‘સારો માણસ યહોવાહની કૃપા મેળવે છે’
‘સારો માણસ યહોવાહની કૃપા મેળવે છે’
આપણને જીવન આપનાર યહોવાહ પરમેશ્વર છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) ‘તેમનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ, અને હોઈએ છીએ.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૮) યહોવાહની સાથે પાક્કી મિત્રતા બાંધનારને તે ભરપૂર આશીર્વાદો આપે છે. એ આશીર્વાદોનો વિચાર કરતા, શું આપણાં હૃદયો યહોવાહની કદરથી ઊભરાઈ જતું નથી? હા, “દેવનું કૃપાદાન અનંતજીવન છે.” (રૂમીઓને પત્ર ૬:૨૩) તેથી, યહોવાહની કૃપા મેળવવી, એ આપણા જીવનનો મુખ્ય ધ્યેય છે!
ગીતશાસ્ત્રના એક લેખકે કહ્યું, ‘યહોવાહ કૃપા આપે છે.’ (ગીતશાસ્ત્ર ૮૪:૧૧) પરંતુ એ કોને આપે છે? આજે લોકો શિક્ષણ, સંપત્તિ, જાતિ, રંગ અને બીજી એવી બાબતોનો ભેદભાવ રાખતા હોય છે. પરંતુ, પરમેશ્વર વિષે શું? તે કોના પર કૃપા બતાવે છે? અગાઉના ઈસ્રાએલના રાજા સુલેમાન જવાબ આપે છે: “સારો માણસ યહોવાહની કૃપા મેળવશે; પણ કુયુક્તિખોર [કપટી] માણસને તે દોષપાત્ર ઠરાવશે.”—નીતિવચનો ૧૨:૨.
યહોવાહ નમ્ર લોકોથી ખુશ થાય છે, કેમ કે તેનામાં કોઈ પણ ભેદભાવ હોતો નથી. વળી, તેનામાં શિષ્ત, દયા અને ડહાપણ જેવા ગુણો પણ હોય છે. તેનું વિચારવું, બોલવું અને તેનાં કાર્યો ન્યાયી અને બીજાને લાભ કરતા હોય છે. નીતિવચનોના ૧૨મા અધ્યાયનો પહેલો ભાગ જણાવે છે, કે આપણે દરરોજના જીવનમાં કઈ રીતે ભલાઈ બતાવી શકીએ અને એનાથી શું લાભ થશે. એના પર વિચાર કરીને આપણે ‘ડાહ્યા થઈ’ શકીશું. (ગીતશાસ્ત્ર ૩૬:૩) વળી, એ સલાહને લાગુ પાડવાથી, આપણને પરમેશ્વરની કૃપા પણ મળશે.
શિસ્ત મહત્ત્વની છે
સુલેમાને કહે છે, “શીખવા માટે આતુર મન જરૂરી છે. ઠપકાની [અથવા શિસ્તની] અવગણના કરવી એ મૂર્ખામી છે.” (નીતિવચનો ૧૨:૧, IBSI) જે સારો માણસ પોતાનામાં ફેરફાર કરવા તૈયાર છે, તે શીખવા માટે પણ અધીરો હોય છે. તે ખ્રિસ્તી મિટિંગો કે વાતચીતમાં, જે કંઈ શીખે છે એને તરત જ લાગુ પાડે છે. બાઇબલ અને આપણી સંસ્થાનાં પ્રકાશનો, તેના માટે આર જેવા છે, જે તેને સાચા માર્ગે ચાલવા ભોંકીને શિસ્ત આપે છે. એનાથી તે જ્ઞાન મેળવીને પોતાના જીવનમાં સુધારો કરે છે. ખરેખર, શિસ્ત ચાહનારા જ્ઞાનના પ્રેમી હોય છે.
