સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈબ્રાહીમનો વિશ્વાસ!

ઈબ્રાહીમનો વિશ્વાસ!

ઈબ્રાહીમનો વિશ્વાસ!

‘[ઈબ્રાહીમ] વિશ્વાસુઓના પૂર્વજ હતા.’—રૂમી ૪:૧૧.

૧, ૨. (ક) આજે સાચા ખ્રિસ્તીઓ ઈબ્રાહીમને કઈ રીતે યાદ કરે છે? (ખ) શા માટે ઈબ્રાહીમને ‘વિશ્વાસુઓના પૂર્વજ’ કહેવામાં આવે છે?

 તે એક બળવાન પ્રજાના પૂર્વજ, પ્રબોધક, વેપારી અને આગેવાન હતા. તોપણ, આજે ખ્રિસ્તીઓ તેમના અડગ વિશ્વાસને કારણે તેમને યાદ કરે છે. એ ગુણને લીધે પરમેશ્વર યહોવાહે તેમને પોતાના મિત્ર કહ્યા. (યશાયાહ ૪૧:૮; યાકૂબ ૨:૨૩) તેમનું નામ ઈબ્રાહીમ હતું. બાઇબલ તેમને “વિશ્વાસીઓનો પૂર્વજ” કહે છે.—રૂમી ૪:૧૧.

શું ઈબ્રાહીમ પહેલાં હાબેલ, હનોખ અને નુહે પણ એવો જ વિશ્વાસ બતાવ્યો ન હતો? હા, પરંતુ પૃથ્વીનાં સર્વ રાષ્ટ્રોને આશીર્વાદ આપવાનો કરાર ઈબ્રાહીમ સાથે કરવામાં આવ્યો હતો. (ઉત્પત્તિ ૨૨:૧૮) આમ, તે વચનના સંતાનમાં વિશ્વાસ કરનારા સર્વના રૂપકાત્મક પૂર્વજ કે પિતા બન્યા. (ગલાતી ૩:૮, ૯) ઈબ્રાહીમ આપણા પિતા પણ કહેવાય, કેમ કે આપણે તેમના વિશ્વાસનું અનુકરણ કરીએ છીએ. તેમનું જીવન વિશ્વાસનું એક સુંદર ઉદાહરણ છે, કેમ કે એ ઘણી મુશ્કેલીઓ અને પરીક્ષણોથી ભરેલું હતું. ખરું કે ઈબ્રાહીમે પોતાના દીકરા ઇસ્હાકનું બલિદાન આપવાની સૌથી મુશ્કેલ વિશ્વાસની કસોટીનો સામનો કર્યો હતો. પરંતુ, એ પહેલાં પણ તે નાની-મોટી મુશ્કેલીઓમાં વિશ્વાસુ સાબિત થયા હતા. (ઉત્પત્તિ ૨૨:૧, ૨) ચાલો, આપણે એમાંના કેટલાક બનાવો તપાસીને જોઈએ કે આપણે એમાંથી શું શીખી શકીએ છીએ.

ઉર છોડવાની આજ્ઞા

૩. બાઇબલ સૌ પ્રથમ ઈબ્રામ વિષે શું કહે છે?

બાઇબલ સૌ પ્રથમ આપણને ઉત્પત્તિ ૧૧:૨૬માં ઈબ્રામ (પછીથી ઈબ્રાહીમ તરીકે જાણીતા થયા) વિષે બતાવે છે: “તેરાહ સિત્તેર વર્ષનો થયો, ને તેને ઈબ્રામ તથા નાહોર તથા હારાન થયા.” ઈબ્રામ પરમેશ્વરનો ભય રાખનાર શેમના વંશજ હતા. (ઉત્પત્તિ ૧૧:૧૦-૨૪) ઉત્પત્તિ ૧૧:૩૧ અનુસાર, ઈબ્રામ પોતાના કુટુંબ સાથે સમૃદ્ધ “કાસ્દીઓના ઉરમાં” રહેતા હતા. આ શહેર એક સમયે ફ્રાત નદીની પૂર્વ બાજુએ આવેલું હતું. * ઈબ્રામ કંઈ વણઝારાની જેમ તંબુમાં રહેતા ન હતા, પરંતુ શહેરમાં રહેતા હતા. એ શહેરમાં ઘણી જ સમૃદ્ધિ અને સુખ-સંપત્તિ હતી. ઉરના બજારમાં કીમતી ચીજ-વસ્તુઓ પણ મળતી હતી. એ શહેરના રસ્તાની બંને બાજુએ ૧૪ રૂમોવાળાં આલીશાન મકાનો હતાં, જેઓમાં ગટર અને પાણીની પૂરેપૂરી વ્યવસ્થા હતી.

