સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ—શક્તિશાળી પરમેશ્વર

યહોવાહ—શક્તિશાળી પરમેશ્વર

યહોવાહ—શક્તિશાળી પરમેશ્વર

“તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી . . . એકે રહી જતો નથી.”—યશાયાહ ૪૦: ૨૬.

૧, ૨. (ક) આપણે શાની શક્તિથી જીવીએ છીએ? (ખ) કઈ રીતે કહી શકાય કે, બધી જ પ્રકારની શક્તિ યહોવાહ પાસેથી આવે છે?

 શક્તિની આપણે કદર કરવી જોઈએ. વીજળી આપણને પ્રકાશ અને ગરમી આપે છે. એનાથી આપણે અનેક સાધનો ચલાવી શકીએ છીએ. વીજળી ચાલી જાય ત્યારે, શહેરની બધી જ પ્રવૃત્તિઓ બંધ પડી જાય છે. મોટા ભાગની વીજળી સૂર્યમાંથી આવે છે, જે હંમેશ માટે છે. * દર સેકન્ડે આ સૂર્ય ૫૦ લાખ ટન ન્યૂક્લિઅર બળતણનો ઉપયોગ કરે છે. આમ, પૃથ્વી પર જીવન ટકાવી રાખવા શક્તિ મળે છે.

આ બધી સૂર્યશક્તિ ક્યાંથી આવી? સૂર્ય કોણે બનાવ્યો? યહોવાહ દેવે. આ સંબંધી ગીતશાસ્ત્ર ૭૪:૧૬ કહે છે: “અજવાળું તથા સૂર્ય તેં સિદ્ધ કર્યાં છે.” હા, છેવટે તો યહોવાહ દેવ જ આ બધી શક્તિનો ઉદ્‍ભવ છે, જેમ તે જીવનનો ઉદ્‍ભવ છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) આપણે આ શક્તિની કદર કરવી જોઈએ. યશાયાહ પ્રબોધક દ્વારા, યહોવાહ સૂર્ય અને તારાઓ તરફ આપણું ધ્યાન દોરે છે. એ કેવી રીતે બનાવવામાં આવ્યા એ પર મનન કરવા પણ કહે છે: “તમારી દૃષ્ટિ ઊંચી કરીને જુઓ, એ બધા તારા કોણે ઉત્પન્‍ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી તેઓના સંખ્યાબંધ સૈન્યને બહાર કાઢી લાવે છે, અને તે સર્વને નામ લઈને બોલાવે છે; એકે રહી જતો નથી.”—યશાયાહ ૪૦:૨૬; યિર્મેયાહ ૩૨:૧૭.

૩. યહોવાહની શક્તિના આપણને કયા લાભ મળે છે?

સૂર્ય બનાવનાર યહોવાહ બળવાન દેવ છે. તેથી, જીવન ટકાવનાર, પ્રકાશ અને ગરમી સૂર્યમાંથી મળતા રહેશે. છતાં, આપણે કંઈ પ્રકાશ અને ગરમી માટે જ યહોવાહ પર આધાર રાખતા નથી. પરંતુ, પાપ અને મરણમાંથી છુટકારો, ભાવિની આશા અને આપણો વિશ્વાસ યહોવાહની શક્તિ પર આધારિત છે. (ગીતશાસ્ત્ર ૨૮:૬-૯; યશાયાહ ૫૦:૨) બાઇબલ બતાવે છે કે, યહોવાહ પોતાની શક્તિથી ઉત્પન્‍ન કરે છે, તારણ આપે છે. તેમ જ, તે પોતાના લોકોને બચાવીને, શત્રુઓનો નાશ કરે છે.

સૃષ્ટિમાં દેવની શક્તિ

૪. (ક) રાત્રે આકાશમાં તારાઓ જોઈને દાઊદ કઈ રીતે પ્રભાવિત થયા? (ખ) દેવની શક્તિ વિષે તારાઓ શું જણાવે છે?

