સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું મારા બાળકે સ્કૂલે જવું જોઈએ?

શું મારા બાળકે સ્કૂલે જવું જોઈએ?

શું મારા બાળકે સ્કૂલે જવું જોઈએ?

કલ્પના કરો કે તમે વાંચી શકતા નથી. તમે તમારા દેશની ભાષા પણ બોલી ન શકતા હોવ! અરે, દુનિયાના નકશામાંથી તમારો દેશ ક્યાં આવ્યો છે એ પણ તમે બતાવી શકતા ન હોય તો શું? લાખો બાળકો આવી જ રીતે મોટા થાય છે. પરંતુ, તમારા બાળક વિષે શું?

શું તમારા બાળકે સ્કૂલમાં જવું જોઈએ? ઘણા દેશોમાં, બાળમંદિરનું શિક્ષણ મફત આપવામાં આવે છે. તેમ જ એ ફરજિયાત પણ હોય છે. બાળકોના ભણતર વિષે યુનાઈટેડ નેશન્સે એવો કાયદો ઘડ્યો કે, દરેક બાળકને થોડુ ઘણું શીક્ષણ મળવું જ જોઈએ, એ તેનો અધિકાર છે. વળી, માનવ હક્ક માટે પણ યુનાઈટેડ નેશન્સનો કાયદો એવો જ છે. તેમ છતાં, કેટલાક દેશોમાં સ્કૂલનું શિક્ષણ મફત ન હોવાથી, માબાપ પર ફી ભરવાનો મોટો બોજો આવી પડે છે. પરંતુ, શું માબાપે પોતાના બાળકોને સ્કૂલમાં મોકલવા જોઈએ? ચાલો આપણે જોઈએ.

બાઇબલના જમાનામાં ભણેલી વ્યક્તિઓ

બાઇબલ બતાવે છે કે, યહોવાહના ઘણા સેવકો ભણેલા હતા. ઈસુના બે શિષ્યો પીતર અને યોહાન, યહુદી હતા. તેઓ માછીમારોનો ધંધો કરતા હતા. તેમ છતાં, તેઓએ બાઇબલના પુસ્તકો, તેઓના ગામની બોલીમાં નહિ, પણ ગ્રીક ભાષામાં લખ્યા. * તેઓના માબાપે ઘણી જ કાળજી રાખી હતી કે પોતાના બાળકોને થોડુ ઘણું શિક્ષણ મળે. વળી, બાઇબલ લેખકો જેમ કે દાઊદ ઘેટાંપાળક હતા, આમોસ પોતે ખેડૂત હતો, અને ઈસુનો સાવકો ભાઈ યહુદા, સુથારી કામ કરતો હતો, તેમ છતાં તેઓ બધા ભણેલા હતા.

અયૂબ વાંચી લખી શકતા હતા. બાઇબલ એ પણ જણાવે છે કે તેમને વિજ્ઞાનનું જ્ઞાન હતું. અયૂબે ઘણી બાબતો કાવ્યમાં કહી હતી. એ બતાવે છે કે તેમને કવિતા પણ આવડતી હતી. એ ઉપરાંત ઈસુના જમાનાના ખ્રિસ્તીઓ, બાઇબલની ટીકાઓ માટીની બનાવેલી પાટી પર લખી લેતા. એનાથી આપણને ખબર પડી શકે કે તેઓ ભણેલા ગણેલા હતા.

ભણતર બહુ જ મહત્ત્વનું છે

આપણે બાઇબલનું એકધારું જ્ઞાન લઈશું તો યહોવાહ ખુશ થશે. (ફિલિપી ૧:૯-૧૧; ૧ થેસ્સાલોનીકી ૪:૧) એ માટે આપણે બાઇબલની કલમો તેમ જ એને લગતા સાહિત્યનો સારો અભ્યાસ કરવાની જરૂર છે. યહોવાહે આપણને બાઇબલ વાંચવા આપ્યું છે, તેથી તે ચાહે છે કે આપણે વાંચતા અને લખતા શીખીએ. આપણે બાઇબલ સમજીશું તો જ એની સલાહ જીવનમાં ઉતારી શકીશું. જોકે, એમ બની શકે કે આપણે જે ભાગ વાંચીએ એની તરત જ સમજ ન પણ પડે. તો પછી એ ભાગ કદાચ આપણે ઘણી વાર વાંચવો પડે, અથવા એનો વિચાર પણ કરવો પડે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૪; ૧૪૩:૫; નીતિવચનો ૪:૭.

