સિરિલ અને મેથોડિઅસ—નવા મૂળાક્ષરો સર્જનારા બાઇબલ ભાષાંતરકારો
સિરિલ અને મેથોડિઅસ—નવા મૂળાક્ષરો સર્જનારા બાઇબલ ભાષાંતરકારો
“અમારી પ્રજા બાપ્તિસ્મા પામેલી છે છતાં અમારી પાસે કોઈ શિક્ષક નથી. અમે ગ્રીક કે લૅટિન સમજતા નથી. . . . અમે લેખિત ભાષા કે એનો અર્થ સમજતા નથી; તેથી શાસ્ત્રવચનોના શબ્દો અને એના અર્થ અમને સમજાવે એવા શિક્ષકો મોકલો.”—મોરાવિયાના રાજકુંવર, રાસ્ટીસ્લાવ, ૮૬૨ સી.ઈ.
સ્લેવિક કહેવાતી ભાષાઓ બોલનારાઓ ૪૩ કરોડથી વધુ લોકો માટે, આજે પોતાની માતૃભાષામાં બાઇબલ પ્રાપ્ય છે. * એમાંથી ૩૬ કરોડ લોકો સિરિલિક મૂળાક્ષરોનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ બાર સદીઓ અગાઉ, તેઓના પૂર્વજો જે બોલીઓ બોલતા હતા એના કોઈ મૂળાક્ષરો કે લેખિત ભાષા ન હતી. સિરિલ અને મેથોડિઅસ નામના બે સગા ભાઈઓએ એ પરિસ્થિતિ સુધારી. બાઇબલને ચાહનારા લોકો જોઈ શકશે કે બાઇબલનું ભાષાંતર અને વિતરણ કરવાના ઇતિહાસમાં આ બે ભાઈઓના હિંમતભર્યા અને નવીન પ્રયત્નોથી નવું પ્રકરણ લખાઈ ગયું. તેઓ કોણ હતા અને તેઓએ કેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો?
“ફિલસૂફ” અને ગવર્નર
સિરિલ (૮૨૭-૮૬૯ સી.ઈ., મૂળ નામ કોન્સ્ટંટાઈન) અને મેથોડિઅસ (૮૨૫-૮૮૫ સી.ઈ.) થેસાલૉનિકી, ગ્રીસમાં અમીર ખાનદાનમાં જન્મ્યા હતા. એ સમયે થેસાલૉનિકીમાં બે ભાષા બોલાતી હતી; એના રહેવાસીઓ ગ્રીક અને એક પ્રકારની સ્લેવિક ભાષા બોલતા હતા. સ્લેવિક ભાષા બોલનારા ઘણા લોકો ત્યાં રહેતા હોવાથી, તથા ગ્રીક અને સ્લેવિક સમાજ વચ્ચે ગાઢ સંબંધ હોવાથી, સિરિલ અને મેથોડિયસ દક્ષિણ સ્લેવની ભાષાઓનું જ્ઞાન લઈ શક્યા હશે. મેથોડિયસનું જીવનચરિત્ર લખનારે લખ્યું છે કે તેઓની માતા મૂળ સ્લેવિક હતી.
સિરિલ તેના પિતાના મરણ પછી, બાયઝાન્ટાઈન સામ્રાજ્યની રાજધાની કોન્સ્ટંટિનોપલ ચાલ્યો ગયો. ત્યાં તેણે શાહી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ઉચ્ચ કક્ષાના પ્રોફેસરોના હાથ નીચે ભણ્યો. તે પૂર્વની સૌથી મુખ્ય ચર્ચની બિલ્ડીંગ, હાગીયા સોફિયાનો લાયબ્રેરિયન બન્યો અને પાછળથી ફિલસૂફીનો પ્રોફેસર બન્યો. હકીકતમાં, વિદ્યાભ્યાસમાં ખૂબ સફળતા મેળવવાને કારણે લોકો સિરિલને ફિલોસોફર કહીને બોલાવવા લાગ્યા.
