સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારા અંતઃકરણની સંભાળ રાખો

તમારા અંતઃકરણની સંભાળ રાખો

તમારા અંતઃકરણની સંભાળ રાખો

ખોટી રીતે પ્રોગ્રામ કરેલા કોમ્પ્યુટર સંચાલિત વિમાનમાં મુસાફરી કરવાના વિચારથી પણ ધ્રૂજારી આવી જાય છે. એને બદલે, કલ્પના કરો કે કોઈએ વિમાનની માર્ગદર્શન પદ્ધતિમાં ચેડા કર્યા છે અથવા એના ડેટામાં જાણીજોઈને કોઈ ખોટા ફેરફારો કર્યા છે! એવી જ રીતે, રૂપકાત્મક અર્થમાં કોઈ તમારા અંતઃકરણ સાથે ચેડા કરે છે. તેણે તમારા અંતઃકરણનો નાશ કરવાનો નિર્ણય કર્યો છે. તેનો હેતુ, તમને પરમેશ્વર વિરુદ્ધ કરવાનો છે.—અયૂબ ૨:૨-૫; યોહાન ૮:૪૪.

આવા ખરાબ ચેડા કરનાર વ્યક્તિ કોણ છે? બાઇબલમાં તેને ‘જૂનો સર્પ, દુષ્ટાત્મા તથા શેતાન’ કહેવામાં આવ્યો છે, “જે આખા જગતને ભમાવે છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (પ્રકટીકરણ ૧૨:૯) તે એદન બાગમાં કાર્ય કરતા જોવા મળ્યો; તેણે શંકાશીલ દલીલનો ઉપયોગ કરીને હવા જે ખરું જાણતી હતી એની અવગણવા કરવા અને પરમેશ્વર વિરુદ્ધ બળવો પોકારવા સમજાવી હતી. (ઉત્પત્તિ ૩:૧-૬, ૧૬-૧૯) ત્યારથી, શેતાને એવા કપટી સંગઠનો ઊભા કર્યાં છે જે લોકોને પરમેશ્વર સાથે દુશ્મનાવટ કરવા તરફ દોરી જાય છે. મોટા ભાગના આ દુષ્ટ કૃત્યો કરનાર સંગઠનો, જૂઠો ધર્મ છે.—૨ કોરીંથી ૧૧:૧૪, ૧૫.

જૂઠો ધર્મ—અંતઃકરણને ભ્રષ્ટ કરે છે

બાઇબલના પ્રકટીકરણ પુસ્તકમાં જૂઠો ધર્મ સાંકેતિક રીતે વેશ્યા તરીકે જોવા મળે છે કે જેને મહાન બાબેલોન કહેવામાં આવે છે. તેના શિક્ષણે ઘણા લોકોની નૈતિકતાની લાગણીઓને મરડી નાખી છે અને તેઓને પોતાથી ભિન્‍ન માન્યતા ધરાવનારાઓ વિરુદ્ધ હિંસક રીતે વર્તવા અને ધિક્કારવા પ્રેર્યા છે. હકીકતમાં, પ્રકટીકરણ પ્રમાણે પરમેશ્વર પોતાના સેવકો સમેત “પૃથ્વી પર જેઓને મારી નાખવામાં આવ્યા છે,” તેઓના લોહી માટે મુખ્યત્વે જૂઠા ધર્મોને જવાબદાર ઠરાવે છે.—પ્રકટીકરણ ૧૭:૧-૬; પ્રકટીકરણ ૧૮:૩, ૨૪.

ઈસુએ પોતાના શિષ્યોને ચેતવણી આપી કે જૂઠો ધર્મ કેટલાકના નૈતિક ધોરણોને ખોટી રીતે રજૂ કરશે. તેમણે કહ્યું: “એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે દેવની સેવા કરે છે, એમ તેને લાગશે.” આવી હિંસા આચરનારાઓ નૈતિક રીતે કેવા આંધળા છે! ઈસુએ કહ્યું: “તેઓ બાપને તથા મને ઓળખતા નથી.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (યોહાન ૧૬:૨, ૩) ઈસુએ આ શબ્દો કહ્યા એના થોડા જ સમય પછી, તેમને અમુક ધાર્મિક ગુરુઓની આજ્ઞાથી મારી નાખવામાં આવ્યા, જેઓએ પોતાના અંતઃકરણ પ્રમાણે આ ગુનો કર્યો હતો. (યોહાન ૧૧:૪૭-૫૦) એનાથી વિપરીત, ઈસુએ કહ્યું કે તેમના અનુયાયીઓ તેઓમાં રહેલા પ્રેમને લીધે ઓળખાય છે. પરંતુ, તેઓનો પ્રેમ શિષ્યો પૂરતો જ નથી કેમ કે તેઓએ પોતાના દુશ્મનોને પણ પ્રેમ કરવાનો છે.—માત્થી ૫:૪૪-૪૮; યોહાન ૧૩:૩૫.

