સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમે યહોવાહનું પારખું લીધું

અમે યહોવાહનું પારખું લીધું

મારો અનુભવ

અમે યહોવાહનું પારખું લીધું

પૉલ સ્ક્રબનરના જણાવ્યા પ્રમાણે

“ગુડ મોર્નિગ, શ્રીમતી સ્ટેકહાઉસ. આજે સવારે હું ઈસ્ટર માટેની કેકનો ખાસ ઑર્ડર લઈ રહ્યો છું. મને ખાતરી છે કે તમને પણ તમારા કુટુંબ માટે એક કેક લેવાનું જરૂર ગમશે.” એ ૧૯૩૮ના વસંતની શરૂઆત હતી, ન્યૂ જર્સી, અમેરિકાના એટકો ગામમાં હું જનરલ બેકીંગ કંપની તરફથી કેક વેચી રહ્યો હતો. હું મારા સૌથી સારા ગ્રાહકોમાંના એક સાથે વાત કરતો હતો. પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે શ્રીમતી સ્ટેકહાઉસે કેક લેવાની ના પાડી.

“મારે કેક નથી જોઈતી કેમ કે અમે ઈસ્ટર ઉજવતા નથી,” તેમણે કહ્યું.

આ સાંભળીને હું એકદમ ગૂંચવાઈ ગયો. શું ઈસ્ટર નથી ઉજવતા? જોકે, વેચાણનો પહેલો નિયમ એ છે કે ગ્રાહકો હંમેશા સાચા હોય છે. તેથી, હવે હું શું કરું? મેં હિંમત કરીને કહ્યું: “અમારી કેક ઘણી સ્વાદિષ્ટ છે અને મને ખબર છે કે તમને અમારી વસ્તુઓ ગમે છે. ભલે તમે ઈસ્ટર ઉજવતા નથી, પરંતુ શું તમને નથી લાગતું કે તમારું કુટુંબ આ કેકનો ખૂબ આનંદ માણશે?”

તેમણે જવાબ આપ્યો: “મને એમ લાગતું નથી. પરંતુ શ્રીમાન સ્ક્રબનર, હું તમારી સાથે એક વિષય પર થોડી વાત કરવા માગતી હતી. મને લાગે છે કે આ જ સૌથી સારો મોકો છે.” એ વાતચીતે મારું આખું જીવન બદલી નાખ્યું! શ્રીમતી સ્ટેકહાઉસ બરલીન, ન્યૂ જર્સીના યહોવાહના સાક્ષીઓના મંડળના એક સદસ્ય હતા. તેમણે મને ઈસ્ટરની શરૂઆત ક્યાંથી થઈ એ વિષે સમજાવ્યું અને ત્રણ (અંગ્રેજી) પુસ્તિકાઓ આપી. એના શિર્ષક હતા, સલામતી, ખુલ્લાં પાડ્યા અને રક્ષણ. હું એ પુસ્તિકાઓ લઈને ઘરે ગયો. એને વાંચવા હું ઘણો જિજ્ઞાસુ હતો પરંતુ થોડો અચકાતો પણ હતો. શ્રીમતી સ્ટેકહાઉસે જે કહ્યું એ વિષે મેં નાનપણમાં કંઈક સાંભળ્યું હોય એમ લાગતું હતું.

શરૂઆતમાં બાઇબલ વિદ્યાર્થીઓ સાથે સંપર્ક

મારો જન્મ જાન્યુઆરી ૩૧, ૧૯૦૭માં થયો હતો. હું આઠ વર્ષનો થયો ત્યારે, ૧૯૧૫માં મારા પિતા કેન્સરને લીધે મરણ પામ્યા. એ કારણે હું અને મારી મમ્મી મૅસચ્યૂસિટ્‌સ, માલડેનમાં મારા દાદા-દાદી સાથે એક મોટા ઘરમાં રહેવા ગયા. મારા મામા બેન્જામીન રેનસમ પોતાની પત્ની સાથે ત્યાં ત્રીજા માળે રહેતા હતા. બૅનમામાએ ૨૦મી સદીની શરૂઆતથી આંતરરાષ્ટ્રીય બાઇબલ વિદ્યાર્થીઓ સાથે સંગત રાખવાનું શરૂ કર્યું હતું કે જેઓ પછીથી યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાયા. મને બૅનમામા ખૂબ જ ગમતા હતા, પરંતુ મમ્મીના કુટુંબના બીજા મેથોડિસ્ટ સભ્યોને તે જરા ગાંડાઘેલા લાગતા હતા. વર્ષો પછી, તેમની પત્નીએ તેમને છૂટાછેડા આપ્યા એ પહેલાં, એક વાર તો બૅનમામાની ધાર્મિક માન્યતાઓના કારણે તેમને ગાંડાઓની હૉસ્પિટલમાં દાખલ કરી દીધા હતા. હૉસ્પિટલના ડૉક્ટરોને જલદી જ ખબર પડી કે બૅનમામામાં ગાંડપણનું કોઈ ચિહ્‍ન નથી. તેથી, તેઓએ દિલગીરી વ્યક્ત કરીને તેમને છોડી દીધા.