એ સમય દરમિયાન, મેથોડિઅસે પોતાના પિતાના જેવી જ રાજકીય વહીવટની કારકિર્દી અપનાવી. તે બાયઝેન્ટાઈન જીલ્લામાં ગર્વનર બન્યો જ્યાં સ્લેવ ભાષા બોલતા ઘણા લોકો રહેતા હતા. છતાં પણ, તે બિથેનીઆ,
એશિયા માયનોરમાં મઠવાસમાં રહેવા લાગ્યો. સિરિલ ૮૫૫ સી.ઈ.માં તેની સાથે જોડાયો.કોન્સ્ટંટિનોપલના બિશપે એ બે ભાઈઓને ૮૬૦ સી.ઈ.માં ખાસ કામગીરી સોંપીને, કાળા સમુદ્રના ઉત્તરપૂર્વે રહેતા લોકો પાસે ખાઝાર મોકલ્યા. ત્યાંના લોકો હજુ પણ એ નક્કી કરી શક્યા ન હતા કે તેઓએ ઇસ્લામ, યહુદી અને ખ્રિસ્તીમાંથી કયો ધર્મ પાળવો. રસ્તામાં સિરિલ ચેરસોનીઝ, ક્રિમીયામાં થોડો સમય રહ્યો. કેટલાક વિદ્વાનો માને છે કે તે ત્યાં હેબ્રી અને સમરૂની ભાષા શીખ્યો અને તેથી તેણે ખાઝારની ભાષામાં હેબ્રી વ્યાકરણનું ભાષાંતર કર્યું.
મોરાવિયાથી આમંત્રણ
શરૂઆતના ફકરામાં જોવા મળે છે તેમ, મોરાવિયા (આજે પૂર્વીય ચેચીયા, પશ્ચિમી સ્લોવાકિયા અને પશ્ચિમી હંગેરી)ના રાજકુંવર, રાસ્ટીસ્લાવે ૮૬૨ સી.ઈ.માં બાયઝાન્ટાઈનના શાસક, માઈકલ ત્રીજાને શાસ્ત્રવચનોના જાણકાર શિક્ષકોને મોકલવાની વિનંતી કરી હતી. સ્લેવિક બોલતા મોરાવિયાના નાગરિકોને પૂર્વીય ફ્રેન્કિશ રાજ્ય (અત્યારે જર્મની અને ઑસ્ટ્રિયા)થી આવેલા મિશનરિઓએ ચર્ચનું શિક્ષણ તો આપ્યું હતું. તેમ છતાં, રાજકુંવર રાસ્ટીસ્લાવ જર્મન જાતિઓની રાજકીય અને ચર્ચની અસર વિષે ચિંતિત હતો. તેને આશા હતી કે કોન્સ્ટંટિનોપલ સાથેના ધાર્મિક સંબંધને કારણે પોતાના રાષ્ટ્રને રાજકીય અને ધાર્મિક મદદ મળશે.
શાસકે મેથોડિઅસ અને સિરિલને મોરાવિયા મોકલવાનું નક્કી કર્યું. આ કાર્યને પાર પાડવા માટે આ બે ભાઈઓ પાસે કૉલેજ, ઉચ્ચ શિક્ષણ અને ભાષાનું પૂરતું જ્ઞાન હતું. નવમી સદીના જીવનકથા લખનાર જણાવે છે કે શાસકે તેઓને મોરાવિયા જવાની એમ કહીને વિનંતી કરી કે: “તમે બંને મૂળ થેસાલૉનિકીના છો અને ત્યાંના બધા લોકો શુદ્ધ સ્લેવિક ભાષા બોલે છે.”
