બાઇબલ જીવન માટેનું પુસ્તક
બાઇબલ જીવન માટેનું પુસ્તક
“દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, તે . . . હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે.” (હેબ્રી ૪:૧૨) આ શબ્દો પરથી જોવા મળે છે કે બાઇબલ એક સામાન્ય પુસ્તક નથી.
એક ધાર્મિક લેખક એના વિષે આમ કહે છે કે “એનો સંદેશો આપણાં જીવન માટે ખૂબ જ જરૂરી છે.” પછી તે કહે છે: “આપણે જીવનની મુશ્કેલીઓ હલ કરવા માંગતા હોઈએ તો બાઇબલ વાંચીને જીવનમાં લાગુ પાડવાથી ઘણા લાભો થઈ શકશે.” બાઇબલ દીવાના પ્રકાશની જેમ આપણા જીવનની સમસ્યાઓ હલ કરવા મદદ પૂરી પાડે છે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.
ખરેખર, બાઇબલનું સત્ય જ્ઞાન આપણા વિચારો બદલવા, જીવન સુધારવા અને મુશ્કેલીઓ હલ કરવા મદદ કરી શકે. એ આપણને એવી પરિસ્થિતિનો પણ સામનો કરવાનું શીખવે છે કે જેને આપણે હલ કરી શકતા નથી. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે બાઇબલ આપણને પરમેશ્વરને ઓળખવા અને તેમની ભક્તિ કરવા મદદ કરે છે.
હેતુવાળું પુસ્તક
યહોવાહ પરમેશ્વર આપણા ‘બધા માર્ગોથી માહિતગાર’ છે અને બાઇબલ તેમના તરફથી આવે છે. તે આપણી આધ્યાત્મિક જરૂરિયાતો અને લાગણીઓ વિષે આપણા કરતાં વધુ જાણે છે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧-૩) તેમણે જાણીજોઈને આપણા ભલા માટે મર્યાદાઓ મૂકી છે. (મીખાહ ૬:૮) તેમના માર્ગો અને મર્યાદાઓ વિષે શીખવું ખરેખર આપણા ભલા માટે છે. એક ગીતશાસ્ત્રના લેખકે કહ્યું કે, ‘યહોવાહના નિયમશાસ્ત્રથી હર્ષ પામે છે’ તેને ધન્ય છે. “જે કંઇ તે કરે છે તે સફળ થાય છે.” (ગીતશાસ્ત્ર ૧:૧-૩) તેથી, શું આપણે એ પુસ્તક તપાસવું ન જોઈએ?
મોરીશ એક નિવૃત્ત શિક્ષક છે. તે હંમેશા માનતા હતા કે બાઇબલમાં ઐતિહાસિક રીતે અમુક સારી માહિતી છે. છતાં, બાઇબલ પરમેશ્વર તરફથી આવે છે એમ તે સ્વીકારતા ન હતા. પરંતુ પરમેશ્વરે શા માટે આપણને બાઇબલ આપ્યું છે એના વિષે સાંભળ્યા પછી, તેમણે બાઇબલમાં આપવામાં આવેલી ભવિષ્યવાણીઓને તપાસી. શાળામાં હતા ત્યારે, તેમણે પ્રાચીન ઇતિહાસ, સાહિત્ય, વિજ્ઞાન અને ભૂગોળનો અભ્યાસ કર્યો હતો. મોરીશ કબૂલે છે કે તે પોતાને એટલા હોંશિયાર સમજતા હતા કે બાઇબલ ખરું છે કે નહિ એ જાણવા પણ તૈયાર ન હતા. “હું પૈસા અને મોજશોખની દોડમાં
પડ્યો હતો. એ કેટલી દુઃખની વાત છે કે હું સૌથી મહાન પુસ્તકની સુંદરતા અને સત્યતા વિષે અજ્ઞાન હતો.”મોરીશ, હવે ૭૦ વર્ષના છે. પ્રેષિત થોમાને, ઈસુએ દર્શન આપ્યું હતું એ ટાંકતા તે કહે છે: “મને એવી સાબિતી મળી કે બાઇબલમાં સત્ય છે અને એ વિષે હવે મારા મનમાં કોઈ શંકા નથી.” (યોહાન ૨૦:૨૪-૨૯) પ્રેષિત પાઊલે કહ્યું હતું તેમ, બાઇબલ હૃદયના ઇરાદાઓ ખુલ્લા પાડે છે અને જીવનની આશા આપે છે. એ ખરેખર જીવનનો ખરો માર્ગ બતાવતું પુસ્તક છે.
