પોપ ઍલેક્ઝાંડરે શું કર્યું?
પોપ ઍલેક્ઝાંડરે શું કર્યું?
દરેક પોપનો ઇતિહાસ આપતું એક જર્મન પુસ્તક કહે છે: “એક કૅથલિકની નજરે જુઓ તો ઍલેક્ઝાંડર છઠ્ઠા એટલે કે રોડ્રિગો બોરજા માટે તેઓને કેટલી નફરત હતી, એનું વર્ણન શબ્દોમાં થઈ શકે એમ નથી.” તેમ જ, પંદરમી સદીમાં ચર્ચો વિષે જણાવતું એક જર્મન પુસ્તક કહે છે, “તેના જીવનમાં કોઈ જ સલામતી ન હતી . . . વળી આ પોપને ચર્ચ માટે કોઈ જ માન ન હતું. રોડ્રિગો બોરજા કુટુંબના હાથ નીચે કામ કરનારાઓ, તેના ભયંકર ગુનાઓ હંમેશાં જોતા હતા. તેથી, તેઓ બીક તળે એવા દબાઈ ગયા હતા જેની અસર આજ સુધી એટલે કે ૪૦૦થી વધુ વર્ષ પછી પણ તાજી જ છે.”
શા માટે રોમન કૅથલિક ચર્ચના ઇતિહાસનાં પુસ્તકોએ, પોપ અને તેના કુટુંબ માટે આટલા કડક શબ્દો વાપર્યા? તેઓએ એવું તો શું કર્યું હતું જેના લીધે લોકો તેમને નફરત કરતા હતા? રોમમાં ઑક્ટોબર ૨૦૦૨-ફેબ્રુઆરી ૨૦૦૩માં એક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. એનો વિષય હતો, બોરજાઓની તાકાત. એનાથી લોકોને જોવા મળ્યું કે, તે વખતના પોપ કઈ રીતે પોતાની સત્તાનો ઉપયોગ કરતા હતા. ખાસ કરીને, રોડ્રિગો બોરજા અથવા ઍલેક્ઝાંડર છઠ્ઠો જે ૧૪૯૨-૧૫૦૩ સુધી પોપ હતો, તેણે પોતાની સત્તાનો કેવો ઉપયોગ કર્યો.
પોપ તરીકે સત્તા મેળવવી
રોડ્રિગો બોરજા ૧૪૩૧માં જન્મ્યો હતો. તેનું કુટુંબ ખૂબ જ જાણીતું હતું. તેઓ હાલમાં સ્પેનમાં આવેલા એરગોનના રાજ્ય હાતીવાના હતા. તેના મામા ઑલફાન્સો દી બોરજા, વાલેન્સીયાના બિશપ હતા. ઑલફાન્સોએ પોતાના ભાણિયા રોડ્રિગોને ભણાવ્યો-ગણાવ્યો. વળી, રોડ્રિગો હજી તો કિશોર વયનો જ હતો અને તેને ચર્ચનો કારભાર સોંપી દીધો. એનાથી તેને આવક પણ મળી રહેતી હતી. ઑલફાન્સો તો હવે કાર્ડિનલ, એટલે કે ચર્ચનો મુખ્ય અધિકારી બની ગયો હતો. તેથી, મામાની મદદથી રોડ્રિગો ઇટાલી જતો રહ્યો અને ત્યાં જઈ તેણે કાયદા વિષે અભ્યાસ કર્યો. આ સમયે રોડ્રિગો અઢાર વર્ષનો થઈ ગયો હતો. જ્યારે ઑલફાન્સો પોપ કેલીકક્ષટ્સ ત્રીજો બન્યો, ત્યારે તેણે રોડ્રિગોને અને તેના બીજા ભાણિયાને કાર્ડિનલ બનાવ્યા. વળી, તેણે પેર લુઈસ બોરજાને ઘણાં બધા શહેરોનો ગવર્નર બનાવ્યો. એ પછી રોડ્રિગોને, પોપના રાજ દરમિયાન ચર્ચનો વાઇસ ચાન્સલર બનાવવામાં આવ્યો. આમ તેને ચર્ચ તરફથી ઘણી જ આવક મળી. તેમ જ પુષ્કળ ધનદોલત, સત્તા મળી અને તે રાજાની જેમ એશ આરામવાળું જીવન જીવવા માંડ્યો.