યહોવાહના સેવકો માટે શિષ્ત કેટલી જરૂરી છે? આપણે બાઇબલનું ઘણું જ્ઞાન લેવા ચાહતા હોઈએ. આપણે બીજાને સારી રીતે બાઇબલ શીખવવા ચાહતા હોઈએ. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) પરંતુ, એ બધું કરવા શિષ્ત જરૂરી છે. એની સાથે-સાથે, જીવનની બીજી બાબતોમાં પણ શિષ્ત જરૂરી છે. દાખલા તરીકે, જાતીય ઇચ્છાઓને ભડકાવનારી બાબતો, આજે ચારે બાજુ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. તેથી, એવી બાબતો પર નજર પણ ન કરવા, શું શિષ્ત જરૂરી નથી? વળી, “માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી” હોવાને લીધે, મનના કોઈ ખૂણામાં ખોટા વિચારો થઈ શકે છે. (ઉત્પત્તિ ૮:૨૧) તેથી, આવી બાબતોથી દૂર રહેવા, પોતાને શિષ્ત આપવું ખૂબ જ જરૂરી છે.
બીજી બાજુ, શિખામણ કે ઠપકાને તુચ્છ ગણનાર વ્યક્તિને, શિષ્ત અથવા જ્ઞાન જરાય ગમતા નથી. એમ કરવામાં તે પાપી વલણને વળગી રહે છે. તે એવા જાનવર જેવો બની જાય છે, જેને સારાં કે ખરાબની કોઈ જ અક્કલ નથી. આપણે આવા વિચારો જડમૂળથી કાઢી નાખીએ.
‘દુષ્ટ કદી સફળ થશે નહિ’
જો કે સારો માણસ અન્યાયી કે જૂઠો હોય શકતો નથી. તેથી, યહોવાહની કૃપા મેળવવા ન્યાયી હોવું મહત્ત્વનું છે. રાજા દાઊદે લખ્યું: “તું ન્યાયીને આશીર્વાદ આપશે; હે યહોવાહ, જાણે ઢાલથી તેમ મહેરબાનીથી તું તેને ઘેરી લેશે.” (ગીતશાસ્ત્ર ૫:૧૨) દુષ્ટો અને ન્યાયીઓની સ્થિતિનો તફાવત બતાવતા સુલેમાન કહે છે: “દુષ્ટતાથી કદી સાચી સફળતા મળતી નથી. માત્ર ઈશ્વરનો ભય રાખનારને જ તે પ્રાપ્ત થાય છે.”—નીતિવચનો ૧૨:૩, IBSI.
દુષ્ટ આબાદ થઈ રહ્યો છે એમ લાગી શકે. પરંતુ, ગીતશાસ્ત્રના એક લેખક, આસાફનો વિચાર કરો. તે કહે છે, “મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી; હું પગલાં ભરતાં લગભગ લપસી ગયો હતો. કેમકે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ટોની અદેખાઈ કરી.” (ગીતશાસ્ત્ર ૭૩:૨, ૩) પરંતુ, આસાફ મંદિર તરફ આવે છે તેમ, તેમને ભાન થાય છે કે યહોવાહે એ દુષ્ટોને લપસણી જગ્યાએ રાખ્યા છે. (ગીતશાસ્ત્ર ૭૩:૧૭, ૧૮) દુષ્ટોને મળેલી કોઈ પણ આબાદી ઝાઝો સમય ટકતી નથી. તો પછી, શા માટે આપણે તેઓની અદેખાઈ કરવી જોઈએ?
એના બદલે, યહોવાહની કૃપા મેળવનાર વ્યક્તિ મક્કમ રહે છે. ઝાડના ઊંડે ઉતરેલા મૂળનો દાખલો આપી સુલેમાન કહે છે: “નેકીવાનની જડ કદી ઊખેડવામાં આવશે નહિ.” (નીતિવચનો ૧૨:૩) કેલીફોર્નિયાનું સિકૉયા, એક મોટું ઝાડ છે. એના મૂળ જમીનમાં ઊંડે ઊંડે સુધી ફેલાયેલા હોય છે. વળી, એ પૂર અને ભારે તોફાનમાં લંગર જેવું સાબિત થઈ શકે છે. અરે, આ એ તો ભારે ધરતીકંપમાં પણ અડગ ઊભું રહે છે.