મુશ્કેલીમાં દૃઢ કરનાર
બાઇબલ વ્યવહારુ સલાહ આપે છે, જેથી લોકોને કુટેવો છોડવામાં મદદ મળે છે. એને અમલમાં મૂકીને દાનીયેલ સિગારેટ છોડી શક્યો, તેમ જ ખરાબ સોબત અને દારૂની આદતથી પણ મુક્ત થયો. (રૂમી ૧૩:૧૩; ૨ કોરીંથી ૭:૧; ગલાતી ૫:૧૯-૨૧) હકીકતમાં, આવી કુટેવો છોડવા અને સારી આદતો કેળવવા ખૂબ જ પ્રયત્ન કરવો પડે છે. (એફેસી ૪:૨૨-૨૪) દાનીયેલ કહે છે, “એમ કરવું ઘણું અઘરું હતું કારણ કે આપણે અપૂર્ણ છીએ.” છતાં તે સફળ થયો. હવે દાનીયેલ દરરોજ બાઇબલ વાંચે છે, એ કારણે તેને પરમેશ્વર સાથે મિત્રતા બાંધવા મદદ મળી છે.
જોકે દાનીયેલને નાનપણથી બાઇબલ પ્રત્યે ખૂબ માન હતું. પરંતુ તેણે એ કદી વાંચ્યું ન હતું. તેમ જ તે દરરોજ રાત્રે પ્રાર્થના કરતો હતો, છતાં તેને મનની શાંતિ મળતી ન હતી. જ્યારે તેણે પહેલી વાર બાઇબલમાં પરમેશ્વરનું નામ જોયું ત્યારે તેના જીવનમાં મોટો ફેરફાર આવ્યો. (નિર્ગમન ૬:૩; ગીતશાસ્ત્ર ૮૩:૧૮) ત્યાર પછી, તે પરમેશ્વર યહોવાહનું નામ લઈને પૂરા હૃદયથી પ્રાર્થના કરવા લાગ્યો. તે કહે છે, “હવે યહોવાહ મારી નજીક હોય એવું હું અનુભવું છું અને તે મારા મિત્ર છે.”
દાનીયેલ બાઇબલના જ્ઞાન વિષે શીખ્યો એ પહેલા, તેને જીવનનો કોઈ હેતુ નજરે આવતો ન હતો. તે કહે છે: “જગતમાં શું ચાલી રહ્યું છે એ સમજવા જ્ઞાની હોવું જરૂરી નથી. જગતની પરિસ્થિતિ જોઈને હું ગભરાતો હતો. એની મારા મગજ પર કોઈ અસર ન પડે એ માટે હું વ્યસ્ત રહેતો.” પછી તે બાઇબલમાંથી શીખવા લાગ્યો કે પરમેશ્વર જલદી જ દુષ્ટતાને દૂર કરીને ન્યાયી વ્યવસ્થા લાવશે. ત્યારે ન્યાયી લોકો હંમેશા સુખ અને શાંતિનો આનંદ માણશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧; દાનીયેલ ૨:૪૪; પ્રકટીકરણ ૨૧:૩, ૪) હવે દાનીયેલને ચોક્કસ આશા છે. બાઇબલના સત્ય જ્ઞાન વિષે શીખવાથી તેમને હવે જીવનનો હેતુ મળ્યો છે.
લાગણીમય સમસ્યાઓને હલ કરવામાં મદદ
જ્યોર્જ સાત વર્ષનો હતો ત્યારે તેની માતાનું મૃત્યુ થયું હતું. તેને સૂવા જવાની બહુ બીક લાગતી કે તે સવારે પાછો ઊઠશે કે કેમ. પછી તેણે વાંચ્યું કે ઈસુ મૂએલાઓને સજીવન કરશે: ‘એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ [ઈસુની] વાણી સાંભળશે અને નીકળી આવશે.’ તેમને ઈસુના આ શબ્દો વાંચીને ઉત્તેજન મળ્યું: “પુનરુત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે.” (યોહાન ૫:૨૮, ૨૯; ૧૧:૨૫) આ શબ્દોથી તેને મનની શાંતિ મળી. જ્યોર્જ કહે છે: “આ સત્ય જાણીને ફક્ત મનને જ નહિ, પરંતુ હૃદયને પણ શાંતિ મળે છે.”
આપણે શરૂઆતમાં દાનીયેલ વિષે વાત કરી હતી, તેને પણ ડર લાગતો હતો. તેની માતા તેને ઉછેરી શકે એમ ન હતી. તેથી, તે અનાથાશ્રમમાં મોટો થયો હતો. તેને પારકા ઘરમાં હંમેશા અસલામતી લાગતી, અને તેને પોતાનું કહી શકાય એવા કુટુંબની ઇચ્છા હતી. છેવટે, બાઇબલના અભ્યાસથી તેને જોઈતું હતું એ મળ્યું. દાનીયેલ યહોવાહના સાક્ષીઓના ખ્રિસ્તી મંડળમાં જવા લાગ્યો, તેથી તેણે આત્મિક કુટુંબનો પ્રેમ અનુભવ્યો અને એનો એક ભાગ બન્યો. ખરેખર, બાઇબલ વ્યવહારું અને લાભદાયક છે, તેમ જ એનાથી મનની શાંતિ મળે છે.
