આખી દુનિયામાં પરમેશ્વરનું શિક્ષણ ફેલાવવામાં મારો ફાળો
મારો અનુભવ
આખી દુનિયામાં પરમેશ્વરનું શિક્ષણ ફેલાવવામાં મારો ફાળો
રોબર્ટ નિઝ્બેટના કહ્યા પ્રમાણે
આ વાત ૧૯૩૬ની સાલની છે. હું અને મારો ભાઈ, સ્વાઝીલૅન્ડના રાજા, શોભુઝા બીજાના શાહી મહેલમાં ગયા હતા. રાજાએ પોતે અમારું સ્વાગત કર્યું હતું. ત્યારે રાજા સાથે થયેલી વાતચીત આજે પણ મને યાદ છે. રાજા સાથેની એ લાંબી મુલાકાત કઈ રીતે શક્ય બની? એ ખાસ કરીને અમારા બાઇબલ શિક્ષણ કાર્યને લીધે શક્ય બન્યું હતું. આજે હું ૯૫ વર્ષનો છું અને પાછલા વર્ષોમાં ડોકિયું કરું છું ત્યારે, મારા ચહેરા પર રોનક આવી જાય છે. ખરેખર, જગત ફરતેના એ શિક્ષણ કાર્યને લીધે મને પૃથ્વીના ચારે ખૂણામાં જવાનો મોકો મળ્યો હતો.
હું કઈ રીતે બાઇબલ સંદેશ ફેલાવવાના કાર્યમાં જોડાયો? એની શરૂઆત ૧૯૨૫માં થઈ હતી. એ સમયે અમે સ્કોટલેન્ડના એડિનબરા શહેરમાં રહેતા હતા. ત્યારે હું હજી યુવાનીમાં ડગ ભરતો હતો અને દવા વેચવાનું કામ શીખતો હતો. ભલે હું ઉંમરમાં નાનો હતો, ૧૯૧૪-૧૮માં થઈ ગયેલા વિશ્વયુદ્ધની અસરો વિષે હું ખૂબ વિચારતો હતો. ખાસ કરીને એનાથી કઈ રીતે ઘણાં કુટુંબો અને તેઓના ધાર્મિક વિશ્વાસ પર અસર થઈ હતી. એ સમયે ડોબ્સન નામના સેલ્સમેન અમારા ઘરે ચા વેચવા આવતા હતા. એક વાર તેમણે અમને ધ ડિવાઈન પ્લાન ઓફ ધી એજીસ નામનું પુસ્તક આપ્યું. એ પુસ્તકમાં આપણા સર્જનહાર અને તેમના ખાસ હેતુ વિષે જણાવ્યું હતું. એનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો, કેમ કે હું આવા જ પરમેશ્વરને ભજવા માગતો હતો.
પછી તરત જ હું અને મારી મમ્મી યહોવાહના સાક્ષીઓની સભાઓમાં જવા લાગ્યા. સપ્ટેમ્બર ૧૯૨૬માં અમે બંનેએ ગ્લાસ્ગોમાં ભરાયેલા એક સંમેલનમાં બાપ્તિસ્મા લીધું. એ વખતે બાપ્તિસ્મા લેનારા દરેકને છેક પગ સુધીનું શરીર ઢંકાય એટલું લાંબુ ગાઊન આપવામાં આવ્યું હતું. કેમ કે ભાઈઓ વિચારતા કે બાપ્તિસ્મા લેતી વખતે આવા કપડાં વધારે સારા લાગશે.
માર્ક ૧૩:૧૦ જે કહે છે: “પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ.”
