સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે પરમેશ્વર જેઓને પ્રેમ કરે છે તેઓમાંના એક છો?

શું તમે પરમેશ્વર જેઓને પ્રેમ કરે છે તેઓમાંના એક છો?

શું તમે પરમેશ્વર જેઓને પ્રેમ કરે છે તેઓમાંના એક છો?

“જેની પાસે મારી આજ્ઞાઓ છે, અને જે તેઓને પાળે છે, તેજ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારો બાપ પ્રેમ રાખશે.”​—⁠યોહાન ૧૪:⁠૨૧.

૧, ૨. (ક) યહોવાહે માણસજાત પ્રત્યે કઈ રીતે પ્રેમ બતાવ્યો? (ખ) ઈસુએ નીશાન ૧૪, ૩૩ સી.ઈ.માં શાની સ્થાપના કરી?

 યહોવાહ પરમેશ્વર સર્વ લોકોને પ્રેમ કરે છે. હકીકતમાં, તેમણે માણસજાત પર એટલો પ્રેમ કર્યો કે “પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” (યોહાન ૩:​૧૬) ખ્રિસ્તના મરણનો સ્મરણ પ્રસંગ નજીક આવતો જાય છે તેમ, સાચા ખ્રિસ્તીઓએ યહોવાહે “આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્ચિત્ત થવા માટે મોકલ્યો” એના પર ઊંડું મનન કરવું જોઈએ.​—⁠૧ યોહાન ૪:⁠૧૦.

નીશાન ૧૪, ૩૩ સી.ઈ.ની રાત્રે, ઈસુ અને તેમના ૧૨ પ્રેષિતો પાસ્ખાપર્વની ઉજવણી કરવા યરૂશાલેમના એક ઘરમાં ઉપરના માળે ભેગા મળ્યા. એ પર્વ મિસરમાંથી ઈસ્રાએલીઓને મળેલા છુટકારાની યાદ અપાવતું હતું. (માત્થી ૨૬:૧૭-૨૦) આ યહુદી પર્વની ઉજવણી કર્યા પછી, ઈસુએ યહુદા ઈસકારીઓતને ત્યાંથી કાઢી મૂક્યો. ત્યાર પછી, તેમણે યાદગાર સાંજના ભોજનની સ્થાપના કરી કે જે ખ્રિસ્તીઓ માટે ખ્રિસ્તના મરણનો સ્મરણ પ્રસંગ બનવાનો હતો. * ઈસુએ પોતાના શરીર અને લોહીના પ્રતીક તરીકે બેખમીર રોટલી અને દ્રાક્ષારસનો ઉપયોગ કર્યો. આ સાંજના ભોજનમાં ૧૧ પ્રેષિતોએ પણ ભાગ લીધો. આ વિષે માત્થી, માર્ક અને લુક વિગતવાર માહિતી આપે છે. પ્રેષિત પાઊલ એને “પ્રભુનું ભોજન” કહે છે.​—⁠૧ કોરીંથી ૧૧:૨૦; માત્થી ૨૬:૨૬-૨૮; માર્ક ૧૪:​૨૨-​૨૫; લુક ૨૨:​૧૯, ૨૦.

૩. ઈસુએ પોતાના શિષ્યો સાથે પસાર કરેલા છેલ્લા કલાકોનો યોહાને નોંધેલો અહેવાલ, કઈ રીતોએ બીજા કરતાં અલગ પડે છે?

જોકે, પ્રેષિત યોહાન રોટલી અને દારૂ પસાર કરવા વિષેનો કોઈ ઉલ્લેખ કરતા નથી. એનું કારણ એ હોય શકે કે તેમણે સુવાર્તા (લગભગ ૯૮ સી.ઈ.માં) લખી ત્યાં સુધીમાં, શરૂઆતના ખ્રિસ્તીઓ એનાથી સારી રીતે પરિચિત થઈ ગયા હશે. (૧ કોરીંથી ૧૧:૨૩-૨૬) તેમ છતાં, ઈસુએ પોતાના મરણના સ્મરણ પ્રસંગની સ્થાપના કર્યા પહેલાં અને પછી શું કહ્યું અને કર્યું એ વિષે ફક્ત પ્રેરિત યોહાન જ આપણને મહત્ત્વની માહિતી પૂરી પાડે છે. યોહાનની સુવાર્તાના પાંચ અધ્યાયો આ માહિતીને આવરે છે. પરંતુ, આ માહિતી સ્પષ્ટ રીતે બતાવે છે કે કેવા પ્રકારની વ્યક્તિઓને યહોવાહ પ્રેમ કરે છે. ચાલો આપણે યોહાનના ૧૩થી ૧૭ અધ્યાયોને તપાસીએ.

