ઈસુ ખરેખર કોણ છે?
ઈસુ ખરેખર કોણ છે?
ઈસુએ પોતાના વિષે લોકો શું માને છે એ શિષ્યો પાસેથી જાણ્યું. પછી, તેઓને પૂછ્યું: “હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?” માત્થીના પુસ્તકમાં પ્રેષિત પીતરનો આ જવાબ જોવા મળે છે: “તું મસીહ, જીવતા દેવનો દીકરો છે.” (માત્થી ૧૬:૧૫, ૧૬) બીજા શિષ્યો પણ એવું જ માનતા હતા. પછીથી પ્રેષિત બનેલા નાથાનાએલે, ઈસુને કહ્યું: “રાબ્બી, તું દેવનો દીકરો છે; તું ઈસ્રાએલનો રાજા છે.” (યોહાન ૧:૪૯) ઈસુએ પોતાની ભૂમિકાનું મહત્ત્વ જણાવતા કહ્યું: “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી.” (યોહાન ૧૪:૬) ઘણા પ્રસંગોએ તેમણે પોતાની ઓળખ ‘દેવના દીકરા’ તરીકે આપી. (યોહાન ૫:૨૪, ૨૫; ૧૧:૪) તેમણે ઘણા ચમત્કારો કર્યા અને મૂએલાંને પણ સજીવન કર્યા. આમ, તેમણે એનો પુરાવો આપ્યો.
શું શંકાઓ ખરી છે?
પરંતુ, શું આપણે ઈસુ વિષે બાઇબલ જે જણાવે છે, એમાં ભરોસો રાખી શકીએ? શું એ ઈસુ વિષે ખરી માહિતી આપે છે? ઇંગ્લૅંડ, માંચેસ્ટરની યુનિવર્સિટીમાં બાઇબલની ભૂલો શોધનાર અને સમજણ આપનાર પ્રોફેસર, ફ્રેડ્રિક એફ. બ્રુસે જણાવ્યું હતું: “ઇતિહાસના પુરાવાઓથી પહેલાંના લખાણની દરેક માહિતી સાચી સાબિત કરવી શક્ય નથી. પછી ભલેને એ બાઇબલનું લખાણ હોય કે બીજું કંઈ હોય. લેખકમાં અમુક હદે ભરોસો રાખવો વાજબી છે; એ ભરોસો થયા પછી, તેની માહિતી સાચી છે એવો વિશ્વાસ થાય એ દેખીતું છે. . . . ખ્રિસ્તીઓ નવા કરારને ‘પવિત્ર’ માને છે, એનો અર્થ એમ નથી કે એ ઇતિહાસ પ્રમાણે ભરોસાપાત્ર નથી.”
જેમ્સ આર. એડવર્ડ્સ અમેરિકાના ઉત્તર ડાકૉટાની એક કૉલેજમાં ધર્મના પ્રોફેસર છે. તેમણે ઈસુ વિષે બાઇબલ જે કહે છે, એ વિષેની શંકાઓ પર ઊંડું નિરીક્ષણ કર્યા પછી લખ્યું: ‘આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે માત્થી, માર્ક, લુક અને યોહાનનાં પુસ્તકો ઈસુ વિષેનું સત્ય જણાવતા મહત્ત્વના પુરાવા ધરાવે છે. . . . એ પુસ્તકો ઈસુનું એવું વર્ણન કરે છે, કેમ કે ઈસુ એવા જ હતા. ઈસુને પરમેશ્વરે મોકલ્યા હતા અને તેમણે જ ઈસુને પોતાના પુત્ર તથા સેવક તરીકેનો અધિકાર આપ્યો હતો, એવી ઊંડી છાપ ઈસુએ પોતાના શિષ્યો પર પાડી હતી. એ વિષેના સર્વ અહેવાલોને પણ આ પુસ્તકોમાં સાચવી રાખવામાં આવ્યા છે.’ *
ઈસુની શોધમાં
ઈસુ ખ્રિસ્ત વિષે બીજાં પુસ્તકો પણ જણાવે છે, એને કેટલું મહત્ત્વ આપી શકાય? ટેસીટસ, સુટોનીઅસ,
જોસેફસ, પ્લીની ધ યંગર અને બીજા કેટલાક લેખકોનાં લખાણોમાં ઈસુ વિષે અસંખ્ય સંદર્ભોનો સમાવેશ થાય છે. એ વિષે ધ ન્યૂ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનીકા (૧૯૯૫) કહે છે: “એકબીજાથી સ્વતંત્ર આ અહેવાલો સાબિત કરે છે કે અગાઉના સમયમાં ખ્રિસ્તી ધર્મના દુશ્મનોએ પણ ઈસુના ઇતિહાસ વિષે શંકા ઉઠાવી ન હતી. પરંતુ, ૧૮મી સદીના અંતે, ૧૯મી સદીમાં અને ૨૦મી સદીની શરૂઆતમાં પહેલી વાર પાયા વગરની દલીલોના આધારે શંકાઓ ઊભી થઈ.”જોકે, આજકાલના વિદ્વાનોએ “ખરા” કે “ઐતિહાસિક” ઈસુની શોધમાં, તેમની સાચી ઓળખને સાબિતી વગરના મતો, શંકાઓ અને નકામી માન્યતાઓ નીચે દબાવી દીધી છે. ખરું જોતા તો, ખોટી વાર્તાઓ માટે તેઓ પોતે જવાબદાર છે, જેનો દોષ તેઓ બાઇબલના લેખકો પર મૂકે છે. વળી, કેટલાક તો પોતાનું નામ મોટું કરવા નવી નવી માન્યતાઓ વહેતી મૂકે છે અને ઈસુ વિષેના પુરાવા પ્રમાણિક રીતે તપાસતા નથી. એ રીતે તેઓ પોતાની કલ્પના પ્રમાણેના “ઈસુ” ઘડી કાઢે છે.
