માર્ટિન લ્યૂથરની—જીવન કહાની
માર્ટિન લ્યૂથરની—જીવન કહાની
ટાઈમ મૅગેઝિન જણાવે છે: “એમ કહેવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્ત પછી, [માર્ટિન લ્યૂથરનાં] ઘણાં જ પુસ્તકો લખાયાં છે.” લ્યૂથરે એક નવો જ ધર્મ શરૂ કર્યો, જેણે “માણસજાતના ઇતિહાસમાં જડમૂળથી ફેરફાર કરી નાખ્યો.” તેણે યુરોપમાં ધર્મનો નકશો જ બદલી નાખ્યો. તેમ જ, યુરોપનો જે મધ્ય યુગનો સમય હતો એના પર પડદો પાડી, એક નવો જ યુગ શરૂ કર્યો. વળી, તેણે સરળ જર્મન ભાષા પણ શોધી. તેણે જર્મન ભાષામાં કરેલું બાઇબલનું ભાષાંતર ઘણું જ જાણીતું બન્યું.
પરંતુ, માર્ટિન લ્યૂથર કેવો હતો? યુરોપમાં તે કઈ રીતે આટલો બધો જાણીતો બન્યો?
લ્યૂથર વિદ્વાન બને છે
માર્ટિન લ્યૂથર નવેમ્બર ૧૪૮૩માં, જર્મનીના ઍસ્લબન શહેરમાં જન્મ્યો હતો. માર્ટિનના પિતા તાંબાની ખાણમાં કામ કરતા હતા. પરંતુ, તે પૂરતા પૈસા કમાય લેતા હતા, જેથી પોતાના દીકરાને સારી રીતે ભણાવી-ગણાવી શકે. આમ, ૧૫૦૧માં માર્ટિન ઍરફર્ટ શહેરની યુનિવર્સિટીમાં દાખલ થયો. ત્યાંની લાઇબ્રેરીમાં, તેણે પહેલી વાર બાઇબલ વાંચ્યું. તેણે કહ્યું: “મને બાઇબલ ખૂબ જ ગમ્યું. એક દિવસ જો આ પુસ્તક મને મળી જાય તો હું એને એક આશીર્વાદ માનીશ.”
લ્યૂથર જ્યારે ૨૨ વર્ષનો હતો, ત્યારે તે ઍરફર્ટ શહેરના ઑગસ્ટીન નામના આશ્રમમાં ગયો. પછી, તે વીટનબર્ગની યુનિવર્સિટીમાં જોડાયો અને ધર્મના જ્ઞાનમાં ડિગ્રી મેળવી. લ્યૂથર પોતાને પરમેશ્વરનો આશીર્વાદ પામવા લાયક ગણતો ન હતો અને ઘણી વાર તેનું અંતર ખૂબ ડંખતું હતું. પરંતુ, દરરોજ બાઇબલ વાંચી, એના પર મનન કરી, અને પ્રાર્થના કરીને તે સમજ્યો કે પરમેશ્વર પાપીઓને કઈ રીતે જુએ છે. લ્યૂથરને એક બાબત સમજ પડી કે, પરમેશ્વરના આશીર્વાદ આપોઆપ મળી જતા નથી. પણ એ માટે તો દયાળુ પરમેશ્વરમાં વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે.—રૂમીઓને પત્ર ૧:૧૬; ૩:૨૩, ૨૪, ૨૮.
લ્યૂથરને કઈ રીતે ખબર પડી કે તેની એ માન્યતા સાચી છે? ચર્ચનો ઇતિહાસ અને બાઇબલના એક પ્રોફેસર કુર્ટ ઍલાન્ડે કહ્યું: “લ્યૂથરે આખું બાઇબલ વાંચીને એના પર મનન કર્યું હતું, જેથી તે શોધી કાઢે કે તેની માન્યતા બાઇબલ પ્રમાણે જ છે કે નહિ. તેણે બીજા બાઇબલો સાથે પણ એની સરખામણી કરી. પછી, તેને ખાતરી થઈ ગઈ કે તે સાચો હતો.” લ્યૂથરનું મુખ્ય શિક્ષણ હતું કે તારણ ફક્ત કાર્યોથી જ નહિ, પણ વિશ્વાસથી મળે છે. તે આ સિદ્ધાંતને વળગી રહ્યો.
