સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શાફાન અને તેમનું કુટુંબ

શાફાન અને તેમનું કુટુંબ

શાફાન અને તેમનું કુટુંબ

બાઇબલ વાંચતી વખતે, તમે કદી શાફાન અને તેમના કુટુંબ વિષે વાંચ્યું છે? સમાજમાં તેઓનું મોટું નામ હતું, અને તેઓ પાસે ઘણી જ સત્તા હતી. પરંતુ, તેઓ કોણ હતા? તેઓએ શું કર્યું હતું અને આપણે તેઓ પાસેથી શું શીખી શકીએ છીએ?

બાઇબલ બતાવે છે કે ઈ.સ. પૂર્વે ૬૪૨માં રાજા યોશીયાહે, મંદિરના સમારકામ માટે ‘મશુલ્લામના દીકરા અસાલ્યાહના દીકરા શાફાનને’ મોકલ્યા. (૨ રાજાઓ ૨૨:૩) એના ૩૬ વર્ષ પછી, ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો વિનાશ થયો હતો. એ સમય સુધીમાં, બાઇબલ શાફાનના ચાર દીકરા અહીકામ, ગમાર્યાહ, એલઆસાહ અને યાઅઝાન્યાહ વિષે જણાવે છે. વળી બાઇબલ, અહીકામના પુત્ર ગદાલ્યાહ અને ગમાર્યાહના પુત્ર મીખાયાહ વિષે પણ જણાવે છે. (ચાર્ટ જુઓ.) એન્સાયક્લોપેડિયા જુડાઈકા કહે છે: “શાફાન અને તેમના કુટુંબ પાસે [યહુદાહના રાજ્યમાં] ઘણી જ સત્તા હતી. તેમ જ, રાજા યોશીયાહના સમયથી બાબેલોનની ગુલામીમાં ગયા ત્યાં સુધી, તેઓએ શાસ્ત્રીનું કામ પણ કર્યું.” બાઇબલ જણાવે છે કે પ્રબોધક યિર્મેયાહને અને મંદિરના સમારકામ માટે, શાફાન અને તેમના કુટુંબે ઘણી જ મદદ કરી.

યહોવાહની ભક્તિ માટે શાફાનની મદદ

રાજા યોશીયાહ ૨૫ વર્ષના હતા ત્યારે, ઈ.સ. પૂર્વે ૬૪૨માં શાફાન તેમના રાજમંત્રી અને શાસ્ત્રી હતા. (યિર્મેયાહ ૩૬:૧૦) પરંતુ, તેમણે શું કરવાનું હતું? આગળ જણાવેલી એન્સાયક્લોપેડિયા કહે છે કે, રાજમંત્રી અને શાસ્ત્રી રાજાને જરૂરી સલાહ આપતા અને પૈસાની લેવડ-દેવડનું ધ્યાન પણ રાખતા. તેમ જ દેશ-વિદેશનો વેપાર, કાયદા-કાનૂન અને સંબંધો જાળવવા, તેમણે કુશળ અને જ્ઞાની હોવું જરૂરી હતું. આમ, શાફાન એક રાજમંત્રી હોવાથી આખા રાજ્યમાં તેમનું નામ ઘણું મોટું હતું.

યોશીયાહના રાજને આઠમે વર્ષે, તેમણે “પોતાના પિતા દાઊદના દેવની ઉપાસના કરવા માંડી” હતી. શાફાન, યોશીયાહથી ઉંમરમાં ઘણા મોટા હતા. તેથી જ, તે યોશીયાહને પરમેશ્વરની સેવા માટે સારી સલાહ આપી શક્યા. તેમ જ, મંદિરના સમારકામ માટે પણ પૂરી મદદ કરી. *​—⁠૨ કાળવૃત્તાંત ૩૪:૧-૮.

