યહોવાહના વચનોને ધ્યાન આપો!
યહોવાહના વચનોને ધ્યાન આપો!
“તું સમજી લે કે આ સંદર્શન દુનિયાના અંત સમયનું છે.”—દાનીયેલ ૮:૧૭, સરળ ભાષાનું બાઇબલ.
૧. આજે યહોવાહ દેવ શું જણાવવા ચાહે છે?
યહોવાહ દેવ ભવિષ્ય જાણે છે. તે એની માહિતી પોતાની પાસે જ રાખતા નથી, પણ આપણને એના વિષે જણાવે છે. તે આપણને જણાવવા ચાહે છે કે, આપણે ‘દુનિયાના અંતના સમયમાં’ જીવીએ છીએ. આજે, પૃથ્વી પર રહેનારા અબજો લોકો માટે કેવો જરૂરી સંદેશ!
૨. શા માટે લોકો ભાવિની ચિંતા કરે છે?
૨ આ જગતનો અંત આવે એમાં કંઈ નવાઈ નથી. માણસ ચંદ્ર પર તો ફરી આવ્યો, પણ પોતાના ફળિયામાં ફરવાનો તેને ડર લાગે છે. તે ઘરમાં નવી નવી ચીજો લાવી શકે છે, પણ શાંતિ લાવી શકતો નથી. તે જાતજાતના કોમ્પ્યુટર શીખે છે, જેથી દુનિયાના લોકો સાથે માહિતીની આપ-લે કરી શકે. પરંતુ, પોતાના ઘરમાં જ હળીમળીને રહી શકતો નથી. બાઇબલ પ્રમાણે, એ જ સાબિતી આપે છે કે, દુનિયાનો અંત નજીક છે.
૩. ‘દુનિયાના અંત’ વિષે ક્યારે જાણ થઈ હતી?
૩ લગભગ ૨,૬૦૦ વર્ષ અગાઉ, ‘દુનિયાના અંતના સમય’ વિષે ઈશ્વરભકત દાનીયેલે સાંભળ્યું. ગાબ્રીએલ નામના એક સ્વર્ગદૂતે કહ્યું કે, “તું સમજી લે કે આ સંદર્શન દુનિયાના અંત સમયનું છે.” (દાનીયેલ ૮:૧૭, સરળ ભાષાનું બાઇબલ.) એ સાંભળીને દાનીયેલ બહુ જ ગભરાઈ ગયા.
‘દુનિયાના અંતનો સમય’!
૪. બીજી કઈ રીતે બાઇબલ અંતના સમય વિષે જણાવે છે?
૪ ‘અંતનો સમય,’ ‘ઠરાવેલો વખત’ જેવા શબ્દો આપણને દાનીયેલના પુસ્તકમાં છ વાર મળી આવે છે. (દાનીયેલ ૮:૧૭, ૧૯; ૧૧:૩૫, ૪૦; ૧૨:૪, ૯) એ ‘છેલ્લા સમય’ વિષે પ્રેષિત પાઊલે પણ ભાખ્યું હતું. (૨ તીમોથી ૩:૧-૫) ઈસુ ખ્રિસ્તે જણાવ્યું કે, એ સમયે પોતે સ્વર્ગમાં રાજા તરીકે સત્તા લેશે.—માત્થી ૨૪:૩૭-૩૯.
૫, ૬. અંતના સમયમાં કોણ ‘અહીંતહીં દોડે’ છે, અને એનું પરિણામ શું આવ્યું છે?
૫ દાનીયેલ ૧૨:૪ કહે છે કે, “હે દાનીયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મહોર સિક્કો કર; ઘણાઓ અહીંતહીં દોડશે, ને જ્ઞાનની વૃદ્ધિ થશે.” દાનીયેલના મોટા ભાગના લખાણની મનુષ્યોને સદીઓ સુધી સમજણ પડી નહિ, એ છૂપું રાખવામાં આવ્યું હતું. શું આજે પણ એ છૂપું છે?
