સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહનો મહાન દિવસ નજીક છે તેથી બીજાઓને તેમની નજરે જુઓ

યહોવાહનો મહાન દિવસ નજીક છે તેથી બીજાઓને તેમની નજરે જુઓ

યહોવાહનો મહાન દિવસ નજીક છે તેથી બીજાઓને તેમની નજરે જુઓ

“પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી; પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે, એવું ઈચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.”૨ પીતર ૩:૯.

૧, ૨. (ક) આજે યહોવાહ લોકોને કઈ રીતે જુએ છે? (ખ) આપણે પોતાને કયા પ્રશ્નો પૂછવા જોઈએ?

 યહોવાહના સેવકો “સર્વ દેશનાઓને શિષ્ય” બનાવાની આજ્ઞા પાળી રહ્યા છે. (માત્થી ૨૮:૧૯) આપણે જાણીએ છીએ કે યહોવાહનો મહાન દિવસ નજીક છે. તેથી, આપણે લોકોને પરમેશ્વરની નજરે જોવા જોઈએ. (સફાન્યાહ ૧:૧૪) પરંતુ, પરમેશ્વર લોકોને કઈ રીતે જુએ છે? બાઇબલ બતાવે છે: “કેટલાક માને છે તેમ ઈશ્વર પોતે આપેલું વચન પૂર્ણ કરવામાં ઢીલ કરતા નથી. એને બદલે તે તમારા પ્રત્યે ધીરજ રાખે છે. કારણ, કોઈનો પણ વિનાશ થાય એવું તે ઇચ્છતા નથી, પણ બધા પોતાનાં પાપથી પાછાં ફરે એવું તે ઇચ્છે છે.” (૨ પીતર ૩:૯, પ્રેમસંદેશ) હા, યહોવાહને ખબર છે કે દરેક લોકો પસ્તાવો કરી શકે છે. તેથી, બાઇબલ જણાવે છે કે, “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય” એવી યહોવાહની ઇચ્છા છે. (૧ તીમોથી ૨:૪) પછી, જ્યારે કોઈ “દુષ્ટ પોતાનાં દુરાચરણથી ફરે, અને જીવતો રહે” ત્યારે યહોવાહને આનંદ થાય છે.—હઝકીએલ ૩૩:૧૧.

તો શું આપણે ખરેખર લોકોને યહોવાહની નજરે જોઈએ છીએ? શું આપણે એમ માનીએ છીએ કે દરેક જાતિના લોકો યહોવાહની ભક્તિ કરી શકે? (ગીતશાસ્ત્ર ૧૦૦:૩; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) ચાલો હવે આપણે બે ભક્તોના દાખલા તપાસીએ જેઓએ બીજા લોકોને પરમેશ્વરની નજરે જોયા હતા. બંને કિસ્સામાં યહોવાહ ખરાબ લોકોનો નાશ કરવાના હતા, અને એ વિષે તેમણે ચેતવણી પણ આપી. આજે, આપણે યહોવાહના મહાન દિવસની રાહ જોઈ રહ્યા છીએ. તેથી, આ ઉદાહરણો જોવા ખૂબ જ મહત્ત્વના છે.

ઈબ્રાહીમે લોકોને પરમેશ્વરની નજરે જોયા

૩. સદોમ અને ગમોરાહના લોકોને યહોવાહે કઈ નજરે જોયા?

