શું તમને યાદ છે?
શું તમને યાદ છે?
શું તમે ચોકીબુરજના તાજેતરના અંકો પર મનન કર્યું છે? એમ હોય તો, તમને નીચેના મુદ્દાઓ યાદ કરવાનું ગમશે:
• કોઈ વ્યક્તિ સાથે તકરાર થઈ હોય તો એને હલ કરવા આપણે શું કરવું જોઈએ?
સૌ પ્રથમ આપણે એ સ્વીકારવું જોઈએ કે આપણે સર્વ ભૂલો કરતા હોઈએ છીએ. પછી આપણે પ્રમાણિકપણે એ વિચારવાની જરૂર છે કે આપણે પોતે જ સમસ્યા ઊભી કરી છે કે કેમ.—૮/૧૫, પાન ૨૩.
• પ્રેરિતોનાં કૃત્યો ૩:૨૧માં બતાવવામાં આવેલા “સઘળાની પુનઃસ્થાપના થવાના સમયો” ક્યારે આવશે?
પુનઃસ્થાપના બે તબક્કામાં આવે છે. પ્રથમ, ૧૯૧૯થી સતત થઈ રહેલી આધ્યાત્મિક વૃદ્ધિની પુનઃસ્થાપના છે. બીજી પુનઃસ્થાપના, આપણી પૃથ્વીને ફરીથી બગીચા જેવી સુંદર બનાવવામાં આવશે ત્યારે થશે.—૯/૧, પાન ૧૭, ૧૮.
• નીતિવચન ૬:૬-૮ પ્રમાણે કીડીને કોઈ હાકેમ ન હોવા છતાં, એ કઈ રીતે આપણને એક સારું ઉદાહરણ આપે છે?
કીડીઓના દરમાં એક રાણી હોય છે. પરંતુ તે ફક્ત ઈંડા મૂકતી હોવાથી તેને કીડીઓની માતા અને રાણી કહેવામાં આવે છે. કીડીઓ મહેનતુ હોય છે તેથી આપણે પણ મહેનતુ બનવું જોઈએ. ભલે આપણા આગેવાન હોય કે ન હોય છતાં, આપણે આપણા કામમાં સુધારો અને સખત મહેનત કરતા રહેવાની જરૂર છે.—૯/૧૫, પાન ૨૬.
• શું ૨ રાજા ૨૨:૨૦માં નોંધવામાં આવેલી હુલ્દાહની ભવિષ્યવાણી ખોટી ઠરી હતી કે યોશીયાહ “શાંતિ”થી મરણ પામશે? યોશીયાહ તો યુદ્ધમાં માર્યા ગયા હતા.
ભવિષ્યવાણી પ્રમાણે યોશીયાહ શાંતિથી મરણ પામ્યા હતા. કેમ કે બાબેલોને ૬૦૯-૬૦૭ બી.સી.ઈ.માં યરૂશાલેમને ઘેરો ઘાલીને એનો નાશ કર્યો એ પહેલા તે મરણ પામ્યા.—૯/૧૫, પાન ૩૦.
• સુલેમાને પત્નીનું “પ્રેમાળ હરણી તથા મનોહર છીંકારી” તરીકે કરેલું વર્ણન કઈ રીતે યોગ્ય હતું? (નીતિવચન ૫:૧૮, ૧૯)
બકરી કે રાની બકરી સ્વભાવે શાંત અને દેખાવે મનોહર હોય છે. તેમ છતાં, એ ભેખડો પર રહીને બચ્ચાંને જન્મ આપી શકે છે. એ એવી જગ્યા છે જ્યાં મુશ્કેલીથી ખોરાક મળતો હોય છે અને ઘણો તાપ હોય છે.—૧૦/૧, પાન ૩૦, ૩૧.
• હેન્રી ગ્રૂ અને જ્યોર્જ સ્ટોર્ઝ કોણ હતા?