દર વર્ષે, યહોવાહના સેવકોને પ્રકાશનો વાંચવા મળે છે. એ પ્રકાશનોને તૈયાર કરવામાં ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર’ માર્ગદર્શન આપે છે. આ રીતે આપણને પ્રકાશનો મળે છે. (માત્થી ૨૪:૪૫-૪૭) આ પ્રકાશનોમાં કુટુંબને મદદ કરે એવી બાબતો હોય છે. એમાં રિવાજો, ધર્મ, વિજ્ઞાન અને બીજા ઘણા વિષયો પણ હોય છે. સૌથી મહત્ત્વનું તો, એ યહોવાહના નિયમો શીખવે છે. પરંતુ, તમારા બાળકો જો વાંચી શકતા ન હોય તો, તેઓ આ સુંદર માહિતી કેવી રીતે સમજી શકશે?

ઇતિહાસનો અભ્યાસ કરવાથી આપણને ખ્યાલ આવે છે કે શા માટે યહોવાહના રાજ્યની જરૂર છે. બાઇબલ ઈસ્રાએલ, મિસર અને ગ્રીસ જેવી ઘણી જગ્યાઓ વિષે બતાવે છે. તેથી, ભૂગોળનું પણ થોડું ઘણું જ્ઞાન હોવું જરૂરી છે. પણ શું તમારું બાળક આવી જગ્યાઓને, દુનિયાના નકશામાંથી શોધી શકે છે? શું તે પોતાના દેશને પણ શોધી શકે છે? જો એ ન આવડતું હોય તો, પ્રચાર માટે આપેલો એરીયા તે કેવી રીતે શોધી શકશે?—૨ તીમોથી ૪:૫.

મંડળમાં જવાબદારીઓ

વડીલો અને સેવકાઈ ચાકરોને ઘણી જવાબદારીઓ હોય છે. મોટા ભાગે તેઓને વાંચવાનું હોય છે. દાખલા તરીકે, મીંટિગની તૈયારી કરવાની હોય છે. તેમ જ, લિટરેચર અને ડોનેશનની નોંધ રાખવાની હોય છે. તેથી, જો થોડું ઘણું પણ ભણેલા ન હોય તો, તેઓ આ બધા કામો કઈ રીતે કરી શકશે?

આજે આખી દુનિયામાં, ઘણા ભાઈબહેનો બેથેલમાં કામ કરી રહ્યા છે. અહીં જુદા જુદા પ્રકારનું કામ થાય છે. દાખલા તરીકે પ્રકાશનોનું ભાષાંતર કરવામાં આવે છે તેમ જ છાપકામ થતું હોય છે. આવા કામ માટે સારી રીતે વાંચતા લખતા આવડવું જોઈએ. તેથી, તેઓને પોતાની ભાષા લખતા અને વાંચતા આવડવી જોઈએ. જો તમારાં છોકરાઓને કદાચ બેથેલમાં જવાનું મન થાય તો, ભણતર ખૂબ જરૂરી છે. પરંતુ, એ સિવાય બીજાં પણ કારણો છે જેના લીધે તમારા બાળકે સ્કૂલમાં જવું જોઈએ. એ કયા કારણો છે?

ગરીબી અને વહેમ

ઘણી વખતે જે લોકો ગરીબીમાં રહેતા હોય છે તેઓની હાલત એવી હોય છે કે તેઓ ભણી શકતા નથી. પરંતુ અમુક કિસ્સામાં, જો થોડું ઘણું પણ ભણેલા હશે તો, તેઓ આવી ગરીબાઈનો સામનો કરી શકશે. ઘણા અભણ લોકો માટે જીવન અઘરું બની શકે છે. માનો કે કોઈ બીમાર છે. ભણેલા ન હોવાથી ઘણા લોકોને ભૂખેપેટે ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે છે. ઘણી વખત તેઓ પાસે પૂરતા પૈસા ન હોવાથી, તેઓ પાછળ દવા દારૂના પૈસા કોણ ખરચે? તેથી ઘણી વખતે બાળકો, અરે માબાપ પણ મોતના મોંમા જતા હોય છે. ઘણાને પૂરતું પોષણ પણ મળતુ નથી. તેથી જો થોડું ઘણું પણ ભણેલાં હશે તો, તેઓ આવી ગરીબાઈમાંથી બહાર આવી શકશે.