૬ આ અંતના સમયમાં યહોવાહના ઘણા વિશ્વાસુ ભક્તો બાઇબલમાં ‘અહીંતહીં દોડ્યા’ છે. એનું પરિણામ શું આવ્યું? યહોવાહ દેવના આશીર્વાદથી તેઓએ પુષ્કળ જ્ઞાન મેળવ્યું છે. દાખલા તરીકે, યહોવાહના અભિષિક્ત સેવકોને યહોવાહ દેવે એ સમજણ આપી કે, ઈસુ ખ્રિસ્ત ૧૯૧૪માં સ્વર્ગમાં રાજા બન્યા. પ્રેષિત પીતરના શબ્દો પ્રમાણે, એ અભિષિક્ત સેવકો અને તેઓના વફાદાર મિત્રો ‘ભવિષ્યવચન પર ચિત્ત લગાડે છે.’ તેઓને કોઈ શંકા નથી કે, આ અંતનો સમય છે.—૨ પીતર ૧:૧૯-૨૧.
૭. દાનીયેલનું પુસ્તક શા માટે અજોડ છે?
૭ દાનીયેલનું પુસ્તક ઘણી રીતે અજોડ છે. એ જણાવે છે કે, એક રાજા પોતાના સર્વ જ્ઞાનીઓની કતલ કરવા તૈયાર થયો છે, કારણ કે તેને મૂંઝવી રહેલા સ્વપ્ન વિષે તેઓ જણાવી શકતા નથી. પરંતુ, યહોવાહ દેવના પ્રબોધક એ ઉખાણાનો ઉકેલ સમજાવે છે. ત્રણ યુવાનોએ મોટી મૂર્તિને નમવાની ના પાડી હોવાથી, તેઓને ધગધગતી ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા. પરંતુ, તેઓને ઊની આંચ પણ ન આવી. એક મોટી મિજબાનીમાં ભેગા થયેલા લોકોએ એક હાથ જોયો, જેણે મહેલની દીવાલ પર સમજાય નહિ એવા શબ્દો લખ્યા. કપટી લોકો એક ઘરડા માણસને સિંહોની ગુફામાં નાખી દેવડાવે છે. પરંતુ તેમનો વાળ પણ વાંકો થયો નહિ. એક સંદર્શનમાં ચાર જાનવરો દેખાય છે. તેઓની સમજણ છેક અંતના સમયમાં લઈ આવે છે.
૮, ૯. આ અંતના સમયમાં દાનીયેલનું પુસ્તક આપણા માટે કેવી રીતે લાભદાયી છે?
૮ દાનીયેલના પુસ્તકમાં બે અલગ અલગ પાસાં છે, એક ઐતિહાસિક અને બીજું પ્રબોધકીય. બંને આપણો વિશ્વાસ દૃઢ કરે છે. ઐતિહાસિક અહેવાલ બતાવે છે કે, યહોવાહ દેવ પોતાના વફાદાર ભક્તોને આશીર્વાદ આપે છે. પ્રબોધકીય અહેવાલ જોતા, એ રીતે આપણો વિશ્વાસ વધે છે કે, યહોવાહ દેવ હજારો વર્ષો અગાઉથી ઇતિહાસનું વહેણ જાણે છે.
૯ દાનીયેલે લખેલી ભવિષ્યવાણીઓ દેવના રાજ્ય તરફ ધ્યાન દોરે છે. આપણે એ પૂરી થતી જોઈએ ત્યારે, આપણો વિશ્વાસ દૃઢ થાય છે. તેમ જ, વધુને વધુ ખાતરી થાય છે કે, આપણે અંતના સમયમાં જીવી રહ્યા છીએ. પરંતુ, કેટલાક ટીકાકારો દાનીયેલ પર આરોપ મૂકે છે કે, તેમણે લખેલી ભવિષ્યવાણીઓ તો એ બનાવો બની ગયા પછી લખાઈ હતી. જો એ સાચું હોય તો, દાનીયેલના પુસ્તકમાં અંતના સમય વિષે જે લખવામાં આવ્યું છે, એ વિષે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે. શંકાશીલ વ્યક્તિઓએ પુસ્તકના ઇતિહાસ વિષે પણ પ્રશ્નો ઊઠાવ્યા છે. તેથી, ચાલો તપાસ કરીએ.