આ બંને વ્યક્તિઓ ૧૮મી સદીમાં થઈ ગઈ અને તેઓ બાઇબલના ખંતીલા વિદ્યાર્થીઓ હતા. ગ્રૂને જાણવા મળ્યું કે ત્રૈક્ય, અમર જીવન અને નરકનું શિક્ષણ બાઇબલ આધારિત નથી. સ્ટોર્ઝએ પણ બતાવ્યું કે કેટલાક લોકો પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મેળવશે. તેઓ બંને ૧૮૭૯માં આ સામયિકને શરૂ કરનાર ચાર્લ્સ ટેઝ રસેલના પુરોગામી હતા.—૧૦/૧૫, પાન ૨૬-૩૦.
• પોતાના જ લોહીનો ઉપયોગ કરીને તબીબી સારવાર લેવાની હોય ત્યારે, યહોવાહના સાક્ષીઓ શું ધ્યાનમાં રાખે છે?
પોતાની બાઇબલ આધારિત માન્યતાઓને ધ્યાનમાં લઈને, તેઓ પોતાનું લોહી સંગ્રહતા નથી અને એને પાછું પણ લેતા નથી. દરેક ખ્રિસ્તી પોતે નિર્ણય લે છે કે તબીબી સર્જરીમાં, ચકાસણીમાં કે હાલમાં ચાલી રહેલી કોઈ સારવારમાં પોતાના લોહીનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવશે. તેમણે લોહી વિષે બાઇબલ શું કહે છે એનો વિચાર કરવો જોઈએ અને યાદ રાખવું જોઈએ કે પોતે પરમેશ્વરને સમર્પિત છે.—૧૦/૧૫, પાન ૩૦, ૩૧.
• આ વર્ષે કરવામાં આવેલા સર્વેક્ષણ પ્રમાણે જગત ફરતે યહોવાહના સાક્ષીઓમાં કઈ ખાસ જરૂરિયાત ઊભી થઈ છે?
આર્થિક રીતે પછાત એવા વિકાસશીલ દેશોમાં ૧૧,૦૦૦ કરતાં વધારે રાજ્યગૃહોની જરૂર છે. ઘણા દેશોના ભાઈ-બહેનોએ આપેલા ઉદાર પ્રદાનોની મદદથી આવા દેશોમાં પૂરતા રાજ્યગૃહોનું બાંધકામ કરવામાં આવે છે.—૧૧/૧, પાન ૩૦.
• બાઇબલમાં ભક્તિ માટે મૂળ ગ્રીક ભાષાના કયા શબ્દો વાપરવામાં આવે છે?
એક છે લીટુરિયા, જેનું ભાષાંતર “સેવા” કરવામાં આવ્યું છે. બીજો શબ્દ “લાટ્રીયા” છે જેનું ભાષાંતર ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન બાઇબલમાં “પવિત્ર સેવા” કરવામાં આવ્યું છે. (હેબ્રી ૧૦:૧૧; લુક ૨:૩૬, ૩૭)—૧૧/૧૫, પાન ૧૧, ૧૨.
• આદમ અને હવા વિષે બાઇબલ જે મુખ્ય બાબતો શીખવે છે એનાથી આપણને કયો મહત્ત્વનો બોધપાઠ મળે છે?
યહોવાહ પરમેશ્વરથી સ્વતંત્ર રહેવાનો ખાલી વિચાર કરવો પણ સૌથી મોટી મૂર્ખતા છે.—૧૧/૧૫, પાન ૨૪-૭.
• પરમેશ્વર પોતાના સેવકોને શક્તિ આપે છે એનો શાસ્ત્રીય પુરાવો શું છે?
દાઊદ, હબાક્કુક અને પ્રેરિત પાઊલે આ હકીકતની સાબિતી આપી કે યહોવાહે તેઓને શક્તિ આપી હતી. (ગીતશાસ્ત્ર ૬૦:૧૨; હબાક્કૂક ૩:૧૯; ફિલિપી ૪:૧૩) તેથી આપણે પણ એવો વિશ્વાસ રાખવો જોઈએ કે યહોવાહ આપણને શક્તિ આપે છે અને એમ કરવાની ઇચ્છા પણ રાખે છે.—૧૨/૧, પાન ૧૦, ૧૧.