એ દિવસોમાં બાઇબલ વિષેની અમારી સમજણ એટલી વધારે ન હતી. એટલે મંડળના મોટા ભાગના ભાઈબહેનો ક્રિસમસ કે નાતાલ ઊજવતા હતા. બહુ ઓછા ભાઈબહેનો પ્રચારમાં જતા હતા. અરે, કેટલાક વડીલો રવિવારે પ્રચાર કરવાની ના પાડતા હતા, કેમ કે તેઓને લાગતું હતું કે એમ કરવાથી સાબ્બાથના નિયમનો ભંગ થાય છે. જોકે, પછી ૧૯૨૫માં ચોકીબુરજના લેખોએ પ્રચારને લગતી ઘણી બાઇબલ કલમો પર વધારે સમજણ આપી. જેમ કેત્યારે સુવાર્તા ફેલાવવાનું કામ કેવી રીતે ચાલતું હતું? મારી જ વાત કરું તો, હું લોકોના ઘરે જઈને કહેતો કે, ‘હું સરસ ધાર્મિક પુસ્તકો વેચું છું.’ પછી હું ધ હાર્પ ઓફ ગોડ નામનું પુસ્તક બતાવતો. એમાં બાઇબલનાં દસ મુખ્ય શિક્ષણો હતાં, અને એને વીણાના દસ તાર સાથે સરખાવવામાં આવ્યું હતું. પછી અમને પ્રચાર કામમાં ટેસ્ટીમની કાર્ડ આપવામાં આવ્યા. એમાં ટૂંકો સંદેશો લખેલો હતો જેને અમે ઘરે ઘરે જઈને લોકો પાસે વંચાવતા હતા. અમે નાનું ગ્રામોફોન પણ લઈ જતા હતા. એના પર અમે ચાર-પાંચ મિનિટના વાર્તાલાપની રેકોર્ડ લોકો આગળ વગાડીને સંભળાવતા હતા. શરૂઆતમાં નીકળેલા એ ગ્રામોફોન વજનદાર હતા, અને એને લઈને ફરવું સહેલું ન હતું. પછી જે ગ્રામોફોન નીકળ્યા એ વજનમાં હલકા હતા અને અમે એને પુસ્તકની જેમ ઊભા રાખીને પણ વગાડી શકતા હતા.
અમે ૧૯૨૫થી છેક ૧૯૪૦ સુધી અમારાથી બની શકે એવી રીતે પ્રચાર કરતા હતા. પછી ૧૯૪૩માં બધાં જ મંડળોમાં દેવશાહી સેવા શાળા શરૂ કરવામાં આવી. ત્યાં અમને શીખવવામાં આવ્યું કે અમે કઈ રીતે ઘરે ઘરે જઈને લોકો સાથે સંદેશા વિષે વાત કરી શકીએ. અમે એ પણ શીખ્યા કે, જેઓ સંદેશામાં રસ બતાવે છે, તેઓને કઈ રીતે બાઇબલ વિષે વધુ શીખવી શકાય. મને લાગે છે કે એ સમયથી જ આખી દુનિયામાં બાઇબલ શિક્ષણ ફેલાવવાનું કામ શરૂ થયું હતું.
રધરફોર્ડભાઈએ મને ઉત્તેજન આપ્યું
મારી ઇચ્છા હતી કે હું સત્ય ફેલાવવાના કામમાં વધારે ભાગ લઉં. એના લીધે ૧૯૩૧માં મેં નક્કી કર્યું કે લંડનમાં સંમેલન પછી હું તરત જ પાયોનિયરીંગ કરીશ. પરંતુ, એ સંમેલનમાં મારા બધા પ્લાન બદલાઈ ગયા. સંમેલનમાં એક દિવસે બપોરે હું જમતો હતો ત્યારે, રધરફોર્ડભાઈ મને મળવા આવ્યા. તે ત્યારે પ્રચાર કામ પર દેખરેખ રાખતા હતા. તેમણે મને જણાવ્યું કે તે આફ્રિકામાં પાયોનિયર મોકલવા ઇચ્છે છે. પછી તરત મને પૂછ્યું: “શું તને ત્યાં જવાનું ગમશે?” હું એકદમ જ ચોંકી ગયો. પણ પછી હિંમતથી મેં જવાબ આપ્યો: “હા, હું જઈશ.”