કોર્ટ કેસ!
૧૦. દાનીયેલના પુસ્તક પર કયો આરોપ મૂકવામાં આવ્યો છે?
૧૦ કલ્પના કરો કે તમે અદાલતમાં છો, અને એક મુકદ્દમો ચાલી રહ્યો છે. સરકારી વકીલ જોરશોરથી દાવો કરે છે કે, બચાવ પક્ષની વ્યક્તિએ છેતરપિંડી કરી છે. દાનીયેલના પુસ્તકમાં એનું લખાણ સાચું હોવાનો દાવો થાય છે. તેમ જ, એક હેબ્રી પ્રબોધકે એ લખ્યું છે, જે સાતમીથી છઠ્ઠી સદી બી.સી.ઈ.માં રહેતા હતા. પરંતુ, ટીકાકારોનો દાવો છે કે એ પુસ્તક તો બનાવટી છે. તેથી, ચાલો આપણે જોઈએ કે, એ પુસ્તક સાથે ઇતિહાસ સહમત થાય છે કે કેમ.
૧૧, ૧૨. બેલ્શાસ્સાર ખરેખર હતો કે કેમ એવી શંકાનો શું ઉકેલ આવ્યો?
૧૧ દાખલા તરીકે, એક રાજા વિષે વિચારો, જે ખરેખર હતો કે કેમ, એવી શંકા ઊભી કરવામાં આવી. દાનીયેલનો પાંચમો અધ્યાય બતાવે છે કે, ૫૩૯ બી.સી.ઈ.માં બાબેલોન ઉથલાવી નંખાયું ત્યારે, બેલ્શાસ્સાર રાજા તરીકે રાજ કરતો હતો. ટીકાકારો એ વિષે વાંધો ઊઠાવે છે, કારણ કે બેલ્શાસ્સારનું નામ ફક્ત બાઇબલમાં જ મળી આવે છે. એને બદલે, પ્રાચીન ઇતિહાસકારોનું કહેવું છે કે, બાબેલોનનો છેલ્લો રાજા નાબોનીદસ હતો.
૧૨ જોકે, ૧૮૫૪માં પ્રાચીન બાબેલોનનું ઉર શહેર, જે હમણાં ઇરાક છે, એના અવશેષોમાંથી માટીની ગોળ તક્તીઓ મળી આવી. આ તક્તીનાં લખાણમાં, રાજા નાબોનિદસની પ્રાર્થના હતી, જેમાં “બેલ-સાર-સ્સર, મારા જ્યેષ્ઠ પુત્ર” વિષે ઉલ્લેખ થયો હતો. અરે ટીકાકારોએ પણ સહમત થવું પડ્યું કે, આ તો દાનીયેલના પુસ્તકનો બેલ્શાસ્સાર છે. આમ, સાબિત થયું કે, એ કંઈ વાર્તા ન હતી, પણ ખરેખર તે રાજા થઈ ગયો હતો. એટલું જ કે, દુન્યવી લખાણોને એની મોડેથી ખબર પડી. દાનીયેલનું લખાણ સત્ય છે, એનો આ તો ફક્ત એક જ પુરાવો છે. ખરેખર, આવી સાબિતી બતાવે છે કે, દાનીયેલનું પુસ્તક યહોવાહ દેવ તરફથી છે. તેથી, આ અંતના સમયમાં એને ધ્યાન આપીએ, એ આપણા ભલામાં જ છે.
૧૩, ૧૪. નબૂખાદનેસ્સાર કોણ હતો, અને તે કયા જૂઠા દેવને ભજતો હતો?
