નરક ખરેખર શું છે?
નરક ખરેખર શું છે?
“નરક” વિષે તમે ભલે ગમે એ માનતા હોવ, પરંતુ સામાન્ય રીતે લોકો એને પાપની સજા ભોગવવાની જગ્યા તરીકે જુએ છે. પાપ અને એની અસર વિષે બાઇબલ કહે છે: “આદમના પાપથી માનવજાતમાં પાપનો પ્રવેશ થયો. પરિણામે જગતમાં મરણ પ્રવેશ્યું. સઘળાંએ પાપ કર્યું, તેથી સર્વ માણસો મરણને આધીન થયા.” (રોમન ૫:૧૨, IBSI) શાસ્ત્રમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે “પાપનું વેતન મરણ છે.” (રોમન ૬:૨૩, IBSI) પાપની સજા મરણ હોવાથી, નરકના શિક્ષણ વિષે એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે, મરણ પછી આપણું શું થાય છે?
શું મરણ પછી પણ આપણા શરીરમાં એવું કંઈ હોય છે જેનો નાશ થતો નથી? નરક શું છે અને કેવા પ્રકારના લોકો એમાં જાય છે? જેઓ નરકમાં જાય છે તેઓ માટે શું કોઈ આશા રહેલી છે? બાઇબલ આ પ્રશ્નોના સાચા અને સંતોષકારક જવાબો આપે છે.
મરણ પછી શું થાય છે?
શું આપણા શરીરમાં પ્રાણ કે આત્મા જેવો કોઈ અંશ છે જે મરણ પછી પણ જીવતો રહે છે? વિચાર કરો કે પ્રથમ માણસ, આદમ કઈ રીતે જીવનમાં આવ્યો. બાઇબલ નોંધે છે: “યહોવાહ દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો.” (ઉત્પત્તિ ૨:૭) જો કે શ્વાસ વગર તે જીવતો થઈ શક્યો ન હોત. પરંતુ, તેને “જીવનનો શ્વાસ” આપવામાં આવ્યો. એમાં તેના ફેફસાંમાં ફક્ત હવા ફૂંકવાથી પણ વધારે સમાયેલું હતું. એનો અર્થ એ થયો કે પરમેશ્વરે તેના નિર્જીવ દેહમાં જીવન શક્તિ એટલે કે “જીવનનો શ્વાસ” મૂકીને તેને આંખના પલકારામાં જીવતો કરી દીધો. આ જીવન શક્તિથી જ પૃથ્વી પરના બધા જીવો જીવતા રહે છે. (ઉત્પત્તિ ૬:૧૭; ૭:૨૨) બાઇબલ આ જીવન શક્તિનું “આત્મા” તરીકે વર્ણન કરે છે. (યાકૂબ ૨:૨૬) આ આત્માને આપણે વીજળી સાથે સરખાવી શકીએ કે જે કોઈ પણ મશીન, ટીવી કે રૅડિયોને ચાલુ કરે છે. વીજળી ટીવીને ચાલુ કરે છે પણ એ પોતે ટીવી બની જતી નથી કે એનું કામ કરી શકતી નથી. એ તો ફક્ત ટીવીને ચાલુ જ રાખે છે. એ જ રીતે, આત્મા એ ફક્ત જીવન શક્તિ છે, જે માણસને જીવતો રાખે છે. તેથી, આત્મામાં માણસ જેવા ગુણો કે વિચારવાની ક્ષમતા જ હોતી નથી.
વ્યક્તિ મરી જાય છે ત્યારે તેના આત્માનું શું થાય છે? અયૂબ ૩૪:૧૪, ૧૫ કહે છે: “જો તે તેનો આત્મા ને તેનો શ્વાસ પોતાની પાસે પાછો ખેંચી લે; તો સર્વ દેહધારીઓ એકદમ નાશ પામે, અને મનુષ્ય પાછું ધૂળમાં મળી જાય.” આમ, વ્યક્તિ મરી જાય છે ત્યારે તેનો આત્મા બીજી કોઈ જગ્યાએ જતો નથી તેમ જ, તે બીજો જન્મ પણ લેતો નથી. “દેવે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે.” (સભાશિક્ષક ૧૨:૭) એનો અર્થ એ થાય છે કે મૂએલાંઓને સજીવન કરવા કે નહિ એ હવે પરમેશ્વરના હાથમાં છે.