પરંતુ, ઈસુને ખરેખર શોધનારને તેમની ઓળખ બાઇબલમાંથી મળી શકે છે. લુક જૉનસન, એમૉરી યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રની કેન્ડલર સ્કૂલમાં, નવો કરાર અને ખ્રિસ્તી મૂળના પ્રોફેસર છે. તે દલીલ કરે છે કે થઈ ગયેલા ઈસુની શોધ કરનારા મોટે ભાગે બાઇબલનો મુખ્ય હેતુ ચૂકી જાય છે. તે કહે છે કે ઈસુનું જીવન અને એ જમાનાના સમાજ, રાજકારણ અને સંસ્કૃતિની તપાસ કરવાથી ઘણું જાણવા મળી શકે. તોપણ, તે ઉમેરે છે કે વિદ્વાનોએ જે ઈસુ શોધી કાઢ્યા છે, એ “બાઇબલનો ધ્યેય છે જ નહિ,” કેમ કે બાઇબલ તો “ખાસ કરીને ઈસુનો સ્વભાવ,” તેમનો સંદેશ અને મુક્તિ આપનાર તરીકે તેમની ભૂમિકા વિષે જણાવે છે. તો પછી, ઈસુ ખરેખર કેવા હતા અને તેમનો સંદેશો શું હતો?
ઈસુ ખરેખર કોણ છે?
માત્થી, માર્ક, લુક અને યોહાનનાં પુસ્તકો, ઈસુનું વર્ણન બીજાઓની લાગણી સમજનાર તરીકે કરે છે. પ્રેમ અને દયાથી પ્રેરાઈને ઈસુએ બીમાર, આંધળા અને બીજા દુઃખોથી પીડાતા લોકોને સાજા કર્યા. (માત્થી ૯:૩૬; ૧૪:૧૪; ૨૦:૩૪) પોતાના મિત્ર લાજરસનું મરણ અને તેની બહેનોનું દુઃખ જોઈને ઈસુએ નિસાસો મૂક્યો અને તે ‘રડી પડ્યા.’ (યોહાન ૧૧:૩૨-૩૬) એ પુસ્તકો ઈસુની જુદી જુદી લાગણીઓને દર્શાવે છે. જેમ કે રક્તપિત્ત થયેલા પ્રત્યે દયા બતાવતા, શિષ્યોને મળતી સફળતાને કારણે અતિશય આનંદ કરતા, નિયમો બતાવનારા કઠણ દિલના આગેવાનો પર ક્રોધ કરતા અને મસીહનો નકાર કરતા યરૂશાલેમ પર દુઃખ વ્યક્ત કરતા ઈસુને બતાવવામાં આવ્યા છે.
ઈસુ ચમત્કાર કરતા ત્યારે, મોટે ભાગે એ વ્યક્તિના વલણ પર ધ્યાન દોરતા: “તારા વિશ્વાસે તને સાજી કરી છે.” (માત્થી ૯:૨૨) તેમણે નાથાનાએલના વખાણ કરતા કહ્યું કે તે “ખરેખરો ઈસ્રાએલી છે, એનામાં કંઈ પણ કપટ નથી!” (યોહાન ૧:૪૭) એક સ્ત્રીએ કદરરૂપે ઈસુને મૂલ્યવાન ભેટ ધરી ત્યારે, અમુકને લાગ્યું કે તે વધારે પડતું કરી રહી હતી. પરંતુ, ઈસુએ તે સ્ત્રીનો બચાવ કરતા કહ્યું કે તેની ઉદારતા હંમેશા યાદ કરવામાં આવશે. (માત્થી ૨૬:૬-૧૩) તે પોતાના શિષ્યોના સાચા અને પ્રેમાળ મિત્ર સાબિત થયા અને તેઓ પર “અંત સુધી પ્રેમ રાખ્યો.”—યોહાન ૧૩:૧; ૧૫:૧૧-૧૫.
