સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“સહનશીલતા પહેરો”

“સહનશીલતા પહેરો”

“સહનશીલતા પહેરો”

“દયાળુ હૃદય, . . . તથા સહનશીલતા પહેરો.”—કોલોસી ૩:૧૨.

૧. સહનશીલતાના સરસ ઉદાહરણનું વર્ણન કરો.

 ફ્રાન્સના નૈઋત્યમાં રહેતા રૅજીએ ૧૯૫૨માં યહોવાહના સાક્ષી તરીકે બાપ્તિસ્મા લીધું. તેમની પત્નીએ તેમને યહોવાહની સેવા કરતા અટકાવવા પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા હતા. રૅજીને ખ્રિસ્તી સભાઓમાં જતા રોકવા તે તેમના વાહનના ટાયરમાં પંક્ચર પાડતી હતી. એક વાર રૅજી ઘરઘરનું પ્રચાર કાર્ય કરી રહ્યા હતા ત્યારે, તેમની પાછળ જઈને તે ઘરમાલિક સામે તેમની મશ્કરી કરવા લાગી. આવા સતત વિરોધ છતાં, રૅજીએ સહનશીલતા બતાવવાનું ચાલુ રાખ્યું. આમ, તેમણે ખ્રિસ્તીઓ માટે સારું ઉદાહરણ બેસાડ્યું. યહોવાહ પણ એમ જ ઇચ્છે છે કે તેમના ઉપાસકો બીજા લોકો સાથેના વ્યવહારમાં સહનશીલતા બતાવે.

૨. “સહનશીલતા” માટેના ગ્રીક શબ્દનો શાબ્દિક અર્થ શું થાય છે અને એ શું બતાવે છે?

“સહનશીલતા” માટેના ગ્રીક શબ્દનું શાબ્દિક ભાષાંતર, “વર્તણૂકનો લાંબો સમય” થાય છે. આ શબ્દ માટે ગુજરાતી બીએસઆઈ બાઇબલમાં દસ વખત “સહનશીલતા,” ત્રણ વાર “ધીરજ” અને એક વાર “ધૈર્ય” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હેબ્રી અને ગ્રીક બંને શબ્દોનું ભાષાંતર “સહનશીલતા” કરવામાં આવ્યું છે જેમાં ધીરજ, ધૈર્ય અને ગુસ્સો કરવામાં ધીમા થવાનો સમાવેશ થાય છે.

૩. સહનશીલતાને પ્રથમ સદીના ગ્રીકો કરતાં ખ્રિસ્તીઓ કઈ રીતે અલગ જોતા હતા?

પ્રથમ સદીના ગ્રીક લોકો સહનશીલતાને એક સારા ગુણ તરીકે જોતા ન હતા. એ શબ્દને સ્ટોઈક મત માનનારાઓએ પણ કદી ઉપયોગમાં લીધો નથી. બાઇબલ વિદ્વાન વિલ્યમ બાર્કલે અનુસાર, સહનશીલતા “ગ્રીક ગુણોનો એકદમ વિરોધાભાસ છે.” ગ્રીસના લોકો બીજી ઘણી બાબતોમાં બડાઈ હાંકતા હતા જેમાં, “કોઈ પણ પ્રકારના અપમાન કે નુકસાનને સહન ન કરી લેવાનો” સમાવેશ થતો હતો. તે બતાવે છે: “ગ્રીસના લોકોમાં, બદલો લેવા પોતાનાથી બનતું બધું જ કરે એ વ્યક્તિને મહાન ગણવામાં આવતી હતી. પરંતુ, ખ્રિસ્તીઓ માટે વ્યક્તિ બદલો લઈ શકે એમ હોય છતાં, બદલો ન લે તેવી વ્યક્તિને મહાન ગણવામાં આવે છે.” ગ્રીસના લોકો સહનશીલતાને નબળાઈ તરીકે જોતા હોય શકે. પરંતુ, બીજી બાજુ, બાઇબલમાં “માણસો[ના જ્ઞાન કરતાં] દેવની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે, અને માણસો[ની શક્તિ] કરતાં દેવની નિર્બળતામાં વિશેષ શક્તિ છે.”—૧ કોરીંથી ૧:૨૫.

