યહોવાહ પરમેશ્વરને મહિમા આપો માણસોને નહિ
યહોવાહ પરમેશ્વરને મહિમા આપો માણસોને નહિ
“યહોવાહ પરમેશ્વરને મહિમા આપો,” યહોવાહના સાક્ષીઓનું આ ડિસ્ટ્રીક્ટ સંમેલન છેલ્લા થોડાક મહિનાઓમાં આખી દુનિયા ફરતે યોજાઈ ગયું. એમાં દુનિયાભરના લોકો શીખ્યા કે પરમેશ્વરને કઈ રીતે મહિમા આપવો. ચાલો આપણે ફરીથી એની યાદ તાજી કરીએ.
મોટા ભાગે આ કાર્યક્રમ ત્રણ દિવસનો હતો. પરંતુ, દેશ-વિદેશથી ભેગા મળેલા ભાઈ-બહેનો માટે ચાર દિવસનું ઇન્ટરનેશનલ સંમેલન હતું. આ સંમેલનમાં લગભગ ૩૦ વિષયો પર ચર્ચા થઈ. એમાં ટૉક આપવામાં આવી. વિશ્વાસ દૃઢ કરતા અનુભવો કહેવાયા. બાઇબલ જીવનમાં કઈ રીતે લાગુ પાડવું, એ દૃશ્યો દ્વારા બતાવવામાં આવ્યું. વળી, પહેલી સદીમાં ખ્રિસ્તીઓની મુશ્કેલીઓ વિષે જણાવતું, એક નાટક પણ થયું હતું આવ્યું. તમે આમાંના કોઈ એક સંમેલનમાં ગયા હોવ તો, આ લેખની સાથે સાથે તમારી યાદી પણ તાજી કરી શકો છો.
પહેલો દિવસ: ‘ફક્ત યહોવાહ જ મહિમા પામવાને યોગ્ય છે’
પહેલા દિવસનું સંમેલન ગીત અને પ્રાર્થનાથી શરૂ થયું. પછી, પહેલી ટૉક આ વિષય પર હતી: “પરમેશ્વરને મહિમા આપવા ભેગા થયેલા.” એ ટૉકમાં ભાઈએ પ્રકટીકરણ ૪:૧૧માંથી આખા સંમેલનનો મુખ્ય વિચાર બતાવ્યો કે આપણે કઈ રીતે પરમેશ્વરને મહિમા આપી શકીએ. પરમેશ્વરને મહિમા આપવાનો અર્થ શું થાય? તેમણે ગીતશાસ્ત્રમાંથી એનો અર્થ બતાવ્યો કે આપણે તેમને ‘ભજીએ અને તેમનો આભાર’ માનીએ.—ગીતશાસ્ત્ર ૯૫:૬; ૧૦૦:૪, ૫; ૧૧૧:૧, ૨.
બીજી ટૉકનો વિષય હતો: “પરમેશ્વરને મહિમા આપનારાને આશીર્વાદ મળશે.” ભાઈએ એ પણ જણાવ્યું કે આજે ૬૦,૦૦,૦૦૦ કરતાં વધારે યહોવાહના સાક્ષીઓ ૨૩૪ દેશોમાં છે. તેઓ રાત-દિવસ યહોવાહની સેવા કરી રહ્યા છે. (પ્રકટીકરણ ૭:૧૫) આ ટૉકમાં મિશનરી ભાઈ-બહેનોના ઇન્ટર્વ્યૂં લેવામાં આવ્યા. તેઓના અનુભવથી દરેકને ખૂબ જ ખુશી થઈ.
ત્યાર પછી, “પરમેશ્વરની સૃષ્ટિ તેમને મહિમા આપે છે,” વિષય પર ટૉક હતી. એમાં જણાવાયું કે આકાશો તો બોલી શકતા નથી, છતાં તેઓ પરમેશ્વરને મહિમા આપે છે. શું એ જોઈને આપણને યશાયાહ ૪૦:૨૬.
