સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના સાક્ષીઓ તેઓના ભાઈઓને પરદેશમાં મદદ આપે છે

યહોવાહના સાક્ષીઓ તેઓના ભાઈઓને પરદેશમાં મદદ આપે છે

યહોવાહના સાક્ષીઓ તેઓના ભાઈઓને પરદેશમાં મદદ આપે છે

શું આજે કોઈ બીજાઓ માટે મફત કામ કરશે? ભાગ્યે જ! તેમ છતાં, આજે એવા ઘણા લોકો છે જેઓ પગાર વગર પરદેશમાં જઈને સેવાનું કામ કરે છે! તેઓ યહોવાહના સાક્ષીઓ છે. તેઓમાંના ઘણા પરદેશમાં જઈને ઇમારતો વગેરેનું બાંધકામ કરે છે, કે જેનો ઉપયોગ પછીથી ઈશ્વરના રાજ્ય વિષેનો બાઇબલનો સંદેશો છાપીને વિતરણ કરવામાં આવે છે. તેમ જ તેઓ ઍસેમ્બ્લી હૉલ અને કિંગ્ડમ હૉલ બાંધવામાં પણ મદદ કરે છે. જેથી ઈશ્વરના રાજ્ય વિષે રસ ધરાવતા લોકો ત્યાં જઈને વધારે શીખી શકે. આ રીતે તેઓ આજે ૩૪ દેશોમાં થઈ રહેલા ‘બાંધકામમાં’ મદદ આપી રહ્યા છે, જેઓમાં મોટા ભાગના ગરીબ દેશો છે. આ રીતે તેઓ બીજા દેશમાં જઈને ખ્રિસ્તી યહોવાહના સાક્ષીઓને મદદ આપે છે. એમાંથી તેઓને કેવો આનંદ મળે છે અને તેઓ કેવી મુશ્કેલીઓ અનુભવે છે? તેઓ જે “સેવા” આપે છે એ વિષે તેઓને કેવું લાગે છે? (પ્રકટીકરણ ૭:૯, ૧૫) એ જાણવા માટે ચાલો આપણે મૅક્સિકોમાં કામ કરતા ભાઈ-બહેનોના અનુભવો તપાસીએ.

મે, ૧૯૯૨માં, પરદેશથી ખ્રિસ્તી ભાઈ-બહેનો પહેલી વાર મૅક્સિકોમાં આ રીતે મદદ આપવા આવ્યા હતા. તેઓએ થોડા દિવસો પછી, મૅક્સિકોના યહોવાહના સાક્ષીઓના બેથેલમાં બીજી વધારાની ઑફિસો અને રહેઠાણો બાંધવાની બધી જ જવાબદારી ઉપાડી લીધી. એ પ્રૉજેક્ટમાં તેઓએ કેવી ઇમારતો બાંધવાની હતી? તેઓએ ૧૪ બિલ્ડિંગો બાંધવાની હતી. જેથી એ બેથેલમાં સ્વેચ્છાએ સેવા આપતા ભાઈ-બહેનો ત્યાં રહી શકે. એ બિલ્ડિંગોમાં પ્રચાર કામની દેખરેખ રાખતા ડિપાર્ટમેન્ટ માટે ઑફિસો અને છાપકામ માટે ફેક્ટરી પણ ઊભી કરવાની હતી.

એ પ્રૉજેક્ટ પૂરો કરવા કૅનેડા, મૅક્સિકો, બ્રિટન, યુનાઈટેડ સ્ટેટ્‌સ અને બીજા દેશોમાંથી કુલ ૭૩૦થી વધારે ભાઈ-બહેનો આવ્યા હતા. એ સમયે મૅક્સિકોમાં આવેલા યહોવાહના સાક્ષીઓના બેથેલની આજુબાજુ લગભગ ૧,૬૦૦ મંડળો હતા. એમાંથી ૨૮,૦૦૦થી પણ વધારે સાક્ષીઓ સપ્તાહ અંતે મદદ કરવા આવતા હતા. તેઓમાંના બધા જ પગાર વગર રાજીખુશીથી પોતાની આવડતનો આ રીતે ઉપયોગ કરી રહ્યા હતા. પોતાને એમાં ભાગ લેવા મળ્યો એને તેઓ યહોવાહ પરમેશ્વર તરફથી એક આશીર્વાદ માને છે. એ આખા પ્રૉજેક્ટમાં તેઓને ગીતશાસ્ત્ર ૧૨૭:૧ના શબ્દો યાદ આવતા હતા. જે કહે છે: “જો યહોવાહ ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે.”