ખ્રિસ્તની સહનશીલતાનું ઉદાહરણ

૪, ૫. ઈસુએ સહનશીલતાનું કેવું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું?

યહોવાહ પછી ઈસુ ખ્રિસ્તે સહનશીલતાનું સરસ ઉદાહરણ બેસાડ્યું. તે સખત દબાણ હેઠળ હતા ત્યારે, તેમણે ઘણો આત્મસંયમ બતાવ્યો. તેમના વિષે ભાખવામાં આવ્યું હતું કે ‘તેમના પર જુલમ ગુજારવામાં આવ્યો તોપણ તેમણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહિ; હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવા, અને ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે, તેના જેવા તે હતા; તેમણે તો પોતાનું મોં ઉઘાડ્યું જ નહિ.’—યશાયાહ ૫૩:૭.

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે પોતાના સેવાકાર્યમાં કેવી નોંધપાત્ર સહનશીલતા બતાવી! તેમણે તેમના દુશ્મનોના કપટી સવાલો અને વિરોધીઓએ કરેલા અપમાનને સહન કર્યા. (માત્થી ૨૨:૧૫-૪૬; ૧ પીતર ૨:૨૩) તેમના શિષ્યો, તેઓમાંથી કોણ મોટું છે એ વિષે સતત વિવાદ કરતા હતા ત્યારે પણ તેમણે ધીરજ બતાવી. (માર્ક ૯:૩૩-૩૭; ૧૦:૩૫-૪૫; લુક ૨૨:૨૪-૨૭) ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા એ રાતે તેમણે પીતર અને યોહાનને ‘જાગતા રહેવાનું’ કહ્યું હતું છતાં, તેઓ ઊંઘી ગયા ત્યારે તેમણે કેવો નોંધપાત્ર આત્મસંયમ બતાવ્યો!—માત્થી ૨૬:૩૬-૪૧.

૬. પાઊલને કઈ રીતે ખ્રિસ્તની સહનશીલતામાંથી લાભ મળ્યો અને એમાંથી આપણે શું શીખી શકીએ?

ઈસુ મરણ પામ્યા પછી ફરી સજીવન થયા ત્યારે પણ તેમણે સહનશીલતા બતાવી. ખાસ કરીને પ્રેષિત પાઊલ આ બાબતમાં વધારે વાકેફગાર હતા, કેમ કે તે અગાઉ ખ્રિસ્તીઓની સતાવણી કરનારા હતા. પાઊલે લખ્યું: “આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે, કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને સારૂ જગતમાં આવ્યો; એવા [પાપીઓ]માં હું મુખ્ય છું; અનંતજીવનને સારૂ જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેઓને માટે હું નમૂનારૂપ થાઉં, માટે મારા પર દયા કરવામાં આવી, કે તેથી તે પોતાની પૂરી સહનશીલતા મારા સંબંધમાં પ્રગટ કરે.” (૧ તીમોથી ૧:૧૫, ૧૬) આપણે ભૂતકાળમાં ભલે ગમે તેવાં કાર્યો કર્યા હોય, પરંતુ જો આપણે ઈસુ પર વિશ્વાસ રાખીએ તો, તે આપણા પ્રત્યે સહનશીલતા બતાવશે. પરંતુ એ પહેલાં, તે આપણે “પસ્તાવો કરનારને છાજે એવાં કૃત્યો” કરીએ એવી અપેક્ષા રાખે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૦; રૂમી ૨:૪) ખ્રિસ્તે એશિયા માઈનોરની સાત મંડળીઓને મોકલેલા સંદેશાઓ બતાવે છે કે તે સહનશીલતા બતાવી રહ્યા છે એ જ સમયે, તેઓ પોતાના વર્તનમાં સુધારો કરે એવી તે અપેક્ષા રાખે છે.—પ્રકટીકરણ અધ્યાય ૨ અને.

આત્માનું ફળ

૭. સહનશીલતા અને પવિત્ર આત્મા વચ્ચે શું સંબંધ છે?

