સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રાહ જોતી વખતે શું કરશો?

રાહ જોતી વખતે શું કરશો?

રાહ જોતી વખતે શું કરશો?

લોકો દર વર્ષે રાહ જોવામાં કેટલો સમય બગાડે છે, શું એની તમે કલ્પના કરી શકો? તેઓ દુકાન કે પેટ્રોલપંપની લાઇનમાં રાહ જુએ છે. રેસ્ટોરંટમાં તેઓને રાહ જોવી પડે છે. ડૉક્ટર પાસે જાય ત્યારે રાહ જોતા હોય છે. બસ અને ટ્રેનોની તેઓ રાહ જોતા હોય છે. વ્યક્તિના જીવનનો કેટલો સમય રાહ જોવામાં પસાર થાય છે, એ ખરેખર નવાઈ પમાડે છે. એક અનુમાન અનુસાર, ફક્ત જર્મનીમાં ૪૭૦ કરોડ જેટલા કલાકો ટ્રાફિક જામમાં વેડફાય છે! એક વ્યક્તિએ ગણતરી કરી કે એ સમય લગભગ ૭,૦૦૦ વ્યક્તિઓના સરેરાશ આયુષ્ય બરાબર છે.

રાહ જોવી ખૂબ જ કંટાળાજનક બની શકે. આજકાલ આપણે કરવા માગતા હોય, એ બધુ જ કરવાનો સમય મળતો નથી. તેથી, કંઈ કરવા રાહ જોવી પડે ત્યારે, ખરેખર સમય બગડતો જોઈને જીવ બળે છે. એલેક્સાન્ડર રોઝ નામના લેખકે એક વાર કહ્યું: “અડધી જિંદગી તો રાહ જોવામાં જ જતી રહે છે.”

અમેરિકાના રાજકારણી બેન્જામિન ફ્રેન્કલિન કબૂલે છે કે, રાહ જોવી બહુ મોંઘી પડી જાય છે. લગભગ ૨૫૦ વર્ષ અગાઉ તેમણે જણાવ્યું હતું કે “સમય પૈસો છે.” તેથી, વેપારધંધામાં હંમેશા જોવામાં આવે છે કે સમય ક્યાં બચાવી શકાય. ઓછા સમયમાં સારો માલ બનાવવાથી ઘણી કમાણી થઈ શકે. વેપારધંધામાં લોકો સાથે સીધેસીધા સંકળાયેલા વેપારીઓ ઝડપી સેવા પૂરી પાડે છે, જેમ કે ફાસ્ટ ફૂડ, છેક કાઉન્ટર પર કાર લઈ જઈ લેવડદેવડ કરવી વગેરે. આમ, તેઓ ઘરાકોનો સમય બચાવી તેઓનું દિલ જીતી લે છે.

વીતેલો સમય પાછો આવતો નથી

ઓગણીસમી સદીના એક અમેરિકન કવિ રાલ્ફ ઈમરસને ફરિયાદ કરી કે, “રાહ જોવામાં જ માણસ ઘસાઈ જાય છે!” તાજેતરમાં, લેન્સ મોરોએ રાહ જોવાનો કંટાળો અને તકલીફ વિષે ફરિયાદ કરી. પરંતુ, પછી તેમણે “રાહ જોવાના દુઃખી રહસ્ય” વિષે વાત કરી. એ શું છે? એ કડવું સત્ય છે કે, “એક વ્યક્તિની મૂલ્યવાન સંપત્તિ, સમય, ધીમે ધીમે ચોરાઈ જાય છે. તે એને હંમેશ માટે ગુમાવી બેસે છે.” હા, વીતી ગયેલો સમય પાછો આવતો નથી.

જો કે આપણે લાંબુ જીવન જીવતા હોત તો, રાહ જોવામાં કંઈ વાંધો ન હોત. પરંતુ જીવન બહુ જ ટૂંકું છે. હજારો વર્ષ પહેલાં બાઇબલના ગીતકર્તાએ કહ્યું કે, “અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય, તોપણ તેઓનો ગર્વ શ્રમ તથા દુઃખમાત્ર છે; કેમકે તે વહેલી થઇ રહે છે, અને અમે ઊડી જઇએ છીએ.” (ગીતશાસ્ત્ર ૯૦:૧૦) આપણે ગમે તે હોઈએ કે ગમે ત્યાં રહેતા હોઈએ, આપણું જીવન ટૂંકું છે. તોપણ, આપણે અમુક પરિસ્થિતિ કે લોકોને માટે રાહ જોવામાં આપણો મૂલ્યવાન સમય બગાડવો પડે છે.

સમયનો સારો ઉપયોગ કરો!