બૅનમામા મને બોસ્ટનમાં, ખાસ કરીને મંડળમાં કોઈ મુલાકાતી વક્તાનો વાર્તાલાપ હોય અથવા કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે આંતરરાષ્ટ્રીય બાઇબલ વિદ્યાર્થીઓની સભાઓમાં લઈ જતા હતા. એક વખતે તે મને ત્યાં લઈ ગયા ત્યારે, મુલાકાતી વક્તા તરીકે બીજું કોઈ નહિ પણ જાણીતા એવા ચાર્લ્સ ટેઝ રસેલ હતા. એ દિવસોમાં તે પ્રચાર કાર્યની દેખરેખ રાખતા હતા. બીજી વખતે હું ગયો ત્યારે “ફોટો-ડ્રામા ઑફ ક્રિએશન”નો એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જો કે આ ૧૯૧૫ની વાત છે, પરંતુ એ દિવસે જે બતાવવામાં આવ્યું હતું એ હજુ પણ મને યાદ છે કે ઈબ્રાહિમ પોતાના પુત્ર ઈસ્હાકનું બલિદાન ચઢાવવા તેને સાથે લઈને પહાડ પર જઈ રહ્યા હતા. (ઉત્પત્તિનો ૨૨મો અધ્યાય) આજે પણ હું જોઈ શકું છું કે કઈ રીતે ઈબ્રાહિમ યહોવાહ પર પૂરો ભરોસો મૂકીને ઈસ્હાક સાથે લાકડાનો ભાર ઊંચકીને પહાડ પર ચઢતા હતા. મારા પપ્પા ન હોવાથી એ મારા હૃદયને ખૂબ સ્પર્શી ગયું હતું.

પછી બૅનમામા અને તેમની પત્ની મૈનમાં રહેવા ગયા. મારી મમ્મીએ ફરીથી લગ્‍ન કર્યાં અને અમારું કુટુંબ ન્યૂ જર્સીમાં રહેવા ગયું. તેથી, હું લાંબા સમયથી બૅનમામાને મળ્યો ન હતો. ન્યૂ જર્સીમાં હું કિશોર વયનો હતો ત્યારે, મારીઑન નેફને મળ્યો. તે પ્રેસ્બેટેરિયન કુટુંબના આઠ બાળકોમાંની એક હતી અને મને એ કુટુંબની મુલાકાત લેવામાં આનંદ આવતો હતો. હું લગભગ દર રવિવાર સાંજ તેઓના ઘરે અને તેઓના ચર્ચના યુવાનો સાથે પસાર કરતો હતો. આખરે હું પોતે પણ પ્રેસ્બેટેરિયનનો સભ્ય બની ગયો. તોપણ, બાઇબલ વિદ્યાર્થીઓની સભાઓમાંથી જે શીખ્યો હતો એ હજુ પણ મને યાદ હતું. મેં અને મારીઑને ૧૯૨૮માં લગ્‍ન કર્યાં. પછી ૧૯૩૫માં અમારી પહેલી પુત્રી ડૉરીસ અને ૧૯૩૮માં લુઈસનો જન્મ થયો. હવે કુટુંબમાં બે નાનાં બાળકો હોવાથી અમને બંનેને તેઓને પરમેશ્વરના માર્ગમાં ઉછેરવા માર્ગદર્શનની જરૂર હતી.

એ પુસ્તિકાઓમાંથી સત્ય મેળવ્યું

મારીઑન અને હું ચર્ચના સભ્ય બનવાનું વિચારતા હતા અને આખરે અમે એક યોજના ઘડી. દર રવિવારે અમારા બેમાંથી એક વ્યક્તિ બાળકોને સંભાળવા ઘરે રહેતી અને બીજી વ્યક્તિ ચર્ચમાં જતી. એક રવિવારે મારીઑનનો ઘરે રહેવાનો વારો હતો, પરંતુ મેં તેને કહ્યું કે તું ચર્ચમાં જા અને હું બાળકોને સંભાળીશ, જેથી ઘરે રહીને હું શ્રીમતી સ્ટેકહાઉસે આપેલી ત્રણ પુસ્તિકાઓમાંની પહેલી પુસ્તિકા સલામતી વાંચી શકું. પુસ્તિકા એટલી રસપ્રદ હતી કે મેં એને એક જ વખતમાં વાંચી નાંખી! મને વધારેને વધારે ખાતરી થવા લાગી કે મેં એવું કંઈક મેળવ્યું છે જે ચર્ચે ક્યારેય જણાવ્યું નથી. બીજા અઠવાડિયે પણ એમ જ થયું, હું સ્વેચ્છાથી ઘરે રહ્યો અને બીજી પુસ્તિકા, ખુલ્લાં પાડ્યા વાંચી નાખી. હું જે વાંચી રહ્યો હતો એ મને કંઈક પરિચિત લાગતું હતું. શું બૅનમામા માનતા હતા એ આ જ હતું? અમારા કુટુંબને તેમનો ધર્મ વિચિત્ર લાગતો હતો. મારીઑન શું વિચારશે? મારે એની ચિંતા કરવાની જરૂર જ ન હતી. ખુલ્લાં પાડ્યા પુસ્તિકા વાંચ્યાના થોડા દિવસો પછી, એક દિવસ હું કામ પરથી ઘરે આવ્યો ત્યારે મારીઑને મારા આશ્ચર્ય વચ્ચે કહ્યું: “તમે જે પુસ્તિકાઓ લાવ્યા હતા એ મેં વાંચી. ખરેખર એ ખૂબ રસપ્રદ છે.” એ સાંભળીને મને કેટલી રાહત થઈ!