ગલાતીઓને લખેલા પત્રના પાંચમા અધ્યાયમાં, પાઊલ દેહનાં કામ અને આત્માનાં ફળ વચ્ચેનો તફાવત બતાવે છે. (ગલાતી ૫:૧૯-૨૩) સહનશીલતા યહોવાહનો ગુણ હોવાથી, આ ગુણ તેમનામાંથી આવે છે અને એ તેમના પવિત્ર આત્માનું ફળ છે. (નિર્ગમન ૩૪:૬, ૭) ખરેખર, પાઊલે પવિત્ર આત્માનાં ફળોનું વર્ણન કર્યું એમાં સહનશીલતા ચોથા ક્રમે આવે છે. પવિત્ર આત્માનાં ફળ “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે.” (ગલાતી ૫:૨૨, ૨૩) એ કારણે, પરમેશ્વરના સેવકો તેમણે બતાવેલી ધીરજ કે સહનશીલતા બતાવે છે ત્યારે તેઓ પવિત્ર આત્માની મદદથી એ કરી શકે છે.

૮. કઈ બાબત આપણને સહનશીલતા સાથે પવિત્ર આત્માનાં બીજાં ફળો વિકસાવવા મદદ કરશે?

તેમ છતાં, એનો અર્થ એવો નથી થતો કે યહોવાહ પોતાનો પવિત્ર આત્મા વ્યક્તિ પર રેડી દે છે. આપણે એ મેળવવા તૈયાર હોવા જ જોઈએ. (૨ કોરીંથી ૩:૧૭; એફેસી ૪:૩૦) આપણે પવિત્ર આત્માનાં ફળો વિકસાવીને જે કંઈ કરીએ એમાં પવિત્ર આત્માને આપણા જીવનમાં કાર્ય કરવા દઈએ છીએ. દેહનાં કામો અને પવિત્ર આત્માનાં ફળોની યાદી આપ્યા પછી, પાઊલે ઉમેર્યું: “જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ: કોઈ માણસ જે કંઈ વાવે તેજ તે લણશે. કેમકે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે.” (ગલાતી ૫:૨૫; ૬:૭, ૮) આપણે સહનશીલતા કેળવવી હોય તો, પવિત્ર આત્મા દ્વારા આપણે બીજાં ફળો પણ કેળવવા જ જોઈએ.

‘પ્રીતિ સહનશીલ છે’

૯. શા માટે પાઊલે કોરીંથીઓને ‘પ્રીતિ સહનશીલ છે’ એમ કહ્યું હોય શકે?

પાઊલે બતાવ્યું કે પ્રેમ અને સહનશીલતા વચ્ચે ખાસ સંબંધ છે. તેમણે કહ્યું: ‘પ્રીતિ સહનશીલ છે.’ (૧ કોરીંથી ૧૩:૪) એક બાઇબલ વિદ્વાન, આલ્બર્ટ બાર્ન્ઝે બતાવ્યું કે કોરીંથના ખ્રિસ્તી મંડળમાં ચાલી રહેલા મતભેદોને ધ્યાનમાં રાખીને પાઊલે આ બાબત પર ખાસ ભાર આપ્યો હતો. (૧ કોરીંથી ૧:૧૧, ૧૨) બાર્ન્ઝે બતાવ્યું: “અહીં [સહનશીલતા માટે] ઉપયોગમાં લેવામાં આવેલો શબ્દ, અધીરા બનવું; ગુસ્સો વ્યક્ત કરવો કે એનો વિચાર કરવાનું પણ વિરુદ્ધાર્થી છે. એ મનની સ્થિતિ બતાવે છે કે જે દબાણ અથવા ઉશ્કેરાટભરી સ્થિતિમાં લાંબો સમય સહન કરી શકે છે.” પ્રેમ અને સહનશીલતા મંડળની શાંતિમાં મહત્ત્વનો ફાળો આપે છે.

૧૦. (ક) પ્રેમ આપણને કઈ રીતે સહનશીલ બનવા મદદ કરે છે અને પ્રેષિત પાઊલ આ બાબતમાં આપણને કઈ સલાહ આપે છે? (ખ) બાઇબલ વિદ્વાનોએ પરમેશ્વરની સહનશીલતા અને પરોપકાર વિષે કઈ ટીકા કરી? (નિમ્નનોંધ જુઓ.)