મૂળાક્ષર અને બાઇબલ ભાષાંતર શરૂ થયું
તેઓ ગયા એના થોડા મહિના પહેલાં જ સિરિલે સ્લેવ માટેની લેખિત લિપિ વિકસાવીને કામગીરી બજાવવાની તૈયારી કરી દીધી હતી. તેના વિષે એવું કહેવામાં આવે છે કે તે ઉચ્ચારોનો ચપળ સાંભળનાર હતો. તેથી તેણે હેબ્રી અને ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરીને સ્લાવોનિક ભાષામાં જેવો ઉચ્ચાર થાય એવા જ અક્ષરો બનાવવાનો પ્રયત્ન કર્યો. * કેટલાક સંશોધનકર્તાઓ માને છે કે તેણે આ મૂળાક્ષરો તૈયાર કરવા માટે પાયાનું ઝીણવટભર્યું કામ કરવા ઘણાં વર્ષો ગાળ્યાં હતાં. સિરિલે બનાવેલા મૂળાક્ષરો એકદમ ચોક્કસ હતા કે કેમ એ વિષે હજુ પણ ખબર નથી.—“સિરિલિક કે ગ્લેગોલીટિક?” બૉક્સ જુઓ.
એ જ સમયે, સિરિલે ઝડપી બાઇબલ ભાષાંતર કરવાનું શરૂ કર્યું. પરંપરાગત રીતે, તેણે પણ નવા મૂળાક્ષરોનો ઉપયોગ કરીને યોહાનની સુવાર્તાનો પહેલો ફકરો ગ્રીકમાંથી સ્લાવોનિક ભાષામાં આ રીતે ભાષાંતર કરવાનું શરૂ કર્યો: “આદિએ શબ્દ હતો . . .” આ રીતે સિરિલે ચાર સુવાર્તાઓ, પાઊલના પત્રો અને ગીતશાસ્ત્રના પુસ્તકનું ભાષાંતર કર્યું.
શું તેણે એકલાએ જ એ બધું કામ કર્યું? શક્ય છે કે મેથોડિઅસે પણ તેને મદદ કરી હતી. વધુમાં, ધ કેમ્બ્રિજ મેડિએવલ હિસ્ટરી પુસ્તક જણાવે છે: “એ સમજી શકાય એમ છે કે [સિરિલને] બીજા લોકોએ પણ મદદ કરી હશે જેઓ ગ્રીક ભાષામાં શિક્ષણ લીધેલા મૂળ સ્લેવના વતનીઓ હતા. આપણે સૌથી જૂનું ભાષાંતર તપાસીએ તો . . . એમાં ઉચ્ચ રીતે વિકાસ પામેલી સ્લાવોનિક ભાષાનો ઉપયોગ થયો છે જે પુરાવો આપે છે કે સ્લેવ લોકોએ જ એમાં ફાળો આપ્યો હોવો જોઈએ.” બાકીનું બાઇબલ મેથોડિઅસે પાછળથી પૂરું કર્યું એ વિષે આપણે આગળ જોઈશું.
“ગીધ કાગડા પર તૂટી પડે તેમ”
સિરિલ અને મેથોડિઅસે ૮૬૩ સી.ઈ.માં મોરાવિયામાં પોતાની કામગીરી શરૂ કરી, જ્યાં તેઓના કામને હૃદયપૂર્વક આવકારવામાં આવ્યું. તેઓનું કામ, ત્યાંના લોકોને નવી બનાવેલી સ્લાવોનિક લિપિ શીખવવાનું અને સાથે બાઇબલ તથા ઉપાસના માટેની પ્રાર્થના અને રીતરિવાજોનું ભાષાંતર કરવાનું હતું.
તેમ છતાં, એ બધું કરવું સહેલું ન હતું. ફ્રાન્કિસ પાદરીઓએ સ્લાવોનિક ભાષાના ઉપયોગનો ઉગ્ર વિરોધ કર્યો. તેઓ ત્રિભાષી થીયરીને વળગી રહીને કહેતા હતા કે ફક્ત લૅટિન, ગ્રીક અને હેબ્રી જ ઉપાસના માટે સ્વીકાર્ય છે. પોતાની નવી બનાવેલી ભાષાને પોપ ટેકો આપશે એમ વિચારીને આ બંને ભાઈઓ ૮૬૭ સી.ઈ.માં રોમ ગયા.