૪. (ક) સાચા પરમેશ્વરના ઉપાસકો માટે ઉર શહેરમાં કઈ મુશ્કેલીઓ હતી? (ખ) ઈબ્રામે કેવી રીતે યહોવાહમાં પોતાનો વિશ્વાસ મૂક્યો?

ઉર શહેરમાં સુખ-સગવડ તો ઘણી હતી તેમ છતાં, સાચા પરમેશ્વરના ઉપાસકો માટે ત્યાં બહુ મુશ્કેલીઓ હતી. એ શહેર મૂર્તિપૂજા અને અંધશ્રદ્ધામાં ડૂબેલું હતું. એ શહેરનું મુખ્ય આકર્ષણ, ચંદ્ર દેવ, નન્‍નાનું મોટા બુરજવાળું મંદિર હતું. ઈબ્રામને પણ તેમના સંબંધીઓ અને બીજા લોકો તરફથી આ જૂઠી ઉપાસનામાં જોડાવા જરૂર દબાણ કરવામાં આવ્યું હશે. અમુક યહુદી માન્યતા અનુસાર, ઈબ્રામના પિતા, તેરાહ પોતે મૂર્તિઓ બનાવતા હતા. (યહોશુઆ ૨૪:૨, ૧૪, ૧૫) બાબત ગમે તે હોય, પરંતુ ઈબ્રામ જૂઠી ઉપાસના કરતા ન હતા. તેમના પૂર્વજ શેમ હજુ પણ જીવતા હતા. તેમણે ચોક્કસ સાચા પરમેશ્વર વિષેનું જ્ઞાન આપ્યું હશે. પરિણામે, ઈબ્રામે ચંદ્ર દેવ, નન્‍નામાં નહિ પરંતુ યહોવાહમાં વિશ્વાસ મૂક્યો!—ગલાતી ૩:૬.

વિશ્વાસની કસોટી

૫. ઈબ્રામ ઉરમાં હતા ત્યારે પરમેશ્વરે તેમને કઈ આજ્ઞા અને વચન આપ્યું?

હવે, ઈબ્રામના વિશ્વાસની કસોટી થવાની હતી. પરમેશ્વરે તેમને આજ્ઞા આપી: “તું તારો દેશ, તથા તારાં સગાં, તથા તારા બાપનું ઘર મૂકીને, જે દેશ હું તને દેખાડું તેમાં જા; અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ, ને તને આશીર્વાદ દઈશ, ને તારૂં નામ મોટું કરીશ; અને તું આશીર્વાદરૂપ થશે: અને જેઓ તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ, ને જેઓ તને શાપ દે તેઓને હું શાપ દઈશ; અને તારામાં પૃથ્વીનાં સર્વ કુટુંબ આશીર્વાદ પામશે.”—ઉત્પત્તિ ૧૨:૧-૩; પ્રેરિતોનાં કૃત્યો ૭:૨, ૩.

૬. શા માટે ઈબ્રામને ઉર દેશ છોડવા માટે સાચા વિશ્વાસની જરૂર હતી?

