પ્રાર્થનાની - શક્તિ
પ્રાર્થનાની - શક્તિ
મધ્ય પૂર્વના નાહોર શહેરમાં સૂર્ય આથમી રહ્યો છે. અલીએઝેર નામનો એક અરામી માણસ દસ ઊંટોના કાફલા સાથે નગર બહાર એક કૂવા પાસે આવી પહોંચે છે. અલીએઝેર ખૂબ થાકેલો અને તરસ્યો હોવા છતાં, તેને બીજા વિષે વધુ ચિંતા છે. તે બીજા દેશમાંથી પોતાના માલિકના પુત્ર માટે પત્ની શોધવા આવ્યો છે. વળી, તેણે પોતાના માલિકના સગાંમાંથી જ એ પત્ની શોધવાની છે. આ મુશ્કેલ કામ તે કઈ રીતે પાર પાડશે?
અલીએઝેરને પ્રાર્થનામાં ભરોસો હતો. નાનાં બાળક જેવા નિર્દોષ વિશ્વાસથી તે આ નમ્ર આજીજી કરે છે: “હે યહોવાહ, મારા ધણી ઈબ્રાહીમના દેવ, હું તારી વિનંતી કરૂં છું, કે આજે મારૂં કામ સફળ કર, ને મારા ધણી ઈબ્રાહીમ પર દયા કર. જો, હું આ પાણીના ઝરા પાસે ઊભો છું; અને નગરનાં માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે; ત્યારે એમ થવા દેજે કે જે કન્યાને હું કહું, કે કૃપા કરીને તારી ગાગેર ઉતાર કે હું પીઉં; અને તે એમ કહે, પી, ને તારાં ઊંટોને પણ હું પાઈશ, તેજ તારા દાસ ઈસ્હાકને સારૂ તારાથી ઠરાવાએલી કન્યા હોય; અને તેથી હું જાણીશ કે તેં મારા ધણી પર દયા કરી છે.”—ઉત્પત્તિ ૨૪:૧૨-૧૪.
અલીએઝેરે પ્રાર્થનામાં મૂકેલો ભરોસો વ્યર્થ ગયો નહિ. અરે, જુઓ રિબકાહ નામની યુવતી પાણી ભરવા આવી રહી છે! તે તો ઈબ્રાહીમના ભાઈની પૌત્રી છે! તે કુંવારી, નૈતિક રીતે પવિત્ર, અને સુંદર છે. તે ફક્ત અલીએઝેરને જ નહિ, પરંતુ તેના બધા ઊંટોને પાણી પીવડાવવા પણ રાજી હતી. પછીથી, કુટુંબ સાથે વાતચીત થઈ, અને રિબકાહ સ્વેચ્છાથી ઈબ્રાહીમના પુત્ર ઇસ્હાકની પત્ની બનવા અલીએઝેર સાથે દૂર દેશમાં જવા તૈયાર થઈ. આ રીતે, યહોવાહ અમુક પ્રસંગે ચમત્કારિક રીતે બાબતો હાથે ધરતા, એવા સમયમાં અલીએઝેરને પ્રાર્થનાનો કેવો અદ્ભુત જવાબ મળ્યો!
આપણે અલીએઝેરની પ્રાર્થનામાંથી ઘણું શીખી શકીએ. એમાં તેનો વિશ્વાસ, નમ્રતા અને બીજા માટે બિનસ્વાર્થી ચિંતા દેખાય આવે છે. અલીએઝેરની પ્રાર્થનામાં એ પણ જોવા મળે છે કે, તેણે મનુષ્યો સાથે યહોવાહના વ્યવહારને આધીનતા બતાવી. વળી, તે ઈબ્રાહીમ સાથે દેવના ખાસ લગાવ વિષે તથા ઈબ્રાહીમથી સર્વ મનુષ્યોને મળનાર આશીર્વાદોના યહોવાહના વચન વિષે જાણતો હતો. (ઉત્પત્તિ ૧૨:૩) તેથી, અલીએઝેરે આ શબ્દોથી પ્રાર્થના શરૂ કરી: “યહોવાહ, મારા ધણી ઈબ્રાહીમના દેવ.”
