા કોઈ રાજાઓ વિષે જણાવાયું નથી. *
૧૬. નબૂખાદનેસ્સારને મૂર્તિનું સ્વપ્ન આવ્યું. એની પૂરી થતી વિગતો કઈ રીતે સાબિત કરે છે કે, આપણે છેલ્લા સમયમાં છીએ?
૧૬ ચોથો પુરાવો એ છે કે, આપણે એવા સમયમાં જીવીએ છીએ, જે નબૂખાદનેસ્સારના સ્વપ્નની મૂર્તિના પગથી બતાવવામાં આવ્યો હતો. પ્રબોધક દાનીયેલે એ સ્વપ્નની મોટી મૂર્તિનું માનવ આકારમાં વર્ણન કર્યું છે. (દાનીયેલ ૨:૩૬-૪૩) મૂર્તિની ચાર ધાતુઓ અલગ અલગ જગત સત્તાને ચિત્રિત કરે છે. એની શરૂઆત માથાથી (બાબેલોની સામ્રાજ્યથી) થઈને પગ અને અંગૂઠા (આજની સરકારો) સુધી આવે છે. મૂર્તિમાં રજૂ કરવામાં આવેલી ત્રણ જગત સત્તાઓ ઇતિહાસનો ભાગ બની ગઈ છે. હવે આપણે એ મૂર્તિના ‘પગના’ સમયમાં આવી ગયા છીએ. બીજી કોઈ સત્તાઓ વિષે કંઈ જણાવવામાં આવ્યું નથી. *
૧૭. રાજ્યનો પ્રચાર કઈ રીતે સાબિત કરે છે કે, આપણે છેલ્લા સમયમાં જીવીએ છીએ?
૧૭ પાંચમો પુરાવો એ છે કે, આપણે આખા જગતમાં પ્રચાર કાર્ય થતું જોઈએ છીએ. એ વિષે ઈસુએ કહ્યું હતું કે, જગતના અંત પહેલાં એ થશે. તેમણે કહ્યું: “અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:૧૪) આજે, એ ભવિષ્યવાણી અજોડ રીતે પૂરી થઈ રહી છે. ખરું કે, હજુ એવી જગ્યાઓ છે, જ્યાં પ્રચારકાર્ય થયું નથી, અને યહોવાહના સમયે, એ ‘મહાન દ્વાર’ પણ ખોલવામાં આવશે. (૧ કોરીંથી ૧૬:૯) જોકે, બાઇબલ એમ નથી કહેતું કે, દરેક વ્યક્તિને પ્રચાર કરવામાં આવે ત્યાં સુધી યહોવાહ રાહ જોશે. એને બદલે, યહોવાહ દેવ કહે ત્યાં સુધી સુસમાચારનો પ્રચાર થવો જોઈએ. પછી જ, અંત આવશે.—સરખાવો માત્થી ૧૦:૨૩.
૧૮. “મહાન વિપત્તિ” ચાલુ થશે ત્યારે અમુક અભિષિક્ત જનો હજુ ક્યાં હશે, અને એમ કઈ રીતે કહી શકાય?
૧૮ છઠ્ઠો પુરાવો એ છે કે, ઈસુના અભિષિક્ત શિષ્યોની સંખ્યા ઘટી રહી છે છતાં, મહાન વિપત્તિ શરૂ થશે ત્યારે તેઓમાંના થોડાક હજુ પૃથ્વી પર હશે. બાકી રહેલામાંના મોટા ભાગના બહુ ઘરડાં થઈ ગયા છે, અને ખરા અભિષિક્તોની સંખ્યા ઘટી રહી છે. છતાં, મહાન વિપત્તિ વિષે ઈસુએ કહ્યું: “જો તે દહાડા ઓછા કરવામાં ન આવત તો કોઈ પણ માણસ બચી ન શકત; પસંદ કરેલાઓની ખાતર તે દહાડા ઓછા કરાશે.” (માત્થી ૨૪:૨૧, ૨૨) તેથી, મહાન વિપત્તિ ચાલુ થશે ત્યારે, ખ્રિસ્તના “પસંદ કરેલા” અમુક હજુ પૃથ્વી પર હશે. *
ભાવિ શું છે?
