યહોવાહના માર્ગ પર ચાલવાથી મળતા આશીર્વાદો
યહોવાહના માર્ગ પર ચાલવાથી મળતા આશીર્વાદો
શું તમે ક્યારેય પર્વત પર ગયા છો? જો તમે ગયા હોવ તો, તમે દુનિયાની ટોચ પર છો એવું અનુભવ્યું હશે. એકદમ તાજી હવા લેવી, દૂર દૂર સુધી કુદરતી સૌંદર્યને માણવું એ કેવું આહ્લાદક હોય છે! એ સમયે આપણે રોજિંદી ચિંતાઓને પણ ભૂલી જઈએ છીએ.
મોટા ભાગના લોકો આવા આનંદી અનુભવને વારંવાર માણી શકતા નથી પરંતુ, જો તમે સમર્પિત ખ્રિસ્તી હોવ તો, તમે જીવનના એક એવા માર્ગ પર ચાલી રહ્યા છો કે જેને પર્વત પર ચઢવા સાથે સરખાવી શકાય. તમે પણ ગીતશાસ્ત્રના એક લેખકની જેમ જ પ્રાર્થના કરી હશે, જેમણે કહ્યું: “હે યહોવાહ, તારા માર્ગ મને બતાવ, તારા રસ્તા વિષે મને શીખવ.” (ગીતશાસ્ત્ર ૨૫:૪) શું તમને યાદ છે કે તમે પહેલી વાર યહોવાહના ઘરના પર્વત પર ગયા અને ઉચ્ચ સ્થાનોએ ચાલવાનું શરૂ કર્યું ત્યારે કેવું અનુભવ્યું હતું? (મીખાહ ૪:૨; હબાક્કૂક ૩:૧૯) શુદ્ધ ઉપાસનાના આ ઊંચા માર્ગો પર ચાલવાથી તમને જલદી જ ખબર પડી હશે કે તમે સુરક્ષિત જગ્યાએ આવી ગયા છો અને આનંદિત છો. પછી તમે પણ ગીતકર્તા જેવું અનુભવવા લાગ્યા હશો: “આનંદદાયક નાદને જાણનાર લોકને ધન્ય છે; હે યહોવાહ, તેઓ તારા મુખના અજવાળામાં ચાલે છે.”—ગીતશાસ્ત્ર ૮૯:૧૫.
તેમ છતાં, અમુક સમયે પર્વત પર ચઢનારાઓએ ઢોળાવો ચઢતી વખતે સખત મહેનત કરવી પડે છે. તેઓના પગ દુખવા લાગે છે અને તેઓ થાકી જાય છે. એવી જ રીતે, આપણે પણ યહોવાહની સેવા કરવામાં મુશ્કેલીઓ અનુભવી શકીએ. આપણા પગ ઢીલા પડી ગયા હોય શકે. પરંતુ, આપણે કઈ રીતે ફરીથી શક્તિ અને આનંદ મેળવી શકીએ? સૌથી પહેલું પગલું એ છે કે યહોવાહના માર્ગો સૌથી ઊંચા છે એ તમે સ્વીકારો.
યહોવાહના ઉચ્ચ નિયમો
યહોવાહના માર્ગો ‘માણસોના માર્ગો કરતાં ઊંચા છે.’ અને તેમની ઉપાસના ‘પર્વતોના શિખર પર બીજા ડુંગરો કરતાં ઊંચી કરવામાં’ આવી છે. (યશાયાહ ૫૫:૯; મીખાહ ૪:૧) યહોવાહનું “જ્ઞાન ઉપરથી છે.” (યાકૂબ ૩:૧૭) તેમના નિયમો બધા કરતાં ઉચ્ચ છે. દાખલા તરીકે, એક સમયે કનાનીઓ બાળકોનું બલિદાન આપીને ક્રૂર કૃત્ય આચરી રહ્યા હતા ત્યારે, યહોવાહે ઈસ્રાએલીઓને નૈતિક રીતે ઉચ્ચ અને બીજાઓ પ્રત્યે દયા બતાવતા નિયમો આપ્યા. તેમણે તેઓને કહ્યું: ‘ગરીબને દેખી તેનો પક્ષ ન કર, ને બળિયાનું મોં ન રાખ. પરદેશીને તમારે વતનીના જેવો ગણવો, ને તારે પોતાના જેવી જ પ્રીતિ તેના પર કરવી.’—લેવીય ૧૯:૧૫, ૩૪.