તેઓને કેવી તકલીફો પડી?

એ ભાઈ-બહેનો બીજા દેશમાં બાંધકામ કરવા જાય છે ત્યારે તેઓને કેવી મુશ્કેલીઓ પડે છે? ચાલો આપણે અમુક અનુભવો જોઈએ. દાખલા તરીકે, કર્ટીશ અને સેલી પતિ-પત્ની છે અને તેઓ અમેરિકન છે. તેઓએ અનેક દેશોમાં બાંધકામમાં ભાગ લીધો છે. જેમ કે જર્મની, પરાગ્વે, ભારત, મૅક્સિકો, રશિયા, રોમાનિયા અને સેનેગલ. કર્ટીશ કહે છે: “અમારી દીકરી પાયોનિયરીંગ [ફૂલ ટાઇમ પ્રચારક] કરતી હતી. તેથી તેને અને ઘર છોડીને જવાનું અમારું દિલ ચાહતું ન હતું. તેમ જ હું અને મારી પત્ની, મિનેસોટા મંડળ સાથે ૨૪ વર્ષથી જોડાયેલા હતા. એ અમારા કુટુંબ જેવું હતું. તેથી એ મંડળ છોડવાનો અમારો જીવ ચાલતો ન હતો.”

સેલી કહે છે: “પુરુષને અજાણી જગ્યાએ રહેવાનું થાય તો કદાચ તેને બહુ તકલીફ ન પડે. પણ સ્ત્રી માટે એ કંઈ રમત વાત નથી. તેમ છતાં, હું શીખી કે અજાણી જગ્યામાં રહેવું એ અશક્ય તો નથી. જોકે, મને જીવડાંઓ તો જરાય ગમતા નથી. તેમ છતાં, હું તેઓ સાથે રહેતા શીખી! એક દેશમાં અમે જ્યાં બાંધકામ કરવા ગયા હતા ત્યાં નાના ઘરમાં અમે દસ ભાઈ-બહેનો રહેતા હતા. એમાં બધા જ વચ્ચે એક રસોડું અને બે બાથરૂમ હતા! એવા સંજોગમાં હું બધાની સાથે હળીમળીને રહેતા શીખી.”

તેમ જ નવા દેશમાં નવી ભાષા શીખવી એ ખૂબ જ અઘરું છે. શેરોને પણ તેના પતિ સાથે અનેક દેશોમાં સેવા આપી છે. તે કહે છે: “તમે જે દેશમાં જવાના હોવ તેઓની ભાષા ન આવડતી હોવાથી ઘણી તકલીફો પડે છે. ભાષાને કારણે ભાઈ-બહેનો સાથે શરૂઆતમાં વાતચીત કરી ન શકતા હોવાથી અમને ઘણું દુઃખ થાય છે. ઘણી વાર અમે ખૂબ હતાશ થઈ જઈએ છીએ. તેમ છતાં, અમે જ્યાં જ્યાં સેવા આપવા ગયા છીએ ત્યાંના ભાઈ-બહેનો ઘણા જ પ્રેમાળ અને સમજદાર હતા. તેઓએ અમારી સાથે ધીરજથી વર્તાવ કર્યો હતો. તેમ જ તેઓએ અમારી સારી દેખરેખ પણ રાખી હતી. તેથી થોડા જ સમયમાં તેઓ સાથે અમે ભાંગેલી-તૂટેલી ભાષામાં વાત કરી શકતા હતા.”

પરદેશી ભાષામાં પ્રચાર કાર્ય

જેઓ ‘પરદેશમાં જઈને બાંધકામમાં’ ભાગ લે છે, એ ઈશ્વરની સેવા કરવાનો એક લહાવો છે. પરંતુ, ઈશ્વર ભક્તો જાણે છે કે લોકોને યહોવાહના રાજ્ય વિષે બાઇબલમાંથી શીખવવું એ જ તેઓ માટે સૌથી મહત્ત્વની સેવા છે. પછી ભલેને તેઓ પરદેશમાં ગમે ત્યાં સેવા આપતા હોય, તોપણ તેઓ નજીકના ખ્રિસ્તી મંડળ સાથે પ્રચાર કાર્યમાં ભાગ લે છે. હવે ચાલો આપણે બીજો અનુભવ લઈએ. એ છે ઑકા અને ઇગ્મરીનો. તેઓએ પણ ગ્વાડેલોપ, નાઇજીરિયા, મલાવી અને મૅક્સિકોમાં પોતાની મરજીથી બાંધકામમાં ભાગ લીધો હતો. તેઓ કબૂલે છે કે બીજી ભાષામાં લોકોને પ્રચાર કરવો કંઈ સહેલું ન હતું. એમ કરવું એ ખૂબ જ મહેનત માગી લે છે.