પ્રેષિત પાઊલ સમજાવે છે કે ઉત્પન્‍નકર્તાનું ‘સનાતન પરાક્રમ સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે.’ (રૂમી ૧:૨૦) સદીઓ અગાઉ, ઘેટાંપાળક દાઊદે અનેક વાર રાત્રે તારાઓ જોયા હશે. એ જોઈને તેમના પર ઉત્પન્‍નકર્તાની મહાન શક્તિનો પ્રભાવ પડ્યો. તેમણે લખ્યું: “આકાશો, જે તારા હાથનાં કૃત્યો છે, અને ચંદ્ર તથા તારાઓ, જેઓને તેં ઠરાવ્યા છે, તેઓ વિષે હું વિચાર કરૂં છું; ત્યારે હું કહું છું, કે માણસ તે કોણ છે, કે તું તેનું સ્મરણ કરે છે? અને મનુષ્યપુત્ર કોણ, કે તું તેની મુલાકાત લે છે?” (ગીતશાસ્ત્ર ૮:૩, ૪) તારાઓ વિષે બહુ જાણતા ન હોવા છતાં, દાઊદે જોયું કે ભવ્ય ઉત્પન્‍નકર્તા સામે તે કંઈ જ ન હતા. આજે, વૈજ્ઞાનિકો વિશ્વ અને એની પાછળ રહેલી શક્તિ વિષે વધુ જાણે છે. તેઓ જણાવે છે કે દર સેકન્ડે સૂર્ય ૧૦,૦૦૦ કરોડ મેગાટન ટીએનટીના જેટલી શક્તિ ઉપજાવે છે. * પરંતુ એનો થોડોક જ ભાગ પૃથ્વી પર પહોંચે છે. છતાં, એ શક્તિ પૃથ્વી પરના જીવનને ટકાવી રાખવા પૂરતી છે. જોકે, આપણે જોઈએ તો આકાશમાં સૂર્યથી ઘણા શક્તિશાળી તારાઓ છે. અમુક તારાઓ સૂર્યની એક દિવસની શક્તિ, એક સેકન્ડમાં પેદા કરે છે. તો પછી વિચારો કે આવા તારાઓને બનાવનારની શક્તિ કેટલી બધી હશે! યોગ્ય રીતે જ, એલીહૂએ કહ્યું: “સર્વશક્તિમાનનો પાર તો આપણે પામી શકતા નથી; તે મહા પરાક્રમી છે.”—અયૂબ ૩૭:૨૩.

૫. સૃષ્ટિ કઈ રીતે યહોવાહની શક્તિ પ્રગટ કરે છે?

આપણે દાઊદની જેમ, પવન અને સમુદ્રના મોજાં, મેઘગર્જના અને વીજળી, મોટી નદીઓ અને ભવ્ય પહાડોમાં યહોવાહની શક્તિ જોઈ શકીએ છીએ. (ગીતશાસ્ત્ર ૧૧૧:૨; અયૂબ ૨૬:૧૨-૧૪) વધુમાં, યહોવાહે અયૂબને કહ્યું તેમ પ્રાણીઓ પણ તેમની શક્તિ દર્શાવે છે. યહોવાહે અયૂબને ગેંડા વિષે કહ્યું: “તેનું બળ તેની કમરમાં છે . . . તેની પાંસળીઓ લોઢાના સળિયા જેવી છે.” (અયૂબ ૪૦:૧૫-૧૮) બાઇબલ સમયમાં જંગલી બળદ પણ શક્તિ માટે જાણીતા હતા. તેથી, દાઊદે એવી પ્રાર્થના કરી હતી કે તેમને ‘સિંહના મોંમાંથી અને જંગલી બળદોના શિંગથી’ બચાવવામાં આવે.—ગીતશાસ્ત્ર ૨૨:૨૧, સરળ ભાષાનું ગુજરાતી બાઇબલ; અયૂબ ૩૯:૯-૧૧.

૬. બાઇબલમાં બળદ શું રજૂ કરે છે અને શા માટે? (ફૂટનોટ જુઓ.)

