તમે સાચો પ્રેમ કઈ રીતે કેળવી શકો?
તમે સાચો પ્રેમ કઈ રીતે કેળવી શકો?
“પ્રેમ સૌથી શ્રેષ્ઠ ઇલાજ છે; પ્રેમ જીવન છે.”—જીવનમાં સૌથી સારું મેળવવું, જોસફસ જોનસન, ૧૮૭૧.
એક વ્યક્તિ કઈ રીતે પ્રેમ બતાવવાનું શીખી શકે? શું મનોવિજ્ઞાનનો અભ્યાસ કરીને? જાતે પુસ્તકો વાંચીને? કે પછી રોમેન્ટિક ફિલ્મો જોઈને? જોકે એનાથી તો ભાગ્યે જ કોઈ પ્રેમની ભાષા શીખી શકે. કોઈ પણ વ્યક્તિ સૌથી પહેલાં પોતાના માબાપ પાસેથી પ્રેમ કરતા શીખે છે. માબાપની તાલીમ અને તેમના નમૂનાથી તેઓને પ્રેમના પાઠ શીખવા મળે છે. જ્યારે બાળકો ઘરમાં પ્રેમ ભરેલો માહોલ જુએ છે, માબાપને પ્યારથી ખવડાવતા, દેખભાળ રાખતા, અને પ્રેમથી વાતચીત કરતા જુએ છે, દરેક વાતે તેઓની અંગત કાળજી લેતા જુએ છે ત્યારે, બાળકો પ્રેમનો ખરો અર્થ શીખે છે. માબાપો બાળકોને ખરું-ખોટું પારખતા શીખવે છે એમાંથી પણ બાળકો પ્રેમના પાઠ શીખે છે.
સાચો પ્રેમ લાગણીથી પણ ટપી જાય છે. આપણામાં સાચો પ્રેમ હશે તો, ભલે સામેની વ્યક્તિ આપણા પ્રેમની કદર ન કરે તોપણ, તેના પ્રત્યે પ્રેમ બતાવીશું અને હંમેશાં તેનું ભલું જ કરીશું. આવું બાળકોના કિસ્સામાં હંમેશાં જોવા મળે છે. માબાપ બાળકોને પ્રેમથી ઠપકો આપે ત્યારે, તેઓ એની કદર કરતા નથી. તોપણ, માબાપ તેઓ પર પોતાનો પ્રેમ વરસાવતા રહે છે. સાચો પ્રેમ બતાવવામાં સૃષ્ટિના સર્જનહાર પરમેશ્વરે ઉત્તમ નમૂનો બેસાડ્યો છે. પ્રેષિત પાઊલે લખ્યું: “મારા પુત્ર, પ્રભુની શિક્ષાને તું તુચ્છ ન ગણ, અને તે તને ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા; કેમકે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે, તેને તે શિક્ષા કરે છે.”—હેબ્રી ૧૨:૫, ૬.
માબાપો, કુટુંબમાં પ્રેમ બતાવવા તમે કઈ રીતે યહોવાહને અનુસરશો? પતિ-પત્ની તરીકે તમે જે સારો નમૂનો બેસાડો છો એ કેટલું મહત્ત્વનું છે?
પ્રેમ બતાવવામાં સારો નમૂનો બેસાડો
તમે એક પતિ હોવ તો, શું તમે તમારી પત્નીની કદર કરો છો? શું તમે તેને માન અને આદર આપો છો? જો તમે પત્ની હોવ તો, શું તમારા પતિને પ્રેમ કરો છો અને ટેકો આપો છો? બાઇબલ જણાવે છે કે પતિ-પત્નીએ એકબીજાને પ્રેમ કરવો જોઈએ અને માન આપવું જોઈએ. (એફેસી ૫:૨૮; તીતસ ૨:૪) એનાથી બાળકો ઘરમાંથી જ પ્રેમ કરવાનું શીખશે. ઘરને આંગણે બાળકોને કેવો સુંદર બોધપાઠ મળે છે!
