વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
શું થોડા જ પૈસાથી જુગાર રમવામાં કંઈ ખોટું છે?
બાઇબલમાં જુગાર વિષે દરેક પ્રકારની માહિતી આપવામાં આવી નથી. પરંતુ એના સિદ્ધાંતો પરથી સાફ જોવા મળે છે કે જુગાર રમવો ખોટું છે. * દાખલા તરીકે, આપણે બધા જ જાણીએ છીએ કે જુગાર રમવાથી લોભી બની શકાય છે. તેથી, ખ્રિસ્તીઓ તરીકે આપણે કોઈ પણ પ્રકારના જુગારથી દૂર રહીએ એ ખૂબ મહત્ત્વનું છે. કેમ કે બાઇબલ જણાવે છે કે “લોભીઓ” યહોવાહના રાજ્યનો વારસો પામશે નહિ. બાઇબલ દ્રવ્યલોભને મૂર્તિપૂજા સાથે પણ સરખાવે છે.—૧ કોરીંથી ૬:૯, ૧૦; કોલોસી ૩:૫.
જુગારથી વ્યક્તિ અભિમાની બની શકે અને તેને જીતવાની જ ભૂખ જાગી શકે, જે ખરેખર યોગ્ય નથી. તેથી, પ્રેષિત પાઊલે ચેતવણી આપતા લખ્યું: “આપણે અભિમાની, એકબીજાને ખીજવનાર કે એકબીજાની અદેખાઈ કરનાર ન બનવું જોઈએ.” (ગલાતી ૫:૨૬, પ્રેમસંદેશ) એ ઉપરાંત, જુગારથી આપણે નસીબ અને અંધશ્રદ્ધામાં પણ માનવા લાગી શકીએ. એ આપણને બેવફા ઈસ્રાએલીઓની યાદ અપાવે છે. તેઓ સદીઓ પહેલાં, ‘સૌભાગ્ય દેવીને ભાણું [ભોજન] પીરસતા હતા અને વિધાતા [નસીબના દેવ] આગળ દ્રાક્ષારસ ધરતા હતા.’—યશાયાહ ૬૫:૧૧.
કદાચ અમુક લોકો કહેશે કે, મિત્રો અથવા કુટુંબ સાથે ટાઈમ પાસ કરવા પત્તાં, ચેસ કે એવી બીજી કોઈ રમતોમાં થોડા પૈસાની શરત લગાવવામાં કંઈ ખોટું નથી. એ ખરું છે કે થોડા પૈસાની શરત લગાવવાથી આપણે લોભી, અભિમાની, અદેખા કે નસીબમાં માનનાર બની જવાના નથી. પરંતુ, જેની સાથે આપણે જુગાર રમીએ છીએ તેના પર એની ખરાબ અસર પડી શકે છે. દાખલા તરીકે, એક સમયે અમુક લોકો ફક્ત ટાઈમ પાસ માટે થોડા પૈસાની શરત લગાવતા હતા. (લુક ૧૬:૧૦) પરંતુ આજે તેઓ જુગારના ગુલામ બની ગયા છે.
ખાસ કરીને બાળકોના કિસ્સામાં એ સાચું છે. તેઓ શરૂઆતમાં કોઈ નાની શરત જીતી જાય ત્યારે ખુશ થઈ જાય છે. પરંતુ સમય જતાં તેઓને મોટી રકમ જીતવાની લાલચ જાગે છે. (૧ તીમોથી ૬:૧૦) યુનાઈટેડ સ્ટેટ્સમાં એરિઝોના કાઉન્સિલ નામની સંસ્થા જુગારીઓ પર લાંબા સમયથી અભ્યાસ કરતી હતી. તેઓને જોવા મળ્યું કે ઘણા લોકો નાની ઉંમરે જ “જુગાર રમતા શીખ્યા હતા; તેઓને મિત્રો કે સગાંઓ સાથે પત્તાની રમતમાં કે બીજી કોઈ રમતોમાં નાની નાની શરતો લગાવવાનો ચસકો લાગ્યો હતો.” બીજો એક અહેવાલ જણાવે છે કે, “બાળકોએ કુટુંબ અથવા મિત્રો સાથે ઘરમાં જ પત્તાંની રમતથી જુગાર રમવાનું શરૂ કર્યું હતું.” અહેવાલ આગળ કહે છે: “ત્રીસ ટકા બાળકોએ તો અગિયાર વર્ષના થયા એ પહેલાં જ જુગાર રમવાનું શરૂ કર્યું હતું.” લોકો શા માટે આટલો જુગાર રમે છે—જુગારનું વ્યસન ચેપી રોગ જેવું છે (અંગ્રેજી) નામનો એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. એનો અહેવાલ કહે છે કે, ઘણા યુવાનો જુગારના ગુલામ બની ગયા હોવાથી, પૈસા માટે તેઓ ગુનો કરવા કે પોતાના દેહનો સોદો કરવા પણ તૈયાર થઈ જાય છે. શરૂઆતમાં ભલે જુગાર રમવું નિર્દોષ લાગતું હોય, પણ છેવટે એનું કેવું દુઃખદ પરિણામ આવે છે!
આજે દુનિયામાં આપણી સામે ઘણી બધી લાલચો આવે છે, જેમાંથી બચવું ખૂબ જ અઘરું છે. તો પછી, શા માટે આપણે જાણીજોઈને જુગારના ફાંદામાં પડવું જોઈએ? (નીતિવચનો ૨૭:૧૨) ભલે બાળકો હાજર હોય કે ન હોય, જો આપણે થોડા કે વધારે પૈસાનો જુગાર રમતા હોય તો, એનાથી પરમેશ્વર સાથેનો આપણો સંબંધ બગડી શકે છે. જોકે આપણે ખ્રિસ્તીઓ તરીકે, ચેસ કે પત્તાં જેવી રમતોમાં સ્કોર લખ્યા વગર પણ આમ જ રમીને આનંદ માણી શકીએ. જો આપણે ઇચ્છતા હોય કે આપણું કુટુંબ અને મિત્રો ખ્રિસ્તી વિશ્વાસમાં મક્કમ રહે તો, આપણે કોઈ પણ પ્રકારનો જુગાર રમવાનું ટાળીશું.
[ફુટનોટ]
^ ભગવદ્રોમંડલ જુગાર વિષે આમ કહે છે: ‘રમત રમાય એ પહેલાં અથવા બનાવો બન્યા પહેલાં હારજીતની શરત કરવી. રમતો શરૂ થાય એ પહેલાં જુગારી પૈસા મૂકીને શરત લગાડતા હોય છે. એમાં લોટરીની ટિકિટો, પત્તાંનો જુગાર, ઘોડાની રેસ કે ક્રિકેટ જેવી રમતોમાં સટ્ટો રમવાનો સમાવેશ થાય છે.’