સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમારો વિશ્વાસ સાચા પરમેશ્વરમાં છે?

શું તમારો વિશ્વાસ સાચા પરમેશ્વરમાં છે?

શું તમારો વિશ્વાસ સાચા પરમેશ્વરમાં છે?

સંશોધક રૉબર્ટ ઈ. પ્રીયરે ૧૯૦૬માં ઉત્તર ધ્રુવની બાજુએ પોતે એક પ્રદેશ જોયો એમ જણાવ્યું. એના લગભગ સાત વર્ષ પછી, અમેરિકાના મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રીએ એક જૂથને એ પ્રદેશનો અભ્યાસ કરવાનું કામ સોંપ્યું.

ઉત્તર અમેરિકાના ઉત્તરપશ્ચિમ ભાગની એકદમ છેડે કૅપ કોલગેટથી પ્રીયરે જે જોયું એ તેને દૂર દેશના સફેદ શિખરો જેવું લાગ્યું. પ્રીયરે પોતાને આર્થિક રીતે મદદ કરનાર ક્રોકરના નામ પરથી, એ પ્રદેશનું નામ ક્રોકર દેશ પાડ્યું. પછી, સંશોધકોના જૂથે પહાડો, ખીણો અને હિમાચ્છાદિત શિખરોના વિસ્તારને જોયો હોય એવું લાગ્યું. તેઓ ખૂબ રોમાંચિત થઈ ગયા! પરંતુ, જલદી જ તેઓને ખબર પડી કે ત્યાં તો કંઈ જ નથી. એ ફક્ત ભ્રમ હતો. આ દૃશ્ય વાતાવરણથી પ્રીયર છેતરાયો હતો. વળી, આ જૂથને પણ ઘણો સમય, શક્તિ અને સંપત્તિ ખર્ચી નાખ્યા પછી એનું ભાન થયું.

આજે ઘણા લોકો જેઓને સાચા દેવો માને છે તેઓની ભક્તિમાં પોતાનું જીવન સમર્પિત કરી દે છે. ઈસુના પ્રેષિતોના સમયમાં પણ હેર્મેસ અને ઝૂસ દેવોની ભક્તિ કરવામાં આવતી હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૧, ૧૨) આજે, શિન્ટો, હિંદુ અને દુનિયાના બીજા ધર્મોમાં કરોડો દેવીદેવતાઓની પૂજા કરવામાં આવે છે. ખરેખર, બાઇબલ કહે છે તેમ, “ઘણા દેવો તથા ઘણા પ્રભુઓ છે.” (૧ કોરીંથી ૮:૫, ૬) શું આ સર્વ સાચા દેવો હોય શકે?

‘બચાવી ન શકતા’ દેવો

દાખલા તરીકે, લોકો જે મૂર્તિઓની ભક્તિ કરે છે એનો વિચાર કરો. એનામાં વિશ્વાસ કરનારાઓને લાગે છે કે મૂર્તિઓમાં બચાવવાની અલૌકિક શક્તિ છે. એ તેઓનું ભલું કરી શકે છે અથવા જોખમમાંથી બચાવી શકે છે. પરંતુ, શું ખરેખર મૂર્તિઓ બચાવી શકે? આ વિષે ગીતકર્તાએ લખ્યું: “વિદેશીઓની મૂર્તિઓ તો સોનારુપાની છે, તેઓ માણસોના હાથથી બનેલી છે. તેઓને મોં હોય છે, પણ તેઓ બોલતી નથી; આંખ હોય છે, પણ તેઓ જોતી નથી; કાન હોય છે, પણ તેઓ સાંભળતી નથી; અને તેઓના મુખમાં શ્વાસ નથી.” ખરેખર, તેઓ ‘બચાવી ન શકે’ એવા દેવો છે.​—⁠ગીતશાસ્ત્ર ૧૩૫:૧૫-૧૭; યશાયાહ ૪૫:​૨૦, IBSI.

જોકે, મૂર્તિ બનાવનારાઓ એવો દાવો કરી શકે કે મૂર્તિઓમાં જીવન અને શક્તિ છે. વળી, મૂર્તિઓની પૂજા કરનારાઓ પણ એમાં વિશ્વાસ કરે છે. યશાયાહ પ્રબોધકે કહ્યું, “તેઓ [મૂર્તિને] ખભા પર ઊંચકે છે, તેને ઉપાડી લઈને તેના પોતાના સ્થાનમાં મૂકે છે, તે ઊભો રહે છે; પોતાના સ્થાનમાંથી તે ખસતો નથી; વળી કોઈ તેને હાંક મારે, પણ તે ઉત્તર આપી શકતો નથી, કે એના સંકટમાંથી તે એને તારી શકતો નથી.” (યશાયાહ ૪૬:૭) હકીકત તો એ છે કે મૂર્તિ એ ફક્ત મૂર્તિ જ છે પછી ભલે એમાં તમે ગમે તેટલી શ્રદ્ધા મૂકો. આવી ઢાળેલી અને ગાળેલી મૂર્તિઓ “મૂલ્યહીન દેવો છે.”​—⁠હબાક્કૂક ૨:⁠૧૮, NW.