યહોવાહની વાહ-વાહ કરવાનું મન નથી થતું?—આજે સતાવણી, વિરોધ, શેતાની જગત અને આપણા પોતાના પાપી વલણને કારણે, આપણા વિશ્વાસની રોજ પરીક્ષા થાય છે. તેથી, “સચ્ચાઈના માર્ગ પર ચાલો” એ ટૉકે દરેકને ઘણી જ હિંમત આપી. એમાં ગીતશાસ્ત્રના ૨૬માં અધ્યાયની દરેક કલમની સમજણ મળી. ત્યાર પછી, સ્કૂલમાં ભણતા એક સાક્ષીનું ઇન્ટર્વ્યૂં લેવામાં આવ્યું, જેમાં તેણે જણાવ્યું કે યહોવાહના ધોરણો જાળવી રાખવા, તેણે કઈ રીતે પોતાનું મન મક્કમ રાખ્યું. વળી, બીજા એક સાક્ષીના ઇન્ટર્વ્યૂંમાં તેણે જણાવ્યું કે કઈ રીતે પોતે મોજશોખ પાછળ ખૂબ સમય બગાડતા હતા, પણ હવે તે પોતાના સમયનો સારો ઉપયોગ કરે છે.
સવારના કાર્યક્રમમાં છેલ્લે મુખ્ય ટૉક હતી. એનો વિષય હતો: “ભવિષ્યવાણી આપણને ઉત્તેજન આપે છે.” ભાઈએ પ્રબોધક દાનીયેલ, પ્રેષિત યોહાન અને પીતરના દાખલા આપ્યા. મસીહના રાજ્યની શરૂઆત અને એની અસર વિષેના સંદર્શન કે સપના દ્વારા તેઓનો વિશ્વાસ દૃઢ થયો. કદાચ જેઓનો વિશ્વાસ ઠંડો પડવા માંડ્યો હોય, તેઓને ઉત્તેજન આપતા ભાઈએ કહ્યું: “ખ્રિસ્તનું રાજ મનમાં રાખો અને એમ યહોવાહની સેવામાં ઉત્સાહી બનો.”
બપોરના કાર્યક્રમમાં પહેલી ટૉકનો વિષય હતો: “નમ્ર લોકો યહોવાહનો મહિમા જુએ છે.” ભાઈએ જણાવ્યું કે યહોવાહ આખા વિશ્વના પરમેશ્વર હોવા છતાં કેવી નમ્રતા બતાવે છે. (ગીતશાસ્ત્ર ૧૮:૩૫) નમ્ર વ્યક્તિઓ પર યહોવાહની કૃપા છે. પરંતુ, જેઓ ફક્ત નમ્રતાનો ઢોંગ કરે છે, તેઓને યહોવાહ નફરત કરે છે.—ગીતશાસ્ત્ર ૧૩૮:૬.
ત્યાર પછીની ટૉક ત્રણ ભાગમાં હતી. એનો મુખ્ય વિષય હતો: “આમોસની ભવિષ્યવાણી—આપણા માટે સંદેશો.” પહેલા ભાગનો વિષય હતો: “હિંમતથી પ્રચાર કરો.” ભાઈએ આમોસનો દાખલો આપતા કહ્યું કે આપણે પણ યહોવાહના દિવસની ચેતવણી આપવાની છે. બીજા ભાગમાં ભાઈએ એક પ્રશ્ન પૂછ્યો: “શું યહોવાહ દુષ્ટતા અને દુઃખોનો અંત લાવશે?” તેમની ટૉકનો વિષય હતો: “દુષ્ટોનો યહોવાહ ચોક્કસ ન્યાય કરશે.” ભાઈએ જણાવ્યું કે પરમેશ્વરનો ન્યાય યોગ્ય છે અને એ ચોક્કસ આવશે જ. ત્રીજા ભાગનો વિષય હતો: “યહોવાહ હૃદય જુએ છે.” એમાં આપણે શીખ્યા કે યહોવાહને પૂરા દિલથી ચાહનારા લોકોએ આમોસ ૫:૧૫ને મનમાં રાખવું જોઈએ: “ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો.”
ત્યાર પછી ભાઈએ “દારૂડિયા ન બનો,” એ વિષય પર ટૉક આપી. એ ટૉકે જણાવ્યું કે શરાબ આપણા દિલને ખુશ કરે છે. પણ ઘણા લોકો એનો ખોટી રીતે ઉપયોગ કરે છે. વળી, ભાઈએ એ પણ જણાવ્યું કે દારૂડિયા ન બનીએ તોપણ, વધારે પડતો દારૂ પીવાથી ઘણું નુકસાન થઈ શકે. એ આપણી તબિયત બગાડી શકે, અને યહોવાહની સેવામાં પણ કાંટારૂપ બની શકે છે. દરેક વ્યક્તિ કેટલો શરાબ પી શકે એ તેના પોતાના પર આધાર રાખે છે. પરંતુ, જે ‘સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિને’ નુકસાન કરે, એ ચોક્કસ ખરાબ છે.—નીતિવચનો ૩:૨૧, ૨૨.