માબાપો જીવનમાં મોજ-શોખ કરતા, ખરું-ખોટું નક્કી કરતા કે પછી જીવનમાં પોતે શું કરશે એ બધાનો વિચાર કરતા ઊંચા સિદ્ધાંતોને વળગી રહે છે ત્યારે પણ કુટુંબમાં પ્રેમ બતાવે છે. દુનિયાભરમાં અનેક કુટુંબોને સાચા સિદ્ધાંતોને વળગી રહેવા માટે બાઇબલમાંથી મદદ મળી છે. એ પુરાવો આપે છે કે બાઇબલ સાચે જ “ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે.” (૨ તીમોથી ૩:૧૬) ઈસુએ પહાડ પરના પ્રવચનમાં જે શિક્ષણ આપ્યું હતું એને આજે મોટા ભાગના લોકો જીવનમાં ઉચ્ચ નૈતિક સિદ્ધાંતો અને ખરા માર્ગદર્શન તરીકે સ્વીકારે છે.—માત્થી, અધ્યાય ૫-૭.
કુટુંબમાં બધા માર્ગદર્શન માટે પરમેશ્વર તરફ ફરે છે અને તેમના સિદ્ધાંતોને વળગી રહે છે ત્યારે, તેઓ સલામતી અનુભવે છે. એનાથી બાળકોનું પણ પોતાના માબાપ પ્રત્યે માન વધે છે અને તેઓનો પ્રેમ ગાઢ થાય છે. પણ જો ઘરમાં કોઈ કહેવા પૂરતું જ કહે અને એ પ્રમાણે નહિ વર્તે તો, બાળકો ચિડાઈ જશે કે તમારી સામે પણ થઈ શકે.—રૂમીઓને પત્ર ૨:૨૧; કોલોસી ૩:૨૧.
જો કુટુંબમાં ખાલી મા કે પિતા જ હોય તો શું? તેઓ પણ પોતાના બાળકોને પ્રેમ કરવાનું શીખવી શકે. ભલે માબાપ સાથે રહેતા ન હોય તોપણ, અનુભવથી જોવા મળ્યું છે કે મા કે બાપને બાળકો સાથે ગાઢ સંબંધ હશે તો, તેઓને મા કે બાપની કમી મહેસૂસ થતી નથી. જો તમે એકલા મા કે બાપ હોવ તો, તમારા ઘરમાં બાઇબલ સિદ્ધાંતોને લાગુ પાડવા કડી મહેનત કરો. નીતિવચન આપણને કહે છે કે: “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.” હા, યહોવાહ માબાપોને પણ દોરીને સફળતા પમાડશે.—નીતિવચનો ૩:૫, ૬; યાકૂબ ૧:૫.
ઘણા યુવાનોને એકલી માએ કે એકલા પિતાએ ઉછેર્યા છે. તેઓ આજે દુનિયાભરમાં યહોવાહના સાક્ષીઓના હજારો ખ્રિસ્તી મંડળોમાં વફાદારીથી પરમેશ્વરની સેવા કરે છે. આ બતાવે છે કે એકલા મા કે બાપ પણ પોતાના બાળકોને પ્રેમનો પાઠ શીખવવામાં સફળ થઈ શકે છે.
પ્રેમ કેળવતા શીખવું—કઈ રીતે?
બાઇબલમાં ભાખવામાં આવ્યું છે કે “છેલ્લા સમયમાં” લોકો “પ્રેમરહિત” થઈ જશે. એટલે કે, કુટુંબમાં પ્રેમ જેવું કંઈ રહેશે નહિ. (૨ તીમોથી ૩:૧, ૩) ઘણા લોકો બાળપણથી જ પ્રેમ વગર મોટા થયા હોય છે. તેઓ કઈ રીતે પ્રેમ કરવાનું શીખી શકે? યહોવાહ વિષે શીખીને. યહોવાહ જ પ્રેમના ઉદ્ભવ છે અને પૂરા હૃદયથી તેમની પાસે આવનાર પર તે પ્યાર વરસાવે છે. (૧ યોહાન ૪:૭, ૮) એક ગીતકર્તાએ કહ્યું: “મારા બાપે તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવાહ મને સંભાળશે.”—ગીતશાસ્ત્ર ૨૭:૧૦.