આ પુસ્તિકાઓના છેલ્લા પાને, તે સમયે બહાર પડેલી દુશ્મનો (અંગ્રેજી) પુસ્તિકા વિષેની માહિતી આપવામાં આવી હતી. એમાં જૂઠા ધર્મોને ખુલ્લા પાડવામાં આવ્યા હતા. અમે એ પુસ્તિકા મેળવવાનો નિર્ણય કર્યો. તેમ છતાં, અમે એને મંગાવીએ એ પહેલાં જ એક સાક્ષીએ અમારું બારણું ખખડાવ્યું અને અમને એ જ પુસ્તિકાની ઑફર કરી. એ પુસ્તિકાએ અમને ખરો નિર્ણય લેવામાં મદદ કરી! અમે ચર્ચમાં જવાનું બંધ કર્યું અને ન્યૂ જર્સી, કામડેનમાં યહોવાહના સાક્ષીઓની સભાઓમાં જવાનું શરૂ કર્યું. થોડા જ મહિનાઓ પછી, જુલાઈ ૩૧, ૧૯૩૮ના રવિવારે અમે લગભગ ૫૦ વ્યક્તિઓના એક વૃંદે, બહેન સ્ટેકહાઉસના ઘરના બાગમાં ભેગા મળીને ભાઈ રધરફર્ડે આપેલા બાપ્તિસ્માના વાર્તાલાપનું રેકર્ડિંગ સાંભળ્યું. હા, આ એ જ જગ્યા હતી જ્યાં મેં ઈસ્ટરની કેક વેચવા માટે પ્રયત્ન કર્યો હતો. પછી તેમના જ ઘરે કપડાં બદલીને, અમે ૧૯ વ્યક્તિઓએ નજીકના ઝરણામાં બાપ્તિસ્મા લીધું.

પાયોનિયર બનવાનો નિર્ણય

બાપ્તિસ્મા લીધાના થોડા વખત પછી મંડળની એક બહેને મને પાયોનિયરો તરીકે ઓળખાતા ભાઈબહેનો વિષે વાત કરી કે જેઓ પોતાના જીવનમાં પ્રચાર કાર્યને વધારે મહત્ત્વ આપે છે. તેથી, હું તેઓને મળવા ખૂબ જ ઉત્સુક બન્યો અને જલદી જ એક એવા કુટુંબને મળ્યો જેના બધા સદસ્યો પાયોનિયર હતા. એ કુટુંબમાં એક વૃદ્ધ ભાઈ નોનીંગ, તેમની પત્ની અને યુવાન દીકરી નજીકના મંડળમાં પાયોનિયર હતા. હું બે નાના બાળકોનો પિતા હોવાથી નોનીંગનું કુટુંબ સેવાકાર્યમાં જે આનંદ મેળવતું હતું એનાથી ઘણો પ્રભાવિત થયો. હું કેક વેચવા ટ્રક લઈને નીકળતો ત્યારે, વારંવાર તેમના ઘર પાસે ટ્રક મૂકીને તેઓ સાથે ઘર-ઘરના પ્રચાર કાર્યમાં નીકળી જતો. હું પણ જલદી જ પાયોનિયર બનવા ઇચ્છતો હતો. પરંતુ એ કઈ રીતે શક્ય બની શકે? કેમ કે અમારા બે નાનાં બાળકો હતા અને મારી નોકરી પણ એવી હતી જે ખૂબ સમય માંગી લેતી હતી. એ ઉપરાંત, યુરોપમાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હોવાથી, વધુમાં વધુ યુવાનો યુનાઈટેડ સ્ટેટ્‌સમાં લશ્કરમાં જોડાતા હતા. તેથી, અમારા જેવા નોકરી કરતા બાકીના લોકો માટે કામ વધી ગયું. મને બીજા વધારાના વિસ્તારોમાં જઈને કેક વેચવાનું કહેવામાં આવ્યું અને હું જાણતો હતો કે આવા વ્યસ્ત સમયપત્રકમાં હું ક્યારેય પાયોનિયર નહિ બની શકું.