પોપને પૈસા આપી, શિક્ષાથી બચો
લ્યૂથર રોમન કૅથલિક ચર્ચની માન્યતાનો તદ્દન વિરોધ કરતો હતો. તે જાણતો હતો કે પાપી લોકો વિષે પરમેશ્વરના શિક્ષણ અને ચર્ચના શિક્ષણમાં
આભ-જમીનનો ફરક હતો. ચર્ચની માન્યતા હતી કે પાપીઓને સખત શિક્ષા ભોગવવી પડે છે. પરંતુ, તેઓ એ શિક્ષા ઓછી કરી શકતા હતા. કઈ રીતે? પોપને પૈસા આપીને. આવા ધંધામાં આગળ પડતો યોહાન ટેટસ્લ હતો. તે માઈન્ઝના આર્કબિશપ ઍલબર્ટનો ભાગીદાર હતો. યોહાને ગરીબ લોકોને આવી જાળમાં ફસાવીને ધમધોકાર ધંધો કર્યો. આ રીતે પોપને પૈસા આપીને, ઘણા લોકોને લાગતું કે જાણે પોતાનાં પાપો ધોવાઈ ગયા.આ જોઈને લ્યૂથરનું લોહી ઉકળી ઊઠતું. તે બરાબર જાણતો હતો કે, માણસો દેવ સાથે આવો કોઈ સોદો કરી જ ન શકે. તેથી ૧૫૧૭ની પાનખર ઋતુમાં, તેમણે ૯૫ સિદ્ધાંતો લખ્યા. એમાં તેણે ચર્ચમાં ધર્મના નામે ચાલી રહેલા ધતિંગ ઉઘાડા પાડ્યા. તેમ જ, ચર્ચમાં જૂઠા શિક્ષણ દ્વારા સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હતો, એ પણ જણાવ્યું. લ્યૂથર કોઈ તકરાર કરવા માંગતો ન હતો. તેથી, તેણે તેના આ સિદ્ધાંતોને માઈન્ઝના આર્કબિશપ ઍલબર્ટને અને બીજા સ્કૉલરોને મોકલ્યા. ઘણા ઇતિહાસકારો લગભગ ૧૫૧૭માં નવા ધર્મની શરૂઆત થઈ હોવાનું જણાવે છે.
જો કે ચર્ચના આવા અંધેરનો વિરોધ કરનાર ફક્ત લ્યૂથર એકલો જ ન હતો. લગભગ ૧૦૦ વર્ષ પહેલાં ચેકના ધાર્મિક નેતા યાન હસે પણ ચર્ચમાં ચાલતા આવા અંધેર સામે અવાજ ઉઠાવ્યો હતો. યાન હસ પહેલાં, ઇંગ્લૅંડના જોન વીકલીફે પણ બાઇબલ વિરુદ્ધ ચાલતા, ચર્ચના ખોટાં કામો ઉઘાડા પાડ્યાં હતાં. લ્યૂથરના સમયમાં થઈ ગયેલા રોટરડૅમના ઈરાસમુસ અને ઇંગ્લૅંડના ટીન્ડેલે પણ ચર્ચ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. પરંતુ, એ સમયે જર્મનીના યોહાનીસ ગુટનબર્ગે પહેલી વાર એક નવું પ્રિન્ટીંગ મશીન શોધ્યું. એનાથી લ્યૂથરને વધારે મદદ મળી, કેમ કે તેના સાથીઓ કરતાં, તે ઝડપથી માહિતી છાપીને ચારે બાજુ ફેલાવી શક્યો.
માઈન્ઝમાં ૧૪૫૫માં, ગુટનબર્ગની પ્રિન્ટીંગ પ્રેસ ચાલતી હતી. પરંતુ, ૧૫૦૦ની શરૂઆતમાં તો જર્મનીનાં ૬૦ શહેરો અને યુરોપના ૧૨ દેશોમાં પ્રિન્ટીંગ પ્રેસો શરૂ થઈ ગઈ. ઇતિહાસમાં આ પહેલી જ વાર લોકોને ઝડપથી માહિતી મળવા લાગી. લ્યૂથરના ૯૫ સિદ્ધાંતો કદાચ તેને પૂછ્યા વિના જ છાપીને ચારે બાજુ મોકલવામાં આવ્યા. હવે ચર્ચનો વિરોધ એક જ જગ્યાએ ન હતો, પણ જાણે આગની જેમ ચારે બાજુ ફેલાતો જતો હતો. એકાએક માર્ટિન લ્યૂથર આખા જર્મનીમાં જાણીતો થઈ ગયો.
