સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આશાનું કિરણ આપનાર નેતા

આશાનું કિરણ આપનાર નેતા

આશાનું કિરણ આપનાર નેતા

“દરેક મકાનને બાંધનાર કોઈક તો હોય છે જ, પરંતુ સર્વસ્વના સરજનહાર ઈશ્વર છે.” (હેબ્રી ૩:૪, IBSI; પ્રકટીકરણ ૪:૧૧) યહોવાહ ખરા પરમેશ્વર હોવાથી તે “આપણું બંધારણ જાણે છે.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪) તે સારી રીતે જાણે છે કે આપણે શું કરી શકીએ છીએ અને શું નથી કરી શકતા. તેમને આપણા જીવનની જરૂરિયાતોનો પૂરો ખ્યાલ છે. તે આપણા સુખ માટે બધું જ કરશે, કારણ કે તે પ્રેમથી ભરપૂર છે. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬; ૧ યોહાન ૪:૮) તે એ પણ જાણે છે કે આપણને સારી દોરવણીની ખાસ જરૂર છે.

પ્રબોધક યશાયાહ દ્વારા યહોવાહે જણાવ્યું: “મેં તેને લોકોને સારૂ સાક્ષી, તેઓને સારૂ સરદાર [નેતા] તથા અધિકારી ઠરાવી આપ્યો છે.” (યશાયાહ ૫૫:૪) આજે પ્રમાણિક નેતાઓની અછત હોવાથી એ મહત્વનું છે કે આપણે યહોવાહે પસંદ કરેલા નેતાને જાણીને, તેમને પોતાના નેતા તરીકે પસંદ કરીએ. તે નેતા કોણ છે જેના વિષે અગાઉથી કહેવામાં આવ્યું હતું? તે કેવી લાયકાતો ધરાવે છે? તે કેવા આશીર્વાદ આપશે? એ આશીર્વાદ આપણે કેવી રીતે મેળવી શકીએ?

વચન પ્રમાણે નેતા આવે છે

લગભગ ૨,૫૦૦ વર્ષ અગાઉ, પ્રબોધક દાનીયેલને સ્વર્ગદૂત ગાબ્રીએલે જણાવ્યું: “એ માટે જાણ તથા સમજ, કે યરૂશાલેમની મરામત કરવાનો તથા તેને ફરી બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં સાત અઠવાડીઆં વીતશે; અને બાસઠ અઠવાડીઆમાં, શેરીઓ તથા ખાઈસહિત, અંધાધૂંધીના સમયોમાં પણ તે ફરીથી બંધાશે.”⁠—દાનીયેલ ૯:⁠૨૫.

એ સ્પષ્ટ છે કે સ્વર્ગદૂતે દાનીયેલને જણાવ્યું કે યહોવાહે પસંદ કરેલા નેતા તેમના નક્કી કરેલા સમયે આવશે. વચન પ્રમાણે ૬૯ અઠવાડીઆં પછી, એટલે કે ૪૮૩ વર્ષના અંતે, તે પોતાને “અભિષિક્ત સરદાર” કે નેતા તરીકે રજૂ કરશે. એ ગણતરીની શરૂઆત ૪૫૫ બી.સી.ઈ.માં થઈ હતી, જ્યારે યરૂશાલેમને ફરી બાંધવાનો હુકમ આપવામાં આવ્યો હતો. * (નહેમ્યાહ ૨:​૧-૮) એ નક્કી કરેલા સમયના અંતે શું થયું? બાઇબલ લેખક લુક જણાવે છે: “હવે તીબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વરસે [૨૯ સી.ઈ.], જ્યારે પંતિયસ પીલાત યહુદાહનો અધિપતિ હતો, તથા હેરોદ ગાલીલનો રાજા હતો, . . . તે વખતે ઝખાર્યાહના દીકરા યોહાનની પાસે રાનમાં દેવનું વચન આવ્યું. તે યરદનની આસપાસના આખા પ્રદેશમાં પાપની માફીને સારૂ પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કરતો આવ્યો.” તે વખતે “લોક મસીહની વાટ જોતા હતા.” (લુક ૩:૧-૩, ૧૫) ઘણા લોકો યોહાન પાસે ગયા, તેમ છતાં તે પોતે મસીહ કે આવનાર નેતા ન હતા.

