પૅસિફિક ટાપુઓમાં બાંધકામ!
પૅસિફિક ટાપુઓમાં બાંધકામ!
ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેન અને સિડની આંતરરાષ્ટ્રીય ઍરર્પોટ પર સામાન્ય કરતાં વધારે ભીડ હતી. ત્યાંથી ૪૬ લોકો સામોઆ જઈ રહ્યા હતા, જ્યાં તેઓ ન્યૂઝીલૅન્ડ, હવાઇ અને અમેરિકાથી આવનાર બીજા ૩૯ લોકો સાથે ભેગા થવાના હતા. તેઓનો સામાન સાવ અલગ જ હતો, જેમ કે હથોડી, કરવત, અને ડ્રિલો હતી. એ સુંદર પેસિફિક ટાપુ પર કોઈ જતું હોય ત્યારે, આવી વસ્તુઓ લઈ ન જાય. પરંતુ, તેઓ ફરવા જઈ રહ્યા ન હતા.
તેઓ પોતાના ખર્ચે અને બે અઠવાડિયા માટે મફત બાંધકામ કરવા જઈ રહ્યા હતા. યહોવાહના સાક્ષીઓની ઑસ્ટ્રેલિયાની શાખા એ પ્રોજેકટની દેખરેખ કરવાની હતી. પેસિફિક ટાપુઓમાં યહોવાહના સાક્ષીઓના મંડળોનો ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેથી રાજ્ય ગૃહ, એસેમ્બ્લી હૉલ, મિશનરિ ઘરો, અને ઑફિસ બાંધવાની જરૂર હતી. આ બાંધકામ સ્વૈચ્છિક દાનોથી થઈ રહ્યું છે. ચાલો આપણે થોડા ભાઈઓને મળીએ જેઓ પોતાના દેશમાં રાજ્ય ગૃહ બાંધકામ કરતી ટીમમાં કામ કરી રહ્યા છે.
મેક્ષ, ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ, કાવરા ગામમાંથી આવે છે અને તે છાપરાં બાંધવાનું કામ જાણે છે. તે પરણેલા છે અને તેમને પાંચ બાળકો છે. આર્નોલ્ડ હવાઈથી આવ્યા છે. તે પણ પરણેલા છે અને તેમના બે દીકરાઓ છે. તેમ જ આર્નોલ્ડ પૂરા સમયના સેવક છે. તે મેક્ષની જેમ આર્નોલ્ડ પણ તેમના મંડળમાં વડીલ છે. આ વ્યક્તિઓ કંઈ નવરી ન હતી કે જેથી તેઓ સ્વયંસેવક બન્યા. પરંતુ, તેઓ અને તેઓના કુટુંબે જોયું કે આ ટાપુઓમાં મદદની જરૂર છે. તેથી, તેઓથી બની શકે એટલી મદદ કરવા તેઓ ચાહે છે.
ઘણા દેશમાંથી મદદ કરવા આવેલા કામદારો
એક ટાપુમાં જ્યાં આવડત અને મદદની જરૂર હતી એ ટુવાલુ છે. ટુવાલુ ટાપુ પેસિફિક સમુદ્રમાં ભૂમધ્ય રેખા પાસે અને ઉત્તર સામોઆની નજીક આવેલું છે, અને નવ ટાપુઓનું બનેલું છે. એની વસ્તી લગભગ ૧૦,૫૦૦ છે. આ નાના ટાપુઓ લગભગ અઢી કિલોમીટર ચોરસના છે. ત્યાં ૧૯૯૪ સુધીમાં ૬૧ યહોવાહના સાક્ષીઓ હતા. તેથી, તાત્કાલિક તેઓને મોટી ટ્રાન્સલેશન ઑફિસ અને રાજ્ય ગૃહ બાંધવાની જરૂર હતી.
તોફાની વાવાઝોડાના કારણે ટકી શકે એ રીતે પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુઓમાં મકાનો બાંધવા પડે છે. પરંતુ, આ ટાપુઓમાં બાંધકામની ફક્ત થોડી જ વસ્તુઓ મળે છે. તેથી, હવે શું કરવું? બાંધવા માટે દરેક વસ્તુ ઑસ્ટ્રેલિયાથી વહાણમાં લાવવામાં આવી હતી. જેમ કે રૂફ માટે પાટો, લાકડાં, ફર્નિચર, બાથરૂમ માટે ફર્નિચર, પડદા, નળ, સ્ક્રૂ અને ખીલીઓ, વગેરે.
