રાજીખુશીથી દાન કરો!
રાજીખુશીથી દાન કરો!
જિનીવાલ પોતાના કુટુંબ સાથે, બ્રાઝિલની ઉત્તરપૂર્વે આવેલ એક ઝૂંપડપટ્ટીમાં રહે છે. તે હૉસ્પિટલમાં ચોકીદાર છે અને થોડા જ પગારમાંથી કુટુંબનું ભરણ-પોષણ કરે છે. જિનીવાલ ગરીબ હતો તોપણ, પગારનો દસમો ભાગ દાનમાં આપી દેતો. તે કહે છે: “ઘણી વાર અમારી પાસે ખાવાનું ખૂટી જતું ત્યારે, અમે બધા ભૂખ્યા પેટે સૂઈ જતા. હું પરમેશ્વરને આપવા મારાથી બનતું બધું જ કરતો. પછી ભલેને અમારે દુઃખ ભોગવવું પડે.”
પછી જિનીવાલની નોકરી છૂટી ગઈ તોપણ, તે દશાંશ આપતો રહ્યો. તેના પાદરીએ તેને ઉત્તેજન આપ્યું કે તે મોટું દાન કરશે તો, પરમેશ્વર તેને જરૂર આશીર્વાદ આપશે! તેથી જિનીવાલે પોતાનું ઘર વેચીને એના પૈસા ચર્ચને આપવાનું નક્કી કર્યું.
જિનીવાલ જેવા ઘણા લોકો છે, જેઓ સાચા દિલથી ધર્માદો કરવા તૈયાર હોય છે. ઘણા લોકો સખત ગરીબ હોય તોપણ, દશાંશ આપતા રહે છે. કેમ કે બાઇબલ દશાંશ આપવાનું કહે છે એવું તેઓને ચર્ચમાં શીખવવામાં આવે છે. શું એ સાચું છે?
દશાંશ આપવાનો નિયમ
લગભગ ૩,૫૦૦ વર્ષ પહેલાં, યહોવાહ પરમેશ્વરે દશાંશ આપવા વિષે ઈસ્રાએલના બાર કુળોને નિયમ આપ્યો હતો. એ નિયમ પ્રમાણે, દરેકે પોતાની સર્વ ઊપજ અને ઢોર તથા ઘેટાંબકરાંમાંથી મુલાકાતમંડપમાં સેવા આપતા લેવીઓને દશાંશ આપવાનો હતો.—લેવીય ૨૭:૩૦, ૩૨; ગણના ૧૮:૨૧, ૨૪.
યહોવાહે ઈસ્રાએલીઓને વચન આપ્યું હતું કે એ નિયમ ‘તેઓની શક્તિ ઉપરાંત નહિ હોય.’ (પુનર્નિયમ ૩૦:૧૧) જો તેઓ યહોવાહના નિયમો પાળીને દશાંશ આપતા રહે તો, તે તેઓને પુષ્કળ આશીર્વાદ આપવાના હતા. તેમ જ દર વર્ષે તેઓએ ખાવા-પીવા અને અન્ન ઘટી ન પડે એ માટે બીજો દશાંશ પણ રાખી મૂકવાનો હતો. જેથી, જ્યારે આખા દેશના લોકો ઉત્સવ માટે ભેગા થાય ત્યારે તેઓ એ દશાંશ વાપરી શકે. તેઓએ અમુક સમયે એ દશાંશમાંથી ‘પરદેશી, અનાથ, અને વિધવાઓની’ પણ કાળજી રાખવાની હતી.—પુનર્નિયમ ૧૪:૨૮, ૨૯; ૨૮:૧, ૨, ૧૧-૧૪.
જો કોઈ દશાંશ ન આપે તો, તેને કેવી સજા થવી જોઈએ એ વિષે નિયમમાં કંઈ જણાવવામાં આવ્યું ન હતું. તેમ છતાં, શુદ્ધ ઉપાસનાને ટેકો આપવો એ દરેક ઈસ્રાએલીઓની ફરજ હતી. ખરું કહીએ તો, માલાખીના સમયમાં દશાંશ આપવા વિષે ઈસ્રાએલીઓ બેદરકાર હતા. તેથી યહોવાહે તેઓનો દોષ કાઢતા કહ્યું કે તમે ‘મને અર્પણો અને દશાંશો આપતા નથી અને લૂંટો છો.’ (માલાખી ૩:૮, IBSI) આજે જે ખ્રિસ્તીઓ દશાંશ આપતા નથી, શું તેઓ વિષે પણ એમ કહી શકાય?
