શું તમે ખરેખર સુખી બની શકો?
શું તમે ખરેખર સુખી બની શકો?
જ્યોર્જ દરેકનું સ્મિત સાથે અભિવાદન કરતા. તે, જીવનને આનંદ માણવાની મૂલ્યવાન ભેટ ગણતા. બીજાઓ તેમને આનંદી અને આશાવાદી તરીકે ઓળખતા હતા. ઉંમર વધવાની સાથે તેમની ઘડપણની પીડાઓ શરૂ થઈ ગઈ તોપણ, તેમના આનંદમાં કોઈ ઓટ ન આવી. તેથી જ તે મરી ગયા ત્યાં સુધી લોકો તેમને સુખી માણસ કહેતા હતા. શું તમે જ્યોર્જ જેવા સુખી છો? શું તમે દરેક નવા દિવસને આનંદ માણવા આપેલી ભેટ ગણો છો? કે પછી દરેક દિવસ તમારા માટે નિરાશા અને ચિંતા લાવે છે? શું કોઈક બાબત તમારું સુખ-ચેન ખૂંચવી લે છે?
સુખીપણાની વ્યાખ્યા મુજબ ધનદોલત હોય તેને જ સુખી કહેવામાં આવે છે અને ધનદોલત રહે ત્યાં સુધી એ કાયમી રહે છે. સુખને સંતોષ મળ્યાની ઊંડી લાગણીઓ સાથે પણ સાંકળવામાં આવે છે અને એવું ઇચ્છવામાં આવે છે કે એ સ્થિતિ કાયમ રહે. શું આ પ્રકારનું સુખ શક્ય છે?
આજે સમાજમાં એવું પ્રોત્સાહન આપવામાં આવે છે કે જો વ્યક્તિ ખૂબ ધનવાન થશે તો જ સુખી થશે. તેથી કરોડો લોકો ધનવાન થવા પૈસા પાછળ દોડે છે. પરિણામે, તેઓ જીવનમાં બીજાઓ સાથેના સંબંધો અને મહત્ત્વની બાબતો ગુમાવી દે છે. જેમ કીડીઓ હંમેશા પોતાના દર પર સતત ભાગતી હોય છે અને પોતે શું કરી રહી છે એ પણ વિચારતી નથી તેમ લોકો પૈસા પાછળ દોડે છે. તેથી સ્વાભાવિક રીતે જ લોસ એન્જલીસ ટાઈમ્સનો અહેવાલ કહે છે, “હતાશ વ્યક્તિઓની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે અને એમાં સૌથી વધુ યુવાનો હતાશ બને છે. . . . તેથી હતાશાને દૂર કરવાની ગોળી સૌથી વધુ વેચાય છે.” કરોડો લોકો પોતાની હતાશા દૂર કરવા ગેરકાયદે કેફીપદાર્થો લે છે અથવા દારૂ પીવે છે. ઘણા લોકો હતાશ થઈ ગયા હોવાથી એમાંથી છટકવા માટે ખરીદી કરવા પાછળ ડૂબી જાય છે. એક
સર્વેક્ષણ પ્રમાણે, “સ્ત્રીઓ હતાશ હોય છે ત્યારે એમાંથી છટકવા ખરીદી કરવા જતી રહે છે. અને હતાશામાં તેઓ પુરુષો કરતાં ત્રણ વખત વધુ ગઈ હતી,” બ્રિટીશ છાપુ ધ ગાર્ડિઅન કહે છે.તેમ છતાં, સાચું સુખ કંઈ પણ ખરીદવાથી, દારૂ પીવાથી, હતાશા દૂર કરવાની ગોળી લેવાથી, ઇન્જેક્શન દ્વારા ડ્રગ્સ લેવાથી અને બૅન્ક બેલેન્સ હોવાથી મળી જતું નથી. સુખ ખરીદી શકાતું નથી; એ મફત મળે છે. તમે આ મૂલ્યવાન ભેટને ક્યાંથી મેળવી શકો? હવે પછીના લેખમાં એ વિષે ચર્ચા કરવામાં આવશે.