બધી વસ્તુઓ આવી એ પહેલાં થોડા ભાઈબહેનોએ પાયા નાખીને જગ્યા તૈયાર કરી હતી. પછી ઘણા દેશમાંથી મદદ કરવા કામદારો આવ્યા અને તેઓએ બિલ્ડીંગો બાંધી, રંગ કર્યો અને બધુ ગોઠવ્યું.
ટુવાલુમાં આ બાંધકામ જોયા પછી ત્યાંના પાદરીએ તાત્કાલિક રેડિયો પર જાહેરાત કરી કે, યહોવાહના સાક્ષીઓ “બાબેલનો બુરજ” બાંધે છે! પરંતુ હકીકત શું હતી? ભાઈ ગ્રામી સ્વયંસેવક છે. તે કહે છે: “એ સમયે લોકોએ બાબેલનો બુરજ બાંધવાનું શરૂ કર્યું ત્યારે, પરમેશ્વરે તેઓની ભાષા ગૂંચવી નાખી. તેથી, તેઓ એકબીજાને સમજી શકતા ન હોવાથી, તેઓ બુરજ બાંધવાનું પડતું મૂકીને ત્યાંથી જતા રહ્યાં.” (ઉત્પત્તિ ૧૧:૧-૯) તે કહે છે: “પરંતુ, પરમેશ્વર યહોવાહના કામમાં તો એ એકદમ અલગ છે. ભાષા અને સંસ્કૃતિમાં ઘણો ફરક હોવા છતાં બધા જ પ્રોજેકટ સારી રીતે પૂરા થયા છે.” તેમ જ આ પ્રોજેકટ પણ ફક્ત બે અઠવાડિયામાં જ પૂરો થયો હતો. યહોવાહ પરમેશ્વરને એ સમર્પણ કર્યો ત્યારે ૧૬૩ લોકો આવ્યા હતા. તેઓમાંની એક વડા પ્રધાનની પત્ની પણ હતી.
ભાઈ ડગ પોતે પ્રોજેક્ટ નિરીક્ષક હતા. તે એ પ્રોજેકટ વિષે વિચારતા આમ કહે છે: “બીજા દેશોના સ્વયંસેવકો સાથે કામ કરવાથી ઘણી મજા આવી. કામ કરવાની દરેકની રીત અલગ અલગ હોય છે. તેમ જ એક વસ્તુને અલગ નામથી ઓળખતા હોય છે. વળી, માપ લેવાની રીત પણ જુદી જુદી હોય છે. છતાં, સાથે કામ કરવાથી કોઈ મુશ્કેલી ઉભી થઈ ન હતી.” આવા ઘણા પ્રોજેક્ટોમાં કામ કર્યા પછી તે હવે કહે છે: “આનાથી મારા મન પર ઊંડી અસર થઈ કે, યહોવાહની મદદથી તેમના લોકો આ પૃથ્વી પર ક્યાંય પણ બિલ્ડીંગ ઊભી કરી શકે છે. ખરેખર, અમારી પાસે આવડતવાળા ઘણા ભાઈઓ છે. પરંતુ, પરમેશ્વર યહોવાહની શક્તિથી એ શક્ય બન્યું.”
આ ટાપુઓમાં પરમેશ્વરની મદદથી યહોવાહના સાક્ષીઓના કુટુંબોએ ખાવા અને રહેવાની વ્યવસ્થા કરી હતી. એમ કરવા માટે ઘણાએ ઘણું જતું કરવું પડયું હતું. ભાઈબહેનોએ આવો આવકાર આપ્યો એનાથી કામદારો પર ઊંડી અસર થઈ હતી. ભાઈ કેન મેલબર્ન, ઑસ્ટ્રેલિયાથી આવે છે અને તેણે ફ્રેન્ચ પોલીનેશિયા ટાપુના પ્રોજેક્ટમાં પણ કામ કર્યુ હતું. તે કહે છે: “અમે દાસ તરીકે આવ્યા હતા અને અમને રાજાઓ તરીકે રાખવામાં આવ્યા.” શક્ય હોય ત્યારે ત્યાંના મંડળના ભાઈબહેનો પણ કામ કરાવવા આવતા. સોલોમન ટાપુઓમાં બહેનોએ હાથેથી કોન્ક્રીટ મિક્સ કરી હતી. એકસોથી વધારે ભાઈબહેનો વરસાદમાં પણ ૪૦ ટન લાકડા પર્વતો પરથી લઈ આવ્યા. યુવાન લોકોએ પણ મદદ કરી હતી. ન્યૂઝીલેન્ડથી આવેલા એક કામદાર કહે છે: “મને યાદ છે કે, એક યુવાન ભાઈ સિમેન્ટની બે-ત્રણ કોથળીઓ એક સાથે ઊંચકી લેતો હતો. તેમ જ આખો દિવસ તે તાપ અને વરસાદમાં પણ કાંકરી ઊથલાવતો હતો.”
