સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મેલીવિદ્યા વિષે તમારે શું જાણવું જોઈએ

મેલીવિદ્યા વિષે તમારે શું જાણવું જોઈએ

મેલીવિદ્યા વિષે તમારે શું જાણવું જોઈએ

આજે મેલીવિદ્યાની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. કારણ કે, મેલીવિદ્યા કરનારાઓમાં પણ ઘણા મતભેદો છે. તેઓની એવી કોઈ સંસ્થા અથવા ધર્મ પુસ્તક હોતા નથી, જેના પર તેઓની માન્યતા આધારિત હોય. વળી તેઓના રિવાજ, સંગઠન, વિધિઓ અને કયા દેવોને ભજવા જોઈએ એના વિષે પણ ભિન્‍નભિન્‍ન માન્યતાઓ હોય છે. એક લેખકે કહ્યું: “મંત્રતંત્રની દુનિયા સર્વ માટે છે, જેમ તમે ‘બજારમાં’ જઈને જે પસંદ આવે એ ખરીદો છો.” બીજા લેખક કહે છે: “મોટા ભાગનાઓ પોતાને વિધર્મના એક નવા રૂપ તરીકે ઓળખાવે છે, તેઓ કોઈ પણ બાબતમાં સહમત થતા નથી.”

ઘણાઓ માટે આવા મતભેદો હોવા એ કંઈ મોટી બાબત નથી. મેલીવિદ્યા શીખવા વિષે એક પુસ્તક કહે છે: “તમને એવી માહિતી મળે જે બીજાથી તદ્દન જુદી હોય તો, તમે આ માહિતી વિષે તપાસ કરો અને પછી પોતે જ નિર્ણય કરો કે, મારે કયા માર્ગે જવું જોઈએ. પછી તમારું હૃદય જે કહે એ જ કરો. બીજા શબ્દોમાં કહીએ તો, ભિન્‍નભિન્‍ન વિધિઓ વિષે પુસ્તકોમાં જે કંઈ બહાર પાડવામાં આવ્યું એમાંથી જે મન ફાવે તે પસંદ કરો.”

જેઓ સત્ય પારખી શકે છે, તેઓ માટે આ મતભેદો એક સમસ્યા છે. સત્ય હકીકત પર આધારિત હોય છે. તમે ફક્ત માની લો, સ્વીકારી લો, અથવા એવું લાગે કે એ સાચું છે, એનાથી હકીકત બની જતી નથી. દાખલા તરીકે, એક સમયે ડૉક્ટરો પણ એવું માનતા હતા કે, જો કોઈને ફેફસાંનો રોગ થયો હોય તો, મરઘીના બે ટુકડા કરીને દર્દીની છાતી પર મૂકવામાં આવે તો સારું થઈ જશે. જોકે, ઘણા દર્દીઓ સાચે જ એવું માનતા હતા કે, એમ કરવાથી તેઓની બીમારી જતી રહેશે. છતાં, તેઓની માન્યતાઓ અને શ્રદ્ધાઓ સત્ય પર આધારિત ન હતી, જાણે કે એમ કરવાથી ફેફસાંનો રોગ મટી જતો હોય. વળી, લોકો સત્ય બનાવી શકતા નથી. પરંતુ, તેઓ સત્ય સમજવાનો પ્રયત્ન કરે છે.

જોકે, બાઇબલ એવો દાવો કરે છે કે, એમાં પરમેશ્વરનું સાચું જ્ઞાન છે. ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે તેમણે પોતાના પિતાને પ્રાર્થનામાં કહ્યું: “તારૂં વચન સત્ય છે.” (યોહાન ૧૭:૧૭) પ્રેષિત પાઊલે લખ્યું: “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે.” (૨ તીમોથી ૩:૧૬) પરંતુ, મોટા ભાગના લોકો જેઓ મેલીવિદ્યામાં માને છે, તેઓ બાઇબલ સાથે સહમત નથી. એના બદલે તેઓ દંતકથાઓમાં, પ્રાચીન ધર્મોમાં અને વૈજ્ઞાનિક દંતકથાઓમાં માર્ગદર્શન શોધતા હોય છે. તેથી શું એ વાજબી નથી કે, બાઇબલ શું કહે છે એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ? હકીકતમાં તો, આખી દુનિયામાં બાઇબલને માન આપવામાં આવે છે. વળી, એ દુનિયાનું સૌથી જૂનું ધાર્મિક પુસ્તક છે જે આજ સુધી ટકી રહ્યું છે. આખું બાઇબલ લખવામાં ૧૬૦૦થી પણ વધારે વર્ષો લાગ્યાં હતાં. છતાં, એના શિક્ષણો એક સરખા છે. ચાલો આપણે જોઈએ કે બાઇબલ શું શીખવે છે અને તાજેતરમાં ડાકણો શું માને છે.