કોની પાસે સૌથી વધારે સત્તા છે
સદીઓથી યુરોપ બે મોટી સત્તાની હાથમાં હતું. એક તો યુરોપ પર રાજ કરનાર રાજાની સત્તા અને બીજી સત્તા રોમન કૅથલિક ચર્ચ. લ્યૂથરન પંથના અગાઉના પ્રમુખ, હાન્સ લેલ્યેએ કહ્યું કે “રાજા અને પોપ, એ બે ત્યારે સૂર્ય અને ચંદ્રની જેમ ચમકી રહ્યા હતા.” અરે, ૧૬મી સદીની શરૂઆતમાં તો બંને સત્તા ટોચ પર હતી. તેથી, તેઓમાં ખૂબ જ ચર્ચા ચાલી કે કોની પાસે સૌથી વધારે સત્તા છે. કોઈક ફેરફાર નક્કી આવવાનો હતો.
પોપ લીઓ દસમાએ આ ૯૫ સિદ્ધાંતોનો વિરોધ કર્યો. તેમ જ, લ્યૂથરને ધમકી આપી કે જો તે આ ૯૫ સિદ્ધાંતો પાછા નહિ ખેંચે, તો તેને નાત બહાર કરશે. પરંતુ, લ્યૂથરે હિંમત હાર્યા વગર, પોપે આપેલા એ કાગળો પોપની સામે જ બાળી નાખ્યા. તેથી, ૧૫૨૧માં પોપ લીઓ દસમાએ લ્યૂથરને ચર્ચમાંથી કાઢી મૂક્યો. એ પછી, લ્યૂથરે ચાર્લ્સ પાંચમાંની આગળ દાવો કર્યો કે તેની સાથે અન્યાય થયો છે. તેનું સાંભળ્યા વગર જ
આ નિર્ણય લેવાયો છે. તેથી, ચાર્લ્સે તેને વૉર્મ્સ શહેરમાં એક મિટિંગમાં બોલાવ્યો. એપ્રિલ ૧૫૨૧માં, લ્યૂથરને વીટનબર્ગથી વૉર્મ્સ જતા ૧૫ દિવસ લાગ્યા. પરંતુ, એ તેના માટે એક જીત હતી. એ સમયે તેને લોકોનો પૂરો સાથ હતો. ચારે બાજુ ફક્ત તેની જ વાહ વાહ થતી હતી.લ્યૂથર વૉર્મ્સમાં રાજા, રાજકુંવરો અને પોપના રાજદૂતો સામે ઊભો થયો. જો કે યાન હસે પણ ૧૪૧૫માં કોન્સટન્સ શહેરમાં આ જ રીતે મિટિંગમાં જવું પડ્યું હતું. પરંતુ, તેને થાંભલા પર જીવતો બાળી મૂકવામાં આવ્યો હતો. હવે દરેકનું ધ્યાન લ્યૂથર પર ચોંટી ગયું હતું. પરંતુ, લ્યૂથરે હાર ન માની. તેણે વિરોધીઓને કહ્યું કે બાઇબલમાંથી મને બતાવો કે મારી ભૂલ ક્યાં છે. પરંતુ તેના જેટલું બાઇબલનું જ્ઞાન કોઈને ન હતું. તેથી, કોઈ તેને જીતી શક્યું નહિ. ત્યાર પછી, એક જાહેર હુકમ બહાર પડ્યો કે લ્યૂથરને નાત બહાર કરવામાં આવ્યો છે. તેમ જ, કાયદેસર તેના પર અને તેના લખાણો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ બધાથી હવે તેનું જીવન ખતરામાં આવી પડ્યું.
