“આપણા આરોગ્યનું છૂપું જોખમ”
“આપણા આરોગ્યનું છૂપું જોખમ”
તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણે બતાવ્યું કે યુનાઈટેડ સ્ટેટ્સમાં ઇંટરનેટનો ઉપયોગ કરનારી ઓછામાં ઓછી ૨,૦૦,૦૦૦ પુખ્ત વ્યક્તિઓએ સેક્સ વિષે જાણકારી આપતી વેબ સાઈટનો ઉપયોગ કર્યો છે. મોટી સંખ્યામાં લોકો પોતાની સેક્સની ભૂખ સંતોષવા માટે ઇંટરનેટનો ઉપયોગ કરે છે. સર્વેક્ષણ કરનાર મનોચિકિત્સક, ડૉ. અલ કૂપર કહે છે, “આ અમુક અંશે, આપણા આરોગ્ય માટે ફાટી નીકળેલું છૂપું જોખમ છે, કારણ કે બહુ થોડા લોકો એને જોખમકારક ગણે છે.”
ખાસ કરીને કોણ આ પ્રકારના સેક્સ સાયબરના જોખમમાં ફસાય છે? ડૉ. કૂપર કહે છે, “જે વ્યક્તિઓએ પોતાની જાતીય ઇચ્છાને દબાવી દીધી હોય અથવા એ વિષે મર્યાદિત જ્ઞાન હોય તેઓને જાતીયતા વિષે જાણવાની એક સાથે ઘણી બધી માહિતીની તક મળે” છે ત્યારે, તેઓ એમાં ફસાય છે.
તેમ છતાં, સેક્સ સાઈટનો નિયમિત ઉપયોગ કરનારાઓને આ એકદમ સામાન્ય લાગે છે. પરંતુ શું બાબતો એમ છે? ડ્રગ્સ લેતી વ્યક્તિ જેમ ધીમે ધીમે એની બંધાણી બની જાય છે એમ, ઘણા સાયબર સેક્સનો પોતાની જાતીય ઇચ્છાઓને સંતોષવા માટે ઉપયોગ કરનારા પણ ધીમે ધીમે ઇંટરનેટના સકંજામાં ફસાય છે. એ કારણે તેઓ પોતાની નોકરી ગુમાવી શકે અને પોતાના લગ્નસાથી સાથેનો સંબંધ જોખમમાં મૂકી શકે!
તેમ છતાં, પરમેશ્વરને ખુશ કરવાનું ઇચ્છનારાઓ માટે ઇંટરનેટ પર સેક્સ વેબ સાઈટના ઉપયોગથી દૂર રહેવાને સારું કારણ છે. બાઇબલ સલાહ આપે છે: “એ માટે પૃથ્વી પરના તમારા અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઇચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો. એ કામોને લીધે આજ્ઞાભંગ કરનારા પર દેવનો કોપ આવે છે.” (કોલોસી ૩:૫, ૬) અશુદ્ધ જાતીય ઇચ્છાઓ જેવી ‘ભૂંડી ઇચ્છા મારી નાખવા,’ વ્યક્તિએ યહોવાહ માટે ગાઢ પ્રેમ વિકસાવવાની જરૂર છે. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) વ્યક્તિને એવું લાગે કે તે આરોગ્યના છૂપા જોખમ સમાન સાઈબર સેક્સમાં ફસાઈ રહી છે તો, તેણે યહોવાહ માટેનો પ્રેમ વધારે ગાઢ કરવા માટે બાઇબલનો અભ્યાસ કરવાની જરૂર છે. યહોવાહના સાક્ષીઓના સ્થાનિક રાજ્યગૃહમાં તેઓની સંગત રાખીને તમે પરમેશ્વરને ખુશ કરવા ઉત્તેજન મેળવી શકો.