ચાલો આપણે એના વિષે જરા વિચારીએ. આપણે બધા જાણીએ છીએ કે મોટા ભાગે એક દેશના નિયમો બીજા દેશમાં લાગુ પડતા નથી. દાખલા તરીકે, બ્રિટનમાં ડાબી બાજુ અને ફ્રાંસમાં જમણી બાજુ વાહન ચલાવવાનો નિયમ છે. એવી જ રીતે પરમેશ્વરે પણ ઈસ્રાએલીઓ સાથે કરાર કર્યો હતો. તેથી, દશાંશ આપવાનો નિયમ તેઓને જ લાગુ પડતો હતો.—નિર્ગમન ૧૯:૩-૮; ગીતશાસ્ત્ર ૧૪૭:૧૯, ૨૦.
એ ખરું છે કે યહોવાહ બદલાતા નથી. પરંતુ કોઈ વાર તેમની માંગો બદલાય છે. (માલાખી ૩:૬) “નિયમશાસ્ત્ર પ્રમાણે દશમો ભાગ લેવાનો” નિયમ હતો. પરંતુ, બાઇબલ જણાવે છે કે ૩૩મી સાલમાં ઈસુએ આપેલા પોતાના જીવનના બલિદાનથી એ નિયમ ‘ભૂંસી નાખવામાં’ આવ્યો.—કોલોસી ૨:૧૩, ૧૪; એફેસી ૨:૧૩-૧૫; હેબ્રી ૭:૫, ૧૮.
દાન કરવાની ખ્રિસ્તીઓની રીત
જોકે પહેલી સદીમાં પણ શુદ્ધ ઉપાસનાને વધારવા માટે પૈસા અને મિલકતની જરૂર હતી. ઈસુએ તેમના શિષ્યોને પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) પહેલી સદીમાં ખ્રિસ્તીઓમાં વધારો થયો તેમ, તેઓની મુલાકાત લઈને વિશ્વાસમાં દૃઢ કરતા રહે એ માટે વડીલોની વધારે જરૂર પડવા લાગી. વિધવાઓ, અનાથો અને તંગીમાં આવી પડેલા ખ્રિસ્તીઓની પણ મંડળો ઘણી વાર દેખભાળ રાખતા. તો પછી, પહેલી સદીમાં ખ્રિસ્તીઓ કઈ રીતે એ ખર્ચને પહોંચી વળતા હતા?
‘પૃથ્વીના છેડા સુધી સાક્ષી’ આપવાનું કામ સોંપ્યું હતું. (લગભગ ૫૫મી સાલની આજુબાજુમાં યહુદાહના ઘણા મંડળોમાં ખ્રિસ્તીઓ તંગીમાં હતા. તેથી, તેઓને મદદ કરવા પ્રેષિત પાઊલે યુરોપ અને એશિયા માઈનોરના ખ્રિસ્તી મંડળોને પત્રો મોકલાવ્યા. ‘સંતોને સારું કઈ રીતે ઉઘરાણું કરવું’ જોઈએ એ વિષે પાઊલે કોરીંથ મંડળને લખી જણાવ્યું. (૧ કોરીંથી ૧૬:૧) દાન આપવા વિષે પાઊલે જે લખ્યું એનાથી તમને કદાચ નવાઈ લાગશે.
પ્રેષિત પાઊલે દાન મેળવવા ખ્રિસ્તીઓને ફોસલાવ્યા ન હતા. મકદોનિયાના ખ્રિસ્તીઓનો વિચાર કરો. તેઓ અતિશય ગરીબ અને ઘણી મુશ્કેલીઓમાં હતા. તોપણ ‘સંતોની સેવા બજાવવામાં ભાગીદાર થવા તેઓએ ઘણી આજીજીથી પાઊલને વિનંતી કરી.’—૨ કોરીંથી ૮:૧-૪.