આત્મિક પ્રદેશમાં કોણ વસે છે?

ધાર્મિક સમજણ મેળવવા માટે આ સવાલનો જવાબ જાણવો જરૂરી છે: આત્મિક પ્રદેશમાં કોણ વસે છે? આધુનિક ડાકણો આજે કુદરતી વસ્તુઓ તથા અનેક દેવદેવીઓમાં માને છે. જ્યારે અમુક લોકો માતાજીને માને છે. ઘણા માને છે કે એના ત્રણ રૂપ છે, કુંવારી, માતા અને વૃદ્ધા, એ જીવનના અનેક પાસાંઓને રજૂ કરે છે. આ દેવીનો પ્રેમી શિંગડાંવાળો દેવતા છે. બીજી ડાકણો ભિન્‍નભિન્‍ન દેવદેવીઓમાં માને છે. એક લેખક કહે છે: “આ દેવી અને દેવતાઓની શક્તિ કુદરતમાં જોવા મળે છે. તેઓ દરેક ભિન્‍નભિન્‍ન હોય છે અને તેઓ મળીને જીવનની સૃષ્ટિ બનાવે છે.” બીજી એક સંસ્થા લખે છે: “મેલીવિદ્યા તમારી પસંદગી પર આધારિત છે કે તમે કયા (દેવ⁄દેવીઓની) ઉપાસના કરશો. . . . આ વિદ્યામાં તમને તમારી પસંદગીના દેવ/દેવીની ઉપાસના કરવાની સ્વતંત્રતા મળે છે.”

પરંતુ, બાઇબલ આવા વિચારો સાથે જરાય સહમત નથી. ઈસુ ખ્રિસ્તે બીજાઓને યહોવાહ, “એકલા ખરા દેવ” વિષે શિક્ષણ આપવા પોતાનું આખું જીવન અર્પી દીધું. (યોહાન ૧૭:૩) બાઇબલ કહે છે: “યહોવાહ મોટો તથા ઘણો સ્તુત્ય છે; વળી સર્વ દેવો કરતાં તે ભયાસ્પદ છે. કેમકે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે.”—૧ કાળવૃત્તાંત ૧૬:૨૫, ૨૬.

ડેવિલ [શેતાન] વિષે શું? વૅબસ્ટર્સ નાઇન્થ ન્યૂ કોલીજીએટ ડિક્ષનરી પ્રમાણે મેલીવિદ્યાનો અર્થ “ડેવિલ [શેતાન] સાથે વાતચીત કરવી” થાય છે. પરંતુ, આ વ્યાખ્યાથી ઘણી ડાકણો જલદી સહમત થતી નથી, કારણ કે તેઓ એ પણ માનતી નથી કે શેતાન જેવું કંઈ છે. ધ આઈરીશ ટાઇમ્સમાં એક યુવાન સ્ત્રી, જે “આયર્લૅન્ડની ડાકણોમાં એક આગળ પડતી ડાકણ છે” તેણે આ પ્રમાણે કહ્યું: “જો એવું કહીએ કે શેતાન છે તો ખ્રિસ્તી ધર્મમાં માનવું પડે . . . વિશ્વમાં જ્યાં દેવ જ નથી ત્યાં [શેતાન] ક્યાંથી હોઈ શકે.”

બાઇબલ જણાવે છે કે શેતાન છે. વળી, પૃથ્વી પર જે દુઃખ અને અશાંતિ આવી પડી છે એ માટે તે જવાબદાર છે. (પ્રકટીકરણ ૧૨:૧૨) ઈસુએ ફક્ત એ જ જણાવ્યું ન હતું કે શેતાન છે. પરંતુ, એ પણ જણાવ્યું કે આપણે અજાણી રીતે શેતાનની ઇચ્છા પ્રમાણે કરતા હોઈએ છીએ. દાખલા તરીકે, પ્રથમ સદીના પોતાને ન્યાયી ગણાવતા ધાર્મિક ગુરૂઓ દાવો કરતા હતા કે, તેઓ દેવમાં માને છે અને તેમની ઇચ્છા પ્રમાણે જીવે છે. તેથી, તેઓ પણ અમુક રીતે દેવના દીકરાઓ છે. પરંતુ, ઈસુ જાણતા હતા કે તેઓના હૃદયમાં શું છે તેથી તેમણે તેઓને સ્પષ્ટ કહ્યું: “તમે તમારા બાપ શેતાનના છો, અને તમારા બાપની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો.” (યોહાન ૮:૪૪) વધુમાં, બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક જણાવે છે કે શેતાન “આખા જગતને ભમાવે છે.”—પ્રકટીકરણ ૧૨:૯.

શું અમુક પ્રકારનો જાદુમંત્ર લાભદાયી છે?