૧૦ ‘પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે. પ્રીતિ આપવડાઈ કરતી નથી કે ફૂલાઈ જતી નથી.’ તેથી, ઘણી રીતોએ પ્રેમ આપણને સહનશીલ બનવા મદદ કરે છે. * (૧ કોરીંથી ૧૩:૪, ૫) પ્રેમ આપણને ધીરજથી સહન કરવા માટે તેમ જ આપણે દરેક અપૂર્ણ છીએ અને ભૂલો કરીએ છીએ એ યાદ રાખવા માટે મદદ કરે છે. એ આપણને બીજાઓને સમજવા અને માફી આપવા પણ મદદ કરે છે. પ્રેષિત પાઊલ આપણને ‘સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરીને; શાંતિના બંધનમાં આત્માનું ઐક્ય રાખવાને યત્ન’ કરવાનું ઉત્તેજન આપે છે.—એફેસી ૪:૧-૩.

૧૧. ખ્રિસ્તી ભાઈબહેનો પ્રત્યે સહનશીલતા બતાવવી શા માટે મહત્ત્વનું છે?

૧૧ સહનશીલતા ખ્રિસ્તી ભાઈબહેનોની શાંતિ અને આનંદમાં ફાળો આપે છે, પછી ભલે તેઓ મંડળમાં, બેથેલમાં, મિશનરી ઘરોમાં, બાંધકામ ટુકડીઓમાં કે શાળામાં કેમ ન હોય. વ્યક્તિત્વ, પસંદગી, ઉછેર, વિવેકના ધોરણમાં અને સ્વચ્છતામાં પણ મતભેદો હોવાને કારણે, વખતોવખત તણાવની સ્થિતિ ઊભી થઈ શકે. આ જ બાબત આપણા કુટુંબોમાં પણ ઊભી થઈ શકે. આથી, ક્રોધ કરવામાં ધીમા થવું મહત્ત્વનું છે. (નીતિવચનો ૧૪:૨૯; ૧૫:૧૮; ૧૯:૧૧) બાબતો સારી થવાની આશા રાખીને ધીરજથી સહન કરીએ એ સહનશીલતા છે અને એ દરેક બાબતમાં જરૂરી છે.—રૂમી ૧૫:૧-૬.

સહનશીલતા સહન કરવા મદદ કરે છે

૧૨. મુશ્કેલ પરિસ્થિતિમાં શા માટે સહનશીલતા મહત્ત્વની છે?

૧૨ સહનશીલતા, જેનો અંત ન આવતો હોય અથવા જે જલદી હલ ન થતી હોય એવી મુશ્કેલ પરિસ્થિતિમાં આપણને સહન કરવા મદદ કરે છે. ઉપર ઉલ્લેખવામાં આવેલા રૅજીના કિસ્સામાં પણ એવું જ હતું. તે યહોવાહની સેવા કરતા હોવાથી, વર્ષો સુધી તેમની પત્નીએ તેમનો વિરોધ કર્યો. તેમ છતાં, એક દિવસ તેણે આંસુ સહિત તેમની પાસે આવીને કહ્યું: “હું જાણું છું કે એ સત્ય છે. મને મદદ કરો. મારે બાઇબલ અભ્યાસ કરવો છે.” છેવટે તેણે બાપ્તિસ્મા લીધું. રૅજી કહે છે: “એ પુરવાર કરે છે કે યહોવાહે વર્ષોની મારી લડત, ધીરજ અને સહનશીલતાને આશીર્વાદ આપ્યો છે.” તેમને તેમની સહનશીલતાનું ફળ મળ્યું.

૧૩. કઈ બાબતે પાઊલને સહન કરવા મદદ કરી અને તેમનું ઉદાહરણ કઈ રીતે આપણને સહન કરવા મદદ કરે છે?