કલાકારો, રમતવીરો, રાજકીય નેતાઓ અને અમુક ધાર્મિક ગુરૂઓની પૂજા કરવી આજે એકદમ સામાન્ય થઈ ગયું છે. વધુમાં, ઘણા લોકો માટે પૈસો જ દેવ છે. ભલે બાબત ગમે તે હોય, પરંતુ આ મૂર્તિઓના દેવોમાં જે ગુણો અને મૂલ્યો નથી એ જાણે તેઓ ધરાવતા હોય એ રીતે રજૂ કરવામાં આવે છે. લોકો આ દેવોમાં જે આશા રાખે છે એ તેઓ પૂરી કરી શકતા નથી. દાખલા તરીકે, સંપત્તિથી ઘણી સમસ્યાઓ હલ થાય છે એવું લાગી શકે, પરંતુ પૈસાની શક્તિ છેતરામણી છે. (માર્ક ૪:​૧૯) એક સંશોધકે કહ્યું: “પૈસા મેળવીને સર્વ પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળશે એવું વિચારીને લોકો એને મેળવવા ગમે તે કરતા હોય છે. પરંતુ, પૈસા મેળવ્યા પછી પણ તેઓ શા માટે નિરાશ કે વ્યથિત થતા હોય છે?” હા, પૈસાની પાછળ દોડવા માટે વ્યક્તિએ પોતાની તંદુરસ્તી, કૌટુંબિક જીવનનો આનંદ, ખાસ મિત્રો કે પરમેશ્વર સાથેનો મૂલ્યવાન સંબંધ જેવી બાબતોનો ભોગ આપવો પડતો હોય છે. પરમેશ્વરની નજરમાં તેઓનું ધન અને સંપત્તિ “ખોટી ને વ્યર્થ બાબતો” સિવાય બીજું કંઈ જ નથી!​—⁠યૂના ૨:⁠૮.

“કંઈ વાણી થઇ નહિ”

ખોટી બાબતને સાચી કહેવી એ મૂર્ખામીભર્યું છે. પ્રબોધક એલીયાહના સમયમાં બઆલના ભક્તો આ બાબત કડવા અનુભવ પરથી શીખ્યા. તેઓને પૂરો વિશ્વાસ હતો કે બઆલ પાસે એટલી શક્તિ છે કે તે આકાશમાંથી અગ્‍નિ મોકલીને ચઢાવેલા પ્રાણીના બલિદાનને ભસ્મ કરશે. હકીકતમાં, તેઓએ “બઆલને નામે સવારથી તે છેક બપોર સુધી વિનંતી કરી, કે હે બઆલ, અમને ઉત્તર આપ.” પરંતુ, શું બઆલના કાને એ સાંભળ્યું અને એણે કોઈ જવાબ આપ્યો? અહેવાલ આગળ જણાવે છે: “કંઈ વાણી થઈ નહિ, ને ઉત્તર આપનાર કોઈ ન હતો.” ખરેખર, “ઉત્તર આપનાર કે ગણકારનાર કોઇ ન હતું.” (૧ રાજા ૧૮:૨૬, ૨૯) બઆલ નામનો કોઈ જીવંત કે સક્રિય દેવ હતો જ નહિ.

તો પછી, આપણે ખરેખર પરમેશ્વર છે તેમને ઓળખીએ અને તેમની ભક્તિ કરીએ એ કેટલું મહત્ત્વનું છે! પરંતુ, તે કોણ છે? તેમનામાં વિશ્વાસ કરવાથી આપણને કઈ રીતે લાભ થઈ શકે?

[પાન ૩ પર ચિત્રો]

પ્રીયરનો સંગાથી ઈંગ્‍નીવાહ એ દેશને જુએ છે

રૉબર્ટ ઈ. પ્રીયર

[ક્રેડીટ લાઈન્સ]

Egingwah: From the book The North Pole: Its Discovery in 1909 Under the Auspices of the Peary Arctic Club, 1910; Robert E. Peary: NOAA

[પાન ૪ પર ચિત્રો]

ઘણા લોકો આ જગતના દેવોથી છેતરાય છે