સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દેવની ભવિષ્યવાણીને ધ્યાન આપો

દેવની ભવિષ્યવાણીને ધ્યાન આપો

દેવની ભવિષ્યવાણીને ધ્યાન આપો

“અમે જોયું છે અને જાણ્યું છે કે પ્રબોધકોએ કહેલું સાચું ઠર્યું છે. તેઓએ લખેલાં વચનો કાળજીપૂર્વક ધ્યાનમાં રાખો.”—૨ પીતર ૧:૧૯, સરળ ભાષાનું બાઇબલ.

૧, ૨. ખોટા મસીહના દાખલા આપો.

 સદીઓથી ખોટા મસીહો ભવિષ્ય ભાખવાના સખત પ્રયત્નો કરે છે. પાંચમી સદી સી.ઈ.માં મુસા નામનો એક માણસ થઈ ગયો. તેણે ક્રીતના યહુદીઓને ખાતરી કરાવી કે તે મસીહ છે, અને તે તેઓને જુલમથી છોડાવશે. એ સાબિત કરવા, નક્કી કરેલા દિવસે ઘણા લોકો સાથે તેઓ ભૂમધ્ય સમુદ્ર પાસે ઊંચી જગ્યાએ ગયા. તેણે લોકોને કહ્યું કે તેઓ સમુદ્રમાં કૂદી પડશે ત્યારે, એના બે ભાગ થઈ જશે. ઘણાએ તેનું માન્યું અને સમુદ્રમાં કૂદી પડ્યા. પરંતુ, સમુદ્રના ભાગ થયા નહિ, અનેક જણ પાણીમાં ડૂબી મર્યા. તરત જ, એ જૂઠો મસીહ ત્યાંથી નાસી છૂટ્યો.

બારમી સદીમાં, બીજો એક “મસીહ” યેમનમાં પ્રગટ થયો. ત્યાંના ખાલિફે એ મસીહને કંઈક કરી બતાવવા કહ્યું. આ મસીહે કહ્યું કે ખાલિફ તેની ગરદન કાપે, અને તરત જ તેનું પુનરુત્થાન થશે. આ વિચાર સાથે ખાલિફ સહમત થયા—પરિણામે એ “મસીહ”નો પણ અંત આવ્યો.

૩. સાચા મસીહ કોણ છે, અને તેમના સેવાકાર્યએ શું પુરવાર કર્યું?

હા, સમગ્ર ઇતિહાસમાં ખોટા મસીહો અને તેઓની ભવિષ્યવાણીઓ એકદમ નિષ્ફળ ગયા છે. પરંતુ, દેવની ભવિષ્યવાણીને ધ્યાન આપવાથી એમ થતું નથી. સાચા મસીહ, ઈસુ ખ્રિસ્તના જીવનમાં ઘણી બાઇબલ ભવિષ્યવાણીઓ પૂરી થઈ. દાખલા તરીકે, યશાયાહની ભવિષ્યવાણી ટાંકતા માત્થીએ લખ્યું: “ઝબુલોનના પ્રાંતના તથા નફથાલીમના પ્રાંતના, યરદન પાસેના સમુદ્રના રસ્તાઓમાં, એટલે વિદેશીઓના ગાલીલમાંના જે લોક અંધારામાં બેઠેલા હતા, તેઓએ મોટું અજવાળું દીઠું, ને મરણસ્થાનમાં તથા મરણછાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું. ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો, કે પસ્તાવો કરો, કેમકે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.” (માત્થી ૪:૧૫-૧૭; યશાયાહ ૯:૧, ૨) ઈસુની સેવા પરથી જોઈ શકાય છે કે, એ “મોટું અજવાળું” હતા અને તે મુસાએ ભાખેલા પ્રબોધક પણ હતા. ખરેખર, ઈસુનું નહિ સાંભળે, તેઓ નાશ પામશે.—પુનર્નિયમ ૧૮:૧૮, ૧૯; પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૨, ૨૩.

૪. ઈસુએ યશાયાહ ૫૩:૧૨ કઈ રીતે પરિપૂર્ણ કર્યું?

