સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘હે ઈશ્વર! શા માટે?’

‘હે ઈશ્વર! શા માટે?’

‘હે ઈશ્વર! શા માટે?’

નવેમ્બર ૧, ૧૭૫૫ના સવારે, પોર્ટુગલના લીસબન શહેરમાં એક મોટો ભૂકંપ થયો. એ દિવસે મોટા ભાગના લોકો ચર્ચમાં હતા. એક જ પળમાં હજારો મકાનો, પત્તાનાં ઘરની જેમ પડી ગયાં. હજારો લોકો દબાઈ મર્યા.

એ આફતના થોડા સમય પછી, એક ફ્રેંચ કવિ વૉલ્ટૅરે, એ આફત પર એક કવિતા લખી. એમાં તેમણે કહ્યું કે, ઈશ્વર લોકોને સજા કરવા માટે કંઈ આ આફત લાવ્યા ન હતા. વધુમાં, આવી આફતો શા માટે આવે છે એ કોઈ જાણતું નથી. વળી, એ સમજવું એ આપણું કામ નથી. આથી, તેમણે કાવ્યમાં લખ્યું:

પૂછીએ અમે ઈશ્વરને ‘શા માટે?’ ‘શા માટે?’

પણ સંભળાય છે અમને પડઘો અમારો. ‘હે ઈશ્વર! જવાબ આપો, જવાબ આપો!’

ફક્ત આ કવિ જ નહિ, પણ માણસજાતની શરૂઆતથી લાખો લોકો આફતો જોઈને પૂછે છે કે ‘ઈશ્વર ક્યાં છે?’ લગભગ ૩,૬૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા ભલા માણસ, અયૂબનો વિચાર કરો. તેમને ઘણાં બાળકો હતાં. વળી, તે પોતે ખૂબ ધનવાન પણ હતા. પરંતુ, એક જ પળમાં તેમનાં બધા બાળકો ગુજરી ગયાં. એક જ દિવસમાં તે રાજામાંથી રંક પણ બની ગયા. ખૂબ જ બીમારીમાં તેમણે રડતાં રડતાં કહ્યું, ‘હે ઈશ્વર તમે કેમ દુઃખીઓને પ્રકાશ, અને નિરાશ થઈ ગએલાઓને જીવન આપો છો?’ (અયૂબ ૩:૨૦) આજે નિર્દોષ લોકો પર, એક પછી બીજી આફત આવે છે. એ જોઈને, શું તમે કદી એવું વિચારો છો કે, ‘ઈશ્વર શા માટે કંઈ કરતા નથી?’

ચારેબાજુ, હજારો લોકો દુકાળ અને બીમારીમાં સબળે છે, તેમ જ લડાઈના ભોગ બને છે. દરરોજ આવા સમાચાર સાંભળીને ઘણાને એવું લાગે છે કે, ‘ઈશ્વરને તો આપણી કંઈ જ પડી નથી.’ અરે, અમુક તો એમ પણ કહે છે કે ‘ઈશ્વર છે જ નહિ.’ એક ફિલસૂફે કહ્યું કે ‘કોઈ બાળક બીમારીથી પીડાતું હોય, તો એ ઈશ્વરનો જ વાંક છે. પરંતુ, કદાચ ઈશ્વર છે જ નહિ, એટલે જ આ બધું ચાલી છે.’ બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી લશ્કરોએ જુલમી જેલમાં લાખોને મારી નાખ્યા. એ મહા-ખૂનના બનાવ વિષે એક યહુદી લેખકે કહ્યું: ‘ઈશ્વર નથી. માણસને બચાવનાર કોઈ નથી. એટલે નાઝીના હાથે ખૂનની નદીઓ વહી છે.’ રુવાન્ડામાં ૧૯૯૪માં પણ લાખો લોકોની કતલ કરવામાં આવી. ફ્રાંસમાં મોટા ભાગના લોકો કૅથલિક છે, પણ રુવાન્ડાના બનાવો જોઈને ૧૯૯૭ના એક રિપોર્ટ પ્રમાણે ફ્રાંસના ૪૦ ટકા લોકો માનવા લાગ્યા કે ઈશ્વર છે જ નહિ.