પછી, અચાનક એક એવો કિસ્સો બન્યો જેણે તેનું જીવન બદલી નાખ્યું. લ્યૂથર જ્યારે વિટેનબર્ગ શહેર પાછો ફરી રહ્યો હતો ત્યારે, સેક્સનીના ફ્રેડરિકે લ્યૂથરનું અપહરણ કર્યું. લ્યૂથરના દુશ્મનો તેને શોધી શક્યા નહિ. લ્યૂથરને વૉર્ટબર્ગના કિલ્લામાં સંતાડી દેવામાં આવ્યો. ત્યાં તેણે દાઢી વધારી, એક નવો જ વેશ ધારણ કરી લીધો. ત્યાર પછી તે યન્ક યોર્ગ તરીકે ઓળખાયો.
“સપ્ટેમ્બર બાઇબલ”
લ્યૂથર બીજા દસ મહિના સુધી, રાજા અને પોપથી બચી-બચીને વૉર્ટબર્ગના કિલ્લામાં રહ્યો. આ કિલ્લા વિષેનું એક પુસ્તક કહે છે: “લ્યૂથર આ કિલ્લામાં રહ્યો એ સમયમાં તેણે ખૂબ જ મહેનત કરી.” જેમ કે, ઈરેસમસના ગ્રીક શાસ્ત્રવચનોનું લ્યૂથરે જર્મન ભાષામાં ભાષાંતર કર્યું. લ્યૂથરનું આ ભાષાંતર ઘણું જ પ્રખ્યાત થયું. એ સપ્ટેમ્બર ૧૫૨૨માં બહાર પડ્યું. પરંતુ, એના ભાષાંતરકાર તરીકે લ્યૂથરનું નામ ન હતું. એના બદલે એ “સપ્ટેમ્બર બાઇબલ” તરીકે જાણીતું બન્યું. આ બાઇબલ ખૂબ જ મોંઘું હતું. એની કિંમત લગભગ દોઢ ગીલ્ડર એટલે, એ સમયમાં એક નોકરાણીને આપવામાં આવતા એક વર્ષના પગાર જેટલી હતી. તેમ છતાં, લોકો આ બાઇબલ લેવા માટે પડાપડી કરતા હતા. એક વર્ષમાં તો, એની ૬,૦૦૦ જેટલી કૉપી, બે આવૃત્તિમાં છપાઈ હતી. તેમ જ, એના ૧૨ વર્ષમાં બીજી લગભગ ૬૯ આવૃત્તિ છાપવામાં આવી.
માર્ટિન લ્યૂથરે, ૧૫૨૫માં કૅથેરીના વૉન બૉરા સાથે લગ્ન કર્યું, જે અગાઉ કેથલિક નન હતી. કૅથેરીના ખૂબ સારી પત્ની હતી, અને ઘર સારી રીતે સંભાળી શકતી હતી. તેથી, તે પોતાના પતિને પણ ખુશ રાખી શકતી હતી. લ્યૂથરના ઘરમાં ફક્ત તેની પત્ની અને છ બાળકો જ નહિ, પણ તેના મિત્રો, સ્કૉલરો અને બીજા રેફ્યુજી પણ રહેતા હતા. લ્યૂથરના પાછલા જીવનમાં લોકોએ તેને ઘણું માન આપ્યું. જેમ કે, જે કોઈ સ્કૉલરો તેને મળવા આવતા તેઓને તે સલાહ આપતો હતો. તેમ જ, તેઓ પણ પેન અને કાગળ લઈને તૈયાર રહેતા, જેથી લ્યૂથર જે કંઈ કહે એ તેઓ લખી લેતા. આ કાગળોને તેઓએ એક પુસ્તકની જેમ ભેગા કર્યા અને એને લ્યૂથરની સલાહ એવું નામ આપ્યું. એ અમુક સમય
સુધી જર્મન ભાષામાં ખૂબ જાણીતું બન્યું અને લોકોમાં બાઇબલ પછીનું આ પુસ્તક જાણીતું બન્યું.એક જોરદાર ભાષાંતરકાર અને લેખક
લ્યૂથરે ૧૫૩૪ સુધીમાં, હિબ્રુ શાસ્ત્રવચનોનું ભાષાંતર કરી નાખ્યું હતું. તેનામાં લખવાની કળા હતી તેમ જ, તેને વ્યાકરણનું પણ ઘણું જ્ઞાન હતું. એના લીધે, તે બાઇબલનું એટલું સરસ ભાષાંતર કરી શક્યો કે એને લોકો સરળતાથી સમજી શકતા હતા. તેનું ભાષાંતર આટલું સરસ શા માટે હતું? તે જણાવે છે: “એ માટે તમારે ઘરમાં કામ કરતી સ્ત્રીઓને, ગલીઓમાં રમતા બાળકોને તેમ જ બજારમાં જઈને માણસો સાથે વાતો કરવી જોઈએ. પછી, તેઓની ભાષામાં ભાષાંતર કરવું જોઈએ.” લ્યૂથરના બાઇબલની આ સરળ ભાષા પ્રખ્યાત બની ગઈ અને આખા જર્મનીમાં સાહિત્યમાં એ જ ભાષા વપરાવા લાગી.
