યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે
યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે
“યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઇ ખેદ મિશ્રિત નથી.”—નીતિવચનો ૧૦:૨૨.
૧, ૨. શા માટે ધનદોલતથી સાચું સુખ મળતું નથી?
આજે કરોડો લોકો ધનદોલત પાછળ મંડ્યા રહે છે. પરંતુ, શું એ તેઓને સુખ આપી શકે? ધ ઑસ્ટ્રેલિયન વીમેન્સ વીક્લી મેગેઝિન બતાવે છે: “લોકો જેટલા આજે ઉદાસ છે એટલા પહેલાં કદી ન હતા.” એમ કહેવામાં આવ્યું છે કે ઑસ્ટ્રેલિયાની આર્થિક પરિસ્થિતિ પહેલાંના કરતાં વધારે સારી છે. . . . તોપણ, આખા દેશમાં લોકો વધારે દુઃખી છે. સ્ત્રી-પુરુષો એવું માને છે કે તેઓના જીવનમાં કશાકની ખોટ છે. પરંતુ, શાની ખોટ છે એ તેઓ કહી શકતા નથી.” બાઇબલ સ્પષ્ટ રીતે બતાવે છે કે ભૌતિક વસ્તુઓ આપણને સુખ કે જીવન આપી શકતા નથી. એ કેટલું સાચું છે!—સભાશિક્ષક ૫:૧૦; લુક ૧૨:૧૫.
૨ બાઇબલ શીખવે છે કે પરમેશ્વરના આશીર્વાદમાંથી સાચું સુખ મળે છે. આ વિષે નીતિવચનો ૧૦:૨૨ બતાવે છે: “યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે. અને તેની સાથે કંઇ ખેદ મિશ્રિત નથી.” ભૌતિક વસ્તુઓના લોભથી હંમેશા દુઃખ આવે છે. તેથી, યોગ્ય રીતે જ પ્રેષિત પાઊલે ચેતવણી આપી: “જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે, કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે. કેમકે દ્રવ્યનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને કેટલાએક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.”—૧ તીમોથી ૬:૯, ૧૦.
૩. શા માટે યહોવાહના સેવકો પર દુઃખ આવે છે?
૩ બીજી બાજુ, ‘યહોવાહ દેવની વાણી સાંભળનાર’ સર્વને દુઃખ નહિ પણ આશીર્વાદ મળે છે. (પુનર્નિયમ ૨૮:૨) તોપણ, કેટલાક વિચારે છે કે, ‘જો યહોવાહના આશીર્વાદો સાથે કોઈ દુઃખ આવતું ન હોય તો, શા માટે તેમના અનેક સેવકો દુઃખ-તકલીફો સહે છે?’ બાઇબલ બતાવે છે કે આપણા પર જે દુઃખો આવે છે એને યહોવાહે પરવાનગી આપી છે. હકીકતમાં દુઃખ લાવનાર તો શેતાન, તેની દુષ્ટ વ્યવસ્થા અને આપણી પોતાની અપૂર્ણતા છે. (ઉત્પત્તિ ૬:૫; પુનર્નિયમ ૩૨:૪, ૫; યોહાન ૧૫:૧૯; યાકૂબ ૧:૧૪, ૧૫) યહોવાહ પાસેથી “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન” આવે છે. (યાકૂબ ૧:૧૭) તેથી, તેમના આશીર્વાદ કદી દુઃખ આપતા નથી. ચાલો આપણે યહોવાહના કેટલાંક સંપૂર્ણ દાનો વિષે વિચારીએ.
બાઇબલ, એક અમૂલ્ય ભેટ
૪. યહોવાહના લોકો આ “અંતના સમયમાં” કયા આશીર્વાદ અને અમૂલ્ય ભેટનો આનંદ માણે છે?