૧૩ પ્રથમ સદી સી.ઈ.માં, પ્રેષિત પાઊલે સહનશીલતાનું સરસ ઉદાહરણ બેસાડ્યું. (૨ કોરીંથી ૬:૩-૧૦; ૧ તીમોથી ૧:૧૬) તેમણે પોતાના મરણના થોડા સમય પહેલાં, યુવાન સાથી તીમોથીને સલાહ આપતા ચેતવણી આપી કે દરેક ખ્રિસ્તીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પાઊલે પોતાનું જ ઉદાહરણ આપ્યું અને સહન કરવા માટે જરૂરી ખ્રિસ્તી ગુણો વિકસાવવાનું કહ્યું. તેમણે લખ્યું: “મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, સહનશીલતા, પ્રેમ તથા ધીરજ ધ્યાનમાં રાખીને તથા મને જે સતાવણી થઈ તથા દુઃખો પડ્યાં, અને અંત્યોખમાં, ઈકોનીમાં તથા લુસ્રામાં જે સતાવણી મેં સહન કરી તે બધાંમાં તું મારી પાછળ ચાલ્યો; પણ આ સઘળાં દુઃખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો. જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સઘળા પર સતાવણી થશે જ.” (૨ તીમોથી ૩:૧૦-૧૨; પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૯-૫૧; પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૯-૨૨) સહન કરવા માટે, આપણ સર્વને વિશ્વાસ, પ્રેમ અને સહનશીલતાની જરૂર છે.

સહનશીલતા પહેરો

૧૪. પાઊલે પરમેશ્વરની સહનશીલતા અને બીજા ગુણોને શાની સાથે સરખાવ્યા અને તેમણે કોલોસીના ખ્રિસ્તીઓને કઈ સલાહ આપી?

૧૪ પ્રેષિત પાઊલે સહનશીલતા અને પરમેશ્વરના બીજા ગુણોને કપડાં સાથે સરખાવ્યાં કે જે ખ્રિસ્તીઓએ “જૂના માણસપણાને” એની કરણીઓ સુદ્ધાં ઉતારી મૂકીને પહેરી લેવાં જોઈએ. (કોલોસી ૩:૫-૧૦) તેમણે લખ્યું: “પવિત્ર તથા વહાલાઓ, દેવના પસંદ કરેલાને ઘટે તેમ, દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એકબીજાનું સહન કરો, ને જો કોઇને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો; વળી એ સઘળાં ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો.”—કોલોસી ૩:૧૨-૧૪.

૧૫. ખ્રિસ્તી ભાઈબહેનો સહનશીલતા અને પરમેશ્વરના બીજા ગુણો ‘પહેરે’ છે ત્યારે શું પરિણામ આવે છે?

૧૫ મંડળના ભાઈબહેનો દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય, સહનશીલતા અને પ્રેમ ‘પહેરે’ છે ત્યારે, તેઓ પોતાની સમસ્યાઓને હલ કરીને યહોવાહની સેવામાં એકતામાં આગળ વધી શકે છે. ખાસ કરીને વડીલોએ સહનશીલતા રાખવાની ખૂબ જરૂર છે. અમુક સમયે તેઓને બીજા ખ્રિસ્તી ભાઈબહેનોને ઠપકો આપવાની જરૂર પડી શકે, પરંતુ તેઓ એ વિવિધ રીતોએ કરી શકે. પાઊલે તીમોથીને લખેલા પત્રમાં સૌથી સારા વલણનું વર્ણન કર્યું: “સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ.” (૨ તીમોથી ૪:૨) હા, યહોવાહનાં ઘેટાં સાથે હંમેશા સહનશીલતા, માનપૂર્વક અને પ્રેમાળ રીતે વ્યવહાર કરવો જોઈએ.—માત્થી ૭:૧૨; માત્થી ૧૧:૨૮; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮, ૨૯; રૂમી ૧૨:૧૦.

“સઘળાંની સાથે સહનશીલ થાઓ”

૧૬. આપણે “સઘળાં પ્રત્યે સહનશીલતા” બતાવીએ છીએ ત્યારે શું પરિણામ આવી શકે?