જૂઠા ધર્મની બીજી રીત એ છે કે એ પ્રખ્યાત હોય એવી ગમે તેવી નૈતિકતા કે અનૈતિકતાને ટેકો આપીને ઘણાઓનાં અંતઃકરણનો નાશ કરે છે. આ વિષે ભાખતા પ્રેષિત પાઊલે કહ્યું: “એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ; પણ કાનમાં ખજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારૂ ભેગા કરશે.”—૨ તીમોથી ૪:૩.

આજકાલ, લગ્‍ન વિના પણ જાતીયતાનો આનંદ માણવો પરમેશ્વરને સ્વીકાર્ય હોય શકે એમ કહીને ધાર્મિક ગુરુઓ લોકોના કાનમાં ખંજવાળ લાવે છે. બીજાઓ સજાતીય કુકર્મ પ્રત્યે આંખ આડા કાન કરે છે. હકીકતમાં, અમુક પાદરીઓ પોતે જ સજાતીય કુકર્મ આચરે છે. ધ ટાઈમ્સ બ્રિટિશ છાપામાં એક લેખે જણાવ્યું કે ચર્ચ ઑફ ઇંગ્લૅંડની ધાર્મિક સમિતિમાં “સજાતીય કુકર્મ કરનારા તેર પ્રખ્યાત પાદરીઓને” ચૂંટવામાં આવ્યા હતા. ચર્ચના ધાર્મિક ગુરુઓ જ બાઇબલની નૈતિકતાને બાજુ પર મૂકી દેતા હોય અને તેઓના ચર્ચ નૈતિકતાને જાળવવા નામનો જ પ્રયત્ન કરતા હોય ત્યારે, ચર્ચમાં જનારાઓ કેવાં ધોરણો અપનાવશે? તેથી, આજે કરોડો લોકો એનાથી ગૂંચવણમાં પડ્યા હોય એ કંઈ નવાઈની વાત નથી.

તો પછી, સ્પષ્ટ નિર્દેશન જેવા બાઇબલમાં આપવામાં આવેલા નૈતિક અને આત્મિક સત્યમાંથી માર્ગદર્શન મેળવવું કેવું સારું છે! (ગીતશાસ્ત્ર ૪૩:૩; યોહાન ૧૭:૧૭) દાખલા તરીકે, બાઇબલ શીખવે છે કે વ્યભિચારીઓને તથા લંપટોને “દેવના રાજ્યનો વારસો મળશે નહિ.” (૧ કોરીંથી ૬:૯, ૧૦) એ આપણને કહે છે કે જે પુરુષો અને સ્ત્રીઓ “સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર” કરે છે તેઓ પરમેશ્વરની નજરમાં “અનુચિત કામ” કરે છે. (રૂમી ૧:૨૬, ૨૭, ૩૨) આ નૈતિક સત્ય કંઈ અપૂર્ણ માણસોએ નથી બનાવ્યું; એ તો પરમેશ્વરથી પ્રેરિત ધોરણો પર આધારિત છે કે જે તેમણે ક્યારેય રદ કર્યા નથી. (ગલાતી ૧:૮; ૨ તીમોથી ૩:૧૬) અંતઃકરણ બૂઠું કરવાની શેતાન પાસે બીજી રીતો પણ છે.