ઈસુએ યશાયાહ ૫૩:૧૨માંની ભવિષ્યવાણી પણ પૂરી કરી: “તેણે પોતાનો આત્મા મરણ પામતાં સુધી રેડી દીધો, અને તે અપરાધીઓમાં ગણાયો; પરંતુ તેણે તો ઘણાઓનાં પાપ માથે લીધાં, અને અપરાધીઓને સારૂ મધ્યસ્થી કરી.” ઈસુ જાણતા હતા કે જલદી જ તે ખંડણી તરીકે પોતાનું માનવ જીવન આપવાના હતા. તેથી, તેમણે પોતાના શિષ્યોને દૃઢ કર્યા. (માર્ક ૧૦:૪૫) તેમણે એક ખાસ રીતે, રૂપાંતર પામીને પોતાના શિષ્યોનો વિશ્વાસ મજબૂત કર્યો.

રૂપાંતર વિશ્વાસ દૃઢ કરે છે

૫. રૂપાંતરનો બનાવ વર્ણવો.

રૂપાંતર ભાવિ વિષે જણાવતો બનાવ હતો. ઈસુએ માત્થી ૧૬:૨૭, ૨૮માં કહ્યું: “માણસનો દીકરો પોતાના બાપના મહિમાએ પોતાના દૂતો સુદ્ધાં આવશે, . . . હું તમને ખચીત કહું છું, કે અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાએક એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.” શું કેટલાએક પ્રેરિતોએ ખરેખર ઈસુને તેમના રાજ્યમાં આવતા જોયા? માત્થી ૧૭:૧-૭ બતાવે છે: “છ દહાડા પછી ઈસુ પીતરને તથા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને તેમને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઈ જાય છે; અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું.” કેવો અદ્‍ભુત બનાવ! “એટલે તેનું મોં સૂરજના જેવું તેજસ્વી થયું, ને તેનાં લૂગડાં અજવાળાના જેવાં ઊજળાં થયાં. ત્યારે, જુઓ, મુસા તથા એલીયાહ તેની જોડે વાત કરતા તેઓને દેખાયા.” વળી, “જુઓ, એક ચળકતી વાદળીએ તેઓના પર છાયા કરી.” તેમ જ, તેઓએ દેવને આમ કહેતા સાંભળ્યા: “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું, તેનું સાંભળો. અને શિષ્યો એ સાંભળીને ઊંધા પડ્યા, ને બહુ જ બીધા. ત્યારે ઈસુએ પાસે આવીને તેઓને અડકીને કહ્યું, કે ઊઠો, ને બીહો મા.”

૬. (ક) ઈસુએ રૂપાંતરને સંદર્શન કેમ કહ્યું? (ખ) રૂપાંતરે શાનું પૂર્વદર્શન કરાવ્યું?

આ અદ્‍ભુત પ્રસંગ મોટાભાગે હેર્મોન પર્વતની એક ટેકરી પર બન્યો, જ્યાં ઈસુ અને ત્રણ પ્રેરિતોએ રાત્રિ પસાર કરી હતી. રૂપાંતરનો બનાવ રાત્રે બન્યો હોવાથી, એ વધારે અજાયબ હતો. ઈસુ એને “સંદર્શન” તરીકે ઓળખાવે છે, કારણ કે લાંબા સમયથી મરણ પામેલા મુસા અને એલીયાહ, કંઈ ખરેખર ત્યાં હાજર ન હતા. ફક્ત ખ્રિસ્ત જ ત્યાં હાજર હતા. (માત્થી ૧૭:૮, ૯) આ આંખો આંજી નાખનારા રૂપાંતરના બનાવથી પીતર, યાકૂબ અને યોહાનને રાજ્ય સત્તામાં મહિમાવંત ઈસુની હાજરીનું પૂર્વદર્શન થયું હતું. મુસા અને એલીયાહને રાજ્યમાં ઈસુના અભિષિક્ત સહિયારા વારસ બતાવવામાં આવ્યા. વધુમાં, આ સંદર્શન રાજ્ય અને તેમની ભાવિ રાજસત્તાનો નક્કર પુરાવો છે.