૪ “અંતના સમય” વિષે, દાનીયેલની ભવિષ્યવાણી બતાવે છે: “જ્ઞાનની વૃદ્ધિ થશે.” તેમ છતાં, આ શબ્દો બતાવે છે: “કોઈ પણ દુષ્ટ સમજશે નહિ; પણ જ્ઞાની જનો સમજશે.” (દાનીયેલ ૧૨:૪, ૧૦) એની કલ્પના કરો! બાઇબલમાં, ખાસ કરીને ભવિષ્યવાણીઓમાં પરમેશ્વરનું ડહાપણ જોવા મળે છે કે જેનો અર્થ દુષ્ટો નહિ પરંતુ યહોવાહના લોકો સમજી શકશે. પરમેશ્વરના દીકરાએ પ્રાર્થના કરી, “ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના ધણી, હું તારી સ્તુતિ કરૂં છું, કે જ્ઞાનીઓથી તથા બુદ્ધિમાનોથી તેં એ વાત ગુપ્ત રાખીને બાળકોને પ્રગટ કરી છે.” (લુક ૧૦:૨૧) ખરેખર, પરમેશ્વર યહોવાહનો લેખિત શબ્દ, બાઇબલ આપણા માટે અમૂલ્ય ભેટ છે. વધુમાં, જેઓને તેમણે આત્મિક સમજણ આપી છે તેઓ મધ્યે હોવું પણ કેવો આશીર્વાદ છે!—૧ કોરીંથી ૧:૨૧, ૨૭, ૨૮; ૨:૧૪, ૧૫.
૫. ડહાપણ શું છે અને એ આપણે કઈ રીતે મેળવી શકીએ?
૫ “જે જ્ઞાન [“ડહાપણ” NW] ઉપરથી” આવે છે એ આજે આપણી પાસે ન હોત તો આત્મિક સમજણ પણ ન હોત. (યાકૂબ ૩:૧૭) ડહાપણ એટલે જ્ઞાન અને સમજણ પ્રમાણે વર્તવાની કળા. એનો ઉપયોગ મુશ્કેલીઓ દૂર કરવા, જોખમો ટાળવાં, ધ્યેયો હાંસલ કરવા અથવા સાચી સલાહ આપવામાં થાય છે. તો પછી, આપણે કઈ રીતે પરમેશ્વરનું ડહાપણ મેળવી શકીએ? નીતિવચનો ૨:૬ બતાવે છે: “યહોવાહ જ્ઞાન [ડહાપણ, NW] આપે છે; તેના મુખમાંથી વિદ્યા તથા બુદ્ધિ [નીકળે છે].” હા, આપણે પ્રાર્થનામાં લાગુ રહીશું તો, યહોવાહ આપણને જરૂર ડહાપણ આપશે, જેમ તેમણે રાજા સુલેમાનને “જ્ઞાની તથા બુદ્ધિવંત હૃદય” આપ્યું હતું. (૧ રાજા ૩:૧૧, ૧૨; યાકૂબ ૧:૫-૮) ડહાપણ મેળવવા માટે, આપણે નિયમિત બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ અને એને લાગુ પાડીને યહોવાહનું સાંભળતા રહેવું જોઈએ.
૬. યહોવાહના નિયમો અને સિદ્ધાંતોને આપણાં જીવનોમાં લાગુ પાડવા શા માટે લાભદાયી છે?
૬ યહોવાહનું ડહાપણ ખાસ કરીને બાઇબલના નિયમો અને સિદ્ધાંતોમાં જોવા મળે છે. એ આપણને શારીરિક, માનસિક, લાગણીમય અને આત્મિક એમ સર્વ રીતે લાભદાયી છે. તેથી, ગીતશાસ્ત્રના લેખકે યોગ્ય રીતે જ લખ્યું: “યહોવાહનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે. યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; યહોવાહની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે. યહોવાહનું ભય શુદ્ધ છે, તે સર્વકાળ ટકે છે; યહોવાહના ઠરાવો સત્ય તથા તદન ન્યાયી છે. તેઓ સોના, હા, ઘણા ચોખ્ખા સોના કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે; મધ, હા, મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ મીઠાં છે.”—ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૦; ૧૧૯:૭૨.