૧૯, ૨૦. શા માટે હમણાં જ જાગતા રહેવાનો સમય છે?
૧૯ આપણા માટે કેવું ભાવિ રહેલું છે? ખરેખર, રોમાંચક ભાવિ આવી રહ્યું છે. પાઊલે ચેતવણી આપી કે “જેમ રાતે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે.” પછી, દુન્યવી શાણા માણસો વિષે તે કહે છે: “જ્યારે તેઓ કહેશે, કે શાંતિ તથા સલામતી છે, ત્યારે . . . તેઓનો અકસ્માત નાશ થશે.” પછી, પાઊલ પોતાના વાચકોને વિનંતી કરે છે: “એ માટે બીજાઓની પેઠે આપણે ઊંઘીએ નહિ, પણ જાગીએ અને સાવધ રહીએ.” (૧ થેસ્સાલોનીકી ૫:૨, ૩, ૬) ખરેખર, શાંતિ તથા સલામતી માટે માનવ સંસ્થામાં ભરોસો રાખનારાઓ આંખ આડા કાન કરે છે. તેઓ ખરેખર ઊંઘે છે!
૨૦ આ જગતનો વિનાશ અચાનક આવશે. તેથી, યહોવાહના દિવસની વાટ જુઓ. દેવે પોતે હબાક્કૂકને કહ્યું: “તે વિલંબ કરશે નહિ”! ખરેખર, આપણા માટે હમણાં જ જાગતા રહેવાનો સમય છે.
[ફુટનોટ્સ]
^ ધણીએ દાસોને કોઈ ચોક્કસ સમય કહ્યો ન હતો. તેથી, તેમની આવ-જાવ વિષેની માહિતી દાસોને જણાવવાની જરૂર ન હતી. તેમ જ, તે મોડા પડવા વિષે દાસોને ખુલાસો આપવા પણ બંધાયેલા ન હતા.
^ એની વધુ માહિતી માટે વૉચટાવર સોસાયટીએ છાપેલું, જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે, પુસ્તકનું ૧૧મું પ્રકરણ જુઓ.
^ વધુ માહિતી માટે, વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટીએ છાપેલું, પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પુસ્તકના પાન ૧૮૦-૬ જુઓ.
^ પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પુસ્તકના પાન ૨૫૧-૪ જુઓ.
^ વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટીએ બહાર પાડેલું દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તકનું ચોથું પ્રકરણ જુઓ.
^ ઘેટાં અને બકરાંના ઉદાહરણમાં, મહાન વિપત્તિ વખતે માણસનો દીકરો મહિમામાં આવે છે અને ન્યાય કરે છે. ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓને તેઓએ સાથ આપ્યો હતો કે નહિ એના પરથી ન્યાય થશે. તેથી, ખ્રિસ્તના ભાઈઓ એ સમયે પૃથ્વી પર ન હોય તો, આ રીતે ન્યાય ન થઈ શકે.—માત્થી ૨૫:૩૧-૪૬.
શું તમને યાદ છે?
• કયાં શાસ્ત્રીય ઉદાહરણો આપણને ‘જાગતા રહેવા’ મદદ કરી શકે?
• જાગતા રહેવાની જરૂર પર ભાર મૂકતા, ઈસુએ કયું ઉદાહરણ જણાવ્યું?
• કયા છ પુરાવા સાબિત કરે છે કે, આપણે છેલ્લા સમયમાં જીવી રહ્યા છીએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૯ પર ચિત્રો]
એલૅક્ઝાંડર મેકમિલને લગભગ ૬૦ વર્ષ વફાદારીથી યહોવાહની સેવા કરી
[પાન ૧૦ પર ચિત્ર]
ઈસુએ પોતાના શિષ્યોની સરખામણી જાગતા રહેલા દાસો સાથે કરી