રસ્તામાં, વેનિશમાં સિરિલ અને મેથોડિઅસને ત્રિભાષી લૅટિન પાદરીઓના એક જૂથનો સામનો કરવો પડ્યો. મધ્યયુગમાં સિરિલની જીવનકથા લખનાર જણાવે છે કે સ્થાનિક બિશપ, પાદરીઓ અને મઠવાસીઓ તેના પર “ગીધ કાગડા પર તૂટી પડે” તેમ તૂટી પડ્યા. એ અહેવાલ મુજબ, સિરિલે પ્રત્યુત્તરમાં ૧ કોરીંથી ૧૪:૮, ૯ ટાંકી: “જો રણશિંગડું અનિશ્ચિત અવાજ કાઢે, તો યુદ્ધને માટે કોણ સજ્જ થાય? એમજ તમે પણ જો જીભ વડે સહજ સમજી શકાય એવા શબ્દો ન બોલો, તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમકે એમ કરવાથી તમે હવામાં બોલનારા જેવા થશો.”
આખરે, બંને ભાઈઓ રોમ પહોંચ્યા ત્યારે, પોપ એડ્રિયન બીજાએ સ્લાવોનિક ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. રોમમાં હતા ત્યારે જ થોડા મહિના પછી સિરિલ ગંભીર માંદગીમાં પટકાયો. બે મહિનાની અંદર જ તે ૪૨ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
પોપ એડ્રિયને મેથોડિયસને પાછા મોરાવિયા અને નીટ્રાની આસપાસ જવાનું ઉત્તેજન આપ્યું, જે હાલનું સ્લોવાકિયા છે. એ વિસ્તારમાં તેનો પ્રભાવ પડે એવી શુભેચ્છા પાઠવીને પોપે તેને સ્લાવોનિક ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી આપતો પત્ર આપ્યો અને તેની આર્ચબિશપ તરીકે નિમણૂક કરી. તેમ છતાં, ફ્રાન્કિશ બિશપ, હરમાનરીકે નીટ્રાના રાજકુંવર સ્વાટોપ્લુકની મદદથી ૮૭૦ સી.ઈ.માં મેથોડિઅસની ધરપકડ કરી. તે દક્ષિણપૂર્વ જર્મનીના મઠમાં અઢી વર્ષ કેદમાં હતો. છેવટે, એડ્રિયન બીજાના પુરોગામી, પોપ જોન આઠમાએ મેથોડિઅસને છોડવાનો હુકમ કર્યો અને પોતાની સત્તા હેઠળના વિસ્તારમાં ફરીથી નિમણૂક કરી તથા ઉપાસનામાં સ્લાવોનિકના ઉપયોગ માટે પોપના ટેકાની ખાતરી આપી.
પરંતુ ફ્રેન્કિશ પાદરીઓનો વિરોધ ચાલુ જ રહ્યો. મેથોડિઅસે નાસ્તિકતાના આરોપનો સફળ રીતે સામનો કર્યો અને છેવટે પોપ જોન આઠમાએ ચર્ચમાં સ્લાવોનિકનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. તાજેતરના પોપ જોન પૉલ બીજાએ કબૂલ્યું કે, મેથોડિઅસે પોતાના જીવનમાં “કપરી મુસાફરી, અછત, યાતનાઓ, લડાઈઓ અને સતાવણીઓ . . . અરે ક્રૂર રીતે જેલ પણ ભોગવી હતી.” જોવાની વાત એ છે કે, એ બધું તેમણે રોમની ખુશામત કરનારા બિશપો અને રાજકુંવરોના હાથે જ સહન કર્યું હતું.
