સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મૃત સમુદ્રના વીંટાઓ વિષે સત્ય શું છે?

મૃત સમુદ્રના વીંટાઓ વિષે સત્ય શું છે?

મૃત સમુદ્રના વીંટાઓ વિષે સત્ય શું છે?

લગભગ ૫૦ કરતાં વધુ વર્ષો પહેલાં, બેદુઇન કોમના ભરવાડે એક ગુફામાં પથ્થર ફેંક્યો હતો. એ પથ્થરથી, માટીની મોટી કોઠી તૂટી હોય એવો અવાજ તેણે સાંભળ્યો. શાનો અવાજ આવ્યો એ શોધવા ગયો ત્યારે, તેને અમુક વીંટાઓ મળી આવ્યા જેને આજે મૃત સમુદ્રના વીંટાઓ કહેવામાં આવે છે. તેથી એવું કહેવામાં આવે છે કે એ મૃત સમુદ્રના વીંટાઓ તો વીસમી સદીની સૌથી મોટી શોધ છે.

આ વીંટાઓ તરફ વિદ્વાનો અને ટીવી, રેડિયો, છાપા જેવા માધ્યમોનું ધ્યાન દોરાયું છે, સાથે વિવાદો પણ ઊભા થયા છે. એને કારણે જનતાને વીંટાઓ વિષે ખોટી માહિતીઓ મળી છે, જેનાથી ગૂંચવણ ઊભી થઈ છે. ઉપરાંત, એવી અફવા ફેલાઈ કે વીંટાઓની માહિતી છુપાવવાનો પ્રયત્ન થયો છે કારણ કે એ વીંટાઓની હકીકતો રજૂ થાય તો ખ્રિસ્તીઓ અને યહુદીઓનો ધાર્મિક વિશ્વાસ ઊઠી જશે. પરંતુ વીંટાઓનું ખરેખર મહત્ત્વ શું છે? એની શોધને પચાસ કરતાં વધુ વર્ષો વીતી ગયાં છે ત્યારે શું આજે એના વિષેની હકીકતો જાણી શકાય?

મૃત સમુદ્રના વીંટાઓ શું છે?

મૃત સમુદ્રના વીંટાઓ પ્રાચીન યહુદી હસ્તપ્રતો છે. એમાંની મોટા ભાગની હેબ્રીમાં, કેટલીક અરામિકમાં અને થોડીક ગ્રીક ભાષામાં લખવામાં આવી છે. આમાંના ઘણા વીંટાઓ અને નાનાં ટુકડાઓ ઈસુનો જન્મ થયો એના ૨૦૦૦ વર્ષો કરતાં પણ વધુ જૂના છે. બેદુઇન લોકો પાસેથી મેળવેલા આ વીંટાઓમાંની સાત લાંબી હસ્તપ્રતો સડી જવાની તૈયારીમાં હતી. જેમ જેમ ગુફાઓમાં શોધ કરવામાં આવી તેમ, બીજા વીંટાઓ અને વીંટાઓના હજારો ટુકડાઓ મળી આવ્યા. વર્ષ ૧૯૪૭થી ૧૯૫૬ની વચ્ચે, મૃત સમુદ્રની પાસે કૂમરાન નજીકની ૧૧ ગુફાઓમાંથી બીજા ઘણા વીંટાઓ મળી આવ્યા છે.

આ બધા જ વીંટાઓ અને નાનાં ટુકડાઓને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા ત્યારે, બધી જ મળીને લગભગ ૮૦૦ હસ્તપ્રતો બની. એમાંથી લગભગ ૨૦૦ હસ્તપ્રતો હેબ્રી બાઇબલના અમુક ભાગોની નકલ હતી. બીજી હસ્તપ્રતોમાં બાઇબલનાં લખાણો ન હતાં, પરંતુ યહુદી પ્રાચીન લખાણો હતાં, જેને એપોક્રિફા અને સુડેપેગ્રાફા * કહેવામાં આવે છે.

જે લખાણો વિષે કોઈ જાણતું ન હતું એવા વીંટાઓ મળી આવ્યા ત્યારે, વિદ્વાનો રોમાંચિત થઈ ગયા. એ વીંટાઓમાં યહુદી નિયમો, કૂમરાનમાં રહેતા લોકોના સમાજના ખાસ નિયમો, ભજનો અને પ્રાર્થનાઓ તથા જગતના અંત વિષેનાં લખાણો હતાં. એ લખાણો બાઇબલ ભવિષ્યવાણીની પરિપૂર્ણતા અને છેલ્લા દિવસો વિષે જણાવે છે. એ સાથે બાઇબલની કલમે કલમની માહિતી આપતા અજોડ લખાણો પણ હતાં, જે સૌથી જૂના હતા.

મૃત સમુદ્રના વીંટાઓ કોણે લખ્યા?