૭. કઈ રીતે કહી શકાય કે પીતરને રૂપાંતર બરાબર યાદ હતું?

એ રૂપાંતરે ત્રણેય પ્રેરિતોનો વિશ્વાસ દૃઢ કર્યો, જેઓ ખ્રિસ્તી મંડળમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાના હતા. રૂપાંતરમાં ઈસુનું તેજસ્વી મોં, તેમના ઊજળાં કપડાં, અને ખુદ યહોવાહનો એવું કહેતો અવાજ સાંભળવા મળ્યો કે, ઈસુ તેમના વહાલા પુત્ર છે, જેમનું તેઓએ સાંભળવું જોઈએ. એ સર્વની ઊંડી અસર પડી. પરંતુ, પ્રેરિતોએ ઈસુ ફરીથી સજીવન થાય ત્યાં સુધી, એ સંદર્શન વિષે કોઈને કંઈ કહેવાનું ન હતું. કંઈક ૩૨ વર્ષ પછી પણ, પીતરના મનમાં આ સંદર્શન તાજું જ હતું. એ સંદર્શન અને એના મહત્ત્વ વિષે તેમણે લખ્યું: “જ્યારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી કહાણીઓને અનુસર્યા નહોતા, પણ તેની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા. કેમકે જ્યારે બહુ તેજસ્વી મહિમામાંથી તે સંબંધી એવી વાણી થઈ, કે એ મારો વહાલો પુત્ર છે, એના પર હું બહુ પ્રસન્‍ન છું; ત્યારે દેવ બાપ તરફથી તે માન તથા મહિમા પામ્યો. જ્યારે અમે તેની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે તે આકાશવાણી સાંભળી હતી.”—૨ પીતર ૧:૧૬-૧૮.

૮. (ક) યહોવાહની તેમના પુત્ર વિષેની જાહેરાત શાના પર ધ્યાન દોરે છે? (ખ) રૂપાંતરમાં છાયા કરતા વાદળ શું બતાવે છે?

આ રૂપાંતરમાં સૌથી મહત્ત્વની યહોવાહની જાહેરાત હતી: “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું, તેનું સાંભળો.” એ દેવના રાજ્યના રાજા તરીકે ઈસુ તરફ ધ્યાન ખેંચે છે, જેમને સર્વએ પૂરેપૂરા આધીન થવું જ જોઈએ. તેઓ પર છાયા કરતા વાદળ બતાવે છે કે, આ સંદર્શનની પરિપૂર્ણતા અદૃશ્ય હશે. એ રાજ્ય સત્તામાં ઈસુની અદૃશ્ય હાજરીની “નિશાની” ઓળખનારા જ સમજી શકશે. (માત્થી ૨૪:૩) વળી, ઈસુને સજીવન કરવામાં ન આવે ત્યાં સુધી, સંદર્શન વિષે કોઈને ન કહેવાની સૂચના પણ બતાવે છે કે, તેમને મળનાર સત્તા અને મહિમાવંત સ્થાન તેમના પુનરુત્થાન પછી જ મળવાનું હતું.

૯. રૂપાંતરથી આપણો વિશ્વાસ કઈ રીતે દૃઢ થવો જોઈએ?

રૂપાંતર વિષે જણાવ્યા પછી, પીતરે કહ્યું: “વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે ભવિષ્યવચન, છે; તેને અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવાના જેવાં જાણીને જ્યાં સુધી પોહ ફાટે ને સવારનો તારો તમારાં અંતઃકરણોમાં ઊગે, ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારૂં. પ્રથમ તમારે એ જાણવું, કે પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્યવચન મનુષ્યપ્રેરિત નથી. કેમકે ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે કદી આવ્યું નથી; પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો દેવનાં વચન બોલ્યાં.” (૨ પીતર ૧:૧૯-૨૧) રૂપાંતરથી દેવની ભવિષ્યવાણીઓ વધારે ભરોસાપાત્ર સાબિત થાય છે. આપણે એ ભવિષ્યવાણીને ધ્યાન આપીએ, “ચતુરાઈથી કલ્પેલી કહાણીઓને” નહિ, જેના પર દેવની કૃપા કે ટેકો નથી. એ રૂપાંતરથી દેવની ભવિષ્યવાણીમાં આપણો વિશ્વાસ દૃઢ થવો જોઈએ, કારણ કે એ સંદર્શન પ્રમાણે હવે ઈસુને મહિમા અને રાજ્ય સત્તા મળ્યા છે. આપણી પાસે ઘણા પુરાવા છે કે ખ્રિસ્ત આજે એક શક્તિશાળી રાજા તરીકે હાજર છે.