બાઇબલમાં અમુક વખત યહોવાહની શક્તિ બતાવવા બળદનો ઉપયોગ થાય છે. * દેવના સિંહાસનના દર્શનમાં યોહાને ચાર કરુબો જોયા, જેમાંથી એકનું મોં બળદ જેવું હતું. (પ્રકટીકરણ ૪:૬, ૭) એ પરથી સ્પષ્ટ થાય છે કે એ કરુબોએ યહોવાહના ચાર મુખ્ય ગુણો રજૂ કર્યા, જે પ્રેમ, ડહાપણ, ન્યાય અને શક્તિ છે. શક્તિ દેવનો મહત્ત્વનો ગુણ છે. તેથી, શક્તિનો તે કઈ રીતે ઉપયોગ કરે છે એ શીખવાથી આપણે તેમને વધુ જાણી શકીશું. આમ, આપણે પણ દેવની જેમ પોતાની શક્તિનો સદુપયોગ કરી શકીશું.—એફેસી ૫:૧.

‘સૈન્યોના યહોવાહ, સમર્થ દેવ’

૭. કઈ રીતે કહી શકાય કે યહોવાહ ભૂંડાઈ પર વિજય મેળવશે?

બાઇબલમાં, યહોવાહને “સર્વસમર્થ દેવ” કહેવામાં આવ્યા છે. એ આપણને જણાવે છે કે, તેમની શક્તિની કોઈ સીમા નથી; તે હંમેશા પોતાના શત્રુઓને તાબે કરી શકે છે. એમાં આપણે કોઈ શંકા કરવી જોઈએ નહિ. (ઉત્પત્તિ ૧૭:૧; નિર્ગમન ૬:૩) શેતાનનું જગત પોતાની નજરમાં મહાન છે, પણ યહોવાહની નજરમાં “પ્રજાઓ ડોલમાંથી ટપકતા ટીપા જેવી, ને ત્રાજવાની રજ સમાન ગણાએલી છે.” (યશાયાહ ૪૦:૧૫) યહોવાહ પોતાની શક્તિથી ભૂંડાઈ પર વિજય મેળવશે, એમાં કોઈ જ શંકા નથી. આજે, દુષ્ટતા કૂદકે ને ભૂસકે વધી રહી છે. તેથી, આપણને એ જાણીને ખૂબ જ દિલાસો મળે છે કે, “સૈન્યોનો દેવ યહોવાહ, ઈસ્રાએલનો સમર્થ પ્રભુ” સદાને માટે દુષ્ટતાનો નાશ કરશે.—યશાયાહ ૧:૨૪; ગીતશાસ્ત્ર ૩૭:૯, ૧૦.

૮. યહોવાહ સ્વર્ગના કયા લશ્કરનો ઉપયોગ કરે છે, અને તેઓની શક્તિ વિષે આપણે શું જાણીએ છીએ?

બાઇબલમાં મૂળ લખાણમાં “સૈન્યોનો દેવ યહોવાહ” ૨૮૫ વખત મળી આવે છે, જે દેવની શક્તિ વિષે જણાવે છે. “સૈન્યો” યહોવાહના દૂતોની મોટી સંખ્યા દર્શાવે છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૨૦, ૨૧; ૧૪૮:૨) ફક્ત એક જ દૂતે યરૂશાલેમની સામે થયેલા ૧,૮૫,૦૦૦ આશ્શૂરીઓને એક જ રાતમાં મારી નાખ્યા. (૨ રાજા ૧૯:૩૫) આપણે યહોવાહના આ સૈન્યોની શક્તિ યાદ રાખીશું તો, વિરોધીઓથી ગભરાઈશું નહિ. પ્રબોધક એલીશાને અરામના સૈન્યએ ઘેરી લીધા ત્યારે, તે તેમના સેવકની જેમ ગભરાયા નહિ. તેમણે વિશ્વાસની આંખોથી જોયું કે દૂતોનું લશ્કર તેમની માટે લડે છે.—૨ રાજા ૬:૧૫-૧૭.

૯. શા માટે આપણે ઈસુની જેમ દેવના રક્ષણમાં ભરોસો રાખવો જોઈએ?

ઈસુ જાણતા હતા કે, દૂતો હંમેશા તેમની સાથે હતા. તેથી, ગેથસેમાનેની વાડીમાં હથિયારો લઈને આવેલા લોકોને જોઈને તેમણે પીતરને તરવાર મ્યાનમાં ઘાલવાનું કહ્યું. તેમ જ, કહ્યું કે જરૂર પડે તો તે પ્રાર્થના કરી “દૂતોની બાર ફોજ કરતાં વધારે” મંગાવી શકે. (માત્થી ૨૬:૪૭, ૫૨, ૫૩) ઈસુની જેમ, આપણે પણ યાદ રાખીએ કે દૂતો આપણી સાથે છે, જેથી આપણે હિંમત ન હારીએ. પ્રેષિત પાઊલે લખ્યું: “તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામો કોણ?”—રૂમી ૮:૩૧.