આપણને એ પણ જાણવા મળે છે કે ઈસુ જેઓને મળતા તેઓની જરૂરિયાતો તરત જ જાણી લેતા. પછી ભલે એ કૂવા પાસે મળેલી સ્ત્રી હોય, બગીચામાં મળેલા ધર્મગુરુ હોય કે નદી કિનારે માછીમાર હોય, ઈસુની વાતો તેઓનાં હૃદયને સ્પર્શી ગઈ. ઈસુના થોડા શબ્દો સાંભળીને જ, તેઓમાંના ઘણાએ પોતાના મનની વાતો જણાવી દીધી. એ લોકો જાણે ઈસુની જ રાહ જોતા હતા. એ જમાનામાં લોકો ધર્મગુરુઓથી દૂર જ રહેતા હતા, પણ ઈસુને તો લોકો છોડતા જ નહિ. લોકો ઈસુની આસપાસ રહેવાનું પસંદ કરતા હતા; તેમની સંગત તેઓને ગમતી હતી. બાળકો પણ તેમની પાસે જતા ગભરાતા ન હતા. એક બાળકનું ઉદાહરણ આપતી વખતે તેમણે એને પોતાના શિષ્યો આગળ ફક્ત ઊભું જ ન રાખ્યું, પણ એને ‘બાથમાં લીધું.’ (માર્ક ૯:૩૬; ૧૦:૧૩-૧૬, પ્રેમસંદેશ) ખરેખર, બાઇબલમાં એવા ઈસુ વિષે શીખવા મળે છે જે પ્રભાવશાળી હતા. દિલને સ્પર્શી જતી વાતો સાંભળવા લોકો ત્રણ દિવસ સુધી તેમની સાથે રહ્યા હતા.—માત્થી ૧૫:૩૨.
ઈસુ સંપૂર્ણ હોવા છતાં, તે કદી ઘમંડી ન બન્યા કે વાત વાતમાં લોકોનો વાંક ન કાઢ્યો. વળી, તે અપૂર્ણ અને માત્થી ૯:૧૦-૧૩; ૨૧:૩૧, ૩૨; લુક ૭:૩૬-૪૮; ૧૫:૧-૩૨; ૧૮:૯-૧૪) ઈસુએ ક્યારેય બોસની જેમ રોફ જમાવ્યો નહિ. તેમણે લોકોનો બોજો પણ વધાર્યો ન હતો. એને બદલે તેમણે કહ્યું: “ઓ વૈતરૂં કરનારાઓ . . . હું તમને વિસામો આપીશ.” તેમના શિષ્યોને તે મન અને દિલથી નમ્ર લાગતા હતા; તેમની ઝૂંસરી સહેલ હતી અને તેમનો બોજો હલકો હતો.—માત્થી ૧૧:૨૮-૩૦.
પાપી લોકો સાથે રહીને પ્રચાર કરતા હતા, છતાં તેઓની ભૂલો બતાવીને તેઓ પર રુઆબ જમાવ્યો નહિ. (માત્થી, માર્ક, લુક અને યોહાનનાં પુસ્તકોમાં ઈસુ ખરેખર થઈ ગયા હતા, એ સત્ય દેખાઈ આવે છે. ચાર જુદા જુદા લેખકો માટે એવી અજોડ વ્યક્તિ શોધી કાઢવી અને એના ચાર જુદા જુદા અહેવાલો આપીને એક જ સરખી વાત કહેવી, લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી. એમાંય વળી, જો એ વ્યક્તિ ફક્ત કાલ્પનિક હોય તો, ચાર જુદા જુદા લેખકો માટે તેના વિષે જણાવવું અને એનું એક સરખું વર્ણન કરવું અશક્ય છે.