લ્યૂથર ભાષાંતરકારની સાથે સાથે એક સારો લેખક પણ હતો. એમ માનવામાં આવે છે કે, તેણે પોતાના જીવનમાં દર બે અઠવાડિયે એક લેખ લખ્યો હતો. તેના અમુક લખાણો લેખક જેવા જ જોરદાર હતા. તેની ઉંમર થતી ગઈ છતાં પણ તેની લખવાની કળા જરાય બદલાઈ નહિ. અરે, તેની પાછલી જિંદગીનાં પુસ્તકો તો હજુ વધારે જોરદાર હતાં. એક પુસ્તક કહે છે કે, લ્યૂથરના પુસ્તકોમાં “જ્વાળામુખી જેવો ગુસ્સો દેખાઈ આવતો હતો.” તેમ જ, તેનામાં પ્રેમ કે નરમાશ જેવી કોઈ લાગણી ન હતી, પણ બસ “પોતાનું કામ પાર પાડવું એ જ તેના મનમાં હતું.”
જ્યારે ખેડૂતોએ રાજાઓ સામે બળવો પોકારી યુદ્ધ કર્યું ત્યારે, આખા દેશમાં લોહીની નદીઓ વહી ગઈ. આ યુદ્ધ વિષે લ્યૂથરને પૂછવામાં આવ્યું. આ ખેડૂતોએ પોતાની માંગો માટે જે કર્યું, એ શું બરાબર હતું? જો કે લ્યૂથર, લોકોને સારું લાગે એટલા માટે તેઓના પક્ષમાં બોલ્યો નહિ. તે જાણતો હતો કે પરમેશ્વરના સેવકોએ અધિકારીઓને આધીન રહેવું જોઈએ. (રૂમીઓને પત્ર ૧૩:૧) લ્યૂથરે હિંમતથી કહ્યું કે, આ યુદ્ધ રોકાવું જ જોઈએ. વળી, તેણે કહ્યું કે, “ભલે ગમે તે થાય, હડતાલ પાળો કે પછી ભલે ગોળીબાર કે ખૂનખરાબા થાય પણ આ યુદ્ધને રોકો.” હાન્સ લીલ્હે કહે છે કે, આ લ્યૂથરને બહુ જ મોંઘું પડી ગયું. તે “અત્યાર સુધી જે માન-સન્માન કમાયો, એ બધું જ તેણે ગુમાવી દીધું.” વધુમાં, લ્યૂથરે જે યહુદીઓ ખ્રિસ્તી બનવા ન માંગતા હતા તેઓ વિષે લખ્યું. ખાસ કરીને, તેના એક પુસ્તકમાં તેણે યહુદીઓનું જૂઠાણું ઉઘાડું પાડ્યું. એનાથી લોકોએ લ્યૂથરને યહુદીઓનો વિરોધી માની લીધો હતો.
લ્યૂથરનો વારસો
લ્યૂથર, કૅલ્વીન અને ઝ્વીન્ગ્લીએ જે વિરોધ કર્યો, એનાથી એક નવો જ ધર્મ પ્રોટેસ્ટંટ ધર્મ શરૂ થયો. લ્યૂથરે પ્રોટેસ્ટંટ ધર્મને જે વારસો આપ્યો હતો, એ વિશ્વાસ દ્વારા તારણ મેળવવું એવું શિક્ષણ હતું. તેણે જે સિદ્ધાંતો બનાવ્યા તે ક્યાં તો પ્રોટેસ્ટંટ કે કૅથલિક ધર્મના સિદ્ધાંતોને મળતા આવતા હતા. આમ, પ્રોટેસ્ટંટ ધર્મ ફેલાતો ગયો અને સ્કૅન્ડિનેવિયા, સ્વિટ્ઝરલૅન્ડ, ઇંગ્લૅન્ડ અને નેધરલેન્ડ્ઝમાં ખૂબ જ જાણીતો બન્યો. આજે, આ ધર્મના લાખો ભક્તો જોવા મળે છે.