૧૦. યહોવાહ પોતાની શક્તિનો ઉપયોગ કઈ રીતે કરે છે?

૧૦ દેવના રક્ષણમાં ભરોસો રાખવા માટે આપણી પાસે ઘણાં કારણ છે. દેવ હંમેશા પોતાની શક્તિનો ઉપયોગ ભલું કરવા માટે કરે છે અને એ ન્યાય, ડહાપણ અને પ્રેમના સુમેળમાં હોય છે. (અયૂબ ૩૭:૨૩; યિર્મેયાહ ૧૦:૧૨) સ્વાર્થી સત્તાધીશો ગરીબ અને સામાન્ય લોકોને કચડી નાખે છે. પરંતુ, ‘પુષ્કળ સામર્થ્ય અને તારવાની શક્તિ’ ધરાવનાર યહોવાહ ‘ધૂળમાંથી રાંકને ઉઠાવે છે.’ (ગીતશાસ્ત્ર ૧૧૩:૫-૭; યશાયાહ ૬૩:૧) ઈસુની મા મરિયમને ખબર હતી કે, પરાક્રમી દેવ, તેમના સેવકો માટે પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. તેમ જ, યહોવાહ ગર્વિષ્ઠોને નીચા પાડે છે અને નમ્ર જનોને ઊંચા કરે છે.—લુક ૧:૪૬-૫૩.

યહોવાહની શક્તિનું પ્રદર્શન

૧૧. ઈસ્રાએલીઓએ ૧૫૧૩ બી.સી.ઈ.માં કઈ રીતે દેવની શક્તિનું પ્રદર્શન જોયું?

૧૧ અમુક વખતે, યહોવાહે પોતાના સેવકો માટે શક્તિનું પ્રદર્શન કર્યું. એક બનાવ ૧૫૧૩ બી.સી.ઈ.માં સિનાય પર્વત પર બન્યો હતો. એ વર્ષે ઈસ્રાએલીઓ યહોવાહની મહાન શક્તિ જોઈ ચૂક્યા હતા. જેમ કે, દસ વિનાશક મરકીઓમાં યહોવાહનું મહા પરાક્રમનું પ્રદર્શન થયું, અને મિસરના દેવો નકામા પુરવાર થયા. પછી, દેવની શક્તિનું બીજું પ્રદર્શન જોવા મળ્યું: ઈસ્રાએલીઓએ ચમત્કારિક રીતે લાલ સમુદ્રને પાર કર્યો અને ફારુનના સૈન્યનો વિનાશ થયો. ત્રણ મહિના બાદ, સિનાય પર્વતની નીચે, યહોવાહે ઈસ્રાએલીઓને “સર્વ લોકોમાંથી ખાસ ધન” બનાવ્યા. વળી, ઈસ્રાએલીઓએ પણ વચન આપ્યું કે “યહોવાહે જે ફરમાવ્યું તે સઘળું અમે કરીશું.” (નિર્ગમન ૧૯:૫,) એ જ સમયે, યહોવાહે મહાન શક્તિ પ્રદર્શિત કરી. મોટી ગર્જના અને વીજળીના ચમકારા થયા. લાંબા સૂરે રણશિંગડાં વાગ્યા. સિનાય પર્વત ધુમાડાથી ઢંકાઈ ગયો, અને એ કાંપવા લાગ્યો. દૂર ઊભેલા લોકો ધ્રૂજી ઊઠ્યા. એ માટે, મુસાએ કહ્યું કે આ અનુભવ તેઓને ઈશ્વરનો ડર રાખતા શીખવશે. એનાથી તેઓને મહાન યહોવાહની આજ્ઞા પાળવા પ્રેરણા મળશે.—નિર્ગમન ૧૯:૧૬-૧૯; ૨૦:૧૮-૨૦.