૭. યહોવાહનાં ન્યાયી ધોરણોની અવગણના કરવાથી કયાં પરિણામો આવે છે?
૭ બીજી બાજુ, પરમેશ્વરનાં ન્યાયી ધોરણોની અવગણના કરે છે તેઓ સાચું સુખ અને સ્વતંત્રતા શોધે છે, પણ એ મેળવી શકતા નથી. વહેલા કે મોડા, તેઓ જાણશે કે પરમેશ્વરની મશ્કરી કરાય નહિ, કેમ કે વ્યક્તિ જેવું વાવશે એવું જ લણશે. (ગલાતી ૬:૭) બાઇબલ સિદ્ધાંતોની અવગણના કરનારા કરોડો લોકો બિનજરૂરી ગર્ભાવસ્થા, જીવલેણ બીમારી કે વ્યસનનો ભોગ બને છે. તેઓ જો સાચો પસ્તાવો કરીને પોતાના જીવનમાં ફેરફાર નહિ કરે તો, તેઓનો માર્ગ તેઓને મરણ તરફ દોરી જશે અને કદાચ તેઓનો યહોવાહના હાથે વિનાશ થશે.—માત્થી ૭:૧૩, ૧૪.
૮. બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવનારા શા માટે સુખી છે?
૮ તેમ છતાં, બાઇબલનું શિક્ષણ પોતાના જીવનમાં લાગુ પાડનારા, હમણાં તેમ જ ભવિષ્યમાં પણ ભરપૂર આશીર્વાદો મેળવશે. તેઓ પરમેશ્વરના નિયમોને કારણે મુક્તિ અનુભવે છે. તેથી, તેઓ સાચે જ સુખી છે. વળી, તેઓ પાપ અને મરણના મોંમાં લઈ જતી એની અસરોથી મુક્ત થવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. (રૂમી ૮:૨૦, ૨૧; યાકૂબ ૧:૨૫) આ આશા ચોક્કસ છે કારણ કે એ મનુષ્યો પર પુષ્કળ પ્રેમ બતાવીને યહોવાહે પોતાના એકના એક દીકરા, ઈસુ ખ્રિસ્તને ખંડણી બલિદાન તરીકે આપ્યા એના પર આધારિત છે. (માત્થી ૨૦:૨૮; યોહાન ૩:૧૬; રૂમી ૬:૨૩) પરમેશ્વરની આવી ઉત્તમ ભેટથી પારખી શકાય છે કે તે માણસજાત પર કેટલો પ્રેમ રાખે છે. વળી, એ ખાતરી આપે છે કે જેઓ તેમનું સાંભળતા રહેશે, તેઓને તે ભરપૂર આશીર્વાદો આપશે.—રૂમી ૮:૩૨.
પવિત્ર આત્મા માટે આભારી
૯, ૧૦. આપણે યહોવાહના પવિત્ર આત્માથી કઈ રીતે લાભ મેળવી શકીએ? ઉદાહરણ આપો.
૯ યહોવાહે આપેલી બીજી એક પ્રેમાળ ભેટ તેમનો પવિત્ર આત્મા છે, જે માટે આપણે આભારી છીએ. પેન્તેકોસ્ત ૩૩ સી.ઈ.ના રોજ, પ્રેષિત પીતરે યરૂશાલેમમાં હાજર રહેલા લોકોને વિનંતી કરી: “પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો, કે તમારાં પાપનું નિવારણ થાય; અને તમને પવિત્ર આત્માનું દાન મળશે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૮) આજે યહોવાહના પવિત્ર આત્મા માટે પ્રાર્થના કરતા અને તેમની ઇચ્છા પ્રમાણે કરવા માગતા તેમના સર્વ સમર્પિત સેવકોને તે પોતાનો પવિત્ર આત્મા આપે છે. (લુક ૧૧:૯-૧૩) પ્રાચીન સમયોમાં, વિશ્વની આ સૌથી મહાન શક્તિ, એટલે કે યહોવાહના પવિત્ર આત્માએ તેમના વિશ્વાસુ સેવકો અને શરૂઆતના ખ્રિસ્તીઓને શક્તિમાન કર્યા હતા. (ઝખાર્યાહ ૪:૬; પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૧) એ જ રીતે, આપણે પણ યહોવાહના સેવકો હોવાથી અડચણો કે મુશ્કેલીઓનો સામનો કરતા હોઈએ ત્યારે એ આપણને જરૂર મદદ કરશે.—યોએલ ૨:૨૮, ૨૯.
