તમે કઈ રીતે આ જગતના અંતમાંથી બચી શકો?
તમે કઈ રીતે આ જગતના અંતમાંથી બચી શકો?
વર્તમાન જગતના અંતનો બાઇબલ “દુઃખ તથા સંકટનો દિવસ, ઉજ્જડપણાનો તથા વેરાનપણાનો દિવસ, અંધકારનો તથા ઝાંખનો દિવસ, વાદળાં તથા ગાઢ અંધકારનો દિવસ” તરીકે વર્ણન કરે છે. (સફાન્યાહ ૧:૧૫) સાચે જ, આ કંઈ એવો દિવસ નથી કે જેના માટે તમે રાહ જોતા હોવ! તોપણ, પ્રેષિત પીતરે પોતાના સાથી ખ્રિસ્તીઓને સલાહ આપી કે “દેવના જે દિવસે આકાશો સળગીને લય પામશે તથા તત્ત્વો બળીને પીગળી જશે, તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી. તો પણ આપણે તેના વચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.”—૨ પીતર ૩:૧૨, ૧૩.
અહીં પીતર શાબ્દિક આકાશ અને પૃથ્વીના વિનાશની વાત કરતા નથી. પીતર જે “આકાશ” અને ‘પૃથ્વીનો’ ઉલ્લેખ કરે છે એ સાંકેતિક અર્થમાં હાલની ભ્રષ્ટ માનવ સરકારો અને દુષ્ટ માનવ સમાજ છે. “યહોવાહનો દિવસ” પૃથ્વીનો નાશ કરશે નહિ, પરંતુ “તેમાંથી પાપીઓનો વિનાશ” કરશે. (યશાયાહ ૧૩:૯) આજના દુષ્ટ માનવ સમાજમાં “ધિક્કારપાત્ર કૃત્યોને લીધે નિસાસા નાખતા હોય તથા રડતા હોય” એવા સર્વ લોકો માટે યહોવાહનો દિવસ તારણનો દિવસ હશે.—હઝકીએલ ૯:૪.
તો પછી, કઈ રીતે કોઈ પણ વ્યક્તિ ‘યહોવાહના મોટા તથા ભયંકર દિવસથી’ બચી શકે? ‘યહોવાહનું વચન’ તેમના એક પ્રબોધકને આ પ્રશ્નનો જવાબ આપે છે: “તે સમયે એમ થશે, કે જે કોઈ યહોવાહને નામે વિનંતી કરશે, તે તારણ પામશે.” (યોએલ ૧:૧; ૨:૩૧, ૩૨) યહોવાહને નામે વિનંતી કરવાનો શું અર્થ થાય છે એ વિષે તમને જણાવવા યહોવાહના સાક્ષીઓ રાજીખુશીથી મદદ કરશે.