ઈબ્રામ વૃદ્ધ હતા અને તેમને કોઈ બાળક ન હતું. તો પછી, કઈ રીતે તેમનાથી “એક મોટી કોમ” થઈ શકે? તેમને જે દેશમાં જવાની આજ્ઞા મળી હતી એ દેશ ક્યાં હતો? એ સમયે, પરમેશ્વરે તેમને જણાવ્યું ન હતું. તેથી, સમૃદ્ધ ઉર અને એની બધી જ સુખ-સગવડ છોડવા માટે ઈબ્રામને સાચા વિશ્વાસની જરૂર હતી. કુટુંબ, પ્રેમ અને બાઇબલ (અંગ્રેજી) પુસ્તક ઈબ્રામના સમય વિષે બતાવે છે: “એ જમાનામાં કુટુંબનો કોઈ સભ્ય, ગંભીર પાપ કરે તો તેને કુટુંબમાંથી ‘કાઢી’ મૂકવામાં આવતો હતો. . . . તેથી, પરમેશ્વરની આજ્ઞા માનવા માટે ઈબ્રાહીમે ફક્ત પોતાના દેશને જ નહિ, સગા-સંબંધીઓને પણ છોડ્યા. આમ, તેમણે કંઈ પણ સવાલ કર્યા વિના પરમેશ્વરની આજ્ઞા પાળીને એક ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું.”

૭. ઈબ્રામની જેમ, આજે ખ્રિસ્તીઓ પર કઈ કસોટીઓ આવી શકે?

આજે ખ્રિસ્તીઓની પણ એવી જ કસોટી થઈ શકે. ઈબ્રામની જેમ, આપણા પર પણ સાચી ઉપાસના કરતાં ભૌતિક બાબતોને વધુ મહત્ત્વ આપવાનું દબાણ આવી શકે. (૧ યોહાન ૨:૧૬) આપણને કુટુંબના વિધર્મી સભ્યો કે બહિષ્કૃત કરવામાં આવેલા સંબંધીઓ ખરાબ સંગતમાં ફસાવી શકે છે. (માત્થી ૧૦:૩૪-૩૬; ૧ કોરીંથી ૫:૧૧-૧૩; ૧૫:૩૩) આ રીતે, ઈબ્રામે આપણા માટે સુંદર ઉદાહરણ બેસાડ્યું. તેમણે કોઈ પણ બાબત, અરે, કુટુંબ કરતાં પણ યહોવાહની મિત્રતાને પોતાના જીવનમાં પ્રથમ રાખી. તે જાણતા ન હતા કે પરમેશ્વરનાં વચનો ક્યાં, ક્યારે અને કેવી રીતે પૂરાં થશે. તેમ છતાં, તે યહોવાહનાં વચનો પર ભરોસો રાખીને કંઈ પણ કરવા તૈયાર હતા. આજે, આપણા જીવનમાં પરમેશ્વરના રાજ્યને પ્રથમ સ્થાન આપવા માટે કેવું સરસ ઉત્તેજન મળે છે!—માત્થી ૬:૩૩.

૮. ઈબ્રામના વિશ્વાસની તેમના નિકટના કુટુંબીજનો પર કઈ અસર પડી અને ખ્રિસ્તીઓ એમાંથી શું શીખી શકે?

ઈબ્રામના નિકટના કુટુંબીજનો વિષે શું? દેખીતી રીતે જ, ઈબ્રામના વિશ્વાસ અને દૃઢ ભરોસાની તેઓ પર ઊંડી અસર પડી હતી. તેથી, તેમની પત્ની સારાય અને અનાથ ભત્રીજો લોટ તેમની સાથે ઉર દેશ છોડવાની પરમેશ્વરની આજ્ઞાને આધીન થયા. ઈબ્રામના ભાઈ નાહોર અને તેમનાં બાળકો પણ પછીથી ઉર છોડીને હારાનમાં રહેવા ગયા અને ત્યાં તેઓએ યહોવાહની ઉપાસના કરી. (ઉત્પત્તિ ૨૪:૧-૪, ૧૦, ૩૧; ૨૭:૪૩; ૨૯:૪, ૫) ઈબ્રામના પિતા, તેરાહે પણ તેમના દીકરા સાથે ઉર છોડ્યું! આમ, કુટુંબના શિર તરીકે, કનાન તરફ જવાનો યશ બાઇબલ તેરાહને આપે છે. (ઉત્પત્તિ ૧૧:૩૧) આપણે પણ સગા-સંબંધીઓને યોગ્ય રીતે સાક્ષી આપીશું તો, શું એવી જ સફળતા નહિ મળે?