મેં પાયોનિયર બનવાની મારી ઇચ્છા વિષે ભાઈ નોનીંગને જણાવ્યું ત્યારે, તેમણે કહ્યું: “યહોવાહની સેવામાં લાગુ રહે અને પ્રાર્થના દ્વારા યહોવાહને તારો ધ્યેય જણાવતો રહે. તે જરૂર તને મદદ કરશે.” એક વર્ષ સુધી મેં એમ જ કર્યું. હું માત્થી ૬:૮ જેવાં શાસ્ત્રવચનો પર વારંવાર મનન કરતો હતો, જે ખાતરી આપે છે કે આપણે માંગીએ એ પહેલાં યહોવાહ આપણી જરૂરિયાતો જાણે છે. તેમ જ હું પરમેશ્વરના રાજ્ય અને તેમના ન્યાયીપણાને શોધવા માત્થી ૬:૩૩ની સલાહને લાગુ પાડવાનો પ્રયત્ન કરતો હતો. મને ઝોન સેવક (હવે સરકીટ નિરીક્ષકથી ઓળખાય છે) ભાઈ મેલ્વિન વિન્ચેસ્ટરે પણ એમ કરતા રહેવા ઉત્તેજન આપ્યું હતું.

મેં મારા ધ્યેયો વિષે મારીઑન સાથે વાત કરી. અમે માલાખી ૩:૧૦ના શબ્દો પર ચર્ચા કરી, આ કલમે અમને યહોવાહનું પારખું લેવાનું અને તે કઈ રીતે અમને આશીર્વાદો આપશે એ જોવાનું ઉત્તેજન આપ્યું. મારીઑને મને ઉત્તેજન આપતા કહ્યું: “તમે પાયોનિયર બનવા ઇચ્છતા હોવ તો મારા લીધે પાછા પડશો નહિ. તમે પાયોનિયરીંગ કરશો ત્યારે હું છોકરીઓની કાળજી રાખીશ. આપણને વધારે ભૌતિક વસ્તુઓની જરૂર પણ નથી.” અમારા ૧૨ વર્ષના લગ્‍નજીવનથી હું જાણતો હતો કે મારીઑન કરકસર કરનારી અને વ્યવહારુ ગૃહિણી છે. છેલ્લા ઘણાં વર્ષોથી તે મારી પાયોનિયર સાથી પણ રહી છે. અમારી ૬૦ વર્ષની પૂરા સમયની સેવાનું રહસ્ય એ છે, કે અમારી પાસે જે થોડું હતું એમાં તે સંતોષ માનતી હતી અને જાણે અમારી પાસે ઘણું હોય એમ કદર કરતી હતી.

ઘણા મહિનાઓ સુધી પ્રાર્થના અને યોજનાઓ કર્યા પછી, ૧૯૪૧ના ઉનાળામાં મેં અને મારીઑને બચાવેલા પૈસામાંથી અમારું કુટુંબ રહી શકે એવું ૫.૫ મીટરનું મોબાઈલ ઘર ખરીદ્યું. મેં નોકરી છોડી દીધી અને જુલાઈ ૧૯૪૧માં નિયમિત પાયોનિયરીંગ શરૂ કર્યું. ત્યારથી હું પૂરા સમયની સેવા કરી રહ્યો છું. મારી પ્રથમ કાર્યસોંપણી, ન્યૂ જર્સી અને સેંટ લુઇસ, મસુરી વચ્ચેનો રૂટ ૫૦ હતી જેમાં દસ થોભવાની જગ્યાઓ આવતી હતી. ત્યાં ઑગષ્ટની શરૂઆતમાં, અમારું મહાસંમેલન ભરાવાનું હતું. મને ત્યાંના ભાઈઓનાં નામ અને સરનામાઓ આપવામાં આવ્યાં હતાં. આથી મેં તેઓને અગાઉથી જણાવી દીધું કે હું ક્યારે આવીશ. સંમેલનમાં ગયા પછી, મારે પાયોનિયરોની સંભાળ રાખતા વિભાગને શોધીને મારી નવી કાર્યસોંપણી મેળવવાની હતી.

“હું યહોવાહનું પારખું લેવાનો છું”

અમે અમારા નાના મોબાઈલ ઘરમાં સાહિત્ય ભર્યું અને કામડેનના ભાઈ-બહેનોને આવજો કહેવા છેલ્લી સભામાં ગયા. બે છોકરીઓને ઉછેરવાની અને મહાસંમેલન પછી ક્યાં જવું એની કંઈ ખબર ન હોવાથી કેટલાક ભાઈઓને અમારી આ યોજના વ્યવહારુ લાગી ન હતી. વળી તેઓમાંના કેટલાકે તો કહ્યું: “થોડા જ સમયમાં તમે અહીં પાછા આવશો.” પરંતુ, મેં જે કહ્યું હતું એ હજુ પણ મને યાદ છે: “હું એમ નથી કહેતો હું પાછો નહિ આવું. પરંતુ યહોવાહે કહ્યું છે કે તે મારી કાળજી રાખશે અને હું તેમનું પારખું લેવાનો છું.”

