‘યહોવાહની વાત પ્રસરતી ગઈ’
‘યહોવાહની વાત પ્રસરતી ગઈ’
“તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે; તેનું વચન બહુ વેગથી દોડે છે.”—ગીતશાસ્ત્ર ૧૪૭:૧૫.
૧, ૨. ઈસુએ પોતાના શિષ્યોને કયું કામ સોંપ્યું અને એમાં શાનો સમાવેશ થતો હતો?
એક નવાઈ પમાડતી ભવિષ્યવાણી પ્રેરિતોનાં કૃત્યો ૧:૮માં મળી આવે છે. ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ચઢી ગયા એ પહેલાં, તેમણે વિશ્વાસુ સેવકોને જણાવ્યું: “પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને . . . પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.” ખરેખર, એ કેવું મોટું કામ સાબિત થવાનું હતું!
૨ આખી પૃથ્વીમાં યહોવાહ પરમેશ્વરનાં વચનો પ્રચાર કરવાનું એ કામ, ઈસુના થોડાક જ શિષ્યોને કેવું મુશ્કેલ લાગ્યું હશે! એમાં શું સમાયેલું હતું, એનો જરા વિચાર કરો. તેઓએ બીજા લોકોને પરમેશ્વરના રાજ્યનો સંદેશ સમજવામાં મદદ કરવાની હતી. (માત્થી ૨૪:૧૪) ઈસુની સાક્ષી આપવાનો અર્થ એમ થતો હતો કે તેમના શિક્ષણ વિષે લોકોને જણાવવું અને યહોવાહના હેતુઓમાં ઈસુની કઈ ભૂમિકા છે, એ સમજાવવું. તેમ જ, એમાં લોકોને શિષ્યો બનાવીને તેઓને બાપ્તિસ્મા આપવાનો પણ સમાવેશ થતો હતો. એ પણ એક જ જગ્યાએ નહિ, આખી દુનિયામાં કરવાનું હતું!—માત્થી ૨૮:૧૯, ૨૦.
૩. ઈસુએ શિષ્યોને શાની ખાતરી આપી અને તેઓએ પોતાને સોંપાયેલું કામ કઈ રીતે પાર પાડ્યું?
૩ જોકે, ઈસુએ પોતાના શિષ્યોને ખાતરી આપી કે એ કાર્ય કરવા માટે યહોવાહનો પવિત્ર આત્મા તેઓની સાથે હશે. એ કાર્ય ઘણું મોટું હતું. એને અટકાવી દેવા વિરોધીઓ સખત પ્રયત્નો કરતા હતા. છતાં, ઈસુના શરૂઆતના શિષ્યોએ સફળતાથી એ કાર્ય કર્યું. એ એવો ઇતિહાસ છે, જેનો કોઈ નકાર કરી શકે નહિ.
૪. પ્રચાર અને શિક્ષણના કાર્યથી યહોવાહનો પ્રેમ કઈ રીતે દેખાઈ આવ્યો?
૪ યહોવાહને જાણતા ન હોય એવા ઘણા લોકો એ સમયે હતા. તેથી, પ્રચાર અને શિક્ષણ કાર્યથી એવા લોકો માટેનો યહોવાહનો પ્રેમ દેખાઈ આવ્યો. એનાથી તેઓને યહોવાહના ભક્તો બનવાની અને પાપોની માફી મેળવવાની તક મળી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૧૮) જેઓ પ્રચાર અને શિક્ષણ કાર્ય કરી રહ્યા હતા, તેઓ માટે પણ યહોવાહનો પ્રેમ દેખાઈ આવતો હતો, કેમ કે એ કાર્ય કરીને તેઓ યહોવાહ માટેની શ્રદ્ધા અને બીજા લોકો માટેનો પ્રેમ બતાવી શકતા હતા. (માત્થી ૨૨:૩૭-૩૯) પ્રેષિત પાઊલને તો એ ખ્રિસ્તી સેવા એટલી વહાલી હતી કે તેમણે એને “ખજાનો” કહ્યો.—૨ કોરીંથી ૪:૭.
૫. (ક) શરૂઆતના ખ્રિસ્તીઓનો સૌથી ભરોસાપાત્ર ઇતિહાસ આપણને ક્યાંથી મળી શકે અને એ કઈ વૃદ્ધિ વિષે જણાવે છે? (ખ) આજે યહોવાહના સેવકો માટે પ્રેરિતોનાં કૃત્યોનું પુસ્તક શા માટે મહત્ત્વનું છે?