આપણામાંના મોટા ભાગના લોકો એવા વાહનમાં બેઠા છીએ, જેનો ડ્રાઇવર બીજા વાહનોથી આગળ નીકળવાનો પ્રયત્ન કરે છે. મોટે ભાગે તેને કંઈ ગાડી પકડવાની હોતી નથી. છતાં, તેને કોઈ બીજા ડ્રાઇવરને કારણે રાહ જોવી પડે એ પોષાતું નથી. તેની અધીરાઈ બતાવે છે કે તે રાહ જોતા શીખ્યો નથી. એ વળી શીખવાનું હોય? હા, રાહ જોતી વખતે શું કરવું એ ખરેખર શીખવું જ જોઈએ. કોઈ એ શીખીને આવતા નથી. બાળકો ભૂખ્યા હોય કે સારું ન લાગતું હોય ત્યારે, તરત જ રડીને મદદ માંગે છે. તેઓ મોટા થાય છે તેમ તેમ રાહ જોતા શીખે છે. આપણે બધાએ રાહ જોવી જ પડે છે. તેથી, યોગ્ય સમયે ધીરજથી રાહ જોવી એ વ્યક્તિ સમજુ છે, એમ બતાવે છે.

છતાં, અમુક સંજોગોમાં આપણે ધીરજ ન રાખીએ, એ સમજી શકાય એમ છે. એક યુવક પોતાની ગર્ભવતી પત્નીને ઉતાવળે દવાખાને લઈ જાય છે કારણ કે તેનું બાળક જન્મવાની તૈયારીમાં છે. એ સમયે ધીરજ ન રાખી શકાય, એ સમજી શકાય. લોતને સદોમ છોડી જવા આજીજી કરતા દૂતો રાહ જોવા તૈયાર ન હતા, કેમ કે લોત મોડું કરી રહ્યા હતા. વિનાશ ઝઝૂમી રહ્યો હતો અને લોત તથા તેમના કુટુંબનું જીવન ભયમાં હતું. (ઉત્પત્તિ ૧૯:૧૫, ૧૬) છતાં, મોટા ભાગે લોકોએ રાહ જોવાની હોય છે ત્યારે, તેઓનાં જીવન જોખમમાં હોતાં નથી. એવી સ્થિતિમાં, ભલેને કોઈએ ચોક્સાઈ ન રાખવા બદલ રાહ જોવી પડી હોય, પણ દરેક વ્યક્તિ રાહ જોતા શીખે તો, બધાનું જીવવું સહેલું અને આનંદી બની શકે. તેમ જ, દરેક જણ રાહ જોતી વખતે સમયનો સારો ઉપયોગ કરે તો, ધીરજથી રાહ જોવાનું સહેલું બનશે. પાન પાંચ પરનાં બૉક્સમાંના સૂચનો ફક્ત ધીરજથી રાહ જોવા જ નહિ, પણ સમયનો સારો ઉપયોગ કરવા પણ મદદ કરશે.

અધીરી વ્યક્તિઓ અભિમાની વલણ બતાવે છે કે પોતે એટલા મહત્ત્વના છે કે રાહ જોઈ ન શકે. એવી વ્યક્તિએ આ શબ્દો વિચારવા જોઈએ: “મનના મગરૂર માણસ કરતાં મનના ધીરજવાન સારો છે.” (સભાશિક્ષક ૭:૮) મગરૂર કે અભિમાની વલણ બહુ ખોટું છે. બાઇબલમાં નીતિવચન કહે છે: “દરેક અભિમાની અંતઃકરણવાળાથી યહોવાહ કંટાળે છે.” (નીતિવચન ૧૬:૫) તેથી, ધીરજથી રાહ જોવા માટે, આપણે પોતાને વિષે અને આસપાસના લોકો સાથેના સંબંધ વિષે વિચારવાની જરૂર છે.

ધીરજનાં ફળ મીઠાં

આપણે જાણતા હોઈએ કે જેની રાહ જોઈએ છીએ એ મહત્ત્વનું છે અને જરૂર મળશે તો, રાહ જોવી સહેલું બની શકે. એ માટે, જરા વિચારો કે, પરમેશ્વરના સર્વ ભક્તો બાઇબલમાંનાં તેમનાં ભવ્ય વચનો પૂરા થવાની રાહ જોઈ રહ્યાં છે. દાખલા તરીકે, આપણને પરમેશ્વરે ગીતશાસ્ત્રમાં જણાવ્યું છે કે, “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.” પ્રેષિત યોહાને આ વચન ફરીથી જણાવતા કહ્યું કે, “જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૯; ૧ યોહાન ૨:૧૭) તેથી, આપણે હંમેશા જીવી શકતા હોત તો, રાહ જોવામાં કંઈ વાંધો ન હોત. પરંતુ, હમણાં આપણે હંમેશ માટે જીવી રહ્યા નથી. તેથી, શું અનંતજીવનની વાત કરવી યોગ્ય છે?