જોકે, જાદુમંત્ર હંમેશા મંત્રતંત્ર સાથે જોડાએલા હોય છે. * આજે અને પ્રાચીન સમયમાં પણ ઘણા લોકો એમ માનતા હતા કે ડાકણો મંત્રતંત્રથી બીજાઓને નુકસાન કરે છે. એવું પણ માનવામાં આવે છે કે, ડાકણો પાસે જે શક્તિ છે એના વડે તેઓ બીજાઓને દુઃખ આપી શકે અથવા મારી પણ નાખી શકે છે. એવું કહેવામાં આવે છે કે, ડાકણોના કારણે લોકો પર ઘણી મુશ્કેલીઓ, બીમારી અને મરણ આવે છે. આ ઉપરાંત પાક પણ નિષ્ફળ જઈ શકે છે.

જોકે, ડાકણો આજે આવા તહોમતો સ્વીકારવા તૈયાર નથી. તેઓનું માનવું છે કે, અમુક જ એવી ડાકણ હશે જે લોકોનું ખરાબ ઇચ્છતી હશે. પરંતુ, મંત્રતંત્રથી નુકસાન નહિ પણ લાભ થાય છે. ડાકણો એવું કહે છે કે, મંત્રતંત્ર શીખવાથી તેઓને ત્રણગણો લાભ થશે અને એમ કરવાથી તેઓની વિરુદ્ધ કોઈ મેલીવિદ્યા અજમાવશે નહિ. તેઓના કહેવા પ્રમાણે અમુક બાબતોમાં મંત્રો કરવાથી લાભ થાય છે. દાખલા તરીકે પોતાનું રક્ષણ કરવા, દુષ્ટ આત્માઓથી પોતાના ઘરનું રક્ષણ કરવા, કોઈને તમારા પ્રેમમાં ફસાવવા, રોગોથી દૂર રહેવા, તમારી નોકરી બચાવવા અને પૈસા બનાવવા. મંત્રતંત્રના આટલા બધા લાભો બતાવવામાં આવે છે. તેથી, એ આટલું બધુ પ્રખ્યાત છે એમાં કંઈ આશ્ચર્ય નથી.

છતાં, બાઇબલ એવો કોઈ તફાવત નથી બતાવતું કે, કયા મંત્રતંત્રો સારા છે અથવા ખરાબ છે. પરંતુ, મુસાને જે નિયમ આપવામાં આવ્યો હતો એમાં દેવે સ્પષ્ટ રીતે કહ્યું: “તમે મંત્ર ન વાપરો, તેમજ શુકનનો ઉપચાર પણ ન કરો.” (લેવીય ૧૯:૨૬) વળી, એમ પણ કહે છે: “તારી મધ્યે એવો કોઈ જન હોવો ન જોઈએ કે જે . . . જોષ જોતો હોય, કે શકુન જોતો હોય, કે ધંતરમંતર કરનાર, કે જાદુગર, કે મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, કે ઈલમી, કે ભૂવો હોય.”—પુનર્નિયમ ૧૮:૧૦, ૧૧.

પરંતુ, દેવે શા માટે એમ કહ્યું? એનું એ કારણ નથી કે, તે આપણું ભલું નથી ઇચ્છતા. પરંતુ યહોવાહ દેવ આપણું ભલું ઇચ્છે છે, અને તે આપણને ચાહે છે એટલે આપણને નિયમો આપ્યા છે. વળી, તે નથી ઇચ્છતા કે લોકો અંધશ્રદ્ધામાં માને અને ખોટા ભયમાં પડી જાય. એના બદલે તે ઇચ્છે છે કે, તેમના સેવકો જરૂરી માર્ગદર્શન માટે તેમની પાસે જાય. કારણ કે, તે “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન” આપનાર છે. (યાકૂબ ૧:૧૭) વળી, પ્રેષિત પાઊલે ખ્રિસ્તી ભાઈઓને ઉત્તેજન આપતા કહ્યું: “જે કંઈ આપણે માગીએ છીએ, તે તેની પાસેથી આપણને મળે છે, કેમકે આપણે તેની આજ્ઞાઓ પાળીએ છીએ, અને તેની નજરમાં જે પસંદ પડે છે તે કરીએ છીએ.”—૧ યોહાન ૩:૨૨.

ભૂતો વિષે શું?