આ પ્રાચીન વીંટાઓ ક્યારે લખાયા હતા એની અલગ અલગ રીતોથી તપાસ કરતા, એ જાણવા મળ્યું છે કે એ વીંટાઓ ત્રીજી સદી બી.સી.ઈ. અને પ્રથમ સદી સી.ઈ.ની વચ્ચે લખવામાં અથવા નકલ કરવામાં આવ્યા હતા. કેટલાક વિદ્વાનો દાવો કરે છે કે ૭૦ સી.ઈ.માં યરૂશાલેમના મંદિરનો નાશ થયો એ પહેલાં યહુદીઓએ આ વીંટાઓને ગુફાઓમાં સંતાડી દીધા હતા. પરંતુ મોટા ભાગના વિદ્વાનો જણાવે છે કે આ બાબત વીંટાઓમાં જે લખેલું છે એના સુમેળમાં નથી. ઘણા વીંટાઓનાં લખાણો, યરૂશાલેમના ધાર્મિક અધિકારીઓના મંતવ્યો અને રિવોજોની વિરુદ્ધમાં છે. આ વીંટાઓ એક એવા સમાજ વિષે જણાવે છે, જે માનતો હતો કે પરમેશ્વરે યરૂશાલેમના યાજકો અને મંદિરની સેવાનો નકાર કર્યો છે અને રણપ્રદેશમાં તેઓનું જૂથ જે ભક્તિ કરે છે એને માન્યતા આપી છે. વીંટાઓમાં યાજકો અને મંદિર વિષે આવી વિરોધાભાસી બાબત હોય તો, યરૂશાલેમના મંદિરના અધિકારીઓએ આ વીંટાઓ છૂપાવ્યા હશે એ અશક્ય લાગે છે.

કૂમરાનમાં નકલ કરનારાઓનું એક નાનું જૂથ હતું, પરંતુ આ વીંટાઓ બીજા સ્થળેથી મળી આવ્યા છે. તેથી કૂમરાન પંથના લોકો એને લઈ આવ્યા હોય શકે. તેથી મૃત સમુદ્રના વીંટાઓને એક વિશાળ પુસ્તકાલય કહી શકાય. એક પુસ્તકાલયમાં કેટલાય પ્રકારનાં ધાર્મિક પુસ્તકોનો ભંડાર હોય તો, એનો અર્થ એ નથી થતો કે એ બધા પુસ્તકોના વાચકો એ બધા જ ધર્મોને માને છે. છતાં, એક જ પ્રકારનાં ઘણાં પુસ્તકો હોય તો એનાથી એ ખબર પડે છે કે વાચકોને એ બાબતમાં ખાસ રસ કે ભરોસો છે.

શું કૂમરાનના રહેવાસીઓ એસીન્સ પંથના હતા?

આ વીંટાઓ કૂમરાનના પુસ્તકાલયમાં હતા, તો પછી એના રહેવાસીઓ કોણ હતા? વર્ષ ૧૯૪૭માં યરૂશાલેમની હેબ્રુ યુનિવર્સિટી માટે વીંટાઓ લઈ આવનાર પ્રોફેસર એલીઝાર સુકેનીક એવું કહેનાર પ્રથમ હતા કે આ વીંટાઓ એસીન્સ સમાજના છે.

પ્રથમ સદીના લેખકો જોસેફસ, એલેક્સાંડ્રિયાના ફીલો અને પ્લેની ધી એલ્ડરે પણ એસીન્સનો એક યહુદી પંથ તરીકે ઉલ્લેખ કર્યો હતો. એસીન્સનું સાચું મૂળ ખબર નથી. પરંતુ તેઓનું મૂળ બીજી સદી બી.સી.ઈ.માં મક્કાબીઓના બળવાના સમય પછી હોય શકે. * જોસેફસે એસીન્સ લોકોની માન્યતાઓ ફરોશીઓ અને સાદુકીઓથી કઈ રીતે અલગ હતી એ જણાવીને તેઓનું અસ્તિત્વ હતું એમ બતાવ્યું. પ્લેનીએ એ પણ જણાવ્યું કે એસીન્સ લોકો યરીખો અને એન-ગેદી વચ્ચે મૃત સમુદ્ર પાસે રહેતા હતા.

મૃત સમુદ્રના વીંટાઓના વિદ્વાન, પ્રોફેસર જેમ્સ વન્ડરકમના અનુમાન પ્રમાણે “કૂમરાનમાં એસીન્સ પંથના થોડા જ લોકો રહેતા હતા,” કેમ કે જોસેફસ તેઓની કુલ સંખ્યા લગભગ ૪,૦૦૦ બતાવે છે. કૂમરાન લખાણોમાં જે વર્ણન આપ્યું છે એ એસીન્સ લોકોને પૂરેપૂરું મળી આવતું નથી છતાં, એ બીજા કોઈ પણ યહુદી જૂથ કરતા એસીન્સને વધુ લાગુ પડે છે.