સવારના તારાનું ઉગવું

૧૦. પીતરે જણાવેલો “સવારનો તારો” કોણ છે, અને શા માટે?

૧૦ પીતરે લખ્યું: “તેને અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવાના જેવાં જાણીને જ્યાં સુધી પોહ ફાટે ને સવારનો તારો તમારાં અંતઃકરણોમાં ઊગે, ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારૂં.” આ “સવારનો તારો” કોણ છે? “સવારનો તારો” શબ્દ, બાઇબલમાં ફક્ત એક જ વાર જોવા મળે છે, અને એનો અર્થ ‘પ્રભાતના તારા’ જેવો જ થાય છે. પ્રકટીકરણ ૨૨:૧૬માં ઈસુ ખ્રિસ્તને “પ્રભાતનો પ્રકાશિત તારો” કહેવામાં આવે છે. વર્ષના અમુક સમયે, આવા તારાઓ પૂર્વ તરફ છેલ્લા ઊગે છે. એ સૂર્ય ઊગવાના પહેલાં જ ઊગે છે, અને તેઓ જાણે નવા દિવસની જાહેરાત કરે છે. રાજ્ય સત્તા ધરાવનાર ઈસુને પીતરે “સવારનો તારો” કહ્યા. હા, એ સમયે ઈસુ પૃથ્વી સહિત, આખા વિશ્વમાં ઊગે છે! સવારના મસીહી તારા તરીકે, તે આજ્ઞાધીન મનુષ્યો માટે નવો દિવસ અથવા નવો યુગ શરૂ થવાની જાહેરાત કરે છે.

૧૧. (ક) કઈ રીતે કહી શકાય કે ૨ પીતર ૧:૧૯માં જોવા મળતો “સવારનો તારો” મનુષ્યના શાબ્દિક હૃદયમાં ઊગતો નથી? (ખ) તમે એ કલમને કઈ રીતે સમજાવશો?

૧૧ ઘણા બાઇબલ ભાષાંતરો એવી માન્યતા વહેતી કરે છે કે, ૨ પીતર ૧:૧૯માંના શબ્દો શારીરિક હૃદયને લાગુ પડે છે. એક માનવ હૃદયનું વજન ૨૫૦થી ૩૦૦ ગ્રામ હોય છે. તેથી, ઈસુ ખ્રિસ્ત જે હમણાં મહિમાવંત અમર સ્વર્ગીય જીવન ધરાવે છે, એ કઈ રીતે મનુષ્યના આ નાનકડાં અંગમાં ઊગી શકે? (૧ તીમોથી ૬:૧૬) ખરું જોતા, એ તો આપણાં સાંકેતિક હૃદયની વાત થાય છે, કેમ કે એનાથી જ આપણે દેવની ભવિષ્યવાણીને ધ્યાન આપીએ છીએ. પરંતુ, ૨ પીતર ૧:૧૯ ધ્યાનથી તપાસો. તમને જોવા મળશે કે ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશનમાં “પોહ ફાટે અને સવારનો તારો ઊગે” અને “તમારા હૃદયોમાં” એ બંને વચ્ચે અલ્પવિરામ મૂકવામાં આવ્યું છે. તેથી, ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન પ્રમાણે, કલમ આ રીતે વાંચી શકાય: ‘વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે ભવિષ્યવચન, છે; તેને અંધારે ઠેકાણે, એટલે કે, તમારાં હૃદયોમાં પ્રકાશ કરનાર દીવાના જેવાં જાણીને પોહ ફાટે ને સવારનો તારો ઊગે ત્યાં સુધી, તમે તેના પર ચિત્ત લગાડો તો સારૂં.’