૫ શરૂઆતના ખ્રિસ્તીઓના પ્રચાર કાર્યનો સૌથી ભરોસાપાત્ર ઇતિહાસ આપણને પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાંથી મળી આવે છે, જે શિષ્ય લુકે લખ્યું હતું. એ અહેવાલ નવાઈ પમાડે એવા ઝડપી વધારા વિષે છે. યહોવાહનાં વચનોનું જ્ઞાન જે ઝડપે ફેલાયું, એ આપણને ગીતશાસ્ત્ર ૧૪૭:૧૫ની યાદ અપાવે છે, જે કહે છે: “તે [યહોવાહ] પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે; તેનું વચન બહુ વેગથી દોડે છે.” યહોવાહના પવિત્ર આત્માથી શક્તિમાન થયેલા શરૂઆતના ખ્રિસ્તીઓનો એ અહેવાલ, ખરેખર રોમાંચક છે અને આપણા માટે ઊંડો અર્થ ધરાવે છે. આજે યહોવાહના સાક્ષીઓ પણ પ્રચાર અને શિક્ષણનું એવું જ કાર્ય કરે છે, ફક્ત એટલું જ કે એ ઘણા મોટા પાયા પર થઈ રહ્યું છે. પ્રથમ સદીના ખ્રિસ્તીઓને જે મુશ્કેલીઓ નડી, એવી જ આપણને પણ સહન કરવી પડે છે. તેથી, યહોવાહે શરૂઆતના ખ્રિસ્તીઓને જે રીતે આશીર્વાદ અને હિંમત આપ્યા, એના પર ચાલો આપણે મનન કરીએ. એમ કરવાથી યહોવાહની મદદમાં આપણો ભરોસો હજુ પણ વધશે.
શિષ્યોની સંખ્યામાં વધારો
૬. પ્રેરિતોનાં કૃત્યોમાં વૃદ્ધિને લગતું કયું વાક્ય ત્રણ વાર જોવા મળે છે અને એ શાને દર્શાવે છે?
૬ પ્રેરિતોનાં કૃત્યો ૧:૮ના શબ્દો કઈ રીતે પૂરા થાય છે, એ જોવા આ વાક્યનો વિચાર કરો: ‘દેવની વાત પ્રસરતી ગઈ.’ એ વાક્ય થોડા ઘણા ફેરફાર સાથે આખા બાઇબલમાં ફક્ત ત્રણ જ વાર પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાં જોવા મળે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૦; ૧૨:૨૪; ૬:૭) આ વાક્યોમાં “પ્રભુની વાત” અથવા “દેવની વાત” રાજ્યના સંદેશને દર્શાવે છે. એ સંદેશ પરમેશ્વરનું સત્ય છે, જે જીવંત અને ઊંડી અસર કરનાર છે. એ એને સ્વીકાર કરનારનું જીવન બદલી નાખે છે.—હેબ્રી ૪:૧૨.
૭. પ્રેરિતોનાં કૃત્યો ૬:૭માં પરમેશ્વરનાં વચનોનો વધારો કઈ રીતે જોવા મળે છે, અને પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના રોજ શું થયું?
૭ પરમેશ્વરનાં વચનોની વૃદ્ધિ વિષે પ્રથમ ઉલ્લેખ પ્રેરિતોનાં કૃત્યો ૬:૭માં જોવા મળે છે, જે કહે છે: “દેવની વાતનો પ્રચાર થતો ગયો, અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ; ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા.” અહીં શિષ્યોની સંખ્યામાં થયેલા વધારા વિષે જણાવવામાં આવે છે. અગાઉ પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના રોજ યહોવાહનો પવિત્ર આત્મા ભેગા થયેલા ૧૨૦ શિષ્યો પર રેડવામાં આવ્યો હતો. પછી, પ્રેષિત પીતરે જોરદાર પ્રવચન આપ્યું, જે સાંભળીને એ જ દિવસે લગભગ ૩,૦૦૦ લોકોએ બાપ્તિસ્મા લીધું. એ સમયની કલ્પના કરો. ટોળેબંધ લોકો યરૂશાલેમમાં કે આસપાસ એક કે વધારે તળાવમાં બાપ્તિસ્મા લેવા જતા હશે, ત્યારે કેવો શોર-બકોર મચી ગયો હશે. એ પણ તેઓ ઈસુના નામમાં બાપ્તિસ્મા લેતા હતા, જેમને ફક્ત ૫૦ દિવસ પહેલાં જ ગુનેગાર તરીકે વધઃસ્તંભે જડવામાં આવ્યા હતા!—પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧.