આજે ઘણા લોકો વહેમીલા હોય છે. પરંતુ, જો કોઈ ભણેલું હશે તો અંધશ્રદ્ધાથી દૂર રહેશે. આવા ખોટા વહેમમાં અભણ લોકો સહેલાઈથી છેતરાઈને, ફસાઈ જાય છે. એનું કારણ કે તેઓ વહેમોને ઉઘાડા પાડતી માહિતીને વાંચી શકતા નથી. તેથી, તેઓ સહેલાઇથી વહેમીલા બની જાય છે. તેમ જ પોતાની બીમારીનો ઈલાજ કરાવવા જાદુગર કે ભૂવાઓ પાસે જતા હોય છે. તેઓ માને છે કે, તેમના ચમત્કારથી સાજા થઈ જશે.—પુનર્નિયમ ૧૮:૧૦-૧૨; પ્રકટીકરણ ૨૧:૮.

ભણતર ફક્ત નોકરી મેળવવા માટે નથી

ભણતર ફક્ત પૈસા કમાવવા માટે જ નથી. આજે ઘણા ભણેલા લોકો પણ બેકાર હોય છે. તેઓ મામૂલી ચીજો પણ મેળવી શકતા નથી. તેથી, ઘણા માબાપ વિચારી શકે કે બાળકને સ્કૂલમાં મોકલવાથી શું ફાયદો? પરંતુ, યાદ રાખો કે ભણવાથી નોકરી મળે છે એટલું જ નહિ, પણ બાળકોને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા પણ મદદ મળે છે. (સભાશિક્ષક ૭:૧૨) જો તમે પોતાના દેશની ભાષાને લખી, વાંચી અને બોલી શકતા હોવ તો ડૉક્ટરો, સરકારી અધિકારીઓ અને બૅંકમાં કામ કરનારી વ્યક્તિઓ સાથે વાતચીત કરવી સહેલી પડશે. તેમ જ તમે મદદ માટે આમતેમ ફાંફા મારશો નહિ.

કેટલીક જગ્યાઓએ અભણ બાળકોને કડિયા કામ, માછીમાર, દરજી કે બીજા વ્યવસાયમાં “એપ્રેન્ટીસ” એટલે કે કામ શીખવા માટે મોકલાવાય છે. બાળકોને કોઈ પણ કામ કરતા શીખવો એ લાભદાયી છે. પરંતુ જો તેઓ ક્યારેય સ્કૂલમાં ન જાય તો, બરાબર વાંચતા લખતા શીખશે નહિ. જો પહેલા તેઓ ભણી લે અને પછી કોઈ કામ શીખે તો, તેઓને જીવનમાં ઘણો સંતોષ મળશે.

ઈસુ સુથાર હતા અને પોતાના પિતા યુસફ પાસેથી સુથારી કામ શીખ્યા હતા. (માત્થી ૧૩:૫૫; માર્ક ૬:૩) ઈસુ ૧૨ વર્ષના હતા ત્યારે, મંદિરના ભણેલા ગણેલા માણસો સાથે બાઇબલમાંથી ચર્ચા કરી રહ્યા હતા. એ બતાવે છે કે ઈસુ ભણેલા હતા. (લુક ૨:૪૬, ૪૭) પરંતુ, ઈસુએ સુથારી કામ શીખવા માટે ભણવાનું બંધ કરી દીધું નહિ.

શું છોકરીઓને ભણાવવી જોઈએ?

અમુક માબાપ પોતાના છોકરાઓને શાળામાં મોકલે છે પણ છોકરીઓને નહિ. શા માટે? તેઓ વિચારે છે કે છોકરીઓને ભણાવવા ઘણો ખર્ચ થાય છે. તેમ જ, છોકરીએ તો ઘરમાં રહીને મમ્મીને મદદ કરવી જોઈએ. પરંતુ છોકરીને ભણતર ન મળે, તો તે છોકરીનું જીવન દુઃખી થઈ શકે છે. યુનિસેફનું ગરીબી અને બાળકો પરનું એક મેગેઝીન કહે છે: “છોકરીઓના ભણતર વિષે ઘણા અભ્યાસો કરવામાં આવ્યા. એના પરથી ખબર પડી કે છોકરીઓને ભણાવવી, એ ગરીબીને દૂર કરવાની એક સૌથી સારી રીત છે.” ભણેલી છોકરીઓ જીવનની મુશ્કેલીઓ સારી રીતે હલ કરી શકે છે. આમ, એનાથી આખા કુટુંબને લાભ થાય છે.