યહોવાહ ઘણી રીતોએ આપણા પર પ્રેમ બતાવે છે. તે આપણને બાઇબલ દ્વારા, પવિત્ર આત્માની મદદથી અને ખ્રિસ્તી ભાઈ-બહેનોના સહકાર દ્વારા એક પ્રેમાળ પિતાની જેમ માર્ગદર્શન પૂરું પાડે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭-૧૦૫; લુક ૧૧:૧૩; હેબ્રી ૧૦:૨૪, ૨૫) વિચાર કરો કે આ ત્રણ જોગવાઈઓ દ્વારા કઈ રીતે યહોવાહે આપણા પર પ્રેમ બતાવ્યો છે. એ આપણને પરમેશ્વર અને પાડોશી પ્રત્યેના પ્રેમમાં વધવા મદદ કરી શકે.
ઈશ્વરપ્રેરિત માર્ગદર્શન
આપણે કોઈ વ્યક્તિ સાથે ગાઢ સંબંધ બાંધવો હોય તો, તેના વિષે જાણવું જરૂરી છે. એ જ રીતે, બાઇબલમાંથી આપણે યહોવાહને સારી રીતે જાણી શકીએ અને તેમને બરાબર ઓળખી શકીએ છીએ. પરંતુ, આપણે બાઇબલને ફક્ત વાંચીએ એ જ પૂરતું નથી. બાઇબલના શિક્ષણમાંથી લાભ મેળવવા આપણે એને પોતાના જીવનમાં લાગુ પાડવું જોઈએ. (ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૦) યશાયાહ ૪૮:૧૭ કહે છે: “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.” યહોવાહ પ્રેમના સાગર છે. તે આપણને આપણા લાભને અર્થે શીખવે છે. એનો અર્થ એ નથી કે તે આપણી સ્વતંત્રતા પર રોકટોક લગાવવા ઇચ્છે છે. પરંતુ, તેમણે આપેલા નીતિ-નિયમો આપણા જ લાભ માટે છે.
બાઇબલનું ચોક્કસ જ્ઞાન આપણને સાથી માનવીઓ પ્રત્યે પ્રેમમાં વધવા મદદ કરે છે. એનાથી આપણને એ પણ ફિલિપી ૧:૯.
શીખવા મળે છે કે પરમેશ્વર આપણને કઈ રીતે જુએ છે. તેમ જ, આપણે એકબીજા સાથે કઈ રીતે વર્તવું જોઈએ એના સિદ્ધાંતો પણ શીખવે છે. આવા જ્ઞાનથી આપણે પડોશી પરનો પ્રેમ પણ કેળવીએ છીએ. પ્રેષિત પાઊલે કહ્યું: “હું એવી પ્રાર્થના કરૂં છું, કે [ચોક્કસ] જ્ઞાનમાં તથા સર્વ વિવેકબુદ્ધિમાં તમારી પ્રીતિ ઉત્તરોત્તર વધતી જાય.”—પ્રેમ કઈ રીતે ‘ચોક્કસ જ્ઞાનની’ સુમેળમાં હોય છે એ આપણને પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫માં જોવા મળે છે: “દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” શું પરમેશ્વર દેશ કે જાતિ જોઈને લોકોનો ન્યાય કરે છે? બિલકુલ નહીં. પરમેશ્વર તો લોકોના સારાં કાર્યો અને તેઓ તેમનાથી ડરીને ચાલે છે કે નહિ એ જોઈને ન્યાય કરે છે. તેથી, આપણે પણ આપણા સાથી માનવીઓ પ્રત્યે પક્ષપાત બતાવવો જોઈએ નહીં.—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬, ૨૭; ૧ યોહાન ૪:૭-૧૧, ૨૦, ૨૧.
પ્રેમ—પવિત્ર આત્માનું ફળ
સમયસર વરસાદ પડે છે ત્યારે, વાડીમાંથી સારાં ફળોની ભરપૂર ઊપજ થતી હોય છે. એવી જ રીતે, પરમેશ્વરનો પવિત્ર આત્મા આપણા પર હોય તો, આપણે ઘણાં સદ્ગુણો કેળવી શકીએ. બાઇબલ એને ‘પવિત્ર આત્માના ફળ’ કહે છે. (ગલાતી ૫:૨૨, ૨૩) એ ફળોમાં સૌ પ્રથમ પ્રેમ છે. (૧ કોરીંથી ૧૩:૧૩) પરંતુ આપણે કઈ રીતે પરમેશ્વરનો પવિત્ર આત્મા મેળવી શકીએ? એ માટે પ્રાર્થના કરવી ખૂબ મહત્ત્વનું છે. આપણે પ્રાર્થનામાં પરમેશ્વરનો પવિત્ર આત્મા માંગીશું તો, તે જરૂર આપણને આપશે. (લુક ૧૧:૯-૧૩) શું તમે હંમેશાં પ્રાર્થનામાં પવિત્ર આત્મા માંગો છો? તમે એમ કરશો તો, તમારામાં પ્રેમની સાથે સાથે બીજા મૂલ્યવાન સદ્ગુણો પણ જોવા મળશે.