પછી લગભગ ઑક્ટોબર ૨૯ સી.ઈ.માં, નાઝરેથના ઈસુ યોહાન પાસે બાપ્તિસ્મા લેવા માટે આવ્યા. એ વિષે યોહાન સાક્ષી આપે છે: “યોહાને શાહેદી આપી, કે આત્માને કબૂતરની પેઠે આકાશથી ઊતરતો મેં દીઠો; તે તેના પર રહ્યો. મેં તેને ઓળખ્યો ન હતો; પણ જેણે મને પાણીથી બાપ્તિસ્મા કરવાને મોકલ્યો, તેણે જ મને કહ્યું, કે જેના પર તું આત્માને ઊતરતો તથા રહેતો જોશે, તેજ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે. મેં જોયું છે, અને શાહેદી આપી છે કે એજ દેવનો દીકરો છે.” (યોહાન ૧:​૩૨-​૩૪) ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે, તે અભિષિક્ત નેતા કે મસીહ બન્યા.

એ બતાવે છે કે અગાઉથી જાહેર કરેલા લોકોના “સરદાર [નેતા] તથા અધિકારી” તો ઈસુ ખ્રિસ્ત જ હતા. તેમના સ્વભાવ પરથી આપણે જોઈ શકીશું કે આજકાલના નેતાઓની સરખામણીમાં તે તદ્દન જુદા છે.

ઈસુ​—સૌથી મહાન નેતા

કોઈ નેતાની ખરી મહાનતા એમાં છે કે તે પ્રજાને સાચો માર્ગ બતાવે અને તેઓની મુશ્કેલીઓનો સામનો કરવા હિંમત આપે. એકવીસમી સદીમાં આગેવાની: જગતના ૧૦૦ મહાન નેતાઓ સાથે ચર્ચા નામનું અંગ્રેજી પુસ્તક જણાવે છે કે ‘સફળતા માટે ૨૧મી સદીના નેતામાં આ લાયકાત હોય એ ખાસ જરૂરી છે.’ એવી જ લાયકાતથી ઈસુએ બતાવ્યું કે જીવનની મુશ્કેલીઓનો કેવી રીતે સફળતાથી સામનો કરવો. ચાલો તેમનો એક પ્રખ્યાત ઉપદેશ તપાસીએ, જે માત્થી અધ્યાય પાંચથી સાતમાં લખેલો છે.

દાખલા તરીકે, એકબીજાથી ખોટું લાગ્યું હોય ત્યારે શું કરવું જોઈએ? ઈસુએ કહ્યું: “તેથી ઈશ્વરની સમક્ષ અર્પણ લાવવા માટે જો તમે મંદિરમાં વેદી આગળ ઊભા હો અને એકાએક તમને યાદ આવે કે તમારા ભાઇને તમારી વિરુદ્ધ કાંઈ છે, તો તમારું અર્પણ ત્યાં જ વેદી પાસે રહેવા દો અને જઇને માફી માગીને તેની સાથે સમાધાન કરો, પછી આવીને તમારું અર્પણ ઈશ્વર સમક્ષ લાવો.” (માત્થી ૫:​૨૩, ૨૪, IBSI) ઈસુ કહે છે કે યરૂશાલેમમાં મંદિરની વેદી પર અર્પણો ચઢાવવા કરતાં, એકબીજા સાથે શાંતિ કરવી એ વધુ મહત્ત્વનું છે. તેથી એકબીજાને ખોટું લગાડ્યું હોય ત્યારે સંબંધ સુધારવા માટે આપણે પહેલું પગલું ભરવું જોઈએ. જો એમ ન કરીએ તો ઈશ્વરની નજરમાં આપણે ઠગભગત ગણાઈશું. ઈસુની એ સલાહ આજે કામ કરે છે.

