સોનેરી નિયમ સર્વ લોકો માટે શિક્ષણ
સોનેરી નિયમ સર્વ લોકો માટે શિક્ષણ
“માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.”—માત્થી ૭:૧૨.
ઈસુ ખ્રિસ્તે આ શબ્દો લગભગ ૨૦૦૦ વર્ષ અગાઉ, પહાડ પરના પોતાના ઉપદેશમાં કહ્યા હતા. સદીઓથી આ સીધાસાદા વિધાન વિષે ઘણું કહેવામાં અને લખવામાં આવ્યું છે. દાખલા તરીકે, એના વિષે આમ વખાણ કરવામાં આવ્યા છે કે “કલમનો મુખ્ય સાર,” “ખ્રિસ્તીઓની પોતાના પાડોશી પ્રત્યેની જવાબદારીની સમીક્ષા” અને “નૈતિક ધોરણોનો પાયો.” એ કલમ એટલી તો જાણીતી બની છે કે એનો ઘણી વાર સોનેરી નિયમ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.
તેમ છતાં, આ સોનેરી નિયમનો વિચાર ફક્ત કહેવાતા ખ્રિસ્તીઓમાં જ જોવા મળતો નથી. યહુદી, બૌદ્ધ અને ગ્રીક ફિલસૂફીમાં ઘણી રીતોએ આ નૈતિક સિદ્ધાંતને રજૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને પૂર્વના દેશોના લોકોમાં એક મહાન સંત અને શિક્ષક તરીકે પૂજવામાં આવતા કન્ફયુશિયસનું એક કથન પ્રખ્યાત છે. કન્ફયુશિયસના ચાર પુસ્તકોમાંના ત્રીજા પુસ્તક ધી ઍનલેક્ટસમાં આપણને ત્રણ વખત એ વિચાર જોવા મળે છે. વિદ્યાર્થીઓના પ્રશ્નનો જવાબ આપતા બે વાર કન્ફયુશિયસ જણાવે છે: “તમને એવું ન થાય એમ ઇચ્છતા હોવ તો, તમે બીજાઓને પણ એમ ન કરશો.” બીજા એક પ્રસંગે તેમના એક વિદ્યાર્થી ઝગોને બડાઈ મારી કે, “બીજાઓ મને એવું કરે એમ હું ઇચ્છતો નથી ત્યારે, હું પણ તેઓને એમ કરતો નથી.” ત્યારે શિક્ષકે તેને ગંભીર થઈને જવાબ આપ્યો, “હા, પરંતુ તું હજુ પણ એમ કરી શકતો નથી.”
કન્ફયુશિયસના આ શબ્દો વાંચીને આપણે જોઈ શકીએ છીએ કે ઈસુએ પછીથી કહેલા શબ્દોથી એ નકારાત્મક અર્થમાં જાય છે. દેખીતી રીતે જ, તફાવત એ છે કે ઈસુએ કહેલા સોનેરી નિયમમાં બીજાઓ માટે સારું કરવાના હકારાત્મક કાર્યનો સમાવેશ થાય છે. લોકોએ ઈસુના હકારાત્મક વિધાનના સુમેળમાં કાર્ય કરવાનું હતું જેમ કે, તેઓએ બીજાઓની કાળજી રાખવાની હતી, મદદ કરવાની હતી અને નિયમ પ્રમાણે જીવવાનું હતું. તો પછી, શું તમને લાગે છે કે એમ કરવાથી આજનું જગત વધારે સારું બની શકશે? ચોક્કસ બનશે.
ભલે નિયમ હકારાત્મક, નકારાત્મક કે બીજી કોઈ પણ રીતે આપવામાં આવ્યો હોય પરંતુ, સૌથી મહત્ત્વનું એ છે કે બધી જ પાર્શ્વભૂમિકાવાળા લોકોને ગમે તે સમયે અને જગ્યાએ સોનેરી નિયમમાં વિશ્વાસ હોવો જોઈએ. આ સ્પષ્ટ બતાવે છે કે ઈસુએ પહાડ પરના પોતાના ઉપદેશમાં જે જણાવ્યું એ આખી દુનિયામાં લાગુ પડતું શિક્ષણ છે અને એ દરેક પ્રકારના અને બધી જ વયના લોકોના જીવનને અસર કરે છે.