સૌથી પહેલા ચાલો આપણે ઈશ્વરભક્ત ઈબ્રાહીમનું ઉદાહરણ લઈએ. સદોમ અને ગમોરાહનો નાશ થયો એ જમાનામાં ઈબ્રાહીમ રહેતા હતા. યહોવાહે સાંભળ્યું કે “સદોમ તથા ગમોરાહનો બુમાટો મોટો છે, ને તેઓનાં પાપ અઘોર છે.” તેમ છતાં, તેમણે તરત જ એ શહેરનો નાશ કરી નાખ્યો નહિ. પરંતુ, યહોવાહે એ શહેરોનો પૂરેપૂરો નાશ કરતા પહેલા પૂરતી તપાસ કરી. (ઉત્પત્તિ ૧૮:૨૦, ૨૧) યહોવાહે સ્વર્ગમાંથી બે દૂતો પૃથ્વી પરના સદોમ શહેરમાં મોકલ્યા. એ દૂતો ઈબ્રાહીમના ભત્રીજા, લોટના ઘરે ઉતર્યા. જ્યારે દૂતો લોટના ઘરે ઉતર્યા, ત્યારે સદોમના શહેરમાંથી “માણસોએ, એટલે સદોમના માણસોએ, નાના મોટા, સઘળા લોકોએ બધેથી આવીને તે ઘરને ઘેરી લીધું,” જેથી તેઓ દૂતો સાથે અનૈતિક સંબંધ રાખે. આ બતાવે છે કે એ શહેરના પાપનો ઘડો ભરાઈ ગયો હતો. તેમ છતાં દૂતો, લોટને જણાવે છે: “અહીં તારાં બીજાં કોઈ છે? તારા જમાઈને, તથા તારા દીકરાઓને, તથા નગરમાં જે સર્વ તારાં હોય તેઓને, આ જગામાંથી કાઢ.” એ શહેરના પાપનો ઘડો ભરાય તો ગયો, પણ યહોવાહ ચાહતા હતા કે સારા લોકો બચી જાય. પરંતુ, છેવટે ફક્ત લોટ અને તેમની બે દિકરીઓ બચી.—ઉત્પત્તિ ૧૯:૪, ૫, ૧૨, ૧૬, ૨૩-૨૬.

૪, ૫. (ક) શા માટે ઈબ્રાહીમ સદોમના લોકો માટે કરગર્યા? (ખ) શું તેમણે લોકોને યહોવાહની નજરે જોયા?

યહોવાહે સદોમ અને ગમોરાહનો નાશ કર્યો એ પહેલા શું બન્યું એ જાણવા જેવું છે. યહોવાહ એ શહેરોનો નાશ કરવાના હતા ત્યારે, ઈબ્રાહીમ યહોવાહને કરગર્યા: “કદાચ તે નગરમાં પચાસ ન્યાયી હોય; તો શું તું તેનો નાશ કરશે, ને તેમાંના પચાસ ન્યાયીને લીધે તે જગા નહિ બચાવે? એવી રીતે કરવું તારાથી વેગળું થાઓ, એટલે દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર કરવો, અને એમ ન્યાયીઓને દુષ્ટોની બરાબર ગણવા; એ તારાથી વેગળું થાઓ; આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?” બે વખત ઈબ્રાહીમે કહ્યું કે ‘એ તારાથી વેગળું થાઓ’ એટલે કે ઈબ્રાહીમ એમ કહેવા માંગતા હતા કે યહોવાહ કદી ખરાબ સાથે સારા લોકોનો નાશ નહિ કરે. યહોવાહે કહ્યું કે “તે નગરમાં પચાસ ન્યાયી હોય,” તો એ નગરનો નાશ નહિ કરે. પરંતુ પચાસ તો શું ફક્ત દસ સારા લોકો હોય તો પણ યહોવાહ તેઓને બચાવશે.—ઉત્પત્તિ ૧૮:૨૨-૩૩.

યહોવાહ ઈબ્રાહીમે કરેલી પૂછપરછથી જરાય નારાજ ન થયા. ઈબ્રાહીમ યહોવાહના ‘મિત્ર’ હોવાથી, જાણતા હતા કે યહોવાહ કોઈ પણ નિર્દોષ લોકોનો નાશ નહિ કરે. (યાકૂબ ૨:૨૩) તેથી, યહોવાહે સદોમ અને ગમોરાહનો નાશ કરતા પહેલા ઈબ્રાહીમની પ્રાર્થના સાંભળી. કેમ કે યહોવાહ ઇચ્છે છે કે “કોઈનો નાશ ન થાય” પણ દરેક લોકો પસ્તાવો કરીને બચી જાય.

યૂનાએ લોકોને કઈ રીતે જોયા?

૬. યૂનાએ પ્રચાર કર્યો ત્યારે નીનવેહના લોકોએ શું કર્યું?