આમ, મારા નવા કામની શરૂઆત થઈ. એ સમયે મારે ખાસ જવાબદારી સંભાળવાની હતી. એટલે ભાઈઓએ મને કહ્યું કે હું લગ્ન ન કરું તો સારું. મારું કામ, બની શકે એટલા ગામોમાં બાઇબલ પ્રકાશનો વહેંચીને આગળ મુસાફરી કરતા રહેવાનું હતું. મેં કેપ ટાઉનથી કામની શરૂઆત કરી કે જે દક્ષિણ આફ્રિકાની છેક છેડે આવે છે. પછી હું આફ્રિકાની પૂર્વે ગયો. મેં હિંદ મહાસાગરમાં આવેલા ટાપુઓ સુધી મુસાફરી કરી હતી. પછી હું આફ્રિકાની પશ્ચિમે જવા નીકળ્યો. ત્યારે મારે વિશાળ કાલાહારી રણ પાર કરીને વિક્ટોરિયા સરોવર સુધી મુસાફરી કરવી પડી. આ વિશાળ વિસ્તારના એક કે વધારે આફ્રિકન દેશોમાં હું અને બીજા એક ભાઈ દર વર્ષે છ મહિના વિતાવતા હતા.
બસો બોક્સમાં ભરેલો બાઇબલ પુસ્તકોનો ખજાનો
હું કેપ ટાઉનમાં પહોંચ્યો ત્યારે, મને પૂર્વ આફ્રિકા માટે બાઇબલ પ્રકાશનોના ૨૦૦ બોક્સ બતાવવામાં આવ્યાં. એ પ્રકાશનો ચાર યુરોપિયન અને ચાર એશિયન ભાષાઓમાં છાપવામાં આવ્યાં હતાં. પરંતુ એમાં આફ્રિકન ભાષામાં કંઈ પણ ન હતું. પછી મેં તપાસ કરી કે મારા પહોંચ્યા પહેલાં આ સાહિત્ય ત્યાં શા માટે આવી ગયું. મને કહેવામાં આવ્યું કે એ સાહિત્ય તો ફ્રેંક અને ગ્રે સ્મિથ નામના બે ભાઈઓ માટે હતું. તેઓ પાયોનિયર હતા અને હાલમાં જ કેન્યામાં પ્રચાર માટે ગયા હતા. પરંતુ તેઓ કેન્યા પહોંચ્યા અને તરત જ મૅલેરિયામાં પટકાયા. દુઃખની વાત તો એ હતી કે મૅલેરિયાએ ફ્રેંકનો જીવ લઈ લીધો હતો.
એ સાંભળીને હું થોડો ગભરાઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે હું શું કરું. પણ હું પાછો પડ્યો નહિ. હું અને મારા પાયોનિયર સાથી ડેવિડ નોર્મન, કેપ ટાઉન છોડીને અમારી પહેલી સોંપણીએ જવા જહાજમાં નીકળી પડ્યા. અમારે કંઈક ૫,૦૦૦ કિલોમીટર દૂર તાન્ઝાનિયા જવાનું હતું. મોમ્બાસામાં એક ટ્રાવેલ એજન્ટ અમારા સાહિત્યની ખૂબ સારી સંભાળ રાખતો હતો અને અમે જ્યાં પણ કહીએ ત્યાં એના બોક્સ મોકલી આપતો હતો. બધાં શહેરોમાં અમે શરૂઆતથી જ દુકાનો અને ઓફિસોમાં પ્રચાર કરતા હતા. અમે લોકોને ૯ પુસ્તકો અને ૧૧ પુસ્તિકાઓનો એક સેટ
આપતા. એ બધાં પુસ્તકો જુદા જુદા રંગના હોવાથી, એ મેઘધનુષ્ય (રેઈનબો) સેટથી ઓળખાવા લાગ્યા.પછી અમે ત્યાંથી ૩૦ કિલોમીટર દૂર પૂર્વમાં આવેલા ઝાંઝીબાર ટાપુ પર જવાનું નક્કી કર્યું. સદીઓથી ઝાંઝીબાર ગુલામોના વેપાર માટે જાણીતું હતું. એ લવિંગ માટે પણ ખૂબ જાણીતું હતું. અમે ત્યાં ગયા ત્યારે, બધે જ લવિંગની સુગંધ આવતી હતી. એ શહેર કોઈ યોજના વગર આમ જ બાંધી દેવામાં આવ્યું હતું. લોકોએ મન ફાવે તેમ ઘરો બાંધી દીધાં હતાં. તેથી, અમારા માટે રસ્તો યાદ રાખવો ખૂબ મુશ્કેલ હતું. અમે એક ગલીમાં જઈએ તો, અંદર જ ખોવાઈ જતા અને બહાર નીકળતા અમારો દમ નીકળી જતો. અમે જે હોટલમાં રહેતા હતા ત્યાં સારી સગવડ હતી. પણ એના દરવાજા અને દીવાલો ખૂબ જ જાડી હતી. એ હોટલ કરતાં જેલ જેવી વધારે લાગતી હતી. તોપણ અમને ત્યાં પ્રચાર કરવાની ખૂબ મજા આવી. ત્યાં આરબો, ભારતીયો અને બીજા દેશના લોકો ખુશીથી અમારું સાંભળતા અને આપણાં સાહિત્યો લેતા.