૮. પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ. પછીના વર્ષોમાં શિષ્યોની સંખ્યા કઈ રીતે વધતી રહી?
૮ જોકે, એ તો ફક્ત શરૂઆત હતી. પ્રચાર કાર્ય બંધ કરાવી દેવા યહુદી ધર્મગુરુઓ ખૂબ જ પ્રયત્નો કરતા હતા, જે સાવ નિષ્ફળ ગયા. એટલું જ નહિ, જેમ “પ્રભુ રોજરોજ તારણ પામનારાઓને તેઓમાં [શિષ્યોમાં] ઉમેરતો હતો,” એમ તેઓ વધારે ચિડાતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૭) જલદી જ, તેઓની “સંખ્યા આશરે પાંચ હજારની થઈ.” એ પછી “પ્રભુ પર વિશ્વાસ કરનારાં, સંખ્યાબંધ પુરુષો તથા સ્ત્રીઓ, વધારે ને વધારે ઉમેરાતાં ગયાં.” (પ્રેરિતોનાં કૃત્યો ૪:૪; ૫:૧૪) એ પછીના સમય વિષે આપણે વાંચીએ છીએ: “આખા યહુદાહ, ગાલીલ તથા સમરૂનમાંની મંડળી દૃઢ થઈને શાંતિ પામી; અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માના દિલાસામાં ચાલીને વધતી ગઈ.” (પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૧) અમુક વર્ષો પછી, લગભગ ૫૮ સી.ઈ.માં નોંધ લેવામાં આવી કે, “હજારો વિશ્વાસીઓ થયા છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૨૦) ત્યાં સુધીમાં તો ઘણા બિનયહુદી લોકો પણ યહોવાહના સેવકો બન્યા હતા.
૯. શરૂઆતના ખ્રિસ્તીઓનું તમે કેવું વર્ણન કરશો?
૯ આ વધતી જતી સંખ્યામાં મોટા ભાગના લોકો યહોવાહના નવા સેવકો બન્યા હતા. ભલે ધર્મ નવો નવો હતો, પણ બહુ જ અસરકારક હતો. ચર્ચના લોકોની જેમ તેઓ ફક્ત નામ પૂરતા સભ્યો બની ગયા ન હતા. પરંતુ, આ શિષ્યો યહોવાહ અને તેમના વચનો માટે કંઈ પણ કરવા તૈયાર હતા. કેટલાકે તો પોતે જેઓની ક્રૂર સતાવણી કરી, તેઓ પાસેથી જ સત્ય શીખ્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૨૩, ૨૬-૩૩) ખ્રિસ્તી ધર્મ અપનાવનાર દરેકે પોતે સમજી-વિચારીને દિલથી નિર્ણય કર્યો હતો. (રૂમી ૧૨:૧) તેઓ યહોવાહના માર્ગનું શિક્ષણ પામ્યા હતા; તેઓના મન અને હૃદયમાં સત્ય હતું. (હેબ્રી ૮:૧૦, ૧૧) તેઓ જે માનતા હતા એને માટે મરવા પણ તૈયાર હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૧-૬૦.
૧૦. શરૂઆતના ખ્રિસ્તીઓએ કઈ જવાબદારી સ્વીકારી અને આજે પણ કઈ રીતે એમ જ જોવા મળે છે?