ઈસુના પ્રેમમાંથી શીખવું

૪. (ક) ઈસુએ સ્મરણ પ્રસંગની સ્થાપના કરતી વખતે શિષ્યોને જે મહત્ત્વની બાબત બતાવી એના પર યોહાને કઈ રીતે ભાર મૂક્યો? (ખ) કયા મહત્ત્વના કારણને લીધે યહોવાહ ઈસુને પ્રેમ કરે છે?

આ અધ્યાયોમાં ઈસુએ પોતાના શિષ્યોને આપેલી સલાહમાં પ્રેમ મહત્ત્વનો વિષય છે. હકીકતમાં, એમાં વિવિધ પ્રકારનો “પ્રેમ” ૩૧ વાર જોવા મળે છે. ઈસુનો પોતાના પિતા, યહોવાહ અને પોતાના શિષ્યો માટેનો ઊંડો પ્રેમ બીજી જગ્યાઓ કરતાં આ અધ્યાયોમાં વધારે સ્પષ્ટ રીતે જોવા મળે છે. સુવાર્તાઓમાં ઈસુના જીવનમાં તેમનો યહોવાહ માટેનો પ્રેમ જોવા મળે છે, પરંતુ, ફક્ત યોહાન જ ઈસુને આમ કહેતા નોંધે છે કે “હું બાપ પર પ્રેમ રાખું છું.” (યોહાન ૧૪:૩૧) ઈસુએ કહ્યું કે યહોવાહ તેમને પ્રેમ કરે છે. તેમણે એ પણ બતાવ્યું કે યહોવાહ શા માટે તેમને પ્રેમ કરે છે. તેમણે કહ્યું: “જેમ બાપે મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે; તમે મારા પ્રેમમાં રહો. જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાળીને તેના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.” (યોહાન ૧૫:૯, ૧૦) હા, યહોવાહ પોતાના દીકરાને પ્રેમ કરે છે કેમ કે તે તેમને સંપૂર્ણ રીતે આધીન રહે છે. ઈસુના સર્વ અનુયાયીઓ માટે કેવો સરસ બોધપાઠ!

૫. ઈસુએ કઈ રીતે પોતાના શિષ્યો પ્રત્યે પ્રેમ બતાવ્યો?

ઈસુ શિષ્યોને છેલ્લી વાર મળે છે એ અહેવાલની શરૂઆતમાં જ યોહાન, શિષ્યો માટેના ઈસુના ઊંડા પ્રેમ વિષે જણાવે છે. યોહાને બતાવ્યું: “હવે પાસ્ખા પર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી બાપની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક, જેઓના ઉપર તે પ્રેમ રાખતો હતો, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.” (યોહાન ૧૩:૧) એ સાંજે, તેમણે શિષ્યોને બીજાઓની પ્રેમાળ સેવા કરવા વિષેનો એક યાદગાર બોધપાઠ શીખવ્યો. તેમણે તેઓના પગ ધોયા. વાસ્તવમાં, તેઓમાંના દરેક ઈસુ અને પોતાના ભાઈઓની સેવા કરવા ઉત્સુક હોવા જોઈતા હતા. પરંતુ, તેઓએ એમ ન કર્યું. ઈસુએ શિષ્યોના પગ ધોયા પછી, તેઓને કહ્યું: “માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. કેમકે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે.” (યોહાન ૧૩:​૧૪, ૧૫) હા, ખ્રિસ્તીઓએ પોતાના ભાઈઓની સ્વેચ્છાએ અને ખુશીથી સેવા કરવી જોઈએ.​—⁠માત્થી ૨૦:૨૬, ૨૭; યોહાન ૧૩:⁠૧૭.