ટ્રેન, સ્ટીમર અને કારમાં
એ દિવસોમાં પૂર્વ આફ્રિકામાં મુસાફરી કરવી સહેલું ન હતું. દાખલા તરીકે, અમે મોમ્બાસાથી કેન્યાના પહાડી પ્રદેશમાં ટ્રેનમાં મુસાફરી કરતા. પરંતુ, તીડના મોટા ટોળાને લીધે ટ્રેનને ઘણી વાર વચ્ચે ઊભી રાખવી પડતી હતી. કરોડો તીડનું ઝૂંડ આસપાસના વિસ્તારને અને રેલવે પાટાને ઢાંકી દેતું હતું. તેઓ જમીન અને રેલવેના પાટાને એટલા તો બગાડી મૂકતા કે ટ્રેનના પૈડા પાટા પર લપસી જતા. ટ્રેન આગળ ચાલે એનો એક જ ઇલાજ હતો. એન્જિનના ઊકળતા પાણીથી રેલવેના પાટાને ધોવા પડતા હતા. આ રીતે તીડોના ઝૂંડ વચ્ચેથી ધીમે ધીમે અમારી ટ્રેન આગળ ચાલતી. પછી અમે ઊંચાઈએ પહાડી વિસ્તારમાં આવીને ઠંડા પવનની લહેર માણી ત્યારે, ખરેખર રાહતનો શ્વાસ લીધો!
અમે દરિયાકાંઠે આવેલાં શહેરોમાં ટ્રેન કે સ્ટિમરથી સહેલાઈથી જઈ શકતા હતા. પરંતુ દૂરનાં ગામડાઓમાં જવા માટે અમારે કારની મુસાફરી કરવી પડી. મારો નાનો ભાઈ જ્યોર્જ પણ મારી સાથે જોડાયો ત્યારે, મારી ખુશીનો પાર ન રહ્યો. પછી અમે સાથે મળીને બસ જેટલી મોટી એક ગાડી ખરીદી. એ અંદરથી એટલી મોટી હતી કે એમાં અમારા સૂવા માટેના બેડ, રસોડું અને સ્ટોર રૂમ પણ આવી ગયા. મચ્છરો અંદર ન આવે એ માટે અમે બારી પર જાળી પણ લગાવી દીધી. અમે ગાડી ઉપર લાઉડસ્પીકર પણ લગાવી દીધા. આમ, હરતું ફરતું ઘર બનાવી દઈને અમે દિવસે ઘરે ઘરે લોકોને પ્રચાર કરતા. વળી, સાંજે તેઓને બજારમાં લાઉડસ્પીકર પરથી અપાતું ભાષણ સાંભળવા આમંત્રણ આપતા. એ દિવસોમાં અમે એક જાણીતા ભાષણની રેકોર્ડ વગાડતા, જેનો વિષય હતો, “નરકની પીડા—શું ખરેખર છે?” અમે એક વાર અમારા હરતા ફરતા ઘરમાં દક્ષિણ આફ્રિકાથી કેન્યા સુધી, ૩૦૦૦ કિલોમીટરની મુસાફરી કરી. આ વખતે અમારી પાસે અમુક આફ્રિકન ભાષાઓમાં જુદી જુદી પુસ્તિકાઓ પણ હતી. એ જોઈને ગામના લોકો ખુશીથી અમારી પાસેથી એ લઈ લેતા હતા.