મનોરંજનની પસંદગી કરો

કોઈને ખરાબ કૃત્ય કરવા બળજબરી કરવી એ તો ખરાબ છે જ, પરંતુ, તેનામાં એ કૃત્ય કરવાની ઇચ્છા ઉત્પન્‍ન કરવી એનાથી પણ વધારે ખરાબ છે. ‘આ જગતના અધિકારી,’ શેતાનનો પણ એવો જ ધ્યેય છે. તે મૂર્ખ અને અજાણ, ખાસ કરીને મોટા ભાગના યુવાનોના હૃદય અને મનમાં પોતાના ભ્રષ્ટ વિચારોની છાપ પાડવા ખરાબ સાહિત્ય, ફિલ્મો, સંગીત, કોમ્પ્યુટર રમતો અને ઇંટરનેટ પર અશ્લીલ સાઈટ્‌સનો ઉપયોગ કરે છે.—યોહાન ૧૪:૩૦; એફેસી ૨:૨.

દૈનિક વર્તમાનપત્ર પેડીએટ્રીક્સમાં એક અહેવાલે કહ્યું, “[અમેરિકામાં] યુવાન લોકો દર વર્ષે અંદાજે ૧૦,૦૦૦ હિંસક કૃત્યો જોતા હોય છે. બાળકો માટે ટીવી કાર્યક્રમો વધારે હિંસક થતા જાય છે.” અહેવાલ એ પણ બતાવે છે કે “દર વર્ષે તરુણો લગભગ ૧૫,૦૦૦ જાતીય બાબતોને લગતાં દ્રશ્યો અને જોક્સ જોતા હોય છે.” અહેવાલ આગળ જણાવે છે કે સાંજના સાતથી અગિયાર વાગ્યા સુધીમાં ટીવી પર “એક કલાકમાં આઠથી પણ વધારે જાતીયતાને લગતા કિસ્સા જોવા મળે છે, જે ૧૯૭૬ કરતાં ચાર ગણા વધારે છે.” એમાં કંઈ નવાઈ નથી, અભ્યાસમાં એ પણ જોવા મળ્યું કે “નાટકીય ઢબે બીભત્સ ભાષામાં પણ વધારો થયો છે.” પરંતુ, બાઇબલ અને વિજ્ઞાનનો પુષ્કળ અભ્યાસ કરનારાઓ ચેતવણી આપે છે કે આવી માહિતીને સતત જોવાથી લોકો પર એની ખરાબ અસર પડે છે. તેથી, તમે પરમેશ્વરને ખરેખર ખુશ કરવા માંગતા હોવ અને પોતે લાભ મેળવવા ઇચ્છતા હોવ તો, નીતિવચન ૪:૨૩ની ચેતવણીને ધ્યાન આપો જે કહે છે: “પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ; કેમકે તેમાંથી જ જીવનનો ઉદ્‍ભવ છે.”—યશાયાહ ૪૮:૧૭.

વધારે પ્રખ્યાત સંગીત પણ અંતઃકરણને ભ્રષ્ટ કરે છે. ઑસ્ટ્રેલિયન છાપુ, ધ સન્ડે મેઈલ અહેવાલ આપે છે કે યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં એક ગાયકનાં ગીતો ઘણાં પ્રખ્યાત અને ટોચ પર છે જેને સાંભળતા “આઘાત પહોંચે એવાં બનાવવા તેણે ખાસ પ્રયત્નો કર્યા હતા.” લેખ આગળ જણાવે છે કે “તેનાં ગીતો કેફી પદાર્થો, નજીકનાં સગાં સાથે જાતીય સંબંધ અને બળાત્કારને વધારે મહત્ત્વ આપે છે. એક ગીતમાં તે પોતાની પત્નીને મારી નાખીને તેના શરીરને સરોવરમાં ફેંકી દેવા વિષે પણ ગાય છે.” એ છાપાએ ગીતના બીજા ઘણા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે પરંતુ એ શબ્દો અહીં વર્ણવી શકાય એવા નથી. તોપણ, તેનાં ગીતોને ઍવૉર્ડ મળ્યો છે. ઉપર વર્ણવવામાં આવેલા નુકસાનકારક વિચારો, પછી ભલેને સંગીત સાથે એની ભેળસેળ કરવામાં આવી હોય તોપણ, શું તમે એને તમારા મન અને હૃદયમાં ભરવા ઇચ્છશો? ચોક્કસ નહિ! જેઓ પોતાના અંતઃકરણને એવાં કાર્યોથી ભ્રષ્ટ કરે છે અને આખરે પોતાના ‘હૃદયને ભૂંડું’ કરે છે તેઓ પોતાને પરમેશ્વરના દુશ્મન બનાવે છે.—હેબ્રી ૩:૧૨; માત્થી ૧૨:૩૩-૩૫.