રોડ્રિગો ખૂબ જ હોશિયાર હતો. તેમ જ તે સરસ પ્રવચન પણ આપી જાણતો હતો. વળી, તે કળાને ઉત્તેજન આપતો હતો અને પોતે જે ઇચ્છે એ જ કરતો હતો. તેને ઘણી સ્ત્રીઓ સાથે આડા સંબંધો હતા. તેણે એક સ્ત્રી તો કાયમ માટે રાખેલી હતી જેના દ્વારા તેને ચાર બાળકો હતા. તેમ જ બીજી સ્ત્રીઓ દ્વારા પણ તેને ઘણા
બાળકો હતા. જો કે તેના આ “બેહદ” અનૈતિક વલણ અને “બેફામ આનંદ” માણવાને લીધે, પોપ પાયસ બીજાએ તેને ઠપકો પણ આપ્યો હતો. પરંતુ, રોડ્રિગો જરાય બદલાયો નહિ.પોપ ઇનોસન્ટ આઠમાનું ૧૪૯૨માં મરણ થયું. ત્યાર બાદ નવો પોપ કોણ બનશે એ પસંદ કરવા માટે બધા કાર્ડિનલો ભેગા મળ્યા. આ તકનો લાભ ઉઠાવી રોડ્રિગોએ દરેક કાર્ડિનલને લાલચ આપી ખરીદી લીધા. કઈ રીતે? એક તો, રોડ્રિગોએ તેઓને ચર્ચમાં સારી જગ્યાઓ આપી. બીજું કે તેણે આ કાર્ડિનલોને ઘણી જ જાહોજલાલી આપી, જેમ કે મોટા મોટા મહેલો, કિલ્લાઓ અને બિશપની હાથ નીચેનાં શહેરો આપ્યાં. તેમ જ ખૂબ પૈસા પણ આપ્યા. આમ તેણે તેઓ પાસેથી મન જોઈતા વોટ પડાવી લીધા. તેથી પોપની પસંદગી માટે જ્યારે કાર્ડિનલોની મિટિંગ ભરાઈ ત્યારે તેઓએ રોડ્રિગોને પસંદ કર્યો. આમ રોડ્રિગો બોરજા પોપ ઍલેક્ઝાંડર છઠ્ઠો બની બેઠો. તેથી ચર્ચના એક ઇતિહાસકારે કહ્યું કે, ઍલેક્ઝાંડર છઠ્ઠો રાજ કરતો હતો એ સમય, “રોમન ચર્ચ માટે બદનામ અને શરમથી માથું ઝુકાવી નાખે એવા દિવસો” હતા.
એક રાજાની જેમ જીવન જીવવું
ઍલેક્ઝાંડર છઠ્ઠો ચર્ચનો વડો હતો. તેથી, તેની પાસે ધાર્મિક સત્તા ઘણી જ હતી. એ સત્તાનો ઉપયોગ તેણે સ્પેન અને પોર્ટુગલ વચ્ચે ચાલી રહેલી તકરારને શાંત પાડવા કર્યો. વળી, ચર્ચ સિવાયની બીજી પણ ઘણી સત્તા તેની પાસે હતી. જેના લીધે તે મધ્ય ઇટાલીનાં શહેરોનો પણ વડો બન્યો. તેમ જ, તેણે રાજાઓની જેમ રાજ કર્યું. ઍલેક્ઝાંડર છઠ્ઠાએ, તેની પહેલાં અને તેના પછી થયેલા પોપની જેમ જ ઘણી લાંચ લીધી અને પોતાના જ સગાને સાચવ્યા. તેમ જ એવી શંકા પણ કરવામાં આવે છે કે તેણે અમુક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આ એવો સમય હતો જ્યારે તેણે ઇટાલીના શહેરોને કબજે કરી લીધા. તેણે ઘણા રાજકીય નિયમો બનાવ્યા અને તોડ્યા. આ બધું તેણે ફક્ત પોતાની સત્તાને વધારવા, પોતાના છોકરાઓનું ભવિષ્ય બનાવવા અને બોરજા કુટુંબ બીજા બધા કુટુંબોથી વધારે નામ કમાય એ માટે કર્યું. તેના દીકરા હ્વાને, કાસ્ટીલના રાજાના સંબંધી જોડે લગ્ન કર્યું અને તેને સ્પેન, ગૉન્ડીયાનો ડ્યૂક બનાવવામાં આવ્યો. તેનો બીજો દીકરો જોફ્રીએ, નેપલ્સના રાજાની પૌત્રી સાથે લગ્ન કર્યું.