એ લાંબી મુસાફરીમાં અમે આફ્રિકન જંગલનાં અનેક પ્રાણીઓને પણ જોયાં. એ એક ઉત્તેજિત અને આનંદી અનુભવ હતો. જોકે, અંધારું પડતા જ અમે અમારી ગાડીમાં ભરાઈ જતા. જંગલી પ્રાણીઓનો શું ભરોસો! પણ હું એ જરૂર કહીશ કે અનેક પ્રાણીઓને જંગલમાં રહેતા જોઈને સર્જનહાર યહોવાહમાં મારો વિશ્વાસ ખૂબ દૃઢ બન્યો.
વિરોધની શરૂઆત
જોકે, અમારે જંગલી પ્રાણીઓ કરતાં પણ વધારે વિરોધીઓથી સાવધ રહેવું પડ્યું. અમારે અનેક સરકારી અધિકારીઓ અને ગુસ્સાથી રાતાપીળા થયેલા ધર્મગુરુઓનો વિરોધ સહેવો પડ્યો. તેઓ ખુલ્લેઆમ આપણા પ્રચાર કામનો વિરોધ કરવા લાગ્યા. ત્યાં એક ધર્મ ઝનૂની માણસ પણ હતો જે અમારા માટે મોટી મુશ્કેલી ઊભી કરતો હતો. તે પોતાને મ્વાના લેસા નામથી ઓળખાવતો હતો જેનો અર્થ, “પરમેશ્વરનો દીકરો” થતો હતો. અરે, તેની ટોળકી કીટાવાલા નામથી ઓળખાતી હતી જેનો અર્થ, “વોચટાવર” થતો હતો. અમે ત્યાં પહોંચ્યા એ પહેલાં તેણે, બાપ્તિસ્મા અપાવવાને નામે અનેક આફ્રિકનોને પાણીમાં ડુબાડી દીધા હતા. છેવટે તેને પકડી લેવામાં આવ્યો અને ફાંસીની સજા મળી. પછી એક દિવસ જે માણસે તેને ફાંસી આપી હતી તેની સાથે વાત કરવાનો મને મોકો મળ્યો. મેં તેને સારી રીતે સમજાવ્યું કે મ્વાના લેસાને અમારી વોચટાવર સોસાયટી સાથે કોઈ લેવાદેવા નથી.
ઘણા યુરોપિયનોને પણ અમારી સામે વાંધો હતો. ખાસ કરીને તેઓના વેપાર પર અસર પડતી હોવાથી, તેઓ અમારા શિક્ષણ કામથી જરાય ખુશ ન હતા. એક મોટી વખારનો ગોરો મેનેજર ફરિયાદ કરતો હતો કે: “આફ્રિકાના લોકોને એવી ક્યારેય ખબર ન પડવી જોઈએ કે આપણે તેઓ પાસે મજૂરી કરાવીને પૈસા બનાવીએ છીએ. જો તેઓને ખબર પડશે, તો આપણે આ દેશમાંથી નીકળી જવું પડશે!” સોનાની ખાણના એક ઉપરીએ આ જ કારણથી મને તેની ઓફિસમાંથી ફટાફટ બહાર કાઢી મૂક્યો. પછી તે ગુસ્સાથી મને છેક રસ્તા સુધી મૂકી ગયો.