૯. ઈબ્રામે મુસાફરી માટે કઈ તૈયારી કરવાની હતી અને શા માટે તેમણે એમાં ભોગ આપવો પડ્યો હશે?

ઈબ્રામે મુસાફરી શરૂ કરતા પહેલાં ઘણું બધું કરવાનું હતું. તેમણે પોતાની મિલકત વેચવાની હતી અને તંબુ, ઊંટો, ખોરાક અને જરૂરી સાધનો ખરીદવાનાં હતાં. પોતાની સંપત્તિ થોડા જ સમયમાં વેચવાને કારણે ઈબ્રામે ખોટ પણ સહેવી પડી હશે, પરંતુ તે યહોવાહની આજ્ઞા પાળવા માટે બહુ ખુશ હતા. બધી જ તૈયારીઓ પૂરી થઈ. હવે, ઈબ્રામ પોતાના કાફલા સાથે મુસાફરી કરવા માટે ઉરના કોટની બહાર આવ્યા, એ કેટલો મહત્ત્વનો દિવસ હશે! ફ્રાત નદીનો વળાંક લીધા પછી, કાફલાએ ઉત્તર-પશ્ચિમ બાજુ મુસાફરી કરી. સપ્તાહો મુસાફરી કરીને લગભગ ૧,૦૦૦ કિલોમીટરનું અંતર કાપ્યા પછી, તેઓ લાંબો વિરામ લેવાના સ્થળ, ઉત્તર મેસોપોટેમિયાના એક શહેર, હારાન આવી પહોંચ્યા.

૧૦, ૧૧. (ક) ઈબ્રામ શા માટે થોડો સમય હારાનમાં રોકાયા હોય શકે? (ખ) પોતાના વયોવૃદ્ધ માબાપની કાળજી રાખનારા ખ્રિસ્તીઓને કયું ઉત્તેજન મળે છે?

૧૦ ઈબ્રામ પોતાના વયોવૃદ્ધ પિતા, તેરાહને લીધે હારાનમાં થોડો સમય રોકાયા હોય શકે. (લેવીય ૧૯:૩૨) એવી જ રીતે, આજે ઘણા ખ્રિસ્તીઓને પોતાના બીમાર કે વયોવૃદ્ધ માબાપની કાળજી રાખવાની તક હોય છે. એમ કરવા માટે તેમણે અમુક ફેરફારો પણ કરવા પડે છે. એ જરૂરી હોય છે ત્યારે, આવા ભાઈબહેનો ખાતરી રાખી શકે છે કે તેઓનાં પ્રેમાળ બલિદાનો, “દેવને પ્રિય છે.”—૧ તીમોથી ૫:૪.

૧૧ સમય પસાર થતો ગયો. “તેરાહના દહાડા બસેં પાંચ વર્ષ હતાં; અને તેરાહ હારાનમાં મરી ગયો.” પોતાના પિતાના મરણથી ઈબ્રામને ઘણું જ દુઃખ થયું હશે. પરંતુ, શોકના દિવસો પૂરા થયા ત્યારે, તેમણે તરત જ ત્યાંથી આગળ મુસાફરી શરૂ કરી. “ઈબ્રામ હારાનથી નીકળ્યો, ત્યારે તે પંચોતેર વર્ષનો હતો. ઈબ્રામે પોતાની સ્ત્રી સારાયને તથા પોતાના ભત્રીજા લોટને, તથા જે સર્વ સંપત્તિ તેઓએ મેળવી હતી, તથા જે માણસો તેમને હારાનમાં પ્રાપ્ત થયાં હતાં તેઓને સાથે લીધાં; અને તેઓ કનાન દેશમાં જવાને નીકળ્યાં.”—ઉત્પત્તિ ૧૧:૩૨; ૧૨:૪, ૫.

૧૨. ઈબ્રામ હારાનમાં હતા ત્યારે તેમણે શું કર્યું?