તેથી, કાળજીપૂર્વક તમારા મનોરંજનની પસંદગી કરો. બાઇબલ સલાહ આપે છે: “જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે; જો કોઈ સદ્‍ગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.”—ફિલિપી ૪:૮.

સંગત તમારા અંતઃકરણને અસર કરે છે

નીલ અને ફ્રાન્ઝ ખ્રિસ્તી ભાઈબહેનોની સંગતનો હૃદયપૂર્વક આનંદ માણતા હતા. * પરંતુ, નીલે કહ્યું કે સમય જતા “મેં દુષ્ટ લોકોની સોબત કરવાનું શરૂ કર્યું.” પરિણામે, તેણે અપરાધ કર્યો અને તેને જેલની સજા થઈ. હવે તે એ વિષે પસ્તાય છે. ફ્રાન્ઝનો કિસ્સો પણ એવો જ છે. તે અતિશય દુઃખી થતા કહે છે, “હું એમ વિચારતો હતો કે દુન્યવી યુવાનો સાથે રહીને પણ હું તેઓથી અલગ રહી શકું છું. પરંતુ, ગલાતી ૬:૭ કહે છે તેમ, ‘દેવની મશ્કરી કરાય નહિ, કોઈ માણસ જે કંઈ વાવે તેજ તે લણશે.’ હું મારા કડવાં અનુભવોથી સમજ્યો કે યહોવાહ સાચા હતા અને હું ખોટો હતો. મેં ખોટું કર્યું હોવાથી, મને જન્મટીપની સજા થઈ.”

નીલ અને ફ્રાન્ઝ જેવા લોકો સામાન્ય રીતે રાતોરાત ગુનો કરવા દોરાતા નથી; સૌ પહેલાં તો તેઓના મનમાં ગુનો કરવાનો વિચાર સુદ્ધાં હોતો નથી. તેઓ ધીમે ધીમે એ તરફ ફરતા હોય છે, પરંતુ પ્રથમ પગલું હંમેશા દુષ્ટ સોબતથી હોય છે. (૧ કોરીંથી ૧૫:૩૩) ત્યાર પછી, તેઓ કેફી પદાર્થ અને દારૂ તરફ ફરે છે. હકીકતમાં, અંતઃકરણને યોગ્ય રીતે જ આપણા “વ્યક્તિત્વના ભાગ” તરીકે વર્ણવવામાં આવ્યું છે જે “દારૂમાં ભળી જાય છે.” એ અપરાધ અને અનૈતિકતાની દુનિયામાં ડગ માંડવાનું ફક્ત નાનું પગલું છે.

તો પછી, શા માટે એ પ્રથમ પગલું ભરવું જોઈએ? એને બદલે, પરમેશ્વરને પ્રેમ કરતા લોકો સાથે સંગત કરો. તેઓ તમને તમારા અંતઃકરણની સંભાળ રાખવા મદદ કરશે, જે તમને તમારા ઘણાં દુઃખ દૂર કરવા માર્ગદર્શન આપશે. (નીતિવચન ૧૩:૨૦) નીલ અને ફ્રાન્ઝ હજુ પણ જેલમાં છે તોપણ, તેઓ પોતાના અંતઃકરણને પરમેશ્વર તરફથી ભેટ તરીકે જુએ છે જેને યોગ્ય તાલીમની જરૂર છે. તેઓ ખરેખર એને કીમતી ગણે છે. વધુમાં, તેઓ યહોવાહ પરમેશ્વર સાથે સારો સંબંધ બાંધવા સખત મહેનત કરે છે. તેથી, સમજુ બનો અને તેઓની ભૂલોમાંથી શીખો.—નીતિવચન ૨૨:૩.