પોપની ૧૩ વર્ષની દીકરી લ્યૂક્રેઝીયાના લગ્ન એરેગોનના એક નમ્ર વ્યક્તિ સાથે કરવાના હતા. પરંતુ, જ્યારે તેને ફ્રાંસ સાથે સારા સંબંધ બાંધવા મદદની જરૂર પડી, ત્યારે તેણે તેની દીકરીના એ લગ્ન તોડી પાડી, મિલાનના ડ્યૂકના કોઈ સંબંધી સાથે કર્યું. તેને ત્યાં પણ કોઈ જાતની રાજકીય મદદ ના મળી. તેથી તેણે ખોટું બહાનું બનાવી લ્યૂક્રેઝીયાના એ લગ્ન પણ તોડી નાખ્યા અને તેનો બરોબરિયો એરેગોનના ઑલફાન્સો સાથે કર્યા. લ્યૂક્રેઝીયાનો એક ભાઈ હતો જેનું નામ ચ્સેઝારે બોરજા હતું. તે નિર્દય અને ધાર્યું કરનાર હતો. તેણે ફ્રાંસના લુઈસ બારમા સાથે મિત્રતા કરી. તેથી, તેને તેની બહેન લ્યૂક્રેઝીયાના ઑલફાન્સો સાથેના નવા નવા લગ્ન આંખમાં ખૂંચવા લાગ્યા. તો પછી, તેણે શું કર્યું? એક પુસ્તક કહે છે, સંત પીતરના પગથિયાં પર લ્યૂક્રેઝીયાના પતિને “ચાર લોકોએ લોહીલુહાણ કરી મૂક્યો. તેમ જ, તે સાજો થાય એ પહેલા જ ચ્સેઝારેના લોકોએ તેને ગળું દબાવી મારી નાખ્યો.” પોપને હવે નવા રાજકીય સંબંધો બાંધવા હતા. તેથી તેણે લ્યૂક્રેઝીયાના ત્રીજા લગ્ન, ફરારાના સત્તાધારી ડ્યૂક સાથે ગોઠવ્યા. ત્યાં સુધીમાં તો લ્યૂક્રેઝીયા ૨૧ વર્ષની થઈ ગઈ હતી.
ચ્સેઝારેનું આખું જીવન “ગુનાઓથી ભરેલું હતું, તેમ જ એ સમયમાં તેણે લોહીની નદીઓ વહેવડાવી હતી.” તેના પિતાએ તેને ૧૭ વર્ષે જ કાર્ડિનલ બનાવી દીધો. પણ તે ચર્ચની સત્તા લેવા કરતા તો યુદ્ધમાં જોડાયો હોત તો સારું. એનું કારણ કે, તે ખૂબ જ ચતુર, પોતાનું ધાર્યું કરનાર અને બીજા અમુકની જેમ ભ્રષ્ટ પણ હતો. ચર્ચમાંથી રાજીનામું આપ્યા બાદ તેણે એક ફ્રેંચ રાજકુંવરી જોડે લગ્ન કર્યું.
આમ તેણે વાલેન્ટીનૉયસનો આખો ભાગ પચાવી પાડ્યો અને ડ્યૂક બની બેઠો. ત્યાર પછી ફ્રેંચ ટુકડીઓની મદદથી, તેણે ઉતર ઇટાલીને કબજે કરવા માટે હુમલો કર્યો અને ખૂનખરાબા મચાવી દીધા.ચ્સેઝારે જે ધારતો હતો એમ કરવા માટે ફ્રેંચ મિલિટરીની મદદ મળી રહે, એ માટે પોપે લુચ્ચાઈથી તેને તલાક અપાવ્યું. એમ કરવામાં તેને ફ્રાંસના લુઈસ બારમાની મદદ મળી રહી. આમ તેને બ્રિટનીની ઍન સાથે લગ્ન કરવા મળ્યું અને તેને એ બધા જ રાજ્યો મળી ગયા. એક પુસ્તક કહે છે કે, આ રીતે પોપે “તેના કુટુંબના લાભ માટે ચર્ચના સિદ્ધાંતોને ઠોકર મારી, ચર્ચને દાવ પર લગાડી દીધું.”