આમ, ધર્મગુરુઓ અને વેપારીઓનો વિરોધ વધતો ગયો. છેવટે રોડેશિયાની (હવે ઝિંબાબ્વે) સરકારે અમને દેશ છોડી જવાનો હુકમ આપ્યો. પરંતુ, અમે સરકારના હુકમ સામે અપીલ કરી અને અમને એ દેશમાં એ શરતે રહેવાની મંજૂરી આપવામાં આવી કે જો અમારે એ દેશમાં રહેવું હોય તો, આફ્રિકનોને પ્રચાર ન કરવો. એક સરકારી અધિકારીએ એનું કારણ આપતા મને જણાવ્યું કે આપણું સાહિત્ય “આફ્રિકાના લોકો માટે નથી, તેઓને કંઈ શીખવવાની જરૂર નથી.” તોપણ, આફ્રિકાના બીજા દેશોમાં અમે ખુલ્લેઆમ બાઇબલ શિક્ષણ ફેલાવી શકતા હતા. અરે અમુક દેશોમાં તો અમને સારો આવકાર પણ મળ્યો. એમાંનો એક દેશ સ્વાઝીલેન્ડ હતો.
સ્વાઝીલેન્ડમાં અમારું શાહી સ્વાગત
સ્વાઝીલેન્ડ એક નાનો સ્વતંત્ર દેશ છે. એ દક્ષિણ આફ્રિકાની અંદર ૧૭,૩૬૪ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. મારા અનુભવની શરૂઆતમાં બતાવ્યું તેમ, આ દેશમાં અમે ખૂબ સોહામણા રાજા શોભુઝા બીજાને મળ્યા. તેમણે બ્રિટિશ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોવાથી, ખૂબ સારું અંગ્રેજી જાણતા હતા. તેમણે ભપકાદાર ડ્રેસને બદલે સાદા કપડાંમાં અમારું સ્વાગત કર્યું.
અમે રાજા સાથે પૃથ્વી પર આવનાર સુંદર દુનિયા વિષે વાત કરી, કે જે પરમેશ્વર ખાસ પસંદ કરાયેલાઓ માટે લાવવાના છે. જોકે, રાજાને એમાં બહુ રસ ન હતો. તોપણ, તેમણે અમને કહ્યું કે એને લગતી જ એક વાત તેમના મનમાં હતી. રાજા ત્યાંના ગરીબ અને અભણ લોકોનું જીવનધોરણ સુધારવા માગતા હતા. તેમને ખ્રિસ્તી દેશોના મિશનરીઓ બિલકુલ પસંદ ન હતા. કેમ કે તેઓને લોકોને શીખવવાને બદલે ચર્ચના સભ્યો બનાવવામાં વધારે રસ હતો. રાજાને આપણા કેટલાક પાયોનિયરોના કામ વિષે ખબર હતી. તેથી, તેમણે આપણા બાઇબલ શિક્ષણ ફેલાવવાના કામના વખાણ કર્યા. વધુમાં, આપણે કોઈ પણ પગાર
કે શરત વગર રાજીખુશીથી લોકોને શીખવતા હોવાથી, તે વધારે પ્રભાવિત થયા હતા.પ્રચાર કામ પૂરજોશમાં ખીલી ઊઠ્યું
મિશનરીઓને તાલીમ આપવા માટે ૧૯૪૩માં ગિલયડ સ્કૂલની શરૂઆત કરવામાં આવી. એમાં ખાસ કરીને ફક્ત બાઇબલ સાહિત્ય વહેંચવાને બદલે, જેઓ સત્યમાં રસ બતાવે છે તેઓને વધારે શીખવવા પર ભાર મૂકવામાં આવ્યો. વર્ષ ૧૯૫૦માં મને અને જ્યોર્જને ગિલયડના ૧૬મા ક્લાસમાં તાલીમ માટે બોલાવવામાં આવ્યા. ત્યાં હું જીન હાયડને પહેલી વાર મળ્યો. તે ઓસ્ટ્રેલિયાની હતી. અમે સ્નાતક થયા પછી, તેને જાપાનમાં મિશનરી તરીકે મોકલવામાં આવી. એ વખતે પણ હું લગ્ન ન કરવા વિષે એટલો જ મક્કમ હતો. તેથી, જીન મારી સારી દોસ્ત જ રહી.