ઇતિહાસકાર માઈકલ ગ્રાન્ટ વિચારવા જેવો પ્રશ્ન પૂછે છે: “એવું કઈ રીતે બની શકે કે ચારેય પુસ્તકોમાં એક એવા આકર્ષક યુવાનનું જોરદાર અને અજોડ ચિત્ર ઊભું કરવામાં આવ્યું હોય, જેમાં તે દરેક પ્રકારની સ્ત્રીઓ સાથે ભળી જાય છે; ત્યાં સુધી કે સમાજમાં બદનામ, જેઓને કોઈ લાગણી કે મર્યાદા ન હોય એવી સ્ત્રીઓ સાથે પણ ભળી જઈને તે પોતાની નિર્દોષતા જાળવી રાખે છે?” એનો વાજબી જવાબ એ જ છે કે તે વ્યક્તિ વાસ્તવિક હતી અને બાઇબલ જણાવે છે, એવા કાર્યો પણ તેણે કર્યાં હતાં.
ઈસુ અને તમારું ભાવિ
બાઇબલ ઈસુના પૃથ્વી પરના જીવન વિષે જણાવે છે. તે એમ પણ બતાવે છે કે એ પહેલાં ઈસુ ‘સર્વ સૃષ્ટિના પ્રથમજનિત,’ પરમેશ્વરના એકમાત્ર પુત્ર તરીકે સ્વર્ગમાં હતા. (કોલોસી ૧:૧૫) બે હજાર વર્ષ પહેલાં, પરમેશ્વરે પોતાના પુત્રના જીવનને કુંવારી યહુદી છોકરીના ગર્ભમાં મૂક્યું જેથી, તે માનવ તરીકે જન્મ પામે. (માત્થી ૧:૧૮) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે પ્રચાર કર્યો કે દુઃખી જગત માટે પરમેશ્વરનું રાજ્ય એકમાત્ર આશા છે અને તેમણે શિષ્યોને પણ એ વિષે પ્રચાર કરવાની તાલીમ આપી.—માત્થી ૪:૧૭; ૧૦:૫-૭; ૨૮:૧૯, ૨૦.
નીસાન ૧૪ (લગભગ એપ્રિલ ૧), ૩૩ સી.ઈ.માં ઈસુને પકડવામાં આવ્યા, તેમની સતાવણી થઈ, સજા થઈ અને જૂઠા આરોપસર મારી નાખવામાં આવ્યા. (માત્થી ૨૬:૧૮-૨૦, માત્થી ૨૬:૪૮-૨૭:૫૦) ઈસુનું મરણ ખંડણી હતું, જે વિશ્વાસુ લોકોને પાપમાંથી છોડાવે છે અને તેમનામાં વિશ્વાસ રાખી જીવનારા માટે હંમેશ માટેના જીવનનો માર્ગ ખોલે છે. (રૂમી ૩:૨૩, ૨૪; ૧ યોહાન ૨:૨) નીસાન ૧૬ના રોજ ઈસુ સજીવન થયા અને થોડા સમય પછી તે સ્વર્ગમાં પાછા ગયા. (માર્ક ૧૬:૧-૮; લુક ૨૪:૫૦-૫૩; પ્રેરિતોનાં કૃત્યો ૧:૬-૯) સ્વર્ગમાં યહોવાહે તેમને પોતાના રાજ્યના રાજા બનાવ્યા. તેથી, ઈસુ પાસે મનુષ્ય માટેનો પરમેશ્વરનો મૂળ હેતુ પૂરો કરવાનો પૂરો અધિકાર છે. (યશાયાહ ૯:૬, ૭; લુક ૧:૩૨, ૩૩) ખરેખર, બાઇબલ પ્રમાણે પરમેશ્વરના હેતુઓ પૂરા કરવામાં ઈસુ મહત્ત્વની વ્યક્તિ છે.
પ્રથમ સદીમાં ઘણા લોકોએ ઈસુને મસીહ તરીકે સ્વીકાર્યા. વળી, તેઓએ એ પણ માન્યું કે તે યહોવાહની સર્વોપરિતા સાબિત કરવા અને મનુષ્યો માટે ખંડણી આપવા પૃથ્વી પર આવ્યા હતા. (માત્થી ૨૦:૨૮; લુક ૨:૨૫-૩૨; યોહાન ૧૭:૨૫, ૨૬; ૧૮:૩૭) લોકોને ઈસુ વિષે શંકા હોત તો, સખત સતાવણીમાં પણ તેઓ ઈસુના શિષ્ય બન્યા ન હોત. હિંમત અને ઉત્સાહથી તેઓએ “સર્વ દેશનાઓને શિષ્ય” બનાવવાની ઈસુની આજ્ઞા પાળી.—માત્થી ૨૮:૧૯.