સ્થાનિક મંડળના ભાઈબહેનોએ આ કામમાં ભાગ લેવાથી તેઓને પણ લાભ થયો. સામોઆની શાખા અહેવાલ
આપે છે: “ટાપુ પરના ભાઈબહેનો અલગ અલગ કામો શીખી શીખ્યા, જેથી તેઓ પણ હવે રાજ્ય ગૃહ બાંધી શકે. તેમ જ તોફાન આવ્યા પછીથી પણ તેઓ સમારકામ કરી શકે. એ તેઓને કામ શોધવામાં પણ ખૂબ જ ઉપયોગી થશે.”બાંધકામની સારી અસર થઈ
કૉલીન હોનીઆરામાં હતો ત્યારે તેણે સોલોમન ટાપુઓમાં એસેમ્બ્લી હૉલ બંધાતા જોયા. એનાથી તેના પર સારી અસર પડી. તેથી તેણે સ્થાનિક શાખાને લખ્યું: “દરેક જણ સંપીને કામ કરતા હતા અને કોઈ પણ એકબીજા સાથે ગુસ્સે થતા ન હતા. તેઓ બધા એક કુટુંબ તરીકે કામ કરતા હતા.” કૉલીન એસેમ્બ્લી હૉલથી લગભગ ૪૦ કિલોમીટર દૂર રહેતો હતો. થોડા સમય પછી તે પોતાના ગામમાં ગયો ત્યારે, તેણે અને તેના કુટુંબે એક રાજ્ય ગૃહ બાંધ્યો. પછી તેઓએ ફરીથી ત્યાંની શાખાને પત્ર લખ્યો: “અમારો રાજ્ય ગૃહ અને એનું પ્લેટફોર્મ પણ તૈયાર છે. તેથી શું અમે અહીં સભાઓ ભરી શકીએ?” પછી તાત્કાલિક સભાઓની ગોઠવણ કરવામાં આવી અને ત્યાં હવે લગભગ ૬૦ જેટલા લોકો નિયમિત રીતે સભાઓમાં આવે છે.
ટુવાલુમાં યુનિયન લીડરે એક પ્રોજેક્ટ જોયા પછી તેણે કામ કરતા ભાઈઓને આમ કહ્યું: “મને લાગે છે કે, બધા જ લોકો તમને કહ્યું હશે! પરંતુ મારા માટે એ એક ચમત્કાર કહેવાય!” ટેલિફોન એક્ષચેન્જમાં કામ કરતી એક સ્ત્રીએ બીજી એક સ્વયંસેવક બહેનને પૂછ્યું: “તમે બધા કેમ આટલા ખુશ છો? અહીંયા કેટલી ગરમી છે!” તેઓએ કદી એવું જોયું નથી, કે ખ્રિસ્તીઓ બીજાઓને વ્યવહારુ રીતે મદદ કરતા હોય.
બિનસ્વાર્થી સેવા
બાઇબલમાં ૨ કોરીંથી ૯:૬ કહે છે: “ઉદારતાથી વાવે છે, તે લણશે પણ ઉદારતાથી.” એ કામદારો, તેઓનાં કુટુંબો અને તેઓનાં મંડળો, પેસિફિક ટાપુઓના ખ્રિસ્તી ભાઈઓને ઉદારતાથી વાવવા મદદ કરી રહ્યા છે. રૉસ સિડનીની નજીક, કૅનકુબર મંડળમાં એક વડીલ છે. તે કહે છે: “મારા મંડળે મને વિમાનની ટિકિટનો ત્રીજા ભાગનો ખર્ચો આપ્યો છે અને મારી સાથે મારા જિજાજી પણ આવ્યા છે. તેમણે પણ મને ૫૦૦ ડૉલર આપ્યા છે.” બીજા એક ભાઈએ આ કામમાં ભાગ લેવા માટે પોતાની કાર વેચી દીધી. વળી, બીજા એક ભાઈએ પોતાની અમુક જમીન વેચી દીધી. કેવિનને ૯૦૦ ડૉલરની જરૂર હતી. તેથી, તેણે પોતાના બે વર્ષના કિંમતી ૧૬ કબૂતરો વેચવાનો વિચાર કર્યો. તેમણે એમના મિત્રની મદદથી એક વેપારીને શોધી કાઢ્યો જેમણે એના કબૂતરો માટે ૯૦૦ ડૉલર આપ્યા!