મેસચ્યૂસિટ્‌સથી મિસિસિપી વચ્ચેનાં ૨૦ શહેરોમાં છ દાયકાઓ સુધી પાયોનિયરીંગ કર્યા બાદ, અમે કહી શકીએ છીએ કે યહોવાહે તેમનું વચન પૂરું કર્યા ઉપરાંત, કંઈક વધુ કર્યું છે. મને, મારીઑનને તથા મારી બે પુત્રીઓને તેમણે એટલા બધા આશીર્વાદો આપ્યા છે કે અમે ૧૯૪૧માં પાયોનિયરીંગ કરવા નીકળ્યા ત્યારે એની આશા પણ રાખી નહોતી. એમાંના કેટલાક આશીર્વાદોમાં મારી બે પુત્રીઓ નજીકના મંડળમાં વિશ્વાસુપણે પાયોનિયરીંગ કરે છે અને યુનાઈટેડ સ્ટેટ્‌સના પૂર્વીય કિનારે અમારા લગભગ ૧૦૦ જેટલા (છેલ્લી વખતે ગણેલા) આત્મિક દીકરા દીકરીઓ છે. મેં ૫૨ વ્યક્તિઓ સાથે અને મારીઑને ૪૮ વ્યક્તિઓ સાથે અભ્યાસ કર્યો હતો જેઓએ યહોવાહ પરમેશ્વરને પોતાનું સમર્પણ કર્યું.

ઑગષ્ટ ૧૯૪૧માં અમે સેંટ લુઇસ ગયા અને ત્યાં હું બેથેલમાંથી આવેલા ભાઈ ટી. જે. સેલીવનને મળ્યો. તેમની પાસે મારા નામનો પાયોનિયરની નિયુક્તિનો પત્ર હતો જેની મારે ખૂબ જરૂર હતી, કેમ કે યુદ્ધ ઝઝૂમી રહ્યું હતું અને પુરુષોને સેનામાં ભરતી કરવામાં આવી રહ્યા હતા. મેં ભાઈ સેલીવનને કહ્યું કે મારી પત્ની પણ મારી સાથે સેવાકાર્યમાં મારા જેટલો જ સમય પસાર કરે છે અને તેને પણ મારી જેમ પાયોનિયર બનવાની ઇચ્છા છે. હજુ સુધી મહાસંમેલનમાં પાયોનિયર વિભાગની ગોઠવણ કરવામાં આવી ન હતી છતાં, ભાઈ સેલીવને તરત જ મારીઑનની પાયોનિયર તરીકે નિમણૂક કરી અને અમને પૂછ્યું: “મહાસંમેલન પછી તમે પાયોનિયરીંગ કરવા ક્યાં જવાના છો?” અમે કંઈ પણ જાણતા ન હતા. તેથી તેમણે કહ્યું: “ચિંતા ના કરો, મહાસંમેલનમાં તમને એવા વિસ્તારમાંથી કોઈને કોઈ મળશે જ્યાં પાયોનિયરની ખૂબ જરૂર હોય. આમ તમારી સમસ્યા હલ થશે. ફક્ત અમને જણાવજો કે તમે ક્યાં રહો છો, અમે તમને ત્યાં નિયુક્ત કરીશું.” તેમણે કહ્યું હતું એમ જ બન્યું. અગાઉના સરકીટ નિરીક્ષક, જેક ડિવીટ વર્જિનિયા, ન્યૂ માર્કેટમાં અમુક લોકોને જાણતા હતા જેઓ પાસે પાયોનિયર ઘર હતું અને ત્યાં થોડા પાયોનિયરની જરૂર હતી. તેથી, અમે મહાસંમેલન પછી ન્યૂ માર્કેટ તરફ ગયા.

ન્યૂ માર્કેટ જઈને અમે એટલા તો ખુશ થઈ ગયા કે જેની અમને કલ્પના પણ ન હતી. તમને ખબર છે કે ફિલિડેલ્ફિયાથી પાયોનિયર કાર્યમાં જોડાવા બેન્જામિન રેનસમ આવ્યા હતા! હા, મારા બૅનમામા આવ્યા હતા. તેમની સાથે ૨૫ કરતાં વધારે વર્ષ પછી ઘર-ઘરનું પ્રચાર કાર્ય કરવાનો કેવો આનંદ હતો! તેમણે બોસ્ટોનમાં મારા હૃદયમાં સત્યનું બી વાવ્યું હતું. બૅનમામાને કુટુંબ તરફથી નફરત, ઠઠ્ઠા-મશ્કરી અને સતાવણી થઈ હોવા છતાં, તેમણે યહોવાહ પ્રત્યેનો પ્રેમ અને સેવાકાર્યનો આનંદ ગુમાવ્યો ન હતો.

અમે ન્યૂ માર્કેટમાં પાયોનિયર ઘરમાં આઠ મહિના રહેવાનો આનંદ માણ્યો. આ સમય દરમિયાન અમે બીજી બાબતો સાથે મરઘી અને ઈંડાને બદલે સાહિત્યો આપવાનું પણ શીખ્યા. પછી બૅનમામા, મારીઑન, હું અને બીજી ત્રણ વ્યક્તિઓને ખાસ પાયોનિયર તરીકે પેન્સિલ્વેનિયા, હાનવૉરમાં મોકલવામાં આવ્યા જે ૧૯૪૨થી ૧૯૪૫ દરમિયાન પેન્સિલ્વેનિયામાં મળેલી છ કાર્યસોંપણીઓમાંની પહેલી હતી.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ખાસ પાયોનિયરો