મંદિરના સમારકામ વખતે “નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું અને શાફાને તે રાજાની આગળ વાંચ્યું.” યોશીયાહે સાંભળ્યું ત્યારે તે ગભરાઈ ગયા. તેમણે તરત જ અમુક ખાસ માણસોને, હુલ્દાહ પ્રબોધિકા પાસે મોકલ્યા. જેથી, તેઓ તેમને યહોવાહની ઇચ્છા વિષે પૂછી શકે. તેઓમાં શાફાન અને તેમનો પુત્ર અહીકામ પણ હતા. ખરેખર, રાજાને તેઓ પર ભરોસો હોવાથી, તેઓને પણ મોકલ્યા.​—⁠૨ રાજાઓ ૨૨:૮-૧૪; ૨ કાળવૃત્તાંત ૩૪:૧૪-૨૨.

શાફાનનાં કામો વિષે ફક્ત આ જ કલમો જણાવે છે. બીજી કલમોમાં તેમનો ઉલ્લેખ પિતા અથવા દાદા તરીકે થાય છે. વળી, એ બતાવે છે કે શાફાનના પુત્રોએ, પ્રબોધક યિર્મેયાહની સાથે ઘણો સારો સંબંધ બાંધ્યો હતો.

અહીકામ અને ગદાલ્યાહ

હુલ્દાહ પ્રબોધિકા પાસે મોકલેલા ખાસ માણસોમાં, શાફાનના પુત્ર અહીકામનું નામ પહેલું હતું. એક પુસ્તક કહે છે: “જોકે અહીકામ વિષે હિબ્રુ બાઇબલ વધારે જણાવતું નથી છતાં, જોઈ શકાય છે કે તેમની પાસે ઘણી જ સત્તા હતી.”

એ બનાવના લગભગ ૧૫ વર્ષ પછી યિર્મેયાહ ખતરામાં આવી પડ્યા. યિર્મેયાહે લોકોને ચેતવ્યા કે યહોવાહ યરૂશાલેમનો નાશ કરવાના છે, “ત્યારે યાજકોએ, પ્રબોધકોએ તથા સર્વ લોકોએ તેને પકડીને કહ્યું, કે તું જરૂર મૃત્યુ પામશે.” પછી શું થયું? અહેવાલ જણાવે છે: “શાફાનના પુત્ર અહીકામે યિર્મેયાહનો પક્ષ લીધો, તેથી તેને મારી નાખવા સારૂ લોકોના હાથમાં સોંપવામાં આવ્યો નહિ.” (યિર્મેયાહ ૨૬:૧-૨૪) આ શું બતાવે છે? બાઇબલ પરની એક ડિક્શનરી કહે છે: “આ અહીકામની સત્તા જ નહિ, પણ કુટુંબના બીજા સભ્યોની જેમ, યિર્મેયાહ માટેનો તેમનો પ્રેમ પણ બતાવે છે.”

લગભગ ૨૦ વર્ષ પછી, બાબેલોનના લોકોએ યરૂશાલેમનો ઈ.સ. પૂર્વે ૬૦૭માં વિનાશ કર્યો અને એના લોકોને બંદીવાન કર્યા. તેઓએ અહીકામના પુત્ર ગદાલ્યાહને યહુદાહના આગેવાન બનાવ્યા. શું તેમણે પણ કુટુંબના બીજા સભ્યોની જેમ યિર્મેયાહ પર પ્રેમ બતાવ્યો? બાઇબલ કહે છે: “યિર્મેયાહ અહીકામના પુત્ર ગદાલ્યાહની પાસે મિસ્પાહમાં ગયો, ને . . . તેની સાથે રહ્યો.” એના થોડાક મહિના પછી ગદાલ્યાહને મારી નાખવામાં આવ્યા. વળી યિર્મેયાહને, યહુદીઓ તેઓની સાથે મિસર લઈ ગયા.​—⁠યિર્મેયાહ ૪૦:૫-૭; ૪૧:૧, ૨; ૪૩:૪-૭.