ઈશ્વરમાંથી લોકોની શ્રદ્ધા લોપ થઈ ગઈ છે

શા માટે દુનિયામાં આવી ખરાબ હાલતને જોઈને ઈશ્વર કંઈ કરતા નથી? એક કૅથલિક લેખકે કહ્યું: ‘આ પ્રશ્નોનો જવાબ ન મળે ત્યાં સુધી લોકો ઈશ્વર પર શ્રદ્ધા મૂકશે નહિ.’ પછી, તેમણે પોતે પૂછ્યું: “લાખો નિર્દોષ લોકો મરી જાય છે. અરે, અમુક દેશોમાં આખીને આખી જાતિનું નામોનિશાન કાઢી નાખવામાં આવે છે. વળી, ઈશ્વર આ બધું જોઈ રહ્યા છે, પણ કંઈ કરતા નથી. તોપછી, શા માટે આપણે ઈશ્વરમાં માનવું જોઈએ?”

એક કૅથલિક છાપાએ બતાવ્યું: ‘લાખો લોકો આફતોમાં, બોમ્બથી કે ગુનેગારોના હાથે મરી જાય છે. અરે, આપણા સગા કે મિત્રોમાંથી પણ કોઈ બીમારીના લીધે ગુજરી જાય છે. આ બધું જોઈને સર્વ લોકો આકાશ તરફ પોકારે છે: “હે ઈશ્વર! શા માટે આ થયું? જવાબ આપો! તમે કેમ શાંત રહો છો.”’

આ પ્રશ્નોના જવાબ આપતા પોપ જોન પોલ બીજાએ ૧૯૮૪માં એક પત્રમાં લખ્યું: ‘આપણે આંખ ખોલીને પૃથ્વી, અરે વિશ્વ જોઈએ ત્યારે આપણે કહીએ છીએ કે ઈશ્વર મહાન છે! તેમના જેવું બુદ્ધિમાન કે શક્તિશાળી બીજું કોઈ નથી. પરંતુ, દરરોજના દુઃખો અને દુષ્ટતા, આંખના મોતિયા જેવી છે, જે ઈશ્વર વિષે આપણી નજર ઝાંખી બનાવી દે છે.’

બાઇબલ કહે છે કે ઈશ્વર પ્રેમના સાગર છે. તેમ જ, તે સર્વ શક્તિમાન છે. પરંતુ, જો ઈશ્વર ખરેખર એવા હોય, તો તે શા માટે આપણને દુઃખમાં જીવવા દે છે? શું તે કોઈ પણ આફતમાંથી આપણને બચાવી શકે છે? શું ઈશ્વર આપણા માટે કંઈ કરે છે? વૉલ્ટૅરની કવિતા પ્રમાણે શું તમે પણ કહો છો: ‘હે ઈશ્વર! જવાબ આપો, જવાબ આપો!’ આ પ્રશ્નોના જવાબ હવે પછીના લેખમાંથી મળશે.

[પાન ૩ પર ચિત્ર]

વૉલ્ટૅરે કહ્યું કે ૧૭૫૫માં લીસબનમાં થયેલા ભૂકંપને સમજવું આપણું કામ નથી

[ક્રેડીટ લાઈન્સ]

વૉલ્ટર: મહાન માણસો અને પ્રખ્યાત સ્ત્રીઓ (અંગ્રેજી) પુસ્તકમાંથી; લીસબન: J.P. Le Bas, Praça da Patriarcal depois do terramoto de 1755. Foto: Museu da Cidade/Lisboa

[પાન ૪ પર ચિત્ર]

રુવાન્ડામાં અને એના જેવી મોટી કતલો જોઈને ઘણા માને છે કે ઈશ્વર છે જ નહિ

[ક્રેડીટ લાઈન]

AFP PHOTO