સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુક્રેઇનના યહોવાહના સાક્ષીઓ—તરફથી ઉત્તેજન

યુક્રેઇનના યહોવાહના સાક્ષીઓ—તરફથી ઉત્તેજન

યુક્રેઇનના યહોવાહના સાક્ષીઓ—તરફથી ઉત્તેજન

પ્રથમ સદીની જેમ, આજે પણ પરમેશ્વરના લોકો સતાવણી સહન કરી રહ્યા છે. (માત્થી ૧૦:૨૨; યોહાન ૧૫:૨૦) યુક્રેઇનમાં યહોવાહના રાજ્યનો શુભ સંદેશ ફેલાવવાનું કાર્ય બાવન વર્ષ સુધી બંધ હતું.

યહોવાહના સાક્ષીઓની ૨૦૦૨ની યરબુકમાં યુક્રેઇનમાં પરમેશ્વરના લોકો વિષેનો અહેવાલ જોવા મળે છે. સતાવણીમાં આ ભાઈબહેનો હિંમત હાર્યા નહિ. એના બદલે તેઓનો વિશ્વાસ વધતો ગયો. યુક્રેઇન બ્રાંચ ઑફિસને અનેક દેશોમાંથી આ ભાઈબહેનોની પ્રશંસા કરતી કોમેન્ટ મળી. ચાલો આપણે એમાંના અમુક જોઈએ:

“મેં ૨૦૦૨ની યરબુક આખી વાંચી કાઢી. યુક્રેઇનમાં થતા કાર્યો વિષે વાંચતા મારા આંખમાંથી આંસુ સરી પડ્યા. મને ભાઈબહેનોના વિશ્વાસ અને હિંમતથી ઘણું ઉત્તેજન મળ્યું છે. તેઓ મારા ભાઈબહેનો છે એનો મને ખૂબ ગર્વ છે. હું તેઓને દિલથી કદર કરું છું.”—ઍન્ડ્રા ફ્રાંસ.

“૨૦૦૨ની યરબુક માટે હું યહોવાહ અને તમારો ખૂબ આભાર માનું છું. મેં ઘણા અનુભવો વાંચ્યા જેમાં, ભાઈબહેનોએ પોતાની યુવાની, જેલમાં અને જુલમી છાવણીમાં વિતાવી. આ અનુભવો વાંચતા મારી આંખમાં પાણી આવી ગયું. હું તેઓની હિંમતની દાદ આપું છું. જોકે હું ૨૭ વર્ષથી યહોવાહની સાક્ષી છું પણ, એ ભાઈબહેનોના અનુભવમાંથી હજુ વધારે શીખી શકી. તેઓના લીધે યહોવાહમાં મારો વિશ્વાસ વધુ દૃઢ થયો છે.”—વેરા, અગાઉના યુગોસ્લાવિયા.

“સતાવણીના વર્ષો દરમિયાન તમે જે વિશ્વાસ અને ધીરજ બતાવી એનાથી મને ઘણી ખુશી થઈ. ખરેખર, તમે યહોવાહમાં પૂરો ભરોસો મૂક્યો અને તેમને વફાદાર રહ્યા. હું તમારી ખૂબ પ્રશંસા કરું છું. વધુમાં, તમારા અનુભવો વાંચવાથી, યહોવાહમાં મારો ભરોસો દૃઢ થયો છે કે તે ક્યારેય આપણે છોડી દેતા નથી. તમે લોકોએ હિંમત, વફાદારી અને વિશ્વાસનું સારું ઉદાહરણ બેસાડ્યું છે! તમારા દાખલાથી હું હવે નાની કસોટીઓ સહેલાઈથી સહી શકું છું.”—હીઆટા, ફ્રેન્ચ પૉલૅનેશિયા.

“યરબુક વાંચ્યા પછી મને થયું કે મારે તમને પત્ર લખવું જ જોઈએ. એમાં આપેલા અનુભવો મારા દિલમાં ઉતરી ગયા. મને ખૂબ ગર્વ થાય છે કે હું યહોવાહના સંગઠનમાં છું. ખરેખર, યહોવાહ એક પ્રેમાળ પિતાની જેમ આપણું ધ્યાન રાખે છે. તે આપણને ગમે તે સંજોગોમાં શક્તિ પણ આપે છે. યહોવાહની સેવા કરતા જોશીલા ભાઈબહેનોએ ઘણું સહન કર્યું છે. વળી કેટલાકે તો પોતાનું જીવન ગુમાવ્યું છે એનાથી મને ઘણું દુઃખ થાય છે. પરંતુ, તેઓનો દાખલો હજુ જીવતો છે, કેમ કે તેઓએ જે હિંમત બતાવી એનાથી ઘણા લોકો યહોવાહ વિષેનું સત્ય જાણી શક્યા. એ કારણે મને ઘણી ખુશી થાય છે.”—કૉલેટ, નેધરલૅન્ડ.

“મારી પત્ની અને મેં યરબુકમાં યુક્રેઇનનો અહેવાલ વાંચ્યો. એનાથી અમારા દિલ પર ઊંડી અસર થઈ. તમે લાંબી સતાવણી સહન કરીને સહનશીલતાનો સારો દાખલો બેસાડ્યો છે. નીતિવચનો ૨૭:૧૧ના શબ્દો પ્રમાણે યહોવાહના દિલને એ જાણીને કેટલી ખુશી થઈ હશે કે યુક્રેઇનમાં ઘણા વિશ્વાસુ ભાઈબહેનોએ શેતાને પાથરેલી સતાવણીની જાળમાં ફસાયા નહિ.”—ઍલન, ઑસ્ટ્રેલિયા.