૧૩ દાનીયેલના પુસ્તકનો અતિ મહત્ત્વનો ભાગ એની ભવિષ્યવાણીઓ છે. એ જગત સત્તા અને તેઓના અમુક શાસકો વિષે જણાવે છે. એક શાસકને શૂરવીર કહી શકાય, જેણે સામ્રાજ્ય બનાવ્યું. બાબેલોનના યુવરાજ તરીકે, તેણે અને તેના લશ્કરે ઇજિપ્તના ફારૂન નેકો અને તેના લશ્કરને કાર્કેમીશ ખાતે સખત હાર આપી. પરંતુ એક સમાચારે આ વિજયી યુવરાજને બાકીનાં રાજ્યો જીતી લેવાનું કામ પોતાના સેનાપતિઓ પર પડતું મૂકવા મજબૂર કર્યો. તેના પિતા, નબોપોલેસ્સારનું અવસાન થવાથી, આ યુવાન નબૂખાદનેસ્સાર ૬૨૪ બી.સી.ઈ.માં રાજા બન્યો. તેના ૪૩-વર્ષના રાજમાં, તેણે એવું સામ્રાજ્ય બનાવ્યું, જેનો વિસ્તાર એક સમયે આશ્શૂરના હાથમાં હતો. તેણે તેની સરહદો સીરિયા, પેલેસ્તાઈન, અને છેક ઇજિપ્તની હદ સુધી વિસ્તારી.
૧૪ નબૂખાદનેસ્સાર ખાસ કરીને બાબેલોનના મુખ્ય દેવ, માર્દૂકને ભજતો હતો. રાજાએ મેળવેલા સર્વ વિજયનો યશ, તેણે માર્દૂકને આપ્યો. બાબેલોનમાં, નબૂખાદનેસ્સારે માર્દૂક અને બીજા અનેક દેવદેવીઓનાં મંદિરો બાંધ્યાં, અને શણગાર્યાં. તેણે દૂરાના મેદાનમાં ઊભી કરેલી સોનાની મૂર્તિ માર્દૂકને અર્પણ કરેલી હોય શકે. (દાનીયેલ ૩:૧, ૨) તેમ જ, નબૂખાદનેસ્સાર શુકન જોઈને જ ચઢાઈ કરતો હતો, એવું જણાય છે.
૧૫, ૧૬. નબૂખાદનેસ્સારે બાબેલોનને કેવું બનાવ્યું, અને તેણે તેની બડાઈ હાંકી ત્યારે શું બન્યું?
૧૫ નબૂખાદનેસ્સારે, પોતાના પિતાએ શરૂ કરેલી શહેરની મોટી, બેવડી દીવાલ પૂરી કરીને, પાટનગરને અજેય બનાવી દીધું. તેની મિદ્યાનની રાણી, પોતાના વતનના પર્વતો અને જંગલો માટે ઝૂરતી હતી. અહેવાલ પ્રમાણે, તેને ખુશ કરવા નબૂખાદનેસ્સારે ઝૂલતા બગીચા બનાવ્યા—જે પ્રાચીન જગતની સાત અજાયબીઓમાં એક ગણાય છે. તેણે બાબેલોનને એ જમાનાનું દીવાલવાળું સૌથી મોટું શહેર બનાવ્યું. એ જૂઠી ભક્તિના આસન પર બિરાજવાનું તેને કેવું ઘમંડ હતું!