નવી આજ્ઞા પાળો

૬, ૭. (ક) યોહાને સ્મરણ પ્રસંગની સ્થાપનાને લગતી કઈ મહત્ત્વની માહિતી પૂરી પાડી? (ખ) ઈસુએ પોતાના શિષ્યોને કઈ નવી આજ્ઞા આપી અને એમાં શું નવું હતું?

નીશાન ૧૪ની રાત્રે ઉપરના માળે જે બન્યું એ વિષે યોહાનના અહેવાલમાં યહુદા ઈસકારીઓતના જવા વિષે ફક્ત એક વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (યોહાન ૧૩:૨૧-૩૦) પરંતુ, એ વિષે સુવાર્તાઓ બતાવે છે કે આ વિશ્વાસઘાતીના ગયા પછી જ ઈસુએ પોતાના મરણના સ્મરણ પ્રસંગની સ્થાપના કરી હતી. ત્યાર પછી, તેમણે વિશ્વાસુ પ્રેષિતો સાથે પૂરેપૂરી વાત કરીને તેઓને જરૂરી સલાહ અને સૂચનો આપ્યાં. આપણે પોતે પણ સ્મરણ પ્રસંગમાં હાજરી આપીએ ત્યારે, આ પ્રસંગે ઈસુએ જે કહ્યું એના પર મનન કરવું જોઈએ. કેમ કે, આપણે ખરેખર યહોવાહ જેઓને પ્રેમ કરે છે તેઓ મધ્યે રહેવા ઇચ્છીએ છીએ.

ઈસુએ પોતાના મરણના સ્મરણ પ્રસંગની સ્થાપના કર્યા પછી, તેઓને જે સૌથી પહેલી સૂચના આપી એ કંઈક નવી હતી. તેમણે કહ્યું: “હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો; જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:​૩૪, ૩૫) આ આજ્ઞામાં નવું શું હતું? એ સાંજે થોડા વખત પછી ઈસુએ સ્પષ્ટ કરતા કહ્યું: “મારી આજ્ઞાઓ એ છે, કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. પોતાના મિત્રોને સારૂ જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી.” (યોહાન ૧૫:૧૨, ૧૩) મુસાના નિયમમાં ઈસ્રાએલીઓને ‘પોતાની જેમ પડોશી પર’ પ્રેમ રાખવાની આજ્ઞા આપવામાં આવી હતી. (લેવીય ૧૯:૧૮) પરંતુ, ઈસુની આજ્ઞામાં બીજી બાબત પણ સમાયેલી હતી. ઈસુએ તેમને પ્રેમ કર્યો એવો જ પ્રેમ તેઓએ એકબીજાને કરવાનો હતો. તેઓએ પોતાના ભાઈઓ માટે પોતાના જીવનનું બલિદાન આપવા તૈયાર રહેવાનું હતું.

૮. (ક) આત્મ-ત્યાગી પ્રેમ બતાવવામાં શાનો સમાવેશ થાય છે? (ખ) આજે યહોવાહના સાક્ષીઓ કઈ રીતે આત્મ-ત્યાગી પ્રેમ બતાવે છે?

આપણે પોતાની વ્યક્તિગત અને મંડળના એક સભ્ય તરીકે સ્વ-તપાસ કરીએ એ માટે સ્મરણ પ્રસંગ યોગ્ય સમય છે. આપણે એ પણ જોવું જોઈએ કે સાચા ખ્રિસ્તીઓનું ઓળખચિહ્‍ન, એટલે કે ખ્રિસ્ત જેવો પ્રેમ આપણામાં છે કે નહિ. આવો આત્મ-ત્યાગી પ્રેમ બતાવવાનો અર્થ એમ થઈ શકે અને ઘણી વાર થયો છે કે આપણું જીવન જોખમમાં હોય ત્યારે પણ, આપણા ભાઈઓનો વિશ્વાસઘાત ન કરીએ. એ ઉપરાંત, આપણે સામાન્ય સંજોગોમાં પણ આપણા ભાઈબહેનો અને બીજાઓની સેવામાં ખુશીથી વ્યક્તિગત બાબતોનો ભોગ આપવો જોઈએ. આ બાબતમાં પ્રેષિત પાઊલે સરસ ઉદાહરણ બેસાડ્યું. (૨ કોરીંથી ૧૨:૧૫; ફિલિપી ૨:૧૭) યહોવાહના સાક્ષીઓ પોતાના આત્મ-ત્યાગી વલણને લીધે આખા જગતમાં જાણીતા છે. તેઓ પોતાના ભાઈબહેનો અને પડોશીઓને મદદ કરે છે તેમ જ લોકોને બાઇબલનું સત્ય જણાવે છે. *​—⁠ગલાતી ૬:​૧૦.