ચાલો હવે આપણે યૂનાનો દાખલો જોઈએ. તેમના જમાનામાં યહોવાહ નીનવેહ નામના શહેરનો નાશ કરવાના હતા. પ્રબોધક યૂનાએ નીનવેહમાં જાહેર કરવાનું હતું કે તેઓની ‘દુષ્ટતા યહોવાહની આગળ આવી છે.’ (યૂના ૧:૨) નીનવેહ એક મોટું શહેર હતું. એ આખા શહેરમાં ચાલીને ફરતા, લગભગ “ત્રણ” દિવસ લાગતા હતા. યૂના તો એ શહેરમાં જવા તૈયાર ન હતા. પણ છેવટે તે ગયા, અને પ્રચાર કર્યો: “ચાળીસ દિવસ પછી નીનવેહનો નાશ થશે.” એ સાંભળીને “નીનવેહના લોકોએ દેવના વચન પર વિશ્વાસ કર્યો; અને તેઓએ ઉપવાસનો ઢંઢેરો પીટાવીને મોટાથી તે નાના સુધી સર્વએ તાટ પહેર્યું.” અરે, નીનવેહના રાજાએ પણ પસ્તાવો કર્યો.—યૂના ૩:૧-૬.

૭. નીનવેહના લોકોએ કરેલા પસ્તાવા વિષે યહોવાહને કેવું લાગ્યું?

નીનવેહ અને સદોમના લોકો વચ્ચે કેવો આભ જમીનનો ફેર! નોંધ લો કે યહોવાહ નીનવેહના લોકોના પસ્તાવા વિષે શું વિચારે છે. યૂના ૩:૧૦ બતાવે છે કે, “તેઓનાં કામ દેવે જોયાં કે તેઓએ પોતાનાં દુષ્ટ આચરણોને તજી દીધાં; આથી તેઓ પર જે આપત્તિ આણવાનું દેવે કહ્યું હતું તે વિષે તેને પશ્ચાત્તાપ થયો; અને તેણે તે આપત્તિનો અમલ કર્યો નહિ.” યહોવાહને ‘પસ્તાવો થયો’ એટલે કે, યહોવાહે નીનવેહનો નાશ કરવાનો વિચાર માંડી વાળ્યો. યહોવાહે પોતાના ધોરણો બદલ્યા ન હતા પરંતુ, તેઓએ પોતાના પાપોની માફી માંગી હતી.—માલાખી ૩:૬.

૮. શા માટે યૂના નારાજ થઈ ગયા?

યૂનાને ખબર પડી કે, હવે નીનવેહનો નાશ થવાનો નથી, તો તે નારાજ થઈ ગયા. ત્યાંના લોકોને યહોવાહની નજરે જોવાને બદલે “યૂનાને ઘણું જ ખોટું લાગ્યું, ને તેને ક્રોધ ચઢ્યો.” પછી “તેણે યહોવાહની પ્રાર્થના કરીને કહ્યું, કે હે યહોવાહ, હું તારી પ્રાર્થના કરૂં છું, કે જ્યારે હું મારા દેશમાં હતો ત્યારે જ મેં એવું કહ્યું નહોતું? તેથી જ તાર્શીશ નાસી જવાને મેં ઉતાવળ કરી હતી; કેમકે હું જાણતો હતો કે તું કૃપાળુ તથા કરુણા રાખનાર દેવ છે, તું ક્રોધ કરવામાં ધીમો ને ઘણો દયાળુ, એવો દેવ છે, ને વિપત્તિ પાડવાથી તને પશ્ચાત્તાપ થાય છે.” (યૂના ૪:૧, ૨) યૂના જાણતા હતા કે યહોવાહ કૃપાળુ છે. તેમ છતાં, તેમણે નીનવેહના લોકોને યહોવાહની નજરે ન જોયા.

૯, ૧૦. (ક) યહોવાહે યૂનાને કઈ રીતે બોધપાઠ શીખવ્યો? (ખ) આપણે કઈ રીતે કહી શકીએ કે યૂનાએ લોકોને યહોવાહની નજરેથી જોયા હશે?