સોક્રેટીસ અને પ્લેટો જેવા પ્રાચીન ગુરુઓ માનતા હતા કે મનુષ્યમાં જે પ્રાણ હોય છે એ અમર રહે છે. પરંતુ બાઇબલ પ્રાણ કે જીવ વિષે શું શીખવે છે? ઉત્પત્તિ ૨:૭ કહે છે કે આદમ ‘સજીવ પ્રાણી [જીવતો] થયો.’ તેનામાં કોઈ જીવ કે પ્રાણ આવ્યો ન હતો. તે પોતે જ જીવ એટલે કે એક જીવંત માણસ હતો. બાઇબલ પ્રાણને ઘણાં કાર્યો સાથે સરખાવે છે જેમ કે, પ્રાણ તરસ્યો, ભૂખ્યો અને સંકટમાં હોય છે કે જીવ ગભરાય છે. (૧ રાજા ૧:૨૯; દાનીયેલ ૨:૧; ગીતશાસ્ત્ર ૧૦૭:૫) હા, મનુષ્ય પોતે જ જીવ અથવા પ્રાણ છે. મનુષ્ય મરણ પામે છે ત્યારે એ જીવ પણ મરી જાય છે.—હઝકીએલ ૧૮:૪.
તો પછી, મરણ પછી વ્યક્તિનું શું થાય છે? આદમને સજા ફટકારતી વખતે યહોવાહે આમ કહ્યું હતું: “તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.” (ઉત્પત્તિ ૩:૧૯) યહોવાહે આદમને ભૂમિની ધૂળમાંથી બનાવ્યો અને તેને જીવન આપ્યું એ પહેલાં તે ક્યાં હતો? તે ક્યાંય ન હતો! સભાશિક્ષક ૯:૫, ૧૦માં મૂએલાઓ વિષે આપણે વાંચીએ છીએ: “મૂએલા કંઈ જાણતા નથી . . . જે તરફ તું જાય છે તે શેઓલમાં [કબરમાં] કંઇ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.” આમ, બાઇબલ કહે છે કે મરણ પછી મનુષ્યમાં પ્રાણ કે જીવ જેવું કંઈ રહેતું નથી. મરણ પછી વ્યક્તિને કંઈ ભાન હોતું નથી, તે કંઈ જ જાણતો નથી અને તેની વિચારશક્તિ ખતમ થઈ જાય છે.
નરકમાં હંમેશની પીડા કે બીજુ કંઈ?
મરણ પછી વ્યક્તિ ક્યાંય જતી નથી. એટલે કે દુષ્ટ વ્યક્તિ મરી જાય પછી નરકમાં પીડા ભોગવતી નથી. તો પછી, નરક છે શું? આ પ્રશ્નનો જવાબ મેળવવા, ચાલો આપણે જોઈએ કે ઈસુના મરણ પછી તેમનું શું થયું હતું. બાઇબલના એક લેખક લુક નોંધે છે: “[ઈસુને] હાડેસમાં રહેવા દેવામાં આવ્યો નહિ, અને તેના દેહે કોહવાણ પણ જોયું નહિ.” * (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૧) અહીં ગ્રીક શબ્દ “હાડેસનો” અર્થ, “કબર” થાય છે અને ઘણા બાઇબલ ભાષાંતરો એનો “નરક” કે “મૃત્યુલોક” તરીકે પણ ઉલ્લેખ કરે છે. આ કબર કે નરક (હાડેસ) ક્યાં હતું કે જ્યાં ઈસુ ગયા હતા? પ્રેષિત પાઊલે લખ્યું: “ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને સારૂ મરણ પામ્યો; અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો, અને ત્રીજે દહાડે તેનું ઉત્થાન થયું.” (૧ કોરીંથી ૧૫:૩, ૪) આમ, ઈસુ નરક એટલે કે કબરમાં હતા. પરંતુ તે કાયમ માટે ત્યાં રહ્યા નહિ, કેમ કે પછી તેમને ઉઠાડવામાં આવ્યા એટલે કે તેમને સજીવન કરવામાં આવ્યા.