અમારા તટસ્થ નિર્ણયને લીધે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમે સતાવણીનો પણ સામનો કર્યો. પરંતુ યહોવાહે ક્યારેય અમને છોડી દીધા ન હતા. એક વખતે મૅસચ્યૂસિટ્‌સમાં અમારી જૂની બ્યૂક મોટરગાડી બગડી ગઈ. તેથી, મારે ફરી મુલાકાત લેવા એવા કૅથલિક વિસ્તારમાંથી કેટલાક કિલોમીટર ચાલવાનું હતું જ્યાંના લોકો અમારો સખત વિરોધ કરતા હતા. હું એ વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે, તોફાનીઓના એક જૂથે મને ઓળખી કાઢ્યો અને તેઓએ બૂમો પાડવાનું શરૂ કર્યું. તેઓએ મારા પર પથ્થરમારો પણ કર્યો. તેઓ મારો પીછો ના કરે એ આશયથી હું ઝડપથી ચાલવા લાગ્યો અને કંઈ પણ ઈજા વિના હું રસ ધરાવનાર વ્યક્તિના ઘરે પહોંચી ગયો. પરંતુ ઘરમાલિક, કે જે અમેરિકાના સૈન્યદળની એક આદરણીય વ્યક્તિ હતી, તેમણે દિલગીરી વ્યક્ત કરતા કહ્યું: “આજે હું તમને સમય આપી શકું એમ નથી કેમ કે અમે ફિલ્મ જોવા નીચેના નગરમાં જઈએ છીએ.” આ સાંભળીને હું ખૂબ ડરી ગયો કેમ કે મારા પર પથ્થર ફેંકનારા પેલા તોફાનીઓનું જૂથ મારા પાછા ફરવાની રાહ જોતું હતું. તેમ છતાં, હું ખુશ થઈ ગયો જ્યારે આ સજ્જને કહ્યું: “ચાલો આપણે સાથે ચાલતા જઈએ અને રસ્તામાં થોડી વાત પણ કરીશું.” આમ મેં તેમને સાક્ષી પણ આપી અને મુશ્કેલીવાળી જગ્યાએથી સલામત રીતે પસાર પણ થઈ ગયો.

કુટુંબ અને સેવાકાર્યની જવાબદારીમાં સમતોલપણું

યુદ્ધ પછી અમે વર્જિનિયામાં ઘણી કાર્યસોંપણીઓ મેળવી, જેમાં શાર્લટ્‌સવિલમાં આઠ વર્ષ ખાસ પાયોનિયર અને નિયમિત પાયોનિયર કરવાનો સમાવેશ થાય છે. વર્ષ ૧૯૫૬ સુધીમાં તો મારી દીકરીઓના લગ્‍ન પણ થઈ ગયા. મારીઑન અને મેં હેરિસૉનબર્ગ, વર્જિનિયામાં, નિયમિત પાયોનિયર તરીકે અને ઉત્તર લીનક્લોનટન, કૅરોલાઇનામાં ખાસ પાયોનિયર તરીકે સેવા આપી.

વર્ષ ૧૯૬૬માં, મને સરકીટ કાર્યની સોંપણી મળી. અમે એકથી બીજા મંડળોમાં જઈને ભાઈઓને ઉત્તેજન આપતા હતા, જેમ ૩૦ના દાયકામાં ભાઈ વીંચસ્ટરે મને ન્યૂ જર્સીમાં ઉત્તેજન આપ્યું હતું. બે વર્ષ સુધી મેં ટેનિસીના મંડળોમાં સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપી. પછી મને અને મારીઑનને અમારું મનપસંદ ખાસ પાયોનિયર કાર્ય સોંપવામાં આવ્યું. વર્ષ ૧૯૬૮થી ૧૯૭૭ સુધી અમે દક્ષિણ યુનાઈટેડ સ્ટેટ્‌સમાં જૉર્જિયાથી મિસિસિપી સુધી ખાસ પાયોનિયર તરીકે સેવા આપી.

ઈસ્ટમેન જૉર્જિયામાં મને પ્રેમાળ ભાઈ પાવલ કીરકીલેન્ડની જગ્યાએ મંડળના નિરીક્ષક (હવે પ્રમુખ નિરીક્ષક) તરીકે નીમવામાં આવ્યો. ભાઈ પાવલ વૃદ્ધ હતા અને તેમણે ઘણાં વર્ષો સુધી સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપી હતી. પરંતુ પાછળથી તેમના સ્વાસ્થ્યે તેમને સાથ ન આપતા તેમણે એ લહાવો છોડવો પડ્યો. તે કદર કરનારા અને ટેકો આપનારા હતા. મને તેમના ટેકાની ખૂબ જરૂર હતી કેમ કે ત્યાંના મંડળમાં ઘણા મતભેદો ઊભા હતા અને એમાં કેટલીક આગળ પડતી વ્યક્તિઓ પણ સામેલ હતી. આ વિષય એકદમ ઉગ્ર થઈ ગયો હતો, તેથી હું યહોવાહને પ્રાર્થના કરવામાં ઘણો સમય પસાર કરતો હતો. એ સમયે મારા ધ્યાનમાં નીતિવચન ૩:૫, ૬ આવી જે કહે છે: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.” મુક્તપણે એ વિષય પર ચર્ચા કરવા અમે ઘણી મહેનત કરી. છેવટે અમે મંડળમાં ફરીથી એકતા લાવવામાં સફળ થયા જેનાથી સર્વને લાભ થયો.