તેથી, પાઊલે કોરીંથના અમીર ખ્રિસ્તીઓને મકદોનિયાના ભાઈઓની જેમ ઉદાર બનવા ઉત્તેજન આપ્યું. એના વિષે એક લખાણ કહે છે કે, પાઊલે ‘દાન આપવા તેઓ પર દબાણ કર્યું ન હતું. પરંતુ તેઓને જણાવીને ફક્ત ઉત્તેજન આપ્યું હતું. એમ કરવાથી તેઓએ પોતાની મરજીથી અને પ્રેમથી દાન આપ્યું હતું.’ પાઊલ જાણતા હતા કે ‘ખેદથી’ આપનારને નહિ પણ “ખુશીથી આપનારને દેવ ચાહે છે.”—૨ કોરીંથી ૯:૭.
કોરીંથ મંડળે ખ્રિસ્તી વિશ્વાસ બતાવવામાં, જ્ઞાનમાં અને ખ્રિસ્તી ભાઈ-બહેનો પ્રત્યે સાચો પ્રેમ બતાવવામાં સારો નમૂનો બેસાડ્યો હતો. એ જ રીતે, તેઓએ ખુલ્લા હાથે ઉદાર પણ બનવાનું હતું.—૨ કોરીંથી ૮:૭, ૮.
‘પોતાના હૃદયમાં ઠરાવ્યા પ્રમાણે આપવું’
પાઊલે પોતાના પત્રમાં એમ જણાવ્યું ન હતું કે કેટલું દાન આપવું જોઈએ. તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું: ‘દર અઠવાડીઆને પહેલે દિવસે તમારામાંના દરેકે પોતાની કમાણી પ્રમાણે કંઈક [અમુક પૈસા] રાખી મૂકવું.’ (૧ કોરીંથી ૧૬:૨) કોરીંથ મંડળે દર અઠવાડિયે અગાઉથી દાન માટે અમુક પૈસા અલગ રાખવાના હતા. જેથી, તેઓએ એક સામટા પૈસા આપવા ન પડે. પછી પાઊલ તેઓની મુલાકાતે આવતા ત્યારે, તેઓ એ દાનો રાજીખુશીથી આપી શકતા હતા. દરેકને પોતાના ગજા પ્રમાણે નક્કી કરવાનું હતું કે પોતે કેટલું દાન આપી શકે. એમ કરવાથી ‘દરેક પોતાના હૃદયમાં ઠરાવ્યા પ્રમાણે’ આપી શકતું હતું.—૨ કોરીંથી ૯:૫, ૭.
કોરીંથ મંડળે વધારે પામવા માટે વધારે ઉદાર થવાનું હતું. તેઓને કદી એવું કહેવામાં આવ્યું ન હતું કે પેટે પાટા બાંધીને દાન કરો. પાઊલે તેઓને ખાતરી આપતા કહ્યું: ‘હું તમારા પર બોજ નાંખવા માંગતો નથી. પણ તમારી પાસે જે છે એને આધારે આપો.’ (૨ કોરીંથી ૮:૧૨, ૧૩, પ્રેમસંદેશ; ૯:૬) એ પછીના પત્રમાં પાઊલે ચેતવણી આપતા લખ્યું: ‘જે માણસ પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું; તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.’ (૧ તીમોથી ૫:૮) પાઊલ એ સિદ્ધાંત તોડીને દાન આપવાનું ઉત્તેજન આપતા ન હતા.
પ્રેરિતોનાં કૃત્યો ૩:૬) મંડળો પાઊલને જે દાન મોકલતા એ માટે તે ખૂબ જ આભારી હતા. તેમ જ, તે ક્યારેય ભાઈઓ પર “ભારરૂપ” થયા ન હતા.—૧ થેસ્સાલોનીકી ૨:૯; ફિલિપી ૪:૧૫-૧૮.