૧૬ યહોવાહે આપણા પ્રત્યે બતાવેલી સહનશીલતા આપણને ‘સઘળાંની સાથે સહનશીલ થવાની’ નૈતિક ફરજ પાડે છે. (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) એનો અર્થ એ થાય કે કુટુંબના વિધર્મી સભ્યો, પાડોશીઓ, સાથે કામ કરનારાઓ કે સહાધ્યાયીઓ સાથે આપણે ધીરજ રાખવી જોઈએ. ઘણા લોકો સાક્ષીઓ પ્રત્યેના પૂર્વગ્રહને દૂર કરી શક્યા છે. તેઓ ઘણાં વર્ષોથી સાક્ષીઓનો કટાક્ષ કરતા હતા અથવા તેઓ સાથે નોકરી કરતા કે શાળાએ જતા સાક્ષીઓનો સીધેસીધો વિરોધ કરતા હતા. (કોલોસી ૪:૫, ૬) પ્રેષિત પીતરે લખ્યું: “વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરૂદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં રૂડાં કામ જોઈને ન્યાયકરણને દિવસે દેવની સ્તુતિ કરે.”—૧ પીતર ૨:૧૨.

૧૭. આપણે કઈ રીતે યહોવાહનો પ્રેમ અને સહનશીલતાનું અનુકરણ કરી શકીએ અને શા માટે આપણે એમ કરવું જ જોઈએ?

૧૭ યહોવાહની સહનશીલતાથી કરોડો લોકો તારણ મેળવશે. (૨ પીતર ૩:૯, ૧૫) આપણે યહોવાહનો પ્રેમ અને સહનશીલતાનું અનુકરણ કરવું હોય તો, આપણે રાજ્યના સુસમાચારનો પ્રચાર કરવાનું અને બીજાઓને ખ્રિસ્તના રાજ્ય શાસનને આધીન રહેતા શીખવવાનું ચાલુ રાખીશું. (માત્થી ૨૮:૧૮-૨૦; માર્ક ૧૩:૧૦) આપણે પ્રચાર કરવાનું બંધ કરી દઈશું તો, એનાથી એ સાબિત થશે કે, આપણે યહોવાહની સહનશીલતાનો અંત લાવવા માંગીએ છીએ. વળી, લોકો પસ્તાવો કરીને પરમેશ્વર તરફ ફરે એવા તેમના હેતુને સ્વીકારવામાં પણ આપણે નિષ્ફળ જઈશું.—રૂમી ૨:૪.

૧૮. પાઊલે કોલોસીઓ માટે કઈ પ્રાર્થના કરી?

૧૮ પાઊલે એશિયા માઈનોરના કોલોસી મંડળને પત્ર લખ્યો: “તમે સર્વે આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દહાડાથી તમારે સારૂ પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી. તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્‍ન કરવાને સારૂ યોગ્ય રીતે વર્તો, અને સર્વ સારાં કામમાં તેનું ફળ ઉપજાવો, અને દેવ વિષેના જ્ઞાનમાં વધતા જાઓ; અને આનંદસહિત પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતાને સારૂ, તેના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ.”—કોલોસી ૧:૯-૧૧.

૧૯, ૨૦. (ક) આપણે કઈ રીતે યહોવાહની સહનશીલતાને એક કસોટી તરીકે જોવાનું ટાળી શકીએ? (ખ) આપણે સહનશીલ બનીને કેવા લાભો મેળવીશું?

૧૯ “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય” એ માટે, જો આપણે ‘દેવની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર’ હોઈશું તો, યહોવાહની સહનશીલતા કે ધીરજની કસોટી કરીશું નહિ. (૧ તીમોથી ૨:૪) ‘રાજ્યની આ સુવાર્તાનો’ પ્રચાર કરીને આપણે ‘સર્વ સારાં કામમાં તેનું ફળ ઉપજાવીશું.’ (માત્થી ૨૪:૧૪) જો આપણે વિશ્વાસુપણે એમ કરતા રહીશું તો, યહોવાહ આપણને “આનંદસહિત પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતાને સારૂ” તેમના “મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન” કરશે. આપણે એમ કરીએ છીએ ત્યારે, આપણે ‘પ્રભુને સારૂ યોગ્ય રીતે વર્તીશું’ અને આપણે તેમને ‘પૂર્ણ રીતે પ્રસન્‍ન કરી’ રહ્યા છીએ એ જાણીને શાંતિ મેળવી શકીશું.