૧૨ એ નોંધ લેવી રસપ્રદ છે કે ઈબ્રામ હારાનમાં હતા ત્યારે તેમણે ‘સંપત્તિ મેળવી.’ ઈબ્રામે ઉર છોડવા માટે ભૌતિક સંપત્તિનો ભોગ આપ્યો હતો. તેમ છતાં, તેમણે હારાન છોડ્યું ત્યારે તે ધનવાન હતા. દેખીતી રીતે જ પરમેશ્વરે તેમને આશીર્વાદ આપ્યો હતો. (સભાશિક્ષક ૫:૧૯) જોકે, આજે પરમેશ્વર પોતાના સેવકોને ધનવાન બનાવવાનું વચન આપતા નથી. પરંતુ, રાજ્યને લીધે “પોતાના ઘરને કે ભાઈઓને કે બહેનોને” છોડીને આવનારાઓની જરૂરિયાતો પૂરી કરવાનું વચન તે જરૂર પાળે છે. (માર્ક ૧૦:૨૯, ૩૦) ઈબ્રામને ‘માણસો પણ પ્રાપ્ત થયા’ એટલે કે દાસો મળ્યા હતા. યરૂશાલેમ તારગુમ અને ખાલદી અનુવાદ કહે છે કે ઈબ્રામે ‘પ્રચાર’ કર્યો. (ઉત્પત્તિ ૧૮:૧૯) શું તમારો વિશ્વાસ તમને પડોશી, કર્મચારી કે સાથે ભણનારાને પ્રચાર કરવાનું ઉત્તેજન આપે છે? ઈબ્રામે હારાનમાં જ સ્થાયી થઈને પરમેશ્વરની આજ્ઞાને ભૂલી જવાને બદલે, ત્યાં સમયનો યોગ્ય ઉપયોગ કર્યો. પરંતુ, હવે ત્યાંથી નીકળવાનો સમય આવી ગયો હતો. ‘યહોવાહના કહ્યા પ્રમાણે ઈબ્રામ નીકળ્યા.’—ઉત્પત્તિ ૧૨:૪.

ફ્રાત નદી પાર કરવી

૧૩. ઈબ્રામે ક્યારે ફ્રાત નદી પસાર કરી અને એનું શું મહત્ત્વ હતું?

૧૩ ફરી એક વાર ઈબ્રામને મુસાફરી કરવાની હતી. હારાન છોડીને તેમના કાફલાએ પશ્ચિમ બાજુ કંઈક ૯૦ કિલોમીટરની મુસાફરી કરી. ઈબ્રામ અગાઉના વેપારી મુખ્યમથક, કાર્કમીશની સામે ફ્રાત નદીએ થોડો સમય રોકાયા હોય શકે. કાફલાએ નદી પાર કરી, એ જગ્યા મહત્ત્વની હતી. * ઈબ્રામના કાફલાએ કઈ મહત્ત્વની તારીખે એ નદી પાર કરી? બાઇબલ બતાવે છે કે એ નિશાન ૧૪, ૧૫૧૩ બી.સી.ઈ.માં મિસરમાંથી યહુદીઓ નીકળ્યા, એના ૪૩૦ વર્ષ પહેલાં બન્યું. નિર્ગમન ૧૨:૪૧ કહે છે: “એમ થયું કે ચારસેં ત્રીસ વર્ષ પૂરાં થયાં, તેજ દિવસે એમ થયું કે યહોવાહનાં સર્વ સૈન્યો મિસર દેશમાંથી નીકળી ગયાં.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) તેથી, ઈબ્રામે પરમેશ્વરની આજ્ઞા અનુસાર ફ્રાત નદી પાર કરી ત્યારે, નિશાન ૧૪, ૧૯૪૩ બી.સી.ઈ.માં ઈબ્રાહીમ સાથેનો પરમેશ્વરનો કરાર અમલમાં આવ્યો.

૧૪. (ક) ઈબ્રામ પોતાની વિશ્વાસની આંખોથી શું જોઈ શક્યા? (ખ)પરમેશ્વરના લોકો આજે કયા અર્થમાં ઈબ્રામ કરતાં વધારે આશીર્વાદિત છે?