“યુક્રેઇનના ભાઈઓ વિષે વાંચીને મારી આંખોમાં પાણી આવી ગયું. તેઓ જેલમાં ગયા, ખૂબ સતાવણી સહન કરી. એટલું જ નહિ, તેઓ પોતાના કુટુંબથી પણ વિખૂટાં પડી ગયા હતા. ખરેખર, તેઓએ કેટલું બધું સહન કર્યું! હું સર્વ ભાઈબહેનોને કહેવા માંગુ છું કે હું તમને ખૂબ પ્રેમ કરું છું, તેમ જ તમારી કદર પણ કરું છું. તમારી હિંમત અને વફાદારીથી મને ઘણું ઉત્તેજન મળ્યું છે. હું જાણું છું કે તમે યહોવાહની શક્તિથી આ બધું સહન કરી શક્યા. સાચે જ, યહોવાહ આપણી નજીક છે, અને તે આપણને મદદ કરે છે.”—સારગઈ, રશિયા.

“હું ૨૦૦૨ની યરબુક વાંચીને રડી પડી. અમારા મંડળના ઘણા ભાઈબહેનો તમારા વિષે વાત કરે છે. ખરેખર, તમે અમને ઘણા વહાલા છો. હું યહોવાહના કુટુંબનો ભાગ હોવાથી ઘણી ખુશ છું.”—યૅનહી, દક્ષિણ કોરિઆ.

“યહોવાહ અને તેમના રાજ્ય માટેનો તમારો વિશ્વાસ, ધીરજ અને પ્રેમ જોઈને મને ખરેખર ઘણું ઉત્તેજન મળ્યું છે. ઘણી વાર આપણે ભૂલી જઈએ છીએ કે યહોવાહ આપણને કેટલું આપે છે. તેમ જ અમુક વાર આપણે વિચાર પણ નથી કરતા કે પ્રચાર કરવા આપણી પાસે કેટલી છૂટ છે. પરંતુ, તમારા કિસ્સામાં એવું બન્યું નથી. તમારા દાખલામાંથી મને એ જાણવા મળ્યું કે જો આપણે યહોવાહ નજીક રહીએ, તો તે કોઈ પણ સતાવણીમાં આપણને શક્તિ આપશે.”—પૉલો, બ્રાઝિલ.

“મેં ૨૦૦૨ની યરબુકમાંથી તમારા અનુભવો વાંચ્યા હતા. એનાથી મારા દિલને ઘણું ઉત્તેજન મળ્યું. ખાસ કરીને લીડીયા કુરડસનો અનુભવ મારા દિલને સ્પર્શી ગયો. જાણે આ બહેન સાથે મારો ગાઢ સંબંધ હોય એમ મને લાગે છે.”—નીધ્યા, કૉસ્ટા રીકા.

“આજે મેં ૨૦૦૨ની યરબુક આખી વાંચી કાઢી. એનાથી યહોવાહમાં મારો વિશ્વાસ વધારે મજબૂત થયો. સંગઠનમાં અનેક વડીલો પર શંકા કરવામાં આવી હતી, એમાંથી મને શીખવા મળ્યું કે આપણે ક્યારેય પણ વડીલો પર શંકા કરવી જોઈએ નહીં. હું આ અહેવાલ ક્યારેય ભૂલીશ નહી. આ પાઠ માટે આભાર માનવાને મારી પાસે શબ્દો નથી! આ કહાણીઓથી મને ઘણું ઉત્તેજન મળ્યું. તેમ જ, આપણા બધા પર વિશ્વાસની કસોટી આવશે ત્યારે, આપણે તૈયાર રહીશું.”—લૅટેસ્યા, યુનાઈટેડ સ્ટેટસ.

“યરબુક માટે અમે તમારા ઘણા આભારી છીએ. યુક્રેઇનમાં આપણા ભાઈબહેનો વિષે ઘણા પ્રકાશકોએ પહેલી વાર વાંચ્યું. આ મંડળમાં ભાઈબહેનોને ઘણું ઉત્તેજન મળ્યું. ખાસ કરીને યુવાનોએ યહોવાહની સેવા કરવામાં વધારો કર્યો છે. અમુક નિયમિત કે સહાયક પાયોનિયરીંગ કરવાનું શરૂ કર્યું છે. પ્રતિબંધમાં આ વફાદાર ભાઈબહેનોએ યહોવાહની સેવા કરી, તેઓના અહેવાલમાંથી બધાને ઉત્તેજન મળ્યું.”—એક મંડળની સર્વિસ કમિટી, યુક્રેઇન.

દુનિયાભરમાં યહોવાહના સાક્ષીઓને યુક્રેઇનના વફાદાર ભાઈબહેનોના દાખલામાંથી ઉત્તેજન મળ્યું છે. જો તમે દર વર્ષે યરબુક વાંચશો તો, આ જગતના અંતના દિવસોમાં તમારો વિશ્વાસ મજબૂત થતો જશે.—હેબ્રી ૧૨:૧.