યાદ રાખો, આપણા હૃદયમાં શું છે અને આપણને નીતિવચન ૨૧:૨; યિર્મેયાહ ૧૭:૧૦.
શાની જરૂર છે એ યહોવાહ પરમેશ્વર જોઈ શકે છે. પરમેશ્વર “અંતઃકરણોની તુલના કરે છે,” અને “દરેકને તેનાં આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો” આપે છે.—કુટુંબ માટે વ્યવહારું સલાહ
સારા સંબંધો કઈ રીતે જાળવી શકાય એ વિષે બાઇબલમાં વ્યવહારું સલાહ મળી આવે છે. જ્યોર્જ કહે છે: “કુટુંબમાં બનતું ન હોય અને ગેરસમજણ ઊભી થાય ત્યારે ઘણું દુઃખ થાય છે.” તે કઈ રીતે એનો સામનો કરે છે? “મને જ્યારે લાગે કે કોઈકને મારા વિરુદ્ધ કંઈક છે ત્યારે, હું માત્થી ૫:૨૩, ૨૪ની સલાહને સીધેસીધી રીતે અનુસરું છું. એ કહે છે: “તારા ભાઈની સાથે સલાહ કર.” આ સલાહ ધ્યાનમાં લઈને હું તેઓ સાથે એ બાબત વિષે વાત કરી શકું છું, અને પાછા અમે દોસ્ત બની જઈએ છીએ. આમ બાઇબલ જે પરમેશ્વરની શાંતિ વિષે વાત કરે છે એ હું અનુભવું છું. બાઇબલની સલાહથી ખરેખર લાભ થાય છે, અને એ ખૂબ વ્યવહારુ છે.”—ફિલિપી ૪:૬, ૭.
પતિ અને પત્ની વચ્ચે મતભેદ ઊભા થાય ત્યારે, બંનેએ ‘સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમા, તથા ક્રોધમાં ધીરા થવાની’ જરૂર છે. (યાકૂબ ૧:૧૯) આ રીતે બંને વચ્ચે સારી વાતચીત ચાલુ રહેશે. જ્યોર્જ કહે છે: “હું મારી પત્નીને પોતાનાં શરીરની જેમ પ્રેમ કરવાની સલાહ લાગું પાડું છું ત્યારે હું એનાં પરિણામો જોઈ શકું છું. હવે મારી પત્ની સહેલાઈથી મને આદર આપી શકે છે.” (એફેસી ૫:૨૮-૩૩) હા, બાઇબલ આપણને પોતાની નબળાઈઓ કઈ રીતે સ્વીકારવી અને બીજાઓ સાથે કેવી રીતે સારો વ્યવહાર રાખવો એ શીખવે છે.
લાભ કરનાર સલાહ
શાણા રાજા સુલેમાને કહ્યું: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.” (નીતિવચન ૩:૫, ૬) આ સાદા શબ્દોમાં ઊંડું સત્ય રહેલું છે!
બાઇબલનું શિક્ષણ લાભદાયક છે. એ પરમેશ્વરના ભક્તોને ‘યહોવાહના નિયમ પ્રમાણે ચાલવા’ અને તેમની ઇચ્છા પ્રમાણે જીવવા મદદ કરે છે, જેથી તેઓ ખરું સુખ અનુભવી શકે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧) ભલેને આપણા સંજોગો ગમે તે હોય, છતાં બાઇબલમાં આપણા માટે યોગ્ય અને જરૂરી માર્ગદર્શન મળી આવે છે. (યશાયાહ ૪૮:૧૭, ૧૮) એ દરરોજ વાંચો, એના પર મનન કરો અને એને લાગુ પાડો. એમ કરવાથી તમારું મન શુદ્ધ અને સારા વિચારોથી ભરપૂર રહેશે. (ફિલિપી ૪:૮, ૯) એનાથી તમે સારી રીતે જીવન જીવવાનું અને એનો આનંદ માણવાનું શીખશો, એટલું જ નહિ પરંતુ જીવન આપનાર પરમેશ્વર સાથે કઈ રીતે મિત્રતા કરવી એ પણ શીખશો.
એમ કરવાથી લાખો લોકોની જેમ તમે પણ બાઇબલનો આદર કરશો. એ ખરેખર જીવન માટેનું એક સુંદર પુસ્તક છે!
[પાન ૬ પર ચિત્ર]
બાઇબલનું શિક્ષણ કુટેવો છોડવા તમને હિંમત આપશે
[પાન ૭ પર ચિત્ર]
બાઇબલનું શિક્ષણ તમને પરમેશ્વરના મિત્ર થવા મદદ કરશે