ત્યાર પછીની ટૉકનો વિષય હતો: ‘મુશ્કેલીના સમયોમાં યહોવાહ આપણું રક્ષણ કરે છે.’ ખરેખર, આ ટૉકથી દરેકને ખૂબ જ દિલાસો મળ્યો, કારણ કે આપણે સંકટના સમયોમાં જીવીએ છીએ. પરંતુ પ્રાર્થના, પવિત્ર આત્મા અને ભાઈ-બહેનોના સાથથી, આપણે કોઈ પણ મુશ્કેલી સહન કરી શકીએ છીએ.
એ દિવસની છેલ્લી ટૉક હતી: “‘ઉત્તમ દેશ’—સુંદર પૃથ્વીની એક ઝલક” આ ટૉકમાં એક સરસ પુસ્તિકા બહાર પાડવામાં આવી, જેમાં બાઇબલના સમયના ઘણા નકશા છે. એ પુસ્તિકાનો વિષય છે: સી ધ ગુડ લેન્ડ (અંગ્રેજી).
બીજો દિવસ: “યહોવાહના મહિમા વિષે સર્વ લોકોને જણાવો”
સૌ પ્રથમ, દરરોજના વચનની ચર્ચા થઈ. ત્યાર પછીની ટૉક ત્રણ ભાગોમાં હતી, જેનો વિષય હતો: “યહોવાહના મહિમા વિષે લોકોને જણાવતા રહો.” પહેલા ભાગનો વિષય હતો: “બધે જ પ્રચાર કરો.” એમાં ભાઈ-બહેનોએ પ્રચારના અનુભવો જણાવ્યા.
બીજા ભાગનો વિષય હતો: “લોકોને સચ્ચાઈ બતાવવી.” એમાં ફરી મુલાકાત કઈ રીતે લેવી એ દૃશ્ય દ્વારા બતાવાયું. ત્રીજા ભાગનો વિષય હતો: “ઉત્સાહથી પ્રચાર કરીએ.” આ ટૉકમાં ભાઈ-બહેનોના પ્રચારના અનુભવો વિષે ઇન્ટર્વ્યૂં લેવાયા.ત્યાર પછી, બીજી ટૉક આપવામાં આવી જેનો વિષય હતો: “કોઈ કારણ વગર સતાવણી થવી.” એમાં એવા ભાઈ-બહેનોના ઇન્ટર્વ્યૂં લેવામાં આવ્યા હતા જેઓ સતાવણીમાં પણ યહોવાહની મદદથી વિશ્વાસુ રહ્યા.
ત્યાર પછી બાપ્તિસ્માની ટૉક આવી જેનો વિષય હતો: “આપણા સમર્પણ પ્રમાણે જીવવાથી યહોવાહને મહિમા મળે છે.” આ રીતે પાણીમાં ડૂબકી મારવાથી, બતાવે છે કે વ્યક્તિ પૂરેપૂરી રીતે યહોવાહને સમર્પણ થાય છે.
બપોરનો કાર્યક્રમ એક સરસ ટૉકથી શરૂ થયો, જેનો વિષય હતો: “ખ્રિસ્તની મહાનતાનો દાખલો લો.” આ ટૉકમાં ભાઈએ સરસ વાત કહી કે યહોવાહની સેવામાં ખ્રિસ્તે મહાનતાનો દાખલો બેસાડ્યો છે. આપણે પણ તેમના પગલે ચાલીએ. તેથી, એક ખ્રિસ્તીએ યહોવાહની સેવા લોકોની વાહ-વાહ મેળવવા કરવી જોઈએ નહિ. પણ પૂરા દિલથી યહોવાહની સેવા કરવી જોઈએ.
શું તમને કદી થાક લાગે છે? હા, ચોક્કસ આપણે બધા જ થાકી જઈએ છીએ. “થાકો છતાં હિંમત ન હારો,” એ ટૉકમાં બધાને ખૂબ જ ઉત્તેજન મળ્યું. આ ટૉકમાં અનુભવી ભાઈ-બહેનોના ઇન્ટર્વ્યૂં લેવામાં આવ્યા. તેઓએ જણાવ્યું કે કઈ રીતે તેઓ થાકી ગયા હોવા છતાં, યહોવાહની શક્તિથી ટકી રહ્યા છે.—એફેસી ૩:૧૬.