લગભગ પંદરસો વર્ષ પછી ઈસુએ, યહોવાહના ઉચ્ચ નિયમોના વધારે ઉદાહરણો આપ્યા. પહાડ પરના ઉપદેશમાં, તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “તમારા વૈરીઓ પર પ્રીતિ કરો, ને જેઓ તમારી પૂઠે લાગે છે તેઓને સારૂ માત્થી ૫:૪૪, ૪૫) પછી તેમણે કહ્યું, “માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો; કેમકે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર એજ છે.”—માત્થી ૭:૧૨.
પ્રાર્થના કરો; એ માટે કે તમે આકાશમાંના તમારા બાપના દીકરા થાઓ.” (જેઓએ આ ઉચ્ચ નિયમો સાંભળ્યા તેમના હૃદય પર એની ઊંડી અસર થઈ અને તેઓ જે પરમેશ્વરની ઉપાસના કરતા હતા તેમના માર્ગમાં ચાલવા પ્રેરાયા. (એફેસી ૫:૧; ૧ થેસ્સાલોનીકી ૨:૧૩) પાઊલમાં થયેલા મોટા બદલાણનો વિચાર કરો. આપણે બાઇબલમાં પહેલી વાર તેમનું નામ જોઈએ છીએ એ વખતે, તેમણે સ્તેફનનો “ઘાત કરવાની સંમતિ આપી હતી” અને તે ‘મંડળી પર ભારે ત્રાસ વર્તાવતા હતા.’ પરંતુ થોડા જ વર્ષો પછી, “જેમ ધાવ મા પોતાનાં બાળકોનું જતન કરે છે” તેમ, તે થેસ્સાલોનીકાના ખ્રિસ્તીઓની પ્રેમાળ કાળજી રાખતા હતા. પરમેશ્વરના શિક્ષણથી પાઊલમાં મોટું બદલાણ આવ્યું. એણે તેમને ખ્રિસ્તીઓની સતાવણી કરનારમાંથી તેઓની પ્રેમાળ કાળજી રાખનારા બનાવ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૧, ૩; ૧ થેસ્સાલોનીકી ૨:૭) ખ્રિસ્તના શિક્ષણને લીધે પાઊલ પોતાનામાં ફેરફાર કરી શક્યા એ બદલ તે ખરેખર આભારી હતા. (૧ તીમોથી ૧:૧૨, ૧૩) કઈ રીતે એવી જ કદર આપણને પરમેશ્વરના ઉચ્ચ માર્ગોમાં ચાલવા મદદ કરી શકે?
આભારી બનીને ચાલવું
પર્વત પર ચઢનાર વ્યક્તિ આસપાસના કુદરતી દૃશ્યો જોઈને રોમાંચિત થઈ જાય છે. તેઓ કેડીની આજુબાજુના નયનરમ્ય ખડકો, સુંદર ફૂલો કે જંગલી પ્રાણીઓની એક ઝાંખી જેવી નાની બાબતોનો પણ આનંદ માણે છે. એવી જ રીતે, પરમેશ્વરની સાથે ચાલવાથી આપણને જે નાના-મોટા આશીર્વાદો મળે છે એનો આનંદ માણવાની જરૂર છે. આમ કરવાથી, થકવી નાખનારી આ લાંબી મજલને આપણે ખુશીથી પસાર કરી શકીશું. આપણે દાઊદના શબ્દો સાથે સહમત થઈશું: “મને સવારે તારી કૃપા જણાવ, કેમકે હું તારા પર ભરોસો રાખું છું; જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવ.”—ગીતશાસ્ત્ર ૧૪૩:૮.
ઘણાં વર્ષોથી યહોવાહના માર્ગ પર ચાલતી મેરી કહે છે: “હું યહોવાહે સૃષ્ટ કરેલી વસ્તુઓ જોઉં છું ત્યારે, એની જટિલ રચના જ નહિ પરંતુ પરમેશ્વરના પ્રેમાળ ગુણોને પણ જોઉં છું. ભલે પછી એ પ્રાણી, પક્ષી કે જીવજંતુ હોય, દરેકની એક નાની અદ્ભુત દુનિયા છે કે જે વિષે શીખીને મને ઘણો આનંદ મળે છે. એવો જ આનંદ પરમેશ્વરના સત્યમાંથી આવે છે કે જેનો વર્ષો પસાર થતા વધારેને વધારે અનુભવ થાય છે.”