૧૦ લૉરેલનો વિચાર કરો, જેને પોલિયો થયો હતો. તેથી, તે ૩૭ વર્ષથી શ્વાસ લેવાના મશીનમાં જીવતી હતી. * તેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવા છતાં, તે પોતાના મરણ સુધી ઉત્સાહથી પરમેશ્વરની સેવા કરતી રહી. સમય જતાં, યહોવાહે તેને ભરપૂર આશીર્વાદો આપ્યા. દાખલા તરીકે, તે ચોવીસ કલાક મશીનમાં જ રહેતી હતી. તેમ છતાં, તેણે ૧૭ વ્યક્તિઓને બાઇબલમાંથી યહોવાહનું સત્ય શીખવા મદદ કરી! તેની પરિસ્થિતિ પ્રેષિત પાઊલના શબ્દોની યાદ અપાવે છે: “જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.” (૨ કોરીંથી ૧૨:૧૦) હા, આપણે યહોવાહના રાજ્યનો પ્રચાર કરવામાં સફળતા મેળવીએ છીએ એ કંઈ આપણી પોતાની ક્ષમતા કે શક્તિથી નથી. પરંતુ, એ પરમેશ્વરના પવિત્ર આત્માની મદદથી છે, જે યહોવાહ તેમનું સાંભળનારાને આપે છે.—યશાયાહ ૪૦:૨૯-૩૧.
૧૧. “નવું માણસપણું” કેળવનારમાં યહોવાહનો પવિત્ર આત્મા કયા ગુણો પેદા કરે છે?
૧૧ આપણે યહોવાહનું સાંભળતા રહીશું તો, તેમનો પવિત્ર આત્મા આપણામાં પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ જેવા ગુણો પેદા કરશે. (ગલાતી ૫:૨૨, ૨૩) આ ‘પવિત્ર આત્માનાં ફળ’ ‘નવા માણસપણાનો’ એક ભાગ છે જેને આપણે ખ્રિસ્તી બન્યા પછી, લોભ, હિંસા જેવા પહેલાંના અવગુણોને બદલીને કેળવીએ છીએ. (એફેસી ૪:૨૦-૨૪; યશાયાહ ૧૧:૬-૯) એમાં સૌથી વધારે મહત્ત્વનો ગુણ પ્રેમ છે, કેમ કે એ “સંપૂર્ણતાનું બંધન” છે.—કોલોસી ૩:૧૪.
ખ્રિસ્તી પ્રેમ
૧૨. કઈ રીતે તાબીથા અને પ્રથમ સદીના બીજા ખ્રિસ્તીઓએ પોતાનો પ્રેમ બતાવ્યો?