વર્ષ ૧૯૭૭માં અમે વૃદ્ધાવસ્થાની અસર અનુભવવા લાગ્યા. અમને શાર્લટ્‌સવિલના વિસ્તારમાં ફરીથી મોકલવામાં આવ્યા, જ્યાં અમારી બંને દીકરીઓ પોતાના કુટુંબ સાથે રહેતી હતી. અમે છેલ્લા ૨૩ વર્ષથી આ વિસ્તારમાં કામ કરવાનો આનંદ માણીએ છીએ. રુકર્સવિલ, વર્જિનિયામાં નવા મંડળની શરૂઆત કરવામાં મદદ કરીને અને શરૂઆતમાં જેઓ સાથે બાઇબલ અભ્યાસ કર્યો હતો તેઓના પુત્રો અને પૌત્રોને મંડળમાં વડીલો, પાયોનિયરો અને બેથેલમાં સ્વયંસેવકો તરીકે સેવા કરતા જોઈને અમને ઘણો આનંદ થાય છે. મારીઑન અને હું હજુ પણ ક્ષેત્રસેવામાં નિયમિત જઈએ છીએ. હું શાર્લટ્‌સવિલના પૂર્વીય મંડળમાં વડીલ તરીકે ઉત્સાહથી સેવા આપું છું તેમ જ પુસ્તક અભ્યાસ ચલાવું છું અને જાહેર વાર્તાલાપ પણ આપું છું.

વર્ષો પસાર થયા છે તેમ, બધાની જેમ અમે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. દાખલા તરીકે, અમારા ઘણા પ્રયત્નો છતાં, ડૉરીસ તેની તરૂણાવસ્થામાં થોડા સમય માટે આત્મિક રીતે નબળી પડી ગઈ. તેણે અવિશ્વાસુ માણસ જોડે લગ્‍ન કરી લીધા. પરંતુ તેણે પૂરેપૂરી રીતે યહોવાહને પ્રેમ કરવાનું છોડ્યું ન હતું. તેનો પુત્ર બિલ ન્યૂયૉર્ક, વૉલકિલના બેથેલમાં પંદર વર્ષથી સેવા કરે છે. હમણાં ડૉરીસ અને લુઈસ બંને વિધવા છે. પરંતુ તેઓ આનંદથી નજીકના વિસ્તારમાં નિયમિત પાયોનિયરીંગ કરે છે.

આટલાં વર્ષોમાં શીખેલો બોધપાઠ

યહોવાહની સફળતાપૂર્વક સેવા કરી હોવાથી હું થોડાક સાદા નિયમોને લાગુ પાડવાનું શીખ્યો છું: તમારું જીવન સાદું રાખો. તમારા અંગત જીવન સહિત તમે જે કંઈ કરો એમાં ઉદાહરણરૂપ થાઓ. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગનું માર્ગદર્શન સર્વ બાબતોમાં લાગુ પાડો.—માત્થી ૨૪:૪૫.

મારીઑન પાસે પણ બાળકોના ઉછેર સાથે કઈ રીતે સફળતાપૂર્વક પાયોનિયરીંગ કરવું એ વિષે થોડાં, પરંતુ અસરકારક સૂચનો છે: એક વ્યવહારુ સમયપત્રક બનાવો અને એ પ્રમાણે ચાલો. પાયોનિયર કાર્યને તમારી કારકિર્દી બનાવો. પૌષ્ટિક ખોરાક ખાઓ. પૂરતો આરામ લો. વધારે પડતા મનોરંજનમાં સમય ન બગાડો. સત્યમાં અને દરેક પ્રકારના સેવાકાર્યમાં બાળકોને આનંદ મેળવવા મદદ કરો. બાળકોને એ રીતે મદદ કરો કે સર્વ સમયે તેઓ સેવાકાર્યમાં રસપ્રદ અનુભવો મેળવે.

હમણાં અમારી ઉંમર ૯૦થી પણ વધારે છે. સ્ટેકહાઉસના ઘરના બાગમાં અમારા બાપ્તિસ્માનો વાર્તાલાપ સાંભળ્યાને બાસઠ વર્ષ થઈ ગયા છે. અમે પૂરા સમયની સેવામાં ૬૦ વર્ષ પસાર કર્યાં છે. હું અને મારીઑન પ્રામાણિકપણે કહી શકીએ છીએ કે અમે અમારા જીવનથી ઘણા ખુશ છીએ. યુવાન પિતા તરીકે મને આત્મિક ધ્યેયને જીવનમાં પ્રથમ સ્થાન આપવા માટે જે ઉત્તેજન મળ્યું એ માટે હું ખરેખર આભારી છું. તેમ જ હું મારી વહાલી પત્ની મારીઑન અને મારી બે દીકરીઓના ટેકા માટે પણ આભારી છું. અમે ભૌતિક રીતે બહુ ધનવાન ન હતા ત્યારે, હું વારંવાર આ શબ્દોને લાગુ પાડતો હતો: “ઈશ્વરની કૃપા વિના કોણ ખાઈ શકે કે આનંદ માણી શકે?”—સભાશિક્ષક ૨:૨૫, IBSI.