૧૨, ૧૩. એલીયાહ શા માટે પોતાનું કાર્ય છોડીને નાસી છૂટ્યા, પણ યહોવાહે તેમને કઈ રીતે હિંમત આપી?

૧૨ એલીયાહ પ્રબોધકના સમયમાં, સિનાય પર્વત પર દેવની શક્તિનું વધુ એક પ્રદર્શન જોવા મળ્યું. એલીયાહ પ્રબોધકે દેવની શક્તિનો પરચો જોયો હતો. ઈસ્રાએલીઓ જૂઠા દેવોને પૂજવા લાગ્યા ત્યારે, યહોવાહે “આકાશ બંધ” કર્યું, જેથી સાડાત્રણ વર્ષ વરસાદ સુધી પડ્યો નહિ. (૨ કાળવૃત્તાંત ૭:૧૩) એ દુકાળમાં કરીથ નાળા પાસે કાગડાઓએ એલીયાહને ખોરાક પૂરો પાડ્યો. પછી, એક વિધવા દ્વારા એલીયાહને મદદ મળી, જેની પાસે લોટ અને તેલ થઈ રહ્યું હતું. છતાં, ચમત્કારથી એ ખૂટ્યા નહિ. વળી, યહોવાહે એલીયાહને એ વિધવાના દીકરાને સજીવન કરવાની શક્તિ પણ આપી. છેલ્લે, સાચા ઈશ્વર કોણ છે એ બતાવવા કાર્મેલ પર્વત પર સ્વર્ગમાંથી અગ્‍નિ ઉતર્યો, અને એલીયાહના અર્પણને ભસ્મ કરીને એને માન્ય કર્યું. (૧ રાજા ૧૭:૪-૨૪; ૧૮:૩૬-૪૦) જોકે, ટૂંક સમય બાદ, ઇઝેબેલની ધમકીથી એલીયાહ ગભરાઈ ગયા. (૧ રાજા ૧૯:૧-૪) હવે, એલીયાહ એમ વિચારીને દેશ છોડી નાસી છૂટ્યા કે, પ્રબોધક તરીકે તેમનું કામ પૂરું થયું છે. તેમને ફરીથી હિંમત આપવા યહોવાહે પોતાની શક્તિનો પરચો દેખાડ્યો.

૧૩ એલીયાહ ગુફામાં સંતાયા ત્યારે, યહોવાહે પવનનું તોફાન, ધરતીકંપ અને અગ્‍નિ મોકલીને પોતાની મહાન શક્તિનું પ્રદર્શન બતાવ્યું. છતાં, યહોવાહે એલીયાહ સાથે ‘કોમળ અને ઝીણા સાદે’ વાત કરી. તેમણે એલીયાહને વધુ કામ સોંપ્યું. તેમ જ, એમ જણાવ્યું કે એ દેશમાં હજુ સાત હજાર એવા ભક્તો છે, જેઓ યહોવાહને વફાદાર છે. (૧ રાજા ૧૯:૯-૧૮) એલીયાહની જેમ, કોઈક વખત આપણે પણ નિરાશ થઈ જઈએ કે સેવાકાર્યમાં સારાં પરિણામ મળતા નથી. એ સમયે, આપણે યહોવાહને “પરાક્રમની અધિકતા” માટે પ્રાર્થના કરી શકીએ. એનાથી એવી શક્તિ મળશે, જે આપણને સુસમાચાર કહેવાનું પડતું ન મૂકવા હિંમત આપશે.—૨ કોરીંથી ૪:૭.

યહોવાહ પોતાનાં વચન જરૂર પાળશે

૧૪. પરમેશ્વરનું નામ, યહોવાહ શું દર્શાવે છે, અને કઈ રીતે એની સાથે તેમની શક્તિ સંકળાયેલી છે?

૧૪ યહોવાહની શક્તિ તેમના નામ સાથે અને તેમની ઇચ્છા પૂરી કરવા સાથે પણ સંકળાયેલી છે. પરમેશ્વરનું અજોડ નામ, યહોવાહનો અર્થ થાય છે “તે બને છે.” એ બતાવે છે કે તે પોતાને વચનો પરિપૂર્ણ કરનાર બનાવે છે. યહોવાહને પોતાના હેતુઓ પૂરા કરતા કશું પણ રોકી શકે એમ નથી, ભલે નાસ્તિકો માને કે એ અશક્ય છે. એક વખત, ઈસુએ પોતાના પ્રેષિતોને કહ્યું હતું, “દેવને સર્વ શક્ય છે.”—માત્થી ૧૯:૨૬.