કઈ રીતે આપણે પોતાની કદર વધારી શકીએ? યહોવાહ આપણા માટે જે કરે છે એને કદી પણ આપણે સામાન્ય ગણી લેવું ન જોઈએ. પાઊલે લખ્યું: “નિત્ય પ્રાર્થના કરો; દરેક સંજોગમાં ઉપકારસ્તુતિ કરો.”—૧ થેસ્સાલોનીકી ૫:૧૭, ૧૮; ગીતશાસ્ત્ર ૧૧૯:૬૨.
વ્યક્તિગત બાઇબલ અભ્યાસ આપણને આભારી વલણ વિકસાવવામાં મદદ કરે છે. પાઊલે કોલોસીના ખ્રિસ્તીઓને વિનંતી કરી: ‘ખ્રિસ્ત ઈસુમાં ચાલો. વિશ્વાસમાં દૃઢ રહીને વધારે ને વધારે ઉપકારસ્તુતિ કરો.’ (કોલોસી ૨:૬, ૭) બાઇબલ વાંચવાથી અને આપણે જે કંઈ વાંચ્યું છે એના પર મનન કરવાથી આપણો વિશ્વાસ દૃઢ થાય છે તેમ જ એ આપણને બાઇબલના લેખક અર્થાત્ પરમેશ્વરની નજીક લાવે છે. બાઇબલના દરેક પાનાઓમાં ખજાનો છે કે જે આપણને ‘વધારે ને વધારે સ્તુતિ કરવા’ પ્રેરે છે.
આપણા ભાઈઓ સાથે મળીને યહોવાહની સેવા કરવાથી પણ માર્ગ વધારે સરળ બને છે. ગીતશાસ્ત્રના એક લેખકે પોતાના વિષે કહ્યું: ‘જે કોઈ પ્રભુનો ભય રાખે છે તે મારો ભાઈ છે.’ (ગીતશાસ્ત્ર ૧૧૯:૬૩, IBSI) ખ્રિસ્તી સંમેલનો અને બીજા પ્રસંગોએ આપણા ભાઈબહેનોની સંગત માણવી એ સૌથી આનંદી પળો છે. આપણે સ્વીકારીએ છીએ કે યહોવાહના ઉચ્ચ શિક્ષણને કારણે જ આપણું મૂલ્યવાન ખ્રિસ્તી કુટુંબ ટકી રહ્યું છે.—ગીતશાસ્ત્ર ૧૪૪:૧૫ ખ.
કદર કરવા ઉપરાંત, જવાબદારી પ્રત્યે સભાન બનવાથી પણ એ આપણને યહોવાહના ઉચ્ચ માર્ગો પર આગળ વધતા રહેવા દૃઢ કરશે.
ધ્યાન રાખીને ચાલો
પર્વત પર ચઢનારાઓએ જોખમથી બચવું હોય તો, તેઓએ સાવચેતીથી ચાલવા વિષે સભાન બનવું જોઈએ. યહોવાહે આપણ સર્વને સ્વતંત્રતા આપી હોવાથી આપણે પોતાની રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ, આપણે આપણી ખ્રિસ્તી જવાબદારીઓને પૂરી કરીએ છીએ ત્યારે એ સ્વતંત્રતા પ્રત્યે જાગૃત બનવું જોઈએ.
દાખલા તરીકે, યહોવાહ ભરોસો રાખે છે કે તેમના સેવકો પોતાની જરૂરિયાતોને યોગ્ય રીતે પૂરી કરે. તે એમ નથી જણાવતા કે આપણે ખ્રિસ્તી પ્રવૃત્તિમાં કેટલો સમય અને શક્તિ ખર્ચવા જોઈએ કે આપણે કેટલું પ્રદાન આપવું જોઈએ. એનાથી ભિન્ન, પાઊલે કોરીંથીઓને લખેલા શબ્દો આપણ સર્વને લાગુ પડે છે: “દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું.”—૨ કોરીંથી ૯:૭; હેબ્રી ૧૩:૧૫, ૧૬.
જવાબદાર ખ્રિસ્તીઓ બીજાઓને સુસમાચાર જણાવવામાં પણ સહભાગી થાય છે. જગતવ્યાપી પ્રચાર કાર્યમાં પ્રદાન આપીને આપણે બતાવીએ છીએ કે આપણે જવાબદારી પ્રત્યે સભાન છીએ. ગીરહાટ નામના એક વડીલ સમજાવે છે કે તે અને તેમની પત્નીએ પૂર્વ યુરોપના એક સંમેલનમાં જઈ આવ્યા પછી પોતાના પ્રદાનોમાં ઘણો વધારો કર્યો. તે કહે છે, “અમે જોયું કે ત્યાંના આપણા ભાઈઓ ગરીબ છે; તેમ છતાં તેઓ આપણા બાઇબલ સાહિત્યની ખૂબ કદર કરે છે. તેથી, અમે બીજા દેશોના જરૂરિયાતવાળા આપણા ભાઈઓને બની શકે એટલી મદદ કરવાનું નક્કી કર્યું.”