યૂના નીનવેહ શહેરની બહાર ગયા અને ત્યાં તેમણે એક માંડવો બનાવ્યો. તેમને જોવું હતું કે હવે એ “નગરનું શું થાય છે.” યહોવાહે એ માંડવા પર એક વેલો ઉત્પન્‍ન કર્યો હતો, જેથી યૂનાને છાંયો મળે. પરંતુ, બીજે જ દિવસે એ વેલો સૂકાઈ જાય છે. એ જાણીને યૂના ગુસ્સે થઈ ગયા. પરતુ, યહોવાહે તેમને સમજાવ્યા: “વેલાને સારૂ તેં મહેનત કરી નથી, . . . તેના પર તને દયા આવે છે; તો આ મોટું નગર નીનવેહ કે જેની અંદર એક લાખ વીસ હજાર એવા લોક છે કે જેઓ પોતાનો જમણો હાથ કયો ને ડાબો હાથ કયો એટલું પણ જાણતા નથી, વળી જેની અંદર ઘણાં ઢોરઢાંક છે, તેના પર મને દયા ન આવે?” (યૂના ૪:૫-૧૧) છેવટે યૂના શીખ્યા કે તેમણે બીજા લોકોને ઈશ્વરની નજરે જોવા જોઈએ.

૧૦ યહોવાહને નીનવેહના લોકો પર દયા આવી એ જાણીને યૂનાને કેવું લાગ્યું હશે એ વિષે બાઇબલમાં કંઈ જોવા મળતું નથી. પરંતુ, આપણે જોઈ શકીએ છીએ કે યૂનાએ, નીનવેહના લોકોને યહોવાહની નજરેથી જોયા. કેમ કે બાઇબલમાં આ અહેવાલ લખવા માટે યહોવાહે ખુદ યૂનાનો ઉપયોગ કર્યો.

શું તમે બીજા લોકોને યહોવાહની નજરે જુઓ છો?

૧૧. આપણા સમયના લોકોને ઈબ્રાહીમે કઈ રીતે જોયા હોત?

૧૧ આ જમાનામાં યહોવાહ આ ખરાબ જગતનો નાશ કરવાના છે. (લુક ૧૭:૨૬-૩૦; ગલાતી ૧:૪; ૨ પીતર ૩:૧૦) તમને યાદ હશે કે ઈબ્રાહીમે સદોમના લોકોને યહોવાહની નજરેથી જોયા. તેમણે વારંવાર કરગરીને યહોવાહને કહ્યું કે સદોમમાં સારા લોકો હશે. જો ઈબ્રાહીમ આપણા સમયમાં જીવતા હોત તો, તેમણે લોકો વિષે શું વિચાર્યું હોત? તેમણે જે લોકોએ યહોવાહના ‘રાજ્યની સુવાર્તા’ સાંભળી નથી તેઓ વિષે જરૂર ચિંતા કરી હોત, ખરુને? (માત્થી ૨૪:૧૪) હજુ એવા ઘણા લોકો છે જેઓ સત્ય જાણવા ફાંફાં મારી રહ્યા છે. શું આપણે તેઓ વિષે ચિંતા કરીએ છીએ?—૧ યોહાન ૫:૧૯; પ્રકટીકરણ ૧૮:૨-૪.

૧૨. શા માટે સહેલાઈથી આપણે યૂના જેવું વલણ બતાવી શકીએ, પરંતુ, આપણે શું કરી શકીએ?

૧૨ આ જગતનો નાશ જલ્દી થાય એમ વિચારવું કંઈ ખોટુ નથી. (હબાક્કૂક ૧:૨, ૩) પરંતુ, આપણે યૂના જેવા બનવું ન જોઈએ, તેમણે બીજા લોકોનો વિચાર ન કર્યો. આપણે પ્રચારમાં અવારનવાર એવા લોકોને મળતા હોઈએ કે જેઓ આપણું સાંભળવાને બદલે ગુસ્સે થઈ જાય છે અથવા જાણે કંઈ પડી જ ન હોય એવી રીતે વર્તી શકે. તેથી, આપણે એમ ધારી લેવું ન જોઈએ કે બધા લોકો નહિ સાંભળે. સત્યનાં ભૂખ્યા હોય એવા ઘણા લોકોને યહોવાહ જાણતા હશે. (રૂમીઓને પત્ર ૨:૪) જો આપણે યૂના જેવું વિચારતા હોઈએ તો, આપણે યહોવાહને પ્રાર્થના કરવી જોઈએ અને બીજા લોકોને તેમની નજરે જોતા શીખવું જોઈએ.