પોપનો નકાબ ઉતારવો
બોરજા કુટુંબના અતિશય ખરાબ વર્તનને લીધે તેમના દુશ્મનો ઊભા થયા જેઓએ તેનો નકાબ ઉતાર્યો. જો કે પોપે તો તેના બધા દુશ્મનો સામે આંખ આડા કાન કર્યા. પરંતુ, જીરોલામો સેવોનરોલા સામે તેઓનું કંઈ જ ચાલ્યું નહિ. જીરોલામો એક ડોમિનિકન સાધુ, ઉત્સાહી પ્રચાર કરનારો અને ફ્લોરેન્સનો રાજકીય નેતા હતો. તેણે ચર્ચમાં ચાલી રહેલા અંધેર પર પ્રકાશ ફેંકયો. તેમ જ ચર્ચના લોકોની કરામતોની પોલ ખુલ્લી પાડી. વળી, પોપ પોતે પણ કેવી ચાલ રમતો હતો એના પર પણ જીરોલામોએ પ્રકાશ પાડ્યો. આમ, પોપ ચર્ચ અને ચર્ચની ગાદીને છોડી દે, એ માટે તેણે અવાજ ઉઠાવ્યો. સેવોનરોલા તેઓ પર વીજળીની જેમ ત્રાટક્યો અને કહ્યું: “ચર્ચના નેતાઓ, . . . રાત્રે તમે બીજી બધી સ્ત્રીઓ પાસે જાઓ છો અને સવારે પવિત્ર બની ચર્ચમાં બેસી જાઓ છો.” પછી તેણે કહ્યું: “[આ નેતાઓ]ના કાર્યો વેશ્યાની જેમ લાજ શરમ વગરના છે, તેઓ તો ચર્ચ માટે બદનામ લોકો છે. મારા કહેવા પ્રમાણે તેઓ કોઈને બાઇબલમાં વિશ્વાસ નથી.”
પોપ સેવોનરોલાને પૈસા આપી ખરીદી લેવા માંગતો હતો જેથી તે તેને વધારે ઉઘાડો ના પાડે. તેથી, પોપે તેને કાર્ડિનલની ઑફિસ આપવા કહ્યું પણ સેવોનરોલા એવી કોઈ લાલચમાં ફસાયો નહિ. સેવોનરોલાની બરબાદીનું કારણ ક્યાં તો પોપ સામે અવાજ ઉઠાવાને લીધે હોય શકે અથવા તો પોપ સામે રાજકરણની ચાલ રમવાને કારણે હોય શકે. પરંતુ, સેવોનરોલાને ચર્ચમાંથી કાઢી મૂકવામાં આવ્યો. વળી તેને ગિરફતાર કરી, સચ્ચાઈ કબૂલ કરવા માટે ખૂબ જ સતાવણી કરવામાં આવી. છેવટે તેઓએ તેને લટકાવીને બાળી નાખ્યો.
મહત્ત્વના પ્રશ્નો
ઇતિહાસના આ બનાવો મનમાં અમુક મહત્ત્વના સવાલો ઊભા કરે છે. પોપનું વર્તન અને તે જે ખોટી ચાલો રમતો હતો એને કઈ રીતે સમજાવી? ઇતિહાસકારો એને કઈ રીતે સમજાવે છે? એ માટે દરેક જુદા જુદા કારણો આપે છે.
ઘણા માને છે કે, ઍલેક્ઝાંડર છઠ્ઠાને તે જીવ્યો એ સમયને ધ્યાનમાં રાખવાનો છે. તે પોપ બન્યો ત્યારે તેણે વચન આપ્યું કે તેનો ખાસ હેતુ હશે, શાંતિ જાળવવી અને દુશ્મન દેશો સાથે સરખો જ સંબંધ રાખવો. તેમ જ, પોપને જેઓ સાથ આપશે તેઓ સાથે મિત્રતા રાખવી અને તુર્કીઓના આક્રમણ વિરુદ્ધ દરેક ચર્ચે એકતામાં રહેવું.