આજે, લાખો પ્રમાણિક અને પૂરતી માહિતી ધરાવતા ખ્રિસ્તીઓ જાણે છે કે ઈસુ કોઈ વાર્તા નથી. તેઓ તેમને સ્વર્ગમાં સ્થપાયેલા પરમેશ્વરના રાજ્યના રાજા તરીકે સ્વીકારે છે, જે જલદી જ પૃથ્વીની સર્વ દુષ્ટતાનો નાશ કરશે. સાચે જ, એ ખુશખબર છે કારણ કે એ દુનિયાની સર્વ મુશ્કેલીઓ દૂર કરવાનું વચન આપે છે. સાચા ખ્રિસ્તીઓ “રાજ્યની આ સુવાર્તા” જાહેર કરીને, યહોવાહે પસંદ કરેલા રાજાને વફાદાર રહે છે.—માત્થી ૨૪:૧૪.
જે કોઈ જીવંત પરમેશ્વરના પુત્ર, ખ્રિસ્ત દ્વારા થયેલી રાજ્યની ગોઠવણોને ટેકો આપે છે, તેઓ હંમેશ માટેના આશીર્વાદો મેળવશે. એ આશીર્વાદોનો આનંદ તમે પણ માણી શકો છો! તમે ઈસુ વિષે વધુ જાણો, એ માટે મદદ કરવામાં આ સામયિકના પ્રકાશકોને ખુશી થશે.
[ફુટનોટ]
^ માત્થી, માર્ક, લુક અને યોહાનની વધુ સમજણ માટે બાઇબલ—પરમેશ્વરનો શબ્દ કે માણસનો? (અંગ્રેજી) પુસ્તકના ૫-૭ પ્રકરણ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
[પાન ૬ પર બોક્સ/ચિત્ર]
બીજાઓએ શું કહ્યું
“હું નાઝરેથના ઈસુને, જગતના સૌથી મહાન શિક્ષકોમાંના એક માનું છું. . . . હિંદુઓને મારે એ જ કહેવાનું છે કે ઈસુના શિક્ષણથી જાણકાર ન થાય તો, તેઓનું જીવન અધૂરું રહી જશે.” મોહનદાસ કે. ગાંધી, ઈસુ ખ્રિસ્તનો સંદેશો.
“તે ખરેખર જીવી ગયા, તે સંપૂર્ણ હતા, તે મક્કમ મનના હતા, એક માનવ હોવા છતાં સર્વથી મહાન હતા. તો પછી, તે કઈ રીતે બનાવટી કે ફક્ત વાર્તાનું એક પાત્ર જ હોય શકે? . . . ખરેખર, એવા બનાવટી ઈસુ માટે, ઈસુ કરતાં પણ મહાન વ્યક્તિની જરૂર પડશે.” ફિલિપ શૉફ, ખ્રિસ્તી ચર્ચનો ઇતિહાસ (અંગ્રેજી).
“એક જ સમયના અમુક સામાન્ય માણસો એક અજોડ વ્યક્તિની કલ્પના કરે છે. એ વ્યક્તિ પ્રભાવશાળી અને આકર્ષક હોય, મહાન હોય અને સર્વ મનુષ્યોને એક કરવાનું સપનું બતાવી શકતી હોય તો, સુવાર્તામાં જણાવેલા ચમત્કારોથી પણ એ તો મોટો ચમત્કાર કહેવાય.” વીલ ડ્યુરેન્ટ, કાઈસાર અને ખ્રિસ્ત (અંગ્રેજી).
“કોઈ કાલ્પનિક વ્યક્તિએ આખી દુનિયામાં એક ધર્મની શરૂઆત કરી અને એ ચારે બાજુ ફેલાઈ ગયો. જ્યારે કે બીજી વ્યક્તિઓ જેઓને કોઈ શંકા વિના માનવામાં આવે છે, તેઓએ ધર્મની શરૂઆત કરી પણ નિષ્ફળ ગયા, એ તો નવાઈની વાત કહેવાય.” ગ્રેગ ઈસ્ટરબ્રોક, શાંત પાણી પાસે (અંગ્રેજી).
“લેખનકલાના ઇતિહાસકાર તરીકે મને પૂરો ભરોસો છે કે સુવાર્તા કોઈ કાલ્પનિક વાર્તાઓ નથી. એ એટલી બનાવટી નથી કે વાર્તા લાગે. . . . ઈસુના મોટા ભાગના જીવન વિષે આપણે કંઈ જાણતા નથી અને કોઈ પણ વાર્તા કે દંતકથા લખનારા આવી અધુરી વાર્તા ક્યારેય લખશે નહિ.” સી. એસ. લુઈસ, ગૉડ ઈન ધ ડૉક.
[પાન ૭ પર ચિત્રો]
માત્થી, માર્ક, લુક અને યોહાન ઈસુની જુદી જુદી લાગણીઓ જણાવે છે