૧૨ ખ્રિસ્તી પ્રેમ પણ યહોવાહ તરફથી આપણને મળેલી ખૂબ જ મૂલ્યવાન ભેટ છે. એ પ્રેમ સિદ્ધાંત પર આધારિત છે. પરંતુ, એ પ્રેમ એટલો બધો મજબૂત છે કે એ કુટુંબના સગપણ કરતાં વિશ્વાસના સગાને વધારે નજદીક લાવે છે. (યોહાન ૧૫:૧૨, ૧૩; ૧ પીતર ૧:૨૨) દાખલા તરીકે, પ્રથમ સદીની એક ખ્રિસ્તી બહેન, તાબીથાનો વિચાર કરો. “તે બાઈ રૂડી કરણીઓમાં આગળ પડતી તથા પુષ્કળ દાનધર્મ કરતી હતી,” ખાસ કરીને તે મંડળની વિધવાઓને મદદ કરતી હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૬) આ વિધવા સ્ત્રીઓને ઘણા સગાંસંબંધીઓ હશે તોપણ, તાબીથા તેઓને મદદ કરવા અને ઉત્તેજન આપવા પોતાનાથી બનતું બધું જ કરતી હતી. (૧ યોહાન ૩:૧૮) તાબીથાએ કેવું સરસ ઉદાહરણ બેસાડ્યું! ભાઈબહેનો પ્રત્યેના પ્રેમને લીધે પ્રિસ્કા તથા આકુલાએ પાઊલ માટે ‘પોતાની ગરદનો ધરી.’ તેમ જ, પ્રેષિત પાઊલ રોમની કેદમાં હતા ત્યારે પ્રેમને લીધે એપાફ્રાસ, લુક, ઓનેસીફરસ અને બીજા ખ્રિસ્તી ભાઈબહેનો મદદ કરવા પ્રેરાયા. (રૂમી ૧૬:૩, ૪; ૨ તીમોથી ૧:૧૬; ૪:૧૧; ફિલેમોન ૨૩, ૨૪) હા, આજે ખ્રિસ્તીઓમાં જે “એકબીજા પર પ્રેમ” જોવા મળે છે એ પરમેશ્વર તરફથી ભેટ છે. એ પ્રેમ તેઓને ઈસુના સાચા ખ્રિસ્તીઓ તરીકે ઓળખાવે છે.—યોહાન ૧૩:૩૪, ૩૫.
૧૩. આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણે આપણા ખ્રિસ્તી ભાઈબહેનોની કદર કરીએ છીએ?
૧૩ શું તમે ખ્રિસ્તી મંડળોમાં જોવા મળતા પ્રેમની કદર કરો છો? શું તમે આપણા ખ્રિસ્તી ભાઈબહેનો માટે આભારી છો? તેઓ પણ યહોવાહ તરફથી એક આશીર્વાદ અને ભેટ છે, જે આપણને ધનવાન બનાવે છે. આપણે કઈ રીતે કદર બતાવી શકીએ? પરમેશ્વરની પવિત્ર સેવા કરીને, ખ્રિસ્તી સભાઓમાં ભાગ લઈને, પ્રેમ બતાવીને અને પવિત્ર આત્માનાં બીજા ફળો કેળવીને આપણે કદર બતાવી શકીએ.—ફિલિપી ૧:૯; હેબ્રી ૧૦:૨૪, ૨૫.
“માણસોને દાન”
૧૪. કોઈ ભાઈ સેવકાઈ ચાકર કે વડીલ બનવા ચાહે તો તેનામાં કેવી લાયકાતો હોવી જોઈએ?
૧૪ મંડળમાં ખ્રિસ્તી ભાઈઓ સેવકાઈ ચાકર કે વડીલો તરીકે પોતાના ભાઈબહેનોની સેવા કરવાનું ઇચ્છે એ એક સારો ધ્યેય છે. (૧ તીમોથી ૩:૧, ૮) એ લહાવાઓ માટે ખ્રિસ્તી ભાઈ પાસે કેવી લાયકાતો હોવી જોઈએ? તે આત્મિક મનવાળા, બાઇબલનું સારું જ્ઞાન ધરાવતા અને પ્રચાર કાર્યમાં ઉત્સાહી હોવા જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૨૪; ૧ તીમોથી ૪:૧૫; ૨ તીમોથી ૪:૫) એ ઉપરાંત તે નમ્ર, વિનયી અને ધીરજવાન હોવા જોઈએ. જો તે ઉદ્ધત, ઘમંડી અને મુખ્ય થવા ચાહતા હશે તો તેમના પર પરમેશ્વરનો આશીર્વાદ આવશે નહિ. (નીતિવચનો ૧૧:૨; હેબ્રી ૬:૧૫; ૩ યોહાન ૯, ૧૦) જો ભાઈએ લગ્ન કરેલા હોય તો, તે કુટુંબમાં દરેકની સારી સંભાળ રાખનાર પ્રેમાળ શિર હોવા જોઈએ. (૧ તીમોથી ૩:૪, ૫, ૧૨) આવા ભાઈઓ આત્મિક બાબતોની કદર કરતા હોવાથી, યહોવાહનો આશીર્વાદ મેળવશે.—માત્થી ૬:૯-૨૧.