કેટલાક દાવો કરે છે કે ખ્રિસ્તી ધર્મ કૂમરાનમાં શરૂ થયો હતો. છતાં પણ, કૂમરાન પંથની ધાર્મિક માન્યતાઓમાં અને શરૂઆતના ખ્રિસ્તીઓ વચ્ચે બહુ મોટા તફાવતો જોઈ શકાય. કૂમરાનનાં લખાણો ચુસ્ત સાબ્બાથના નિયમો અને શુદ્ધતાના અયોગ્ય નિયમો વિષે જણાવે છે. (માત્થી ૧૫:૧-૨૦; લુક ૬:૧-૧૧) એસીન્સ લોકો સમાજથી અલગ રહેતા હતા, તેથી તેઓ નસીબ અને અમર આત્મામાં માનતા હતા. તેમ જ તેઓ બ્રહ્મચર્ય પાળવા પર ભાર મૂકતા અને અંધવિશ્વાસથી એવું માનતા હતા કે તેઓની ઉપાસનામાં દૂતો પણ તેઓ સાથે ભાગ લે છે. આ બાબતો જ બતાવે છે કે તેઓ ઈસુનાં શિક્ષણો અને શરૂઆતના ખ્રિસ્તીઓથી એકદમ અલગ હતા.—માત્થી ૫:૧૪-૧૬; યોહાન ૧૧:૨૩, ૨૪; કોલોસી ૨:૧૮; ૧ તીમોથી ૪:૧-૩.

વીંટાઓની બાબતમાં છેતરપિંડી થઈ નથી

મૃત સમુદ્રના વીંટાઓ મળી આવ્યા એના પછીનાં વર્ષોમાં, એ વિષેના ઘણાં પુસ્તકો બહાર પડ્યાં, જેથી જગતના વિદ્વાનોને સંશોધન કરવા ઘણી બધી માહિતી મળી. પરંતુ ગુફા ૪ તરીકે ઓળખાતી ગુફાઓમાંથી મળી આવેલ હજારો નાનાં ટુકડાઓએ વધુ સમસ્યાઓ ઊભી કરી છે. એની કાળજી લેવા માટે પૂર્વ યરૂશાલેમના (એ સમયે યરદનનો ભાગ હતું) પેલેસ્ટાઈન પુરાતત્ત્વીય સંગ્રહાલયમાં વિદ્વાનોની નાની આંતરરાષ્ટ્રીય ટુકડી બનાવવામાં આવી. જોકે એ ટુકડીમાં કોઈ યહુદી કે ઈસ્રાએલી વિદ્વાન ન હતા.

આ ટુકડીએ એવી નીતિ વિકસાવી કે પોતે સંશોધન પૂરું કરીને કાયદેસર બહાર ન પાડે ત્યાં સુધી બીજી કોઈ પણ વ્યક્તિને વીંટાઓ તપાસવાની મંજૂરી નથી. ટુકડીની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી. જો ટીમના કોઈ સભ્ય મરી જાય તો તેમની જગ્યાએ ફક્ત એક જ વિદ્વાનને લેવામાં આવતા હતા. જોકે એનો અભ્યાસ કરવા માટે ટુકડીમાં ઘણા સભ્યોની જરૂર હતી, અને અમુક બાબતો માટે પ્રાચીન હેબ્રી અને અરામિક ભાષા આવડવી જરૂરી હતી. એના વિષે જેમ્સ વન્ડરકમ આમ કહે છે: “ગમે તેટલા કુશળ હોય છતાં, ફક્ત આઠ વિદ્વાનો માટે દશ હજાર કરતાં વધુ વીંટાઓનો અભ્યાસ કરવું અશક્ય હતું.”

વર્ષ ૧૯૬૭માં છ દિવસનું યુદ્ધ થયું, પરિણામે પૂર્વ યરૂશાલેમ અને એનાં વીંટાઓ ઈસ્રાએલના કબજામાં આવ્યા તેમ છતાં, સંશોધન ટુકડીની નીતિમાં કંઈ ફેરફારો ન થયા. ગુફા ૪ના વીંટાઓ વિષે, થોડાં વર્ષોમાં બહાર પડનાર માહિતી થોડા દશકાઓમાં પણ બહાર ન પડી ત્યારે, ઘણા વિદ્વાનો તરફથી બહુ ફરિયાદો શરૂ થઈ. ઑક્ષફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ગાઝા વર્મેશે ૧૯૭૭માં એને ૨૦મી સદીના વિદ્વાનો માટે સૌથી શરમજનક બાબત ગણાવી. તેમ જ એવી અફવા ફેલાવા લાગી કે કૅથલિક ચર્ચે જાણીજોઈને વીંટાઓમાંની માહિતીને છુપાવી છે કારણ કે એ બહાર પાડવામાં આવે તો ખ્રિસ્તી ધર્મમાંથી વિશ્વાસ ઊઠી જાય.