ઈસુએ લોકોને વ્યભિચારના ફાંદામાં ન પડવાનો માર્ગ બતાવ્યો. તેમણે સલાહ આપી કે “વ્યભિચાર ન કર, એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે; પણ હું તમને કહું છું, કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” (માત્થી ૫:​૨૭, ૨૮) એ કેવી ગંભીર ચેતવણી! આપણે ખોટા વિચારો કરીને શા માટે વ્યભિચારનાં ફાંદામાં ફસાવું જોઈએ? ઈસુએ શીખવ્યું કે વ્યભિચારની શરૂઆત વ્યક્તિના હૃદયમાં થાય છે. (માત્થી ૧૫:૧૮, ૧૯) તેથી, આપણા હૃદયની સંભાળ રાખીએ એ કેટલું મહત્વનું છે.​—નીતિવચનો ૪:​૨૩.

એ ઉપદેશમાં બીજી અનેક સુંદર સલાહ આપેલી છે. જેમ કે દુશ્મનો પ્રત્યે પ્રેમ બતાવવો, ઉદારતા બતાવવી, ધનદોલત અને ધાર્મિક બાબતો પ્રત્યે આપણે યોગ્ય વલણ રાખવું. (માત્થી ૫:​૪૩-૪૭; ૬:​૧-૪, ૧૯-​૨૧, ૨૪-​૩૪) એ ઉપરાંત ઈસુએ તેમના શિષ્યોને પ્રાર્થના કરતા પણ શીખવ્યું, જેથી તેઓ ઈશ્વરની મદદ માંગી શકે. (માત્થી ૬:​૯-​૧૩) ઈસુ તેમના શિષ્યોને મુશ્કેલીઓનો સામનો કરવા હંમેશા હિંમત આપે છે.

ઈસુએ તેમના ઉપદેશમાં વારંવાર કહ્યું કે “એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે,” અથવા “એમ પણ કહેલું હતું.” પરંતુ, એ પછી તે નવો વિચાર રજૂ કરતા કહે છે: “પણ હું તમને કહું છું.” (માત્થી ૫:​૨૧, ૨૨, ૨૭, ૨૮, ૩૧-​૩૪, ૩૮, ૩૯, ૪૩, ૪૪) આ શબ્દો બતાવે છે કે તેમનું સાંભળી રહેલાઓને, ફરોશીઓના કહેવા પ્રમાણે ચાલવાની ટેવ પડી ગઈ હતી. પણ ઈસુ હવે તેઓને મુસાના નિયમનો ખરો અર્થ સમજાવે છે. તેઓ સહેલાઈથી અપનાવી શકે એ રીતે તેમણે આ નવી સમજણ આપી. ઈસુએ લોકોને જીવનમાં ધાર્મિક અને નૈતિક રીતે મોટા ફેરફારો કરવાની તમન્‍ના આપી. ફક્ત ખરા નેતા જ આ રીતે શીખવી શકે.

સારા મેનેજર કેવી રીતે બનવું એ વિષેનું એક પુસ્તક સમજાવે છે કે, ફેરફારો લાવવા એ સહેલું નથી. એ કહે છે કે ‘જે નેતા સમાજમાં સુધારો લાવવા ઇચ્છે છે, તેના લોહીમાં પ્રજાના વિચારો દોડતા હોવા જોઈએ. તે સખત મહેનતુ હોવો જોઈએ, તેમ જ તેને કોઈ પણ કામ કરવાનો ડર ન હોવો જોઈએ. એ ઉપરાંત તે સમજી-વિચારીને બધું કરે છે. એ બધા ગુણો હોવા છતાં તે સફળ થશે કે નહિ એની કોઈ ગૅરન્ટી નથી.’