જોકે, બીજો પણ એક આત્મા છે જે, પવિત્ર આત્માથી વિરુદ્ધમાં કામ કરે છે. બાઇબલ એને “જગતનો આત્મા” કહે છે. (૧ કોરીંથી ૨:૧૨; એફેસી ૨:૨) તે ‘આ જગતનો અધિકારી’ શેતાન છે, જે ડેવિલથી પણ ઓળખાય છે. તેની અસર ઘણી ભયંકર છે. (યોહાન ૧૨:૩૧) વંટોળિયો ફૂંકાય છે ત્યારે, પવનની સાથે ધૂળ અને કચરો પણ ઊડવા લાગે છે. એ જ રીતે, આ “જગતનો આત્મા” પણ વંટોળિયાની જેમ આપણામાં હાનિકારક ઇચ્છાઓને ઉશ્કેરે છે. એ આપણામાં રહેલા પ્રેમનો નાશ કરે છે અને દેહના કામોને સંતોષે છે.—ગલાતી ૫:૧૯-૨૧.
ઘણા લોકો ધન-સંપત્તિ પાછળ દોડે છે, સ્વાર્થનાં જ સગા હોય છે, કે હિંસક બને છે. આજે જગતમાં લોકો નામ પૂરતો જ પ્રેમ બતાવે છે. અને પ્રેમના નામે ઘણા ધતિંગ પણ થાય છે. જો તમે સાચો પ્રેમ કેળવવા ઇચ્છતા હોવ તો, જગતના ખરાબ વલણથી દૂર રહો. (યાકૂબ ૪:૭) એ માટે, તમે પોતાની જ અક્કલ પર આધાર ન રાખો. પરંતુ, યહોવાહની મદદ લો. આખા વિશ્વના સૌથી શક્તિશાળી પરમેશ્વર, તેમના પવિત્ર આત્માથી તમારું રક્ષણ કરશે અને તમને સફળતા અપાવશે.—ગીતશાસ્ત્ર ૧૨૧:૨.
ખ્રિસ્તી ભાઈબહેનો પાસેથી પ્રેમ કરવાનું શીખો
બાળક પોતાના ઘરમાંથી પ્રેમ કરવાનું શીખે છે. એવી જ રીતે, નાના-મોટા આપણે સર્વ ખ્રિસ્તી ભાઈબહેનો સાથે સંગત રાખીને પ્રેમમાં વધી શકીએ. (યોહાન ૧૩:૩૪, ૩૫) ખરેખર, ખ્રિસ્તી મંડળનું મહત્ત્વનું કામ મંડળમાં એવો માહોલ જાળવવાનું છે કે જેમાં, દરેક વ્યક્તિ ‘એકબીજાની કાળજી રાખે, મદદ કરે, પ્રેમ દર્શાવે તથા સારાં કાર્યો કરે.’—હેબ્રી ૧૦:૨૪, પ્રેમસંદેશ.
જે લોકો આ દુનિયામાં પ્રેમ વિના “હેરાન થએલા તથા વેરાઈ ગએલા” છે તેઓ, આપણા આવા પ્રેમની ખૂબ કદર કરે છે. (માત્થી ૯:૩૬) એવા ઘણા લોકો છે જેઓને બાળપણમાં પ્રેમ જ ન મળ્યો હોય. તેઓ પર એની ઘણી ખરાબ અસર પડી હોય છે. પરંતુ, અનુભવો બતાવે છે કે યુવાનીમાં તેઓ સાથે પ્રેમાળ સંબંધ રાખવામાં આવે તો, તેઓને ખરાબ અસરમાંથી બહાર નીકળવામાં ઘણી મદદ મળે છે. તેથી, પરમેશ્વરના સેવકો માટે એ કેટલું મહત્ત્વનું છે કે તેઓ નવા આવનારાઓનો સાચા પ્રેમથી સ્વીકાર કરે!