ધીરજ રાખવી
પર્વત પર ચઢનાર થાકી ન જાય એ માટે શક્તિની જરૂર પડે છે. આથી, તેઓ પોતાને જ્યારે પણ સમય મળે ત્યારે કસરત કરે છે અને ચાલવાની ટેવ પાડીને લાંબી મજલ માટે પોતાને તૈયાર કરે છે. એવી જ રીતે, પાઊલે આજ્ઞા આપી કે આત્મિક રીતે તંદુરસ્ત રહેવા માટે આપણે પરમેશ્વરના કાર્યમાં વ્યસ્ત રહેવાની જરૂર છે. પાઊલે કહ્યું કે ‘પ્રભુને પ્રસન્ન કરવાને સારૂ યોગ્ય રીતે વર્તવા’ અને ‘શક્તિમાન થવા સર્વ સારાં કામમાં તેનું ફળ ઉપજાવવું’ જોઈએ.—કોલોસી ૧:૧૦, ૧૧.
પર્વત પર ચઢનારની ધીરજમાં, પ્રેરણા પણ મુખ્ય ભાગ ભજવે છે. કઈ રીતે? દૂરના પર્વત જેવા સ્પષ્ટ ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ઉત્તેજન મળે છે. પર્વત પર ચઢનાર વ્યક્તિ અધવચ્ચે આવ્યા પછી જોઈ શકે છે કે હજુ તેણે પોતાના ધ્યેય સુધી પહોંચવા કેટલું ચાલવાનું છે. પછી તે જુએ છે કે પોતે કેટલું અંતર કાપ્યું છે ત્યારે, તે સંતોષ અનુભવે છે.
એવી જ રીતે, આપણી અનંતજીવનની આશા આપણને ટકાવી રાખે છે અને પ્રેરણા આપે છે. (રૂમી ૧૨:૧૨) એ દરમિયાન, આપણે યહોવાહના માર્ગમાં ચાલીએ છીએ ત્યારે સિદ્ધિઓ મેળવીએ છીએ અને ત્યાર પછી આપણા ખ્રિસ્તી ધ્યેયને હાંસલ કરીએ છીએ. આપણે યહોવાહની સેવામાં વિશ્વાસુપણે પસાર કરેલાં વર્ષો અને આપણા જીવનમાં કરેલા ફેરફારો પર મનન કરીએ છીએ ત્યારે, આપણે કેટલો આનંદ અનુભવીએ છીએ!—ગીતશાસ્ત્ર ૧૬:૧૧.
લાંબુ અંતર કાપવા અને શક્તિનો દુર્વ્યય થતો અટકાવવા, પદયાત્રી એકધાર્યો આગળ વધે છે. એવી જ રીતે, સભાઓ અને પ્રચાર કાર્યમાં નિયમિત જવાની આદત આપણને સતત આપણા ધ્યેય તરફ આગળ વધવા રહેવા મદદ કરશે. ખ્રિસ્તીઓ માટે પાઊલે ઉત્તેજન આપ્યું: “આપણે પહોંચ્યા છીએ તેજ ધોરણ પ્રમાણે આપણે ચાલીએ.”—ફિલિપી ૩:૧૬.
જોકે, આપણે એકલા જ યહોવાહના માર્ગ પર ચાલતા નથી. પાઊલ લખે છે, “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.” (હેબ્રી ૧૦:૨૪) સારી આત્મિક સંગત આપણને સાથી ખ્રિસ્તીઓ સાથે ચાલવું સહેલું બનાવશે.—નીતિવચનો ૧૩:૨૦.
છેવટે, સૌથી મહત્ત્વનું તો એ છે કે યહોવાહ આપણને શક્તિ આપે છે એ આપણે કદી ન ભૂલીએ. યહોવાહમાં જેઓ સામર્થ્યવાન છે તેઓ “વધારે ને વધારે સામર્થ્યવાન થતાં આગળ વધે છે.” (ગીતશાસ્ત્ર ૮૪:૫, ૭) જોકે, કોઈ વાર આપણે મુશ્કેલીઓમાંથી પસાર થઈએ તોપણ, યહોવાહની મદદથી આપણે એનો સામનો કરી શકીએ છીએ.