પોતાને પૂછો, ‘શું મારી સાથે આદરપૂર્વક, નિષ્પક્ષ અને પ્રમાણિકપણે વ્યવહાર કરવામાં આવે એવું હું ઇચ્છું છું? શું મને જાતિ ભેદભાવ, ગુનાખોરી અને યુદ્ધ વિનાના જગતમાં રહેવાનું ગમે છે? શું મને એવા કુટુંબમાં રહેવાનું ગમે છે જ્યાં દરેક વ્યક્તિ બીજાનું ભલું ઇચ્છતી હોય અને બીજાની કાળજી રાખવાની ચિંતા કરતી હોય?’ ખરેખર, આપણે બધા જ આ બાબતો ઇચ્છીએ છીએ. પરંતુ, હકીકતમાં જોઈએ તો, બહુ થોડા લોકો એનો આનંદ માણે છે. મોટા ભાગના લોકો આવી બાબતોની આશા પણ રાખતા નથી.
સોનેરી નિયમને કલંક
સદીઓથી ચાલી આવતી ગુનાખોરીએ લોકોના હક્કની સંપૂર્ણ રીતે ઉપેક્ષા કરી છે. એમાં આફ્રિકામાં થતો ગુલામનો વેપાર, નાઝી મરણ છાવણીઓ, બાળમજૂરી અને ઘણી જગ્યાઓએ ક્રૂર રીતે કરવામાં આવતા જાતિમૂલોચ્છેદનો પણ સમાવેશ થાય છે. આવી આઘાત પહોંચાડનારી ગુનાખોરીની યાદી બનાવવા બેસીએ તો, એનો પાર જ ન આવે.
આજે દુનિયા સૌથી આધુનિક અને ઉચ્ચ ટેક્નોલૉજીનો ઉપયોગ કરી રહી છે ત્યારે, લોકો વધુને વધુ સ્વાર્થી બની રહ્યા છે. બહુ થોડા લોકો, પોતાના હક્કો ભયમાં હોય છે ત્યારે બીજાઓનો વિચાર કરે છે. (૨ તીમોથી ૩:૧-૫) શા માટે મોટા ભાગના લોકો સ્વાર્થી, ક્રૂર, વિશ્વાસઘાતી અને પોતાનું જ હિત જોનારા બની ગયા છે? સોનેરી નિયમ આખી દુનિયામાં જાણીતો છે છતાં, શું એને અવાસ્તવિક અને નૈતિક અવશેષ તરીકે ગણીને બાજુએ મૂકી દેવામાં નથી આવ્યો? દુઃખની વાત છે કે આજે પરમેશ્વરને માનવાનો દાવો કરનારાઓ મધ્યે પણ આ બાબત જોવા મળે છે. બાબતો જે પ્રમાણે બની રહી છે એનો અંદાજ કાઢીએ છીએ ત્યારે, જોવા મળે છે કે લોકો વધારે સ્વાર્થી બનતા જશે.
તેથી, આપણે આ મહત્ત્વના પ્રશ્નો પર વિચાર કરવો જ જોઈએ: સોનેરી નિયમ પ્રમાણે જીવવામાં શાનો સમાવેશ થાય છે? શું આજે પણ કોઈ પોતાના જીવનમાં એને લાગુ પાડી રહ્યું છે? શું ક્યારેય એવો સમય આવશે જ્યારે સર્વ માનવજાત સોનેરી નિયમના સુમેળમાં જીવશે? આ પ્રશ્નોના જવાબ મેળવવા હવે પછીનો લેખ વાંચો.
[પાન ૩ પર ચિત્ર]
કન્ફયુશિયસ અને બીજાઓએ સોનેરી નિયમથી ભિન્ન શીખવ્યું