પશ્ચિમ આફ્રિકામાં આવેલા બેનીન નામના દેશમાં, બાળકોના મરણ વિષે અભ્યાસ કરવામાં આવ્યો. એનાથી માલૂમ પડ્યું કે અભણ સ્ત્રીઓના ૧૬.૭ ટકા બાળકો મરણ પામ્યા હતા. આ બાળકો પાંચ વર્ષથી નીચેના હતા. પણ જે સ્ત્રીઓ થોડું ઘણું ભણેલી હતી, તેઓના ફક્ત ૩.૮ ટકા બાળકો મરણ પામ્યા હતા. યુનિસેફ છેલ્લે કહે છે: “દુનિયાની જેમ, બેનીનમાં પણ બાળકો મરી રહ્યા છે કારણ કે તેઓને પુરતું ભણતર મળતું નથી.” તેથી, તમારી છોકરીઓને ભણાવવાના ઘણા લાભો છે.

મંડળના ક્લાસ અને સ્કુલ

મંડળમાં જો કોઈ અભણ હોય તો, યહોવાહના સાક્ષીઓ તેઓને વાંચતા લખતા શીખવે છે. * આ ગોઠવણથી, ઘણાને પોતાની ભાષામાં વાંચવા લખવા મદદ મળી છે. પરંતુ, શું આ ક્લાસના લીધે તેઓ સ્કૂલમાં ન જાય તો ચાલે? શું આપણે એવી આશા રાખવી જોઈએ કે સ્કૂલમાં જઈ શકે એમ હોય છતાં, મંડળ તમારા બાળકને ભણતર આપશે?

યહોવાહના સાક્ષીઓએ, આવા ક્લાસની ગોઠવણ મોટી ઉંમરના લોકો માટે કરી છે. ખાસ કરીને જેઓ કદી સ્કૂલમાં ગયા ન હોય. કદાચ બની શકે કે તેઓના માબાપ ભણતરનું બહુ મહત્ત્વ સમજતા ન હતા અથવા એ સમયે સ્કૂલો ન હોય. આવી વ્યક્તિઓ મંડળમાંના ક્લાસમાં જઈ શકે. પરંતુ યાદ રાખો, એ સ્કૂલની જગા લેતા નથી. મંડળના ક્લાસમાં સ્કૂલના વિષયો જેમ કે વિજ્ઞાન, ગણિત અને ઇતિહાસ શીખવવામાં આવતા નથી. એ વિષયોને ફક્ત સ્કૂલમાં જ શીખવવામાં આવે છે.

આફ્રિકામાં, મંડળના ક્લાસ ભાગ્યે જ એ દેશની ભાષામાં રાખવામાં આવે છે. તેઓ મોટાભાગે માતૃભાષામાં જ રાખે છે. પણ સ્કૂલનું શિક્ષણ દેશની ભાષામાં હોય છે. એનાથી બાળકને ઘણો લાભ થાય છે કારણ કે દરેક વિષયના પુસ્તકો દેશમાં બોલાતી મુખ્ય ભાષામાં હોય છે. જોકે બાળકો સ્કૂલ ઉપરાંત, મંડળ જે ક્લાસ ચલાવે એમાં જઈ શકે છે. પરંતુ એ ક્લાસ, સ્કૂલની જગા લઈ શકતા નથી. તેથી બાળકોએ વાંચવા લખવાનું શિક્ષણ લેવા તો સ્કૂલે જ જવું જોઈએ.

માબાપની જવાબદારી

મંડળમાં જે ભાઈઓ જવાબદારી ઉપાડતા હોય, તેઓએ સારો નમૂનો બેસાડવો જોઈએ. તેઓએ પોતાના કુટુંબની અને બાળકોની “સારી રીતે” સંભાળ રાખવી જોઈએ. (૧ તીમોથી ૩:૪, ૧૨) “સારી રીતે” સંભાળ રાખવાથી આપણા બાળકોને, ભવિષ્યમાં આવતી મુશ્કેલીઓને હલ કરવા મદદ કરશે.