ગમાર્યાહ અને મીખાયાહ

યિર્મેયાહના ૩૬માં અધ્યાય પ્રમાણે, શાફાનનો બીજો પુત્ર ગમાર્યાહ અને ગમાર્યાહના દીકરા મીખાયાહે પણ યિર્મેયાહને ઘણી જ મદદ કરી. એ યહોયાકીમના પાંચમાં વર્ષનો, ઈ.સ. પૂર્વે ૬૨૪નો સમય હતો. યિર્મેયાહના મંત્રી બારૂખે, યહોવાહના મંદિરમાં ‘શાફાનના પુત્ર ગમાર્યાહની ઉપરના આંગણામાંના ઓરડામાં,’ યિર્મેયાહનાં વચનો વાંચી સંભળાવ્યાં. ત્યારે, “શાફાનના પુત્ર ગમાર્યાહના પુત્ર મીખાયાહે પુસ્તકમાંથી યહોવાહનાં સર્વ વચનો સાંભળ્યાં.”​—⁠યિર્મેયાહ ૩૬:૯-૧૧.

પછી, મીખાયાહે પોતાના પિતા ગમાર્યાહ અને બીજા લોકોને આ વચનો વિષે જણાવ્યું. તેઓ પણ યહોવાહનાં આ વચનો સાંભળવા માંગતા હતાં. આ સાંભળ્યા પછી તેઓ પર શું અસર પડી? ‘ત્યારે એવું થયું કે તે સર્વ વચન સાંભળ્યા પછી તેઓ એકબીજા તરફ જોઈને ધ્રૂજી ઊઠ્યા, ને બારૂખને કહ્યું, રાજાને આ સર્વ વચનોની ખબર અમે અવશ્ય આપીશું.’ પરંતુ, રાજાને એ જણાવતા પહેલાં, તેઓએ બારુખને કહ્યું: “જા, તું તથા યિર્મેયાહ બન્‍ને સંતાઈ જાઓ; અને તમે ક્યાં છો, તે કોઈને માલૂમ પડે નહિ.”​—⁠યિર્મેયાહ ૩૬:૧૨-૧૯.

તેઓએ ધાર્યું હતું એમ જ રાજાએ યહોવાહનાં વચનોના ટૂકડે-ટૂકડા કરીને, એને બાળી નાખ્યાં. શાફાનના પુત્ર ગમાર્યાહે અને બીજા અમુકે એ વચનો ‘બાળી નહિ નાખવા માટે વિનંતી કરી; તોપણ તેણે તેઓનું કહેવું માન્યું નહિ.’ (યિર્મેયાહ ૩૬:૨૧-૨૫) યિર્મેયાહ પરનું એક પુસ્તક કહે છે: “રાજા યહોયાકીમના મહેલમાં ગમાર્યાહે, યિર્મેયાહને ઘણી જ મદદ કરી.”

એલઆસાહ અને યાઅઝાન્યાહ

બાબેલોને ઈ.સ. પૂર્વે ૬૧૭માં યહુદાહનું રાજ્ય કબજે કર્યું. તેઓએ હજારો યહુદીઓને, “અધિકારીઓ, ઉત્તમ સૈનિકો, કારીગરો અને લુહારો” તથા પ્રબોધક હઝકીએલને કેદ કરી લીધા. વળી, બાબેલના રાજાએ માત્તાન્યાહનું નામ બદલીને સિદકીયાહ પાડ્યું અને તેને રાજા બનાવ્યો. (૨ રાજાઓ ૨૪:૧૨-૧૭, IBSI) થોડાક સમય પછી, સિદકીયાહે ખાસ માણસોને બાબેલોન મોકલ્યા, જેમાં શાફાનનો પુત્ર એલઆસાહ પણ હતો. એ તકનો લાભ લઈ યિર્મેયાહે એલઆસાહને એક અગત્યનો પત્ર આપ્યો. એમાં બંદીવાન થયેલા યહુદાહના લોકો માટે યહોવાહનો સંદેશો હતો. (યિર્મેયાહ ૨૯:૧-૩) આમ શાફાન, તેમના ત્રણેય પુત્રો અને તેઓના બે દીકરાઓએ યહોવાહની સેવામાં ઘણું કર્યું. તેઓએ મંદિરના સમારકામમાં અને પ્રબોધક યિર્મેયાહને મદદ કરવામાં, પોતાની સત્તાનો પૂરો ઉપયોગ કર્યો.