ઘણી ડાકણો આ બાબતે બાઇબલ સાથે સહમત થાય છે: ભૂતો છે. મેલીવિદ્યાને પ્રોત્સાહન આપનાર એક ભૂવાએ લેખમાં ચેતવણી આપી: “સાચે જ ભૂતો અસ્તિત્વ ધરાવે છે: આપણી આ દુનિયાની જેમ એક અદશ્ય દુનિયા છે જેમાં ભૂતો રહે છે. . . . તેથી તેઓને ‘ભૂત’, ‘દુષ્ટ આત્મા’ તથા ‘શેતાન’ કહેવામાં આવે છે અને એ ખરૂં વર્ણન છે. તેઓ બહું જ શક્તિમાન હોય છે. . . . તેઓ બુદ્ધિશાળી હોય છે . . . જો (તેઓ માટે કોઈ દ્વાર ખોલે તો) આપણી દુનિયામાં આવવા માટે પણ તેઓ સક્ષમ છે. . . . તેઓ આપણા શરીરમાં પ્રવેશી શકે છે . . . અને તમારા પર કાબૂ પણ મેળવી શકે છે. હા, આ તો ભૂત વળગવા વિષેની પ્રાચીન વાર્તાઓ જેવું જ છે.”

બાઇબલ સમયોમાં, ઘણા લોકોને જુદી જુદી રીતે ભૂત વળગ્યા હતા. તેથી લોકો મૂંગા, આંધળા, ગાંડા, અને અતિશય શક્તિ ધરાવતા હતા. (માત્થી ૯:૩૨; ૧૨:૨૨; ૧૭:૧૫, ૧૮; માર્ક ૫:૨-૫; લુક ૮:૨૯; ૯:૪૨; ૧૧:૧૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧૬) અમુક સમયે એક વ્યક્તિમાં ઘણાં ભૂતો વાસો કરીને તેને ઘણું દુઃખ આપતાં. (લુક ૮:૨, ૩૦) તેથી, યોગ્ય કારણોસર યહોવાહ દેવે લોકોને મેલીવિદ્યા અને મંત્રતંત્રથી દૂર રહેવાની ચેતવણી આપી હતી.

સત્ય પર આધારિત ધર્મ

આજે ઘણા લોકો મેલીવિદ્યા તરફ દોરાયા છે. કારણ કે તેઓ એવું માને છે કે, એમાં કંઈ ખોટું નથી. એ તો કુદરતી ધર્મ છે. અમુક સમાજમાં મંત્રતંત્ર એકદમ સામાન્ય બની ગયું છે. એનાથી તેઓને કોઈ ભય નથી. કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે ત્યાં, ઘણા લોકો વિચિત્ર બાબતોમાં માનવા લાગે છે. આમ મંત્રતંત્રને આદરથી જોવામાં આવે છે.

ખરેખર, જગતના ધર્મો બજાર જેવા થઈ ગયા છે, જે તમને પસંદ પડે એ અપનાવી લો. જાણે કે તમે દુકાનમાંથી જોડા પસંદ કરતા હોય એમ, ધર્મની પણ પસંદગી કરી શકો છો. એની સરખામણીમાં, ઈસુએ બતાવ્યું કે બેમાંથી એકને જ પસંદ કરવો જોઈએ. તેમણે કહ્યું: “તમે સાંકડે બારણેથી માંહે પેસો; કેમકે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તે ચોડો છે, ને તેનું બારણું પહોળું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે. કેમકે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, ને તેનું બારણું સાંકડું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.” (માત્થી ૭:૧૩, ૧૪) સ્વાભાવિક રીતે આપણે જે માર્ગ અપનાવવો હોય એ પસંદ કરવા સ્વતંત્ર છીએ. પરંતુ, પસંદગી આપણે સમજી વિચારીને કરવી જોઈએ, કેમ કે એમાં આપણું ભાવિ સમાયેલું છે. પરમેશ્વરનું જ્ઞાન મેળવવા આપણે સત્યનો માર્ગ અપનાવવો જોઈએ. ફક્ત બાઇબલમાં જ પરમેશ્વરનું સત્ય જ્ઞાન મળી આવે છે.

[ફુટનોટ]

^ અમુક લોકો અંગ્રેજીમાં “જાદુ” શબ્દનો ઉપયોગ મંત્રતંત્ર અને રંગમંચ પર બતાવવામાં આવતી હાથચાલાકી વચ્ચે તફાવત પાડતા હોય છે. સજાગ બનો! ડિસેમ્બર ૮, ૧૯૯૩, પાન ૨૩ “જાદુ કરવામાં કંઈ જોખમ છે?” જુઓ.

[પાન ૫ પર ચિત્ર]

આજે ઘણા માને છે કે, મેલીવિદ્યામાં કંઈ ખોટું નથી, એ ફક્ત કુદરતી ધર્મ છે.

[પાન ૬ પર ચિત્ર]

મંત્રતંત્ર હંમેશા મેલીવિદ્યા સાથે જોડાયેલા હોય છે

[પાન ૬ પર ચિત્ર]

શું ડાકણો અજાણતા શેતાનની ઇચ્છા પૂરી કરે છે?

[પાન ૭ પર ચિત્રો]

બાઇબલ સત્યનો માર્ગ બતાવે છે