સંબંધનો આનંદ માણો

૯. પરમેશ્વર અને તેમના દીકરા સાથે અમૂલ્ય સંબંધ જાળવી રાખવા આપણે શું કરવા ઉત્સુક હોવા જોઈએ?

યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત આપણને પ્રેમ કરે એ સિવાય બીજી કોઈ પણ બાબત મૂલ્યવાન નથી. તેમ છતાં, તેઓનો પ્રેમ મેળવવા આપણે કંઈક કરવાની જરૂર છે. શિષ્યો સાથેની છેલ્લી રાત્રે ઈસુએ કહ્યું: “જેની પાસે મારી આજ્ઞાઓ છે, અને જે તેઓને પાળે છે, તેજ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારો બાપ પ્રેમ રાખશે, અને હું તેના પર પ્રેમ રાખીશ, અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.” (યોહાન ૧૪:૨૧) પરમેશ્વર સાથે અને તેમના દીકરા સાથેનો આપણો સંબંધ મૂલ્યવાન હોવાથી, આપણે ખુશીથી તેઓની આજ્ઞાઓ પાળવી જોઈએ. એમાં આત્મ-ત્યાગી પ્રેમ બતાવવાની નવી આજ્ઞાનો અને ખ્રિસ્તે પોતાના પુનરુત્થાન પછી, ‘લોકોને ઉપદેશ કરવાની’ અને ‘શિષ્ય બનાવવાની’ જે આજ્ઞા આપી એનો પણ સમાવેશ થાય છે.​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૨; માત્થી ૨૮:૧૯, ૨૦.

૧૦. અભિષિક્તો અને “બીજા ઘેટાં” કયો મૂલ્યવાન સંબંધ રાખી શકે છે?

૧૦ પાસ્ખાપર્વની એ રાત્રે, વિશ્વાસુ પ્રેષિત યહુદા (થાદી)એ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા ઈસુએ કહ્યું: “જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારૂં વચન પાળશે; અને મારો બાપ તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.” (યોહાન ૧૪:૨૨, ૨૩) ખ્રિસ્ત સાથે રાજ કરવા સ્વર્ગમાં બોલાવવામાં આવેલા અભિષિક્ત ખ્રિસ્તીઓ પૃથ્વી પર હતા ત્યારે, તેઓનો યહોવાહ અને તેમના પુત્ર સાથે ગાઢ સંબંધ હતો. (યોહાન ૧૫:૧૫; ૧૬:૨૭; ૧૭:૨૨; હેબ્રી ૩:૧; ૧ યોહાન ૩:૨, ૨૪) પરંતુ, પૃથ્વી પર હંમેશા જીવવાની આશા રાખતા તેઓના સંગાથી, “બીજા ઘેટાં” પણ ખ્રિસ્ત અને યહોવાહની આજ્ઞા પાળીને પોતાના “એક ઘેટાંપાળક,” ઈસુ ખ્રિસ્ત અને પરમેશ્વર યહોવાહ સાથે મૂલ્યવાન સંબંધ બાંધી શકે છે.​—⁠યોહાન ૧૦:૧૬; ગીતશાસ્ત્ર ૧૫:૧-૫; ૨૫:⁠૧૪.

“તમે જગતના નથી”

૧૧. ઈસુએ શિષ્યોને કઈ ચેતવણી આપી?

૧૧ ઈસુએ પોતાના મરણ પહેલાં વિશ્વાસુ શિષ્યોને છેલ્લા ભોજન દરમિયાન ચેતવણી આપી: જો તેઓએ પરમેશ્વરનો પ્રેમ મેળવવો હોય તો, જગત તેઓનો ધિક્કાર કરશે. તેમણે કહ્યું: “જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો તમારા અગાઉ તેણે મારા પર દ્વેષ રાખ્યો છે, એ તમે જાણો છો. જો તમે જગતના હોત તો જગત પોતાનાંના ઉપર પ્રેમ રાખત; પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે. દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓ મારી પૂઠે પડ્યા, તો તેઓ તમારી પૂઠે પણ પડશે; જો તેઓએ મારાં વચન પાળ્યાં, તો તેઓ તમારાં પણ પાળશે.”​—⁠યોહાન ૧૫:૧૮-૨૦.