૧૫, ૧૬. “માણસોને દાન” તરીકે કોણ પુરવાર થયું છે? ઉદાહરણો આપો.
૧૫ મંડળના વડીલો પ્રચાર કાર્યમાં, ભાઈબહેનોની દેખભાળ રાખવામાં અને શિક્ષણ કાર્યમાં આગેવાની લે છે ત્યારે, આપણે આવા ‘માણસોના દાનની’ કદર કરીએ છીએ. (એફેસી ૪:૮, ૧૧) તેઓની પ્રેમાળ સેવાઓમાંથી લાભ મેળવનારા હંમેશા કદર વ્યક્ત ન પણ કરે, પરંતુ, એ વિશ્વાસુ વડીલ જે કંઈ કરે છે એ સર્વ યહોવાહ જુએ છે. તેઓ યહોવાહના લોકોની સેવા કરીને જે પ્રેમ બતાવે છે એને તે ભૂલશે નહિ.—૧ તીમોથી ૫:૧૭; હેબ્રી ૬:૧૦.
૧૬ એક ખ્રિસ્તી છોકરીના મગજનું ઑપરેશન થવાનું હતું ત્યારે, એક મહેનતુ વડીલે તેની મુલાકાત લીધી એનો વિચાર કરો. કુટુંબના એક મિત્રે લખ્યું: “તે વડીલ ઘણા પ્રેમાળ, ટેકો આપનારા અને કાળજી લેનારા હતા. તેમણે અમારી સાથે યહોવાહને પ્રાર્થના કરવા વિનંતી કરી. તે પ્રાર્થના કરતા હતા ત્યારે, પિતા [જે યહોવાહના સાક્ષી ન હતા] રડવા લાગ્યા અને હૉસ્પિટલના એ ઓરડામાં દરેકની આંખોમાં આંસુ આવી ગયા. એ વડીલની પ્રાર્થના કેટલી પ્રેમાળ હતી અને યહોવાહ પણ કેટલા પ્રેમાળ છે કે જેમણે યોગ્ય સમયે એ વડીલને મોકલ્યા!” બીજી એક બહેન હૉસ્પિટલમાં હતી ત્યારે વડીલોએ તેની મુલાકાત લીધી. એ વિષે બહેને આમ કહ્યું: “તેઓ ઇન્ટેન્સીવ કૅર યુનિટમાં મારી પાસે આવ્યા ત્યારે, મને એવી ખાતરી થઈ કે હવે ગમે તે થાય, હું સહન કરી શકીશ. હું મક્કમ બની તેમ મારા દિલમાં શાંતિ થઈ.” શું કોઈ પણ આવો પ્રેમ ખરીદી શકે? ના, કદી નહિ! એ ખ્રિસ્તી મંડળો દ્વારા યહોવાહે આપેલી ભેટ છે.—યશાયાહ ૩૨:૧, ૨.
પ્રચાર કાર્યની ભેટ
૧૭, ૧૮. (ક) યહોવાહે પોતાના લોકોને સેવાની કઈ ભેટ આપી છે? (ખ) પ્રચાર કાર્યમાં આપણે સફળ થઈ શકીએ એ માટે યહોવાહે કઈ મદદ પૂરી પાડી છે?
