‘સુવાર્તાના પ્રચારથી’ તાજગી મળે છે
“મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ”
‘સુવાર્તાના પ્રચારથી’ તાજગી મળે છે
મહત્ત્વના કાર્ય માટે તે સંપૂર્ણ હતા. તેમની શીખવવાની રીત એટલી બધી અસરકારક હતી કે “લોકો તેના ઉપદેશથી અચરત થયા.” (માત્થી ૭:૨૮) તે એક મહેનતુ ઉપદેશક પણ હતા. તેમણે પોતાનો સમય, શક્તિ અને સંપત્તિનો પરમેશ્વરના શબ્દનો પ્રચાર કરવામાં ઉપયોગ કર્યો. ખરેખર, ઈસુ ખ્રિસ્તે પોતાના આખા વતનમાં એક અજોડ પ્રચારક અને શિક્ષક તરીકે મુસાફરી કરી.—માત્થી ૯:૩૫.
ઈસુનું સૌથી મહત્ત્વનું કાર્ય, લોકોને ‘રાજ્યની સુવાર્તાનો પ્રચાર’ કરવો અને એ જ કાર્ય માટે પોતાના શિષ્યોને તાલીમ આપવી હતું. (માત્થી ૪:૨૩; ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) શું પ્રચારની આ ભારે અને વિશાળ જવાબદારી મર્યાદા ધરાવતા તેમના અપૂર્ણ અનુયાયીઓ માટે કચડી નાખનાર હતી?
જરાય નહિ! પોતાના શિષ્યોને વધારે મજૂરો માટે “ફસલના ધણી” યહોવાહ પરમેશ્વરને પ્રાર્થના કરવાની સૂચના આપ્યા પછી, ઈસુએ તેઓને લોકોને શિક્ષણ આપવા મોકલ્યા. (માત્થી ૯:૩૮; ૧૦:૧) ત્યાર પછી, તે તેઓને ખાતરી આપે છે કે તેમના શિષ્ય બનીને પ્રચાર કરવાથી તેઓ સાચી રાહત અને દિલાસો મેળવશે. ઈસુએ કહ્યું: “મારી પાસે આવો, ને હું તમને વિસામો [“તાજગી,” NW] આપીશ.”—માત્થી ૧૧:૨૮.
આનંદનો ઉદ્ભવ
એ આમંત્રણ કેટલું માયાળુ, દયાળુ અને પ્રેમાળ છે! એ ઈસુની પોતાના શિષ્યો માટેની ચિંતા બતાવે છે. તેમના શિષ્યોએ પણ પરમેશ્વરના રાજ્યની ‘સુવાર્તાનો’ પ્રચાર કરવાની પોતાની જવાબદારીને પૂરી કરવામાં તાજગી અનુભવી. એમાંથી તેઓએ સાચો આનંદ અને સંતોષ મેળવ્યો.—યોહાન ૪:૩૬.
ઈસુ પૃથ્વી પર હતા એના લાંબા સમય પહેલાં બાઇબલે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરમેશ્વરની પવિત્ર સેવામાં આનંદ એ મહત્ત્વની બાબત છે. ગીતકર્તા કહે છે: “રે સઘળા દેશો, યહોવાહની આગળ જયજયકાર કરો. આનંદથી યહોવાહની સેવા કરો; ગાતાં ગાતાં તેની આગળ આવો.” (ગીતશાસ્ત્ર ૧૦૦:૧, ૨) આજે, સર્વ રાષ્ટ્રના લોકો યહોવાહમાં આનંદ માણે છે અને તેઓની સ્તુતિનાં ગીત વિજયી લશ્કર જેવાં છે. જેઓએ સાચે જ પરમેશ્વરને પોતાનું સમર્પણ કર્યું છે તેઓ “ગાતાં ગાતાં” તેમની આગળ આવે છે. ખરેખર, એ યોગ્ય છે કેમ કે યહોવાહ “[સુખી, NW] દેવ” છે જે ઇચ્છે છે કે તેમના સેવકો પોતાના સમર્પણ પ્રમાણે કરવામાં આનંદ મેળવે.—૧ તીમોથી ૧:૧૧.
સેવકો તાજગી મેળવે છે
પ્રચાર કાર્યમાં સખત મહેનત કરવાથી આપણે થાકી જતા નથી પરંતુ, વાસ્તવમાં તાજગી મેળવીએ છીએ. એ કઈ રીતે શક્ય છે? જોકે, યહોવાહનું કાર્ય ઈસુ માટે તાજગી આપનાર ખોરાક જેવું હતું. આથી, તેમણે કહ્યું: “જેણે મને મોકલ્યો છે, તેની ઇચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારૂં અન્ન છે.”—યોહાન ૪:૩૪.
એવી જ રીતે, આજે પણ ઉત્સાહી ખ્રિસ્તી પ્રચારકો “સુવાર્તા પ્રગટ” કરે છે ત્યારે આનંદ મેળવે છે. (૨ તીમોથી ૪:૨) કોનીન નામના એક પચાસ વર્ષના બહેન દર મહિને પ્રચાર કાર્યમાં ૭૦ કરતાં વધારે કલાકો આપે છે, તે જણાવે છે: “પ્રચાર કાર્ય કર્યા પછી હું દિવસના અંતે થાકી જઉં છું છતાં, સંતોષ અને આનંદ અનુભવું છું.”