૧૫. ઈબ્રાહીમ અને સારાહને કઈ રીતે જણાવાયું કે યહોવાહ માટે કંઈ જ અશક્ય નથી?

૧૫ દાખલા તરીકે, એકવાર યહોવાહે ઈબ્રાહીમ અને સારાહને વચન આપ્યું કે, તેમના વંશજમાંથી એક મોટી પ્રજા બનશે. છતાં, ઘણાં વર્ષો સુધી તેઓને કોઈ બાળક ન હતું. યહોવાહે તેઓને કહ્યું કે, હવે વચન પૂરું થશે ત્યારે તેઓ ઘણા જ વૃદ્ધ હતા. તેથી, સારાહને હસવું આવ્યું. જવાબમાં દૂતે કહ્યું: “યહોવાહને શું કંઈ અશક્ય છે?” (ઉત્પત્તિ ૧૨:૧-૩; ૧૭:૪-૮; ૧૮:૧૦-૧૪) ચાર સદીઓ પછી, મુસાએ ઈબ્રાહીમના વંશજો, એક મોટી પ્રજાને મોઆબના મેદાનમાં ભેગા કર્યા. મુસાએ તેઓને યાદ દેવડાવ્યું કે, દેવે પોતાનું વચન પૂરું કર્યું હતું. મુસાએ કહ્યું: “તારા પિતૃઓ ઉપર તેની [યહોવાહની] પ્રીતિ હતી તે માટે તેણે તેમની પાછળ તેમના વંશજોને પસંદ કર્યા, ને પોતે હાજર થઈને પોતાના મોટા સામર્થ્ય વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો; એ માટે કે તે તારા કરતાં મોટી તથા સમર્થ દેશજાતિઓને તારી આગળથી હાંકી કાઢે, ને તને તેઓના દેશમાં પ્રવેશ કરાવીને તે તને વારસામાં આપે, જેમ આજ છે તેમ.”—પુનર્નિયમ ૪:૩૭, ૩૮.

૧૬. શા માટે સાદુકીઓ મૂએલાંના પુનરુત્થાનમાં માનતા ન હતા?

૧૬ સદીઓ પછી, ઈસુએ પુનરુત્થાનમાં નહિ માનનારા સાદુકીઓને દોષિત ઠરાવ્યા. મરણ પામેલાને સજીવન કરવાનું દેવનું વચન તેઓ શા માટે માનતા ન હતા? ઈસુએ તેઓને જણાવ્યું: ‘ધર્મલેખો તથા દેવનું પરાક્રમ તમે જાણતા નથી.’ (માત્થી ૨૨:૨૯) બાઇબલ આપણને ખાતરી આપે છે કે “જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની [ઈસુની] વાણી સાંભળશે અને . . . નીકળી આવશે.” (યોહાન ૫:૨૭-૨૯) પુનરુત્થાન વિષે બાઇબલ જે કહે છે એનું આપણને જ્ઞાન હોય તો, દેવની શક્તિમાંનો આપણો ભરોસો ખાતરી કરાવશે કે મૂએલાઓને જરૂર ઉઠાડવામાં આવશે. દેવે “સદાને માટે મરણ રદ કર્યું છે, . . . કેમકે યહોવાહનું વચન એવું છે.”—યશાયાહ ૨૫:૮.

૧૭. જલદી જ, કેવા સમયે આપણે યહોવાહમાં ઊંડો ભરોસો મૂકવાની જરૂર પડશે?