તેથી, યહોવાહે આ જવાબદારી માબાપને સોંપી છે. તેઓએ પોતાના બાળકોને બાઇબલ કહે છે એ પ્રમાણે મોટા કરવા જોઈએ. વળી, તેઓ ‘વિદ્યા ચાહે’ એવા બનાવવા મદદ કરવી જોઈએ. (નીતિવચનો ૧૨:૧; ૨૨:૬; એફેસી ૬:૪) પ્રેષિત પાઊલે લખ્યું: “પરંતુ જે માણસ પોતાના કોઈ સગાને અને વિશેષ કરીને પોતાના જ કોઈ કુટુંબીજનોને તેમની જરૂરિયાતના સમયે મદદ કરતો નથી તે પોતાને વિશ્વાસી કહેવડાવવાને લાયક નથી, અને તે અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.” (૧ તીમોથી ૫:૮, IBSI) તેથી, પોતાના બાળકોને ભણાવવા જ જોઈએ.

સ્કૂલમાં ઘણી વખતે બરાબર ભણાવવામાં આવતું નથી. એના અનેક કારણો હોય શકે, કદાચ વધારે પડતી સંખ્યા, પૂરતો ફંડ ન હોય અથવા સ્ટાફને ઓછો પગાર આપવામાં આવતો હોય શકે. તેથી, બાળકો સ્કૂલમાં શું ભણી રહ્યા છે, એની માબાપે કાળજી રાખવી જોઈએ. એ માટે માબાપે, દર વર્ષની શરૂઆતથી જ બાળકોના ટીચરો સાથે સારી ઓળખાણ રાખવી જોઈએ. તમારું બાળક કઈ રીતે સારું વિદ્યાર્થી બની શકે એની ટીચર પાસેથી સલાહ લો. આમ, ટીચરોને પણ લાગશે કે તેઓની કદર કરવામાં આવે છે. વળી, બાળકોને વધુ શીખવવાનું ઉત્તેજન પણ તેઓને મળશે.

બાળકના વિકાસ માટે ભણતર મહત્ત્વનું છે. નીતિવચનો ૧૦:૧૪ કહે છે, “જ્ઞાની પુરુષો વિદ્યાનો સંગ્રહ કરે છે.” ખાસ કરીને, યહોવાહના નાના મોટા સર્વ સેવકોએ બાઇબલનું જ્ઞાન લેવું જ જોઈએ. આમ તેઓ બીજાઓને પણ બાઇબલ શીખવવા મદદ કરી શકશે. તેમ જ તેઓ ‘શરમાવવાને કારણ ન હોય એવી રીતે કામ કરનાર સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર અને દેવને પસંદ પડે એવા સેવકો’ બની શકશે. (૨ તીમોથી ૨:૧૫; ૧ તીમોથી ૪:૧૫) તેથી, શું તમારા બાળકે સ્કૂલમાં જવું જોઈએ? તમે કહેશો કે, હા, તેઓએ જવું જોઈએ. તેમ છતાં, મોટા ભાગની બાબત તમે કયા દેશમાં રહો છો એના પર આધાર રાખે છે. પરંતુ, દરેક માબાપે આ મહત્ત્વના પ્રશ્નનો પર વિચાર કરવો જોઈએ, ‘શું મારા બાળકે સ્કૂલે જવું જોઈએ?’ ભલે આપણે ગમે ત્યાં રહેતા હોઈએ, શું તમને નથી લાગતું કે તેઓએ સ્કૂલે જવું જ જોઈએ?

[ફુટનોટ્‌સ]

^ તેઓની માતૃભાષા ગાલીલ નામના ગામની, એરામીક બોલી કે હેબ્રુની બોલીમાંથી ગમે તે એક હોય શકે. યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કરેલા ઇનસાઈટ ઓન ધ સ્ક્રિપ્ચર્સ ગ્રંથ ૧ના પાન ૧૪૪-૬ જુઓ.

^ ડિસેમ્બર ૨૨, ૨૦૦૦ના અંગ્રેજી સજાગ બનો!ના પાન ૮ અને ૯ પર જુઓ.