આખું બાઇબલ ભાષાંતર થયું
આ બધી અગવડો છતાં, મેથોડિઅસે અમુક સોર્ટહૅન્ડ જાણતા લેખકોની મદદથી, બાકીનું બાઇબલ સ્લાવોનિક ભાષામાં ભાષાંતર કરવાનું પૂરું કર્યું. કહેવા પ્રમાણે, તેણે આ મોટું કામ ફક્ત આઠ જ મહિનામાં પૂરું કર્યું. તોપણ, તેણે મક્કાબીઓના એપોક્રિફા પુસ્તકોનું ભાષાંતર કર્યું ન હતું.
આજે, સિરિલ અને મેથોડિઅસે કરેલ ભાષાંતરની ગુણવત્તા વિષે કંઈ ચોક્કસ કહેવું સહેલું નથી. ફક્ત થોડી જ હસ્તપ્રતો હમણાં અસ્તિત્વ ધરાવે છે કે જે તેઓએ ભાષાંતર કામ શરૂ કર્યું એ સમયની છે. એ બાકી રહેલા નમૂનાઓને તપાસવાથી, ભાષાના વિદ્વાનો નોંધે છે કે ભાષાંતર ખરું અને સ્વાભાવિક હતું. અવર સ્લેવિક બાઇબલ જણાવે છે કે “બે ભાઈઓએ ઘણા નવા શબ્દો અને વક્તવ્યો બનાવવા પડ્યા હતા . . . અને તેઓએ એ કરી બતાવ્યું, એ આશ્ચર્યજનક રીતે ભૂલ વિનાનું અને સ્લેવિક ભાષાના એના શબ્દો અજોડ હતા.”
ચાલુ રહેલો વારસો
વર્ષ ૮૮૫ સી.ઈ.માં મેથોડિઅસનું મરણ થયા પછી, તેના શિષ્યોને તેઓના ફ્રેન્કિશ દુશ્મનોએ મોરાવિયામાંથી કાઢી મૂક્યા. તેઓ બોહેમિયા, દક્ષિણ પોલૅન્ડ અને બલ્ગેરિયામાં શરણાર્થી બન્યા. આ રીતે સિરિલ અને મેથોડિઅસનું કામ ચાલુ રહ્યું અને ખરેખર ફેલાયું. બે ભાઈઓએ સ્લાવોનિક ભાષાને જે લેખિત રૂપ આપ્યું અને મૂળાક્ષરો બનાવ્યા એ વિકસ્યા, એમાં પ્રગતિ થઈ અને પાછળથી એણે વિવિધ રૂપો લીધા. આજે સ્લાવિક ભાષાઓમાં કુલ ૧૩ જુદી જુદી ભાષાઓ અને ઘણી બોલીઓનો સમાવેશ થાય છે.
વધુમાં, સિરિલ અને મેથોડિઅસે બાઇબલ ભાષાંતર કરવા જે હિંમતભર્યા પ્રયત્ન કર્યા એને કારણે, આજે સ્લાવિક ભાષામાં શાસ્ત્રવચનોના જુદા જુદા ભાષાંતરો પ્રાપ્ય છે. એને કારણે, કરોડો લોકો પોતાની ભાષામાં બાઇબલ વાંચીને એનો આનંદ ઉઠાવી રહ્યા છે. ક્રૂર સતાવણીઓ હોવા છતાં, આ શબ્દો કેટલા સાચા ઠરે છે: “આપણા દેવનું વચન સર્વકાળ સુધી કાયમ રહેશે.”—યશાયાહ ૪૦:૮.
[ફુટનોટ્સ]
^ સ્લેવિક ભાષાઓ પૂર્વીય તથા મધ્ય યુરોપમાં બોલાય છે અને એમાં રશિયન, યુક્રેનીઅન, સર્બિયન, પૉલિશ, ચૅક, બલગેરિઅન અને એના જેવી ભાષાઓનો સમાવેશ થાય છે.