એ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં, વિચાર કરો કે પરમેશ્વરે આપણા પ્રથમ માબાપને હંમેશ માટે જીવવાના ભાવિ સાથે ઉત્પન્‍ન કર્યા હતા. પરંતુ, તેઓએ કરેલા પાપને કારણે તેઓએ પોતાનું અને પોતાનાં બાળકો, એટલે કે આપણું સુંદર ભાવિ ગુમાવ્યું. છતાં, તેઓએ પાપ કર્યા પછી તરત જ, પરમેશ્વરે એનાં પરિણામોની અસર કાઢી નાખવા પોતાનો હેતુ જણાવ્યો. તેમણે આવનાર “સંતાન,” જે ઈસુ ખ્રિસ્ત બન્યા, એ વિષેનું વચન આપ્યું.—ઉત્પત્તિ ૩:૧૫; રૂમી ૫:૧૮.

આપણે તેમના વચનમાંથી લાભ મેળવીશું કે નહિ, એનો આધાર આપણા પોતાના પર છે. એ માટે ધીરજની જરૂર છે. એવી ધીરજ રાખવા બાઇબલ આપણને ખેડૂત વિષે મનન કરવા ઉત્તેજન આપે છે. તે બી વાવે છે. પછી પોતાના પાકનું રક્ષણ કરતા કાપણીના સમય સુધી તેને રાહ જોવી પડે છે. પછી જ તેને તેની ધીરજ અને મહેનતનાં ફળ મળે છે. (યાકૂબ ૫:૭) પ્રેષિત પાઊલ ધીરજનું બીજું એક ઉદાહરણ આપે છે. તે આપણને અગાઉના વિશ્વાસુ સેવકોની યાદ અપાવે છે. તેઓ પરમેશ્વરના હેતુઓ પૂરા થતા જોવાની આશા રાખતા હતા, પણ તેઓએ દેવના સમય સુધી રાહ જોવાની હતી. પાઊલ તેઓનું અનુકરણ કરવાનું આપણને ઉત્તેજન આપે છે, “જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે.”—હેબ્રી ૬:૧૧, ૧૨.

ખરું કે જીવનમાં ઘણી વખત રાહ જોવી પડે છે. પરંતુ, એનાથી આપણે નિરાશ થવું જોઈએ નહિ. પરમેશ્વરનાં વચનો પૂરા થવાની રાહ જોઈ રહ્યા છે, તેઓ માટે એમ થશે ત્યારે, ખૂબ જ આનંદનો સમય હશે. તેઓ હમણાં રાહ જોવાના સમયનો સારો ઉપયોગ કરીને, પરમેશ્વર સાથે ગાઢ સંબંધ કેળવવા અને વિશ્વાસ દૃઢ કરતાં કાર્યો કરી શકે. પ્રાર્થના, અભ્યાસ અને મનન કરીને તેઓ વિશ્વાસ વધારે મક્કમ કરી શકે કે પરમેશ્વરનાં સર્વ વચનો તેમના સમયે જરૂર પૂરાં થશે.

[પાન ૫ પર બોક્સ/ચિત્રો]

રાહ જોતી વખતે . . .

અગાઉથી તૈયારી કરો! તમને ખબર હોય કે તમારે રાહ જોવી પડશે તો, વાંચવા, લખવા, ગૂંથવા કે બીજી ઉપયોગી પ્રવૃત્તિ કરવા તૈયાર રહો.

સમયનો ઉપયોગ મનન કરવા કરો, જે આપણા વ્યસ્ત જીવનમાં બહુ જ મુશ્કેલ બનતું જાય છે.

ટેલિફોન પાસે હંમેશા વાંચી શકાય એવું કંઈક રાખો, જેથી ફોન પર રાહ જોવી પડે એમ હોય તો, ઉપયોગી થાય; પાંચ કે દસ મિનિટમાં તો ઘણું બધું વાંચી શકાય છે.

બીજા લોકો સાથે રાહ જોતા હોવ અને યોગ્ય હોય તો, ઉત્તેજન આપનારા વિચારોની આપ-લે કરો.

અચાનક રાહ જોવાનું થાય એ માટે હંમેશા કંઈક વાંચવાનું સાથે રાખો.

આંખો બંધ કરીને આરામ કરો, કે પ્રાર્થના કરો.

રાહ જોતી વખતે સમયનો સારો ઉપયોગ કરવાનો આધાર વલણ અને અગાઉથી તૈયારી પર છે