પ્રમાણિક માણસ અયૂબનો પણ વિચાર કરો કે જેમણે ઘણી પીડા સહી હતી. દુઃખોમાંથી છુટકારો મેળવવા તેમણે વિનંતી કરી: “તું મને પાતાળમાં [શેઓલ] સંતાડી દે, તારો ગુસ્સો ઊતરી જાય ત્યાં લગી તું મને છુપાવી દે, અને પછી સમય નક્કી કરીને મને પાછો યાદ કરે તો કેવું સારું!” * (યોબ ૧૪:૧૩, સંપૂર્ણ બાઇબલ) અયૂબ દુઃખોમાંથી છૂટકારો મેળવવા પાતાળ કે નરકાગ્નિમાં જવાનું કહેતા હોય તો એ કેવું મૂર્ખાઈભર્યું કહેવાશે! અયૂબ માટે “પાતાળ” માત્ર કબર હતી કે જ્યાં તેમના મરણથી દુઃખોનો અંત આવી જવાનો હતો. આમ, બાઇબલમાં જે નરકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ માણસજાતની એક સામાન્ય કબર જ છે કે જ્યાં સારા અને દુષ્ટ બંને લોકો જાય છે.
નરકની આગ—પૂરેપૂરા વિનાશની જગ્યા?
તો પછી, નરકની આગ શું છે? શું એ પૂરેપૂરા વિનાશને બતાવે છે? આગ અને નરક (કબર) વચ્ચે તફાવત બતાવતા બાઇબલ કહે છે: “મરણ તથા નરકને અગ્નિની ખાઇમાં નાખવામાં આવ્યાં.” અહીં “ખાઇ” શબ્દ જૂદા અર્થમાં સંદર્શન ૨૦:૧૪, IBSI.
વાપરવામાં આવ્યો છે, એટલે કે મરણને અગ્નિની ખાઇમાં સાંકેતિક રીતે નાખી દેવામાં આવ્યું છે. આ ‘અગ્નિની ખાઇ તે જ બીજું મરણ છે.’ આ એવું મરણ છે કે જેમાંથી ફરી સજીવન થવાની કોઈ આશા નથી.—ઈસુએ નરકાગ્નિ વિષે વાત કરી કે જેને અગ્નિની ખાઈ સાથે સરખાવી શકાય. ઈસુએ એનો “નરકાગ્નિ” [ગ્રીકમાં “ગેહેન્ના”] તરીકે ઉલ્લેખ કર્યો હતો. (માત્થી ૧૮:૯; માર્ક ૯:૪૭, ૪૮) મૂળ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ગેહેન્ના ૧૨ વાર જોવા મળે છે અને એ યરૂશાલેમની દિવાલોની બહાર આવેલી હિન્નોમની ખીણને બતાવે છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, આ ખીણનો ઉપયોગ કચરો નાખવા માટે થતો હતો. “ત્યાં ગુનેગારોના શબ, પ્રાણીઓના મુડદાં અને ચીતરી ચડે એવો ગંદવાડ ફેંકવામાં આવતો હતો.” (સ્મિથનો બાઇબલ શબ્દકોષ [અંગ્રેજી]) આ કચરાને બાળી નાખવા એના પર સલ્ફર નાખવામાં આવતો હતો, જેનાથી એ કાયમ સળગતો રહેતો હતો. ઈસુએ યોગ્ય રીતે જ એ ખીણનો અનંતકાળના વિનાશની નિશાની તરીકે ઉપયોગ કર્યો હતો.