ઇગ્મરી કહે છે: “અમે અલગ અલગ દેશમાં બાંધકામ કરવા જતા તોપણ પ્રચાર કાર્યમાં ભાગ તો લેતા જ. પરંતુ અમને તેઓની ભાષા ન આવડતી હોવાથી, અમે પ્રથમ એ દેશના ભાઈ-બહેનો સાથે જ પ્રચારમાં જતા, પણ કંઈ બોલતા નહિ. તેમ જ તેઓની ભાષા ન આવડતી હોવાથી, અમે બીજી ભાષામાં બોલતા પણ અચકાતા હતા. તેથી અમે તેઓને જ બોલવા દેતા. તેમ છતાં, એક સવારે અમે મનમાં ગાંઠ વાળી કે આજે એકલા પ્રચારમાં જઈશું. અમે લોકોને શું કહીશું એની તૈયારી પણ કરી હતી. પરંતુ અમે પ્રચારમાં ગયા ત્યારે, અમારા હૃદયના ધબકારા પણ વધી ગયા હતા. અમે રસ્તામાં એક યુવાન સ્ત્રીને મળ્યા જેણે અમારો સંદેશો સાંભળ્યો. પછી મેં તેની ભાષામાં બાઇબલની એક કલમ વાંચી આપી અને અમુક મૅગેઝિનો પણ આપ્યા. પછી સ્ત્રીએ કહ્યું: ‘તમે મને કહેશો કે મારે તમારી પાસેથી બાઇબલમાંથી શીખવું હોય તો શું કરવું જોઈએ? મારી એક બહેન પણ યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલ વિષે શીખી રહી છે.’ એ સાંભળીને હું તો મોઢામાં આંગળા નાખી ગઈ. પછી હું હોશમાં આવી અને તેને ફરી મળવા માટે ગોઠવણ કરી, જેથી તેને બાઇબલમાંથી શીખવી શકું.”

ઇગ્મરી આગળ કહે છે: “એ અનુભવથી મારું હૈયું કેવું નાચી ઊઠ્યું હતું એનો વિચાર કરો! યહોવાહે અમારી મહેનતનો આ રીતે આશીર્વાદ આપ્યો એ માટે અમે તેમનો ઉપકાર માનીએ છીએ.” સમય જતાં આ સ્ત્રીએ સારી પ્રગતિ કરી અને પછી મૅક્સિકો શહેરમાં મહાસંમેલન ભરાયું ત્યારે તેણે બાપ્તિસ્મા લીધું. હવે તે એક યહોવાહની સાક્ષી છે. ઑકા અને ઇગ્મરી હવે તેઓના પ્રચાર કાર્ય વિષે આમ કહે છે: “બીજા દેશોમાં જઈને બાંધકામ કરવાની અમને જે તકો મળી એનો આનંદ જ કંઈક ઓર છે. તેમ છતાં, તમે બીજાને યહોવાહ પરમેશ્વર વિષે શીખવો અને તેઓ પોતાના મનથી ઈશ્વરના સેવક બને એનાથી જે આનંદ થાય છે એ શબ્દમાં વર્ણન થઈ શકે એમ નથી.”

તેઓ ઘર છોડીને સેવા આપે છે

ખરેખર, પોતાનું કુટુંબ અને મિત્રો છોડીને પરદેશમાં ભાઈ-બહેનો બાંધકામમાં ભાગ લે છે એ કંઈ સહેલું નથી. તેમ છતાં, જેઓ એમ કરે છે તેઓને મળતો આનંદ કંઈ ઓર જ હોય છે! તેઓનો આનંદ શાના જેવો છે?