૧૨. (ક) ઈસુએ શા માટે શિષ્યોને ચેતવણી આપી કે જગત તેઓનો ધિક્કાર કરશે? (ખ) સ્મરણ પ્રસંગનો સમય નજીક આવે છે તેમ, આપણે કઈ બાબતો પર મનન કરવું જોઈએ?

૧૨ ઈસુએ પોતાના ૧૧ પ્રેષિતો અને બીજા ખ્રિસ્તીઓ, જગતના ધિક્કારથી હિંમત હારીને હતાશ ન થઈ જાય એ માટે આ ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું: “કોઈ તમને ઠોકર ખવડાવે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે. તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે દેવની સેવા કરે છે, એમ તેને લાગશે. તેઓ બાપને તથા મને ઓળખતા નથી, માટે તેઓ એ કામો કરશે.” (યોહાન ૧૬:​૧-⁠૩) એક બાઇબલ શબ્દકોશ પ્રમાણે, “ઠોકર” શબ્દનો અર્થ, “જે વ્યક્તિ પર ભરોસો કરવો જોઈએ અને તેની આજ્ઞાઓ પાળવી જોઈએ, તેનામાંથી ભરોસો ઊઠી જાય એ માટે કોઈને બહેકાવી દેવું અથવા ભટકાવી દેવું” થાય છે. સ્મરણ પ્રસંગ ઉજવવાનો સમય નજીક આવે છે તેમ, સર્વએ પ્રાચીન અને વર્તમાન સમયના વિશ્વાસુ સેવકોના જીવન પર મનન કરવું જોઈએ તેમ જ, સતાવણી સમયે તેઓએ બતાવેલા વિશ્વાસનું અનુકરણ કરવું જોઈએ. સતાવણી અને વિરોધને કારણે યહોવાહ અને ઈસુથી દૂર ન થઈ જાઓ. તેઓમાં વિશ્વાસ રાખો અને તેઓને આધીન રહો.

૧૩. ઈસુએ શિષ્યો માટે પોતાના પિતાને કઈ પ્રાર્થના કરી?

૧૩ યરૂશાલેમના એ ઘરના ઉપરના માળેથી જતા પહેલાં, ઈસુએ સમાપ્તિ પ્રાર્થનામાં પિતાને કહ્યું: “તારૂં વચન મેં તેઓને આપ્યું છે; અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે, કેમકે જેમ હું જગતનો નથી, તેમ તેઓ પણ જગતના નથી. તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી [વિનંતી કરૂં છું]. જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.” (યોહાન ૧૭:૧૪-૧૬) હા, આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવાહ જેઓને પ્રેમ કરે છે તેઓનું ધ્યાન પણ રાખે છે અને તેઓ પોતાને જગતથી અલગ રાખે છે ત્યારે તે તેઓને દૃઢ પણ કરે છે.​—⁠યશાયાહ ૪૦:૨૯-૩૧.

યહોવાહ અને ઈસુના પ્રેમમાં રહો

૧૪, ૧૫. (ક) ‘નકામા દ્રાક્ષાવેલાથી’ ભિન્‍ન ઈસુ પોતાને કોની સાથે સરખાવે છે? (ખ) ‘ખરા દ્રાક્ષાવેલાની ડાળીઓ’ કોણ છે?