છેવટે ૧૯૮૦માં ટુકડી વિસ્તારવામાં આવી અને એમાં ૨૦ વિદ્વાનો કામ કરતા થયા. ત્યાર પછી ૧૯૯૦માં, યરૂશાલેમની હેબ્રી યુનિવર્સિટીમાં નવા નિયુક્ત થયેલા વડા, ઈમાનુએલ ટોવના નિર્દેશન હેઠળ ટુકડીમાં સભ્યોની સંખ્યા વધીને ૫૦ થઈ. બાકીના વીંટાઓ પર શોધ કરીને વિદ્વાનોએ જે માહિતી બહાર પાડવાની હતી એ વિષે એક ચોક્કસ સમયપત્રક આપવામાં આવ્યું.

આ બાબતમાં ૧૯૯૧માં ધાર્યા કરતા ખૂબ પ્રગતિ થઈ. પ્રથમ, એ પ્રિલિમિનરી એડીશન ઑફ ધી અનપબ્લિશ્ડ ડેડ શી સ્ક્રોલ્સ બહાર પાડવામાં આવ્યું. ટુકડીએ જે સંશોધનનું કામ કર્યું એ બધાની એક એક પ્રત લઈને કૉમ્પ્યુટરની મદદથી એક સાથે ગોઠવવામાં આવી. ત્યાર પછી, સાન મરીનો, કૅલિફૉર્નિયાના હંટીગટન પુસ્તકાલયે એવું જાહેર કર્યું કે વીંટાઓના સેટના પૂરેપૂરા ફોટાઓ ત્યાં મૂકવામાં આવશે જેથી કોઈ પણ વિદ્વાન સંશોધન કરવા માંગતા હોય તો કરી શકે. થોડા સમયમાં જ, અ ફેક્સીમલી એડીશન ઑફ ધ ડેડ શી સ્ક્રોલ્સના પ્રકાશન સાથે, અગાઉ પ્રકાશિત ન થયેલા વીંટાઓના ફોટાઓ સરળ રીતે પ્રાપ્ય બન્યા.

તેથી છેલ્લા દશકામાં, બધા મૃત સમુદ્રના વીંટાઓ તપાસ માટે પ્રાપ્ય બનાવવામાં આવ્યા છે. આ સંશોધન બતાવે છે કે એને છુપાવવામાં આવ્યા ન હતા; તેમ જ એ કોઈ છેતરપિંડી ન હતી. વીંટાઓનો છેલ્લો અંક બહાર પડ્યો છે ત્યારે હવે પૂરેપૂરી તપાસ શરૂ થઈ શકે. વીંટાની માહિતીનો અભ્યાસ કરવા વિદ્વાનોનું એક નવું જૂથ ઊભું થયું છે. પરંતુ બાઇબલ વિદ્યાર્થીઓ માટે આ સંશોધનનું શું મહત્ત્વ છે?

[ફુટનોટ્‌સ]

^ એપોક્રિફા (શાબ્દિક રીતે “છુપાવેલું”) અને સુડેપેગ્રાફા (શાબ્દિક રીતે “ખોટી રીતે બીજાના નામે ચઢાવેલાં લખાણો”) ત્રીજી સદી બી.સી.ઈ.થી પ્રથમ સદી સી.ઈ. સુધીમાં લખાયેલાં યહુદી લખાણો છે. રોમન કૅથલિક ચર્ચે એપોક્રિફાને પ્રેરિત બાઇબલના ભાગ તરીકે સ્વીકાર્યા છે. પરંતુ યહુદીઓ અને પ્રોટેસ્ટંટો એમ સ્વીકારતા નથી. બાઇબલમાં વધારાની વાર્તાઓ ઉમેરવામાં આવી છે એને સુડેપેગ્રાફા કહે છે, અને એ બાઇબલના પ્રખ્યાત લેખકના નામે ચઢાવવામાં આવે છે.

^ નવેમ્બર ૧૫, ૧૯૯૮ના ચોકીબુરજના પાન ૨૧-૪ પર “મક્કાબીઓ કોણ હતા” લેખ જુઓ.

[પાન ૩ પર ચિત્ર]

આ ગુફાઓ મૃત સમુદ્ર નજીકની ગુફાઓ મધ્યે છે જ્યાંથી પ્રાચીન વીંટાઓ મળી આવ્યા

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

વીંટાના ટુકડાઓ: પાન ૩, ૪ અને ૬: Courtesy of Israel Antiquities Authority

[પાન ૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Courtesy of Shrine of the Book, Israel Museum, Jerusalem