૧૭ ટૂંક સમયમાં જ, આપણે દરેકે દેવની બચાવ કરવાની શક્તિમાં ઊંડો વિશ્વાસ મૂકવાની જરૂર પડશે. દેવના લોકોની દેખરેખ રાખનારું કોઈ નથી, એમ ધારી શેતાન તેઓ પર હુમલો કરશે. (હઝકીએલ ૩૮:૧૪-૧૬) એ સમયે, દેવ આપણા માટે પોતાની મહાન શક્તિનું પ્રદર્શન કરશે, અને દરેક જણ જાણશે કે બચાવ કરનાર યહોવાહ છે. (હઝકીએલ ૩૮:૨૧-૨૩) સર્વશક્તિમાન યહોવાહમાં આપણો વિશ્વાસ અને ભરોસો વધારવાનો હમણાં જ સમય છે, જેથી છેલ્લી ઘડીએ આપણે ડગમગી ન જઈએ.

૧૮. (ક) યહોવાહની શક્તિ પર મનન કરવાથી આપણે કયા લાભો મેળવી શકીએ છીએ? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા કરવામાં આવશે?

૧૮ ખરેખર, યહોવાહની શક્તિ પર મનન કરવાના આપણી પાસે ઘણાં કારણો છે. તેમનાં કાર્યો વિષે વિચારીએ તેમ, આપણે મહાન ઉત્પન્‍નકર્તાની ભક્તિ કરવા દોરાઈએ છીએ. આપણે તેમના આભારી છીએ કે, તે તેમની શક્તિનો ઉપયોગ આવી સુંદર અને પ્રેમાળ રીતે કરે છે. સૈન્યોના દેવ યહોવાહ પર ભરોસો રાખીશું તો આપણે ક્યારેય ડરીશું નહિ. તેમના વચનોમાં આપણો વિશ્વાસ અડગ રહેશે. જોકે, યાદ કરો કે આપણને દેવની પ્રતિમા પ્રમાણે બનાવવામાં આવ્યા છે. તેથી, ભલે મર્યાદિત છતાં, આપણી પાસે પણ શક્તિ છે. આપણે શક્તિનો ઉપયોગ કરવામાં કઈ રીતે ઉત્પન્‍નકર્તાનું અનુકરણ કરી શકીએ? એની ચર્ચા હવે પછીના લેખમાં કરવામાં આવશે.

[ફુટનોટ્‌સ]

^ એમ માનવામાં આવે છે કે, ખનિજ તેલ અને કોલસા જેવા બળતણ પણ પોતાનું બળ સૂર્યમાંથી મેળવે છે. એ પાવર સ્ટેશન માટે મહત્ત્વના છે.

^ વિશ્વમાં સૌથી મોટો અણુબૉંબ ફક્ત ૫૭ મેગાટન ટીએનટીની શક્તિ ધરાવતો હતો.

^ જંગલી બળદને બાઇબલમાં ઔરોક્સ (લેટિન ઉરુસ) તરીકે જણાવવામાં આવ્યા હોય શકે. આજથી ૨,૦૦૦ વર્ષ પહેલાં, એ ગૉલ (હમણાં ફ્રાંસ)માં મળી આવતા હતા અને જુલિયસ કાઈસારે એના વિષે લખ્યું: “આ ઉરીઓ હાથી કરતાં નાના હતા. પરંતુ, એમનો સ્વભાવ, રંગ અને ઘાટ બળદ જેવો જ હતો. એ ખૂબ જ શક્તિશાળી અને ઝડપી હતા: નજરે ચઢેલા માણસ કે પ્રાણી તેઓ છોડતા નહિ.”

શું તમે જવાબ આપી શકો?

• કઈ રીતે સૃષ્ટિ યહોવાહની શક્તિ બતાવે છે?

• યહોવાહ પોતાના લોકોને મદદ કરવા કોનો ઉપયોગ કરે છે?

• યહોવાહે પોતાની શક્તિનો પરચો બતાવ્યો હોય એવા કેટલાક પ્રસંગો કયા છે?

• કઈ રીતે કહી શકાય કે, યહોવાહ પોતાનાં વચનો જરૂર પૂરાં કરશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૦ પર ચિત્રો]

‘તમારી દૃષ્ટિ ઊંચી કરીને જુઓ, એ બધા કોણે ઉત્પન્‍ન કર્યા છે?’

[Credit line]

Photo by Malin, © IAC/RGO 1991

[પાન ૧૩ પર ચિત્રો]

યહોવાહનાં અદ્દભુત કાર્યો પર મનન કરવાથી, તેમનાં વચનોમાં વિશ્વાસ વધે છે