પરંતુ, શાફાનના પુત્ર યાઅઝાન્યાહ વિષે શું? તે તેના કુટુંબથી તદ્દન અલગ હતો. તે જૂઠ્ઠા દેવોની ભક્તિ કરતો હતો. હઝકીએલ બાબેલોનની કેદમાં હતા એના છઠ્ઠા વર્ષે, એટલે કે ઈ.સ. પૂર્વે ૬૧૨માં યહોવાહે તેમને સ્વપ્ન દેખાડ્યું. એમાં યરૂશાલેમના મંદિરમાં ૭૦ માણસો મૂર્તિઓને ધૂપ ચઢાવતા હતા, જેઓમાં યાઅઝાન્યાહ પણ હતો. પરંતુ, શા માટે ફક્ત એનું જ નામ આપવામાં આવ્યું છે? એ બતાવે છે કે તે બધામાં મુખ્ય માણસ હોય શકે. (હઝકીએલ ૮:૧, ૯-૧૨) યાઅઝાન્યાહના દાખલામાંથી આપણે શું શીખીએ છીએ? આપણું કુટુંબ યહોવાહની સેવા કરતું હોય તો, આપણે પણ આપોઆપ યહોવાહના સેવકો બની જતા નથી. પરંતુ, દરેકે પોતપોતાનો હિસાબ આપવો પડશે.​—⁠૨ કોરીંથી ૫:૧૦.

શાફાનના કુટુંબનો ઇતિહાસ

યરૂશાલેમમાં શાફાન અને તેમના કુટુંબે ઘણી મદદ કરી. એ સમય સુધીમાં, યહુદાહમાં મહોર અથવા મુદ્રાની છાપ કે સીલનો ઉપયોગ સામાન્ય થઈ ગયો હતો. આ છાપ કે સીલ કિંમતી પથ્થર, ધાતુ, હાથીદાંત અથવા કાચની બનેલી હતી. એનો ઉપયોગ કોઈના સાક્ષી થવા અથવા સહી કરવા માટે થતો હતો. આ સીલ પર વ્યક્તિનું પોતાનું અને તેના પિતાનું નામ કોતરવામાં આવતું હતું. કોઈ વાર એના પર તેની ઓળખ પણ કોતરવામાં આવતી હતી.

ચીકણી માટી પર કરેલી આવી હજારો હેબ્રી સીલની છાપ મળી આવી છે. એક હેબ્રી લિપિના ઍક્સપર્ટ પ્રોફેસર નાહમૉન અવીગૉડ કહે છે: “આ સીલનું લખાણ ફક્ત હેબ્રી લિપિમાં જ છે, અને એ બાઇબલની વ્યક્તિઓ વિષે જ જણાવે છે.” શું શાફાન અને તેમના કુટુંબની આવી કોઈ સીલ મળી છે? હા, શાફાન અને તેમના પુત્ર ગમાર્યાહના નામવાળી સીલ મળી છે. એ સીલ પાન ૧૯ અને ૨૧ પર જોવા મળે છે.

ઍક્સપર્ટોનું કહેવું છે કે કુટુંબના બીજા ચાર સભ્યોનાં નામ પણ આ સીલ પર જોવા મળે છે: શાફાનના પિતા અઝાલ્યાહ, શાફાનના પુત્રો અહીકામ અને ગમાર્યાહ, તથા ગદાલ્યાહ જેમને “યહુદાહના આગેવાન” બનાવ્યા હતા. આ સીલમાંની ચોથી ગદાલ્યાહની છે, પણ તેમના પિતા અહીકામનું નામ એમાં નથી. એ સીલ પર લખેલી ઓળખથી જોવા મળે છે કે તે રાજ્યના આગેવાન હતા.

આપણે શું શીખ્યા?

શાફાન અને તેમના કુટુંબ પાસે ઘણી સત્તા હતી. તેઓએ એનો ઉપયોગ કરીને, મંદિરનું સમારકામ કર્યું અને વિશ્વાસુ યિર્મેયાહને મદદ કરી. તેઓની જેમ, જો આપણી પાસે સત્તા હોય, તો યહોવાહની સેવામાં એનો દરેક રીતે ઉપયોગ કરીએ.

