શું શેતાન અસ્તિત્વ ધરાવે છે?
શું શેતાન અસ્તિત્વ ધરાવે છે?
“આજે બહુ ઓછા લોકો પરમેશ્વરને વાસ્તવિક અને શક્તિશાળી વ્યક્તિ તરીકે માને છે, એવી જ રીતે, ઇતિહાસમાં એક વખતે ખ્રિસ્તી ચર્ચ, ડેવિલ, બાલઝબુલ અથવા શેતાનને દુષ્ટતાનો રાજા અને શક્તિશાળી તરીકે સમજતા હતા; યહુદીઓ અને શરૂઆતના ખ્રિસ્તીઓએ તેઓની આસપાસની દુષ્ટતાને અર્ધ-માનવ અને અર્ધ-પશુ તરીકે શેતાનનું રૂપ આપ્યું હતું. પાછળથી ખ્રિસ્તીઓને સમજાયું કે વાસ્તવમાં શેતાનનું કોઈ અસ્તિત્વ નથી ત્યારે, ધીમે ધીમે તેઓએ શેતાનમાં વિશ્વાસ કરવાનું છોડી દીધું.”—લુડોવિક કેનેડી દ્વારા “તે કેવળ કલ્પના છે—પરમેશ્વરને વિદાય.” (અંગ્રેજી)
લેખક અને પ્રસારક, લુડોવિક કેનેડીએ જણાવ્યું કે સદીઓથી ખ્રિસ્તી ધર્મની કોઈ પણ વ્યક્તિને શેતાનના અસ્તિત્વ વિષે શંકા ન હતી. એટલું જ નહિ, પ્રાધ્યાપક નોરમન કોન કહે છે કે એક સમયે ખ્રિસ્તીઓ “શેતાન અને તેના દુષ્ટ આત્માઓની શક્તિથી ખૂબ ડરતા હતા.” (યુરોપની આંતરિક દુષ્ટતા, અંગ્રેજી) આ ડર ફક્ત અભણ લોકોને જ ન હતો. દાખલા તરીકે, તેઓની માન્યતા હતી કે સર્વ દુષ્ટતા અને બીભત્સ વિધિઓમાં આગેવાની લેવા માટે શેતાન પ્રાણીનું સ્વરૂપ ધારણ કરીને આવતો હતો. “આ માન્યતા ફક્ત અભણ લોકોની લોકકથામાંથી જ આવી નથી, પરંતુ દુનિયાભરના બુદ્ધિશાળી લોકો પણ એવું જ માનતા હતા.” યુરોપમાં ૧૫થી ૧૭મી સદી દરમિયાન, ચર્ચ અને શહેરના અધિકારીઓએ ૫૦,૦૦૦ જેટલા લોકો પર જાદુગર કે ડાકણ હોવાનું તહોમત મૂકીને તેઓને મારી નાખવાનું કહ્યું ત્યારે, એ માટે “બુદ્ધિશાળી માણસો” અને ચર્ચના શિક્ષિત પાદરીઓ વધારે જવાબદાર હતા.
એમાં કોઈ શંકા નથી કે ઘણાએ શેતાન વિષેની પોતાની અંધશ્રદ્ધા પર આધારિત નકામા વિચારોનો પછી નકાર કર્યો હતો. વર્ષ ૧૭૨૬માં દાનીયેલ ડીફોએ લોકોની શેતાન વિષેની માન્યતાની હાંસી ઉડાવી. લોકો માનતા હતા કે શેતાન એક ભયંકર પ્રાણી છે, જેને “ચામાચીડિયા જેવી પાંખો, શિંગડાં, ખરીવાળા પગ, લાંબી પૂંછડી કે દેડકા જેવી જીભ છે.” તેમણે કહ્યું કે આવા વિચારો ‘ફક્ત કાલ્પનિક છે અને અજ્ઞાની જગતને છેતરવા માટે લોકોએ શેતાનની ધારણા કરીને એને ફેલાવી છે.’
શું તમે પણ એવું જ માનો છો? શું તમને પણ એવું લાગે છે કે “શેતાનને માણસે પોતાનાં પાપોને લીધે ઉપજાવી કાઢ્યો છે?” આ કથન ધ ઝોન્ડરવાન પીક્ટોરિયલ એન્સાઇક્લોપીડિયા ઑફ ધ બાઇબલમાં જોવા મળે છે અને ખ્રિસ્તી હોવાનો દાવો કરનારા ઘણા એવું વિચારે છે. જેફરી બર્ટન રસેલ જણાવે છે કે ખ્રિસ્તી ચર્ચના ઘણા ધર્મશાસ્ત્રીઓ “શેતાન અને તેના અપદૂતોમાં માનતા નથી અને તેઓ કહે છે કે એ તો અંધશ્રદ્ધા અને જૂના જમાનાની વાર્તાઓ છે.”
તોપણ, અમુક લોકો માટે શેતાન ખરેખર વાસ્તવિક વ્યક્તિ છે. તેઓ દલીલ કરે છે કે માનવ ઇતિહાસની દુષ્ટતા પાછળ એક પ્રકારના દુષ્ટ શક્તિશાળી આત્માનો હાથ છે. રસેલ કહે છે, “૨૦મી સદીમાં જે આતંક દેખાયો છે” એને કારણે, “શેતાનમાં લોકોની માન્યતાએ લાંબા સમય પછી ફરીથી દેખા દીધી છે.” લેખક ડૉન લુઈસ જણાવે છે કે ભૂતકાળમાં કેટલાક શિક્ષિત લોકો પોતાના “અભણ પૂર્વજોની” અંધશ્રદ્ધા અને ડરથી ભરેલી માન્યતાઓ પર હસતા હતા. પરંતુ, એ જ લોકો આજે માને છે કે “શેતાન અસ્તિત્વ ધરાવે છે.”—દાયકાઓથી ધાર્મિક અંધશ્રદ્ધા (અંગ્રેજી).
પરંતુ સત્ય હકીકત શું છે? શું શેતાનનું અસ્તિત્વ ખાલી અંધશ્રદ્ધા જ છે? અથવા, શું આ ૨૧મી સદીમાં પણ તેના અસ્તિત્વને ગંભીરતાથી સ્વીકારવું જોઈએ?
[પાન ૪ પર ચિત્ર]
આમાં બતાવેલા ગુસ્ટવ ડોરેના વર્ણન પ્રમાણે, અંધશ્રદ્ધાળુ પૂર્વજો શેતાનનું અર્ધ-માનવ અને અર્ધ-પશુ તરીકે વર્ણન કરતા હતા
[ક્રેડીટ લાઈન]
The Judecca—Lucifer/The Doré Illustrations For Dante’s Divine Comedy/Dover Publications Inc.