૧૩. આજે પણ યહોવાહ લોકોની ચિંતા રાખે છે એવું કઈ રીતે કહી શકીએ?

૧૩ જે લોકો યહોવાહની ભક્તિ નથી કરતા તેઓની યહોવાહ પોતે ચિંતા કરે છે. તેથી, જો આપણે એ લોકો વિષે પ્રાર્થના કરીએ તો, યહોવાહ જરૂર સાંભળશે. (માત્થી ૧૦:૧૧) કેમ કે બાઇબલ બતાવે છે કે, તે આપણી પ્રાર્થનાનો જવાબ આપશે. (લુક ૧૮:૭, ૮) બીજું કે યહોવાહે જે જે વચનો આપ્યાં છે એ પોતે જરૂર પાળશે. (હબાક્કૂક ૨:૩) નીનવેહના લોકો ફરીથી પાપના ફાંદામાં ફસાઈ ગયા અને છેવટે યહોવાહે તેઓનો નાશ કરવો પડ્યો. એ જ રીતે યહોવાહ આ દુનિયામાંથી ખરાબ લોકોનું નામો નિશાન મીટાવી દેશે.—નાહૂમ ૩:૫-૭.

૧૪. જગતનો નાશ થાય ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ?

૧૪ શું આપણે આ જગતનો નાશ થાય ત્યાં સુધી ધીરજથી પ્રચાર કામ કરતા રહીશું? આપણે જાણતા નથી કે હજુ કેટલો પ્રચાર કરવાનો બાકી છે. પણ ખાતરી રાખી શકીએ કે, આખા જગતમાં પ્રચાર થઈ જશે પછી જ આ જગતનો અંત આવશે. હા આપણે ઇચ્છીએ છીએ કે, “કિંમતી વસ્તુઓ” જેવા લોકો યહોવાહના માર્ગે ચાલે, જેથી યહોવાહને મહિમા મળે.—હાગ્ગાય ૨:૭.

આપણે કેવા પગલા લઈએ છીએ?

૧૫. પ્રચાર માટેની કદર કઈ રીતે બતાવી શકીએ?

૧૫ આપણે એવી જગ્યાએ રહેતા હોઈએ, જ્યાં લોકો આપણું સાંભળતા નથી. પરંતુ, એવી બીજી ઘણી જગ્યાઓ છે જ્યાં યહોવાહના સેવકોની ખૂબ જરૂર છે. પરંતુ આપણા સંજોગો એવા હોઈ શકે કે આપણને બીજે રહેવા જવાનું પોસાતું ન હોય. અંત આવતા પહેલા તમારા વિસ્તારમાં, જો ફક્ત દસ લોકો જ સત્યમાં આવવાના હોય તો? શું આપણે એ દસ લોકોને શોધવા મહેનત ન કરવી જોઈએ? ઈસુને લોકો પર “દયા આવી; કેમકે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઇ ગએલા હતા.” (માત્થી ૯:૩૬.) આપણે બાઇબલમાં બરાબર અભ્યાસ કરીએ, તેમ જ ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનો વાંચીએ તો આપણને ખબર પડે છે કે આ જગતની પરિસ્થિતિ કેટલે હદ સુધી બગડી ગઈ છે. એમ કરવાથી આપણે ખરેખર જાણી શકીશું કે શા માટે લોકોને સત્ય જણાવવું જોઈએ. લોકોને સત્ય સમજાવવા ‘વિશ્વાસુ શાણા ચાકર’ બાઇબલમાંથી જે કંઈ માહિતી આપે છે એનો આપણે સારો ઉપયોગ કરવો જોઈએ.—માત્થી ૨૪:૪૫-૪૭; ૨ તીમોથી ૩:૧૪-૧૭.

૧૬. આપણે કઈ રીતે આપણા પ્રચાર કાર્યમાં ફેરફાર કરી શકીએ?