૧૪ ઈબ્રામે સમૃદ્ધ શહેર છોડ્યું હતું. તોપણ, તે હવે ‘શહેરના પાયાની,’ અર્થાત્‌ માણસજાત પર રાજ કરનાર ન્યાયી સરકારની આશા રાખતા હતા. (હેબ્રી ૧૧:૧૦) ઈબ્રામ પાસે મર્યાદિત માહિતી હતી છતાં, તેમણે માણસજાતને છુટકારો આપવાના પરમેશ્વરના હેતુની સ્પષ્ટ યોજના વિષે જોવાનું શરૂ કર્યું હતું. પરમેશ્વરના હેતુઓ વિષે આજે આપણને ઈબ્રામ કરતાં પણ વધારે માહિતી છે. એ ખરેખર મોટો આશીર્વાદ છે. (નીતિવચન ૪:૧૮) ઈબ્રામ જેની આશા રાખતા હતા એ “શહેર,” એટલે કે પરમેશ્વરનું રાજ્ય હવે ૧૯૧૪થી સ્વર્ગમાં સ્થપાઈ ચૂક્યું છે. તો પછી, શું આપણે યહોવાહમાં ભરોસો અને વિશ્વાસ ન બતાવવા જોઈએ?

વચનના દેશમાં રહેવાનું શરૂ કર્યું

૧૫, ૧૬. (ક) ઈબ્રામને યહોવાહ માટે વેદી બાંધવા શા માટે હિંમતની જરૂર હતી? (ખ) આજે ખ્રિસ્તીઓ કઈ રીતે ઈબ્રામ જેવા હિંમતવાન બની શકે?

૧૫ ઉત્પત્તિ ૧૨:૫, ૬ આપણને જણાવે છે: ‘તેઓ કનાન દેશમાં આવી પહોંચ્યાં અને ઈબ્રામ તે દેશમાં થઈને શખેમની સીમમાં મોરેહના એલોન ઝાડ લગી ગયા.’ શખેમ, યરૂશાલેમની ઉત્તરે ૫૦ કિલોમીટરે આવેલું હતું. તે ફળદ્રુપ ખીણમાં આવેલું હતું જેનું “પવિત્ર દેશના પારાદેશ” તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. તોપણ, “તે વખતે કનાનીઓ તે દેશમાં રહેતા હતા.” કનાનીઓનું જીવન અનૈતિક હોવાને લીધે, ઈબ્રામે પોતાના કુટુંબને તેઓની ખરાબ અસર ન થાય એની કાળજી રાખવાની હતી.—નિર્ગમન ૩૪:૧૧-૧૬.

૧૬ હવે, બીજી વખત “યહોવાહે ઈબ્રામને દર્શન આપીને કહ્યું, કે હું તારા વંશજોને આ દેશ આપીશ.” એનાથી ઈબ્રામને કેટલું ઉત્તેજન મળ્યું હશે! જોકે, જે દેશનો પોતે નહિ, પણ પોતાના ભાવિ વંશજો આનંદ માણવાના હતા, એમાં ખુશી મનાવવા ઈબ્રામને ખરા વિશ્વાસની જરૂર પડી હશે. તેમ છતાં, “યહોવાહે તેને દર્શન આપ્યું હતું તેને સારૂ તેણે ત્યાં વેદી બાંધી.” (ઉત્પત્તિ ૧૨:૭) એક બાઇબલ વિદ્વાન સૂચવે છે: “દેશમાં વેદી બાંધવી, એ હકીકતમાં એમ બતાવે છે કે તે પોતાના વિશ્વાસના આધારે મળેલા હક્કની જમીનનો કબજો લે છે.” એ વેદી બાંધવા ખરેખર હિંમતની પણ જરૂર હતી. આ વેદી પછીથી નિયમ કરારમાં વિગતવાર જણાવવામાં આવ્યું એમ ઘડેલા પથ્થરની બનેલી ન હતી. (નિર્ગમન ૨૦:૨૪, ૨૫) આથી, કનાનીઓની વેદી અને આ વેદીમાં આભ-જમીનનો તફાવત હતો. આમ, ઈબ્રામે સાચા પરમેશ્વર, યહોવાહના ઉપાસક તરીકે જાહેરમાં સ્થાન લીધું એનાથી તે મુશ્કેલીમાં મુકાઈ શક્યા હોત. આજે આપણા વિષે શું? શું આપણે, ખાસ કરીને યુવાનો આપણા પડોશીઓને કે સાથે ભણતા વિદ્યાર્થીઓને જણાવીએ છીએ કે આપણે યહોવાહની ઉપાસના કરીએ છીએ? ચાલો આપણે ઈબ્રામની હિંમતથી ઉત્તેજન મેળવીએ અને યહોવાહના સેવકો હોવાનો ગર્વ લઈએ!