૨૦ આપણે યહોવાહની સહનશીલતા વિષેની પૂરેપૂરી ખાતરી પામ્યા છીએ. એ આપણા માટે અને આપણા પ્રચાર અને શિક્ષણને સાંભળે છે તેઓ માટે તારણ આપનાર બને છે. (૧ તીમોથી ૪:૧૬) પવિત્ર આત્માનાં ફળો પ્રેમ, કૃપા, ભલાઈ, નમ્રતા અને આત્મસંયમ આપણને આનંદથી સહનશીલ બનવા મદદ કરશે. એનાથી આપણને આપણા કુટુંબના સભ્યો સાથે તેમ જ આપણા મંડળના ભાઈબહેનો સાથે શાંતિથી રહેવા માટે મદદ મળશે. સહનશીલતા આપણને સાથે કામ કરનારા કે સહાદ્યાયીઓ સાથે ધીરજ રાખવામાં પણ મદદ કરશે. આપણી સહનશીલતાનો હેતુ એ જ છે કે આપણે ખોટું કરનારાઓને બચાવી લઈએ અને સહનશીલતાના પરમેશ્વર યહોવાહને મહિમા આપીએ.

[ફુટનોટ]

^ ‘પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે,’ પાઊલના આ વિધાન પર ટીકા આપતા બાઇબલ વિદ્વાન ગોર્ડન ડી. ફી લખે છે: “પાઊલના ધર્મ શિક્ષણ પ્રમાણે એ [સહનશીલતા અને પરોપકાર] પરમેશ્વરના માણસજાત પ્રત્યેના બંને બાજુના વલણને બતાવે છે (રૂમી ૨:૪, સરખાવો). એક બાજુ, પરમેશ્વરે પોતાની વિરુદ્ધ માનવીઓએ કરેલા બળવા પ્રત્યે ક્રોધ ન બતાવીને પ્રેમાળ ધીરજ બતાવી; બીજી બાજુ, તેમનો પરોપકાર હજારો વખત બતાવેલી દયામાંથી જોવા મળે છે. આમ, પાઊલનું પ્રેમનું વર્ણન પરમેશ્વરના બેવડાં વર્ણનથી શરૂ થાય છે જેમાં, તેમણે ખ્રિસ્ત દ્વારા સહનશીલતા બતાવી છે અને પરમેશ્વરના ન્યાયચુકાદાને યોગ્ય વ્યક્તિઓ પ્રત્યે પણ તે કૃપા બતાવે છે.”

શું તમે સમજાવી શકો?

• ખ્રિસ્તે કઈ રીતોએ સહનશીલતાનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું?

• કઈ બાબત આપણને સહનશીલતા કેળવવા મદદ કરશે?

• સહનશીલતા કઈ રીતે કુટુંબ, ખ્રિસ્તી મંડળ અને વડીલોને મદદ કરી શકે?

• સહનશીલ બનવાથી કઈ રીતે આપણે પોતાને અને બીજાઓને લાભ કરી શકીશું?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

સખત દબાણ હેઠળ પણ ઈસુએ પોતાના શિષ્યો સાથે ધીરજ રાખી

[પાન ૧૬ પર ચિત્ર]

વડીલોએ ભાઈબહેનો સાથેના વ્યવહારમાં સહનશીલતાનું સારું ઉદાહરણ બેસાડવું જોઈએ

[પાન ૧૭ પર ચિત્ર]

જો આપણે યહોવાહનો પ્રેમ અને સહનશીલતાનું અનુકરણ કરતા હોઈએ તો, આપણે પ્રચાર કરવાનું ચાલુ રાખીશું

[પાન ૧૮ પર ચિત્ર]

પાઊલે પ્રાર્થના કરી કે ખ્રિસ્તીઓએ ‘આનંદસહિત સહનશીલ થવું’