૧૪ નીશાન ૧૪ની રાત્રે શિષ્યો સાથે વાતચીત કરતી વખતે, ઈસુએ પોતાને ‘ખરા દ્રાક્ષાવેલા’ સાથે સરખાવ્યા કે જે અવિશ્વાસુ ઈસ્રાએલીઓના ‘નકામા દ્રાક્ષાવેલાથી’ એકદમ ભિન્‍ન હતા. તેમણે કહ્યું: “હું ખરો દ્રાક્ષાવેલો છું, અને મારો બાપ માળી છે.” (યોહાન ૧૫:⁠૧) સદીઓ પહેલાં પ્રબોધક યિર્મેયાહે, યહોવાહે પોતાના ધર્મત્યાગી લોકોને કહેલા આ શબ્દો નોંધ્યા: ‘મેં તને રોપ્યો, તે વારે તું ઉત્તમ દ્રાક્ષાવેલો હતો, તો તું કેમ બદલાઈને મારી પ્રત્યે દ્રાક્ષાવેલાનો નકામો છોડવો થઈ ગયો છે?’ (યિર્મેયાહ ૨:૨૧) પ્રબોધક હોશીઆએ લખ્યું: “ઈસ્રાએલ [“નકામો,” NW] દ્રાક્ષાવેલો છે; તેના ફળની અધિકતાના પ્રમાણમાં તેણે પોતાને સારૂ વેદીઓ વધારી છે; . . . તેઓનું હૃદય ઠગારૂં છે.”​—⁠હોશીઆ ૧૦:​૧, ૨.

૧૫ ઈસ્રાએલીઓએ સાચી ઉપાસનાનાં ફળો પેદાં કરવાને બદલે, ધર્મત્યાગી બનીને પોતાને સારુ ખરાબ ફળો પેદાં કર્યા. શિષ્યો સાથેની છેલ્લી મુલાકાતના ત્રણ દિવસ પહેલાં, ઈસુએ ઢોંગી યહુદી આગેવાનોને કહ્યું: “એ માટે હું તમને કહું છું, કે દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે, ને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે.” (માત્થી ૨૧:૪૩) એ નવું “દેવનું ઈસ્રાએલ” ૧,૪૪,૦૦૦ અભિષિક્ત ખ્રિસ્તીઓનું બનેલું છે કે જેઓને ‘ખરા દ્રાક્ષાવેલા,’ ઈસુ ખ્રિસ્તની “ડાળીઓ” સાથે સરખાવવામાં આવ્યા.​—⁠ગલાતી ૬:૧૬; યોહાન ૧૫:૫; પ્રકટીકરણ ૧૪:૧, ૩.

૧૬. ઈસુએ ૧૧ પ્રેષિતોને શું કરવાનું કહ્યું અને આ અંતના સમયમાં વિશ્વાસુ શેષભાગ શું કરી રહ્યો છે?

૧૬ ઈસુએ ઉપરના માળે હાજર રહેનાર ૧૧ પ્રેષિતોને કહ્યું: “મારામાંની હરેક ડાળી જેને ફળ આવતાં નથી, તેને તે કાપી નાખે છે; અને હરેક [ડાળી] જેને ફળ આવે છે, તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે. તમે મારામાં રહો, ને હું તમારામાં [રહીશ.] જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી નથી શકતી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના [ફળ] આપી શકતા નથી.” (યોહાન ૧૫:​૨, ૪) યહોવાહના લોકોનો આધુનિક સમયનો ઇતિહાસ બતાવે છે કે અભિષિક્ત ખ્રિસ્તીઓનો શેષભાગ પોતાના શિર, ખ્રિસ્ત ઈસુની સાથે એકતામાં રહ્યા છે. (એફેસી ૫:​૨૩) તેઓએ પોતાને શુદ્ધ થવા દઈને યોગ્ય ઘાટ આપવા દીધો છે. (માલાખી ૩:​૨, ૩) વર્ષ ૧૯૧૯થી, તેઓએ ભરપૂર પ્રમાણમાં રાજ્યનાં ફળો પેદાં કર્યાં છે. એમાં, સૌ પ્રથમ બીજા અભિષિક્ત ખ્રિસ્તીઓ અને વર્ષ ૧૯૩૫થી વધી રહેલા તેમના સંગાથી “મોટી સભા” છે.​—⁠પ્રકટીકરણ ૭:૯; યશાયાહ ૬૦:​૪, ૮-૧૧.

૧૭, ૧૮. (ક) અભિષિક્તો અને બીજા ઘેટાંને ઈસુના કયા શબ્દો યહોવાહના પ્રેમમાં રહેવા મદદ કરે છે? (ખ) સ્મરણ પ્રસંગમાં હાજર રહેવાથી એ આપણને કઈ રીતે મદદ કરશે?