ભાઈ ડેની અને શેરીને પૂછવામાં આવ્યું: “તમે પગાર અને ટિકિટના થઈને ૬૦૦૦ ડૉલર ખર્ચ્યા, એ શું યોગ્ય હતું?” તેઓએ કહ્યું, “હા! એનાથી પણ બમણો ખર્ચો થયો હોત તોપણ અમને એમાં વાંધો ન હતો.” આલન, નેલશન, ન્યૂઝીલૅન્ડથી આવે છે. તેમણે કહ્યું: “હું ટુવાલુ જવાને બદલે યુરોપ જઈ શકતો હોત અને પૈસા પણ વધ્યા હોત. પરંતુ શું એનાથી મને આશીર્વાદ મળ્યા હોત, અથવા શું હું જુદા જુદા દેશોના ઘણા મિત્રો બનાવી શક્યો હોત, અથવા બીજાઓને મદદ કરી શક્યો હોત? ના! મેં આ ટાપુ પરના ભાઈબહેનો માટે જેટલું કર્યું એના કરતાં વધારે તેઓએ મારા માટે કર્યું છે.”
આ કામની સફળતા પાછળ બીજું એક કારણ રહેલું છે, એ છે કુટુંબનો સાથ. અમુક પત્નીઓ પોતાના પતિઓ સાથે બાંધકામમાં મદદ કરવા જઈ શકી ન હતી. જો કે અમુક પત્નીઓના શાળામાં જતા બાળકો હોવાથી અથવા પોતાના ધંધાની સંભાળ રાખવાની જરૂરી હોવાથી તેઓ જઈ શકી ન હતી. ભાઈ ક્લે કહે છે: “હું ઘરે ન હતો ત્યારે મારી પત્નીએ બાળકોની અને ઘરની સંભાળ રાખી. તેથી, મારી પત્નીએ મારાં કરતાં પણ વધારે ભોગ આપ્યો છે.” બીજા ભાઈઓ જેઓ પોતાની પત્નીને સાથે લઈ જઈ શક્યા ન હતા, તેઓ પણ આ ભાઈ સાથે “સહમત” થાય છે.
ટુવાલુમાં આ પ્રોજેક્ટ પૂરો થયા પછી પણ સ્વયંસેવકોએ ટોંગા, ન્યૂ કેલેડોનિયા, પાપુઆ ન્યૂ ગિની, ફિજી અને બીજા જગ્યાઓએ રાજ્ય ગૃહો, એસેમ્બ્લી હોલ, મિશનરિ ઘરો અને ભાષાંતર કામ માટેની ઑફિસો બાંધી છે. દક્ષિણ એશિયાની અમુક જગ્યાઓએ હજુ પણ ઘણા પ્રોજૅક્ટો બાકી છે. શું એ પૂરા કરવા પૂરતા કામદારો હશે?
જો કે એ તો કંઈ મુશ્કેલી નથી. હવાઈની શાખા લખે છે: “આંતરરાષ્ટ્રીય બાંધકામમાં ભાગ લેનારાઓએ કહ્યું છે કે, બીજો પ્રોજેક્ટ શરૂ કરો ત્યારે અમને યાદ કરજો. તેઓ ઘરે પહોંચતાં જ પૈસા બચાવવાનું શરૂ કરશે.” આવી બિનસ્વાર્થી સેવા પાછળ યહોવાહ પરમેશ્વરના આશીર્વાદો હાય છે ત્યારે જ સફળતા મળે છે. શું એમાં કોઈ શંકા છે?
[પાન ૯ પર ચિત્ર]
પ્રોજેકટ માટે સામગ્રી
[પાન ૯ પર ચિત્રો]
બાંધકામની જગ્યાએ કામદારો
[પાન ૧૦ પર ચિત્રો]
પરમેશ્વરની શક્તિથી આ પ્રોજેક્ટ પૂરો થયો તેથી અમે ખુશ થયા