પરંતુ, પોપની ચાલચલગત વિષે શું? એક સ્કોલર કહે છે, “ચર્ચે દરેક વખતે ખરાબ ખ્રિસ્તીઓ અને શરમથી માથું ઝુકાવી દે એવા પાદરીઓ જોયા છે. તેથી કોઈને પણ નવાઈ ન લાગવી જોઈએ કારણ કે ખ્રિસ્તે પણ એમ જ કહ્યું હતું. ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને એક એવા ખેતર સાથે સરખાવ્યા જેમાં સારા અને કડવાં એમ બન્ને દાણા ઉગે છે. અથવા સારી અને ખરાબ માછલીની જાળ સાથે તેઓને સરખાવ્યા, જેમ તેમના શિષ્યોમાં એક ખરાબ શિષ્ય યહુદા ઈસ્કારીઓત પણ હતો.” *
ઉપર જોઈ ગયા એ જ સ્કોલર આગળ કહે છે: “હીરામાં લોખંડ જડવાથી હીરાની કિંમત ઓછી થઈ જતી માત્થી ૨૩:૨, ૩, IBSI) પરંતુ, હકીકતમાં તમને એ સિદ્ધાંત વિષે કેવું લાગે છે?
નથી. એ જ રીતે, પોપે કરેલું પાપ અથવા તેનું શિક્ષણ . . . આપણને નુકસાન નથી કરતા. . . . સોનું સોનું જ રહે છે પછી ભલેને એ ગમે તે હાથમાં જાય.” એક કૅથલિક ઇતિહાસકાર કહે છે કે, ઍલેક્ઝાંડર છઠ્ઠાના સમયે ધાર્મિક કૅથલિકોએ ઈસુના શબ્દો ધ્યાનમાં રાખવા જેવા હતા: “તેઓ જે કહે છે તે કરો, પણ તેઓ જે કરે છે તે પ્રમાણે કરશો નહિ.” (શું તેઓ ખ્રિસ્તી હતા?
આવા નામ પૂરતા જ ખ્રિસ્તીઓને ઓળખી કાઢવા માટે ઈસુએ એક સામાન્ય સિદ્ધાંત આપ્યો: “તમે તેઓને તેઓના વર્તન પરથી ઓળખી શકશો. કાંટાના જાળાં પરથી દ્રાક્ષ અને જંગલી છોડ પરથી અંજીર શોધવાની ભૂલ તમે કરતા નથી. વૃક્ષોને તેમનાં ફળ પરથી ઓળખી શકાય છે. ખરાબ વૃક્ષ પર સારા ફળ લાગતાં નથી. વૃક્ષ કે વ્યક્તિ તેનાં ફળ દ્વારા ઓળખી શકાય છે.”—માત્થી ૭:૧૬-૧૮, ૨૦, IBSI.
ઈસુએ અને તેમના શિષ્યોએ સાચા ખ્રિસ્તી ધર્મ માટે એક સિદ્ધાંત બેસાડ્યો છે. પરંતુ સદીઓથી આ ધાર્મિક નેતાઓ, એ સિદ્ધાંતને કેવી રીતે પાળતા આવ્યા છે અને આજે કઈ રીતે પાળી રહ્યા છે? ચાલો આપણે એ જોવા બે બાબતોને તપાસીએ. એક તો રાજકરણ અને બીજું લોકોનું આજનું જીવન.
ઈસુ કંઈ જગતના રાજકુંવર ન હતા. તેમનું જીવન એટલું સાદું હતું કે તેમણે કહ્યું, મારે તો ‘માથું ટેકવવા પણ ઠામ નથી.’ તેમનું રાજ્ય “આ જગતનું નથી.” એ જ રીતે, તેમના શિષ્યો પણ આ ‘જગતના નથી, જેમ [તે પોતે] આ જગતના નથી.’ આમ ઈસુએ, તેમના દિવસોમાં ચાલતી કોઈ પણ રાજકીય બાબતોમાં ભાગ ન લીધો.—માત્થી ૮:૨૦; યોહાન ૬:૧૫; ૧૭:૧૬; ૧૮:૩૬.