[પાન ૧૨, ૧૩ પર બોક્સ/ચિત્ર]

જો સ્કૂલે ન જઈ શકતા હોય તો

અમુક બાળકોના સંજોગો એવા હોય છે કે તેઓ સ્કૂલે જઈ જ શકતા નથી. દાખલા તરીકે રેફ્યુજી નામનું મેગેઝીન કહે છે, રેફ્યુજીની સ્કૂલોમાં ફક્ત વીસ ટકા બાળકો જ ભણવા જાય છે. અમુક વખતે, ટીચરો હળતાલ પર જતા રહે ત્યારે સ્કૂલો લાંબો સમય સુધી બંધ રહે છે. ઘણી વખતે અમુક એરીયામાં સ્કૂલો ઘણી દૂર હોય છે અથવા તો હોતી જ નથી. વળી, અમુક બાળકો યહોવાહના સાક્ષી હોવાને લીધે તેઓને હેરાન કરી સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે છે.

આવા સંજોગોમાં તમે તમારા બાળકોને કઈ રીતે મદદ કરી શકો? તમે જ્યાં રહો છો ત્યાં તમારા બધા જ બાળકોને સ્કૂલે મોકલવાનું ન પોસાય, તો તમે શું કરશો? શું તમારી પાસે એક કે બે બાળકોને શાળામાં મોકલવા જેટલા પૈસા છે? વળી, સ્કૂલમાં જવા માટે, શું તેઓને સભાઓ ચુકવી પડશે અથવા પ્રચાર કામ ચુકવું પડે છે? આ બાબતો ધ્યાનમાં રાખીને તમે બાળકોને સ્કૂલમાં મોકલી શકો. વળી, આ બાળક જે સ્કૂલમાં શીખી રહ્યું છે, એ તમારા બીજા બાળકોને પણ શીખવા મદદ કરી શકે છે.

કેટલાક દેશોમાં ઘરે જ અભ્યાસ કરવામાં આવે છે. * જેમ કે, મા કે બાપ દરરોજ બાળક સાથે થોડા થોડા કલાકો બેસીને તેઓને ભણાવી શકે. પહેલાના જમાનામાં, માબાપ પોતાના બાળકોને આ રીતે શીખવતા હતા. આમ, માબાપે જે શીખવ્યું એનાથી, યાકૂબનો દીકરો યુસફ નાની ઉંમરથી જ સારી દેખરેખ રાખી શકતો હતો.

રેફ્યુજી રહેતા હોય ત્યાં, અભ્યાસ માટે સ્કૂલના વિષયો શીખવા મળતા નથી. પરંતુ, માબાપ પોતાના બાળકોને ભણાવવા માટે, યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલા પુસ્તકોનો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે, નાના બાળકોને બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક, એમાંથી શીખવી શકે. તેમ જ, સજાગ બનો!માં પણ અલગ અલગ વિષયો આવે છે. અથવા લાઈફ—હાવ ડીડ ઇટ ગેટ હીયર? બાય ઇવૉલ્યૂશન ઓર બાય ક્રિએશન? પુસ્તકમાંથી વિજ્ઞાન વિષે શીખાડી શકાય. વળી, યરબુક ઓફ જેહોવાઝ વિટનેસીસમાં દુનિયાનો નાનો નકશો આપેલો હોય છે. ઘણા દેશોમાં લોકો કેવી રીતે જીવે છે અને દેશ-વિદેશમાં પ્રચાર કાર્ય કેવી રીતે થાય છે એ વિષે જણાવે છે.

બાળક કેટલું સમજી શકે છે, એ ધ્યાનમાં રાખીને તેઓને ભણાવશો તો તે ઘણું શીખશે. એટલું જ નહિ, પણ રોજ તેઓને થોડું થોડું વાંચતા લખતા શીખવો. એનાથી જો તેઓને સ્કૂલમાં જવાનો ચાન્સ મળે તો, તેઓ માટે ભણવાનું એકદમ સહેલું બની જશે. પરંતુ એ માટે તમારે મહેનત કરવી પડશે. એમ કરવાથી તમે બાળકોને સરસ રીતે ભણાવી ગણાવી શકશો. એ તેને જીવનના હર પળે મદદ કરશે.

[ફુટનોટ]

^ “ઘરે શિક્ષણ—શું એ તમારા માટે છે?” સજાગ બનો! એપ્રિલ ૮, ૧૯૯૩ના અંગ્રેજીમાં પાન ૯-૧૨ જુઓ.

[ચિત્ર]

તમારા એરીયામાં બાળકો સ્કૂલે જઈ ન શકતા હોય તો તમે શું કરી શકો?