હૉવર્ડ અને તેમની પત્ની પામેલાએ પણ અનેક દેશોમાં આ રીતે બાંધકામમાં ભાગ લીધો છે. જેમ કે અંગોલા, ઇક્વેડોર, એલ સાલ્વાડોર, કોલંબિયા, ગયાના, પોર્ટો રિકો અને મૅક્સિકો. તે કહે છે: “આ રીતે જુદા જુદા દેશોમાં ભાઈ-બહેનોને મળીને તેઓનો પ્રેમ અનુભવવો એક અનોખો અનુભવ છે. આપણે ઘણી વાર બીજા ભાઈ-બહેનોના અનુભવો વિષે ફક્ત વાંચતા જ હોઈએ છીએ. પરંતુ તમે જ્યારે આ રીતે બીજા દેશોમાં સેવા આપો છો ત્યારે, તેઓનો પ્રેમ અનુભવવો અને સાથે કામ કરવાનો આનંદ જ કંઈ ઓર જ હોય છે. પછી ભલેને તેઓ ગમે તે જાતિ કે સમાજના હોય છતાં, બધાને એક સુખી કુટુંબની જેમ હળીમળીને સાથે કામ કરતા જોવાથી નવી દુનિયાનો અનુભવ થાય છે. જે તમે કદી ભૂલી શકો એમ નથી!”

એ જ રીતે ગેરીએ પણ અનેક દેશોમાં સેવા આપી છે. જેમ કે ઇક્વેડોર, કોલંબિયા, કોસ્ટા રીકા, ઝાંબિયા અને મૅક્સિકોમાં. તે માને છે કે આ રીતે બાંધકામમાં ભાગ લેવાથી તેને ઘણું શીખવા મળ્યું છે. તે કહે છે: “મને જે દેશોમાં મોકલવામાં આવ્યો હતો ત્યાંના બેથેલના વિશ્વાસુ અને અનુભવી ભાઈઓ સાથે અમુક વર્ષોથી કામ કરવાથી મને ઘણું જ શીખવા મળ્યું છે. હવે જો મને બીજા દેશોમાં મોકલવામાં આવે તો હું મારા અનુભવથી મુશ્કેલીઓ સારી રીતે થાળે પાડી શકીશ. આ રીતે સેવા આપવાથી હું જોઈ શક્યો કે યહોવાહની સંસ્થામાં કેટલો સંપ છે. એ એવો સંપ છે જેણે નાત-જાત, ભાષા અને સમાજ પર વિજય મેળવ્યો છે. તેથી યહોવાહ પરમેશ્વર પરનો મારો વિશ્વાસ હવે વધુ દૃઢ થયો છે.”

આમ અમુક સમય પછી મૅક્સિકોના બેથેલનો પ્રૉજેક્ટ પૂરો થયો. તેમ જ આ વર્ષે બીજી વધારાની ઑફિસો અને રહેવાના રૂમોને યહોવાહની સેવામાં અર્પી દેવામાં આવ્યો. પરમેશ્વર માટેના પ્રેમથી પ્રેરાઈને પરદેશના ઘણા ભાઈ-બહેનોએ બાંધકામ માટે મૅક્સિકો અને બીજા દેશોમાં જઈને યહોવાહ પરમેશ્વરનું સત્ય ફેલાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. તેઓ જે રીતે પોતાનું ઘર અને કુટુંબ છોડીને બીજા દેશોમાં ખ્રિસ્તી ભાઈ-બહેનોની સેવા કરે છે એ માટે ખરેખર બધા જ યહોવાહના સાક્ષીઓ તેઓનો ઉપકાર માને છે.

[પાન ૨૫ પર ચિત્ર]

ઇક્વેડોર

[પાન ૨૫ પર ચિત્ર]

કોલંબિયા

[પાન ૨૫ પર ચિત્ર]

અંગોલા

[પાન ૨૬ પર ચિત્ર]

બેથેલનું સુંદર ગાર્ડન

[પાન ૨૬ પર ચિત્ર]

મૅક્સિકો બેથેલમાં નવી જગ્યાએ બાંધકામ શરૂ થયું ત્યારે

[પાન ૨૬ પર ચિત્ર]

નીચે: નવા બેથેલની આગળ બાંધકામમાં ભાગ લેતા અમુક ભાઈ-બહેનો

[પાન ૨૭ પર ચિત્ર]

બાંધકામમાં ભાગ લેતા ભાઈ-બહેનો નવા નવા મંડળો સાથે પ્રચારમાં આનંદ માણે છે