જે સંતો તંગીમાં હતા તેઓને સારું દાન ઉઘરાવવામાં આવતા હતા. તેથી, પાઊલ એની દેખરેખ રાખે એ ખૂબ જ મહત્ત્વનું હતું. પરંતુ આપણને બાઇબલમાં ક્યાંય એવું જોવા મળતું નથી કે, પાઊલ અથવા બીજા શિષ્યોએ પોતાને માટે દશાંશ અથવા દાન લીધા હોય. (આજે દાન આપવાની રીત
આપણે ઉપર જોયું તેમ, ખ્રિસ્તના શિષ્યો દશાંશ આપતા ન હતા. પણ તેઓ પોતાની મરજી પ્રમાણે દાન કરતા હતા. તમને કદાચ પ્રશ્ન થશે કે, જો લોકો પોતાની મરજીથી જ દાનો આપતા હોય તો, એનાથી શુભ સંદેશાનો પ્રચાર અને તંગીમાં આવી પડેલા ખ્રિસ્તીઓને મદદ કરવી જેવા મોટાં કામો કઈ રીતે થઈ શકે?
વર્ષ ૧૮૭૯માં આ મેગેઝિનના લેખકોએ શું કહ્યું હતું એને ધ્યાન આપો: તેઓએ શરૂઆતમાં જ જણાવ્યું હતું કે તેઓ “કદી દાનો ઉઘરાવશે નહિ તેમ જ દાનો માટે હાથ ફેલાવશે નહિ.” શું એ નિર્ણયથી યહોવાહના સાક્ષીઓનું પ્રચાર કાર્ય ઠંડું પડી ગયું છે?
આજે યહોવાહના સાક્ષીઓ ૨૩૫ દેશોમાં બાઇબલ અને એનું શિક્ષણ આપતા પુસ્તકોનું વિતરણ કરી રહ્યા છે. બાઇબલ વિષે સમજણ આપતા ચોકીબુરજ મેગેઝિનની શરૂઆતમાં દર મહિને અંગ્રેજીમાં ૬,૦૦૦ નકલો છાપવામાં આવતી અને એનું વિતરણ કરવામાં આવતું હતું. આજે આ મેગેઝિન મહિનામાં બે વાર બહાર પડે છે. એના દરેક અંકોની ૧૪૬ ભાષામાં ૨,૪૦,૦૦,૦૦૦થી પણ વધારે પ્રતો છાપવામાં આવે છે. બધે જ બાઇબલનું શિક્ષણ ફેલાવવા યહોવાહના સાક્ષીઓએ ૧૧૦ દેશોમાં ઑફિસો બાંધી છે અથવા વેચાતી લીધી છે. એ ઉપરાંત, લોકોને બાઇબલનું સત્ય શીખવવા માટે તેઓએ હજારો નાના મોટા હૉલ બાંધ્યા છે.
લોકોની પરમેશ્વરના જ્ઞાનની ભૂખ સંતોષવી, એ યહોવાહના સાક્ષીઓ માટે સૌથી મહત્ત્વનું છે. તેમ જ, યુદ્ધ કે કુદરતી આફતોમાં તેઓના ભાઈબહેનો ફસાઈ ગયા હોય
ત્યારે, યહોવાહના સાક્ષીઓ તરત જ ખોરાક, કપડાં અને દવાઓ જેવી રાહત સામગ્રી પૂરી પાડે છે. દરેક સાક્ષીઓ રાજીખુશીથી દાનો આપતા હોવાથી આવા રાહત કામો થઈ રહ્યા છે.આમ, આપણે અણધારી આફતોમાં મદદ કરીએ એ જરૂરી છે. પરંતુ રાજીખુશીથી દાનો આપવામાં આવે છે ત્યારે, જિનીવાલ જેવા ગરીબ લોકોના માથા પરથી ભાર ઊતરી જાય છે. ખુશીની વાત છે કે, જિનીવાલ ઘર વેચવાનો હતો એ પહેલાં જ મારિયા નામની એક યહોવાહની સાક્ષીએ તેની મુલાકાત લીધી. જિનીવાલ કહે છે: “યહોવાહના સાક્ષી સાથે વાત કરવાથી મારું કુટુંબ બરબાદ થવાથી બચી ગયું.”