૧૬ એક દિવસ નબૂખાદનેસ્સારે બડાઈ હાંકી કે, ‘શું આ મહાન બાબેલ મેં બાંધ્યું નથી?’ જોકે, દાનીયેલ ૪:૩૦-૩૬ પ્રમાણે, “આ શબ્દો રાજાના મુખમાં જ હતા” અને તેની સમજશક્તિ જતી રહી. દાનીયેલે ભાખ્યું હતું એમ જ, તે રાજ કરવાને અયોગ્ય બન્યો હોવાથી, સાત વર્ષ સુધી તેનું રાજ્ય લઈ લેવાયું, અને તેણે ઘાસ ખાધું. પછી તેનું રાજ્ય તેને પાછું આપવામાં આવ્યું. એ સર્વનું પ્રબોધકીય મહત્ત્વ તમે જાણો છો? તમે સમજાવશો કે, કઈ રીતે એની મહાન પરિપૂર્ણતા છેક અંતના સમયમાં આવે છે?
પ્રબોધકીય પાસું
૧૭. નબૂખાદનેસ્સારને તેના રાજના બીજા વર્ષે કેવું સ્વપ્ન આવ્યું?
૧૭ ચાલો હવે દાનીયેલના પુસ્તકની ભવિષ્યવાણીનાં અમુક પાસા જોઈએ. જગત શાસક તરીકે, નબૂખાદનેસ્સારના બીજા વર્ષમાં (૬૦૬/૬૦૫ બી.સી.ઈ.માં), યહોવાહ દેવે તેને સ્વપ્ન બતાવ્યું, જેનાથી તે ખૂબ જ ગભરાઈ ગયો. દાનીયેલના બીજા અધ્યાય પ્રમાણે, સ્વપ્નમાં એક મોટી મૂર્તિ દેખાઈ. એને સોનાનું માથું, ચાંદીના હાથ અને છાતી, પિત્તળનું પેટ અને જાંગો, લોઢાના પગ, અને પગની પાટલીઓ લોઢા અને માટીના મિશ્રણની હતી. મૂર્તિના અલગ અલગ ભાગ શું દર્શાવતા હતા?
૧૮. સ્વપ્નની મૂર્તિના આ ભાગ કોને રજૂ કરતા હતા? (ક) સોનાનું માથું? (ખ) ચાંદીના હાથ અને છાતી? (ગ) પિત્તળના પેટ અને જાંગો?
૧૮ પરમેશ્વરના પ્રબોધકે નબૂખાદનેસ્સારને કહ્યું કે, “હે રાજા, . . . સોનાનું માથું તે તો આપ છો.” (દાનીયેલ ૨:૩૭, ૩૮) નબૂખાદનેસ્સાર બાબેલોન સામ્રાજ્ય પર રાજ કરતો હતો. પછી, ચાંદીના હાથ અને છાતી દ્વારા રજૂ થતા, માદાય-ઈરાને બાબેલોનને ઉથલાવી નાખ્યું. એના પછી ગ્રીસનું સામ્રાજ્ય આવ્યું, જે પિત્તળના પેટ અને જાંગો દ્વારા રજૂ કરવામાં આવ્યું. એ જગત સત્તાની શરૂઆત કઈ રીતે થઈ?
૧૯, ૨૦. સિકંદર કોણ હતો અને ગ્રીસને જગત સત્તા બનાવવામાં તેણે કયો ભાગ ભજવ્યો?
૧૯ ચોથી સદી બી.સી.ઈ.માં, દાનીયેલની ભવિષ્યવાણીમાં એક યુવાને નોંધપાત્ર ભૂમિકા ભજવી. તેનો જન્મ ૩૫૬ બી.સી.ઈ.માં થયો, અને જગત તેને મહાન સિકંદર તરીકે ઓળખતું થયું. તેના પિતા ફિલિપની ૩૩૬ બી.સી.ઈ.માં હત્યા થઈ. તેથી, ૨૦ વર્ષનો સિકંદર મેસીડોનિયાની ગાદીએ આવ્યો.