તમારા અંતઃકરણની કાળજી રાખો

આપણે પરમેશ્વરનો હિતકર ભય રાખીને તેમના પ્રત્યે આપણા પ્રેમ અને વિશ્વાસને દૃઢ કરીએ છીએ ત્યારે, આપણે બતાવીએ છીએ કે આપણે પોતાના અંતઃકરણની સંભાળ રાખવા ઇચ્છીએ છીએ. (નીતિવચન ૮:૧૩; ૧ યોહાન ૫:૩) બાઇબલ બતાવે છે કે અંતઃકરણમાં આવી અસરો નહિ હોય તો, એનાથી નૈતિક સ્થિરતા રહેતી નથી. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૧૪:૧ એવા લોકો વિષે બતાવે છે જેઓ માને છે કે “દેવ છે જ નહિ.” વિશ્વાસની આ ખામી કઈ રીતે તેઓનાં કાર્યો પર અસર કરે છે? કલમ આગળ કહે છે: “તેઓ પતિત છે, તેઓએ અમંગળ કૃત્યો કર્યાં છે.”

પરમેશ્વરમાં જેઓને વિશ્વાસ નથી તેઓ પાસે પણ સારા ભવિષ્યની કોઈ આશા નથી. તેઓ પોતાની દૈહિક ઇચ્છાઓને સંતોષીને વર્તમાન માટે જ જીવતા હોય છે. તેઓની આવી ફિલસૂફી છે: “ખાઈએ તથા પીઈએ, કેમકે કાલે આપણે મરવાના છીએ.” (૧ કોરીંથી ૧૫:૩૨) બીજી બાજુ, અનંતજીવનના ઈનામ પર નજર રાખનારાઓ આ દુનિયાની ક્ષણિક ખુશીઓથી લલચાઈ જતા નથી. વિમાનનું નિયંત્રણ કરનાર કોમ્પ્યુટર ચોક્કસ માહિતી આપે છે તેમ, તેઓનું તાલીમ પામેલું અંતઃકરણ તેઓને પરમેશ્વરને વફાદાર રહેવાના માર્ગ પર દોરી જશે.—ફિલિપી ૩:૮.

તમારું અંતઃકરણ તમને માર્ગદર્શન આપતું રહે એ માટે, એને પરમેશ્વરના શબ્દમાંથી નિયમિત માર્ગદર્શન લેવાની જરૂર છે. બાઇબલમાં આવું માર્ગદર્શન પ્રાપ્ય છે અને એ સ્પષ્ટ રીતે વર્ણવતા કહે છે: “તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પછવાડેથી એવી વાત આવતી સાંભળશે, કે માર્ગ આ છે, તે પર તમે ચાલો.” (યશાયાહ ૩૦:૨૧) તેથી, નિયમિત બાઇબલ અભ્યાસ માટે સમય કાઢો. તમે સાચું કરવા સંઘર્ષ કરતા હોવ અથવા ચિંતા કે મૂંઝવણથી ઘેરાઈ ગયા હોવ ત્યારે એ તમને ઉત્તેજન આપીને દૃઢ કરશે. ખાતરી રાખો કે તમે યહોવાહમાં પૂરેપૂરો ભરોસો રાખશો તો તે તમને નૈતિક અને આત્મિક રીતે માર્ગદર્શન આપશે. હા, ગીતકર્તાના શબ્દોને અનુસરો જેમણે લખ્યું: “મેં મારી સંમુખ યહોવાહને નિત્ય રાખ્યો છે; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઇ નથી.”—ગીતશાસ્ત્ર ૧૬:૮; ગીતશાસ્ત્ર ૫૫:૨૨.

[ફુટનોટ]

^ નામ બદલવામાં આવ્યાં છે.

[પાન ૫ પર ચિત્રો]

જૂઠા ધર્મને બાઇબલમાં “મહાન બાબેલોન” તરીકે વર્ણવવામાં આવ્યું છે જે ઘણાના અંતઃકરણને બૂઠું કરે છે

[ક્રેડીટ લાઈન]

પાદરી સૈનિકોને આશીર્વાદ આપે છે: U.S. Army photo

[પાન ૬ પર ચિત્રો]

હિંસા અને અનૈતિકતા જોવાથી તમારા જ અંતઃકરણને નુકસાન થશે

[પાન ૭ પર ચિત્ર]

પરમેશ્વરના શબ્દ, બાઇબલમાંથી નિયમિત માર્ગદર્શન મેળવવાથી તમારા અંતઃકરણનું રક્ષણ થશે