૧૭. ઈબ્રામ કઈ રીતે પરમેશ્વરના નામના પ્રચારક સાબિત થયા અને આજે એ ખ્રિસ્તીઓને શું યાદ દેવડાવે છે?

૧૭ ઈબ્રામ જ્યાં પણ ગયા ત્યાં, યહોવાહની ઉપાસનાને હંમેશા પ્રથમ સ્થાન આપ્યું. “ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વગમ જે પર્વત છે ત્યાં તે ગયો. અને તેણે ત્યાં તંબુ માર્યો, ત્યાંથી પશ્ચિમે બેથેલ તથા પૂર્વે આય હતું; અને ત્યાં તેણે યહોવાહને સારૂ વેદી બાંધી, ને યહોવાહને નામે પ્રાર્થના કરી.” (ઉત્પત્તિ ૧૨:૮) “નામે પ્રાર્થના કરી,” ભાષાંતર થયેલી હેબ્રી શબ્દાવલિનો અર્થ, “નામ જાહેર (પ્રચાર) કરવું” પણ થાય છે. હા, ઈબ્રામે કનાની પડોશીઓને હિંમતપૂર્વક યહોવાહનું નામ જાહેર કર્યું. (ઉત્પત્તિ ૧૪:૨૨-૨૪) એ આજે આપણને યાદ કરાવે છે કે પરમેશ્વરનું ‘નામ બીજાઓ સમક્ષ પ્રગટ કરવાની’ આપણી જવાબદારી છે.—હેબ્રી ૧૩:૧૫, IBSI; રૂમી ૧૦:૧૦.

૧૮. ઈબ્રામનો કનાનીઓ સાથે કેવો સંબંધ હતો?

૧૮ ઈબ્રામ કોઈ પણ જગ્યાએ બહુ લાંબો સમય રહ્યા નહિ. “ત્યાર પછી ઈબ્રામ જતાં જતાં નેગેબની ગમ ગયો,” જે યહુદાહના પહાડોની દક્ષિણે આવેલો ઉજ્જડ વિસ્તાર હતો. (ઉત્પત્તિ ૧૨:૯) આમ, ઈબ્રામે આગળ વધતા જઈને દરેક નવી જગ્યાએ પોતાને યહોવાહના ઉપાસક તરીકે ઓળખાવ્યા. તેમણે અને તેમના કુટુંબે ‘કબૂલ કર્યું કે તેઓ પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી હતા.’ (હેબ્રી ૧૧:૧૩) તેઓ પોતાના મૂર્તિપૂજક પડોશીઓ સાથે જરાય ગાઢ સંબંધ રાખતા ન હતા. એવી જ રીતે, આજે ખ્રિસ્તીઓ પણ “જગતના નથી.” (યોહાન ૧૭:૧૬) આપણે પડોશીઓ અને સાથે કામ કરનારાઓ પ્રત્યે માયાળુ અને વિવેકી બનીએ છીએ. તેમ છતાં, આપણે પરમેશ્વરથી દૂર લઈ જતું જગતનું વલણ ન બતાવીએ એ માટે હંમેશા સાવધ રહીએ છીએ.—એફેસી ૨:૨, ૩.