ગિલયડમાંથી સ્નાતક થઈને મને અને જ્યોર્જને હિંદ મહાસાગરમાં આવેલા મોરીશિયસ ટાપુ પર મિશનરી તરીકે મોકલવામાં આવ્યા. અમે ત્યાંના લોકો સાથે દોસ્તી બાંધી, તેઓની ભાષા શીખ્યા અને તેઓને બાઇબલ વિષે શીખવ્યું. પછી મારો નાનો ભાઈ વિલિયમ અને તેની પત્ની મારિયલ પણ ગિલયડ સ્કૂલમાંથી સ્નાતક થયા. પછી તેઓને કેન્યા મોકલવામાં આવ્યા, કે જે પહેલાં અમારો પ્રચાર વિસ્તાર હતો.
આઠ વર્ષ સુધી મેં મોરીશિયસ ટાપુ પર કામ કર્યું. એ વર્ષો ક્યાં વીતી ગયાં એની ખબર પણ ન પડી. પછી ૧૯૫૮માં હું ન્યૂયોર્કમાં મહાસંમેલનમાં ગયો. ત્યાં હું જીન હાયડને ફરી વાર મળ્યો. અમે પાછા એક સારા દોસ્ત બની ગયા અને આ વખતે અમે એકબીજાના પ્રેમમાં પડ્યા. પછી મને જાપાન મોકલવામાં આવ્યો અને ત્યાં મેં જીન સાથે ૧૯૫૯માં લગ્ન કર્યા. અમે બહુ ખુશ હતા કે અમે હિરોશીમામાં મિશનરી તરીકે કામ કરી શક્યા. એ સમયે ત્યાં ફક્ત એક નાનું મંડળ હતું. આજે એ શહેરમાં ૩૬ મંડળો છે!
સાયોનારા જાપાન
વર્ષો વીતતા ગયા તેમ, અમારી બંનેની તબિયત લથડતી ગઈ. અમને મિશનરી કામમાં ઘણી મુશ્કેલી પડવા લાગી હતી. તેથી, અમે જાપાન છોડીને જીનના ઘરે, ઓસ્ટ્રેલિયા રહેવા ગયા. હિરોશીમા છોડતી વખતે અમને ખૂબ દુઃખ થયું હતું. રેલવે સ્ટેશન પર અમને ઘણા વહાલા મિત્રો મળવા આવ્યા હતા. છેવટે અમે છલકાતી આંખે તેઓને સાયોનારા કહીને વિદાય લીધી.
હવે અમે ઓસ્ટ્રેલિયામાં સારી રીતે ઠરીઠામ થઈ ગયા છીએ. અમે અહીં ન્યૂ સાઉથ વેલ્સમાં આર્મિદાલ મંડળમાં યહોવાહની સેવામાં અમારાથી બનતું બધું જ કરીએ છીએ. ખરેખર, લગભગ છેલ્લા ૮૦ વર્ષોથી અનેક લોકોને બાઇબલનું સત્ય જણાવ્યું એનાથી મને અનેરો આનંદ મળ્યો છે! મેં પોતે જોયું છે કે નાના પાયાથી કઈ રીતે આ બાઇબલનું શિક્ષણ આખી દુનિયામાં ફેલાયું છે. યહોવાહની સંગતમાં મેં ઘણા ફેરફારો અને વધારો પણ જોયો છે. ખરેખર, કોઈ પણ માણસ કે તેઓનો સમૂહ આ સફળતાનો યશ લઈ શકે નહિ. સાચે જ, “આ કાર્ય યહોવાહથી થયું છે; આપણી દૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.”—ગીતશાસ્ત્ર ૧૧૮:૨૩.
[પાન ૨૮ પર ચિત્ર]
અમારા હરતા-ફરતા ઘર સાથે મારો ભાઈ જ્યોર્જ
[પાન ૨૮ પર ચિત્ર]
હું વિક્ટોરિયા સરોવર પાસે
[પાન ૨૯ પર ચિત્ર]
૧૯૩૮માં સ્વાઝીલેન્ડમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જાહેર ભાષણ સાંભળવા આવ્યા હતા
[પાન ૩૦ પર ચિત્ર]
૧૯૫૯માં જીન સાથે અમારા લગ્નના દિવસે, અને આજે