૧૭ યહોવાહ સર્વોપરી હોવાથી તેમની સેવા કરવી આપણા માટે સૌથી મોટો લહાવો છે. (યશાયાહ ૪૩:૧૦; ૨ કોરીંથી ૪:૭; ૧ પીતર ૨:૯) સાચા દિલથી યહોવાહની સેવા કરવા ઇચ્છનાર, નાના-મોટા સર્વ માટે પ્રચાર કાર્યમાં જોડાવાનો લહાવો રહેલો છે. શું તમે આ મૂલ્યવાન ભેટનો લાભ ઉઠાવો છો? કેટલાક લોકો પોતે લાયક નથી એવું વિચારીને આ કાર્યમાં જોડાતા નથી. પરંતુ, યાદ રાખો કે યહોવાહ તેમના સેવકોને પવિત્ર આત્મા આપે છે, જેથી તેઓમાં કંઈ ખામી હોય તોપણ એ કામ કરવા લાયક બની શકે છે.—યિર્મેયાહ ૧:૬-૮; ૨૦:૧૧.
૧૮ યહોવાહે પોતાના નમ્ર સેવકોને રાજ્યના પ્રચારનું કાર્ય સોંપ્યું છે. તેમણે અભિમાની કે પોતાની આવડતથી ફુલાઈ જતા હોય એવા લોકોને એ કામ સોંપ્યું નથી. (૧ કોરીંથી ૧:૨૦, ૨૬-૨૯) નમ્ર અને વિનયી લોકો પ્રચાર કાર્યમાં ભાગ લે છે ત્યારે તેઓ પોતાની આવડત પર નહિ પણ યહોવાહની મદદ પર આધારિત રહે છે. વધુમાં, “વિશ્વાસુ તથા શાણો કારભારી” જે આત્મિક ખોરાક પૂરો પાડે છે એની પણ તેઓ કદર કરે છે.—લુક ૧૨:૪૨-૪૪; નીતિવચનો ૨૨:૪.
સુખી કૌટુંબિક જીવન—એક સુંદર ભેટ
૧૯. સફળ રીતે બાળકો ઉછેરવામાં શાની જરૂર છે?
૧૯ લગ્ન અને સુખી કૌટુંબિક જીવન પણ પરમેશ્વર તરફથી ભેટ છે. (રૂથ ૧:૯; એફેસી ૩:૧૪, ૧૫) બાળકો પણ “યહોવાહનું આપેલું ધન છે.” માબાપ બાળકોને યહોવાહના શિક્ષણમાં ઉછેરવામાં સફળ થાય છે ત્યારે તેઓને આનંદ થાય છે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૩) તમે માબાપ હોવ તો, તમારાં બાળકોને યહોવાહના શબ્દ અનુસાર તાલીમ આપીને પરમેશ્વરનું સાંભળતા રહો. એમ કરનારાઓ ખાતરી રાખી શકે કે યહોવાહ તેઓને મદદ કરશે અને ભરપૂર આશીર્વાદ આપશે.—નીતિવચનો ૩:૫, ૬; ૨૨:૬; એફેસી ૬:૧-૪.
૨૦. બાળકો સાચી ઉપાસના છોડી દે છે ત્યારે માબાપને શામાંથી મદદ મળી શકે?