ગેહેન્નાની જેમ જ અગ્નિની ખાઈ પણ કાયમના વિનાશને બતાવે છે. માણસજાત પાપ અને મરણની સાંકળોમાંથી છૂટી જશે ત્યારે, એ પાપ અને મરણને અગ્નિની ખાઈમાં ‘ફેંકી દેવામાં આવશે.’ એ ફરી ક્યારેય માણસજાતને દુઃખી કરશે નહિ. જાણીજોઈને ખોટું કરનારા અને એનો પસ્તાવો ન કરનાર પાપીઓનો પણ એ ખાઈમાં “ભાગ” હશે. (પ્રકટીકરણ ૨૧:૮) તેઓનો હંમેશ માટે વિનાશ કરવામાં આવશે. જ્યારે બીજી બાજુ, એવા ઘણા લોકો છે જેઓ નરકમાં એટલે કે માણસજાતની સામાન્ય કબરમાં છે. તેઓને પરમેશ્વર યાદ રાખે છે અને ભાવિમાં તેઓને સજીવન કરશે.
સર્વ મૂએલાઓ સજીવન થાય છે!
પ્રકટીકરણ ૨૦:૧૩ કહે છે: “સમુદ્રે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછાં આપ્યાં; અને મરણે તથા હાડેસે પણ પોતાનામાં જેઓ મૂએલાં હતાં, તેઓને પાછાં આપ્યાં.” હા, જેઓ નરક કે હાડેસમાં છે તેઓ સર્વ સજીવન થશે. ઈસુએ વચન આપ્યું છે તેમ, ‘એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ ઈસુની વાણી સાંભળશે અને જીવનનું ઉત્થાન પામવા સારૂ નીકળી આવશે.’ (યોહાન ૫:૨૮, ૨૯) આજ સુધી અબજો લોકો મરણ પામ્યા છે. જો કે તેઓનો આત્મા ક્યાંય ભટકતો નથી અને તેઓએ બીજો કોઈ જનમ પણ લીધો નથી. પરંતુ, યહોવાહ પરમેશ્વર જેઓને યાદ રાખે છે તેઓને પાછા જીવનમાં ઉઠાડશે. હા, તેઓને નંદનવન જેવી સુંદર બનાવેલી આ પૃથ્વી પર સજીવન કરવામાં આવશે.—લુક ૨૩:૪૩; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.
પછી પરમેશ્વરની આ સુંદર નવી પૃથ્વી પર, સજીવન થયેલા મનુષ્યો તેમના માર્ગમાં ચાલતા રહેશે તો, તેઓ ફરી ક્યારેય મરશે જ નહિ. (યશાયાહ ૨૫:૮) યહોવાહ “તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી.” હા, ‘પ્રથમની વાતો જતી રહેશે.’ (પ્રકટીકરણ ૨૧:૪) જેઓ પણ નરકમાં એટલે કે “કબરમાં” છે તેઓ પર કેવો આશીર્વાદોનો વરસાદ વરસશે! તો પછી, આવો આશીર્વાદ મેળવવા શું તમારે યહોવાહ પરમેશ્વર અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત વિષે વધારે જ્ઞાન ન લેવું જોઈએ?—યોહાન ૧૭:૩.
[ફુટનોટ્સ]
^ ગુજરાતી બાઇબલ ભાષાંતરોમાં ગ્રીક શબ્દ “હાડેસનું” “પાતાળ,” “કબર”, “નરક” કે “મૃત્યુલોક” તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. લુક ૧૬:૧૯-૩૧નો અહેવાલ નરકમાં પીડા ભોગવવા વિષે ઉલ્લેખ કરે છે, પરંતુ એ આખા અહેવાલમાં સાંકેતિક અર્થ રહેલો છે. યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કરેલ પુસ્તક, કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસનું ૮૮મું પ્રકરણ જુઓ.
^ મૂળ હેબ્રી શાસ્ત્રવચનોમાં હેબ્રી શબ્દ શેઓલ ૬૫ વાર જોવા મળે છે અને ગુજરાતી બાઇબલ ભાષાંતરોમાં એનો “શેઓલ,” “મૃત્યુલોક,” “નરક,” “પાતાળ” અને “કબર” તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
[પાન ૫ પર ચિત્ર]
અયૂબે દુ:ખોમાંથી છુટકારો મેળવવા નરકમાં જવા વિનંતી કરી
[પાન ૬ પર ચિત્ર]
નરકાગ્નિ—હંમેશના વિનાશની નિશાની
[પાન ૭ પર ચિત્ર]
‘જેઓ પણ કબરમાં છે તેઓ બહાર નીકળી આવે છે’