ઉદારતા આપોઆપ જ આવી જતી નથી, પણ કેળવવી પડે છે. આ વિષે ખૂબ જ સરસ ટૉક આપવામાં આવી, જેનો વિષય હતો: “ઉદાર બનો, બીજાઓને ખુશીથી સહાય કરો.” વક્તાએ એક પ્રશ્ન પૂછ્યો હતો: “શું આપણે ઘરડાં, બીમાર, ડિપ્રેસ હોય કે એકલા પડી ગયા હોય, એવા ભાઈ-બહેનો માટે સમય કાઢીએ છીએ?”
ત્યાર પછી, “અજાણ્યાનું કહેવું ન માનો” વિષય પર ટૉક આપવામાં આવી. આ ટૉકમાં ઈસુના શિષ્યોને ઘેટાં સાથે સરખાવ્યા. તેઓ ફક્ત “ઘેટાંપાળક” ઈસુનું જ કહેવું માને છે. તેઓ શેતાનનું કહેવું માનતા માનવ સંગઠનો, એટલે કે “અજાણ્યાઓનો સાદ” સાંભળતા નથી.—યોહાન ૧૦:૫, ૧૪, ૨૭.
જો એક રાગમાં ગાવું હોય તો બધાએ એક સાથે ગાવું પડે છે. એ જ રીતે, પરમેશ્વરને મહિમા આપવા માટે આખી દુનિયાના ભાઈ-બહેનોની એકતા જરૂરી છે. તેથી, “એક બનીને પરમેશ્વરને મહિમા આપો” એ ટૉકમાં ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી. એમાં જણાવવામાં આવ્યું કે કઈ રીતે આપણે બધા એક જ “શુદ્ધ હોઠો” દ્વારા બોલી શકીએ, અને “એકમતે” યહોવાહની સેવા કરી શકીએ.—સફાન્યાહ ૩:૯.
ત્યાર પછીની ટૉક બાળકો માટે હતી, જેનો વિષય હતો: “આપણા વ્હાલાં બાળકો—યહોવાહ પાસેથી ભેટ.” ખરેખર, આ ટૉકથી દરેક માબાપને ખૂબ જ ખુશી થઈ હશે. એ ટૉકમાં લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર નામનું નવું પુસ્તક પણ બહાર પડ્યું. આ પુસ્તક દરેક માબાપને પોતાનાં બાળકો સાથે બની શકે એટલો વધુ સમય પસાર કરવા મદદ કરશે.
ત્રીજો દિવસ: ‘જે કંઈ કરો એ ઈશ્વરના મહિમા માટે કરો’
સંમેલનના આ છેલ્લા દિવસે પણ દરરોજના વચનથી શરૂઆત થઈ. આ કાર્યક્રમનો પહેલો ભાગ ખાસ
કુટુંબો માટે હતો. સૌથી પહેલી ટૉકનો વિષય હતો: “માબાપો, તમારા કુંટુંબનો સંપ વધારો.” માબાપે કુટુંબની જીવન જરૂરિયાતો તો પૂરી પાડવાની જ છે. પરંતુ, દરેક માબાપ બાળકોને યહોવાહની સેવા કરતા શીખવે એ સૌથી મહત્ત્વની જવાબદારી છે.ત્યાર પછીની ટૉક યુવાનો માટે હતી, જેનો વિષય હતો: “યુવાનો કઈ રીતે યહોવાહની સેવા કરી રહ્યા છે.” ભાઈએ જણાવ્યું કે યુવાનો તો “ઓસ” અથવા ઝાકળ જેવા છે. ઘણા યુવાનો ખૂબ જોશીલા છે. મોટાઓને પણ તેઓની સાથે સાથે યહોવાહની સેવા કરવામાં આનંદ મળે છે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૩) આ ટૉકમાં ઘણા યુવાન ભાઈ-બહેનોના ઇન્ટર્વ્યૂં લેવામાં આવ્યા હતા.
આ વર્ષના નાટકનો વિષય હતો: “સખત વિરોધ હોવા છતાં પ્રચાર કરતા રહેવું.” એમાં ઈસુના પહેલી સદીના શિષ્યોનો કેટલો વિરોધ થયો હતો એ બતાવવામાં આવ્યું. આ નાટકમાંથી ઘણું શીખવા મળ્યું. ત્યાર પછી, એ નાટક વિષે ટૉક આપવામાં આવી. એનો વિષય હતો: “હિંમત હાર્યા વગર પ્રચાર કરતા રહો.” આ ટૉકમાં નાટક વિષે મહત્ત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી.