૧૨. મનુષ્યના હૃદયની સામાન્ય હાલત કેવી છે, પરંતુ સાચા ખ્રિસ્તીઓ માટે શું ખરું છે?

૧૨ સામાન્ય રીતે, પાપી મનુષ્યોના સાંકેતિક હૃદયની હાલત કેવી છે? તેઓનાં હૃદય તો આત્મિક અંધકારથી ભરેલાં છે! જોકે, આપણે સાચા ખ્રિસ્તીઓ હોઈએ તો, સામાન્ય રીતે આપણા અંધકારમય હૃદયમાં જાણે પ્રકાશ કરનાર દીવો પ્રગટશે. પીતરે જણાવ્યું તેમ, દેવની પ્રકાશ આપનારી ભવિષ્યવાણીઓને ધ્યાન આપીને જ, સાચા ખ્રિસ્તીઓ નવા દિવસની પરોઢે સાવધ અને પ્રકાશિત રહેશે. તેઓ જાણશે કે સવારનો તારો ઊગ્યો છે. પરંતુ, એ કંઈ માનવીના શાબ્દિક હૃદયમાં નહિ, પણ આખી સૃષ્ટિમાં ઊગ્યો છે.

૧૩. (ક) આપણે શા માટે કહી શકીએ કે સવારનો તારો ઊગી ચૂક્યો છે? (ખ) શા માટે આપણે ઈસુએ ભાખેલી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ?

૧૩ સવારનો તારો તો ઊગી ચૂક્યો છે! ઈસુની હાજરી વિષેની મહત્ત્વની ભવિષ્યવાણી તપાસવાથી આપણને એની ખાતરી મળી શકે. આજે, આપણે એ ભવિષ્યવાણી પૂરી થતી જોઈએ છીએ. એમાં ભાખેલા યુદ્ધો, ભૂખમરો, ધરતીકંપ અને જગતવ્યાપી સુસમાચારનો પ્રચાર આપણે જોઈ રહ્યા છીએ. (માત્થી ૨૪:૩-૧૪) ઈસુએ ભાખેલી મુશ્કેલીઓ આપણને ખ્રિસ્તી તરીકે પણ અસર કરે છે. છતાં, આપણે એ શાંતિ અને આનંદથી સહી શકીએ છીએ. એનું કારણ એ છે કે, આપણે દેવની ભવિષ્યવાણીઓને ધ્યાન આપીએ છીએ, અને તેમણે વચન આપેલા ભાવિમાં આપણને વિશ્વાસ છે. આપણે જાણીએ છીએ કે, આપણે નવા યુગના બારણે આવી પહોંચ્યા છીએ, કારણ કે આપણે ‘છેક અંતના સમયમાં’ જીવીએ છીએ! (દાનીયેલ ૧૨:૪) યશાયાહ ૬૦:૨ પ્રમાણે, જગત એના છેલ્લા શ્વાસ લઈ રહ્યું છે: “જુઓ, અંધારૂં પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે.” આ ઘોર અંધકારમાં કેવી રીતે કોઈ રસ્તો શોધી શકે? એ વ્યક્તિએ બહુ મોડું થાય એ પહેલાં, નમ્રતાથી દેવની ભવિષ્યવાણીને ધ્યાન આપવું જ જોઈએ. નમ્ર હૃદયના લોકોએ જીવન અને પ્રકાશ માટે યહોવાહ દેવને ભજવાની જરૂર છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯; પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૮) એમ કરીને જ, કોઈ પણ સાચો પ્રકાશ મેળવી શકે. તેમ જ, યહોવાહ દેવે આજ્ઞાધીન લોકો માટે વચન આપ્યા પ્રમાણે, ભવ્ય ભાવિનો આનંદ માણવાની આશા રાખી શકે છે.—પ્રકટીકરણ ૨૧:૧-૫.

‘જગતમાં અજવાળું આવ્યું’

૧૪. બાઇબલની અદ્‍ભુત ભવિષ્યવાણી પૂરી થતી જોવા આપણે શું કરવું જ જોઈએ?