જિનીવાલ જોઈ શક્યો કે પરમેશ્વરનું કામ દશાંશ આપવાથી ચાલતું નથી. બાઇબલ એવું ક્યાંય શીખવતું નથી કે આજે આપણે દશાંશ આપવો જોઈએ. જિનીવાલ શીખ્યો કે ખ્રિસ્તીઓ પોતાના ગજા પ્રમાણે અને રાજીખુશીથી દાનો આપે છે ત્યારે, પરમેશ્વર તેઓને આશીર્વાદ આપે છે.
આજે જિનીવાલ રાજીખુશીથી દાન આપે છે અને એનાથી તેને ખૂબ આનંદ થાય છે. તે કહે છે: “હવે મારી ત્રેવડ પ્રમાણે હું રાજીખુશીથી આપું છું. અને મને ખબર છે કે યહોવાહ એનાથી ખુશ છે.”
[પાન ૬ પર બોક્સ/ચિત્રો]
શું શરૂઆતના ચર્ચના ધર્મગુરુઓએ દશાંશ આપવાનું શીખવ્યું હતું?
“આપણામાં ધનવાન છે તેઓ ગરીબને મદદ કરે છે. . . . જેઓ અમીર છે, અને દાન કરવા ઇચ્છે છે તેઓ પોતાના ગજા પ્રમાણે આપે છે.”—પહેલી માફી, (અંગ્રેજી પુસ્તક) જસ્ટિન માર્ટર, આશરે ઈ.સ. ૧૫૦.
‘એ ખરું છે કે યહુદીઓ તેઓની મિલકતનો દશાંશ પરમેશ્વરને આપતા હતા. પરંતુ ખ્રિસ્તીઓએ તો તેઓની બધી મિલકત પરમેશ્વરના કામમાં અર્પી દીધી છે, જેમ એક ગરીબ વિધવાએ પરમેશ્વરના ભંડારમાં તેનું સર્વસ્વ નાખી દીધું.’—પંથો વિરુદ્ધ, (અંગ્રેજી) આઈરીનીયસ, આશરે ઈ.સ. ૧૮૦.
“એ ખરું છે કે આપણી પાસે ધર્માદો આપવા પેટી છે. પરંતુ તારણ મેળવવા તમે ધર્માદો કરો એ હેતુથી એ પેટી મૂકવામાં આવી નથી. કોઈ પણ પોતાની મરજી અને ગજા પ્રમાણે મહિનામાં એક વાર થોડું દાન કરી શકે. એમ કરવા કોઈને બળજબરી નથી. એ રાજીખુશીથી આપવું જોઈએ.”—માફી, (અંગ્રેજી) ટર્ટુલિયન, આશરે ઈ.સ. ૧૯૭.
‘ખ્રિસ્તી ધર્મ ફેલાતો ગયો તેમ, અનેક સંસ્થાઓ ઊભી થવા લાગી. તેથી પાદરીઓને હંમેશાં પૈસા મળતા રહે એ માટે એવા નિયમો બનાવવાની જરૂર પડી. લોકો દશાંશ આપતા રહે એ માટે મુસાના નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો. એવું જોવા મળે છે કે, ઈ.સ. ૫૬૭માં, ફ્રાંસના ટૂર શહેરમાં ખ્રિસ્તી ધર્મગુરુઓએ સભા ભરીને દશાંશ આપવાનો કાયદો પસાર કર્યો હતો. અને ત્યાર પછી તેઓએ ઈ.સ. ૫૮૫માં, ફ્રાંસના મેકૉ શહેરમાં સભા ભરીને એ કાયદો માન્ય કર્યો.’— ધ કૅથલિક એન્સાયક્લોપેડિયા.
[ક્રેડીટ લાઈન]
સિક્કો, ઉપર ડાબી બાજુ: Pictorial Archive (Near Eastern History) Est.
[પાન ૪, ૫ પર ચિત્રો]
રાજીખુશીથી દાન કરવાથી આનંદ મળે છે
[પાન ૭ પર ચિત્રો]
રાજીખુશીથી જે દાનો આપવામાં આવે છે એનો ઉપયોગ, પ્રચાર કામને ટેકો આપવા, કુદરતી આફતોના સમયે રાહત કામોમાં અને રાજ્યગૃહો બાંધવામાં કરવામાં આવે છે