“નેતાની કઈ લાયકાત મહત્ત્વની છે?” એ વિષય પરના એક લેખમાં કહેવામાં આવ્યું હતું: “નેતાઓ પ્રજાને જે કરવાનું કહે, તે પોતે પણ કરે એ મહત્વનું છે.” ઈસુએ ખરેખર એમ જ કર્યું હતું! હા, તેમણે શિષ્યોને નમ્ર બનવાનું શીખવ્યું. એ ઉપરાંત, તેમણે તેઓના પગ ધોઈને ઉદાહરણ બેસાડ્યું. (યોહાન ૧૩:​૫-​૧૫) તેમણે શિષ્યોને પરમેશ્વરના રાજ્ય વિષે પ્રચાર કરવાનો ફક્ત હુકમ જ ન આપ્યો, પરંતુ એમાં તેમણે પોતે ઉત્સાહથી ભાગ લીધો. (માત્થી ૪:​૧૮-​૨૫; લુક ૮:૧​-૩; ૯:​૧-૬; ૧૦:​૧-​૨૪; યોહાન ૧૦:૪૦-​૪૨) આગેવાન પોતે પણ કહ્યા પ્રમાણે કરે છે, એમાં ઈસુએ સારો દાખલો બેસાડયો. તેમણે પોતાના વિષે જણાવ્યું: “દીકરો બાપને જે કંઈ કરતો જુએ છે તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો.”​—⁠યોહાન ૫:​૧૯.

આ બાબતો બતાવે છે કે ઈસુ ખરેખર મહાન નેતા છે. માનવી નેતાઓ અને ઈસુમાં જમીન આસમાનનો ફરક છે. તેનામાં કંઈ જ ખોટ નથી. મરણ પછી તેમને સજીવન કરવામાં આવ્યા, ત્યાર બાદ તેમને અમરપણું આપવામાં આવ્યું, તેથી તે અમર છે. (૧ પીતર ૩:​૧૮; પ્રકટીકરણ ૧:​૧૩-​૧૮) શું કોઈ માનવીય નેતા તેમની બરોબરીમાં આવી શકે?

આપણે શું કરવું જોઈએ?

પરમેશ્વરના રાજના ‘અભિષિક્ત’ રાજા હોવાથી જેઓ ઈસુની આજ્ઞા પાળશે, તેઓ પર તે આશીર્વાદોનો વરસાદ વરસાવશે. એના વિષે બાઇબલ વચન આપે છે: “જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.” (યશાયાહ ૧૧:⁠૯) “નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૧૧) “તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ.” (મીખાહ ૪:૪) “દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”​—⁠પ્રકટીકરણ ૨૧:​૩, ૪.

જગતમાં આજે પ્રમાણિક નેતાઓની અછત છે. પરંતુ ઈસુ, નમ્ર લોકોને સુંદર પૃથ્વી જેમાં શાંતિ છવાએલી હશે ત્યાં દોરી જશે, જ્યાં સર્વ લોકો સંપીને યહોવાહની ઉપાસના કરશે. તેમ જ, આપણે દિવસે દિવસે સંપૂર્ણ બની શકીશું. તેથી એ ખૂબ જ મહત્ત્વનું છે કે આપણે પરમેશ્વર અને તેમના અભિષિક્ત નેતાનું જ્ઞાન લઈને એ પ્રમાણે જીવીએ.​—યોહાન ૧૭:૩.

વ્યક્તિને માન આપવાની સૌથી સારી રીત એ છે કે તેમની નકલ કરવી. તેથી શું આપણે સૌથી મહાન નેતા, ઈસુ ખ્રિસ્તની નકલ કરવી ન જોઈએ? તે આપણે કઈ રીતે કરી શકીએ? તેમની આગેવાની સ્વીકારવાથી આપણા જીવન પર કેવી અસર પડશે? આ ઉપરાંત બીજા અનેક પ્રશ્નોની ચર્ચા આવતા બે લેખોમાં કરવામાં આવશે.

[ફુટનોટ]

^ દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તકમાં પાન ૧૮૬-​૯૨ જુઓ, જે યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત છે.

[પાન ૪ પર ચિત્ર]

પરમેશ્વરના મનપસંદ નેતા વિષે દાનીયેલે ભાખ્યું હતું

[પાન ૭ પર ચિત્રો]

ઈસુના શિક્ષણે મુશ્કેલીઓ સહેવા હિંમત આપી

[પાન ૭ પર ચિત્ર]

ઈસુ, નમ્ર લોકોને સુંદર, શાંતિભરી દુનિયામાં લઈ જશે