૨૦ પરમેશ્વરનો ભય રાખનારા માબાપ, પોતાનાં બાળકોને સાચી ઉપાસનામાં ઉછેરવા ખૂબ મહેનત કરે છે. તેમ છતાં, બાળકો મોટા થાય છે ત્યારે યહોવાહની ઉપાસના કરવાનું છોડી દઈ શકે. (ઉત્પત્તિ ૨૬:૩૪, ૩૫) એ માબાપને ખૂબ જ દુઃખી કરી શકે. (નીતિવચનો ૧૭:૨૧, ૨૫) તેમ છતાં, આશા છોડી દેવાને બદલે, તેઓ ઈસુએ આપેલા ઉડાઉ દીકરાના ઉદાહરણને યાદ રાખીને દિલાસો મેળવી શકે. તે ઉડાઉ દીકરો પોતાનું ઘર છોડીને ખોટા માર્ગે ચઢી ગયો હતો છતાં, તે પોતાના પિતાના ઘરે પાછો ગયો ત્યારે તેના પિતાને બહુ જ આનંદ થયો હતો. (લુક ૧૫:૧૧-૩૨) બાબતો ગમે તે બને છતાં, વિશ્વાસુ ખ્રિસ્તી માબાપે એ ખાતરી રાખવી જોઈએ કે યહોવાહ તમારું દુઃખ સમજી શકે છે. તેમ જ, તે તમારી કાળજી રાખશે અને મદદ આપતા રહેશે.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૪.
૨૧. આપણે કોનું સાંભળવું જોઈએ અને શા માટે?
૨૧ તેથી, આપણે સર્વએ આપણા જીવનમાં ખરેખર શું મહત્ત્વનું છે એ પારખવું જોઈએ. શું આપણે ભૌતિક બાબતો પાછળ આંધળી દોટ મૂકીએ છીએ જે આપણા કુટુંબ પર આફત લાવી શકે? કે પછી આપણે ‘પ્રકાશોના પિતા’ તરફથી મળતા “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન” પાછળ મંડ્યા રહીએ છીએ? (યાકૂબ ૧:૧૭) “જૂઠાનો બાપ,” શેતાન ઇચ્છે છે કે આપણે ભૌતિક સંપત્તિ પાછળ આંધળી દોટ મૂકીને આપણું સુખ અને જીવન બંને ગુમાવીએ. (યોહાન ૮:૪૪; લુક ૧૨:૧૫) તેમ છતાં, યહોવાહને આપણામાં ઊંડો રસ છે અને તે હંમેશા આપણું ભલું જ ઇચ્છે છે. (યશાયાહ ૪૮:૧૭, ૧૮) તેથી, ચાલો આપણે યહોવાહનું સાંભળતા રહીએ અને હંમેશા તેમનામાં ‘આનંદ કરીએ.’ (ગીતશાસ્ત્ર ૩૭:૪) જો આપણે એ માર્ગ પર ચાલીશું તો, યહોવાહ અમૂલ્ય ભેટોથી અને અઢળક આશીર્વાદોથી આપણને ભરપૂર કરશે કે જેમાં કંઈ દુઃખ હશે નહિ.
[ફુટનોટ]
^ જાન્યુઆરી ૨૨, ૧૯૯૩ના સજાગ બનો! (અંગ્રેજી)માં પાન ૧૮-૨૧ પર જુઓ.
શું તમને યાદ છે?
• સૌથી વધારે સુખ ક્યાંથી મળી શકે?
• યહોવાહ પોતાના લોકોને કેટલીક કઈ ભેટો આપે છે?
• શા માટે પ્રચાર કાર્ય એક ભેટ છે?
• માબાપ બાળકોને ઉછેરે તેમ, યહોવાહનો આશીર્વાદ મેળવવા માટે શું કરી શકે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૬ પર ચિત્ર]
શું તમે યહોવાહની ભેટ, બાઇબલ માટે કદર બતાવો છો?
[પાન ૧૭ પર ચિત્ર]
ઘણી ખરાબ પરિસ્થિતિમાં પણ, લૉરેલ નિસ્બેટે ઉત્સાહથી યહોવાહની સેવા કરી
[પાન ૧૮ પર ચિત્રો]
તાબીથાની જેમ, આજના ખ્રિસ્તીઓ ભલું કરવા માટે જાણીતા છે
[પાન ૧૯ પર ચિત્ર]
મંડળના વડીલો ખ્રિસ્તી ભાઈબહેનોની પ્રેમાળ દેખભાળ રાખે છે