૧૦ જેઓ ખ્રિસ્તી બન્યા, તેઓએ પારખ્યું કે એ સત્ય બીજાઓને જણાવવાની જવાબદારી તેઓની હતી. એનાથી સંખ્યામાં હજુ વધારો થયો. બાઇબલના એક પંડિતે કહ્યું: “પોતાની માન્યતા વિષે પ્રચાર કરવાનું કાર્ય ફક્ત બહુ ઉત્સાહી અથવા નીમવામાં આવેલા પ્રચારક પર જ છોડી દેવામાં આવ્યું ન હતું. પ્રચાર કાર્ય ખાસ લહાવો ગણવામાં આવતું હતું અને ચર્ચના દરેક સભ્યની એ ફરજ હતી. . . . સમગ્ર ખ્રિસ્તી સમાજને આવી પ્રેરણા મળવાથી, શરૂઆતથી જ તેઓમાં અજોડ ઉત્સાહ હતો.” વધુમાં તેમણે જણાવ્યું: “પ્રચાર કરવો એ શરૂઆતના ખ્રિસ્તીઓના લોહીમાં જ હતું.” આજે, સાચા ખ્રિસ્તીઓ વિષે પણ આ ખરું છે.
અલગ અલગ દેશોમાં વધારો
૧૧. પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૨૪માં કયા પ્રકારની વૃદ્ધિ વિષે જણાવાયું છે અને એ કઈ રીતે બન્યું?
૧૧ પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૨૪માં વૃદ્ધિ વિષે બીજો ઉલ્લેખ જોવા મળે છે: “દેવની વાત પ્રસરતી અને વૃદ્ધિ પામતી ગઈ.” અહીં અલગ અલગ વિસ્તારમાં થયેલા વધારા વિષે વાત થાય છે. એ સમયની સરકારોએ ભલે વિરોધ કર્યો, છતાં વધારો થતો ગયો. સૌ પ્રથમ, યરૂશાલેમમાં પવિત્ર આત્મા રેડવામાં આવ્યો, જ્યાંથી પરમેશ્વરનો સંદેશ ઝડપથી ફેલાયો. યરૂશાલેમમાં સતાવણીના કારણે શિષ્યોએ યહુદિયા અને સમરૂનમાં વિખેરાઈ જવું પડ્યું. એનું પરિણામ શું આવ્યું? “જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ સુવાર્તા પ્રગટ કરતા ચારેગમ ફર્યા.” (પ્રેરિતોનાં કૃત્યો ૮:૧, ૪) ફિલિપને એક એવા માણસને મળવાની પ્રેરણા થઈ, જે બાપ્તિસ્મા પામ્યા પછી કૂશ અથવા ઇથિયોપિયા દેશમાં સંદેશ લઈ ગયો. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬-૨૮, ૩૮, ૩૯) ઝડપથી સત્ય લુદા, શારોન દેશ અને જોપ્પામાં ફેલાઈ ગયું. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૫, ૪૨) પછીથી, પ્રેષિત પાઊલે બધી બાજુ હજારો કિલોમીટર મુસાફરી કરીને, ભૂમધ્ય પ્રદેશના ઘણા દેશોમાં મંડળો સ્થાપ્યાં. પ્રેષિત પીતર બાબેલોન ગયા. (૧ પીતર ૫:૧૩) પેન્તેકોસ્તના દિવસે પવિત્ર આત્મા રેડાયો હતો, એના ૩૦ વર્ષમાં જ પાઊલે એ સમયે જાણીતા વિસ્તારોને ધ્યાનમાં રાખતા લખ્યું કે, પરમેશ્વરનાં વચનો ‘આકાશ તળેનાં સર્વને પ્રગટ થયા છે.’—કોલોસી ૧:૨૩.
૧૨. યહોવાહના સંદેશના થતા ફેલાવા વિષે દુશ્મનોએ પણ શું સ્વીકાર્યું?
૧૨ અરે, ખ્રિસ્તી ધર્મના દુશ્મનોએ પણ સ્વીકાર્યું કે યહોવાહનો સંદેશ આખા રૂમી સામ્રાજ્યમાં ફેલાઈ ગયો હતો. દાખલા તરીકે, પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૬માં જણાવ્યા પ્રમાણે, થેસ્સાલોનીકા અને ઉત્તર ગ્રીસના વિરોધીઓ પોકારી ઊઠ્યા કે “જેઓએ જગતને ઊથલપાથલ કર્યું છે, તેઓ અહીં પણ આવ્યા છે.” તેમ જ, બીજી સદીની શરૂઆતમાં બિથુનીઆથી પ્લીની ધ યન્ગરે ખ્રિસ્તી ધર્મ વિષે રૂમી સમ્રાટ ટ્રેજનને ફરિયાદ કરતા લખ્યું: “[એ] ફક્ત શહેરોમાં જ નહિ, એનો ચેપ આજુબાજુનાં ગામો અને દેશોમાં પણ ફેલાયો છે.”