જેમ મૂળ જમીનમાંથી પોષણ મેળવે છે, તેમ આપણું મન અને હૃદય બાઇબલમાં ઊંડે ઉતારી, પોષણ લઈએ. વળી, એમાંથી મળતું જીવનનું પાણી પણ લઈએ. આમ, આપણો વિશ્વાસ દૃઢ બને છે અને આપણી આશા મક્કમ થાય છે. (હેબ્રી ૬:૧૯) તેથી, આપણે “દરેક ભિન્ના ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા” બનીશું નહિ. (એફેસી ૪:૧૪) જો કે, આપણા પર મુશ્કેલીઓ તો આવશે જ, અને આપણે ગભરાઈ પણ જઈશું. પરંતુ, પાયો મજબૂત હશે તો આમતેમ ડોલા ખાનાર બનીશું નહિ.
“સદ્ગુણી સ્ત્રી પોતાના ભરથારને મુગટરૂપ છે”
ઘણા લોકો આ કહેવત જાણે છે, “દરેક માણસની સફળતા પાછળ, સારી સ્ત્રીનો હાથ હોય છે.” સારી સ્ત્રીના વખાણ કરતા, સુલેમાન કહે છે: “સદ્ગુણી સ્ત્રી પોતાના ભરથારને [પતિને] મુગટરૂપ છે; પણ નિર્લજ્જ કૃત્યો કરનારી તેનાં હાડકાંને સડારૂપ છે.” (નીતિવચનો ૧૨:૪) “સદ્ગુણી” શબ્દમાં ભલાઈના ઘણા ગુણો રહેલા છે. જેમ કે, નીતિવચનો અધ્યાય ૩૧ પ્રમાણે સારી સ્ત્રીમાં સખત મહેનત, વિશ્વાસુ અને ડહાપણ જેવા ગુણો હોય છે. એવી સ્ત્રી પોતાના પતિ માટે મુગટરૂપ છે, કારણ કે તેના સારા વર્તનથી પતિને માન મળે છે. વળી, બીજાઓમાં પતિની વાહ વાહ થાય છે. તે કદી પણ પોતાના પતિથી ચઢિયાતી થતી નથી કે હરીફાઈ કરતી નથી. એના બદલે, તે પોતાના પતિના પગલામાં પગ મૂકીને ચાલે છે.
કઈ રીતે એક સ્ત્રી નિર્લજ્જ કામ કરી શકે અને એમ કરવાથી શું થઈ શકે? નિર્લજ્જ કાર્યોમાં નીતિવચનો ૭:૧૦-૨૩; ૧૯:૧૩) પત્નીના આવા સ્વભાવથી, પતિની આબરૂ ધૂળમાં મળી જાય છે. તે “હાડકાંને સડારૂપ” છે. એક પુસ્તક કહે છે, “જેમ એક રોગ શરીરને નબળું બનાવે છે, તેમ તે પતિને પાયમાલ કરી નાખે છે.” બીજું એક પુસ્તક કહે છે, “આજના સમયમાં એને ‘કૅન્સર’ કહી શકાય, એક એવો રોગ જે ધીમે ધીમે વ્યક્તિની જીવન શક્તિ ખાય જાય છે.” તેથી, પત્નીઓએ સારા ગુણો બતાવીને, પરમેશ્વરની કૃપા મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ઝઘડાથી માંડીને વ્યભિચાર સુધીની બાબતો આવી શકે. (વિચારો પ્રમાણેનાં કામ અને પરિણામ
મનમાં જે હોય એ કાર્યો દ્વારા બહાર આવે છે, જે આપણને પરિણામ પરથી દેખાય છે. ન્યાયી અને દુષ્ટને સરખાવતા, સુલેમાન કહે છે: “નેકીવાનોના વિચાર વાજબી હોય છે; પણ દુષ્ટોની સલાહ કપટરૂપ હોય છે. દુષ્ટના શબ્દો છાનો રક્તપાત કરવા વિષે હોય છે; પણ પ્રામાણિક માણસોનું મોં તેમને બચાવશે.”—નીતિવચનો ૧૨:૫, ૬.