૧૪ શાસ્ત્રવચનો સાબિત કરે છે કે હમણાં ઈસુ ખ્રિસ્ત રાજા તરીકે રાજ કરે છે. તે ૧૯૧૪માં રાજ્ય સત્તામાં આવ્યા હોવાથી, અદ્‍ભુત ભવિષ્યવાણીઓ હજુ પૂરી થશે. એ પૂરી થતી જોવા માટે, આપણે નમ્રતાથી ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખવો જોઈએ, અને આપણે કરેલાં પાપનો ખરો પસ્તાવો કરવો જોઈએ. પરંતુ, અંધકાર ચાહનારાઓ અનંતજીવન પામશે નહિ. ઈસુએ કહ્યું: “અપરાધી ઠરાવવાનું કારણ એ છે, કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાના કરતાં અંધારૂં ચાહ્યું; કેમકે તેઓનાં કામ ભૂંડાં હતાં. કેમકે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે, અને પોતાનાં કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી. પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ દેવથી કરાયાં છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે.”—યોહાન ૩:૧૯-૨૧.

૧૫. યહોવાહે પોતાના પુત્ર દ્વારા આપેલા તારણને આપણે ઠોકર મારીશું તો શું થશે?

૧૫ જગતમાં ઈસુ આત્મિક પ્રકાશ લાવ્યા છે, અને તેમને ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. પાઊલે લખ્યું: “પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે દેવ અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યો, તે આ છેલ્લા સમયમાં પુત્ર, કે જેને તેણે સઘળાંનો વારસ ઠરાવ્યો, અને વળી જેના વડે તેણે જગતોને ઉત્પન્‍ન કર્યાં, તે દ્વારા આપણી સાથે બોલ્યો.” (હેબ્રી ૧:૧, ૨) દેવે પોતાના પુત્ર દ્વારા શક્ય બનાવેલા તારણને આપણે ઠોકર મારીશું તો શું થશે? પાઊલે આગળ કહ્યું: “દૂતો દ્વારા કહેલું વચન જો સત્ય ઠર્યું, અને દરેક પાપનું તથા આજ્ઞાભંગનું યોગ્ય ફળ મળ્યું; તો આપણે એવા મહાન તારણ વિષે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે તારણની વાત પ્રથમ પ્રભુએ પોતે કરી, પછી તેને સાંભળનારાઓએ અમને તેની ખાતરી કરી આપી; તેઓની સાથે દેવ પણ ચિહ્‍નોથી, અદ્‍ભુત કૃત્યોથી, નાના પ્રકારના ચમત્કારોથી તથા પોતાની ઇચ્છા પ્રમાણે પવિત્ર આત્માએ આપેલાં દાનથી સાક્ષી આપતો રહ્યો.” (હેબ્રી ૨:૨-૪) ખરેખર, ઈસુ સર્વ ભવિષ્યવાણીઓમાં મુખ્ય છે.—પ્રકટીકરણ ૧૯:૧૦.

૧૬. યહોવાહની સર્વ ભવિષ્યવાણીઓ પર આપણે શા માટે પૂરો ભરોસો રાખી શકીએ?

૧૬ પીતરે કહ્યું હતું કે, “પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્યવચન મનુષ્યપ્રેરિત નથી.” હા, માનવીઓ પોતે સાચી ભવિષ્યવાણી કહી શકતા નથી, પણ આપણે દેવની ભવિષ્યવાણીમાં પૂરેપૂરો ભરોસો રાખી શકીએ છીએ. એ ખુદ યહોવાહ દેવ પાસેથી આવે છે. વળી, પવિત્ર આત્માથી તે પોતાના સેવકોને જણાવે છે કે, કઈ રીતે બાઇબલ ભવિષ્યવાણીઓ પૂરી થાય છે. ખરેખર, આપણે યહોવાહના આભારી છીએ કે, ૧૯૧૪થી આપણે ઘણી બાઇબલ ભવિષ્યવાણી પૂરી થતા જોઈ છે. આપણે પૂરેપૂરી ખાતરી રાખીએ છીએ કે, આ દુષ્ટ જગતના અંતને લગતી બાકીની ભવિષ્યવાણીઓ પણ જરૂર પૂરી થશે. આપણે પ્રકાશ ફેલાવીએ તેમ, દેવની ભવિષ્યવાણીને ધ્યાન આપીએ એ ખૂબ જરૂરી છે. (માત્થી ૫:૧૬) આપણે યહોવાહના કેટલા આભારી છીએ કે તે પૃથ્વી પરના ‘ગાઢ અંધકારમાં પ્રકાશ આપે’ છે!—યશાયાહ ૫૮:૧૦.