૨૦ સિકંદર ૩૩૪ બી.સી.ઈ.માં એક પછી બીજી જીત મેળવવા ચાલી નીકળ્યો. તેની પાસે ૩૦,૦૦૦ સૈનિકો અને ૫,૦૦૦ ઘોડેસવાર સેનાનું નાનું પણ જોરદાર લશ્કર હતું. એ જ વર્ષે, તેઓ ઉત્તરપશ્ચિમ એશિયા માઈનોર (હાલના ટર્કી) ખાતે, ગ્રેનીક્સ નદીએ આવી પહોંચ્યા. એ જગ્યાએ સિકંદર ઈરાનીઓ સામે તેનું પ્રથમ યુદ્ધ જીતી ગયો. આ અથાક વિજેતાએ ૩૨૬ બી.સી.ઈ. સુધીમાં તો, ઈરાનીઓને કબજે કરી લીધા, અને છેક હાલના પાકિસ્તાનની સિંધુ નદી સુધી પૂર્વે જઈ ચડ્યો. પરંતુ બાબેલોનમાં તેનું આખરી યુદ્ધ તે હારી ગયો. જૂન ૧૩, ૩૨૩ બી.સી.ઈ.ના રોજ, ફક્ત ૩૨ વર્ષ અને ૮ મહિના જીવીને, સિકંદરે અજેય શત્રુ, મરણને શરણે થવું પડ્યું. (૧ કોરીંથી ૧૫:૫૫) જોકે, દાનીયેલની ભવિષ્યવાણી પ્રમાણે, તેની જીતને કારણે ગ્રીસ જગત સત્તા બની ગયું.
૨૧. રોમન સામ્રાજ્ય અને બીજી કઈ સત્તા લોઢાના પગ દ્વારા રજૂ થાય છે?
૨૧ હવે મોટી મૂર્તિ તરફ ફરી એક નજર નાખીએ. એના લોઢાના પગ શું દર્શાવે છે? એ તો લોઢા જેવું રોમ હતું, જે ગ્રીસ સામ્રાજ્યનો વિનાશ લઈ આવ્યું. ઈસુ ખ્રિસ્તે જાહેર કરેલા દેવના રાજ્યને કોઈ આદર ન બતાવ્યો, પણ રોમનોએ ૩૩ સી.ઈ.માં ઈસુને વધસ્તંભે મારી નાખ્યા. સાચા ખ્રિસ્તીઓનો અંત લાવવા રોમે ઈસુના શિષ્યોની સખત સતાવણી કરી. જોકે, નબૂખાદનેસ્સારના સ્વપ્નની મૂર્તિના લોઢાના પગ ફક્ત રોમન સામ્રાજ્યને જ નહિ, પણ એમાંથી થયેલી રાજકીય વૃદ્ધિને પણ દર્શાવે છે.
૨૨. સ્વપ્નની મૂર્તિ કઈ રીતે બતાવે છે કે આપણે જગતના છેક અંતના સમયમાં છીએ?
૨૨ હવે આપણે એ સ્વપ્નની મૂર્તિના લોખંડ અને માટીના પગ સુધી પહોંચી ગયા છીએ. તેથી, આ સાબિત કરે છે કે આપણે છેક અંતના સમયના અંતમાં જીવી રહ્યા છીએ. આજની કેટલીક સરકારો લોઢા જેવી કડક છે, જ્યારે કે બીજી માટીના જેવી છે. “માણસોના સંતાન” માટીના બનેલા હોવા છતાં, તેમના પર શાસન કરતી કડક સરકારે, સામાન્ય લોકોનું સાંભળવું પડ્યું છે. (દાનીયેલ ૨:૪૩; અયૂબ ૧૦:૯) ખરું કે જેમ લોખંડ અને માટી ભેગા મળી જતા નથી, તેમ કડક શાસન અને સામાન્ય લોકો એક થતા નથી. પરંતુ, જલદી જ દેવનું રાજ્ય આ જગતની જુદી જુદી સરકારોનો નાશ કરશે.—દાનીયેલ ૨:૪૪.
૨૩. બેલ્શાસ્સારના પ્રથમ વર્ષે દાનીયેલે કેવાં સ્વપ્ન અને સંદર્શન જોયાં?