૧૬ આપણે લોકોને અનુકૂળ હોય એ સમયે સત્ય જણાવવા જવું જોઈએ. તેમ જ તેઓ સમજી શકે એવી રીતે આપણે સત્ય શીખવું જોઈએ. ઘણી વખત આપણે પ્રચાર કરવા જઈએ છીએ તો લોકો ઘરે હોતા નથી. જો એમ હોય તો આપણે પ્રચાર કરવાનો સમય બદલી શકીએ જેથી લોકો ઘરે મળે. તેમ જ આપણે જ્યાં લોકો હોય ત્યાં પ્રચારમાં જઈ શકીએ. માછલીઓ પકડવા માટે, માછલીઓ હોય ત્યાં જવું પડે છે. એ જ રીતે આપણે પણ જ્યાં લોકો હોય ત્યાં સત્ય જણાવવા જવું પડે છે. (માર્ક ૧:૬-૮) પ્રચાર કરવાના રસ્તા ઘણા છે. દાખલા તરીકે, તમે પ્રચાર કામ સાંજે કરી શકો. અથવા જ્યા કાયદો મંજૂરી આપતો હોય ત્યાં ટેલિફોન દ્વારા પ્રચાર કરી શકો. ઘણા ભાઈબહેનો, દુકાનદારોને પ્રચાર કરે છે. બીજા રેલ્વે સ્ટેશન, બસ સ્ટોપ પર, કે માર્કેટમાં પ્રચાર કરે છે. જો આપણે દરેક લોકોને ઈબ્રાહીમની જેમ જોઈશું તો, આપણે હંમેશા બીજાઓને સત્ય જણાવવા હંમેશા તૈયાર રહીશું.

૧૭. આપણે મિશનરીઓને કઈ રીતે ઉત્તેજન આપી શકીએ?

૧૭ હજુ ઘણા લોકોએ રાજ્ય સંદેશો સાંભળ્યો નથી. તેથી, પ્રચાર કરવા ઉપરાંત, આપણે ઘરે બેઠા પણ જે લોકો પ્રચાર કરતા હોય તેઓને ઉત્તેજન આપી શકીએ. દાખલા તરીકે, આપણે પરદેશમાં રહેતા મિશનરિઓને ઓળખતા હોઈશું. શું આપણે તેઓને સરસ મજાનો કાગળ લખી શકીએ? જેથી તેઓને પ્રચાર કામ કરવાનું ઉત્તેજન મળતું રહે? (ન્યાયાધીશો ૧૧:૪૦) આપણે તેઓ માટે અને જે લોકોએ સત્ય નથી સાંભળ્યું તેઓ માટે પ્રાર્થના પણ કરી શકીએ. (એફેસી ૬:૧૮-૨૦) એ ઉપરાંત આપણે જગતવ્યાપી પ્રચાર કામ માટે ફાળો આપીને પણ સત્ય ફેલાવા મદદ કરી શકીએ છીએ.—૨ કોરીંથી ૮:૧૩, ૧૪; ૯:૬, ૭.

શું તમે બીજે રહેવા જઈ શકો?

૧૮. પોતાના જ દેશમાં રહીને ઘણા યહોવાહના સેવકોએ શું કર્યું છે?

૧૮ યહોવાહના ઘણા સેવકો જે વિસ્તારોમાં પ્રચારકોની વધારે જરૂર છે ત્યાં રહેવા ગયા છે. એને કારણે તેઓને ઘણા આશીર્વાદ મળ્યા છે. બીજા ઘણા યહોવાહના સાક્ષીઓ પોતાના જ દેશમાં રહીને બીજી ભાષા શીખ્યા છે જેથી પરદેશમાંથી આવતા લોકોને સત્ય જણાવી શકે. તેઓને પણ ઘણા આશીર્વાદો મળ્યા છે. દાખલા તરીકે, અમેરિકામાં સાત યહોવાહના સાક્ષીઓએ ૨૦૦૧માં ૧૧૪ ચાઈનીઝ લોકોને મેમોરિયલમાં આવવાનું આમંત્રણ આપ્યું. આ રીતે ઘણા લોકોને સત્ય જણાવી શકાય છે.—માત્થી ૯:૩૭, ૩૮.

૧૯. પ્રચાર માટે પરદેશમાં જવાનું ઇચ્છનારાઓએ કયા પગલાં લેવા જોઈએ?