ઘણાએ લ્યૂથરને સાથ ન આપ્યો પણ હજુ તેને માનની નજરે જુએ છે. અગાઉના જર્મન લોકશાહી પ્રજાસત્તાકે, એસ્લબન, ઍરફર્ટ, વીટનબર્ગ અને વૉર્ટબર્ગને કબજે કરી લીધા પછી, ૧૯૮૩માં લ્યૂથરનો ૫૦૦મો જન્મ દિવસ ઊજવ્યો. આખા દેશે લ્યૂથરને જર્મન ઇતિહાસ અને સંસ્કૃતિ માટે મહાન માણસ ગણ્યો. વધુમાં, ૧૯૮૦ના દાયકાના એક કૅથલિક પ્રોફેસરે નોંધ્યું કે, “લ્યૂથર પછી તેના જેવી કોઈ પણ વ્યક્તિ હજી સુધી થઈ નથી.” પ્રોફેસર ઍલૉન્ડે લખ્યું: “દર વર્ષે માર્ટિન લ્યૂથર અને તેના નવા ધર્મ પર કંઈક ૫૦૦ જેટલાં પુસ્તકો, દુનિયાની લગભગ બધી જ ભાષાઓમાં લખાઈ રહ્યાં છે.”
માર્ટિન લ્યૂથર ઘણો જ બુદ્ધિશાળી હતો અને તેની યાદશક્તિ પણ ખૂબ જ સરસ હતી. તેની પાસે શબ્દોનો ભંડાર હતો અને તે ખૂબ જ મહેનતુ હતો. પરંતુ, તે ખૂબ જ અધીરો હતો અને ગુસ્સે પણ જલદી ભરાઈ જતો હતો. તેમ જ, જો તે કોઈ પણ જાતનો ઢોંગ જોતો તો, ઝનૂની બની ફરી વળતો હતો. ફેબ્રુઆરી ૧૫૪૬માં ઍસલ્બનમાં તે મરણની અણી પર હતો. તેના મિત્રોએ તેને પૂછ્યું કે, જે શિક્ષણ તેણે લોકોને શીખવ્યું એને જીવનની આ છેલ્લી ઘડીએ પણ શું તે માને છે? જવાબમાં લ્યૂથરે કહ્યું: “હા.” લ્યૂથર તો મરણ પામ્યો પણ હજુ ઘણા તેના શિક્ષણને વળગી રહ્યા છે.
[પાન ૨૭ પર ચિત્ર]
લ્યૂથરે પોપના લૂંટવાના ધંધાનો વિરોધ કર્યો
[ક્રેડીટ લાઈન]
Mit freundlicher Genehmigung: Wartburg-Stiftung
[પાન ૨૮ પર ચિત્ર]
વિરોધીઓ તેને બાઇબલમાંથી ખોટો સાબિત કરે તો જ, લ્યૂથર પોતાની માન્યતા પાછી ખેંચવા તૈયાર થયો
[ક્રેડીટ લાઈન]
સ્ટોરી ઑફ લિબર્ટિ, ૧૮૭૮ પુસ્તકમાંથી
[પાન ૨૯ પર ચિત્ર]
વૉર્ટબર્ગના કિલ્લામાં લ્યૂથરનો રૂમ, જ્યાં તેણે બાઇબલનું ભાષાંતર કર્યું
[ક્રેડીટ લાઈન]
બંને ચિત્રો: Mit freundlicher Genehmigung: Wartburg-Stiftung
[પાન ૨૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
માર્ટિન લ્યૂથર, પ્રોટેસ્ટંટ ધર્મનો પિતા, ત્રીજી આવૃત્તિ, ટોરન્ટો વીલાર્ડ ટ્રેક્ટ ડીપોસીટરી, ટોરન્ટો ઑન્ટેરિયો દ્વારા પ્રકાશિત
[પાન ૩૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
પ્રોટેસ્ટંટ ધર્મનો ઇતિહાસ (વોલ્યુમ ૧) પુસ્તકમાંથી