ઈસુ ખ્રિસ્ત ઈબ્રાહીમનું સંતાન હતા, જેમના દ્વારા સર્વ આજ્ઞાધીન મનુષ્યો આશીર્વાદ પામશે. (ઉત્પત્તિ ૨૨:૧૮) આપણે પણ પ્રાર્થનાનો જવાબ ચાહતા હોઈએ તો, યહોવાહ પોતાના પુત્ર દ્વારા મનુષ્યો સાથે જે રીતે વ્યવહાર રાખે છે, એ નમ્રતાથી સ્વીકારવું જોઈએ. ઈસુ ખ્રિસ્તે કહ્યું: “જો તમે મારામાં રહો, અને મારાં વચન તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માગો, એટલે તે તમને મળશે.”—યોહાન ૧૫:૭.
ઈસુના આ શબ્દોની સત્યતા અનુભવ કરનાર ખ્રિસ્તના એક અનુયાયી પ્રેષિત પાઊલ હતા. પ્રાર્થનામાંનો તેમનો વિશ્વાસ વ્યર્થ ન હતો. તેમણે સાથી ખ્રિસ્તીઓને બધી જ ચિંતા પ્રાર્થનામાં યહોવાહને જણાવવા ઉત્તેજન આપ્યું અને કહ્યું: “જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.” (ફિલિપી ૪:૬, ૭, ૧૩) શું પાઊલે દેવને કરેલી દરેક વિનંતી માન્ય કરવામાં આવી? ચાલો જોઈએ.
બધી જ વિનંતી મંજૂર થઈ નહિ
પાઊલે પોતાના બિનસ્વાર્થી સેવાકાર્યમાં “દેહમાં કાંટો” નડતર હતો એમ જણાવ્યું. (૨ કોરીંથી ૧૨:૭) એ વિરોધીઓ અને “દંભી ભાઈઓ” દ્વારા થતો માનસિક કે લાગણીમય તણાવ હોય શકે. (૨ કોરીંથી ૧૧:૨૬; ગલાતી ૨:૪) એ આંખોની કાયમી પીડા હોય શકે. (ગલાતી ૪:૧૫) ભલે ગમે એ બાબત હોય, આ ‘દેહના કાંટાની’ પાઊલ પર ખૂબ માઠી અસર પડતી હતી. “તે મારી પાસેથી દૂર જાય એ બાબત વિષે મેં ત્રણવાર પ્રભુની પ્રાર્થના કરી,” તેમણે લખ્યું. છતાં, પાઊલની વિનંતી માન્ય થઈ નહિ. પાઊલને એ સમજાવવામાં આવ્યું કે તેમને જે કંઈ દેવની કૃપા મળી છે, જેમ કે પરીક્ષણો સહન કરવાની અદ્ભુત શક્તિ, એ બસ છે. વળી, દેવે કહ્યું: “મારૂં સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.”—૨ કોરીંથી ૧૨:૮, ૯.
અલીએઝેર અને પાઊલ પાસેથી આપણે શું શીખી શકીએ? યહોવાહ પોતાના નમ્ર સેવકોની પ્રાર્થના જરૂર સાંભળે છે. પરંતુ એનો અર્થ એવો નથી કે, તે તેઓની બધી જ વિનંતીઓ મંજૂર કરે છે, કારણ કે દેવ લાંબા સમયના લાભ વિષે વિચારે છે. આપણા ભલા માટે શું સારું છે, એ આપણા કરતાં યહોવાહ દેવ વધારે જાણે છે. વધુ મહત્ત્વનું તો, તે હંમેશા બાઇબલમાં પોતે જણાવેલા હેતુઓના સુમેળમાં કામ કરે છે.