૧૯ તમને અને તમારા કુટુંબને લાગશે કે તમારે એવી જગ્યાએ રહેવા જવું જોઈએ જ્યાં પ્રચાર કરવાની ખાસ જરૂર છે. ખાસ કરીને જો તમે બીજા દેશમાં રહેવા જવાનો વિચાર કર્યો હોય તો, સૌથી પહેલા સમજી વિચારીને પગલાં ભરવા જોઈએ. (લુક ૧૪:૨૮) એમાંય ખાસ કરીને પરદેશમાં જવાનું ઇચ્છનારાઓએ પોતાને પૂછવું જોઈએ કે, ‘શું મારા કુટુંબનું ધ્યાન રાખી શકીશ? શું મને વિઝા મળશે? શું મને એ દેશની ભાષા આવડે છે કે પછી શું હું શીખવા તૈયાર છું? શું ત્યાંની ઋતુઓ અથવા સંસ્કૃતિ વિષે વિચાર કર્યો છે? શું હું ત્યાં જઈને બીજા યહોવાહના સેવકોને “દિલાસારૂપ” થઈશ કે પછી તેઓ માટે બોજરૂપ બનીશ?’ (કોલોસી ૪:૧૦, ૧૧) એ દેશમાં પ્રચાર કરવાની કેટલી જરૂર છે એ જાણવા, તમે જે દેશમાં જવાનું વિચારતા હોવ એ દેશની બ્રાંચ ઓફિસને લખવું જોઈએ. *

૨૦. એક ભાઈએ પરદેશમાં કઈ રીતે બીજાઓને મદદ કરી?

૨૦ જાપાનમાં રહેતા એક યુવાન ભાઈ રાજ્યગૃહ બાંધકામ મદદ કરવા જતા હતા. એક વખત તે રાજ્યગૃહ બાંધવા માટે પરાગ્વેમાં ગયા. તે યુવાન હતા અને લગ્‍ન પણ કરેલા ન હતા આથી, એ દેશમાં આઠ મહિના સુધી બાંધકામમાં મદદ કરી શક્યા. એ આઠ મહિના દરમિયાન તે સ્પેનિશ ભાષા શીખ્યા અને લોકોને બાઇબલ વિષે પણ શીખવ્યું. આમ, એ ભાઈને ખ્યાલ આવ્યો કે આ દેશમાં તો ઘણા લોકોને સત્ય જાણવું છે. પછી તેણે જાપાનમાં રહેવાને બદલે પરાગ્વેમાં રહેવાનું નક્કી કર્યું અને ઘણા લોકોને સત્ય શીખવ્યું.

૨૧. આપણે યહોવાહના મહાન દિવસની રાહ જોઈએ એ દરમિયાન આપણે શું કરવું જોઈએ?

૨૧ હા, યહોવાહ પોતે આખા જગતમાં પ્રચાર કામ પૂરું કરાવશે. આજે, પ્રચાર કામ એકદમ ઝડપથી થઈ રહ્યું છે. (યશાયાહ ૬૦:૨૨) આપણે યહોવાહના મહાન દિવસની રાહ જોઈએ તેમ, ચાલો પ્રચાર કામમાં ખૂબ મહેનત કરીએ. તેમ જ સત્ય ન જાણતા લોકોને યહોવાહની નજરે જોઈએ.

[ફુટનોટ]

^ તમારે પૂછયા વગર એવા કોઈ દેશમાં જવું ન જોઈએ જ્યાં પ્રચાર કામ પર પ્રતિબંધ હોય. જો તમે જશો તો ત્યાંના સાક્ષીઓને પણ હેરાનગતિ થઈ શકે છે.

શું તમને યાદ છે?

• આપણે લોકોને કઈ રીતે જોવા જોઈએ?

• સદોમના લોકોને ઈબ્રાહીમે કઈ રીતે જોયા?

• પસ્તાવો કરનારા નીનવેહના લોકોને યૂનાએ કેવી રીતે જોયા હતા?

• જે લોકોએ સત્ય સાંભળ્યું નથી તેઓ વિષે શું વિચારવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર ચિત્ર]

ઈબ્રાહીમે લોકોને યહોવાહની નજરે જોયા

[પાન ૧૭ પર ચિત્ર]

નીનવેહના લોકોએ પસ્તાવો કર્યો પછી યૂનાએ તેઓને પરમેશ્વરની નજરે જોયા

[પાન ૧૮ પર ચિત્ર]

લોકોને અનુકૂળ હોય એવા સમયે આપણે પ્રચાર કરવો જોઈએ