તેથી શું એ સાચું નથી કે ગરીબ લોકો રિબાતા રહે છતાં, સદીઓથી આવી ધાર્મિક સંસ્થાઓએ, સત્તા અને પૈસા કમાવા ખાતર રાજકીય શાસકો જોડે હાથ મિલાવ્યો છે? વળી શું એ પણ સાચું નથી કે આ પાદરીઓ એશ-આરામથી જીવે છે, પછી ભલેને તેઓએ શિક્ષણ આપવું જોઈએ એ લોકો ગરીબ જ રહે?
ઈસુના સાવકા ભાઈ યાકૂબે કહ્યું: “ઓ વ્યભિચારીઓ, તમને ખબર નથી કે દુનિયાના મિત્ર થવું તે ઈશ્વરના દુશ્મન થવા બરાબર છે? જે કોઈ દુનિયાનો મિત્ર થવા ચાહે છે તે પોતાને ઈશ્વરનો દુશ્મન બનાવે છે.” (યાકૂબ ૪:૪, પ્રેમસંદેશ) શા માટે “ઈશ્વરનો દુશ્મન”? પહેલો યોહાન ૫:૧૯ કહે છે: “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.”
ઍલેક્ઝાંડર છઠ્ઠાની ચાલચલગત વિષે, એ સમયના એક ઇતિહાસકારે લખ્યું: “તે એકદમ હલકા પ્રકારનું જીવન જીવતો હતો. તેનામાં કોઈ જ લાજ-શરમ કે પ્રમાણિકતા ન હતી. વળી તેને વિશ્વાસ કે ધર્મની પણ કંઈ જ પડી ન હતી. તે તો લોભી હતો, તેમ જ ઊંચા ઊંચા સપના જોયા કરતો. વળી, તે એકદમ નિર્દય હતો અને ફક્ત પોતાના છોકરાં કઈ રીતે આગળ આવે એની જ તેને પડી હતી.” જો કે એમ કરવામાં બોરજા એકલો જ એવો પોપ ન હતો.
પરંતુ, આવા વર્તન માટે બાઇબલ શું કહે છે? પ્રેષિત પાઊલે કહ્યું: ‘શું તમે જાણતા નથી કે અધર્મીઓને દેવના રાજ્યનો વારસો મળશે નહિ? ભૂલ ન ખાઓ; વ્યભિચારીઓ, લંપટો, લોભીઓ, એઓને દેવના રાજ્યનો વારસો મળશે નહિ.’—૧ કોરીંથી ૬:૯, ૧૦.
જો કે રોમમાં બોરજાઓનું જે પ્રદર્શન રાખવામાં આવ્યું હતું એનો ખાસ હેતુ, “આ મહાન વ્યક્તિઓનો સમય કેવો હતો એ સમજવાનો હતો . . . , હા, સમજવાનું પણ તેઓને કોઈ પણ રીતે માફી ન આપવી કે તેઓને નફરત ન કરવી.” તેમ છતાં, એ નિર્ણય તો જેઓ પ્રદર્શન જોવા આવ્યા હતા તેઓ પર છોડી દેવામાં આવ્યો હતો. પરંતુ, તમે પોતે કયા નિર્ણય પર આવ્યા છો?
[ફુટનોટ્સ]
^ આ ઉદાહરણોની પૂરી સમજણ મેળવવા માટે ચોકીબુરજના ફેબ્રુઆરી ૧, ૧૯૯૫ પાન ૫-૬ (અંગ્રેજી) અને જૂન ૧૫, ૧૯૯૨ પાન ૧૭-૨૨ જુઓ.
[પાન ૨૬ પર ચિત્ર]
રોડ્રિગો બોરજા, પોપ ઍલેક્ઝાંડર છઠ્ઠો
[પાન ૨૭ પર ચિત્ર]
રોડ્રિગોએ તેની દીકરી લ્યૂક્રેઝીયાનો પોતાની સત્તા વધારવા માટે ઉપયોગ કર્યો
[પાન ૨૮ પર ચિત્ર]
ચ્સેઝારે પોતાનું ધાર્યું કરતો અને એકદમ ખરાબ પણ હતો
[પાન ૨૯ પર ચિત્ર]
જીરોલામો સેવોનરોલાને ખરીદી ન શકાયો તેથી તેને લટકાવીને બાળી નાખ્યો