યહોવાહને શોધવાનો સમય
દેવ વચન આપે છે કે તે પૃથ્વી પર પોતાના પુત્રના હજાર વર્ષના રાજ્યમાં મનુષ્યોને દરેક પ્રકારનાં શારીરિક, માનસિક, અને લાગણીમય દુઃખોમાંથી સાજા કરશે. (પ્રકટીકરણ ૨૦:૧-૩; ૨૧:૩-૫) સાચા ખ્રિસ્તીઓ એની આતુરતાથી રાહ જુએ છે, કેમ કે તેઓને દેવની શક્તિમાં પૂરો ભરોસો છે કે, તે જલદી જ આ વચન પૂરાં કરશે. તેઓ હમણાં કોઈ સાજાપણાના ચમત્કારોની આશા રાખતા નથી. પરંતુ, દેવને પ્રાર્થના કરે છે કે, તેઓને પરીક્ષણો સહન કરવા દિલાસો અને શક્તિ આપે. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) તેઓ બીમાર પડે છે ત્યારે, પોતાની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે સૌથી સારી સારવાર માટે દેવના માર્ગદર્શનની પ્રાર્થના કરે છે.
કેટલાક ધર્મો, ઈસુ અને તેમના શિષ્યોએ કરેલા ચમત્કારિક સાજાપણાને ચીંધીને, બીમાર લોકોને સાજાપણા માટે પ્રાર્થના કરવા ઉત્તેજન આપે છે. પરંતુ આવા ચમત્કારોનો ખાસ હેતુ હતો. એ ચમત્કારો તો એની સાબિતી હતા કે ઈસુ ખ્રિસ્ત સાચા મસીહ હતા. તેમ જ, દેવની કૃપા યહુદી રાષ્ટ્રને નહિ, પણ હવે નવા ખ્રિસ્તી મંડળને આપવામાં આવી હતી. પછી, નવા ખ્રિસ્તી મંડળના વિશ્વાસને દૃઢ કરવા ચમત્કારો જરૂરી હતા. નવું મંડળ સ્થિર થયું અને દૃઢ બન્યું ત્યારે, ચમત્કારોનાં દાનો ‘જતા રહ્યા.’—૧ કોરીંથી ૧૩:૮, ૧૧.
અત્યારે, યહોવાહ પોતાના ઉપાસકોને આત્મિક સાજાપણાના વધુ મહત્ત્વના કામમાં દોરી રહ્યા છે. લોકોએ હમણાં આ વિનંતી સ્વીકારવાની જરૂર છે: “યહોવાહ મળે છે એટલામાં તેને શોધો, તે પાસે છે એટલામાં તેને હાંક મારો. દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, ને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે; અને યહોવાહ પાસે તે પાછો આવે, તો તે તેના પર કૃપા કરશે; અને આપણા દેવની પાસે આવે, કેમકે તે સંપૂર્ણ ક્ષમા કરશે.”—યશાયાહ ૫૫:૬, ૭.
પશ્ચાત્તાપી લોકોનાં હૃદય દેવના રાજ્યના આનંદી સંદેશના પ્રચારથી બદલાઈ રહ્યાં છે. (માત્થી ૨૪:૧૪) યહોવાહ દેવ આ જીવન બચાવનાર કાર્ય કરવા પોતાના સેવકોને અધિકાર આપે છે. આમ, આ દુષ્ટ જગતનો અંત આવે એ પહેલાં, તે લાખો લોકોને પસ્તાવો કરીને, પોતાની સાથે ગાઢ સંબંધ બાંધવા મદદ કરી રહ્યા છે. આમ, જેઓ ખરેખર આત્મિક રીતે સાજા થવા માટે અને બીજાઓને સહાય કરવા પ્રાર્થનામાં મદદ માંગી રહ્યા છે, તેઓને પ્રાર્થનાનો જવાબ જરૂર મળે છે.
[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Eliezer and Rebekah/The Doré Bible Illustrations/Dover Publications