૧૩. કઈ રીતે મનુષ્યો માટે યહોવાહનો પ્રેમ દેખાઈ આવ્યો?
૧૩ અલગ અલગ દેશોમાં થયેલા આવા વધારાથી મનુષ્યો માટેનો યહોવાહનો પ્રેમ દેખાઈ આવતો હતો. બિનયહુદી કરનેલ્યસ પર યહોવાહનો પવિત્ર આત્મા રેડાયો, એ જોઈને પીતરે કહ્યું: “હવે હું ખચીત સમજું છું કે દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) ખરેખર, યહોવાહનો સંદેશ સર્વ લોકો માટે છે. અલગ અલગ વિસ્તારોમાં થયેલા એ ફેલાવાથી બધી બાજુએ લોકોને તક મળી કે તેઓ યહોવાહે બતાવેલા પ્રેમની કદર કરે. આ ૨૧મી સદીમાં તો યહોવાહનો સંદેશ આખી પૃથ્વી પર ફેલાઈ રહ્યો છે.
વૃદ્ધિની જીત થતી ગઈ
૧૪. પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૦માં કયા પ્રકારના વધારા વિષે વાત થાય છે અને યહોવાહના સંદેશાની શાના ઉપર જીત થઈ?
૧૪ યહોવાહનાં વચનો વધારે ફેલાતા ગયા, એનો ત્રીજો ઉલ્લેખ પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૨૦માં જોવા મળે છે: “એ રીતે પ્રભુની વાત પરાક્રમથી પ્રસરતી ગઈ ને પ્રબળ થઈ.” “પ્રબળ થઈ” ભાષાંતર થયેલો મૂળ ગ્રીક શબ્દ, “જીત મેળવવાનો” વિચાર દર્શાવે છે. પ્રેરિતોનાં કૃત્યોમાં એ પહેલાંની કલમો બતાવે છે કે, એફેસસમાં ઘણા લોકોએ વિશ્વાસ કર્યો. તેઓમાંના ઘણા અગાઉ જાદુવિદ્યામાં માનતા હતા, પણ હવે તેઓએ સર્વના દેખતા એને લગતા પુસ્તકો બાળી નાખ્યાં. આમ, જૂઠી ધાર્મિક માન્યતાઓ પર યહોવાહના સંદેશની જીત થઈ. સતાવણી જેવી બીજી મુશ્કેલીઓ પર પણ એ સંદેશની જીત થઈ. એને કશું જ રોકી શકે એમ ન હતું. આજે આપણે સાચા ખ્રિસ્તી ધર્મ વિષે પણ એમ જ જોઈએ છીએ.
૧૫. (ક) શરૂઆતના ખ્રિસ્તીઓ વિષે એક ઇતિહાસકારે શું લખ્યું? (ખ) શિષ્યોએ સફળતા માટે કોને મહિમા આપ્યો?
૧૫ પ્રેષિતો અને શરૂઆતના બીજા ખ્રિસ્તીઓએ યહોવાહ પરમેશ્વરનો સંદેશો ઉત્સાહથી જણાવ્યો. તેઓ વિષે એક બાઇબલ ઇતિહાસકારે કહ્યું: “પરમેશ્વર વિષે જણાવવાનો ઉત્સાહ તેમના સેવકોને હોય ત્યારે, એમ કરવાની રીતની કોઈ કમી હોતી નથી. ખરેખર, સંદેશો ફેલાવવાની આ સ્ત્રી-પુરુષોની રીત કરતાં, તેઓના ઉત્સાહની અમારા પર વધારે અસર પડી છે.” તેમ છતાં, એ ખ્રિસ્તીઓ જાણતા હતા કે ફક્ત તેઓના પ્રયત્નોથી જ સેવાકાર્ય સફળ થવાનું ન હતું. આ કાર્ય યહોવાહ તરફથી મળેલું હતું અને એ પૂરું કરવા તેઓને તેમનો પૂરેપૂરો ટેકો હતો. આત્મિક વૃદ્ધિ યહોવાહ પાસેથી જ આવે છે. પ્રેષિત પાઊલે કોરીંથના મંડળને એ વિષે લખ્યું: “મેં રોપ્યું, આપોલસે પાણી પાયું; પણ દેવે વૃદ્ધિ આપી. કેમકે અમે દેવના સેવક હોઈને સાથે કામ કરનારા છીએ.”—૧ કોરીંથી ૩:૬, ૯.
