સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

પહેલો રાજા ૮:૮માં બતાવ્યા પ્રમાણે, પવિત્રસ્થાનમાંથી દેખાતા કરારકોશ ઊંચકવાના દાંડા ક્યાં રાખવામાં આવતા હતા?

યહોવાહે મુસાને અરણ્યમાં મંડપનો નકશો આપ્યો ત્યારે, એમાં મુખ્ય કરારકોશ હતો. આ કરારકોશ લંબચોરસ, સોનાથી મઢેલી પેટી હતી કે જેમાં નિયમની શિલાપાટીઓ અને બીજી વસ્તુઓ રાખવામાં આવતી હતી. એ પરમપવિત્રસ્થાનના સૌથી અંદરના ભાગમાં રાખવામાં આવતો હતો. કરારકોશની ઉપર પાંખો ફેલાવેલા બે સોનાના કરૂબો હતા. કરારકોશની ચારે બાજુ કડાં હતાં, જેની મદદથી બે દાંડા વડે એને ઊંચકી શકાતો હતો. એ દાંડા બાવળના લાકડાના બનેલા અને સોનાથી મઢેલા હતા. જે કડાંમાંથી દાંડા પસાર થતા હતા એ કરારકોશના લંબાઈવાળા ભાગ પર આવેલા હતા. આમ, મંડપના પરમપવિત્રસ્થાનમાં મૂકવામાં આવેલો કરારકોશ પૂર્વ દિશાએ હતો અને તેના દાંડાઓ ઉત્તર-દક્ષિણ દિશાએ આવતા હતા. સમય જતા સુલેમાને મંદિર બાંધ્યું ત્યારે, એમાં પણ કરારકોશને એ જ રીતે રાખવામાં આવતો હતો.—નિર્ગમન ૨૫:૧૦-૨૨; ૩૭:૪-૯; ૪૦:૧૭-૨૧. *

પડદો પરમપવિત્રસ્થાનને પવિત્રસ્થાનથી (બહારના ઓરડાથી) અલગ પાડતો હતો. પવિત્રસ્થાનમાંના યાજકો પરમપવિત્રસ્થાનમાં કે કરારકોશને જોઈ શકતા ન હતા, જેના પર પરમેશ્વરની પોતાની હાજરી હતી. (હેબ્રી ૯:૧-૭) આમ, ૧ રાજા ૮:૮ ગૂંચવણભર્યું લાગી શકે: “એ દાંડા એટલા લાંબા હતા, કે દાંડાના છેડા દેવવાણીસ્થાનની આગળના પવિત્રસ્થાનમાંથી દેખાતા હતા; પણ તે બહાર દેખાતા નહોતા; અને આજ સુધી તે ત્યાંજ છે.” એ જ બાબત ૨ કાળવૃત્તાંત ૫:૯માં પણ જોવા મળે છે. તો પછી, પવિત્રસ્થાનમાં હોય એ વ્યક્તિ કઈ રીતે દાંડા જોઈ શકે?

કેટલાકે કલ્પના કરી છે કે દાંડા પડદાને સ્પર્શતા હોવાથી, એનો ભાગ આગળ ઊપસી આવતો હતો. પરંતુ, એ તો શક્ય જ નથી, કેમ કે દાંડા તો ઉત્તર-દક્ષિણ દિશાએ અને પડદાની સમાંતરે હતા. (ગણના ૩:૩૮) વધારે વાજબી સમજણ પણ છે. પડદા અને મંદિરની દીવાલ વચ્ચે થોડી જગ્યા હોય તો, અથવા પ્રમુખ યાજક પરમપવિત્રસ્થાનમાં પ્રવેશે ત્યારે, દાંડા દેખાય શકે. પડદો કરારકોશના કોઈ પણ દેખાવને અવરોધરૂપ બની શકે, પરંતુ, દાંડાનો લાંબો ભાગ પડદા અને દીવાલ વચ્ચેની તિરાડમાંથી દેખાઈ શકે. આ સમજણ સાચી હોય પણ શકે, પરંતુ આપણે એના વિષે પોતાની જ સમજણ ખરી માની લેવી જોઈએ નહિ.

સ્પષ્ટપણે જ, આપણે હજુ ઘણી બાબતો જાણવાની બાકી છે. પ્રેષિત પાઊલે હેબ્રીઓને લખેલા પત્રમાં અમુક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાર પછી તેમણે કહ્યું: “હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તર કહેવાય એમ નથી.” (હેબ્રી ૯:૫) તોપણ, મંદિરની રચના અને કામગીરીથી સારી રીતે પરિચિત મુસા, હારૂન, બઝાલએલ અને બીજી વિશ્વાસુ વ્યક્તિઓનું પુનરુત્થાન થશે ત્યારે, તેઓ પાસેથી વધારે શીખવાની તક રહેલી છે.—નિર્ગમન ૩૬:૧.

[ફુટનોટ]

^ મંદિરમાં કરારકોશ મૂક્યા પછી પણ કડાંમાંથી દાંડા કાઢી નાખવામાં આવતા ન હતા. તેથી, દાંડાને બીજા કોઈ પણ હેતુ માટે ઉપયોગમાં લઈ શકાતા ન હતા અને કરારકોશને પણ કોઈ અડકે નહિ; ધારો કે, કડાંમાંથી દાંડા કાઢી નાખવામાં આવે તો, પવિત્ર કરારકોશને બીજી જગ્યાએ લઈ જતી વખતે ફરીથી કડાંમાં દાંડા નાખવા માટે એને અડકવો પડે. ગણના ૪:૬માં “દાંડા તેમાં ઘાલે,” એ ગોઠવવાને કે ભારે પેટીને નવી છાવણીમાં લઈ જવાની તૈયારીમાં દાંડામાં ફેરફાર કરવાને લાગુ પડી શકે છે.