૨૩ દાનીયેલના સાતમા અધ્યાયની ભવિષ્યવાણી પણ આપણને અંતના સમયમાં લઈ આવે છે. એ આપણને બાબેલોનના રાજા બેલ્શાસ્સારના પ્રથમ વર્ષમાં લઈ આવે છે. દાનીયેલને લગભગ સીત્તેર વર્ષની ઉંમરે “પોતાના બિછાનામાં સ્વપ્ન આવ્યું, ને તેના મગજમાં સંદર્શનો થયાં.” એનાથી તે કેવા ગભરાઈ ઊઠ્યા! તે બોલી ઊઠે છે, “જુઓ, આકાશના ચાર વાયુ મહા સમુદ્ર ઉપર જોસભેર ફૂંકાવા લાગ્યા. અને ચાર મોટાં જાનવરો, એકબીજાથી જુદાં, સમુદ્રમાંથી નીકળી આવ્યાં.” (દાનીયેલ ૭:૧-૮, ૧૫) એ જાનવરો કેવાં દેખાતા હતાં? પહેલું જાનવર પાંખોવાળો સિંહ, અને બીજું રીંછ જેવું હતું. પછી, ચાર પાંખો અને ચાર માથાવાળો ચિત્તો દેખાયો! ચોથું જાનવર અતિશય બળવાન હતું, અને તેને લોઢાના મોટા દાંત અને દસ શિંગડાં હતાં. એ દસ શિંગડાં મધ્યે એક બીજું “નાનું” શિંગડું ફૂટી નીકળ્યું. એને “માણસની આંખો જેવી આંખો, તથા બડાઈની વાતો કરનાર એક મુખ હતું.” ખરેખર, બિહામણાં જાનવરો હતાં!
૨૪. દાનીયેલ ૭:૯-૧૪ પ્રમાણે, દાનીયેલ કેવું સંદર્શન જુએ છે, અને એ શાને દર્શાવે છે?
૨૪ હવે દાનીયેલ સ્વર્ગનું સંદર્શન જુએ છે. (દાનીયેલ ૭:૯-૧૪) ‘વયોવૃદ્ધ પુરુષ’, પરમેશ્વર યહોવાહ ભવ્ય રાજ્યાસન પર ન્યાયાધીશ તરીકે બિરાજે છે. ‘હજારોહજાર તેમની સેવા કરતા હતા, અને લાખો ને લાખો તેમની સંમુખ ઊભા રહેલા હતા.’ જાનવરોની વિરુદ્ધ ન્યાયચુકાદો આપીને, દેવે તેઓની સત્તા લઈ લીધી, અને ચોથા જાનવરનો નાશ કરવામાં આવ્યો. વળી, “બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો” પર સનાતન સત્તા ‘મનુષ્યપુત્રના જેવા એક પુરુષને’ આપવામાં આવી. એ અંતના સમય, ૧૯૧૪માં મનુષ્યપુત્ર ઈસુ ખ્રિસ્તને રાજા બનાવવામાં આવ્યા, એને બતાવે છે.
૨૫, ૨૬. દાનીયેલનું પુસ્તક વાંચનારને કયા પ્રશ્નો ઊભા થઈ શકે અને એના જવાબો ક્યાંથી મળે છે?
૨૫ દાનીયેલનું પુસ્તક વાંચનારને જરૂર ઘણા પ્રશ્નો ઊભા થશે. દાખલા તરીકે, દાનીયેલ સાતમા અધ્યાયના ચાર જાનવરો કોને દર્શાવે છે? દાનીયેલ ૯:૨૪-૨૭માંના “સિત્તેર અઠવાડીઆં” વિષેની સમજણ શું છે? દાનીયેલના ૧૧મા અધ્યાય વિષે શું? એમાંના “ઉત્તરના રાજા” અને “દક્ષિણના રાજા” તથા તેઓની લડાઈઓ વિષે શું? અંતના સમયમાં આ રાજાઓ શું કરશે?