સાચે જ, અમારા કિસ્સામાં યહોવાહે માલાખી ૩:૧૦નાં વચનોને ભરપૂરપણે પૂરાં કર્યાં છે. ખરેખર, તેમણે ‘અમારા પર અઢળક આશીર્વાદો મોકલ્યા છે!’

[પાન ૨૯ પર બોક્સ/ચિત્ર]

યુદ્ધનાં વર્ષોની યાદો

યુદ્ધના કંઈક ૬૦ વર્ષ પસાર થઈ ગયા પછી પણ, અમારા આખા કુટુંબને એ વર્ષો હજુ પણ યાદ છે.

ડૉરીસ યાદ કરતા કહે છે: “પેન્સિલ્વેનિયામાં ત્યારે ખૂબ જ ઠંડી પડતી હતી. એક રાત્રે તો ત્યાંનું તાપમાન માઇનસ ૩૦થી પણ ઓછું થઈ ગયું હતું.” લુઈસ ઉમેરે છે, “જૂની બ્યુક મોટરગાડીની પાછળની સીટ પર હું અને ડૉરીસ એકબીજાના પગ પર બેસતા હતા જેથી અમારા પગ ઠંડા ન થઈ જાય.”

ડૉરીસ કહે છે, “અમે ક્યારેય પોતાને ગરીબ સમજતા ન હતા તથા અમે કોઈ વાતની કમી પણ અનુભવી ન હતી. અમે જાણતા હતા કે મોટાભાગના લોકો કરતાં અમે વધારે ઘર બદલીએ છીએ. પરંતુ, અમારી પાસે હંમેશા અઢળક સારું ખાવાનું હતું અને અમારી પાસે સારાં કપડાં પણ હતા. એ કપડાં અમને ઑહાયોના અમુક મિત્રોની પુત્રીઓ પાસેથી મળતા હતા જેઓ અમારા કરતાં થોડી મોટી હતી.”

લુઈસ કહે છે, “મારા મમ્મી-પપ્પા અમને હંમેશા લાડ કરતા અને અમારી કદર કરતા હતા. અમે મોટા ભાગનો સમય સેવાકાર્યમાં તેમની સાથે પસાર કર્યો હતો. એ કારણે અમને લાગતું કે અમે તેમની નજરમાં ખાસ છીએ અને તેમની વધુ નિકટ છીએ.”

પાઊલ યાદ કરે છે, “મારી પાસે ૧૯૩૬ની ખાસ બ્યુક મોટરગાડી હતી. એ કારની ધરી વારંવાર તૂટી જતી હતી. પરંતુ મને લાગે છે કે એંજિન એના માટે ખૂબ ભારે હતું. એમ લાગતું હતું કે મહિનામાં જ્યારે વધારે ઠંડી પડતી ત્યારે જ ધરી તૂટી જતી હતી. પછી હું ગાડીઓના ભંગારમાંથી બીજી ધરી લઈ આવતો હતો. હું ધરી બદલવામાં નિષ્ણાત બની ગયો હતો.”

મારીઑન કહે છે, “અરે હા, રેશનકાર્ડની વાત કેમ ભૂલાય? બધું જ રેશનકાર્ડ પર મળતું હતું, માંસ, પેટ્રોલ, કાર માટેના ટાયર જેવી વસ્તુઓ પણ મળતી હતી. અમે નવી જગ્યાએ જતા ત્યારે એ વિસ્તારના અધિકારી પાસે રેશનકાર્ડ બનાવવાની અરજી કરવી પડતી હતી. ક્યારેક તો રેશનકાર્ડ મેળવવામાં એક મહિનો નીકળી જતો. એ વખતે એમ લાગતું હતું કે આખરે અમે રેશનકાર્ડ મેળવતા, ત્યારે જ અમને બીજી જગ્યાએ જવાની કાર્યસોંપણી મળતી. એનાથી ફરીથી અમારે રેશનકાર્ડ બનાવવાની કાર્યવાહી કરવી પડતી હતી. પરંતુ, યહોવાહે સર્વ સમયે અમારી કાળજી રાખી.”

[ચિત્ર]

વર્ષ ૨૦૦૦માં ડૉરીસ (ડાબે) અને લુઈસ સાથે મારીઑન અને હું

[પાન ૨૫ પર ચિત્ર]

વર્ષ ૧૯૧૮માં હું અગિયાર વર્ષનો હતો ત્યારે, મારી મમ્મી સાથે

[પાન ૨૬ પર ચિત્ર]

વર્ષ ૧૯૪૮માં મારી દીકરીઓ બાપ્તિસ્મા પામી ત્યારે લુઈસ, મારીઑન અને ડૉરીસ સાથે

[પાન ૨૬ પર ચિત્ર]

ઑક્ટોબર ૧૯૨૮માં અમારા લગ્‍નનો ફોટો

[પાન ૨૬ પર ચિત્ર]

વર્ષ ૧૯૬૫માં મારી પુત્રીઓ (ડાબે અને જમણે) અને હું યાંકી સ્ટેડિયમ આગળ