૧૭ સર્વ અભિષિક્ત ખ્રિસ્તીઓ અને તેઓના સંગાથીઓને ઈસુના આ શબ્દો લાગુ પડે છે: “તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે; અને [એથી] તમે મારા શિષ્ય થશો. જેમ બાપે મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે; તમે મારા પ્રેમમાં રહો. જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાળીને તેના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.”​—⁠યોહાન ૧૫:​૮-​૧૦.

૧૮ આપણે સર્વ પરમેશ્વરના પ્રેમમાં રહેવા માંગીએ છીએ અને એ આપણને ફળ આપનાર ખ્રિસ્તીઓ બનવા પ્રેરે છે. એ આપણે દરેક તકે ‘રાજ્યની સુવાર્તા’ લોકોને જણાવીને કરીએ છીએ. (માત્થી ૨૪:૧૪) આપણે આપણા વ્યક્તિગત જીવનમાં પણ ‘પવિત્ર આત્માનાં’ ફળો વિકસાવવાનો પ્રયાસ કરીએ છીએ. (ગલાતી ૫:૨૨, ૨૩) ખ્રિસ્તના મરણના સ્મરણ પ્રસંગમાં હાજર રહીને, આપણે એ પ્રમાણે કરતા રહેવાના આપણા પ્રયત્નોમાં દૃઢ થઈશું. કેમ કે આપણા પ્રત્યે પરમેશ્વરે અને ખ્રિસ્તે જે ઊંડો પ્રેમ બતાવ્યો છે એને ત્યાં યાદ કરવામાં આવશે.​—⁠૨ કોરીંથી ૫:૧૪, ૧૫.

૧૯. હવે પછીના લેખમાં શાની ચર્ચા કરવામાં આવશે?

૧૯ સ્મરણ પ્રસંગની સ્થાપના કર્યા પછી, ઈસુએ વચન આપ્યું કે તેમના પિતા વિશ્વાસુ શિષ્યો માટે “સહાયકને, એટલે કે પવિત્ર આત્માને” મોકલશે. (યોહાન ૧૪:​૨૬, IBSI) આ પવિત્ર આત્મા કઈ રીતે અભિષિક્તોને અને બીજા ઘેટાંને યહોવાહના પ્રેમમાં રહેવા મદદ કરે છે એ આપણે હવે પછીના લેખમાં જોઈશું.

[ફુટનોટ્‌સ]

^ બાઇબલ ગણતરી પ્રમાણે, ૨૦૦૨માં સ્મરણ પ્રસંગ નીશાન ૧૪, ગુરુવાર, માર્ચ ૨૮ની સાંજથી શરૂ થાય છે. એ સાંજે, જગત ફરતે યહોવાહના સાક્ષીઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણનો સ્મરણ પ્રસંગ ઉજવવા માટે ભેગા મળશે.

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત, યહોવાહના સાક્ષીઓ​—⁠પરમેશ્વરના રાજ્યને જાહેર કરનારા (અંગ્રેજી) પુસ્તકના પ્રકરણ ૧૯ અને ૩૨ જુઓ.

પુનરાવર્તનના પ્રશ્નો

• ઈસુએ શિષ્યોને સેવા કરવાનો કયો વ્યવહારુ બોધપાઠ શીખવ્યો?

• સ્મરણ પ્રસંગ કઈ સ્વ-તપાસ કરવાનો યોગ્ય સમય છે?

• શા માટે આપણે જગતના ધિક્કાર અને સતાવણી વિષેની ઈસુની ચેતવણીથી ઠોકર ખાવી જોઈએ નહિ?

• ‘ખરો દ્રાક્ષાવેલો’ કોણ છે? “ડાળીઓ” કોણ છે અને તેઓની પાસેથી કઈ અપેક્ષા રાખવામાં આવે છે?

[Questions]

[પાન ૧૫ પર ચિત્ર]

ઈસુએ પ્રેષિતોને સેવા કરવાનો અમૂલ્ય બોધપાઠ શીખવ્યો

[પાન ૧૬, ૧૭ પર ચિત્રો]

ખ્રિસ્તના શિષ્યો તેમની આજ્ઞાઓ પાળીને આત્મ-ત્યાગી પ્રેમ બતાવે છે