બધા જ રવિવારના જાહેર પ્રવચનની રાહ જોઈ રહ્યા હતા, જેનો વિષય હતો: “આજે કોણ પરમેશ્વરને મહિમા આપી રહ્યું છે?” આ ટૉકમાં ભાઈએ બતાવ્યું કે કઈ રીતે વૈજ્ઞાનિકો અને ધાર્મિક લોકો પરમેશ્વરને મહિમા આપવામાં નિષ્ફળ ગયા છે. આજે ફક્ત યહોવાહના સાક્ષીઓ જ યહોવાહ વિષે પ્રચાર કરીને, તેમને મહિમા આપી રહ્યા છે.
ત્યાર પછી, ચોકીબુરજ મૅગેઝિનમાંથી ચર્ચા થઈ. પછી, છેલ્લી ટૉક આપવામાં આવી, જેનો વિષય હતો: “સદા યહોવાહને મહિમા આપો.” યહોવાહને જ મહિમા આપવા ઉત્તેજન આપતા, બધાની સામે ૧૦ ઠરાવો રજૂ કરવામાં આવ્યા. દુનિયાભરનાં સંમેલનોમાં બધાએ “હા” જવાબ આપ્યો.
આમ, સંમેલન પૂરું થયું. દરેકના કાનોમાં ફક્ત એક જ અવાજ ગુંજતો હતો: “પરમેશ્વરને મહિમા આપો.” ચાલો આપણે યહોવાહની શક્તિ અને તેમની સંસ્થા દ્વારા તેમને સદા મહિમા આપતા રહીએ.
[પાન ૨૩ પર બોક્સ/ચિત્ર]
ઇન્ટરનેશનલ સંમેલનો
આ સંમેલનો ચાર દિવસનાં હતાં. આફ્રિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા, યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં એ રાખવામાં આવ્યાં હતાં. દુનિયાભરના યહોવાહના સાક્ષીઓને આ સંમેલનોમાં આવવા આમંત્રણ આપવામાં આવ્યું, જેથી “એકબીજાને ઉત્તેજન” મળે. (રૂમીઓને પત્ર ૧:૧૨, IBSI) ઘણા લોકોને પોતાના જૂના મિત્રોને મળીને ખૂબ આનંદ થયો જ્યારે કે અમુકે નવા મિત્રો કર્યા. આ સંમેલનમાં એક ખાસ કાર્યક્રમ હતો: “બીજા દેશોના સમાચાર.”
[પાન ૨૫ પર બોક્સ/ચિત્ર]
પરમેશ્વરને મહિમા આપતા નવા પુસ્તકો
“યહોવાહ પરમેશ્વરને મહિમા આપો” સંમેલનમાં આપણને સી ધ ગુડ લેન્ડ નામની ૩૬ પાનાની પુસ્તિકા મળી. એમાં બાઇબલ સમયના બધા જ નકશા અને રંગીન ચિત્રો છે. એમાં આશ્શૂર, બાબેલોન, માદાય-ઈરાન, ગ્રીસ અને રોમના નકશા છે. વળી, ઈસુનું પ્રચાર કાર્ય અને ખ્રિસ્તીઓ ક્યાં ક્યાં ફેલાયા એના નકશા પણ જોવા મળે છે.
લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર નામનું ૨૫૬ પાનાનું પુસ્તક પણ આપણને મળ્યું. એમાં ૨૩૦ ચિત્રો છે. ખરેખર, બાળકો એ ચિત્રોથી અને પ્રશ્નોથી ઘણું જ શીખી શકશે. શેતાન બધા બાળકોને બગાડવા માંગે છે, તેઓના મન ખરાબ વિચારોથી ભરી દેવા માંગે છે. પણ આ પુસ્તક બાળકોને એનો સામનો કરવા તૈયાર કરશે.
[પાન ૨૩ પર ચિત્ર]
મિશનરીઓએ સરસ અનુભવો જણાવ્યા
[પાન ૨૪ પર ચિત્ર]
“યહોવાહ પરમેશ્વરને મહિમા આપો” સંમેલનમાં બાપ્તિસ્મા મહત્ત્વનો ભાગ હતું
[પાન ૨૪ પર ચિત્ર]
બધા જ ભાઈ-બહેનોએ ડ્રામાનો આનંદ માણ્યો