૧૭. શા માટે આપણને દેવ પાસેથી આત્મિક પ્રકાશની જરૂર છે?

૧૭ કુદરતી પ્રકાશથી આપણે જોઈ શકીએ છીએ. એનાથી જાતજાતનો ખોરાક ઊગે છે, અને એ આપણને જીવન ટકાવવા પોષણ આપે છે. આપણે કુદરતી પ્રકાશ વગર કંઈ કરી શકતા નથી. આત્મિક પ્રકાશ વિષે શું? એ આપણને માર્ગદર્શન આપે છે, અને આપણને દેવના શબ્દ, બાઇબલમાં ભાખેલા ભાવિ વિષે પણ જણાવે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) યહોવાહ દેવ પ્રેમાળપણે ‘અજવાળું તથા સત્ય મોકલે’ છે. (ગીતશાસ્ત્ર ૪૩:૩) સાચે જ, આપણે એ માટે ઊંડી કદર બતાવવી જોઈએ. તેથી, ચાલો આપણે ‘દેવના મહિમાના જ્ઞાનથી’ પ્રકાશિત થવા આપણાથી બનતું બધુ જ કરીએ. જેથી, એનાથી આપણું સાંકેતિક હૃદય પ્રકાશિત થાય.—૨ કોરીંથી ૪:૬; એફેસી ૧:૧૮.

૧૮. યહોવાહ દેવનો સવારનો તારો શું કરવા તૈયાર છે?

૧૮ આપણે એ જાણીને કેટલા આશીર્વાદિત છીએ કે, ૧૯૧૪થી ઈસુ ખ્રિસ્ત, પ્રભાતનો તારો વિશ્વમાં ઊગ્યો છે, અને રૂપાંતરનું સંદર્શન પૂરું કરવાની શરૂઆત થઈ છે! યહોવાહનો સવારનો તારો હમણાં ઊગી ચૂક્યો છે, જે રૂપાંતરના સંદર્શનને આગળ પૂરું કરવા તૈયાર છે. એ દેવના હેતુ પ્રમાણે “શર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈ” હશે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬) આ જૂનું જગત નાશ પામશે પછી, યહોવાહ “નવાં આકાશ તથા નવી પૃથ્વી” લઈ આવવાનું પોતાનું વચન પૂરું કરશે. એમાં આપણે તેમને વિશ્વના સર્વોપરી અને સાચી ભવિષ્યવાણીના પરમેશ્વર તરીકે હંમેશ માટે ભક્તિ કરીશું. (૨ પીતર ૩:૧૩) એ ભવ્ય સમય સુધી, ચાલો આપણે દેવની ભવિષ્યવાણીને ધ્યાન આપીને તેમના પ્રકાશમાં ચાલતા રહીએ.

તમારો જવાબ શું છે?

• તમે ઈસુના રૂપાંતરનું કેવું વર્ણન કરશો?

• રૂપાંતર કઈ રીતે વિશ્વાસ દૃઢ કરે છે?

• યહોવાહનો સવારનો તારો કોણ છે, અને એ ક્યારે ઊગ્યો?

• શા માટે આપણે દેવની ભવિષ્યવાણીને ધ્યાન આપવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૩ પર ચિત્ર]

શું તમે રૂપાંતરનું મહત્ત્વ સમજાવી શકો?

[પાન ૧૫ પર ચિત્ર]

શું તમે જાણો છો કે સવારનો તારો કેવી રીતે અને ક્યારે ઊગ્યો?