લોકો રાજ્ય સંદેશાની ઉપેક્ષા કરે તો શું? કોનીન કહે છે: “લોકો ભલે સાંભળે કે ન સાંભળે, પરંતુ પ્રચાર કાર્યમાં ભાગ લેવાથી મને ક્યારેય પસ્તાવો થયો નથી. હું યહોવાહને ખુશ કરતી બાબતો કરી રહી છું એ યાદ રાખીને સત્ય વિષે જણાવવાને મારો લહાવો ગણું છું. કેમ કે હું પ્રચારમાં જઉં છું ત્યારે બાઇબલની અદ્ભુત આશા મારા હૃદયને ઉત્તેજન આપે છે.”
ઘણાએ અનુભવ્યું છે કે બીજાઓને પરમેશ્વરનું ચોકસાઈભર્યું જ્ઞાન મેળવવા મદદ કરીને તેઓએ પોતાના જીવનમાં કંઈક પ્રાપ્ત કર્યું છે. યુવાન બહેન મેલેની, પ્રચાર કાર્યમાં નિયમિત રીતે ૫૦ કરતાં વધારે કલાક આપે છે. તે કહે છે: “સેવાકાર્ય તાજગી આપનારું છે કેમ કે એ મને જીવનમાં માર્ગદર્શન અને હેતુ આપે છે. હું પ્રચારમાં જઉં છું ત્યારે મારી વ્યક્તિગત સમસ્યાઓ અને રોજિંદા દબાણો ઓછા થઈ જાય છે.”
યહોવાહના સાક્ષીઓની બીજી એક ઉત્સાહી સેવિકા, મિલિસેન્ટ કહે છે: “હું લોકોને માણસજાત માટેનો પરમેશ્વરનો હેતુ અને પૃથ્વીને ફરીથી સુંદર પારાદેશ જેવી બનાવવામાં આવશે એ વિષે જણાવવામાં મારા દિવસો પસાર કરું છું ત્યારે, મારા દિવસો મૂલ્યવાન બને છે. એનાથી યહોવાહ દરરોજ મારા માટે વાસ્તવિક બને છે. વળી, એ મને એવી શાંતિ અને આંતરિક સુખ આપે છે કે જે બીજી કોઈ બાબતથી મળતા નથી.”
તાજગી મેળવનારાઓ
રાજ્ય પ્રચાર કરનારાઓએ સાચે જ પોતાના સેવાકાર્યથી તાજગી મેળવી છે અને જીવન આપનાર સંદેશો સ્વીકારનારાઓને એણે દિલાસો આપ્યો છે. પોર્ટુગલની એક શિક્ષિકાએ ચર્ચના પાદરીઓ દ્વારા શિક્ષણ લીધું હતું છતાં, તેને લાગ્યું કે ચર્ચે તેની આત્મિક જરૂરિયાતોને સંતોષી નથી. તેના બાઇબલ પ્રશ્નો તો એવાને એવા જ રહ્યા. એક યહોવાહની સાક્ષી સાથે નિયમિત અભ્યાસ કરવાથી ધીમે ધીમે તેની આત્મિક સમજણમાં વધારો થયો. આથી, તે ઘણી ખુશ હતી. તેણે કહ્યું, “હું દર બુધવારે મારા બાઇબલ અભ્યાસની આતુરતાથી રાહ જોતી. મને એક પછી એક મારા પ્રશ્નોના બાઇબલમાંથી ખાતરી કરાવતા જવાબ મળ્યા.” આજે, આ શિક્ષિકા યહોવાહની સમર્પિત સેવિકા છે અને તે પણ બીજાઓને બાઇબલ સત્યથી તાજગી આપી રહી છે.
તો પછી, એ સ્પષ્ટ છે કે યહોવાહના સાક્ષીઓ પોતાના પ્રચાર કાર્યની સોંપણીથી અથવા આખી પૃથ્વી પર એ ફેલાવવાની જવાબદારીથી દબાઈ જતા નથી. વળી, ઉદાસીનતા કે વિરોધ તેઓને નિરુત્સાહ કરી શકતા નથી. તેઓ ઉત્સાહથી પોતાના રાજ્ય પ્રચારના કાર્યને પરિપૂર્ણ કરે છે. તેઓ જ્યાં કંઈ પણ લોકો મળે છે તેઓને પ્રચાર કરે છે—અમેરિકામાં ટ્રક સ્ટેન્ડે (૧), કોરિયાના હવાઈમથકે (૨), એન્ડીઝમાં (૩), અથવા લંડનના બજારમાં (૪). ઈસુના વર્તમાન સમયના સેવકો આનંદથી જગત ફરતે બદલો આપનારું કાર્ય કરે છે. પોતાના વચન પ્રમાણે ઈસુએ પણ લોકોને તાજગી આપી છે અને બીજાઓને તાજગી આપવા તેઓનો ઉપયોગ કર્યો છે.—પ્રકટીકરણ ૨૨:૧૭.