૧૯. (ક) શા માટે ઈબ્રામ અને સારાયનું જીવન સહેલું ન હતું? (ખ) ઈબ્રામ માટે શું રાહ જોઈ રહ્યું હતું?

૧૯ આપણે એ કદી ન ભૂલીએ કે એકથી બીજી જગ્યાએ મુસાફરી કરવામાં ઈબ્રામ અને સારાય માટે જીવન કંઈ સહેલું ન હતું. ઉરના બજારમાંથી મળતા ખોરાકને બદલે, તેઓએ પોતાના ઢોરઢાંકનો ઉપયોગ કર્યો; તેઓ બાંધેલા મકાનોને બદલે તંબુઓમાં રહ્યા. (હેબ્રી ૧૧:૯) ઈબ્રામને પુષ્કળ કામ રહેતું હતું; તેમણે પોતાના ઢોરઢાંક અને ચાકરોને સંભાળવાના હતા. સારાય પણ એ સમયની બીજી સ્ત્રીઓની જેમ, અનાજ દળવું, રાંધવું, ઊન કાંતવું, કપડાં સીવવાં જેવાં ઘણાં કામો કરતી હશે. (ઉત્પત્તિ ૧૮:૬, ૭; ૨ રાજા ૨૩:૭; નીતિવચનો ૩૧:૧૯; હઝકીએલ ૧૩:૧૮) તોપણ, નવાં નવાં પરીક્ષણો જાણે તેઓની રાહ જ જોતાં હતાં. જલદી જ ઈબ્રામ અને તેમનું કુટુંબ, જીવન જોખમમાં મૂકે એવા સંજોગોમાં આવી પડવાનું હતું! શું ઈબ્રામનો વિશ્વાસ એ કસોટીમાં ટકી રહેશે?

[ફુટનોટ્‌સ]

^ હાલમાં ફ્રાત (યુફ્રેટીસ) નદી લગભગ ૧૬ કિલોમીટર સુધી પ્રાચીન ઉરની પૂર્વ બાજુએ વહે છે. તેમ છતાં, પુરાવા બતાવે છે કે પ્રાચીન સમયમાં આ નદી શહેરની પશ્ચિમ બાજુએથી વહેતી હતી. આમ, ઈબ્રામને “[ફ્રાત] નદીની પેલી ગમથી” આવનાર કહેવામાં આવ્યા.—યહોશુઆ ૨૪:૩.

^ સદીઓ પછી, આશ્શૂરના રાજા આસૂરનાસિરપાલ બીજાએ કાર્કમીશ નજીક ફ્રાત નદી પાર કરવા તરાપાનો ઉપયોગ કર્યો હતો. ઈબ્રામ અને તેમના કાફલાએ પણ એમ જ કર્યું હતું કે પછી પાણીમાંથી ચાલીને નદી પાર કરી હતી, એ વિષે બાઇબલ કંઈ જણાવતું નથી.

શું તમે નોંધ લીધી?

• શા માટે ઈબ્રામને ‘વિશ્વાસુઓના પૂર્વજ’ કહેવામાં આવ્યા?

• કાસ્દીઓનું ઉર છોડવા શા માટે ઈબ્રામને વિશ્વાસની જરૂર હતી?

• ઈબ્રામે કઈ રીતે યહોવાહની ઉપાસનાને પ્રથમ સ્થાન આપ્યું?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર નકશા]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

ઈબ્રામની મુસાફરી

ઉર

હારાન

કાર્કમીશ

કનાન

ભૂમધ્ય સમુદ્ર

[ક્રેડીટ લાઈન]

કૉપીરાઈટ નકશા પર આધારિત Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel

[પાન ૧૫ પર ચિત્ર]

ઉરનું સુખી જીવન છોડવા ઈબ્રામને દૃઢ વિશ્વાસની જરૂર પડી હશે

[પાન ૧૮ પર ચિત્ર]

તંબુઓમાં રહીને, ઈબ્રામ અને તેમના કુટુંબે ‘કબૂલ કર્યું કે તેઓ પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી હતા’