ચાલો આપણે દરરોજ બાઇબલ વાંચીએ, એટલું જ નહિ. પરંતુ, શાફાન અને તેમના કુટુંબ જેવા યહોવાહના સેવકો વિષે મનન કરીએ, તથા તેઓ પાસેથી શીખીએ. તેઓ પણ ‘શાહેદોની મોટી વાદળારૂપ ભીડમાં છે,’ જેઓનો દાખલો આપણે જીવનમાં લાગુ પાડીએ.​—⁠હેબ્રી ૧૨:⁠૧.

[ફુટનોટ]

^ રાજા યોશીયાહ ૨૫ વર્ષના હતા ત્યારે, શાફાનનો પુત્ર અહીકામ યોશીયાહથી ઉંમરમાં મોટો હતો. એ જ બતાવે છે કે શાફાન, યોશીયાહથી ઉંમરમાં ઘણા જ મોટા હતા.​—૨ રાજાઓ ૨૨:૧-૩, ૧૧-૧૪.

[પાન ૨૨ પર બોક્સ]

પ્રબોધિકા હુલ્દાહ

રાજા યોશીયાહે મંદિરમાંથી મળી આવેલું “નિયમશાસ્ત્રનું પુસ્તક” વાંચ્યું. પછી શાફાન અને બીજા ચાર અધિકારીઓને હુકમ કર્યો કે, આ પુસ્તક વિષે જઈને “યહોવાહને પૂછો.” (૨ રાજાઓ ૨૨:૮-૨૦) પરંતુ, તેઓ યહોવાહ વિષે ક્યાં પૂછવા જાય? એ સમયે, બધા પ્રબોધકો, બાઇબલ લેખકો, યિર્મેયાહ અને કદાચ નાહુમ તથા સફાન્યાહ પણ યહુદાહમાં હતા. તેથી, શાફાન અને તેમના સાથીઓ હુલ્દાહ પ્રબોધિકા પાસે ગયા.

યરૂશાલેમ પરનું એક પુસ્તક કહે છે: “મહત્ત્વની વાત એ છે કે અહીં સ્ત્રી અને પુરુષને એકસરખા જ ગણવામાં આવ્યા છે. આ બધા જ પુરુષો, નિયમશાસ્ત્રનું પુસ્તક એક સ્ત્રી પાસે લઈ જતા અચકાયા નહિ. હુલ્દાહે જણાવ્યું કે એ પુસ્તક યહોવાહ પાસેથી છે ત્યારે, કોઈએ પણ વાંધો ન ઊઠાવ્યો. પહેલાની ઈસ્રાએલી સ્ત્રીઓના મહત્ત્વ વિષે જણાવતી વખતે, ઍક્સપર્ટો ઘણી વાર આ બનાવ પ્રત્યે આંખ આડા કાન કરે છે.” પરંતુ, મહત્ત્વની વાત એ છે કે, એ સંદેશો યહોવાહ પરમેશ્વર તરફથી જ હતો!

[ડાયગ્રામ/પાન ૨૧ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

શાફાનનું કુટુંબ

મશુલ્લામ

અઝાલ્યાહ

શાફાન

↓ ↓ ↓ ↓

અહીકામ એલઆસાહ ગમાર્યાહ યાઅઝાન્યાહ

↓ ↓

ગદાલ્યાહ મીખાયાહ

[પાન ૨૦ પર ચિત્ર]

ગમાર્યાહ અને તેમના સાથીઓએ, યહોયાકીમને વિનંતી કરી કે તે યિર્મેયાહનાં વચનોને બાળી ન નાખે

[પાન ૨૨ પર ચિત્ર]

શાફાનનો પુત્ર હોવા છતાં, યાઅઝાન્યાહ મૂર્તિઓની ભક્તિ કરતો સ્વપ્નમાં દેખાયો

[પાન ૧૯ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Courtesy Israel Antiquities Authority

[પાન ૨૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Courtesy Israel Antiquities Authority