^ આ લેખમાં ઉપયોગ કરેલ શબ્દ “સ્લાવોનિક” સ્લેવિક બોલીને દર્શાવે છે, એનો ઉપયોગ સિરિલ અને મેથોડિઅસે પોતાનું કાર્ય પૂરું કરવા અને મૂળાક્ષરો બનાવવા કર્યો હતો. કેટલાક લોકો આજે એને “જૂની સ્લાવોનિક” અથવા “જૂની ચર્ચ સ્લાવોનિક” તરીકે ઉપયોગ કરે છે. ભાષાના વિદ્વાનો સહમત થાય છે કે નવમી સદી સી.ઈ.માં સ્લેવ્સ લોકો કોઈ એક ભાષા બોલતા ન હતા.
[પાન ૨૯ પર બોક્સ]
સીરિલિક કે ગ્લેગોલીટીક?
સિરિલે જે મૂળાક્ષરો બનાવ્યા એને કારણે ઘણી તકરાર ઊભી થઈ હતી, કેમ કે ભાષાના વિદ્વાનો એ મૂળાક્ષરોને ઓળખી શકતા ન હતા. સિરિલીક કહેવાતા મૂળાક્ષરો મોટે ભાગે ગ્રીક મૂળાક્ષરો જેવા હતા, પરંતુ સ્લાવોનિક ભાષાના ઉચ્ચાર પ્રમાણે બાર કે તેથી વધુ મૂળાક્ષરો નવા બનાવવામાં આવ્યા હતા કે જે ગ્રીકમાં ન હતા. તેમ છતાં, ગ્લેગોલીટીક તરીકે ઓળખાતી કેટલીક શરૂઆતની સ્લાવોનિક હસ્તપ્રતોમાં એકદમ અલગ લિપિનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને વિદ્વાનોનું માનવું છે કે એ સિરિલે બનાવેલી છે. થોડા ગ્લેગોલીટીક અક્ષરો ગ્રીક કે હેબ્રી ભાષાના જોડાયેલા અક્ષરો પરથી આવ્યા છે. કેટલાક મધ્યયુગની ભાષાને લગતાં ચિહ્નો પરથી આવ્યા છે, પરંતુ મોટા ભાગના અક્ષરો મૂળ અક્ષરો જ છે અને ગૂંચવણભર્યા છે. ગ્લેગોલીટીક અક્ષરો એકદમ ભિન્ન અને એની મૂળ રચના કરવામાં આવી હતી એવા જ દેખાય છે. જોકે, આજની રશિયન, યુક્રેનીઅન, સર્બિયન, બલગેરિઅન અને મેસેડોનીયનના અક્ષરો, તથા વધારાની ૨૨ ભાષાઓ કે જે ખરેખર સ્લાવોનિક ભાષા નથી એ બધાનું મૂળ સીરિલિક મૂળાક્ષરો છે.
Бб Гг Дд Єє Жж
[પાન ૩૧ પર નકશા]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
બૉલ્ટિક સમુદ્ર
(પોલૅન્ડ)
બોહેમીઆ (ચેચિયા)
મોરાવિયા (ઈ. ચેચિયા, ડબલ્યુ. સ્લોવાકીયા, ડબલ્યુ. હંગેરી)
નિટ્રા
પૂર્વીય ફ્રાન્કિસ રાજ્ય (જર્મની અને ઑસ્ટ્રિયા)
ઇટાલી
વેનિશ
રોમ
ભૂમધ્ય સમુદ્ર
બલ્ગેરિયા
ગ્રીસ
થેસાલૉનિકી
(ક્રિમીયા)
કાળો સમુદ્ર
બિથીનીઆ
કોસ્ટંટિનોપલ (ઇસ્તંબૂલ)
[પાન ૩૧ પર ચિત્ર]
૧૫૮૧થી સીરિલિક લખાણમાં સ્લાવોનિક બાઇબલ
[ક્રેડીટ લાઈન]
Bible: Narodna in univerzitetna knjiz̆nica-Slovenija-Ljubljana