પવિત્ર આત્માનું કામ
૧૬. શું બતાવે છે કે પવિત્ર આત્માએ શિષ્યોને હિંમતથી બોલવા મદદ કરી?
૧૬ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને જે ખાતરી આપી હતી, એ શું તમને યાદ છે? તેમણે કહ્યું હતું કે યહોવાહનો સંદેશો ફેલાવવા અને શિષ્યોને હિંમત આપવા પવિત્ર આત્મા મદદ કરશે. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) એ કઈ રીતે બન્યું? પેન્તેકોસ્તના રોજ શિષ્યો પર પવિત્ર આત્મા રેડાયો, એના થોડા સમય બાદ પીતર અને યોહાનને યહુદી ન્યાયસભામાં લઈ જવામાં આવ્યા. એ સુપ્રિમ કોર્ટ હતી, જેના ન્યાયાધીશો ઈસુ ખ્રિસ્તના વધ માટે જવાબદાર હતા. શું પ્રેષિતો એવા વિરોધી, કટ્ટર દુશ્મનો સામે બીકથી કાંપવા લાગ્યા? ના, જરાય નહિ! પવિત્ર આત્માએ પીતર અને યોહાનને બોલવાની એવી હિંમત આપી કે, વિરોધીઓ પણ મોંમાં આંગળા નાખી ગયા અને “તેઓને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા.” (પ્રેરિતોનાં કૃત્યો ૪:૮, ૧૩) પવિત્ર આત્માએ સ્તેફનને પણ ન્યાયસભામાં હિંમતથી બોલવા મદદ કરી. (પ્રેરિતોનાં કૃત્યો ૬:૧૨; ૭:૫૫, ૫૬) તેમ જ, પવિત્ર આત્માએ શિષ્યોને પણ હિંમતથી પ્રચાર કરવા પ્રેર્યા હતા. લુક અહેવાલ આપે છે: “તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું; તેઓ સર્વે પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને દેવની વાત હિંમતથી બોલવા લાગ્યા.”—પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૧.
૧૭. બીજી કઈ રીતોએ પવિત્ર આત્માએ શિષ્યોને તેઓના સેવાકાર્યમાં મદદ કરી?
૧૭ યહોવાહ પોતાના શક્તિશાળી પવિત્ર આત્માથી પ્રચાર કાર્યને માર્ગદર્શન આપે છે. સજીવન થયેલા ઈસુ પણ તેમની સાથે કાર્ય કરી રહ્યા છે. (યોહાન ૧૪:૨૮; ૧૫:૨૬) કરનેલ્યસ, તેનાં સગાં અને તેના પ્રિય મિત્રો પર પવિત્ર આત્મા રેડાયો ત્યારે, પ્રેષિત પીતરને ખબર પડી કે બેસુનતી બિનયહુદી લોકો પણ ઈસુ ખ્રિસ્તને નામે બાપ્તિસ્મા પામી શકતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૨૪, ૪૪-૪૮) પછીથી, પવિત્ર આત્માએ મિશનરિ કાર્ય માટે બાર્નાબાસ અને શાઊલની (પ્રેષિત પાઊલની) પસંદગી કરવામાં મહત્ત્વનું કામ કર્યું. તેમ જ, પવિત્ર આત્માએ એ પણ જણાવ્યું કે તેઓએ ક્યાં જવું અને ક્યાં ન જવું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૨, ૪; ૧૬:૬, ૭) પવિત્ર આત્માએ યરૂશાલેમના પ્રેષિતો અને વડીલોને નિર્ણયો લેવામાં પણ મદદ કરી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૩, ૨૮, ૨૯) ખ્રિસ્તી મંડળમાં નિરીક્ષકોની નિમણૂક કરવા પણ પવિત્ર આત્માએ માર્ગદર્શન આપ્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮.
૧૮. શરૂઆતના ખ્રિસ્તીઓએ કઈ રીતે પ્રેમ બતાવ્યો?