“પ્રેમ સર્વદા ટકી રહે છે”
બાઇબલ કહે છે કે, “પ્રેમ સર્વદા ટકી રહે છે.” (૧ કોરીંથી ૧૩:૮, IBSI) કઈ રીતે? પ્રેષિત પાઊલ આપણને કહે છે: “પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે; પ્રીતિ અદેખાઈ કરતી નથી; પ્રીતિ આપવડાઈ કરતી નથી, ફૂલાઈ જતી નથી, અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનું જ હિત જોતી નથી, ખિજવાતી નથી, અપકારને લેખવતી નથી.” (૧ કોરીંથી ૧૩:૪, ૫) સાચે જ, આ કંઈ ઉપરછલ્લો પ્રેમ નથી. પરંતુ, જેઓમાં આ પ્રેમ છે તેઓ જાણે છે કે જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ તો આવશે જ. તોપણ, તેઓ સાથી મનુષ્યોને પ્રેમ બતાવવાનું ચાલુ રાખે છે. આવો પ્રેમ “સંપૂર્ણતાનું બંધન છે.”—કોલોસી ૩:૧૨-૧૪.
કોરિયાની ૧૭ વર્ષની એક ખ્રિસ્તી યુવતીનો વિચાર કરો. તેણે યહોવાહ પરમેશ્વરની ભક્તિ કરવાનું શરૂ કર્યું ત્યારે, તેના કુટુંબે ખૂબ વિરોધ કર્યો. એટલું જ નહીં, તેને ઘરમાંથી પણ કાઢી મૂકી. તોપણ, તેણે ગુસ્સે થવાને બદલે એ બાબત વિષે યહોવાહને પ્રાર્થના કરી. પરમેશ્વરનો શબ્દ બાઇબલ તથા પવિત્ર આત્માથી મદદથી તે બાબતને ખરી રીતે જોઈ શકી. એ પછી, તે પોતાના કુટુંબને પ્રેમભર્યા પત્ર લખવા લાગી. એ પત્રોમાં કુટુંબ માટેનો તેનો અનહદ પ્રેમ દેખાઈ આવતો હતો. એનાથી તેના બે મોટા ભાઈઓએ બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું. હવે તેઓ પણ યહોવાહના સાક્ષીઓ છે. તેની મમ્મી અને નાના ભાઈએ પણ સત્ય સ્વીકાર્યું. છેલ્લે, તેના પિતાનું પણ મન બદલાયું કે જેમણે પહેલાં તેનો સખત વિરોધ કર્યો હતો. એ યુવતી લખે છે: “અમે બધા ભાઈબહેનોએ યહોવાહના સેવકો સાથે લગ્ન કર્યાં છે. અમારા કુટુંબમાં અમે કુલ ૨૩ જણ હવે યહોવાહની ભક્તિ કરીએ છીએ.” સાચો પ્રેમ બતાવવાનો કેવો સરસ બદલો મળ્યો!
શું તમે સાચો પ્રેમ બતાવીને બીજાઓને પણ મદદ કરવા ઇચ્છો છો? તો પછી, યહોવાહ તરફ ફરો. તેમની પાસેથી પ્રેમનો આ અનમોલ ગુણ આવે છે. હા, બાઇબલ વાંચીને એને લાગુ પાડો, પવિત્ર આત્મા માટે પ્રાર્થના કરો અને ખ્રિસ્તી ભાઈબહેનો સાથે નિયમિત સંગત રાખો. (યશાયાહ ૧૧:૯; માત્થી ૫:૫) આપણને એ જાણીને કેટલો આનંદ થાય છે કે જલદી જ દુષ્ટ લોકોનો નાશ થશે અને ફક્ત સાચો પ્રેમ બતાવનારાઓ જ બચી જશે! સાચે જ, જીવનમાં સુખી થવું હોય તો, આપણામાં પ્રેમ હોવો જ જોઈએ.—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧; ૧ યોહાન ૩:૧૪.
[પાન ૬ પર ચિત્ર]
પ્રાર્થના અને બાઇબલનો અભ્યાસ આપણને સાચો પ્રેમ કેળવવા મદદ કરશે