સારા લોકોના વિચારો ન્યાયી અને ભેદભાવ વગરના હોય છે. તેઓનો પ્રેમ, પરમેશ્વર અને પોતાના સાથીઓથી પ્રેરાયો હોય છે, તેથી તેઓ સારા ઇરાદા રાખે છે. જ્યારે કે દુષ્ટો સ્વાર્થી ઇચ્છાઓ રાખે છે. તેઓ કંઈક મેળવવા ઢોંગી બની, છેતરતા હોય છે. તેઓના કાર્યો પણ કપટી હોય છે. જેમ કે, કોર્ટમાં ખોટા આરોપો મૂકીને કોઈ નિર્દોષને ફસાવતા, તેઓ જરાય અચકાતા નથી. તેઓના શબ્દો “રક્તપાત કરવા” લાગ જોતા હોય છે, કારણ કે તેઓ નિર્દોષને પોતાનો શિકાર બનાવવા માંગતા હોય છે. પરંતુ, સારો વ્યક્તિ પહેલેથી ચેતીને, દુષ્ટની હરકત જાણી લે છે અને પોતાનો રસ્તો બદલી નાખે છે. તેમ જ, તેઓ અજાણ વ્યિક્તને પણ ચેતવીને, દુષ્ટની જાળમાંથી છોડાવી શકે છે.
તો પછી, ન્યાયીઓ અને દુષ્ટોનું શું થશે? “દુષ્ટો ઊથલી પડે છે, અને હતા ન હતા થઈ જાય છે; પણ સદાચારીનું ઘર કાયમ રહેશે.” (નીતિવચનો ૧૨:૭) એક પુસ્તક કહે છે, ઘર “એ પરિવાર અને વ્યક્તિનું જીવન ટકાવી રાખનાર દરેક અમૂલ્ય વસ્તુ રજૂ કરે છે.” એ ન્યાયીના કુટુંબ અને એના વંશજને પણ લાગુ પડી શકે. તેથી, નીતિવચનનો મુદ્દો સ્પષ્ટ છે, કે ‘ગમે તેવી મુશ્કેલી આવે છતાં, ન્યાયી ડગુમગુ થશે નહિ.’
નમ્ર લોકોનું ભલું થાય છે
સુલેમાન સમજણ પર ભાર આપતા કહે છે: “સમજુ માણસની સર્વ લોક પ્રશંશા કરે છે, પણ ભ્રષ્ટ મનવાળાને સૌ કોઈ ધિક્કારે છે.” (નીતિવચનો ૧૨:૮, IBSI) સમજદાર વ્યક્તિ બોલતા પહેલાં બે વાર વિચાર કરે છે. આમ તે બીજાઓ સાથે શાંતિમાં રહે છે, કારણ કે તે સમજી-વિચારીને બોલવું પસંદ કરે છે. મૂર્ખ કે તુક્કાબાજ પ્રશ્નનો જવાબ આપવા કરતાં, તે ‘થોડું બોલે છે.’ (નીતિવચનો ૧૭:૨૭) આવા માણસના વખાણ થાય છે. વળી, યહોવાહ પણ તેનાથી ખુશ થાય છે. ‘ભ્રષ્ટ મનવાળી’ વ્યક્તિ કરતા, તે કેટલો અલગ છે!
સાચું કે, સમજદાર માણસના વખાણ થાય છે. પરંતુ, ત્યાર પછી નીતિવચન નમ્રતા વિષે શીખવે છે. એ બતાવે છે: ‘અભિમાનને લીધે કામ ન કરીને ભૂખે મરવું, તે કરતાં મજૂરી કરી, કમાઇને ખાવું એ સારું છે.’ (નીતિવચનો ૧૨:૯, IBSI) સુલેમાન કહે છે, સમાજમાં માન મેળવવા માટે જીવનની ચીજો પાછળ પૈસા વેડફવા કરતાં, ગરીબ હોવું સારું છે. આ કેટલી સરસ સલાહ છે કે, જે કંઈ છે એમાં જ આપણે સંતોષ માનીએ!