૧૮ વધુમાં, પવિત્ર આત્માએ ખ્રિસ્તીઓને પણ મદદ કરી, જેનાથી તેઓ પ્રેમ જેવા યહોવાહના ગુણો કેળવી શકે. (ગલાતી ૫:૨૨, ૨૩) પ્રેમને કારણે શિષ્યો એકબીજા સાથે બધી વસ્તુઓ વહેંચી લેતા. ઉદાહરણ તરીકે, પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ. પછી યરૂશાલેમના શિષ્યોની જરૂરિયાતોને પહોંચી વળવા ફાળો ભેગો કરવામાં આવતો. બાઇબલ અહેવાલ કહે છે: “તેઓમાંના કોઈને કશાની અછત નહોતી; કારણ કે જેટલાની પાસે ભોંય કે ઘર હતાં તેટલાએ તે વેચી નાખ્યાં. તેઓ વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકતા; અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેને વહેંચી આપવામાં આવતું હતું.” (પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૪, ૩૫) આ પ્રેમ ફક્ત ખ્રિસ્તીઓને જ બતાવવામાં આવ્યો ન હતો. બીજાઓને પણ આ સંદેશ આપીને અને તેઓની જરૂરિયાતો પૂરી પાડીને એ બતાવાયો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૮, ૯) ઈસુએ કહ્યું કે નિઃસ્વાર્થ પ્રેમ પોતાના શિષ્યોનું ઓળખ ચિહ્ન હશે. (યોહાન ૧૩:૩૪, ૩૫) ખરેખર, પ્રેમને કારણે પ્રથમ સદીમાં લોકોએ યહોવાહની ભક્તિ કરી અને એનાથી વૃદ્ધિ થઈ. આજે પણ યહોવાહના સેવકોમાં એમ જ થઈ રહ્યું છે.—માત્થી ૫:૧૪, ૧૬.
૧૯. (ક) પ્રથમ સદીમાં કઈ ત્રણ રીતોએ યહોવાહનો સંદેશ ફેલાતો ગયો? (ખ) હવે પછીના લેખમાં આપણે શું શીખીશું?
૧૯ પ્રેરિતોનાં કૃત્યોમાં ‘પવિત્ર આત્મા’ માટેનો મૂળ ગ્રીક શબ્દ ૪૧ વખત જોવા મળે છે. દેખીતી રીતે જ, પ્રથમ સદીમાં થયેલો વધારો પવિત્ર આત્માની શક્તિ અને માર્ગદર્શનને આભારી છે. શિષ્યોની સંખ્યામાં વધારો થયો, યહોવાહ પરમેશ્વરનો સંદેશો અલગ અલગ દેશોમાં ફેલાયો અને એ જમાનાના જૂઠા ધર્મો અને ફિલસૂફીઓ પર એ સંદેશાની જીત થઈ. પ્રથમ સદીની જેમ જ આજે યહોવાહના સાક્ષીઓના કાર્યમાં પણ વૃદ્ધિ જોવા મળે છે. હવે પછીના લેખમાં આપણે શીખીશું કે કઈ રીતે આજે યહોવાહનો સંદેશ માની ન શકાય એ રીતે ફેલાઈ રહ્યો છે.
શું તમને યાદ છે?
• શરૂઆતના શિષ્યોની સંખ્યામાં કઈ રીતે વધારો થયો?
• યહોવાહનો સંદેશો અલગ અલગ દેશોમાં કઈ રીતે ફેલાયો?
• પ્રથમ સદીમાં પરમેશ્વરના સંદેશાની કઈ રીતે જીત થઈ?
• યહોવાહનો સંદેશો ફેલાવવામાં પવિત્ર આત્માએ કયો ભાગ ભજવ્યો?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૨ પર ચિત્ર]
ફિલિપે કૂશી માણસને પ્રચાર કર્યો અને સંદેશો બીજા દેશમાં ફેલાયો
[પાન ૧૩ પર ચિત્ર]
યરૂશાલેમના પ્રેષિતો અને વડીલોને પવિત્ર આત્માએ મદદ કરી
[પાન ૧૦ પર ચિત્ર]
ઉપર જમણે ખૂણે: Reproduction of the City of Jerusalem at the time of the Second Temple - located on the grounds of the Holyland Hotel, Jerusalem