સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ધીરજનું ફળ

ધીરજનું ફળ

ધીરજનું ફળ

સેલવિયા નામની આઠ વર્ષની છોકરીને આર્મેનિયન બાઇબલમાંથી યહોવાહ નામ જોવા મળ્યું. આ નામ તેને બીજી નાની છોકરીએ બતાવ્યું હતું. તેણે તેનાં માબાપ, શિક્ષક, અરે ચર્ચના પાદરીને પણ પૂછ્યું કે “યહોવાહ કોણ છે?” પરંતુ તેને કોઈ પણ જવાબ આપી શક્યું નહિ.

સેલવિયાએ પોતાની શાળા પૂરી કરી અને નોકરી પણ મેળવી, પરંતુ ત્યાં સુધી તે જાણતી ન હતી કે યહોવાહ કોણ છે. અમુક કારણોસર તેણે આર્મેનિયા છોડીને ભાગવું પડ્યું. પછી તે પોલૅન્ડમાં બીજી છોકરીઓ સાથે એક નાના ઘરમાં રહેવા ગઈ. તેની સાથે રહેતી એક છોકરીને કેટલાક મુલાકાતીઓ નિયમિત મળવા આવતા હતા. આથી સેલવિયાએ તેને પૂછ્યું, “આ મુલાકાતીઓ કોણ છે.” તેણે જવાબ આપ્યો: “તેઓ યહોવાહના સાક્ષીઓ છે અને મને બાઇબલ શીખવે છે.”

સેલવિયાને યહોવાહ નામ સાંભળીને ખૂબ આનંદ થયો. છેવટે તેણે યહોવાહ કેવા પ્રેમાળ પરમેશ્વર છે એ શીખવાનું શરૂ કર્યું. પરંતુ જલદી જ તેણે પોલૅન્ડ છોડવું પડ્યું. પછી તે સમુદ્રની બીજી બાજુ ડેનમાર્કમાં સલામત સ્થળની શોધ કરતી હતી. તેણે ફક્ત થોડો જ સામાન લીધો હતો, જેમાં યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કરેલાં બાઇબલ સાહિત્યો પણ હતાં. એક પ્રકાશનના છેલ્લાં પાન પર સેલવિયાને વૉચટાવર સંસ્થાની શાખા કચેરીઓના સરનામાંની યાદી મળી. એ તેનો સૌથી મૂલ્યવાન સામાન હતો.

સેલવિયાને ડેનમાર્કમાં શરણાર્થી છાવણીમાં લઈ જવામાં આવી. તેણે તાત્કાલિક યહોવાહના સાક્ષીઓને શોધવાનું શરૂ કર્યું. સેલવિયા પાસે સરનામાંની જે યાદી હતી એમાંથી તેને ખબર પડી કે ડેનમાર્કમાં વૉચટાવર સંસ્થાની શાખા કચેરી હોલબેક શહેરમાં છે. પરંતુ હોલબેક શહેર ક્યાં આવેલું છે? સેલવિયા બીજી છાવણીમાં જતી હતી ત્યારે પસાર થતી ટ્રેનમાંથી તેણે હોલબેક શહેર જોયું. ફરીથી તેને ઘણો આનંદ થયો.

ત્યાર પછી એ જ દિવસે ભરબપોરે સેલવિયા ટ્રેનમાં હોલબેક પાછી ફરી અને સ્ટેશનથી શાખા કચેરીએ ચાલીને ગઈ. શાખા કચેરીમાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તે યાદ કરે છે: “હું બાગમાં પ્રવેશી ત્યારે મેં બાંકડા પર બેસીને મારી જાતને કહ્યું, ‘આ જ પારાદેશ છે!’” પછી તે બાઇબલ અભ્યાસ પણ કરી શકી.

પરંતુ તેને જુદી જુદી શરણાર્થી છાવણીઓમાં મોકલવામાં આવતી હતી. તેમ છતાં, તે દરેક જગ્યાએ યહોવાહના સાક્ષીઓને શોધતી હતી અને વારંવાર બાઇબલ અભ્યાસ કરતી હતી. બે વર્ષમાં તે યહોવાહ પરમેશ્વરને પોતાનું જીવન સમર્પણ કરી શકે એવું ઘણું બધુ શીખી હતી. છેવટે તેણે બાપ્તિસ્મા લીધું અને પછી તરત જ પૂરા-સમયના સેવાકાર્યમાં જોડાઈ. વર્ષ ૧૯૯૮માં ડેનમાર્કની સરકારે તેને રહેવા સલામત જગ્યા આપી.

અત્યારે સેલવિયા ૨૬ વર્ષની છે અને ડેનમાર્કમાં યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીમાં સેવા કરે છે. હવે તે કહે છે, “હું શું કહું? હું નાનપણથી જ યહોવાહને શોધતી હતી. હવે મેં તેમને શોધી કાઢ્યા છે. હું આખી જિંદગી અહીં બેથેલમાં રહીને તેમની સેવા કરું એ જ મારું સ્વપ્ન છે. હું પ્રાર્થના કરું છું કે આવનાર વર્ષોમાં પણ આ જ મારું ઘર રહેશે.”