૨૬ દાનીયેલ ૭:૧૮માંના “પરાત્પરના પવિત્રો”, એટલે કે અભિષિક્ત સેવકોને યહોવાહ દેવે એ વિષે સમજણ આપી છે. તેમ જ, આપણે પ્રબોધક દાનીયેલના પ્રેરિત લખાણની સમજણ મેળવીએ, એની ગોઠવણ ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે’ કરી છે. (માત્થી ૨૪:૪૫) દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! એ બહાર પડેલા નવા પુસ્તકમાં એની સમજણ મળી આવે છે. આ ૩૨૦-પાનનું સુંદર ચિત્રોવાળું પુસ્તક, દાનીયેલના પુસ્તકની સારી રીતે સમજણ આપે છે. એ વિશ્વાસ દૃઢ કરનારી દરેક ભવિષ્યવાણી વિષે અને પ્રિય પ્રબોધક દાનીયેલે લખેલા દરેક ઐતિહાસિક ભાગ વિષે સમજાવે છે.
આપણા દિવસમાં એનું મહત્ત્વ
૨૭, ૨૮. (ક) દાનીયેલના પુસ્તકની ભવિષ્યવાણીઓની પરિપૂર્ણતા વિષે શું સાચું છે? (ખ) આપણે કયા સમયમાં જીવીએ છીએ અને આપણે શું કરવું જ જોઈએ?
૨૭ જરા વિચારો કે, દાનીયેલના પુસ્તકની થોડીક વિગતો સિવાય, સર્વ ભવિષ્યવાણી પૂરી થઈ ગઈ છે. દાખલા તરીકે, દાનીયેલ બીજા અધ્યાયના સ્વપ્નમાં જે મૂર્તિ વિષે જોઈ ગયા, એના પગ દ્વારા રજૂ થતી જગતની પરિસ્થિતિમાં આપણે આવી ચૂક્યા છીએ. દાનીયેલ ચોથા અધ્યાયમાં ઝાડના થડને બાંધી દેવામાં આવ્યું હતું. એ ‘બંધન’ ૧૯૧૪માં મસીહી રાજા, ઈસુ ખ્રિસ્તને દેવના રાજ્યના રાજા બનાવીને છોડવામાં આવ્યું. દાનીયેલના સાતમા અધ્યાય પ્રમાણે, વયોવૃદ્ધ માણસે મનુષ્યપુત્રને રાજસત્તા આપી.—દાનીયેલ ૭:૧૩, ૧૪; માત્થી ૧૬:૨૭-૧૭:૯.
૨૮ દાનીયેલ આઠમા અધ્યાયના ૨,૩૦૦ દિવસો, અને બારમાં અધ્યાયના ૧,૨૯૦ તથા ૧,૩૩૫ દિવસો, બધા હવે પૂરા થઈ ગયા છે. દાનીયેલના અગિયારમા અધ્યાયના “ઉત્તરના રાજા” અને “દક્ષિણના રાજા” વચ્ચેની લડાઈ લગભગ પૂરી થવા આવી છે. આ સર્વ સાબિત કરે છે કે આપણે છેક અંતના સમયમાં જીવી રહ્યા છીએ. આપણે જે અજોડ સમયમાં જીવી રહ્યા છીએ, એનો વિચાર કરતા, શું કરવું જોઈએ? એમાં કોઈ શંકા નથી કે આપણે યહોવાહ દેવના વચનોને ધ્યાન આપીએ.
તમારો જવાબ શું છે?
• યહોવાહ દેવ આપણને શું જણાવવા ચાહે છે?
• દાનીયેલનું પુસ્તક કઈ રીતે આપણો વિશ્વાસ વધારે છે?
• નબૂખાદનેસ્સારના સ્વપ્નની મૂર્તિનાં કયાં પાસા હતાં, અને એ શાને રજૂ કરે છે?
• દાનીયેલના પુસ્તકની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા વિષે શું સાચું છે?
[અભ્યાસ પ્રશ્નો]