ખેતીવાડીના જીવનથી ભલાઈ શીખો
ખેતીવાડીના જીવનનો દાખલો આપી, સુલેમાન ભલાઈના બે પાઠ શીખવે છે. તે કહે છે: “નેકીવાન માણસ પોતાના પશુના જીવની દરકાર રાખે છે; પણ દુષ્ટની દયા ક્રૂરતા સમાન છે.” (નીતિવચનો ૧૨:૧૦) ભલો માણસ પોતાના જાનવરો પર દયા રાખે છે. તે એમની ચિંતા રાખી પાલન-પોષણ કરે છે. દુષ્ટ વ્યક્તિ ડાહી ડાહી વાતો તો કરશે, પણ તે એમ કરતો નથી. તે સ્વાર્થી હોવાથી, પ્રાણીઓ તેને કેટલો ફાયદો કરાવે છે એના આધારે તે એમની દેખરેખ રાખે છે. આવી વ્યક્તિ કાળજી રાખે એ પણ ક્રૂરતા બરાબર છે.
પ્રાણીઓ માટે દયા બતાવવામાં, પાલતું પ્રાણીઓની કાળજી પણ આવી જાય છે. પ્રાણીઓને ઘરમાં પાળવામાં તો આવે છે પણ તેઓની પૂરતી કાળજી ન લેવી એ કેટલી ક્રૂરતા છે! પ્રાણીઓ ગંભીર બીમારી કે ઈજાને લીધે પીડાતા હોય તો, તેઓ માટેની દયાને કારણે મારી નાખવા પણ પડે.
જમીન ખેડવાનો દાખલો આપી, સુલેમાન કહે છે: “પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્ન મળશે.” ખરેખર, સખત મહેનતથી લાભ થાય છે. પરંતુ, “નકામી વાતોને વળગી રહેનાર મૂર્ખ છે.” (નીતિવચનો ૧૨:૧૧) “મૂર્ખ” પોતાનો સમય નકામી વાતોમાં બગાડે છે અને વેપારધંધાનું જોખમ વહોરી લે છે. આ બે કલમોમાં સરસ બોધપાઠ છે: દયાળુ અને મહેનતુ બનો.
સદાચારી સફળ થાય છે
સુલેમાન કહે છે, “દુષ્ટ માણસો ભૂંડાની લૂંટ લેવા ઈચ્છે છે.” (નીતિવચનો ૧૨:૧૨ ક) પરંતુ દુષ્ટો એમ કઈ રીતે કરે છે? તે બીજાઓની લૂંટેલી વસ્તુને પણ મેળવવાની ઇચ્છા રાખે છે.
પરંતુ, ન્યાયી વ્યક્તિ વિષે શું? એ વ્યક્તિ શિષ્તને ચાહનારી અને વિશ્વાસમાં દૃઢ હોય છે. તે ન્યાયી, સમજુ, નમ્ર, દયાળુ અને મહેનતુ હોય છે. પછી, સુલેમાન બતાવે છે, “સદાચારીનું મૂળ તો ફળદ્રુપ છે.” (નીતિવચનો ૧૨:૧૨ ખ) બીજું એક ગુજરાતી ભાષાંતર કહે છે, કે “સદાચારીનાં મૂળ ટકાઉ હોય છે.” આવી વ્યક્તિઓ મક્કમ અને સલામત રહે છે. ખરેખર, ‘સારો માણસ યહોવાહની કૃપા મેળવે છે.’ તો પછી, ચાલો આપણે ‘યહોવાહ પર ભરોસો રાખીને ભલું કરીએ.’—ગીતશાસ્ત્ર ૩૭:૩.
[પાન ૩૧ પર ચિત્ર]
એક મજબૂત ઝાડની જેમ, ન્યાયીઓનાં મૂળ ઊંડે ઉતરેલાં હોય છે